પ્રધાનમંત્રીનું કાર્યાલય
‘મન કી બાત’ (102મો હપ્તો) પ્રસારણ તારીખ :18.06.2023
Posted On:
18 JUN 2023 12:03PM by PIB Ahmedabad
મારા વહાલા દેશવાસીઓ, નમસ્કાર, મન કી બાતમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. આમ તો, મન કી બાત દર મહિનાના છેલ્લા રવિવારે હોય છે, પરંતુ આ વખતે એક અઠવાડિયું વહેલા થઇ રહી છે. આપ સૌ જાણો છો જ કે, આવતા અઠવાડિયે હું અમેરિકામાં હોઇશ, અને ત્યાં ઘણીબધી દોડાદોડ પણ રહેશે. અને એટલા માટે મેં વિચાર્યું કે, ત્યાં જતાં પહેલાં તમારી સાથે વાત કરી લઉં. અને તેનાથી વધુ સારૂં શું હોય કે, જનતા જનાર્દનના આશિર્વાદ, તમારી પ્રેરણા મળવાથી મારી ઉર્જા પણ વધતી રહેશે.
સાથીઓ, ઘણા લોકો કહે છે કે, પ્રધાનમંત્રીના તરીકે મેં આ સારૂં કામ કર્યું, પેલું મોટું કામ કર્યું. મન કી બાતના કેટલાય શ્રોતાઓ પોતાના પત્રોમાં ઘણીબધી પ્રશંસા કરે છે. કોઇ કહે છે આ કહ્યું, કોઇ કહે છે પેલું કર્યું, આ સારૂં કર્યું, પેલું વધારે સારૂં કર્યું, આ બહેતર કર્યું, પરંતુ હું જયારે ભારતના અદના માનવીના પ્રયાસ તેમની મહેનત, તેમની ઇચ્છાશક્તિને જોઉં છું તો હું ખુદ અભિભૂત થઇ જાઉં છું. મોટામાં મોટું લક્ષ્ય હોય, મુશ્કેલમાં મુશ્કેલ પડકાર હોય, ભારતના લોકોનું સામૂહિક બળ, સામૂહિક શક્તિ દરેક પડકારનો ઉકેલ લાવી દે છે. હજી હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં આપણે જોયું કે, દેશના પશ્ચિમ કિનારે કેટલું મોટું વાવાઝોડું આવ્યું, તોફાની પવન, ભારે વરસાદ. વાવાઝોડા બિપરજોયે કચ્છમાં કેટલું બધું ખેદાનમેદાન કરી નાંખ્યું, પરંતુ કચ્છના લોકોએ જે હિંમત અને તૈયારીની સાથે આટલા ખતરનાક વાવાઝોડાનો સામનો કર્યો તે પણ એટલું જ અભૂતપૂર્વ છે. બે દિવસ પછી કચ્છવાસીઓ પોતાનું નવું વર્ષ એટલે કે, અષાઢી બીજ પણ ઉજવવા જઇ રહ્યા છે. આ પણ એક સંયોગ જ છે કે, અષાઢી બીજ કચ્છમાં ચોમાસાની શરૂઆતનું પ્રતિક ગણવામાં આવે છે. હું આટલા વર્ષ કચ્છ આવતો જતો રહ્યો છું, ત્યાંના લોકોની સેવા કરવાનું મને સદભાગ્ય પણ મળ્યું છે, અને એટલે જ કચ્છવાસીઓની હિંમત અને તેમની જીજીવિષા વિષે હું સારી રીતે જાણું છું. બે દાયકા પહેલાંના વિનાશક ભૂકંપ પછી જે કચ્છ માટે કહેવામાં આવતું હતું કે તે, કયારેય બેઠું નહીં થઇ શકે, આજે એ જ જીલ્લો દેશના ઝડપથી વિકસિત થઇ રહેલા જીલ્લામાંનો એક છે. મને વિશ્વાસ છે કે, વાવાઝોડા બિપરજોયે જે વિનાશ વેર્યો છે, તેનાથી પણ કચ્છવાસીઓ બહુ ઝડપથી ઉભા થઇ જશે.
