સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ગુજરાતના કચ્છમાં ચક્રવાત ‘બિપરજૉય’ પર તૈયારીનાં ભાગરૂપે લેવાયેલાં પગલાંઓની સમીક્ષા કરી


તૈયારીની સમીક્ષા કરવા ભૂજમાં વાયુદળનાં મથકની મુલાકાત લીધી

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ હોસ્પિટલોમાં કટોકટીયુક્ત સ્થિતિસંજોગોમાં તૈયારીનું મૂલ્યાંકન કર્યું

કચ્છમાં 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવાના ડ્રાઇવરો સાથે સંવાદ કર્યો

Posted On: 14 JUN 2023 4:02PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે કચ્છમાં ચક્રવાત બિપરજૉયનો સામનો કરવાની વહીવટી તંત્રએ તૈયારીનાં ભાગરૂપે લીધેલા વિવિધ પગલાંઓની સમીક્ષા કરી હતી. અતિ તીવ્ર ચક્રવાતી તોફાન તરીકે વર્ગીકૃત ચક્રવાત બિપરજૉય આવતીકાલે 15 જૂનનાં રોજ ગુજરાતનાં દરિયાકિનારા પર પહોંચશે કે ત્રાટકશે તેવી શક્યતા છે.

 

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આજે ભૂજમાં વાયુદળ મથકની મુલાકાત લીધી હતી અને ભારતીય વાયુદળની કટોકટીનાં સ્થિતિસંજોગોમાં ત્વરિત કામગીરી કરતી ટીમ (ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ) ગરુડની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે આ સમીક્ષા કર્યા બાદ કહ્યું હતું કે, આપણા જવાનો ચક્રવાતથી જાનમાલનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.

 

ત્યારબાદ ડૉ. માંડવિયાએ ભૂજમાં ઇમર્જન્સી તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે કે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સાથે સાથે તેમણે કચ્છની સરકારી જિલ્લા હોસ્પિટલો, ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો અને આ વિસ્તારમાં અન્ય હોસ્પિટલોમાં ઓક્સિજન, વેન્ટિલેટર્સ અને ગંભીર સારવાર માટે બેડની ઉપલબ્ધતાઓની જાણકારી પણ મેળવી હતી.

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે વિવિધ સુવિધાઓની તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી, જે ચક્રવાત પછી જરૂર જણાતાં તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ થશે.

 

ઉપરાંત ડૉ. માંડવિયાએ કચ્છમાં 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવાના ડ્રાઇવરો સાથે પણ સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ ડ્રાઇવરોનાં ઉત્સાહ અને સાથસહકારે આત્મવિશ્વાસ વધાર્યો છે.

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ખાતરી આપી હતી કે, માનનીય પ્રધાનમંત્રીનાં માર્ગદર્શન હેઠળ ચક્રવાત બિપરજૉયનો સામનો કરવા કેન્દ્ર અને રાજ્ય એમ બંને સરકારો શક્ય તમામ વ્યવસ્થાઓ કરી રહી છે.

****

YP


(Release ID: 1932327) Visitor Counter : 537