પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ 16મા નાગરિક સેવા દિવસના ઉપક્રમે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન આપ્યું


જાહેર પ્રશાસનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 16 પુરસ્કારો વિજેતાઓને પ્રધાનમંત્રીના પુરસ્કારો એનાયત કર્યા

ઇ-પુસ્તકો- ‘વિકસિત ભારત - નાગરિકોનું સશક્તિકરણ અને છેવાડાની વ્યક્તિ સુધીની પહોંચ’ની આવૃત્તિ I અને આવૃત્તિ IIનું વિમોચન કર્યું

“વિકસિત ભારત માટે, સરકારી તંત્રએ સામાન્ય લોકોની આકાંક્ષાઓને સમર્થન આપવું જોઇએ”

“પહેલાંના સમયમાં એવી વિચારસરણી હતી કે સઘળું કામ સરકાર જ કરશે, પરંતુ હવે એવું વિચારવામાં આવે છે કે, સરકાર સૌના માટે કામ કરશે”

“સરકારનું સૂત્ર છે 'રાષ્ટ્ર પ્રથમ - નાગરિક પ્રથમ', વર્તમાન સરકાર વંચિતોને પ્રાથમિકતા આપી રહી છે”

“આજના મહત્વાકાંક્ષી નાગરિકો વ્યવસ્થાતંત્રમાં પરિવર્તન જોવા માટે લાંબા સમય સુધી રાહ જોવા માટે તૈયાર નથી”

“દુનિયા કહી રહી છે કે ભારતનો સમય આવી ગયો છે એટલે અત્યારે દેશના અમલદારવર્ગ પાસે વેડફવા માટેનો કોઇ સમય નથી”

“તમારા તમામ નિર્ણયોનો આધાર હંમેશા રાષ્ટ્રીય હિત જ હોવું જોઇએ”

“અમલદારોની ફરજ છે કે, કોઇપણ રાજકીય પક્ષ કરદાતાઓના નાણાંનો ઉપયોગ પોતાની સંસ્થાના ફાયદા માટે કરી રહ્યો છે કે રાષ્ટ્ર માટે તેનું વિશ્લેષણ કરે”

“સુશાસન એ ચાવી છે. લોકો-કેન્દ્રિત શાસન સમસ્યાઓનું નિરાકરણ લાવે છે અને વધુ સારાં પરિણામો આપે છે”

“આઝાદીની સદી એ દેશની સુવર્ણ સદી હશે જ્યારે આપણે આપણા કર્તવ્યને પ્રથમ પ્રાધાન્ય આપીશું. ફરજ એ આપણા માટે કોઇ વિકલ્પ નથી પરંતુ સંકલ્પ છે”

“મિશન કર્મયોગીનો ઉદ્દેશ્ય સનદી અધિકારીઓની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવાનો છે”

“તમે તમારા માટે શું કર્યું છે તેના આધારે તમારું મૂલ્યાંકન નહીં કરવામાં આવે, પરંતુ તમે લોકોના જીવનમાં શું પરિવર્તન લાવ્યા છો તેના આધારે મૂલ્યાંકન થશે”

“નવા ભારતમાં દેશના નાગરિકોની તાકાત વધી છે, ભારતની તાકાત વધી છે”