સાથીઓ, કુદરતી આફતો ઉપર કોઇનો કાબૂ નથી હોતો, પરંતુ પાછલા વર્ષોમાં ભારતે આપત્તિ વ્યવસ્થાપનની જે તાકાત વિકસાવી છે તે આજે એક ઉદાહરણ બની રહી છે. કુદરતી આપત્તિઓનો સામનો કરવાની એક મોટી રીત છે, પ્રકૃતિનું સંરક્ષણ. આજકાલ ચોમાસાના સમયમાં તો, આ દિશામાં આપણી જવાબદારી વિશેષ વધી જાય છે. એટલા માટે જ આજે દેશ ‘Catch the Rain’ એટલે કે વરસાદી પાણીનો સંગ્રહ જેવા અભિયાનો દ્વારા સામૂહિક પ્રયાસો કરી રહ્યો છે. ગયા મહિને મન કી બાતમાં જ આપણે જળસંરક્ષણથી જોડાયેલા સ્ટાર્ટઅપની ચર્ચા કરી હતી. આ વખતે પણ કેટલાય લોકો વિશે પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે, તેઓ પાણીનું એક એક ટીપું બચાવવા માટે તનતોડ પ્રયાસ કરી રહ્યા છે. આવા જ એક સાથી છે, ઉત્તપ્રદેશના બાંદા જીલ્લાના તુલસીરામ યાદવજી. તુલસીરામ યાદવ લુકતરા ગ્રામ પંચાયતના સરપંચ છે. તમે પણ જાણો છો કે, બાંદા અને બુંદેલખંડ વિસ્તારમાં પાણીની કેટલી મુશ્કેલી રહી છે. આ પડકારને પહોંચી વળવા માટે તુલસીરામજીએ ગામના લોકોનો સાથ લઇને આ વિસ્તારમાં 40થી વધુ તળાવ બનાવડાવ્યા છે. તુલસીરામજીએ પોતાની ઝુંબેશનો આધાર બનાવ્યો છે – ખેતરનું પાણી ખેતરમાં, ગામનું પાણી ગામમાં. આજે તેમની મહેનતનું જ પરિણામ છે કે, તેમના ગામમાં જમીનમાંના પાણીનું સ્તર ઉંચે આવી રહ્યું છે. એવા જ ઉત્તરપ્રદેશના હાપુડ જીલ્લામાં લોકોએ મળીને એક વિલુપ્ત નદીને પુનર્જીવીત કરી છે. ત્યાં ઘણા સમય પહેલાં નીમ નામની એક નદી વહેતી હતી. સમયની સાથે તે લુપ્ત થઇ ગઇ. પરંતુ સ્થાનિક સ્મૃતિઓ અને લોકકથાઓમાં તેને હંમેશા યાદ કરવામાં આવતી હતી. આખરે લોકોએ પોતાની આ કુદરતી વિરાસતને ફરીથી સજીવ કરવાનો નિશ્ચય કર્યો. લોકોના સામૂહીક પ્રયાસોથી અત્યારે નીમ નદી ફરીથી જીવંત થવા લાગી છે. નદીના ઉદગમસ્થાનને અમૃત સરોવર તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે.
સાથીઓ, આ નદી, નહેર, સરોવર, આ બધાં માત્ર જળસ્ત્રોતો જ નથી હોતા, પરંતુ તેમની સાથે જીવનના રંગ અને ભાવનાઓ પણ જોડાયેલી હોય છે. આવું જ એક દ્રશ્ય હજી થોડા દિવસ પહેલાં જ મહારાષ્ટ્રમાં જોવા મળ્યું. આ વિસ્તાર મોટેભાગે દુષ્કાળના ભરડામાં જ રહે છે. પાંચ દાયકાના ઇંતજાર પછી અહિં નીલવંડે ડેમની નહેરનું કામ હવે પૂરૂં થઇ રહ્યું છે. થોડા દિવસ પહેલાં ચકાસણી દરમ્યાન, નહેરમાં પાણી છોડવામાં આવ્યું હતું. એ સમયે જે તસવીરો આવી તે ખરેખર ભાવુક કરનારી હતી. ગામના લોકો એવી રીતે નાચી રહ્યા હતા, જાણે હોળી દિવાળીનો તહેવાર હોય.
સાથીઓ, જયારે વ્યવસ્થાપનની વાત થઇ રહી છે તો, હું આજે છત્રપતિ શિવાજી મહારાજને પણ યાદ કરીશ. છત્રપતિ શિવાજી મહારાજની વિરતાની સાથે જ, તેમની શાસન વ્યવસ્થા અને તેમનું વ્યવસ્થાપન કૌશલ્યમાંથી પણ ઘણુંબધું શીખવા મળે છે. ખાસ કરીને, જળવ્યવસ્થાપન અને નૌસેનાની બાબતમાં છત્રપતિ શિવાજી મહારાજે જે કાર્યો કર્યા, તે આજે પણ ભારતીય ઇતિહાસનું ગૌરવ વધારે છે. તેમણે બંધાવેલા જળદુર્ગ આટલી સદીઓ પછી પણ સમુદ્રની વચ્ચે આજે પણ શાનથી ઉભા છે. આ મહિનાની શરૂઆતમાં જ છત્રપતિ શિવાજી મહારાજના રાજયાભિષેકને સાડા ત્રણસો વર્ષ પૂરાં થયાં છે. આ પ્રસંગને એક મોટા પર્વના રૂપમાં ઉજવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લામાં તેની સાથે જોડાયેલા ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મને યાદ છે, કેટલાય વર્ષ પહેલાં 2014માં મને રાયગઢ જવાનું, એ પવિત્ર ભૂમિને નમન કરવાનું સદભાગ્ય સાંપડ્યું હતું. આપણા બધાનું આ કર્તવ્ય છે કે, આ પ્રસંગે આપણે છત્રપતિ શિવાજી મહારાજના વ્યવસ્થાપન કૌશલ્યને જાણીએ, તેમાંથી શીખીએ. તેનાથી આપણી અંદર આપણી વિરાસત પર ગર્વની લાગણી પણ જાગશે અને ભવિષ્ય માટેના કર્તવ્યોની પ્રેરણા પણ મળશે.
