પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ 'છેવાડાની વ્યક્તિ સુધી પહોંચવું' વિષય પર યોજાયેલા બજેટ વેબિનારમાં સંબોધન આપ્યું

“અંદાજપત્ર પછીનું આ વિચારમંથન અમલીકરણ અને નિર્ધારિત સમયમાં પરિણામો પહોંચાડવાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. આનાથી કરદાતાઓના નાણાંના એક-એક પૈસાનો યોગ્ય ઉપયોગ પણ સુનિશ્ચિત થાય છે”

“આપણે સુશાસન પર જેટલો વધારે ભાર આપીશું, તેટલી જ સરળતાથી છેવાડાની વ્યક્તિ સુધી પહોંચવાનું આપણું લક્ષ્ય સિદ્ધ કરી શકીશું”

“છેવાડાની વ્યક્તિ સુધી પહોંચવાનો અભિગમ અને યોજનાની સંતૃપ્તિની નીતિ એકબીજાના પૂરક છે”

“જ્યારે આપણો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો હોય, ત્યારે ભેદભાવ અને ભ્રષ્ટાચારને કોઇ અવકાશ નહીં રહે”

“આ વર્ષના અંદાજપત્રમાં આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં છેવાડાની વ્યક્તિ સુધી પહોંચવાનો મંત્ર લેવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે”

“પહેલી વખત, દેશ આપણા દેશના આદિવાસી સમાજના પ્રચૂર સામર્થ્યને આ સ્તરે ઉજાગર કરી રહ્યો છે”

“આદિવાસી સમુદાયમાં સૌથી વંચિત લોકો માટે વિશેષ મિશન હેઠળ ઝડપથી સુવિધાઓ પૂરી પાડવા માટે સંપૂર્ણ રાષ્ટ્રના અભિગમની જરૂર છે”

“મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ છેવાડાની વ્યક્તિ સુધી પહોંચવા માટે એક સફળ મોડેલ તરીકે ઉભરી આવ્યો છે”

Posted On: 27 FEB 2023 10:41AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેવાડાની વ્યક્તિ સુધી પહોંચવુંવિષય પર યોજાયેલા બજેટ વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અંદાજપત્ર પછીના 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આ ચોથો વેબિનાર યોજાયો હતો.

પ્રધાનમંત્રીએ આ વેબિનારમાં આપેલા સંબોધનના પ્રારંભમાં સંસદમાં અંદાજપત્ર પરની ચર્ચાનું મહત્વ સ્વીકારતા જણાવ્યું હતું કે, સરકાર એક ડગલું આગળ વધી છે અને છેલ્લા કેટલાક વર્ષોથી અંદાજપત્ર પછી હિતધારકો સાથે વિચારમંથનની નવી પરંપરા શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, આ વિચારમંથન અમલીકરણ અને નિર્ધારિત સમયમાં પરિણામો પહોંચાડવાના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ છે. આનાથી કરદાતાઓના નાણાંના એક-એક પૈસાનો યોગ્ય ઉપયોગ પણ સુનિશ્ચિત થાય છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસ માટે પૈસાની સાથે સાથે રાજકીય ઇચ્છાશક્તિની પણ જરૂર હોય છે. પ્રધાનમંત્રીએ ઇચ્છિત લક્ષ્યોની પ્રાપ્તિ માટે સુશાસન અને નિરંતર દેખરેખ રાખવાના મહત્વ પર ભાર મૂકતા, જણાવ્યું હતું કે, “આપણે સુશાસન પર જેટલો વધારે ભાર આપીશું, તેટલી જ સરળતાથી છેવાડાની વ્યક્તિ સુધી પહોંચવાનું આપણું લક્ષ્ય સિદ્ધ કરી શકીશું.” તેમણે છેવાડાની વ્યક્તિ સુધી પરિણામો પહોંચાડવામાં સુશાસનની શક્તિને દર્શાવવા માટે મિશન ઇન્દ્રધનુષ અને કોરોના મહામારીમાં રસીકરણ તેમજ રસીના કવરેજમાં અપનાવવામાં આવેલા નવા અભિગમોનું ઉદાહરણ આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ યોજનાઓની સંતૃપ્તિની નીતિ પાછળની વિચારસરણીને સમજાવતા જણાવ્યું હતું કે, છેવાડાની વ્યક્તિ સુધી પહોંચવાનો અભિગમ અને યોજનાઓની સંતૃપ્તિની નીતિ એકબીજાના પૂરક છે. તેમણે ઉમેર્યું હતું કે, એક સમયે જ્યારે ગરીબો પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે સરકારની પાછળ પાછળ દોડતા હતા તેવી પહેલાંની પરિસ્થિતિ કરતાં વિપરીત, હવે સરકાર ગરીબોના ઘર સુધી પહોંચી રહી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જે દિવસે આપણે નક્કી કરીશું કે દરેક વિસ્તારના દરેક નાગરિકને દરેક પાયાની સુવિધા પૂરી પાડવામાં આવશે, ત્યારે આપણે જોઇ શકીશું કે સ્થાનિક સ્તરે કાર્ય સંસ્કૃતિમાં કેટલું મોટું પરિવર્તન આવે છે. સંતૃપ્તિની નીતિ પાછળ આ જ ભાવના છે. જ્યારે આપણો ઉદ્દેશ્ય દરેક વ્યક્તિ સુધી પહોંચવાનો હોય તો ભેદભાવ અને ભ્રષ્ટાચારને અવકાશ નહીં રહે. અને પછી જ, આપણે છેવાડાની વ્યક્તિ સુધી પહોંચવાના લક્ષ્યને પણ પૂર્ણ કરી શકીશું.

