પ્રધાનમંત્રીનું કાર્યાલય

ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની ત્રીજી આવૃત્તિનાં ઉદ્‌ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

Posted On: 25 MAY 2023 9:57PM by PIB Ahmedabad

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરજી, મંત્રીમંડળમાં મારા સાથી નિશિત પ્રામાણિકજી, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકજી, અન્ય મહાનુભાવો અને ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આજે યુપી દેશભરની યુવા રમત પ્રતિભાઓનું સંગમ બની ગયું છે. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ માટે આવેલા 4,000 ખેલાડીઓમાંથી મોટાભાગના વિવિધ રાજ્યો અને પ્રદેશોના છે. હું ઉત્તર પ્રદેશનો સાંસદ છું. હું ઉત્તર પ્રદેશની જનતાનો જનપ્રતિનિધિ છું. અને તેથી, યુપીના સંસદસભ્ય તરીકે, હું 'ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ'માં યુપીમાં આવેલા અને આવી રહેલા તમામ ખેલાડીઓનું વિશેષ સ્વાગત કરું છું.

રમતોનો સમાપન સમારોહ કાશીમાં યોજાશે. કાશીનો સાંસદ હોવાનાં કારણે હું પણ અંગે પણ ખૂબ ઉત્સાહિત છું. આજે જ્યારે દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની ત્રીજી આવૃત્તિનું આયોજન પોતાનામાં ખૂબ ખાસ છે. તે દેશના યુવાનોમાં ટીમ સ્પિરિટ વધારવા, એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના વધારવા માટે ખૂબ સારું માધ્યમ બની ગયું છે. ગેમ્સ દરમિયાન યુવાનોને એકમેકનો સાક્ષાત્કાર થશે, પરિચય થશે.  યુપીનાં અલગ-અલગ શહેરોમાં યોજાનારી મેચોમાં તે શહેરોના યુવાનો વચ્ચે પણ જોડાણ બનશે. મને ખાતરી છે કે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેવા જે યુવા ખેલાડીઓ આવ્યા છે તેઓ એવો અનુભવ લઈ જશે જે જીવનભર તેમના માટે યાદગાર ક્ષણ બની રહેશે. હું તમને આવનારી સ્પર્ધાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

સાથીઓ,

છેલ્લાં 9 વર્ષમાં ભારતમાં રમતગમતનો નવો યુગ શરૂ થયો છે. નવો યુગ માત્ર ભારતને વિશ્વની એક મોટી રમત શક્તિ બનાવવાનો નથી. બલ્કે, રમતગમત દ્વારા સમાજનાં સશક્તીકરણનો પણ નવો દૌર છે. એક સમય હતો જ્યારે આપણા દેશમાં રમત પ્રત્યે ઉદાસીનતાની જ લાગણી હતી. સ્પોર્ટ્સ પણ એક કરિયર બની શકે છે, એવું બહુ ઓછા લોકો વિચારતા. અને તેનું કારણ એ હતું કે રમતગમતને સરકારો તરફથી જે સમર્થન અને સહકાર મળવો જોઈતો હતો તે મળતો ન હતો. ન તો રમતગમતનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એટલું ધ્યાન આપવામાં આવતું કે ન તો ખેલાડીઓની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવતું. તેથી જ ગરીબ અને મધ્યમ વર્ગનાં બાળકો માટે, ગામડાં અને ગ્રામ્ય વિસ્તારનાં બાળકો માટે રમતગમતમાં આગળ વધવું ખૂબ મુશ્કેલ હતું. સમાજમાં પણ એવી ભાવના વધી રહી હતી કે રમતગમત તો માત્ર ખાલી સમય પસાર કરવા માટે જ હોય છે. મોટાં ભાગનાં માતા-પિતાને પણ એવું લાગવા માંડ્યું કે બાળકે એવા વ્યવસાયમાં જવું જોઈએ જેનાથી તેનું જીવન 'સ્થાયી' થઈ જાય. ક્યારેક મને લાગે છે કે આ 'સેટલ' માનસિકતાનાં કારણે દેશે કોણ જાણે કેટલા મહાન ખેલાડીઓ ગુમાવ્યા હશે. પરંતુ આજે હું ખુશ છું કે રમત પ્રત્યે માતા-પિતા અને સમાજના દૃષ્ટિકોણમાં મોટું પરિવર્તન આવ્યું છે. જીવનમાં આગળ વધવા માટે રમતગમતને આકર્ષક વ્યવસાય તરીકે જોવામાં આવી રહી છે. અને આમાં ખેલો ઈન્ડિયા અભિયાને મોટી ભૂમિકા ભજવી છે.

