પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં વૈશ્વિક બૌદ્ધ સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન આપ્યું
"બુદ્ધ ચેતના સદાકાળ છે"
"ભારત ભગવાન બુદ્ધના ઉપદેશોથી પ્રેરણા લઇને, વૈશ્વિક કલ્યાણ માટે નવી પહેલ કરી રહ્યું છે"
"આપણે ભગવાન બુદ્ધના મૂલ્યો અને સંદેશને નિરંતર ફેલાવ્યા છે"
"ભારત, દરેક માનવીના દુ:ખને પોતાનું દુ:ખ સમજે છે"
"IBC જેવા મંચ સમાન વિચારસરણી ધરાવનારાઓ અને સમાન દિલના દેશોને બુદ્ધ ધમ્મ અને શાંતિનો પ્રસાર કરવાની તક પૂરી પાડી રહ્યાં છે"
"સમયની માંગ છે કે, દરેક વ્યક્તિ અને રાષ્ટ્રની પ્રાથમિકતા ‘દેશના હિતની સાથે દુનિયાનું હિત’ હોવી જોઇએ"
"સમસ્યાઓના ઉકેલની યાત્રા એ બુદ્ધની યાત્રા છે"
"આજની દુનિયા જેનાથી પીડાઇ રહી છે તેવી તમામ સમસ્યાઓ માટે બુદ્ધે ઉકેલો આપ્યા હતા"
"બુદ્ધનો માર્ગ એ ભવિષ્યનો માર્ગ અને સ્થિરતાનો માર્ગ છે"
"મિશન LiFE બુદ્ધની પ્રેરણાથી પ્રભાવિત છે અને તે બુદ્ધના વિચારોને આગળ ધપાવે છે"
Posted On:
20 APR 2023 12:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હોટેલ અશોક ખાતે યોજાયેલા વૈશ્વિક બૌદ્ધ સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં સંબોધન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ અહીં ઉભા કરવામાં આવેલા ફોટો પ્રદર્શનમાં લટાર મારી હતી અને બુદ્ધની મૂર્તિને પુષ્પ અર્પણ કર્યાં હતાં. તેમણે ઓગણીસ પ્રતિષ્ઠિત સાધુઓને સાધુ વસ્ત્રો (ચિવર દાના) પણ અર્પણ કર્યા.
આ કાર્યક્રમમાં ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ વૈશ્વિક બૌદ્ધ સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપવા માટે દુનિયાના વિવિધ ખૂણામાંથી આવનારા તમામ લોકોનું સ્વાગત કર્યું હતું. તેમણે રેખાંકિત કર્યું હતું કે ‘અતિથિ દેવો ભવ:’ એટલે કે અતિથિઓ ભગવાનનું સ્વરૂપ છે, એ બુદ્ધની આ ભૂમિની પરંપરા છે અને બુદ્ધના આદર્શો દ્વારા જીવી ચૂકેલા અનેક મહાનુભાવોની હાજરી આપણને જાણે બુદ્ધ પોતે જ આપણી આસપાસ હાજર હોય તેવો અહેસાસ કરાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "બુદ્ધ કોઇ વ્યક્તિની સીમિતતાથી બહાર છે, તેઓ એક દૃષ્ટિકોણ છે". પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, બુદ્ધ એક એવી સંવેદના છે કે, જે વ્યક્તિથી આગળ વધે છે, તે એક વિચાર છે જે સાકાર સ્વરૂપ કરતાં આગળ છે અને બુદ્ધ એ અભિવ્યક્તિની બહારની ચેતના છે. તેમણે કહ્યું હતું કે "આ બુદ્ધ ચેતના સદાકાળ છે". તેમણે આગળ જણાવ્યું હતું કે, વિવિધ ક્ષેત્રોમાંથી ઘણા લોકોની હાજરી બુદ્ધના વિસ્તરણની રજૂઆત કરે છે, જે સમગ્ર માનવજાતને એક જ તાતણે બાંધે છે. તેમણે વિશ્વના કલ્યાણ માટે સમગ્ર દુનિયામાં ભગવાન બુદ્ધના કરોડો અનુયાયીઓની સામૂહિક ઇચ્છાશક્તિ અને સંકલ્પની શક્તિનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો. આ પ્રસંગની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, અહીં શરૂ થઇ રહેલું વૈશ્વિક બૌદ્ધ સંમેલન તમામ રાષ્ટ્રોના પ્રયત્નો માટે એક અસરકારક મંચનું નિર્માણ કરશે અને આ મહત્વપૂર્ણ કાર્યક્રમના આયોજન બદલ સંસ્કૃતિ મંત્રાલય અને આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘનો આભાર માન્યો હતો.
