પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે દિલ્હી-કર્ણાટક સંઘના અમૃત મહોત્સવ 'બરિસુ કન્નડ દિમ દિમવા'નું ઉદ્‌ઘાટન કર્યું


" ભારતની ઓળખ, પરંપરાઓ અને પ્રેરણાને કર્ણાટકનાં યોગદાન વિના પરિભાષિત કરી શકાતી નથી"

"પ્રાચીન કાળથી કર્ણાટકે ભારતમાં હનુમાનની ભૂમિકા ભજવી છે"

"જો કોઈ પણ યુગ પરિવર્તનશીલ મિશન અયોધ્યાથી શરૂ થઈને રામેશ્વરમ જાય છે, તો તેને માત્ર કર્ણાટકમાં જ તાકાત મળે છે"

"'અનુભવ મંટપા' મારફતે ભગવાન બસવેશ્વરના લોકતાંત્રિક ઉપદેશો ભારત માટે પ્રકાશનાં કિરણ સમાન છે"

"કર્ણાટક ટ્રેડિશન્સ (પરંપરાઓ) અને ટેકનોલોજીની ભૂમિ છે. તે ઐતિહાસિક સંસ્કૃતિની સાથે સાથે આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ ધરાવે છે"

"2009-2014ની વચ્ચે પાંચ વર્ષમાં કર્ણાટકને રેલવે પ્રોજેક્ટ્સમાં 4 હજાર કરોડ મળ્યા છે, જ્યારે, ફક્ત આ વર્ષનાં બજેટમાં કર્ણાટક રેલ ઇન્ફ્રા માટે 7 હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે"

"કન્નડ સંસ્કૃતિનું નિરૂપણ કરતી ફિલ્મો બિન-કન્નડિગા પ્રેક્ષકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ અને કર્ણાટક વિશે વધુ જાણવાની ઇચ્છા પેદા કરી. આ ઇચ્છાનો લાભ લેવાની જરૂર છે"

Posted On: 25 FEB 2023 7:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તાલકટોરા સ્ટેડિયમ ખાતે 'બારિસુ કન્નડ દિમ દિમવા' સાંસ્કૃતિક મહોત્સવનું ઉદ્‌ઘાટન કર્યું હતું. તેમણે પ્રદર્શનમાં પણ લટાર મારી હતી. આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તે કર્ણાટકની સંસ્કૃતિ, પરંપરાઓ અને ઇતિહાસની ઉજવણી કરે છે.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દિલ્હી-કર્ણાટક સંઘ ભવ્ય વારસાને આગળ ધપાવી રહ્યું છે. તેમણે ટિપ્પણી કરી હતી કે દિલ્હી કર્ણાટક સંઘની 75મી જયંતીની ઉજવણી એવા સમયે થઈ રહી છે જ્યારે દેશ આઝાદીનાં 75 વર્ષનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે આપણે 75 વર્ષ અગાઉનાં સંજોગોનું વિશ્લેષણ કરીએ છીએ, ત્યારે ભારતની અમર આત્માને જોઈ શકાય છે. તેમણે જણાવ્યું હતું કે, "કર્ણાટક સંઘની સ્થાપના તેના પ્રારંભિક જૂજ વર્ષોમાં એ દેશને મજબૂત કરવા માટે લોકોની પ્રતિબદ્ધતાનો પુરાવો છે, અને આજે, અમૃત કાલની શરૂઆતમાં એ જ સમર્પણ અને ઊર્જા એટલાં જ પ્રમાણમાં દેખાય છે." તેમણે કર્ણાટક સંઘની આ 75 વર્ષની સફરમાં સામેલ તમામ લોકોને અભિનંદન આપ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતની ઓળખ, પરંપરાઓ અને પ્રેરણાને કર્ણાટકનાં યોગદાન વિના પરિભાષિત ન કરી શકાય." 'પૌરાણિક કાલ'માં હનુમાનની ભૂમિકાની સરખામણી કરતાં પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કર્ણાટકે ભારત માટે પણ આવી જ ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું હતું કે, યુગ પરિવર્તનનું મિશન અયોધ્યામાં શરૂ થયું હતું અને રામેશ્વરમાં પૂર્ણ થયું હતું, તેમ છતાં કર્ણાટકથી તેને તાકાત મળી હતી.