સાથીઓ,

અગાઉની સરકારોનાં રમત પ્રત્યેનાં વલણનો જીવંત પુરાવો કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન થયેલું કૌભાંડ હતું. જે રમતગમતની સ્પર્ધા વિશ્વમાં ભારતની ધાક જમાવવામાં કામ લાગી શકે તેમ હતી એમાં જ કૌભાંડ કરવામાં આવ્યું હતું. અગાઉ, ગામડાંનાં બાળકોને રમવાની તક મળે તે માટે એક યોજના ચાલતી હતી પંચાયત યુવા ક્રિડા ઔર ખેલ અભિયાન. બાદમાં તેનું નામ બદલીને રાજીવ ગાંધી ખેલ અભિયાન કરી દેવામાં આવ્યું. અભિયાનમાં પણ માત્ર નામ બદલવાં પર ધ્યાન આપવામાં આવ્યું હતું, દેશમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પર વધારે ભાર આપવામાં આવ્યો હતો. અગાઉ ગામ હોય કે શહેર, દરેક ખેલાડી સામે સૌથી મોટો પડકાર હતો કે તેને રમતગમતની પ્રેક્ટિસ માટે ઘરથી બહુ દૂર જવું પડતું હતું. ખેલાડીઓનો ઘણો સમય આમાં નીકળી જતો હતો, ઘણી વખત તેમને અન્ય શહેરોમાં જઈને રહેવું પડતું હતું. આને લીધે તો ઘણા યુવાઓ તો પોતાની આ પેશન સુદ્ધાં છોડવા માટે લાચાર થઈ જતા હતા. અમારી સરકાર, આજે ખેલાડીઓના આ દાયકાઓ જૂના પડકારનો પણ ઉકેલ લાવી રહી છે. અર્બન સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે યોજનાઓ હતી એમાં પણ  અગાઉની સરકારે 6 વર્ષમાં માત્ર 300 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જ્યારે, ખેલો ઈન્ડિયા અભિયાન હેઠળ, અમારી સરકારે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર લગભગ 3,000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. વધતાં જતાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાને કારણે હવે વધુ ખેલાડીઓ માટે રમતમાં જોડાવું સરળ બની ગયું છે. મને સંતોષ છે કે અત્યાર સુધીમાં ખેલો ઇન્ડિયા ગેમ્સમાં 30 હજારથી વધુ રમતવીરો ભાગ લઈ ચૂક્યા છે. એમાં પણ દોઢ હજાર ખેલો ઇન્ડિયા ઍથ્લીટ્સની ઓળખ કરીને તેમને આર્થિક મદદ આપવામાં આવી રહી છે. તેમને આધુનિક સ્પોર્ટ્સ એકેડમીમાં ટોપ ક્લાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. 9 વર્ષ અગાઉની સરખામણીએ આ વર્ષનું કેન્દ્રીય ખેલ બજેટ પણ ત્રણ ગણું વધારી દેવાયું છે.