મારા વહાલા દેશવાસીઓ, તમે રામાયણની એ નાની એવી ખિસકોલી વિશે ચોક્કસ સાંભળ્યું હશે, જે રામસેતુ બનાવવામાં મદદ કરવા માટે આગળ આવી હતી. કહેવાનો અર્થ એ છે કે, જયારે નિયત સાફ હોય, પ્રયાસોમાં પ્રમાણિકતા હોય તો, પછી કોઇપણ લક્ષ્ય મુશ્કેલ નથી રહેતું. આજે ભારત પણ આવી જ પ્રમાણિક નિયતથી જ એક બહુ મોટા પડકારનો સામનો કરી રહ્યું છે. આ પડકાર છે, ટીબીનો જેને ક્ષય રોગ પણ કહેવામાં આવે છે. ભારતે સંકલ્પ કર્યો છે 2025 સુધીમાં ટીબી મુક્ત ભારત બનાવવાનો. લક્ષ્ય ચોક્કસ બહુ મોટું છે. એક સમય હતો કે જયારે ટીબીની ખબર પડતાં જ કુટુંબના લોકો પણ તેનાથી દૂર થઇ જતા હતા, પરંતુ આ આજનો સમય છે, જયારે ટીબીના દર્દીને કુટુંબનો સભ્ય બનાવીને જ તેની મદદ કરાઇ રહી છે. આ ક્ષય રોગને મૂળમાંથી જ નાબૂદ કરવા માટે નિઃક્ષય મિત્રોએ મોરચો સંભાળી લીધો છે. દેશમાં બહુ મોટી સંખ્યામાં વિવિધ સામાજીક સંસ્થાઓ નિઃક્ષય મિત્ર બની છે. ગામમાં પંચાયતમાં, હજારો લોકોએ પોતે આગળ આવીને ટીબીના દર્દીઓને દત્તક લીધા છે. ઘણાં બાળકો હોય તો પણ તેઓ ટીબીના દર્દીઓની મદદ માટે આગળ આવ્યા છે. આ લોકભાગીદારી જ આ અભિયાનની સૌથી મોટી તાકાત છે. આ ભાગીદારીના કારણે આજે દેશમાં 10 લાખથી વધુ ટીબીના દર્દીઓને દત્તક લેવામાં આવ્યા છે. અને આ પુણ્યનું કામ કર્યું છે, લગભગ 85 હજાર નિઃક્ષય મિત્રોએ. મને આનંદ છે કે, દેશના કેટલાય સરપંચોએ ગ્રામ પ્રધાનોએ પણ આ બીડું ઝડપ્યું છે કે, તેઓ પોતાના ગામમાં ટીબીને નાબૂદ કરીને જ જંપશે.
નૈનીતાલના એક ગામના નિઃક્ષય મિત્ર શ્રીમાન દીકરસિંહ મેવાડીએ ટીબીના છ દર્દીઓને દત્તક લીધા છે. તે જ રીતે કિન્નૌરની ગ્રામપંચાયતના પ્રધાન નિઃક્ષય મિત્ર શ્રીમાન જ્ઞાનસિંહજી પણ પોતાના બ્લોકમાં ટીબીના દર્દીઓને જરૂરી તમામ સહાયતા પૂરી પાડવામાં લાગેલા છે. ભારતને ટીબી મુક્ત બનાવવાની ઝુંબેશમાં આપણા બાળકો અને યુવાસાથીઓ પણ પાછળ નથી. હિમાચલ પ્રદેશના ઉનાની સાત વર્ષની દિકરી નલીનીસિંહની કમાલ જુઓ. દિકરી નલીની પોતાના ખિસ્સાખર્ચમાંથી ટીબીના દર્દીઓની મદદ કરી રહી છે. આપ જાણો છો કે, બાળકોને પોતાના ગલ્લા પ્રત્યે કેટલો પ્રેમ હોય છે, પરંતુ મધ્યપ્રદેશના કટની જીલ્લાની તેર વર્ષની મીનાક્ષી અને પશ્ચિમબંગાળના ડાયમંડ હાર્બરના 11 વર્ષના બસ્વર મુખર્જી બંને કંઇક અનોખા બાળક છે. આ બંને બાળકોએ પોતાના ગલ્લાના પૈસા પણ ટીબીમુક્ત ભારતના અભિયાનમાં લગાવી દીધા છે. આ બધા ઉદાહરણ ભાવુકતાથી ભરેલા હોવાની સાથેસાથે ખુબ પ્રેરક પણ છે. નાની ઉંમરમાં આટલો મોટો વિચાર રાખનારા આ તમામ બાળકોની હું દિલથી પ્રશંસા કરૂં છું.