પ્રધાનમંત્રીએ મધ્યકાલીન યુગનો પણ ઉલ્લેખ કર્યો હતો, જ્યારે આક્રમણકારીઓ દેશને તબાહ કરી રહ્યા હતા અને સોમનાથ જેવાં શિવલિંગોનો નાશ કરી રહ્યા હતા, ત્યારે દેવરા દશિમૈયા, મદારા ચૈનૈયા, દોહરા કક્કૈયા અને ભગવાન બસવેશ્વર જેવા સંતોએ જ લોકોને તેમની આસ્થા સાથે જોડ્યા હતા. એ જ રીતે, રાણી અબ્બક્કા, ઓનાકે ઓબાવ્વા, રાની ચેન્નમ્મા, ક્રાંતિવીરા સાંગોલી રાયન્ના જેવાં યોદ્ધાઓએ વિદેશી શક્તિઓનો સામનો કરવો પડ્યો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આઝાદી પછી કર્ણાટકનાં મહાનુભાવોએ ભારતને સતત પ્રેરણા આપી હતી.

પ્રધાનમંત્રીએ એક ભારત, શ્રેષ્ઠ ભારતનો મંત્ર જીવંત રાખવા બદલ કર્ણાટકનાં લોકોની પ્રશંસા કરી હતી. તેમણે કવિ કુવેમ્પુ દ્વારા 'નાડા ગીથે' વિશે વાત કરી હતી અને આ પવિત્ર ગીતમાં સુંદર રીતે વ્યક્ત કરાયેલી રાષ્ટ્રીય લાગણીઓની પ્રશંસા કરી હતી. "આ ગીતમાં ભારતની સંસ્કૃતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને કર્ણાટકની ભૂમિકા અને મહત્ત્વનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યારે આપણે આ ગીતની ભાવનાને સમજીએ છીએ, ત્યારે આપણને એક ભારત, શ્રેષ્ઠ ભારતનું કેન્દ્રબિંદુ પણ મળે છે,”  એમ તેમણે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, જ્યારે ભારત જી-20 જેવી વૈશ્વિક સંસ્થાનાં અધ્યક્ષ સ્થાને હોય છે, ત્યારે ભારત લોકશાહીની જનનીના આદર્શોથી પ્રેરિત છે. તેમણે કહ્યું હતું કે, 'અનુભવ મંટપા' મારફતે ભગવાન બસવેશ્વરનાં વચનો અને લોકતાંત્રિક ઉપદેશો ભારત માટે પ્રકાશનાં કિરણ સમાન છે. પ્રધાનમંત્રીએ લંડનમાં ભગવાન બસવેશ્વરની મૂર્તિનું તેમનાં વચનોનાં સંગ્રહની સાથે ઉદ્‌ઘાટન કરવાની તક મળવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ કર્ણાટકની વિચારધારાની અમરતા અને તેની અસરોનો પુરાવો છે."