Posted On: 21 APR 2023 1:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 16મા નાગરિક સેવા દિવસ, 2023ના ઉપક્રમે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજવામાં આવેલા એક કાર્યક્રમમાં નાગિરક અધિકારીઓને સંબોધન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ જાહેર પ્રશાસનમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ પુરસ્કાર મેળવનારા અધિકારીઓને જાહેર સેવામાં ઉત્કૃષ્ટતા બદલ પ્રધાનમંત્રીના પુરસ્કાર એનાયત કર્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ નાગરિક સેવા દિવસ નિમિત્તે તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ વર્ષે નાગરિક સેવા દિવસનો પ્રસંગ વધુ વિશેષ બની ગયો છે કારણ કે દેશે તેની સ્વતંત્રતાના 75 વર્ષ પૂરાં કર્યા છે અને વિકસિત ભારતના લક્ષ્યો તેમજ ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે આગેકૂચ કરવાનું શરૂ કરી દીધું છે. તેમણે 15-25 વર્ષ પહેલાંના સમયમાં સેવામાં જોડાયા હતા તેવા સનદી કર્મચારીઓએ આપેલા યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો અને અમૃતકાળના આગામી 25 વર્ષમાં રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપનારા યુવા અધિકારીઓની ભૂમિકા પર ખાસ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, યુવા અધિકારીઓ ખૂબ જ ભાગ્યશાળી છે કે, આ અમૃતકાળમાં દેશની સેવા કરવાની તેમને તક મળી છે. પ્રધાનમંત્રીએ સમયનો અભાવ હોવા છતાં દેશમાં સામર્થ્ય અને હિંમત વિપુલ પ્રમાણમાં હોવાનું નોંધીને ટિપ્પણી કરી હતી કે, “રાષ્ટ્રના દરેક સ્વાતંત્ર્ય સેનાનીના સપનાને સાકાર કરવાની જવાબદારી દરેકના ખભા પર રહેલી છે”.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા 9 વર્ષમાં કરેલા કામને કારણે દેશ હવે ઊંચી ઉડાન ભરવા માટે તૈયાર છે. તેમણે ઉમેર્યું હતું કે, એક જ અમલદાર અને કર્મચારી પાસેથી અલગ-અલગ પરિણામો મળી રહ્યા છે. તેમણે વૈશ્વિક મંચ પર દેશની પ્રોફાઇલમાં વૃદ્ધિ થઇ રહી છે તેવી સ્થિતિમાં, 'સુશાસન'માં ગરીબમાં ગરીબ લોકોના વધતા વિશ્વાસ અને દેશના વિકાસની નવી ગતિ માટે કર્મયોગીઓની ભૂમિકા મહત્વની હોવાનું સ્વીકાર્યું હતું. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, ભારત ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં નંબર વન છે, સૌથી સસ્તો મોબાઇલ ડેટા ધરાવતા દેશો પૈકી એક છે અને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે તેના કારણે ભારત સમગ્ર વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી રહ્યું છે, ફિનટેકમાં પ્રગતિ કરી રહ્યું છે. તેમણે ગ્રામીણ અર્થવ્યવસ્થા, રેલ્વે, ધોરીમાર્ગો, બંદરોની ક્ષમતામાં વૃદ્ધિ અને હવાઇમથકોની સંખ્યામાં પરિવર્તનકારી ફેરફારો વિશે ટિપ્પણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે આપવામાં આવેલા પુરસ્કારો કર્મયોગીઓના યોગદાન અને સેવાની ભાવનાને દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ ગયા વર્ષે 15 ઑગસ્ટના રોજ લાલ કિલ્લાની પ્રાચીર પરથી આપેલા સંબોધનને યાદ કરીને તેમણે ઉલ્લેખ કરેલા 'પંચ પ્રણ' એટલે કે, વિકસિત ભારત, ગુલામીના કાળના ચિહ્નોને દૂર કરવા, ભારતના વારસાનું ગૌરવ લેવું, દેશની એકતા અને વિવિધતાને મજબૂત બનાવવી અને પોતાની ફરજોને સર્વોપરી રાખવીને યાદ કરીને તેમણે ખાસ કહ્યું હતું કે, આ પાંચ સંકલ્પોમાંથી જે ઉર્જા નીકળશે તે દેશને સમગ્ર દુનિયામાં એવા મુકામ પર લઇ જશે જેના માટે તે ખરેખરમાં હકદાર છે.

