પ્રધાનમંત્રીનું કાર્યાલય

“મહિલાઓનું આર્થિક સશક્તિકરણ” વિષય પર બજેટ પછી યોજાયેલા વેબિનારમાં પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

Posted On: 10 MAR 2023 11:19AM by PIB Ahmedabad

નમસ્કાર!

આપણા સૌના માટે ખુશીની વાત છે કે, દેશે આ વર્ષના બજેટને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના લક્ષ્યને પૂરું કરવાની શરૂઆત તરીકે જોયું છે. ભાવિ અમૃતકાળના દૃષ્ટિકોણથી બજેટને જોવામાં આવ્યું છે અને પારખવામાં આવ્યું છે. દેશના નાગરિકો પણ આવનારા 25 વર્ષને તે જ લક્ષ્યો સાથે જોડીને જોઇ રહ્યા છે, જે દેશ માટે એક સારો સંકેત છે.

સાથીઓ,

છેલ્લા 9 વર્ષમાં મહિલાઓના નેતૃત્વ હેઠળ વિકાસની દૂરંદેશી સાથે દેશ આગળ વધ્યો છે. ભારતે તેના વિતેલા વર્ષોના અનુભવને ધ્યાનમાં રાખીને, મહિલાઓના નેતૃત્વ હેઠળ વિકાસના પોતાના પ્રયાસોને વૈશ્વિક મંચ પર આગળ લઇ જવાનો પ્રયાસ પણ કર્યો છે. આ વખતે, ભારતની અધ્યક્ષતામાં યોજાઇ રહેલી G-20ની બેઠકોમાં પણ આ વિષય મુખ્ય રીતે ચર્ચામાં છવાયેલો રહ્યો છે. આ વર્ષનું બજેટ પણ મહિલાઓના નેતૃત્વ હેઠળ વિકાસના આ પ્રયાસોને નવી ગતિ આપશે અને આમાં આપ સૌની ભૂમિકા ઘણી મોટી છે. બજેટ પછી યોજાયેલા આ વેબિનારમાં હું આપ સૌનું સ્વાગત કરું છું.

સાથીઓ,

નારીશક્તિની સંકલ્પ શક્તિ, ઇચ્છા શક્તિ, તેમની કલ્પના શક્તિ, તેમની નિર્ણય લેવાની શક્તિ, ઝડપથી નિર્ણય લેવાનું તેમનું સામર્થ્ય, નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરવાની તેમની તપસ્યા, તેમની પરિશ્રમની પરાકાષ્ઠા, આ બધું જ આપણી માતૃશક્તિની ઓળખ છે, આ એક પ્રતિબિંબ છે. જ્યારે મહિલાઓના નેતૃત્વ હેઠળ વિકાસ કહીએ છીએ ત્યારે તેનો આધાર આ શક્તિઓ જ છે. માં ભારતીનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવામાં, નારી શક્તિનું આ સામર્થ્ય ભારતની અમૂલ્ય તાકાત છે. આ શક્તિ સમૂહ જ આ શતાબ્દીમાં ભારતની વ્યાપકતા અને ગતિને વધારવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યો છે.