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કર્ણાટક ટ્રેડિશન્સ (પરંપરાઓ) અને ટેકનોલોજીની ભૂમિ છે. તે ઐતિહાસિક સંસ્કૃતિની સાથે-સાથે આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ ધરાવે છે." પ્રધાનમંત્રીએ દિવસની શરૂઆતમાં જર્મન ચાન્સલર શ્રી ઓલાફ સ્કોલ્ઝ સાથેની મુલાકાતને યાદ કરી હતી અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી કે, તેમનો આગામી કાર્યક્રમ આવતીકાલે બેંગલુરુમાં યોજાઈ રહ્યો છે. તેમણે માહિતી આપી હતી કે, બેંગલુરુમાં જી-20ની એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજાઈ રહી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ કોઈ પણ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓને મળે એમને ભારતની પ્રાચીન અને આધુનિક બંને બાજુઓને પ્રદર્શિત કરવા આતુર છે. તેમણે પુનરોચ્ચાર કરતા કહ્યું હતું કે, પરંપરા અને ટેકનોલોજી નવા ભારતનો મિજાજ છે.  તેમણે જણાવ્યું હતું કે, દેશ વિકાસ અને વારસા તથા પ્રગતિ અને પરંપરાઓ સાથે સંયુક્તપણે આગળ વધી રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, એક તરફ ભારત પોતાનાં પ્રાચીન મંદિરો અને સાંસ્કૃતિક કેન્દ્રોને પુનર્જીવિત કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ડિજિટલ પેમેન્ટ્સમાં પણ તે દુનિયામાં અગ્રેસર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે ભારત વિદેશમાંથી તેની ચોરાયેલી મૂર્તિઓ અને સદીઓ જૂની કળાકૃતિઓને પાછી લાવી રહ્યું છે, ત્યારે તે વિક્રમજનક એફડીઆઇ પણ લાવી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ નવા ભારતનો વિકાસનો માર્ગ છે, જે આપણને વિકસિત રાષ્ટ્રનાં લક્ષ્ય તરફ દોરી જશે."

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "અત્યારે કર્ણાટકનો વિકાસ એ દેશ માટે અને કર્ણાટક સરકાર માટે ટોચની પ્રાથમિકતા છે." તેમણે માહિતી આપી હતી કે, વર્ષ 2009-2014 વચ્ચે કેન્દ્ર સરકારે કર્ણાટકને 11 હજાર કરોડ રૂપિયા આપ્યા હતા, જ્યારે વર્ષ 2019-2023થી અત્યાર સુધીમાં 30,000 કરોડ રૂપિયા મોકલવામાં આવ્યાં છે. 2009-2014ની વચ્ચે કર્ણાટકને રેલવે પ્રોજેક્ટ્સમાં 4 હજાર કરોડ મળ્યા હતા જ્યારે આ વર્ષનાં બજેટમાં જ કર્ણાટક રેલ ઇન્ફ્રા માટે 7 હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે. કર્ણાટકમાં એ પાંચ વર્ષ દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે 6,000 કરોડ રૂપિયા મળ્યા હતા, જ્યારે છેલ્લાં 9 વર્ષમાં કર્ણાટકને તેના ધોરીમાર્ગો માટે દર વર્ષે 5,000 કરોડનું રોકાણ મળ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્તમાન સરકાર ભદ્ર પ્રોજેક્ટ માટે લાંબા સમયથી વિલંબિત માગને પૂર્ણ કરી રહી છે અને આ તમામ વિકાસ ઝડપથી કર્ણાટકનો ચહેરો બદલી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દિલ્હી કર્ણાટક સંઘનાં 75 વર્ષ વૃદ્ધિ, સિદ્ધિ અને જ્ઞાનની ઘણી મહત્ત્વપૂર્ણ ક્ષણોને આગળ લાવ્યાં છે. આગામી 25 વર્ષનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ અમૃત કાલમાં અને દિલ્હી કર્ણાટક સંઘનાં આગામી 25 વર્ષ દરમિયાન લેવામાં આવી શકે તેવા મહત્ત્વપૂર્ણ પગલાં પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેન્દ્રીય ધ્યાન જ્ઞાન અને કલા પર રાખવું જોઈએ અને તેમણે કન્નડ ભાષા અને તેનાં સમૃદ્ધ સાહિત્યની સુંદરતા પર પ્રકાશ પાડ્યો. તેમણે એ પણ માહિતી આપી હતી કે કન્નડ ભાષાના વાચકોની સંખ્યા ઘણી વધારે છે અને પ્રકાશકોએ તેનાં પ્રકાશનના થોડા અઠવાડિયામાં જ એક સારું પુસ્તક ફરીથી છાપવું પડે છે.