આજે ગામડાઓ નજીક પણ આધુનિક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવી રહ્યું છે. દેશના દૂર-દૂરના વિસ્તારોમાં પણ હવે વધુ સારાં મેદાન, આધુનિક સ્ટેડિયમ, આધુનિક તાલીમ સુવિધાઓ બનાવવામાં આવી રહી છે. યુપીમાં પણ સ્પોર્ટ્સ પ્રોજેક્ટ પર હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. લખનૌમાં જે સુવિધાઓ પહેલાથી હતી તેનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આજે વારાણસીનું સિગરા સ્ટેડિયમ આધુનિક અવતારમાં બહાર આવી રહ્યું છે. લગભગ 400 કરોડ રૂપિયા ખર્ચીને અહીં યુવાનો માટે આધુનિક સુવિધાઓ બનાવવામાં આવી રહી છે. ખેલો ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ, લાલપુરમાં સિન્થેટિક હૉકી ગ્રાઉન્ડ, ગોરખપુરની વીર બહાદુર સિંહ સ્પોર્ટ્સ કૉલેજમાં મલ્ટીપર્પઝ હૉલ, મેરઠમાં સિન્થેટિક હૉકી ગ્રાઉન્ડ અને સહારનપુરમાં સિન્થેટિક રનિંગ ટ્રેક માટે સહાય પૂરી પાડવામાં આવી છે. આગામી સમયમાં ખેલો ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ આવી સુવિધાઓને વધુ વિસ્તૃત કરવામાં આવશે.

સાથીઓ,

અમે વાત પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે ખેલાડીઓને વધુમાં વધુ સ્પર્ધાઓમાં ભાગ લેવાની તક મળે. રમતગમતની સ્પર્ધાઓમાં ખેલાડી જેટલો વધુ ભાગ લે છે, તેટલો તેમને ફાયદો થાય છે, તેમની પ્રતિભામાં પણ વધારો થાય છે. તેમને પણ ખબર પડે છે કે આપણે કેટલાં પાણીમાં છીએ, ક્યાં આપણે આપણી રમત સુધારવાની જરૂર છે. આપણી ખામીઓ શું છે, આપણી ભૂલો શું છે, આપણા પડકારો શું છે, થોડાં વર્ષો પહેલા ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સની શરૂઆત પાછળનું આ પણ એક મોટું કારણ હતું. આજે તે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ અને ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ સુધી વિસ્તરી ચૂકી છે. દેશના હજારો ખેલાડીઓ કાર્યક્રમ હેઠળ સ્પર્ધા કરી રહ્યા છે અને તેમની પ્રતિભાનાં બળ પર આગળ વધી રહ્યા છે. અને મને ખુશી છે કે ભારતીય જનતા પાર્ટીના ઘણા સાંસદો સાંસદ ખેલ સ્પર્ધાઓ ચલાવે છે. દરેક સંસદીય મતવિસ્તારમાં હજારોની સંખ્યામાં યુવાનો, દીકરા-દીકરીઓ રમતગમતમાં ભાગ લે છે. આજે દેશને તેનાં સુખદ પરિણામો પણ મળી રહ્યાં છે. વીતેલાં વર્ષોમાં, આપણા ખેલાડીઓએ ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. દર્શાવે છે કે આજે આપણા ભારતના યુવા ખેલાડીઓનો આત્મવિશ્વાસ કેટલો બુલંદ છે.

સાથીઓ,

રમતગમત સાથે સંબંધિત કૌશલ્ય હોય કે ખેલાડીઓને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે અન્ય વિદ્યાશાખાઓ હોય, સરકાર ડગલે ને પગલે ખેલાડીઓની સાથે ઊભી છે. અમારી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં રમતગમતને એક વિષય તરીકે ભણાવવાનો પ્રસ્તાવ છે. રમતગમત હવે અભ્યાસક્રમનો એક ભાગ બનવા જઈ રહી છે. દેશની પ્રથમ નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની રચના આમાં વધુ મદદ કરશે. હવે રાજ્યોમાં પણ સ્પોર્ટ્સ સ્પેશિયલાઇઝ્ડ ઉચ્ચ શિક્ષણ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશ આમાં પ્રશંસનીય કામ કરી રહ્યું છે. મેરઠની મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ઉદાહરણ આપણી સામે છે. ઉપરાંત આજે દેશભરમાં 1000 ખેલો ઈન્ડિયા કેન્દ્રો પણ સ્થાપિત થઈ રહ્યાં છે. લગભગ 2 ડઝન નેશનલ સેન્ટર ઑફ એક્સેલન્સ પણ ખોલવામાં આવ્યાં છે. પ્રદર્શન સુધારવા માટે કેન્દ્રો પર તાલીમ અને રમત વિજ્ઞાન સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ખેલો ઈન્ડિયાએ ભારતની પરંપરાગત રમતોની પ્રતિષ્ઠા પણ પુનઃસ્થાપિત કરી છે. અમારી સરકાર ગટકા, મલ્લખંભ, થાંગ-તા, કલરીપયટ્ટુ અને યોગાસન જેવી વિવિધ વિદ્યાઓને પ્રોત્સાહિત કરવા માટે પણ શિષ્યવૃત્તિ પણ આપી રહી છે.