સાથીઓ,

આજે આપણે ભારતના સામાજિક જીવનમાં એક મહાન ક્રાંતિકારી પરિવર્તનના સાક્ષી બની રહ્યાં છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે મહિલા સશક્તિકરણ માટે જે રીતે કંઇ પણ કામ કર્યું છે, તેના પરિણામો આજે આપણને જોવા મળી રહ્યાં છે. આજે આપણે જોઇ રહ્યા છીએ કે, ભારતમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા વધી રહી છે. છેલ્લા 9-10 વર્ષમાં હાઇસ્કૂલ અથવા તેનાથી આગળ અભ્યાસ કરનારી છોકરીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. ભારતમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિતમાં છોકરીઓની પ્રવેશ નોંધણી આજે 43% સુધી પહોંચી ગઇ છે, અને આ આંકડો સમૃદ્ધ દેશોની સરખામણીમાં સૌથી વધુ છે, પછી ભલે તેમાં અમેરિકા, યુકે, જર્મની જેવા દેશો હોય. એવી જ રીતે, તબીબી ક્ષેત્ર હોય કે રમતગમતનું ક્ષેત્ર, વ્યવસાય હોય કે રાજકીય પ્રવૃત્તિ હોય, ભારતમાં મહિલાઓની ભાગીદારીમાં માત્ર વધારો થયો છે એવું નથી, પરંતુ તેઓ દરેક ક્ષેત્રમાં આગળ વધીને નેતૃત્વ કરી રહી છે. આજે ભારતમાં એવા ઘણા ક્ષેત્રો છે જેમાં નારી શક્તિનું સામર્થ્ય જોવા મળી રહ્યું છે. જે કરોડો લોકોને મુદ્રા લોન આપવામાં આવી હતી, તેમાંથી લગભગ 70 ટકા લાભાર્થીઓ દેશની મહિલાઓ છે. આ કરોડો મહિલાઓ ન માત્ર તેમના પરિવારની આવક વધારી રહી છે પરંતુ અર્થવ્યવસ્થાના નવા આયામો પણ ખોલી રહી છે. પીએમ સ્વાનિધિ યોજના દ્વારા ગેરંટી વિના આર્થિક સહાય કરવાની હોય, પશુપાલનને પ્રોત્સાહન આપવાનું હોય, મત્સ્યઉદ્યોગને પ્રોત્સાહન આપવાનું હોય, ગ્રામોદ્યોગને પ્રોત્સાહન આપવાનું હોય, FPO હોય, કે પછી રમત-ગમતનું ક્ષેત્ર હોય, આ તમામ ક્ષેત્રોને પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે, તેનો મહત્તમ લાભ અને સારાંમાં સારાં પરિણામો મહિલાઓને મળી રહ્યા છે. દેશની અડધી વસ્તીની મદદથી આપણે કેવી રીતે દેશને આગળ લઇ જઇ શકીએ છીએ, કેવી રીતે નારી શક્તિના સામર્થ્યમાં વધારો કરી શકીએ છીએ તેનું પ્રતિબિંબ પણ આ બજેટમાં દેખાઇ રહ્યું છે. મહિલા સન્માન બચત પત્ર યોજના, જે અંતર્ગત મહિલાઓને 7.5 ટકા વ્યાજ દર આપવામાં આવશે. આ વખતના બજેટમાં પીએમ આવાસ યોજના માટે લગભગ 80 હજાર કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. આ રકમનો ઉપયોગ દેશની લાખો મહિલાઓ માટે ઘર બનાવવા માટે કરવામાં આવશે. ભારતમાં વિતેલા વર્ષોમાં પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડથી વધુ મકાનો બનાવવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના મકાનો મહિલાઓના નામે છે. તમે કલ્પના કરી શકો છો કે, એક સમય એવો પણ હતો જ્યારે મહિલાઓના નામે ક્યારેય ખેતરો નહોતા, તેમના નામ પર કોઠાર નહોતા, તેમના નામ પર દુકાનો કે ઘર નહોતા. આજે તેમને આ વ્યવસ્થાના કારણે કેટલો મોટો સહકાર મળ્યો છે. પીએમ આવાસની મદદથી મહિલાઓ ઘરના આર્થિક નિર્ણયો લેવામાં તેમનો અભિપ્રાય આપવા માટે સક્ષમ બની છે.