આ વર્ષના નાગરિક સેવા દિવસની થીમ વિકસિત ભારતની કલ્પના પર આધારિત છે તે અંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિકસિત ભારતની વિભાવના માત્ર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ સુધી મર્યાદિત નથી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “વિકસિત ભારત માટે એ પણ મહત્વનું છે કે ભારતનું સરકારી વ્યવસ્થાતંત્ર દરેક ભારતીયની આકાંક્ષાઓને સમર્થન આપે અને દરેક સરકારી કર્મચારી દરેક નાગરિકને તેમનાં સપનાં સાકાર કરવામાં મદદ કરે અને અગાઉના વર્ષોમાં પ્રણાલી સાથે સંકળાયેલી નકારાત્મકતા સકારાત્મકતામાં ફેરવવામાં આવે.”

ભારતને આઝાદી મળી તે પછીના દાયકાઓના અનુભવ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ સરકારી યોજનાઓના અમલીકરણમાં છેવાડાની વ્યક્તિ સુધી સેવાઓનો લાભ પહોંચાડવાનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે અગાઉની સરકારોની નીતિઓનાં પરિણામોનાં ઉદાહરણો આપ્યા હતા અને ઉલ્લેખ કર્યો હતો કે, 4 કરોડથી વધુ નકલી ગેસ કનેક્શન, 4 કરોડથી વધુ નકલી રેશનકાર્ડ હતા તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 1 કરોડ બનાવટી મહિલાઓ અને બાળકોને સહાય પૂરી પાડવામાં આવતી હતી. આ ઉપરાંત, લઘુમતી કલ્યાણ મંત્રાલય દ્વારા આશરે 30 લાખ યુવાનોને નકલી શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી, અને ક્યારેય અસ્તિત્વમાં જ ન હોય તેવા કામદારોના લાભો ટ્રાન્સફર કરવા માટે મનરેગા હેઠળ લાખો નકલી ખાતા ખોલવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીએ એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, આ નકલી લાભાર્થીઓના બહાના હેઠળ દેશમાં ભ્રષ્ટ ઇકોસિસ્ટમ ઉભરી આવી છે. તેમણે સમગ્ર વ્યવસ્થાતંત્રમાં થયેલા પરિવર્તનનો શ્રેય સનદી અધિકારીઓને આપ્યો હતો. આ પરિવર્તનના કારણે આશરે 3 લાખ કરોડ રૂપિયા ખોટા લોકોના હાથમાં જવાથી બચી ગયા છે, જેનો ઉપયોગ હવે ગરીબોના કલ્યાણ માટે થઇ રહ્યો છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે સમય મર્યાદિત હોય છે, ત્યારે દિશા અને કાર્યશૈલી નક્કી કરવામાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. તેમણે કહ્યું હતું કે “આજનો પડકાર કાર્યક્ષમતા અંગેનો નથી પરંતુ ખામીઓને કેવી રીતે શોધી અને કેવી રીતે તેને દૂર કરવી તે નક્કી કરવાનો છે”. તેમણે એ સમયને યાદ કર્યો હતો જ્યારે અભાવની આડશમાં નાના પરિબળને પણ નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. તેમણે પોતાની વાતને આગળ વધારવાનું ચાલુ રાખીને કહ્યું હતું કે, આજે એ જ ખામીને કાર્યક્ષમતામાં રૂપાંતરિત કરવામાં આવી રહી છે અને વ્યવસ્થાતંત્રમાં રહેલા અવરોધો દૂર કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ દરેક વ્યક્તિ સુધી સેવાઓ પહોંચાડવા માટે સમય અને સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે, “પહેલાંના સમયમાં એવી વિચારસરણી હતી કે સઘળું કામ સરકાર જ કરશે, પરંતુ હવે એવું વિચારવામાં આવે છે કે, સરકાર સૌના માટે કામ કરશે”. સરકાર મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમને હવે મહત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમના સ્તરે લઇ જઇ રહી હોવાની માહિતી આપીને પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “સરકારનું સૂત્ર 'રાષ્ટ્ર પ્રથમ - નાગરિક પ્રથમ' છે, આજની સરકારની પ્રાથમિકતા વંચિતોને પ્રાધાન્ય આપવાની છે”. તેમણે આગળ જણાવ્યું હતું કે, આજની સરકાર સરહદી ગામોને દેશના છેલ્લા ગામો માનવાના બદલે દેશના પ્રથમ ગામો તરીકે માની રહી છે. તેમણે જણાવ્યું હતું કે, યોજનાઓના અમલની 100 ટકા સંતૃપ્તિ માટે, આપણે વધુ સખત મહેનત કરવી પડશે અને આવિષ્કારી ઉકેલો લાવવાની જરૂર પડશે. તેમણે પ્રણાલીમાં ક્યાંક ઉપલબ્ધ હોય તેવા NoC અને માહિતી માગી રહેલા વિભાગોનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે આપણે આના ઉકેલો શોધવા પડશે.