મારા વહાલા દેશવાસીઓ, આપણે ભારતવાસીઓનો સ્વભાવ હોય છે કે, આપણે હંમેશા નવા વિચારોના સ્વાગત માટે તૈયાર રહીએ છીએ. આપણે પોતાની ચીજોને પ્રેમ કરીએ છીએ, અને નવી ચીજોને આત્મસાત પણ કરીએ છીએ. તેનું એક ઉદાહરણ છે, જાપાનની રીત મિયાવાકી, જો કોઇ જગ્યાની માટી ફળદ્રુપ ન રહી હોય તો, મિયાવાકી રીત અપનાવીને તે વિસ્તારને ફરીથી લીલોછમ કરવાની બહુ સારી રીત હોય છે. મિયાવાકી જંગલ ઝડપથી ફેલાય છે, અને બે ત્રણ દાયકામાં જ જૈવ વિવિધતાનું કેન્દ્ર બની જાય છે. હવે, તેનો પ્રસાર બહુ ઝડપથી ભારતના પણ જુદાજુદા વિસ્તારોમાં થઇ રહ્યો છે. આપણે ત્યાં કેરળના એક શિક્ષક શ્રી રાફી રામનાથજીએ પણ આ પદ્ધતિથી એક વિસ્તારની સિકલ બદલી નાંખી છે. હકીકતમાં રામનાથજી પોતાના વિદ્યાર્થીઓને પ્રકૃતિ અને પર્યાવરણ વિશે ઉંડાણપૂર્વક સમજાવવા ઇચ્છતા હતા. તે માટે તેમણે એક વનૌષધિ ઉદ્યાન જ બનાવી નાંખ્યું. તેમનો આ ઉદ્યાન હવે એક જૈવ વિવિધતા ક્ષેત્ર બની ચૂક્યો છે. તેમની આ સફળતાએ તેમને વધુ ને વધુ પ્રેરણા આપી. ત્યારપછી રાફીજીએ મિયાવાકી પદ્ધતિથી એક મીની ફોરેસ્ટ એટલે કે, નાનું જંગલ બનાવ્યું અને તેને નામ આપ્યું ’વિદ્યાવનમ’. હવે આટલું સુંદર નામ તો એક શિક્ષક જ રાખી શકે છે. ’વિદ્યાવનમ’. રામનાથજીના આ ’વિદ્યાવનમ’માં નાની એવી જગ્યામાં ૧૧૫ જાતના સાડા ચારસોથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. તેમના વિદ્યાર્થીઓ પણ આ વૃક્ષોની સારસંભાળમાં મદદ કરે છે. આ સુંદર જગ્યાને જોવા માટે આસપાસના શાળાના વિદ્યાર્થીઓ સામાન્ય નાગરિકો વગેરેની સારી ભીડ ઉમટી પડે છે. મિયાવાકી જંગલોને કોઇપણ જગ્યા, ત્યાં સુધી કે, તે શહેરોમાં પણ સહેલાઇથી ઉછેરી શકાય છે. થોડા સમય પહેલાં જ મેં ગુજરાતમાં કેવડિયા એકતાનગરમાં મિયાવાકી વનનું ઉદઘાટન કર્યું હતું. કચ્છમાં પણ ૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં મિયાવાકી પદ્ધતિથી સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે. કચ્છ જેવી જગ્યાએ તેની સફળતા એ દર્શાવે છે કે, મુશ્કેલમાં મુશ્કેલ પ્રાકૃતિક પરિવેશમાં પણ આ પદ્ધતિ કેટલી અસરકારક છે. એ જ રીતે, અંબાજી અને પાવાગઢમાં પણ મિયાવાકી પદ્ધતિથી રોપા વાવવામાં આવ્યા છે. મને જાણવા મળ્યું છે કે, લખનૌના અલીગંજમાં પણ એક મિયાવાકી ઉદ્યાન તૈયાર કરવામાં આવી રહ્યું છે. વિતેલા ચાર વર્ષમાં મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં આવા ૬૦થી વધુ જંગલો પર કામ કરવામાં આવ્યું છે. હવે તો, આ પદ્ધતિ પૂરી દુનિયામાં પસંદ કરવામાં આવી રહી છે. સિંગાપુર, પેરિસ, ઓસ્ટ્રેલિયા, મલેશિયા જેવા કેટલાય દેશોમાં આ પદ્ધતિનો મોટા પ્રમાણમાં ઉપયોગ થઇ રહ્યો છે. હું દેશવાસીઓને ખાસ કરીને, શહેરોમાં રહેતા લોકોને આગ્રહ કરીશ કે તેઓ મિયાવાકી પદ્ધતિ વિશે જાણવાનો ચોક્કસ પ્રયાસ કરે. તેના દ્વારા આપ આપની ધરતી અને પ્રકૃતિને લીલીછમ અને સ્વચ્છ બનાવવામાં અમૂલ્ય યોગદાન આપી શકો છો.
