પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નવી દિલ્હી ખાતે આદીનમ્ સાથે કરેલા સંવાદનો મૂળપાઠ

Posted On: 27 MAY 2023 10:42PM by PIB Ahmedabad

નઅનૈવરુક્કુમ્ વણક્કમ્

નમ: શિવાય, શિવાય નમ:!

હર હર મહાદેવ!

સૌથી પહેલા તો, હું શિશ નમાવીને વિવિધ આદિનામ્ સાથે સંકળાયેલા તમામ પૂજ્ય સંતગણોને અભિનંદન પાઠવું છું. આજે આપ સૌના ચરણકમળ મારા નિવાસસ્થાને પડ્યા છે, તે મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે. આ ભગવાન શિવની કૃપા જ છે, જેના કારણે મને આપ સૌ શિવભક્તોના એક સાથે દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. મને એ વાતનો પણ ખૂબ જ આનંદ છે કે, આવતીકાલે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમયે આપ સૌ ત્યાં સાક્ષાત રીતે આવીને આશીર્વાદ આપવાના છો.

પૂજ્ય સંતગણ,

આપણે સૌ જાણીએ છીએ કે, તમિલનાડુએ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં કેટલી મહત્વની ભૂમિકા ભજવી છે. વીરમંગાઇ વેલુ નાચિયારથી લઇને મરુદુ ભાઇઓ સુધી, સુબ્રહ્મણ્ય ભારતીથી લઇને નેતાજી સુભાષચંદ્ર બોઝ સાથે જોડાનારા અનેક તમિલ લોકો સુધી, દરેક યુગમાં તમિલનાડુ ભારતીય રાષ્ટ્રવાદનો ગઢ રહ્યું છે. તમિલ લોકોમાં હંમેશાના દિલમાં હંમેશા ભારત માતાની સેવા, ભારતના કલ્યાણની લાગણી રહી છે. આમ છતાં, ભારતની આઝાદીમાં તમિલ લોકોના યોગદાનને જે મહત્વ આપવું જોઇતું હતું તે આપવામાં આવ્યું નથી તે ખૂબ જ દુર્ભાગ્યની વાત છે. હવે, ભાજપે આ મુદ્દાને મુખ્ય રીતે ઉઠાવવાનું શરૂ કર્યું છે. હવે દેશના લોકોને પણ ખબર પડી રહી છે કે, મહાન તમિલ પરંપરા અને દેશભક્તિના પ્રતિક એવા તમિલનાડુ સાથે અત્યાર સુધી કેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો હતો.

જ્યારે આઝાદીનો સમય આવ્યો, ત્યારે સત્તા હસ્તાંતરણના પ્રતીક અંગે પ્રશ્ન ઉભો થયો હતો. આ માટે આપણા દેશમાં અલગ અલગ પરંપરાઓ રહી છે. જુજા જુદા રીત-રિવાજો પણ રહ્યા છે. પરંતુ તે સમયે રાજાજી અને આદિનમના માર્ગદર્શન હેઠળ આપણને આપણી પ્રાચીન તમિલ સંસ્કૃતિમાંથી એક પુણ્ય માર્ગ મળ્યો હતો. આ માર્ગ હતો સેંગોલના માધ્યમથી સત્તાનું હસ્તાંતરણ કરવાનો. તમિલ પરંપરામાં, શાસન ચલાવે તેને સેંગોલ આપવામાં આવતું હતું. સેંગોલ એ હકીકતનું પ્રતીક હતું કે, જે વ્યક્તિ તેને પહેરે છે તે દેશના કલ્યાણ માટે જવાબદાર હોય છે અને તે ક્યારેય ફરજના માર્ગથી વિચરિત નહીં થાય. સત્તાના સ્થાનાંતરણના પ્રતીક તરીકે, 1947માં પવિત્ર તિરુવદુથુરાઇ આદિનમ્ દ્વારા એક ખાસ સેંગોલ તૈયાર કરવામાં આવ્યું હતું. આજે, તે સમયની તસવીરો આપણને આધુનિક લોકશાહી તરીકે તમિલ સંસ્કૃતિ અને ભારતના ભાગ્ય વચ્ચેના ભાવુક અને ઘનિષ્ઠ જોડાણ હોવાની યાદ અપાવી રહી છે. આજે એ ગાઢ સંબંધોની ગાથા ઇતિહાસના ધરબાયેલા પાનામાંથી બહાર આવીને ફરી એકવાર જીવંત થઇ છે. આનાથી તે સમયની ઘટનાઓને સમજવા માટે યોગ્ય દૃષ્ટિકોણ પણ મળે છે. અને સાથે સાથે, આપણને એ પણ ખબર પડે છે કે સત્તાના હસ્તાંતરણના આ મહાન પ્રતીક સાથે શું કરવામાં આવ્યું હતું.