પ્રધાનમંત્રીએ કલાનાં ક્ષેત્રમાં કર્ણાટકની અસાધારણ સિદ્ધિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને નોંધ્યું હતું કે, કર્ણાટક કંસલેથી લઈ કર્ણાટક સંગીતની કર્ણાટક શૈલી અને ભરતનાટ્યમથી લઈને યક્ષગાન સુધીની શાસ્ત્રીય અને લોકપ્રિય એમ બંને કળાઓથી સમૃદ્ધ છે. આ કળાઓને લોકપ્રિય બનાવવા માટે કર્ણાટક સંઘના પ્રયાસોની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ આ પ્રયાસોને આગલાં સ્તર પર લઈ જવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને દિલ્હી કન્નડિગા પરિવારોને આ પ્રકારના કાર્યક્રમોમાં બિન-કન્નડિગા પરિવારોને લાવવાનો પ્રયાસ કરવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કન્નડ સંસ્કૃતિનું ચિત્રણ કરતી કેટલીક ફિલ્મો બિન-કન્નડિગા પ્રેક્ષકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ હતી અને કર્ણાટક વિશે વધારે જાણવાની ઇચ્છા પેદા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "આ ઇચ્છાનો લાભ લેવાની જરૂર છે." પ્રધાનમંત્રીએ મુલાકાતી કલાકારો અને વિદ્વાનોને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, પ્રધાનંત્રી સંગ્રહાલય અને કર્તવ્ય પથની મુલાકાત લેવા વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રીએ સમગ્ર વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ' ઉજવવામાં આવે છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, કર્ણાટક ભારતીય બાજરી એટલે કે 'શ્રી ધાન્ય'નું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "શ્રી અન્ન રાગી કર્ણાટકની સંસ્કૃતિ અને સામાજિક ઓળખનો એક ભાગ છે." તેમણે યેદિયુરપ્પાજીના સમયથી કર્ણાટકમાં 'શ્રી ધાન્ય'ને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલા કાર્યક્રમો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આખો દેશ કન્નડિગાઓના માર્ગે ચાલી રહ્યો છે અને બરછટ અનાજને 'શ્રી અન્ન' કહેવાનું શરૂ કર્યું છે. સમગ્ર વિશ્વ શ્રી અન્નના લાભને ઓળખી રહ્યું છે તેની નોંધ લઈને તેમણે ધ્યાન દોર્યું હતું કે, આગામી સમયમાં તેની માગને વેગ મળશે, જેથી કર્ણાટકનાં ખેડૂતોને મોટો લાભ થશે.

સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે ભારત વર્ષ 2047માં એક વિકસિત રાષ્ટ્ર તરીકે તેની આઝાદીનાં 100 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે ભારતનાં ગૌરવશાળી અમૃતકાળમાં દિલ્હી કર્ણાટક સંઘનાં યોગદાન પર પણ ચર્ચા થશે, કારણ કે તે પણ તેના 100મા વર્ષમાં પ્રવેશ કરશે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી, કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમ્મઈ, આદિચુંચનગિરી મઠના સ્વામીજી, ઉજવણી સમિતિના અધ્યક્ષ શ્રી નિર્મલાનંદનાથ, શ્રી સીટી રવિ અને દિલ્હી કર્ણાટક સંઘના અધ્યક્ષ શ્રી સી. એમ. નાગરાજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચાદભૂમિકા

પ્રધાનમંત્રીનાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'નાં વિઝનને અનુરૂપ 'બરિસુ કન્નડ દિમ દિમવા' સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કર્ણાટકની સંસ્કૃતિ, પરંપરાઓ અને ઇતિહાસની ઉજવણી કરવા માટે થઈ રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને સેંકડો કલાકારોને નૃત્ય, સંગીત, નાટક, કવિતા વગેરે દ્વારા કર્ણાટકનો સાંસ્કૃતિક વારસો પ્રદર્શિત કરવાની તક પૂરી પાડશે.

YP/GP/JD



(Release ID: 1902417) Visitor Counter : 169