પ્રધાનમંત્રીએ પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાનનું ઉદાહરણ આપીને સમજાવ્યું હતું કે, કોઇપણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તમામ ડેટા સ્તરો એક જ પ્લેટફોર્મ પર મેળવી શકાય છે અને સામાજિક ક્ષેત્રમાં વધુ સારા આયોજન તેમજ અમલીકરણ માટે તેનો મહત્તમ ઉપયોગ કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. આગળ તેમણે ઉમેર્યું હતું કે, નાગરિકોની જરૂરિયાતોને ઓળખવામાં, ભવિષ્યમાં ઉદ્ભવતી શિક્ષણ સંબંધિત સમસ્યાઓને ઉકેલવામાં અને વિભાગો, જિલ્લાઓ તેમજ તાલુકાઓ વચ્ચે કમ્યુનિકેશનમાં વધારો કરવામાં અને ભવિષ્યની વ્યૂહરચના ઘડવામાં મદદ કરવા માટે તે ઘણો ફાયદો કરશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમૃતકાળ આપણી સમક્ષ મહાન તકોની સાથે સાથે વિરાટ પડકારો લઇને આવ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજના મહત્વાકાંક્ષી નાગરિકો વ્યવસ્થાતંત્રમાં પરિવર્તનો જોવા માટે વધુ રાહ જોવા માટે તૈયાર નથી. તેમણે આગળ સમજાવ્યું હતું કે, આના માટે આપણે સંપૂર્ણ પ્રયત્નો કરવાની જરૂર પડશે. ઝડપી નિર્ણયો લેવા અને તેનો ઝડપથી અમલ કરવો એ વધુ મહત્વનું બની ગયું છે કારણ કે ભારત પાસેથી વિશ્વની અપેક્ષાઓમાં પણ નાટકીય રીતે વધારો થઇ રહ્યો છે. જેમ દુનિયા કહી રહી છે કે ભારતનો સમય આવી ગયો છે એટલે અત્યારે દેશના અમલદારવર્ગ પાસે વેડફવા માટેનો કોઇ સમય નથી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, દેશે તમારામાં વિશ્વાસ મૂક્યો છે, તે વિશ્વાસ જાળવીને કામ કરો. તમારા તમામ નિર્ણયોનો આધાર હંમેશા રાષ્ટ્રીય હિત હોવું જોઇએ.