મારા દેશવાસીઓ,

આજે હું રાજાજી અને વિવિધ આદિનામની દૂરદર્શિતાને પણ વિશેષ રૂપે વંદન કરું છું. આદિમના એક સેંગોલે ભારતને સેંકડો વર્ષોની ગુલામીના દરેક પ્રતીકમાંથી મુક્ત કરવાની શરૂઆત કરી દીધી હતી. જ્યારે ભારતની આઝાદીની પહેલી ક્ષણ આવી, ત્યારે આઝાદીની એ પ્રથમ પળ, ઘડી આવી, સેંગોલ જ હતું, જેણે ગુલામી પહેલાંના સમયગાળાને અને સ્વતંત્ર ભારતની તે પ્રથમ ક્ષણની એકબીજા સાથે જોડી હતી. તેથી, આ પવિત્ર સેંગોલનું મહત્વ માત્ર એટલું જ નથી કે તે 1947માં સત્તાના સ્થાનાંતરણનું પ્રતીક બની ગયું. આ સેંગોલનું મહત્વ એટલા માટે પણ છે, કારણ કે તેણે સ્વતંત્ર ભારતના ભવિષ્યને તેની પરંપરાઓ સાથે ગુલામી પહેલાંના ભવ્ય ભારત સાથે જોડ્યું હતું. જો આઝાદી પછી આ પૂજ્ય સેંગોલને પૂરતું સન્માન આપવામાં આવ્યું હોત, તેને ગૌરવનું સ્થાન આપવામાં આવ્યું હોત તો ઘણું સારું થાત. પરંતુ આ સેંગોલને પ્રયાગરાજમાં આનંદ ભવનમાં વૉકિંગ સ્ટીક એટલે કે, ચાલતી વખતે ટેકો લેવાની લાકડી તરીકેનું નામ આપીને પ્રદર્શન માટે રાખી દેવામાં આવ્યું હતું. તમારો આ સેવક અને અમારી સરકાર હવે તે સેંગોલને આનંદ ભવનમાંથી બહાર લાવ્યા છે. આજે આપણને નવા સંસદ ભવનમાં સેંગોલની સ્થાપના સમયે આઝાદીની એ પ્રથમ ક્ષણને પુનર્જીવિત કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. આજે સેંગોલ લોકશાહીના મંદિરમાં તેનું યોગ્ય સ્થાન મેળવી રહ્યું છે. મને આનંદ છે કે હવે એ જ સેંગોલ, જે ભારતની મહાન પરંપરાનું પ્રતિક રહ્યું છે, તે હવે નવા સંસદ ભવનમાં સ્થાપિત કરવામાં આવશે. આ સેંગોલ આપણને યાદ અપાવતું રહેશે કે આપણે ફરજના માર્ગ પર ચાલવાનું છે અને લોકો પ્રત્યે જવાબદાર રહેવાનું છે.

પૂજ્ય સંતગણ,

આદિનમની મહાન પ્રેરક પરંપરા, એ સાક્ષાત સાત્વિક ઉર્જાનું પ્રતિક છે. આપ સૌ સંતો શૈવ પરંપરાના અનુયાયીઓ છો. આપના દર્શનમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના સમાયેલી છે, જે પોતે જ ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતિબિંબ છે. આપના અનેક આદિનામના નામોમાં પણ આ ભાવના પ્રતિબિંબિત થાય છે. તમારા કેટલાક આદિનામના નામોમાં કૈલાસનો ઉલ્લેખ કરેલો છે. આ પવિત્ર પર્વત તમિલનાડુથી ઘણો દૂર, હિમાલયમાં છે, તેમ છતાં તે તમારા હૃદયની નજીક છે. શૈવ સિદ્ધાંતના પ્રસિદ્ધ સંતોમાંથી એક એવા તિરુમૂલર, વિશે એવું કહેવામાં આવે છે કે, શિવની ભક્તિનો પ્રસાર કરવા માટે તેઓ કૈલાશ પર્વતથી તમિલનાડુ આવ્યા હતા. આજે પણ, ભગવાન શિવની સ્મૃતિમાં તેમની રચના તિરુમંદિરમના શ્લોકોનું પઠન કરવામાં આવે છે. અપ્પર્, સંબંદર્, સુંદરર્ અને મણિક્કા વસાગર્ જેવા ઘણા મહાન સંતોએ ઉજ્જૈન, કેદારનાથ અને ગૌરીકુંડનો ઉલ્લેખ કર્યો છે. જનતા જનાર્દનના આશીર્વાદથી આજે હું મહાદેવની નગરી કાશીનો સાંસદ છું, તો હું આપને કાશી વિશે પણ કહેવા માંગુ છુ. ધર્મપુરમ આદિનમના સ્વામી કુમારગુરુપરા તામિલનાડુથી કાશી ગયા હતા. તેમણે બનારસના કેદાર ઘાટ પર કેદારેશ્વર મંદિરની સ્થાપના કરી હતી. તમિલનાડુના તિરુપ્પનંદલમાં આવેલા કાશી મઠનું નામ પણ કાશીના નામ પરથી રાખવામાં આવ્યું છે. મને આ મઠ વિશે એક રસપ્રદ માહિતી પણ જાણવા મળી છે. એવી લોકવાયકા છે કે, તિરુપ્પનંદલનો કાશી મઠ તીર્થયાત્રીઓને બેંકિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવતો હતો. તમિલનાડુના કાશી મઠમાં પૈસા જમા કરાવ્યા પછી, તીર્થયાત્રીઓ કાશીમાં હુંડી બતાવીને પૈસા ઉપાડી શકતા હતા. આવી જ રીતે, શૈવ સિદ્ધાંતના અનુયાયીઓ માત્ર શિવની ભક્તિનો પ્રસાર નથી કરતા પરંતુ આપણને એકબીજાની નજીક લાવવાનું કાર્ય પણ કર્યું હતું.