મારા વહાલા દેશવાસીઓ, આજકાલ આપણા દેશમાં જમ્મુકશ્મીરની ખૂબ ચર્ચા થાય છે. કયારેક ત્યાં વધી રહેલા પર્યટનને લીધે તો, કયારેક જી-20ના શાનદાર આયોજનનોના કારણે. થોડા સમય પહેલાં મન કી બાતમાં મેં આપને જણાવ્યું હતું કે, કેવી રીતે કશ્મીરનાં ’નાદરૂ’, દેશની બહાર પણ પસંદ કરવામાં આવે છે. હવે, જમ્મુકશ્મીરના બારામુલ્લા જીલ્લાના લોકોએ એક કમાલ કરી બતાવી છે. બારમુલામાં ખેતીવાડી તો, ઘણાં સમયથી થાય છે, પરંતુ અહીં દૂધની અછત રહેતી હતી. બારામુલાના લોકો એ આ પડકારને એક તકના રૂપમાં જોયો. ત્યાં લોકોએ મોટી સંખ્યામાં ડેરીનું કામ શરૂ કર્યું. આ કામમાં સૌથી આગળ ત્યાંની મહિલાઓ આવી. જેમ કે, એક બહેન છે, ઇશરત નબી. ઇશરત સ્નાતક થયેલા છે, અને તેમણે મીર સીસ્ટર્સ ડેરી ફાર્મ શરૂ કર્યું છે. તેમના ડેરી ફાર્મમાંથી દરરોજ લગભગ દોઢસો લીટર દૂધનું વેચાણ થઇ રહ્યું છે. એવા જ સોપોરના એક સાથી છે વસીમ અનાયત. વસીમની પાસે બે ડઝનથી વધુ પશુ છે, અને તેઓ દરરોજ 200 લીટરથી વધુ દૂધ વેચે છે. વધુ એક યુવાન આબીદ હુસેન પણ ડેરીનું કામ કરી રહ્યા છે. તેમનું કામ પણ ખૂબ આગળ વધી રહ્યું છે. આવા લોકોની મહેનતના લીધે આજે બારામુલામાં દરરોજ સાડાપાંચ લાખ લીટર દૂધનું ઉત્પાદન થઇ રહ્યું છે. સમગ્ર બારમુલા જીલ્લો એક નવી શ્વેતક્રાંતિની ઓળખ બની રહ્યો છે. પાછલા અઢી ત્રણ વર્ષમાં ત્યાં ૫૦૦થી વધુ દૂધઉત્પાદન કેન્દ્રો સ્થપાયા છે. બારામુલાનો ડેરી ઉદ્યોગ એ વાતનો સાક્ષી છે કે, આપણા દેશનો દરેક ભાગ કેટલી શક્યતાઓથી ભરેલો છે. કોઇ વિસ્તારના લોકોની સામૂહિક ઇચ્છા શક્તિ કોઇપણ લક્ષ્ય પ્રાપ્ત કરીને બતાવી શકે છે.
મારા વહાલા દેશવાસીઓ, આ મહીને રમતજગતથી ભારત માટે કેટલીય મોટી ખુશખબરો આવી છે. ભારતની ટીમે પહેલીવાર મહિલા જૂનિયર એશિયા કપ જીતીને ત્રિરંગાની શાન વધારી છે. આ મહિને જ આપણી પુરૂષોની હોકી ટીમે પણ જુનિયર એશિયા કપ જીત્યો છે. તેની સાથોસાથ આપણે આ સ્પર્ધાના ઇતિહાસમાં સૌથી વધુ જીત મેળવનારી ટીમ પણ બની ગયા છીએ. જુનિયર નિશાનેબાજી વિશ્વકપમાં પણ આપણી જુનિયર ટીમે કમાલ કરી બતાવી છે. ભારતીય ટીમે આ સ્પર્ધામાં પહેલું સ્થાન હાંસલ કર્યું છે. આ સ્પર્ધામાં કુલ જેટલા સુવર્ણચંદ્રક હતા તેમાંથી 20 ટકા એટલે કે, પાંચમા ભાગના એકલા ભારતના ભાગે આવ્યા છે. આ જૂન મહિનામાં જ Asian Under Twenty Athletics Championship પણ યોજાઇ. તેમાં ચંદ્રકોના કોષ્ટકમાં ભારત 45 દેશોમાં ટોચના 3 દેશોમાં રહ્યું.