પ્રધાનમંત્રીએ લોકશાહીમાં વિવિધ વિચારધારા ધરાવતા રાજકીય પક્ષોના મહત્વ અને આવશ્યકતા પર પ્રકાશ પાડીને, સત્તામાં રહેલા રાજકીય પક્ષ કરદાતાઓના નાણાંનો રાષ્ટ્રના હિત માટે ઉપયોગ કરી રહ્યા છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવા માટે અમલદારશાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું હતું કે “કોઇ રાજકીય પક્ષ કરદાતાઓના નાણાંનો ઉપયોગ પોતાની સંસ્થાના હિત માટે કરે છે કે રાષ્ટ્રના હિત માટે કરે છે કે તેનું વિશ્લેષણ કરવાની અમલદારશાહીની ફરજ છે”. તેમણે આગળ કહ્યું હતું કે, નાણાંનો ઉપયોગ મત બેંક ઉભી કરવા માટે થઇ રહ્યો છે કે પછી નાગરિકોના જીવનને સરળ બનાવવા માટે થઇ રહ્યો છે; સરકારી ખજાનાનો ઉપયોગ તેઓ પોતાની જાહેરાત કરવા માટે કરી રહ્યા છે કે પછી લોકોને જાગૃત કરવા માટે કરી રહ્યા છે; તેઓ પોતાના પક્ષના કાર્યકરોને વિવિધ સંગઠનોમાં નિયુક્તિ આપી રહ્યા છે કે પછી ભરતી માટે પારદર્શક પ્રક્રિયાનો ઉપયોગ કરી રહ્યા છે આ તમામ બાબતોની તપાસ કરવી જોઇએ. અમલદારવર્ગને ભારતનું લોખંડી માળખું કહેનારા સરદાર પટેલના શબ્દોને યાદ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો અને કરદાતાઓના પૈસાની સાથે યુવાનોના સપનાંઓને બરબાદ થતા રોકવાનો સમય આવી ગયો છે.

પ્રધાનમંત્રીએ સરકારી અધિકારીઓને કહ્યું હતું કે, જીવનના બે અભિગમો હોય છે, પ્રથમ, કામ પૂરા કરવા અને બીજો કે, કામને તેની જાતે થવા દેવું. પ્રથમ એક સક્રિય વલણ છે અને બીજું નિષ્ક્રિય વલણને પ્રતિબિંબિત કરે છે. કામ પૂરું કરવામાં વિશ્વાસ ધરાવતા લોકો સક્રિય રીતે માલિકી લે છે અને તેમની ટીમનું પ્રેરક બળ બની જાય છે. પ્રધાનમંત્રીએ કર્મયોગીઓને કહ્યું હતું કે, લોકોના જીવનમાં પરિવર્તન લાવવાની આ પ્રબળ ઇચ્છાથી તમે એક યાદગાર વારસો છોડી શકશો. તમે તમારા માટે શું કર્યું છે તેના આધારે તમારું મૂલ્યાંકન નહીં કરવામાં આવે પરંતુ તમે લોકોના જીવનમાં કેવા ફેરફારો લાવ્યા છે તેના આધારે તમારું મૂલ્યાંકન કરવામાં આવશે. તેમણે આગળ કહ્યું હતું કે, તેથી, સુશાસન એ ચાવી છે. લોકો-કેન્દ્રિત શાસન સમસ્યાઓનું નિરાકરણ લાવે છે અને વધુ સારા પરિણામો આપે છે. તેમણે સુશાસન અને ઉર્જાવાન યુવા અધિકારીઓના પ્રયાસોને કારણે વિકાસના અનેક માપદંડો પર અન્ય જિલ્લાઓની સરખામણીએ વધુ સારી કામગીરી બજાવતા મહત્વાકાંક્ષી જિલ્લાઓના ઉદાહરણો આપ્યા હતા. આ વાત સમજાવતા તેમણે જણાવ્યું હતું કે, લોકોની ભાગીદારી પર ધ્યાન કેન્દ્રિત કરીને લોકોમાં માલિકીની ભાવના પેદા થાય છે અને આ લોકોની માલિકી અભૂતપૂર્વ પરિણામોની ખાતરી આપે છે. તેમણે સ્વચ્છ ભારત, અમૃત સરોવર અને જલ જીવન મિશનના ઉદાહરણોનો ઉલ્લેખ કરીને આ અંગે વિગતે સમજાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ જિલ્લા વિઝન@100નો ઉલ્લેખ કર્યો હતો જે તૈયાર કરવામાં આવી રહ્યું અને કહ્યું હતું કે, આવા વિઝન પંચાયત સ્તર સુધી તૈયાર કરવા જોઇએ. પંચાયતો, તાલુકાઓ, જિલ્લા અને રાજ્યમાં કયા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ, રોકાણને આકર્ષવા માટેના ફેરફારો અને નિકાસ માટે લઇ શકાય તેવા ઉત્પાદનોની ઓળખ, આ બધા માટે સ્પષ્ટ દૃષ્ટિકોણ વિકસાવવો જોઇએ. તેમણે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે MSME અને સ્વ-સહાય જૂથોની સાંકળને જોડવા પર ભાર મૂક્યો અને જણાવ્યું હતું કે “તમારા બધા માટે ખૂબ જ મહત્વનું છે કે, સ્થાનિક પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે તમે સ્થાનિક ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટ-અપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપો.”