પ્રધાનમંત્રીએ બૌદ્ધ ધર્મ સાથેના તેમના અંગત જોડાણ પર પણ પ્રકાશ પાડ્યો હતો કારણ કે તેમનું મૂળ વતન વડનગર પણ એક મુખ્ય બૌદ્ધ કેન્દ્ર છે અને હ્યુએન ત્સાંગે વડનગરની મુલાકાત લીધી હતી. શ્રી મોદીએ સારનાથના સંદર્ભમાં કાશીનો પણ ઉલ્લેખ કર્યો હતો અને બૌદ્ધ વારસા સાથેનું જોડાણ વધુ ગાઢ હોવાનું જણાવ્યું હતું.
ભારતની આઝાદીના 75મા વર્ષ દરમિયાન દેશ જ્યારે આઝાદીના અમૃતકાળની ઉજવણી કરી રહ્યો છે ત્યારે જ વૈશ્વિક બૌદ્ધ સંમેલન યોજાઇ રહ્યું છે તેની નોંધ લેતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત પાસે તેના ભવિષ્ય માટેનું મુખ્ય લક્ષ્ય છે અને વૈશ્વિક કલ્યાણ માટે નવા સંકલ્પો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતે તાજેતરમાં વિવિધ ક્ષેત્રોમાં જે વૈશ્વિક સીમાચિહ્નો પ્રાપ્ત કર્યા છે તેની પાછળની પ્રેરણા પણ ખુદ ભગવાન બુદ્ધ છે.
સિદ્ધાંત, અભ્યાસ અને અનુભૂતિના બૌદ્ધ માર્ગને યાદ કરીને, ભારતે છેલ્લા 9 વર્ષની પોતાની યાત્રામાં આ ત્રણેય મુદ્દાઓને અપનાવ્યા છે તે વિશે પ્રધાનમંત્રીએ વિગતવાર જણાવ્યું હતું. શ્રી મોદીએ કહ્યું હતું કે, ભારતે સમર્પણની ભાવના સાથે ભગવાન બુદ્ધે આપેલા ઉપદેશના પ્રચાર માટે સમર્પણ સાથે કામ કર્યું છે. તેમણે IBCના સહયોગથી ભારત અને નેપાળમાં બૌદ્ધ સર્કિટના વિકાસ, સારનાથ અને કુશીનગરના કાયાકલ્પ, કુશીનગર આંતરરાષ્ટ્રીય હવાઇમથક અને લુમ્બિની ખાતે ભારત આંતરરાષ્ટ્રીય બૌદ્ધ ધરોહર અને સંસ્કૃતિ કેન્દ્ર વિશે વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ માનવજાતની સમસ્યાઓ પ્રત્યે ભારતમાં સહજ રીતે રહેલી સહાનુભૂતિની ભાવના માટે ભગવાન બુદ્ધના ઉપદેશોને શ્રેય આપ્યો હતો. તેમણે શાંતિ મિશનો અને તૂર્કીમાં ભૂકંપ જેવી આપત્તિઓ માટે બચાવ કાર્યમાં ભારતે પૂરા દિલથી કરેલા પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "140 કરોડ ભારતીયોની આ ભાવનાને દુનિયા જોઇ રહી છે, સમજી રહી છે અને સ્વીકારી રહી છે". તેમણે પોતાની વાત આગળ ચાલુ રાખતા કહ્યું હતું કે, IBC જેવા મંચ સમાન વિચારસરણી ધરાવનારાઓ અને સમાન દિલના દેશોને બુદ્ધ ધમ્મ અને શાંતિનો પ્રસાર કરવાની તક પૂરી પાડી રહ્યાં છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "સમસ્યાથી ઉકેલ સુધી પહોંચવાની યાત્રા એ બુદ્ધની વાસ્તવિક યાત્રા છે." પ્રધાનમંત્રીએ ભગવાન બુદ્ધની યાત્રા પર પ્રકાશ પાડતા પુનરોચ્ચાર કર્યો હતો કે, તેમને અન્ય લોકોના જીવનમાં રહેલી પીડાનો અહેસાસ થયો હતો માટે તેમણે તેમના કિલ્લાઓ અને સામ્રાજ્યોનું જીવન છોડી દીધું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સમૃદ્ધ વિશ્વના ધ્યેયને પ્રાપ્ત કરવાનો એકમાત્ર માર્ગ એ છે કે જ્યારે વ્યક્તિ સ્વ (પોતાની જાત) અને સંકુચિત માનસિકતાનો વિચાર છોડી દે અને વિશ્વના વિચારને અપનાવવાના બુદ્ધના મંત્રની સંપૂર્ણતાનો અહેસાસ કરે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જો આપણે સંસાધનોની અછત સાથે કામ કરી રહેલા દેશોને ધ્યાનમાં લઇએ તો જ એક વધુ સારું અને સ્થિર વિશ્વ પ્રાપ્ત કરી શકાય તેમ છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, "અત્યારે સમયની માંગ છે કે, દરેક વ્યક્તિ અને રાષ્ટ્રની પ્રાથમિકતા ‘દેશના હિતની સાથે દુનિયાનું હિત’ હોવી જોઇએ".