સાથીઓ, પહેલાં એક સમય હતો જયારે આપણને આંતરરાષ્ટ્રીય આયોજનો વિશે જાણવા તો મળતું હતું, પરંતુ તેમાં મોટાભાગે ભારતનું કયાંક કોઇ નામ નહોતું દેખાતું. પરંતુ આજે હું માત્ર છેલ્લા કેટલાક અઠવાડિયાઓની જ સફળતાનો ઉલ્લેખ કરી રહ્યો છું, તો પણ યાદી ખૂબ લાંબી બની જાય છે. આ જ આપણા યુવાનોની અસલી તાકાત છે. એવી કેટલીયે રમતો અને સ્પર્ધાઓ છે જયાં આજે ભારત પહેલીવાર પોતાની હાજરી નોંધાવી રહ્યો છે. જેમ કે, લાંબા કૂદકામાં શ્રીશંકર મુરલીએ પેરિસ ડાયંમડ લીગ જેવી પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશને કાંસ્યચંદ્રક અપાવ્યો છે. આ સ્પર્ધામાં ભારતનો આ પહેલો ચંદ્રક છે. આવી જ એક સફળતા આપણી ૧૭ વર્ષથી ઓછી વયની મહિલા કુસ્તી ટીમે કીર્ગીસ્તાનમાં પણ મેળવી છે. હું દેશના આ તમામ ખેલાડીઓ તેમના માતાપિતા અને તાલીમ ગુરૂઓ સહિત સૌને તેમના પ્રયાસો માટે ખૂબખૂબ અભિનંદન આપું છું.
સાથીઓ, આંતરરાષ્ટ્રીય આયોજનોમાં દેશની આ સફળતાની પાછળ રાષ્ટ્રીય સ્તરે આપણા ખેલાડીઓની સખત મહેનત હોય છે. આજે દેશના જુદાજુદા રાજયોમાં એક નવા ઉત્સાહની સાથે રમતગમત સ્પર્ધાઓનું આયોજન થાય છે. આ ખેલાડીઓને રમત જીત અને હારથી શીખવાની તક મળે છે. જેમ કે, હજી હમણાં જ ઉત્તરપ્રદેશમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી રમતોનું આયોજન થયું. તેમાં યુવાઓમાં ખૂબ ઉત્સાહ અને જોશ જોવા મળ્યા. આ રમતોમાં આપણા યુવાઓએ 11 વિક્રમ તોડ્યા છે. આ રમતોમાં પંજાબ યુનિવર્સિટી, અમૃતસરની ગુરૂ નાનકદેવ યુનિવર્સિટી અને કર્ણાટકની જૈન યુનિવર્સિટી ચંદ્રકોની યાદીમાં ટોચના ત્રણ સ્થાનો પર રહી છે.
સાથીઓ, આવી સ્પર્ધાઓનું એક મોટું પાસું એ પણ હોય છે કે, તેનાથી યુવા ખેલાડીઓની અનેક પ્રેરણાદાયક વાતો પણ સામે આવે છે. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી રમતોમાં નૌકાયન સ્પર્ધામાં આસામની કોટન યુનિવર્સિટીના અન્યતમ રાજકુમાર એવા પહેલાં દિવ્યાંગ ખેલાડી બન્યા જેમણે તેમાં ભાગ લીધો. બર્કતુલ્લાહ યુનિવર્સિટીની નિધી પવૈયા ગોઠણમાં ગંભીર ઇજા થવા છતાં ગોળાફેંકમાં સુવર્ણચંદ્રક જીતવામાં સફળ રહી. સાવિત્રીબાઇ ફુલે પૂણે યુનિવર્સિટીના શુભમ ભંડારેને પગના કાંડાની ઇજાના કારણે ગયા વર્ષે બેંગ્લુરૂમાં નિરાશ થવું પડ્યું હતું. પરંતુ આ વખતે તેઓ સ્ટીપલચેજના સુવર્ણચંદ્રક વિજેતા બન્યા છે. બર્દવાન યુનિવર્સિટીની સરસ્વતી કુંડુ પોતાની કબડ્ડી ટીમની સૂકાની છે. તે અપાર મુશ્કેલીઓનો સામનો કરીને અહીં સુધી પહોંચી છે. આવું સુંદર પ્રદર્શન કરનારા ઘણાબધા ખેલાડીઓને TOPS Scheme થી ઘણી મદદ મળી રહી છે. આપણા ખેલાડીઓ જેટલું રમશે એટલા જ વધુ ખિલશે.
મારા વહાલા દેશવાસીઓ, 21 જૂન પણ હવે આવી જ ગઇ છે. આ વખતે પણ દુનિયાના ખૂણેખૂણામાં લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે. આ વર્ષના યોગ દિવસનું વિષય વસ્તુ છે, વસુધૈવ કુટુંબક્મ માટે યોગ એટલે કે, એક વિશ્વ, એક પરિવારના રૂપમાં સૌના કલ્યાણ માટે યોગ. યોગની એ ભાવનાને આ વિષય વસ્તુ વ્યકત કરે છે. જે સૌને જોડનારી અને સાથે રહીને ચાલનારી છે. દર વખતની જેમ આ વખતે પણ દેશના ખૂણેખૂણામાં યોગ સાથે જોડાયેલા કાર્યક્રમો આયોજીત કરવામાં આવશે.