પ્રધાનમંત્રીએ પોતે 20 વર્ષથી વધુ સમયથી સરકારના વડા તરીકે કામ કરી રહ્યા છે તે વાતને રેખાંકિત કરીને, સનદી અધિકારીઓ સાથે કામ કરવાની તક મળવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ક્ષમતા નિર્માણ પર ભાર મૂક્યો અને ખુશી વ્યક્ત કરી કે મિશન કર્મયોગીતમામ સરકારી કર્મચારીઓમાં એક વિશાળ અભિયાન બની ગયું છે. તેમણે રેખાંકિત કર્યું હતું કે, ક્ષમતા નિર્માણ આયોગ આ અભિયાનને સંપૂર્ણ તાકાત સાથે આગળ લઇ જઇ રહ્યું છે અને કહ્યું હતું કે , “મિશન કર્મયોગીનો ઉદ્દેશ્ય નાગરિક કર્મચારીઓની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવાનો છે.” દરેક જગ્યાએ ગુણવત્તાયુક્ત તાલીમ સામગ્રીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવેલા iGOT પ્લેટફોર્મ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તાલીમ અને શિક્ષણ થોડા મહિનાઓ માટેની ઔપચારિકતા ન રહેવા જોઇએ. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, “હવે, ભરતી થનારા તમામ લોકોને પણ 'કર્મયોગી પ્રારંભ'ના ઓરિએન્ટેશન મોડ્યુલ સાથે iGOT પ્લેટફોર્મ પર તાલીમ આપવામાં આવી રહી છે”.

પ્રધાનમંત્રીએ પદાનુક્રમના પ્રોટોકોલને દૂર કરવાની સરકારની પહેલ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, તેઓ સતત સચિવો, સહાયક સચિવો અને તાલીમાર્થી અધિકારીઓને મળે છે. તેમણે નવા વિચારો માટે વિભાગમાં દરેકની ભાગીદારી વધારવા માટે મંથન શિબિરોનું ઉદાહરણ પણ આપ્યું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, અધિકારીઓને શરૂઆતના વર્ષોમાં રાજ્યોમાં જ સેવા આપ્યા પછી કેન્દ્ર સરકારમાં કામ કરવાનો અનુભવ મેળવવાનો મુદ્દો હવે અંતરાય દૂર કરવા માટે સહાયક સચિવ કાર્યક્રમનો અમલ કરીને ઉકેલવામાં આવ્યો છે. આમાં યુવાન IAS અધિકારીઓને હવે તેમની કારકિર્દીમાં ખૂબ જ શરૂઆતના તબક્કે જ કેન્દ્ર સરકારમાં કામ કરવાની તક મળે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 25 વર્ષની અમૃત યાત્રાને ફરજનો સમય (કર્તવ્ય કાળ) માનવામાં આવે છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આઝાદીની સદી એ દેશની સુવર્ણ સદી હશે જ્યારે આપણે આપણા કર્તવ્યને પ્રથમ પ્રાધાન્ય આપીશું. ફરજ એ આપણા માટે કોઇ વિકલ્પ નથી પરંતુ સંકલ્પ છે. તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે ઝડપી પરિવર્તનનો સમય છે. તમારી ભૂમિકા પણ તમારા અધિકારો દ્વારા નહીં, પરંતુ તમારી ફરજો અને તેમની કામગીરી દ્વારા નક્કી કરવામાં આવશે. નવા ભારતમાં દેશના નાગરિકોની તાકાત વધી છે, ભારતની તાકાત વધી છે. તમને આ નવા ઉભરતા ભારતમાં મહત્વની ભૂમિકા ભજવવાની તક મળી છે.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપનમાં જણાવ્યું હતું કે, આઝાદીના 100 વર્ષ પછી રાષ્ટ્રની સિદ્ધિઓનું મૂલ્યાંકન કરવામાં આવશે ત્યારે ઇતિહાસમાં પોતાની આગવી ઓળખ બનાવવાની તક અત્યારે યુવાન સનદી અધિકારીઓ પાસે આવી છે. શ્રી મોદીએ સમાપનમાં કહ્યું હતું કે, તમે ગૌરવ સાથે કહી શકો છો કે મેં દેશ માટે નવું વ્યવસ્થાતંત્ર બનાવવામાં અને તેને સુધારવામાં ભૂમિકા ભજવી છે. મને ખાતરી છે કે તમે બધા રાષ્ટ્રનિર્માણમાં તમારી ભૂમિકાનું એકધારું વિસ્તરણ કરવાનું ચાલુ રાખશો.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ શ્રી પી. કે. મિશ્રા, કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબા તેમજ વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગના સચિવ શ્રી વી. શ્રીનિવાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પૃષ્ઠભૂમિ