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમય આ સદીનો સૌથી પડકારજનક સમય છે કારણ કે યુદ્ધ, આર્થિક અસ્થિરતા, આતંકવાદ અને ધાર્મિક કટ્ટરતા ફેલાયેલા છે તેમજ વિવિધ પ્રજાતિઓ લુપ્ત થઇ રહી છે અને હિમનદીઓ પીગળી રહી છે, સાથે સાથે જળવાયુ પરિવર્તનનો પડકાર પણ આપણી સમક્ષ છે. તેમણે કહ્યું હતું કે, આ બધાની વચ્ચે એવા લોકો છે જેઓ બુદ્ધ અને તમામ જીવોના કલ્યાણમાં વિશ્વાસ રાખે છે. તેમણે ઉમેર્યું હતું કે, “આ આશા, આ આસ્થા, આ પૃથ્વીની સૌથી મોટી તાકાત છે. જ્યારે આ આશા એક થઇ જશે, ત્યારે બુદ્ધનો ધમ્મ વિશ્વની આસ્થા બની જશે અને બુદ્ધની અનુભૂતિ માનવજાતની માન્યતા બની જશે.
શ્રી મોદીએ બુદ્ધના ઉપદેશની પ્રાસંગિકતા પરનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, આધુનિક સમયની તમામ સમસ્યાઓના ઉકેલ ભગવાન બુદ્ધે આપેલા પ્રાચીન ઉપદેશોમાંથી મળી રહે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભગવાન બુદ્ધે શાશ્વત શાંતિની સ્થાપના માટે યુદ્ધ, પરાજય અને વિજયનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વેરથી વેર ક્યારેય ઉકેલી શકાતું નથી અને એકતામાં જ સુખ રહેલું છે. તેવી જ રીતે, બીજાને ઉપદેશ આપતા પહેલાં વ્યક્તિએ સૌપ્રથમ પોતાના આચરણને જોવું જોઇએ તેવો ભગવાન બુદ્ધે આપેલો ઉપદેશ, આજના વિશ્વમાં લોકો દ્વારા પોતાના વિચારો અન્ય લોકો લાદવાના જોખમને દૂર કરી શકે છે. પ્રધાનમંત્રી સંબોધન દરમિયાન બુદ્ધે આપેલા તેમના પ્રિય ઉપદેશ अप्प दीपो भवः પર પાછા આવ્યા હતા જેમાં કહ્યું છે કે, ભગવાનના ઉપદેશોની શાશ્વત સુસંગતતાને વિસ્તૃત કરવા માટે તમારા પોતાના પ્રકાશ બનો. તેમને થોડાં વર્ષો પહેલાં સંયુક્ત રાષ્ટ્રમાં કહેલું વાક્ય યાદ આવ્યું હતું કે ‘આપણે એ દેશ છીએ જેણે વિશ્વને યુદ્ધ નહીં પણ બુદ્ધ આપ્યા છે’.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “બુદ્ધનો માર્ગ ભવિષ્યનો માર્ગ અને ટકાઉપણુંનો માર્ગ છે. જો દુનિયાએ બુદ્ધના ઉપદેશોનું પાલન કર્યું હોત, તો તેને આબોહવા પરિવર્તનની સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હોત." પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, આ સમસ્યા ઊભી થવાનું કારણ એ છે કે, રાષ્ટ્રોએ અન્ય લોકો અને આવનારી પેઢીઓ વિશે વિચારવાનું બંધ કરી દીધું. આ ભૂલ આપત્તિજનક પ્રમાણમાં એકઠી થઇ. બુદ્ધે વ્યક્તિગત લાભનો કોઇ વિચાર કર્યા વિના સારા આચરણનો ઉપદેશ આપ્યો હતો કારણ કે આ પ્રકારનું વર્તન એકંદરે સૌના કલ્યાણ તરફ દોરી જાય છે.