સાથીઓ,

આ વખતના બજેટમાં નવા યુનિકોર્ન બનાવવા માટે, હવે આપણે સ્ટાર્ટઅપ્સની દુનિયામાં યુનિકોર્ન શબ્દ તો સાંભળીએ જ છીએ પરંતુ શું સ્વસહાય સમૂહમાં પણ તે શક્ય છે? આ વખતનું બજેટ તે સપનું પૂરું કરવા માટે સહાયક જાહેરાત સાથે લઇને આવ્યું છે. દેશની આ દૂરંદેશીમાં કેટલો અવકાશ છે, તે તમે વિતેલા વર્ષોની વિકાસગાથા પરથી જોઇ શકો છો. આજે દેશમાં પાંચમાંથી એક બિન-ખેતીનો વ્યવસાય મહિલાઓ સંભાળી રહી છે. છેલ્લા 9 વર્ષમાં સાત કરોડથી વધુ મહિલાઓ સ્વ-સહાય સમૂહોમાં જોડાઇ છે અને તેઓ વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહી છે. આ કરોડો મહિલાઓ કેટલું મુલ્ય સર્જન કરી રહી છે, તેનો અંદાજ પણ તમે તેમની મૂડીની જરૂરિયાત પરથી લગાવી શકો છો. 9 વર્ષમાં આ સ્વ-સહાય સમૂહોએ 6.25 લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે. આ મહિલાઓ માત્ર નાની ઉદ્યોગસાહસિકો નથી, પરંતુ તેઓ પાયાના સ્તર પર સંસાધન વ્યક્તિ તરીકે પણ કામ કરી રહી છે. બેન્ક સખી, કૃષિ સખી, પશુ સખીના રૂપમાં આ મહિલાઓ ગામમાં વિકાસના નવા આયામો સર્જી રહી છે.

સાથીઓ,

સહકારિતા ક્ષેત્રમાં મહિલાઓએની ભૂમિકા હંમેશા ઘણી મોટી રહી છે. આજે સહકારિતા ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે. આગામી વર્ષોમાં 2 લાખ કરતાં વધુ બહુલક્ષી સહકારી, ડેરી સહકારી મંડળી અને મત્સ્યઉદ્યોગ સહકારી મંડળીની રચના થવા જઇ રહી છે. 1 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. મહિલા ખેડૂતો અને ઉત્પાદક સમૂહો આમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. હાલમાં માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મિલેટ્સ એટલે કે શ્રી અન્ન વિશે જાગૃતિ આવી રહી છે. તેમની માંગ પણ વધારો થઇ રહ્યો છે. ભારત માટે આ એક ઘણી મોટી તક છે. આમાં મહિલા સ્વ-સહાય સમૂહોની ભૂમિકાને વધુ વધારવા માટે તમારે કામ કરવું પડશે. તમારે બીજી એક વાત પણ યાદ રાખવાની છે. આપણા દેશમાં 1 કરોડ આદિવાસી મહિલાઓ સ્વ-સહાય સમૂહોમાં કામ કરે છે. તેઓ આદિવાસી વિસ્તારોમાં ઉગાડવામાં આવતા શ્રી અન્નનો પરંપરાગત અનુભવ ધરાવે છે. આપણે શ્રી અન્નના માર્કેટિંગ સંબંધિત તકોથી લઇને તેમાંથી બનાવવામાં આવેલા પ્રસંસ્કરણ કરેલી ખાદ્ય ચીજો સાથે સંકળાયેલી તકોને ઉજાગર કરવાની છે. ઘણી જગ્યાએ, ગૌણ વન પેદાશોની પ્રક્રિયા કરવામાં અને તેને બજારમાં લાવવામાં સરકારી સંસ્થાઓ મદદ કરી રહી છે. આજે, દૂરસ્થ વિસ્તારોમાં એવા ઘણા સ્વ-સહાય સમૂહો બની ગયા છે, આપણે તેને વ્યાપક સ્તરે લઇ જવા જોઇએ.