પ્રધાનમંત્રી રાષ્ટ્રનિર્માણમાં સનદી અધિકારીઓના યોગદાનની નિરંતર પ્રશંસા કરતા રહે છે અને તેમને વધુ સખત મહેનત કરવા માટે પ્રોત્સાહન આપે છે. આ કાર્યક્રમ પ્રધાનમંત્રી માટે દેશભરના સનદી અધિકારીઓને પ્રોત્સાહિત કરવા અને તેમને પ્રેરણા આપવા માટે એક યોગ્ય મંચ તરીકે સેવા આપે છે, જેથી ખાસ કરીને અમૃતકાળના આ નિર્ણાયક તબક્કા દરમિયાન તેઓ એ જ ઉત્સાહ સાથે રાષ્ટ્રની સેવા કરતા રહે.

આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા બદલ પ્રધાનમંત્રી પુરસ્કાર પણ એનાયત કર્યા હતા. સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોના જિલ્લાઓ અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા અસાધારણ અને આવિષ્કારી કાર્યને બિરદાવવાના ઉદ્દેશતી આ પુરસ્કારોની શરૂઆત કરવામાં આવી છે.

ઓળખી કાઢવામાં આવેલા અગ્રતાના ચાર કાર્યક્રમોમાં કરવામાં આવેલ અનુકરણીય કાર્ય બદલ આ પુરસ્કારો આપવામાં આવ્યા હતા. આ ચાર કાર્યક્રમો: હર ઘર જલ યોજના દ્વારા સ્વચ્છ જલને પ્રોત્સાહન આપવું; આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો દ્વારા સ્વસ્થ ભારતને પ્રોત્સાહન આપવું; સમગ્ર શિક્ષા દ્વારા સમાન અને સમાવિષ્ટ વર્ગખંડના માહોલ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રોત્સાહન આપવું; મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ દ્વારા સર્વાંગી વિકાસ - સંતૃપ્તિ અભિગમ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને એકંદર પ્રગતિ છે. ઉપરોક્ત ચાર ઓળખી કાઢવામાં આવેલા કાર્યક્રમો માટે આઠ પુરસ્કારો આપવામાં આવ્યા છે જ્યારે સાત પુરસ્કારો આવિષ્કાર બદલ આપવામાં આવ્યા છે.

YP/GP/JD



(Release ID: 1918542) Visitor Counter : 292