પ્રધાનમંત્રીએ એ બાબતે પ્રકાશ પાડ્યો કે કેવી રીતે દરેક વ્યક્તિ એક યા બીજી રીતે પૃથ્વી પર અસર કરી રહી છે, પછી ભલે તે જીવનશૈલી હોય, ખાવાની વાત હોય કે મુસાફરીની આદતો હોય અને દરેક વ્યક્તિ આબોહવા પરિવર્તન સામે લડવામાં યોગદાન આપી શકે છે. બુદ્ધની પ્રેરણાથી પ્રભાવિત ભારતે શરૂ કરેલી પહેલ પર્યાવરણ માટે જીવનશૈલી અથવા મિશન LiFE પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જો લોકો જાગૃત બને અને તેમની જીવનશૈલીમાં ફેરફાર કરે, તો આબોહવા પરિવર્તનની આ વિરાટ સમસ્યાનો પણ સામનો કરી શકાય છે. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, "મિશન LiFE બુદ્ધની પ્રેરણાથી પ્રભાવિત છે અને તે બુદ્ધના વિચારોને આગળ ધપાવે છે".
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતી વખતે ભૌતિકવાદ અને સ્વાર્થની પરિભાષાઓમાંથી બહાર આવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને 'ભવતુ સબ મંગલન' એટલે કે બુદ્ધને માત્ર પ્રતીક જ નહીં પરંતુ પ્રતિબિંબ પણ બનાવવા જોઇએ તેમ કહ્યું હતું. તેમણે ટિપ્પણી કરી હતી કે, આ સંકલ્પ માત્ર ત્યારે જ પૂરો થશે જ્યારે આપણે પાછળ ન ફરવાના અને હંમેશા આગળ વધવાના બુદ્ધના શબ્દોને યાદ કરીશું. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, બધા એકજૂથ થશે તો આ સંકલ્પો સફળ થશે.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી શ્રી જી. કિશન રેડ્ડી, કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી શ્રી કિરેન રિજીજુ, કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય મંત્રી શ્રી અર્જૂન રામ મેઘવાલ અને શ્રીમતી મીનાક્ષી લેખી તેમજ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના મહાસચિવ ડૉ. ધમ્મપિયા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પૃષ્ઠભૂમિ
20-21 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના સહયોગથી સંસ્કૃતિ મંત્રાલય દ્વારા બે દિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વૈશ્વિક બૌદ્ધ સંમેલનની થીમ "સમકાલીન પડકારોનો પ્રતિસાદ: વ્યવહાર માટે વિચારધારા" છે.
આ સંમેલન વૈશ્વિક બૌદ્ધ ધમ્મ નેતૃત્વ અને વિદ્વાનોને બૌદ્ધ અને સાર્વત્રિક ચિંતાઓની બાબતો સાથે જોડવા અને સામૂહિક રીતે તેનો ઉકેલ લાવવા માટે નીતિ વિષયક ઇનપુટ્સ સાથે આગળ આવવાનો પ્રયાસ છે. આ સંમેલનમાં થયેલી ચર્ચામાં બુદ્ધ ધમ્મના મૂળભૂત મૂલ્યો સમકાલીન પરિસ્થિતિઓમાં કેવી રીતે પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડી શકે છે તેનું મંથન કરવામાં આવ્યું હતું.
આ સંમેલનમાં દુનિયાભરના વિખ્યાત વિદ્વાનો, સંઘ નેતાઓ અને ધર્મ સાધકોની સહભાગીતા જોવા મળી હતી, જેઓ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે અને સાર્વત્રિક મૂલ્યો પર આધારિત બુદ્ધ ધમ્મમાં જવાબો શોધશે. અહીં ચાર થીમ હેઠળ ચર્ચા યોજાઇ હતી. આ ચાર થીમ – ‘બુદ્ધ ધમ્મ અને શાંતિ’, ‘બુદ્ધ ધમ્મ: પર્યાવરણીય કટોકટી, આરોગ્ય અને ટકાઉપણું’, ‘નાલંદા બૌદ્ધ પરંપરાની જાળવણી’, ‘બુદ્ધ ધમ્મ યાત્રાધામ, જીવંત વારસો તેમજ બુદ્ધ અવશેષો: દક્ષિણ, દક્ષિણ-પૂર્વ અને પૂર્વ એશિયાના દેશો સાથે ભારતની સદીઓ જૂની સાંસ્કૃતિક કડીઓ માટે એક સ્થિતિસ્થાપક પાયો’ છે.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1918233)
Visitor Counter : 324
Read this release in:
Marathi
,
Bengali
,
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada