ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav g20-india-2023

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે બેંગલુરુ ખાતે 'માદક દ્રવ્યોની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા' પર પ્રાદેશિક પરિષદ યોજાઇ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકારે નશા મુક્ત ભારત બનાવવા માટે ડ્રગ્સ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવી છે

માદક દ્રવ્યો સામેની લડાઇ માત્ર સરકારની લડાઇ નથી, પરંતુ તે માદક દ્રવ્યો સામે લોકોની લડાઇ છે

1235 કરોડની કિંમતના 9,298 કિલો જપ્ત કરાયેલા માદક દ્રવ્યોનો કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં નાશ કરાયો

01 જૂન, 2022થી શરૂ થયેલા 75 દિવસના અભિયાન દરમિયાન 75,000 કિલો ડ્રગ્સનો નાશ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધીમાં 8,409 કરોડ રૂપિયાના કુલ 5,94,620 કિલો માદક દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો છે, જે લક્ષ્‍યાંકને અનેક ગણો પાર કરી ગયો છે.

ગૃહ મંત્રાલય ડ્રગ્સના મામલામાં 'બોટમ ટુ ટોપ' અને 'ટોપ ટુ બોટમ'નો અભિગમ અપનાવી રહ્યું છે, અન્ય રાજ્યો અને સંસ્થાઓએ પણ ડ્રગ્સના જોખમને સંપૂર્ણપણે દૂર કરવા માટે આ જ અભિગમ અપનાવવો જોઇએ

માદક દ્રવ્ય એ દેશની સુરક્ષા અને ભવિષ્યનો દુશ્મન છે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલય આ જોખમને જડમૂળમાંથી નાબૂદ કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર દેશમાંથી ડ્રગ્સને નાબૂદ કરવાના પોતાના અભિયાનમાં ચાર મુખ્ય સ્તંભો ધરાવે છે, જેમ કે: ડ્રગ્સની શોધ, નેટવર્કનો નાશ, ગુનેગારોની અટકાયત અને ડ્રગ્સના વ્યસનીઓનું પુનર્વસન


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે ડ્રગ્સ સામે 'સંપૂર્ણ સરકારનો અભિગમ' અપનાવ્યો છે અને તમામ વિભાગો તેમજ એજન્સીઓ વચ્ચે સહકાર, સંકલન અને સહયોગ વધારીને ડ્રગ મુક્ત ભારતનું નિર્માણ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે


કેન્દ્રીય ગૃહ મંત્રીએ NCBની 5 નવી ઝોનલ કચેરીઓનું ઉદ્ઘાટન કર્યું, ચેન્નાઇ, તમિલનાડુમાં નાયબ મહાનિદેશકની અધ્યક્ષતામાં બ્યૂરોની પ્રાદેશિક કચેરીનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું


કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીની હાજરીમાં, શિવમોગા ખાતે નવું સંકુલ ખોલવા માટે 'રાષ્ટ્રીયરક્ષા યુનિવર્સિટી' અને કર્ણાટક સરકાર વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા

Posted On: 24 MAR 2023 4:33PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે કર્ણાટકના બેંગલુરુ ખાતે 'માદક દ્રવ્યોની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા' પર પ્રાદેશિક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદમાં દક્ષિણના 5 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન, રૂ. 1,235 કરોડની કિંમતના જપ્ત કરવામાં આવેલા 9,298 કિલો માદક દ્રવ્યોનો જથ્થો કેન્દ્રીય ગૃહ મંત્રીની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, શિવમોગા ખાતે યુનિવર્સિટીનું નવું સંકુલ ખોલવા માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને કર્ણાટક સરકાર વચ્ચે એક સમજૂતી કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રીએ આ પ્રસંગે ઉપસ્થિતોને આપેલા સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકારે નશામુક્ત ભારતનું નિર્માણ કરવા માટે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. તેમણે કહ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 01 જૂન, 2022થી શરૂ કરવામાં આવેલા 75 દિવસના અભિયાન દરમિયાન 75,000 કિલો માદક દ્રવ્યોનો નાશ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, અત્યાર સુધીમાં રૂ. 8,409 કરોડની કિંમતના કુલ 5,94,620 કિલો માદક દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો છે, જે લક્ષ્‍યાંકને અનેક ગણો પાર કરી ગયો છે. અત્યાર સુધીમાં નાશ કરવામાં આવેલા કુલ માદક દ્રવ્યમાંથી 3,138 કરોડ રૂપિયાના 1,29,363 કિલોનો નાશ માત્ર NCB દ્વારા જ કરવામાં આવ્યો છે.