સાથીઓ,

આવા તમામ પ્રયાસોમાં યુવાનો, દીકરીઓના કૌશલ્ય વિકાસની ભૂમિકા ખૂબ જ મોટી રહેશે. તેમાં વિશ્વકર્મા યોજના એક મોટા સેતુ તરીકે કામ કરશે. આપણે વિશ્વકર્મા યોજનામાં મહિલાઓ માટે રહેલી વિશેષ તકોને ઓળખીને તેમને આગળ લઇ જવાની છે. GEM પોર્ટલ અને ઇ-કોમર્સ પણ મહિલાઓના વ્યવસાયનું વિસ્તરણ કરવા માટે એક મુખ્ય માધ્યમ બની રહ્યા છે. આજે દરેક ક્ષેત્ર નવી ટેકનોલોજીનો લાભ લઇ રહ્યું છે. આપણે સ્વ-સહાય સમૂહોને આપવામાં આવતી તાલીમમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા પર ખાસ ભાર મૂકવો જોઇએ.

સાથીઓ,

આજે 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ'ની ભાવના સાથે દેશ આગળ વધી રહ્યો છે. જ્યારે આપણી દીકરીઓ સૈન્યમાં જોડાઇને, રાફેલ ઉડાવીને દેશનું રક્ષણ કરતી જોવા મળે છે, ત્યારે તેમની સાથે જોડાયેલી વિચારસરણી પણ બદલાઇ જાય છે. જ્યારે મહિલાઓ ઉદ્યોગસાહસિક બને છે, જાતે નિર્ણયો લે છે, જોખમ ઉઠાવે છે, ત્યારે તેમના વિશેની વિચારસરણી પણ પરિવર્તન આવી છે. થોડા દિવસો પહેલાં જ નાગાલેન્ડમાં પ્રથમ વખત બે મહિલાઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવી છે. તેમાંથી એક મહિલાને મંત્રી પદ પણ સોંપવામાં આવ્યું છે. મહિલાઓનું સન્માન વધારીને અને સમાનતાની ભાવના વધારીને જ ભારત ઝડપથી આગળ વધી શકે છે. હું આપ સૌને અપીલ કરું છું. આપ સૌ મહિલાઓ, બહેનો, દીકરીઓના માર્ગમાં આવતા તમામ અવરોધોને દૂર કરો અને સંકલ્પ સાથે આગળ વધો.

સાથીઓ,

8 માર્ચના રોજ, મહિલા દિવસ નિમિત્તે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ મહિલા સશક્તિકરણ પર ખૂબ જ ભાવુક લેખ લખ્યો છે. આ લેખનું સમાપન રાષ્ટ્રપતિ મુર્મુજીએ જે ભાવના સાથે કર્યું છે તેને દરેક વ્યક્તિએ સમજવી જોઇએ. હું આ લેખથી જ તેમને અહીં ટાંકી રહ્યો છું. તેમણે કહ્યું છે કે - "આપણા સૌની, એટલે કે દરેક વ્યક્તિની જવાબદારી છે કે આ પ્રગતિને વેગ આપવો જોઇએ. તેથી આજે હું આપ સૌને, દરેક વ્યક્તિને વિનંતી કરવા માંગુ છું કે, તમે તમારા પરિવાર, પડોશ અથવા કાર્યસ્થળમાં પરિવર્તન લાવવા માટે તમારી જાતને સમર્પિત કરો તેવી મારી ઇચ્છા છે. એવું કોઇપણ પરિવર્તન કે જે કોઇ બાળકીના ચહેરા પર સ્મિત લાવી શકે, કોઇપણ પરિવર્તન કે જે તેના જીવનમાં આગળ વધવાની તકોમાં વધારો કરે. તમને મારી આ વિનંતી મારા હૃદયના ઉંડાણમાંથી બહાર આવેલી લાગણી સાથે કરું છું.હું રાષ્ટ્રપતિજીના આ શબ્દો સાથે જ મારી વાતનું સમાપન કરું છું. હું આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ખુબ ખુબ આભાર!

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1905532) Visitor Counter : 883