પૂજ્ય સંતગણ,

સેંકડો વર્ષની ગુલામી પછી પણ તમિલનાડુની સંસ્કૃતિ આજે પણ જીવંત અને સમૃદ્ધ છે, તો તેમાં આદિનમ જેવી મહાન અને દિવ્ય પરંપરાની ભૂમિકા ખૂબ જ મોટી રહી છે. આ પરંપરાને જીવંત રાખવાની જવાબદારી સંતજનો એ તો નિભાવી જ છે સાથે સાથે, તેનો શ્રેય તમામ પીડિત, શોષિત અને વંચિતોને પણ જાય છે કે જેમણે તેનું રક્ષણ કર્યું અને તેને આગળ ધપાવી. રાષ્ટ્રમાં યોગદાનના સંદર્ભમાં આપ સૌ સંસ્થાઓનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય રહ્યો છે. હવે તે અતિતને આગળ લઇ જવાનો, તેનાથી પ્રેરિત થવાનો અને આવનારી પેઢીઓ માટે કામ કરવાનો સમય છે.

પૂજ્ય સંતગણ,

દેશે આવનારા 25 વર્ષ માટે કેટલાક લક્ષ્યો નિર્ધારિત કર્યા છે. આપણું લક્ષ્ય છે કે આઝાદીના 100 વર્ષ પૂરાં થાય ત્યાં સુધીમાં મજબૂત, આત્મનિર્ભર અને સર્વસમાવેશી વિકસિત ભારતનું નિર્માણ કરવામાં આવે. 1947માં તમારી મહત્વપૂર્ણ ભૂમિકાથી કોટી કોટી દેશવાસીઓ ફરીથી પરિચિત થયા છે. આજે જ્યારે દેશ 2047ના મોટા લક્ષ્‍યાંકો સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે તમારી ભૂમિકા વધુ મહત્વની બની ગઇ છે. તમારી સંસ્થાઓએ હંમેશા સેવાના મૂલ્યોને સાકાર કર્યા છે. તમે લોકોને એકબીજા સાથે જોડવાનું, તેમની વચ્ચે સમાનતાની ભાવના પેદા કરવાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. ભારત જેટલું અખંડિત હશે તેટલું મજબૂત બનશે. તેથી જ જેઓ આપણી પ્રગતિના માર્ગમાં અવરોધો ઉભા કરી રહ્યા છે તેઓ વિવિધ પ્રકારના પડકારો ઉભા કરવાના જ છે. જે લોકો ભારતની પ્રગતિમાં અવરોધ ઉભો કરે છે, તેઓ સૌથી પહેલા તો આપણી એકતાને તોડવાનો પ્રયાસ કરશે. પરંતુ મને પૂરો વિશ્વાસ છે કે તમારી સંસ્થાઓમાંથી દેશને જે આધ્યાત્મિકતા અને સમાજવાદની તાકાત મળી રહી છે, તેનાથી આપણે દરેક પડકારનો સામનો કરી શકીશું. ફરી એકવાર, આપ સૌ મારે ત્યાં પધાર્યા, આપ સૌએ મને આશીર્વાદ આપ્યા, તે મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે, હું ફરી એકવાર આપ સૌનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરું છું, હું આપ સૌને વંદન કરું છું. નવા સંસદભવનના ઉદ્ઘાટન પ્રસંગે આફ સૌ અહીં પધાર્યા અને અમને આશીર્વાદ આપ્યા. આનાથી મોટી સૌભાગ્યની વાત બીજી કોઇ ન હોઇ શકે અને તેથી હું આપ સૌનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. ફરી એકવાર આપ સૌને હું વંદન કરું છું.

નમ: શિવાય!

વણક્કમ!

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1927825) Visitor Counter : 158