શ્રી અમિત શાહે આગળ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા નિર્દેશો પર, ગૃહ મંત્રાલયે માદક દ્રવ્યો સામે કાર્યવાહી કરવા માટે ત્રિ-પાંખીય અભિગમ અપનાવ્યો છે. આ ત્રિ-પાંખીય અભિગમમાં સંસ્થાકીય માળખાને મજબૂત બનાવવું, માદક દ્રવ્યોના નિયંત્રણ સાથે સંબંધિત તમામ એજન્સીઓનું સશક્તિકરણ કરવું અને તેમની વચ્ચે સંકલનને મજબૂત બનાવવાનો તેમજ જાગૃતિ અભિયાન શરૂ કરવાનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે, ડ્રગ્સની હેરાફેરીની સમસ્યા માત્ર રાજ્ય કે કેન્દ્ર સાથે સંકળાયેલી નથી હોતી, પરંતુ આ એક રાષ્ટ્રીય સમસ્યા છે અને તેનો સામનો કરવા માટેના પ્રયાસો પણ રાષ્ટ્રીય સ્તરે અને એકીકૃત હોવા જોઇએ. તેમણે આગળ કહ્યું હતું કે, ડ્રગ્સ સામેની લડાઇ માત્ર સરકારે નથી લડવાની પરંતુ લોકોએ પણ આ લડાઇ લડવાની છે. તેમણે આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે જિલ્લા-સ્તર અને રાજ્ય-સ્તરની NCORD બેઠકોનું નિયમિતપણે આયોજન કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા તેને ખતમ કરવા માટે, 'બોટમ ટુ ટોપ' અને 'ટોપ ટુ બોટમ'ના અભિગમ સાથે માદક દ્રવ્યોના કેસોની સંપૂર્ણ તપાસ થવી જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, કોઇ પણ કેસની તપાસ માત્ર કોઇ એક દ્વારા ન થવી જોઇએ પરંતુ સૌએ સંકલનમાં રહીને સાથે મળીને તપાસ કરવી જોઇએ. શ્રી શાહે માહિતી આપી હતી કે, 2006થી 2013 વચ્ચે કુલ 1257 કેસ નોંધાયા હતા, જ્યારે 2014થી 2022 વચ્ચે 152 ટકા વધીને 3172 કેસ નોંધાયા હતા. તેમજ આ સમયગાળા દરમિયાન ધરપકડની કુલ સંખ્યા અગાઉ 1362 હતી જેની સરખામણીમાં 260 ટકા વધીને 4888 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 2006થી 2013 દરમિયાન 1.52 લાખ કિલો ડ્રગ્સનો જપ્ત કરવામાં આવ્યો હતો જ્યારે 2014થી 2022ની વચ્ચે બમણો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે એટલે કે, 3.30 લાખ કિલો જથ્થો પકડાયો છે. 2006થી 2013 દરમિયાન રૂ. 768 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જ્યારે 2014થી 2022ની વચ્ચે 25 ગણું વધારે એટલે કે રૂ. 20,000 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, દેશમાંથી ડ્રગ્સના જોખમને નાબૂદ કરવા માટે મોદી સરકારના અભિયાનના ચાર સ્તંભો છે, જેમ કે: ડ્રગ્સની શોધ, નેટવર્કનો નાશ, ગુનેગારોની અટકાયત અને ડ્રગ્સનું વ્યસન કરનારાઓનું પુનર્વસન. તેમણે આગળ કહ્યું હતું કે, તમામ રાજ્યોએ ડ્રગની હેરફેર સામે અસરકારક કાર્યવાહી માટે NCORD પોર્ટલ અને NIDAAN પ્લેટફોર્મનો યોગ્ય ઉપયોગ કરવો જોઇએ. તેમણે કહ્યું હતું કે, વિવિધ રાજ્યોમાં રચવામાં આવેલ એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સને મજબૂત બનાવવામાં આવે તે પણ સમયની જરૂરિયાત છે, જેથી નાર્કોટિક્સ સામેની લડાઇમાં નિર્ણાયક પગલાં લઇ શકાય. તેમણે આગળ જણાવ્યું હતું કે, આ ઉપરાંત NDPS અધિનિયમની વિવિધ જોગવાઇઓનો પણ કડક અમલ થવો જોઇએ. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે ડ્રગ્સ સામે "સંપૂર્ણ સરકારનો અભિગમ" અપનાવ્યો છે અને તમામ વિભાગો તેમજ એજન્સીઓએ સહકાર, સંકલન અને સહયોગ વધારીને ડ્રગ મુક્ત ભારતનું નિર્માણ કરવા માટે આગળ વધવું જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, આના માટે દરિયાકાંઠાની સુરક્ષા અને દરિયાઇ માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અને દક્ષિણ સમુદ્ર માર્ગ પર કડક તકેદારી રાખવી જોઇએ.

GP/JD

 (Release ID: 1910460) Visitor Counter : 126