સાથીઓ,

ખેલો ઈન્ડિયા કાર્યક્રમનું બીજું પ્રોત્સાહક પરિણામ આપણી દીકરીઓની ભાગીદારી અંગેનું આવ્યું છે. દેશનાં ઘણાં શહેરોમાં ખેલો ઈન્ડિયા મહિલા લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મને કહેવામાં આવ્યું છે કે તેમાં અત્યાર સુધીમાં વિવિધ વય જૂથોની લગભગ 23 હજાર મહિલા ખેલાડીઓએ ભાગ લીધો છે. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં પણ મોટી સંખ્યામાં મહિલા ખેલાડીઓની ભાગીદારી જોવા મળે છે. હું ખાસ કરીને ગેમ્સમાં ભાગ લેનારી દીકરીઓને મારી શુભકામનાઓ પાઠવું છું.

સાથીઓ,

તમે બધા યુવા મિત્રોએ એવા સમયે રમતનાં ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે જે ચોક્કસપણે ભારતનો સમયગાળો છે. ભારતની પ્રગતિ તમારી પ્રતિભા, તમારી પ્રગતિમાં રહેલી છે. તમે જ ભવિષ્યના ચૅમ્પિયન છો. તિરંગાનું ગૌરવ વધારવું આપ સૌની જવાબદારી છે. તેથી આપણે કેટલીક બાબતો ચોક્કસ યાદ રાખવી જોઈએ. આપણે ઘણીવાર ખેલદિલી - ટીમ સ્પિરિટ વિશે વાત કરીએ છીએ. આખરે ખેલભાવના શું છે? શું તે માત્ર હાર અને જીત સ્વીકારવા સુધી સીમિત છે? શું તે માત્ર ટીમવર્ક પૂરતું સીમિત છે? ખેલદિલીનો અર્થ આના કરતાં વિશાળ છે, વ્યાપક છે. રમતગમત, અંગત સ્વાર્થથી ઉપર ઊઠીને, સામૂહિક સફળતાની પ્રેરણા આપે છે. રમતગમત આપણને મર્યાદાનું પાલન કરવાનું શીખવે છે, નિયમોનું પાલન કરવાનું શીખવે છે. મેદાનમાં ઘણીવાર સંજોગો તમારી વિરુદ્ધ હોઈ શકે છે. શક્ય છે કે ક્યારેક નિર્ણયો તમારી વિરુદ્ધ પણ હોય. પરંતુ ખેલાડી પોતાનું ધૈર્ય ગુમાવતો નથી, હંમેશા નિયમો માટે પ્રતિબદ્ધ રહે છે. નિયમો અને કાયદાની મર્યાદામાં રહીને ધીરજથી તમારા વિરોધીને કેવી રીતે માત આપવી, એક ખેલાડીની ઓળખ હોય છે. વિજેતા ત્યારે મહાન ખેલાડી બને છે જ્યારે તે હંમેશા ખેલભાવના. મર્યાદાને અનુસરે છે. વિજેતા ત્યારે મહાન ખેલાડી બને છે જ્યારે સમાજ તેનાં દરેક આચરણમાંથી પ્રેરણા લે. તેથી, તમે બધા યુવા મિત્રોએ તમારી રમતમાં બાબતોને ધ્યાનમાં જરૂર રાખવી જોઈએ. મને ખાતરી છે કે, તમે પણ યુનિવર્સિટી ગેમ્સમાં ખેલશો પણ અને ખીલશો પણ. ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન! ખૂબ સારું રમો, ખૂબ આગળ વધો! આભાર !

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1927435) Visitor Counter : 192