સાથીઓ, આ વખતે મને ન્યૂયોર્કના સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલય યુએનમાં યોજાનારા યોગ દિવસ કાર્યક્રમમાં સામેલ થવાની તક મળશે. હું જોઇ રહ્યો છું કે, સોશ્યલ મિડિયા ઉપર પણ યોગ દિવસને લઇને ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સાથીઓ, મારો આપ સૌને આગ્રહ છે કે, આપ યોગને પોતાના જીવનમાં જરૂર અપનાવો. તેને પોતાની દિનચર્યાનો ભાગ બનાવો, જો હજી પણ તમે યોગ સાથે જોડાયેલા ન હો તો, આગામી 21 જૂન આ સંકલ્પ માટે ખૂબ શ્રેષ્ઠ તક છે. યોગમાં તો આમ પણ, વધારે ધામધૂમની જરૂરત જ નથી હોતી. જુઓ કે, આપ જયારે યોગ સાથે જોડાશો તો, આપના જીવનમાં કેટલું મોટું પરિવર્તન આવે છે.
મારા વહાલા દેશવાસીઓ, પરમદિવસે એટલે કે, 20 જૂને ઐતિહાસિક રથયાત્રાનો દિવસ છે. દુનિયાભરમાં રથયાત્રાની એક વિશિષ્ટ ઓળખ છે. દેશના વિવિધ રાજયોમાં ખૂબ ધૂમધામથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. ઓડિશાના પુરીમાં નીકળતી રથયાત્રા તો, પોતે જ અદભૂત હોય છે. જયારે, હું ગુજરાતમાં હતો તો, મને અમદાવાદમાં નીકળતી વિશાળ રથયાત્રામાં સામેલ થવાની તક મળતી હતી. આ રથયાત્રાઓમાં જે રીતે દેશભરના, દરેક સમાજ, દરેક વર્ગના લોકો ઉમટી પડે છે. તે ખુદ બહુ અનુકરણીય છે. તે આસ્થાની સાથે સાથે જ એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પણ પ્રતિબિંબ પાડે છે. આ પાવન પુનિત અવસરે આપ સૌને મારા તરફથી ખૂબખૂબ શુભેચ્છાઓ. મારી શુભેચ્છા છે કે, ભગવાન જગન્નાથ બધા દેશવાસીઓને સારૂં સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિના આશિર્વાદ આપે.
સાથીઓ, ભારતીય પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ઉત્સવની ચર્ચા કરતાં હું દેશના રાજભવનોમાં થયેલા રસપ્રદ આયોજનોનો પણ ચોક્કસ ઉલ્લેખ કરીશ. હવે, દેશમાં રાજભવનોની ઓળખ સામાજીક અને વિકાસ કાર્યોમાં થવા લાગી છે. આજે આપણા રાજભવન ટીબી મુક્ત ભારત અભિયાનના પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા અભિયાનના ધ્વજવાહક બની રહ્યા છે. વિતેલા સમયમાં ગુજરાત હોય, ગોવા હોય, તેલંગણા હોય, મહારાષ્ટ્ર હોય કે સિક્કિમ હોય તેમના સ્થાપના દિવસે જુદાજુદા રાજભવનોએ જે ઉત્સાહની સાથે તેની ઉજવણી કરી તે, ખુદ એક ઉદાહરણ છે. આ એક સર્વશ્રેષ્ઠ પહેલ છે, જે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ની ભાવનાને બળવત્તર બનાવે છે.
સાથીઓ, ભારત લોકશાહીની જનની છે. મધર ઓફ ડેમોક્રસી છે. આપણે આપણા લોકશાહી આદર્શોને સર્વોપરી માનીએ છીએ, આપણા બંધારણને સર્વોપરી માનીએ છીએ. એટલે આપણે 25 જૂનને પણ ક્યારેય ભૂલી નહીં શકીએ. આ એ જ દિવસ છે જયારે, આપણા દેશ ઉપર કટોકટી લાદવામાં આવી હતી. તે ભારતના ઇતિહાસનો કાળો સમયગાળો હતો. લાખો લોકોએ આ કટોકટીનો પૂરી તાકાતથી વિરોધ કર્યો હતો. લોકશાહીના સમર્થકો ઉપર તે દરમિયાન, એટલા અત્યાચાર કરવામાં આવ્યા, એટલી યાતનાઓ આપવામાં આવી, કે આજે પણ મન કંપી ઉઠે છે. આ અત્યાચારો ઉપર પોલીસ અને પ્રશાસન દ્વારા કરાયેલી સજાઓ વિશે ઘણાબધા પુસ્તકો લખવામાં આવ્યા છે. મને પણ સંઘર્ષમાં ગુજરાત નામથી એક પુસ્તક લખવાની તે સમયે તક મળી હતી. થોડા દિવસ પહેલાં જ કટોકટી પર લખવામાં આવેલું વધુ એક પુસ્તક મારી સામે આવ્યું. જેનું શિર્ષક છે, Torture of Political Prisoners in India. કટોકટી દરમ્યાન, છપાયેલા આ પુસ્તકમાં વર્ણન કરવામાં આવ્યું છે કે, કેવી રીતે તે સમયની સરકાર લોકશાહીના રખેવાળો સાથે ક્રુરતમ વહેવાર કરી રહી હતી. આ પુસ્તકમાં કેટલાયે ઉદાહરણ અભ્યાસ આપેલા છે. અને ઘણા બધી તસ્વીરો છે. હું ઇચ્છું છું કે, આજે જયારે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે, દેશની આઝાદીને જોખમમાં મૂકનારા એવા અપરાધોનું પણ જરૂર અવલોકન કરો. તેનાથી આજની યુવા પેઢીને લોકશાહીના અર્થો અને તેનું મહત્વ સમજવામાં વધુ સરળતા રહેશે.