પ્રધાનમંત્રીએ આ અભિગમના ઉદાહરણો ટાંકતા, પીએમ સ્વનિધિ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો, જે અંતર્ગત શેરી પરના ફેરિયાઓને ઔપચારિક બેંકિંગ સાથે જોડવામાં આવ્યા છે, બિન-સૂચિત, વિચરતા, અર્ધ-વિચરતા સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડ ઉભું કરવામાં આવ્યું છે, ગામડાઓમાં 5 લાખ સામાન્ય સેવા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે અને ટેલિમેડિસિનની સેવામાં 10 કરોડ કેસોને સેવા આપવાના સીમાચિહ્નરૂપ આંકડા સુધી પહોંચવાની સિદ્ધિ મેળવી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષના અંદાજપત્રમાં આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં છેવાડાની વ્યક્તિ સુધી પહોંચવાનો મંત્ર લેવા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આના માટે જલજીવન મિશનને હજારો કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તેમણે આગળ કહ્યું હતું કે, 60 હજારથી વધુ અમૃત સરોવર પર કામ શરૂ થઇ ગયું છે, જેમાંથી 30 હજાર સરોવરનું નિર્માણ પણ થઇ ચૂક્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ અભિયાનો દૂરસ્થ વિસ્તારોમાં રહેતા એવા ભારતીયોના જીવનધોરણમાં સુધારો લાવી રહી છે, જેઓ દાયકાઓથી આવી સુવિધાઓની પ્રતિક્ષા કરી રહ્યા છે. આપણે માત્ર આટલેથી જ અટકવાનું નથી. આપણે પાણીના નવા જોડાણો અને પાણીના વપરાશની રૂપરેખા માટે એક વ્યવસ્થાતંત્ર ઉભું કરવું પડશે. અમે પાણી સમિતિને વધુ મજબૂત કરવા માટે શું કરી શકાય તેની પણ સમીક્ષા કરવી પડશે.

પ્રધાનમંત્રીએ હિતધારકોને મજબૂત છતાં પણ પોસાય તેવા મકાનોનું નિર્માણ કરવા, સૌર ઉર્જાથી લાભ મેળવવાની સરળ રીતો શોધી કાઢવા અને શહેરી તેમજ ગ્રામીણ બંને વિસ્તારોમાં સ્વીકાર્ય હોય તેવા જૂથ હાઉસિંગ મોડલ તૈયાર કરવાની રીતો શોધી કાઢવા માટે હાઉસિંગને ટેકનોલોજી સાથે જોડવાની રીતો પર ચર્ચા કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ વર્ષના અંદાજપત્રમાં ગરીબો માટે આવાસ માટે 80 હજાર કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પહેલી વખત, દેશ આપણા દેશના આદિવાસી સમાજના પ્રચૂર સામર્થ્યને આ સ્તરે ઉજાગર કરી રહ્યો છે. આ અંદાજપત્રમાં આદિજાતિના વિકાસને પણ મહત્વ આપવામાં આવ્યું છે. એકલવ્ય નિવાસી શાળાઓમાં સ્ટાફની ભરતી માટે મજબૂત ફાળવણીનો ઉલ્લેખ કરતાં, પ્રધાનમંત્રીએ ઉપસ્થિતોને જણાવ્યું હતું કે તેઓ આ શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તરફથી મળતા પ્રતિસાદો જુએ અને આ શાળાઓના વિદ્યાર્થીઓ મોટા શહેરોનો સંપર્ક કેવી રીતે મેળવી શકે તેના પર પણ ધ્યાન આપે. તેમણે સ્ટાર્ટઅપ્સ સાથે સંબંધિત પાસાઓ માટે તેમને આ શાળાઓમાં વધુ અટલ ટિંકરિંગ લેબ્સ બનાવવાની રીતો અને વર્કશોપના આયોજન વિશે મનોમંથન કરવાનો પણ અનુરોધ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આદિવાસી સમુદાયોમાં સૌથી વંચિત લોકો માટે પ્રથમ વખત એક વિશેષ મિશન શરૂ કરવામાં આવી રહ્યું છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, આપણે આપણા દેશના 200થી વધુ જિલ્લાઓમાં 22 હજાર કરતાં વધુ ગામડાઓમાં આપણા આદિવાસી મિત્રોને ઝડપથી સુવિધાઓ પૂરી પાડવાની છે. પ્રધાનમંત્રીએ આ સંદર્ભમાં પસમંદા મુસ્લિમોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આ અંદાજપત્રમાં સિકલસેલની બીમારીમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવવાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે. આના માટે સંપૂર્ણ રાષ્ટ્રના અભિગમની જરૂર છે. તેથી જ આરોગ્ય સાથે સંકળાયેલા દરેક હિતધારકે ઝડપથી કામ કરવું પડશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ છેવાડાની વ્યક્તિ સુધી પહોંચવા માટે એક સફળ મોડેલ તરીકે ઉભરી આવ્યો છે. આ અભિગમને આગળ વધારતા, હવે દેશના 500 તાલુકામાં મહત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતા જણાવ્યું હતું કે, મહત્વાકાંક્ષી તાલુકા કાર્યક્રમ માટે, આપણે મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ માટે જે પ્રકારે કામ કર્યું છે તેવી જ રીતે તુલનાત્મક પરિમાણોને ધ્યાનમાં રાખીને કામ કરવું પડશે. આપણે તાલુકા સ્તરે પણ એકબીજા સાથે સ્પર્ધાનો માહોલ ઉભો કરવો પડશે.

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1902697) Visitor Counter : 229