મારા વહાલા દેશવાસીઓ, મન કી બાત રંગબેરંગી મોતીઓથી ગુંથેલી એક સુંદર માળા છે. જેનું દરેક મોતી ખૂબ અનોખું અને અણમોલ છે. આ કાર્યક્રમની દરેક કડી ખૂબ જ જીવંત હોય છે. આપણામાં સામૂહિકતાની ભાવનાની સાથેસાથે સમાજ પ્રત્યેના કર્તવ્ય ભાવ અને સેવાભાવથી ભરી દે છે. અહીં તે વિષયો ઉપર ખૂલીને ચર્ચા થાય છે. જેના વિશે આપણને સામાન્ય રીતે બહુ ઓછું વાંચવા, સાંભળવા મળે છે. મોટે ભાગે આપણે જોઇએ છીએ કે, મન કી બાતમાં કોઇ વિષયનો ઉલ્લેખ થયા પછી કેવી રીતે અનેક દેશવાસીઓને નવી પ્રેરણા મળી છે. હાલમાં જ મને આપણા દેશના પ્રસિદ્ધ ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના આનંદા શંકર જયંતનો એક પત્ર મળ્યો. તેમણે પોતાના પત્રમાં મન કી બાતની તે કડી વિશે લખ્યું છે જેમાં આપણે વાર્તાકથન વિશે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં આપણે આ ક્ષેત્રે જોડાયેલા લોકોની પ્રતિભાને પ્રસિદ્ધ કરી હતી. મન કી બાતના આ કાર્યક્રમથી પ્રેરિત થઇને આનંદા શંકર જયંતે કુટ્ટી કહાણી તૈયાર કરી છે. તે બાળકો માટે અલગ અલગ ભાષાઓની વાર્તાઓનો એક ખૂબ સુંદર સંગ્રહ છે. આ પ્રયાસ એટલા માટે પણ ખૂબ સારો છે કે, તેનાથી આપણા બાળકોમાં પોતાની સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ વધુ ઉંડો થાય છે. તેમણે આ વાર્તાઓના કેટલાક રસપ્રદ વિડિયોઝ પોતાની યુટ્યુબ ચેનલ પર પણ અપલોડ કરેલા છે. મેં આનંદા શંકર જયંતના આ પ્રયાસની ખાસ કરીને એટલા માટે ચર્ચા કરી કેમ કે, તે જોઇને મને ખૂબ સારૂં લાગ્યું કે, કેવી રીતે દેશવાસીઓના સારા કામ બીજાને પણ પ્રેરિત કરી રહ્યા છે. તેનાથી શીખીને તેઓ પણ પોતાના હુન્નરથી દેશ અને સમાજ માટે કંઇક વધુ સારૂં કરવાની કોશિષ કરે છે. આ જ તો આપણા ભારતવાસીઓની સંઘ શક્તિ છે, જે દેશની પ્રગતિમાં નવી શક્તિ સિંચી રહી છે.
મારા વહાલા દેશવાસીઓ, આ વખતે મન કી બાતમાં મારી સાથે બસ આટલું જ. આવતી વખતે નવા વિષયો સાથે, આપની સાથે, ફરી મુલાકાત થશે. ચોમાસાનો સમય છે, એટલે, પોતાની તબિયતનું ખૂબ ધ્યાન રાખજો. સમતોલ આહાર લેજો અને સ્વસ્થ રહેજો. હા, યોગ જરૂર કરજો. હવે કેટલીયે શાળાઓમાં ઉનાળાની રજાઓ પૂરી થવામાં છે. હું બાળકોને પણ કહીશ કે, ઘરકામ છેલ્લા દિવસ સુધી પડ્યું રહેવા ના દેશો. કામ પૂરૂં કરો અને નિશ્ચિંત રહો. ખૂબ ખૂબ ધન્યવાદ.
***
(Release ID: 1933218)
Visitor Counter : 244
Read this release in:
Kannada
,
Assamese
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Bengali
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam