પ્રધાનમંત્રીનું કાર્યાલય

વિશ્વ શાંતિ માટે ક્રૃષ્ણગુરુ એકનામ અખંડ કિર્તન ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 03 FEB 2023 7:43PM by PIB Ahmedabad

કૃષ્ણગુરુ સેવાશ્રમ સાથે સંકળાયેલા આપ તમામ સંતો મનીષીઓ તથા ભક્તોને મારા સાદર પ્રણામ. કૃષ્ણગુરુ એકનામ અખંડ કિર્તનનું આ આયોજન છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું છે. મને આનંદ છે કે જ્ઞાન, સેવા અને માનવતાની જે પ્રાચીન ભારતીય પરંપરાને કૃષ્ણગુરુજીએ આગળ ધપાવી તે આજે પણ સતત ગતિમાન છે. ગુરુકૃષ્ણ પ્રેમાંનદ પ્રભુ જી અને તેમના સહયોગના આશીર્વાદ તથા કૃષ્ણગુરુના ભક્તોના પ્રયાસથી આ આયોજનમાં એ દિવ્યતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. મારી ઇચ્છા હતી કે આ પ્રસંગે હું આસામ આવીને આપ સૌની સાથે આ કાર્યક્રમમાં સામેલ થઈ જાઉં. મેં કૃષ્ણગુરુજીના પાવન તપોસ્થળી પર આવવાનો અગાઉ પણ ઘણો પ્રયાસ કર્યો છે.  પરંતુ કદાચ મારા પ્રયાસોમાં કોઇક કમી રહી ગઈ કે હું ઇચ્છતો હતો તેમ છતાં અત્યાર સુધી આવી શક્યો નહીં. મારા મનોકામના છે કે કૃષ્ણગુરુના આશીર્વાદ મને એ અવસર આપે  કે આવનારા સમયમાં ત્યાં આવીને હું આપ સૌને નમન કરું, આપ સૌના દર્શન કરું.

સાથીઓ,


કૃષ્ણગુરુ જી એ વિશ્વ શાંતિ માટે દર 12 વર્ષે એક મહિનો અખંડ નામજપ તથા કિર્તનનું અનુષ્ઠાન શરૂ કર્યું હતું. આપણા દેશમાં તો 12 વર્ષની અવધિ પર આ પ્રકારના આયોજનોની પ્રાચીન પરંપરા રહી છે. અને આ આયોજનોનો મુખ્ય ભાવ રહ્યો છે – કર્તવ્ય.


આ સમારંભ વ્યક્તિમાં, સમાજમાં, કર્તવ્ય બોધને પુનર્જિવીત કરતા હતા. આ આયોજનોમાં સમગ્ર દેશના લોકો એક સાથે એકત્રિત થતા હતા. છેલ્લા 12 વર્ષમાં જે કાંઈ પણ વીતેલા સમયમાં થયું છે તેની સમીક્ષા થતી હતી, વર્તમાનનું મૂલ્યાંકન થતું હતું અને ભવિષ્યની રૂપરેખા નક્કી થતી હતી. દર 12 વર્ષે કુંભની પરંપરા પણ તેનું એક મજબૂત ઉદાહરણ છે. 2019માં જ આસામના લોકોએ બ્રહ્મપુત્રા નદીમાં પુષ્કરમ સમારંભનું સફળ આયોજન કર્યું હતું. હવે ફરીથી બ્રહ્મપુત્રા નદી પર આ આયોજન 12 વર્ષમાં જ થશે. તામિલનાડુમાં કુંભકોણમમાં મહામાહમ પર્વ પણ 12 વર્ષમાં મનાવવામાં આવે છે. ભગવાન બાહુબલીના મહામસ્તિકાભિષેક તે પણ 12 વર્ષ પર જ થતો હોય છે. એ પણ સંયોગ છે કે નીલગિરીના પર્વતો પર ખીલનારા નીલ કુરુંજી પૂષ્પ પણ દર 12 વર્ષે જ ઉગે છે. 12 વર્ષ પર થઈ રહેલા કૃષ્ણગુરુ એકનામ અખંડ કિર્તન પણ એવી જ એક સશક્ત પરંપરાનું સર્જન કરી રહ્યો છે. આ કિર્તન પૂર્વોત્તરના વારસો, અહીંના આધ્યાત્મિક ચેતનાથી વિશ્વને પરિચિત કરાવી રહ્યો છે. હું આપ સૌને આ આયોજન બજલ અનેકા અનેક શુભકામના પાઠવું છું.

સાથીઓ,


કૃષ્ણગુરુ જીની વિલક્ષણ પ્રતિભા, તેમનો આધ્યાત્મિક બોધ, તેમની સાથે સંકળાયેલી આશ્ચર્ય પમાડતી ઘટનાઓ, આપણને સૌને સતત પ્રેરણા આપે છે. તેમણે શીખવ્યું છે કે કોઈ પણ કાર્ય, કોઇ પણ વ્યક્તિ નાનો હોતો નથી, ના તો મોટો હોય છે. છેલ્લા આઠથી નવ વર્ષોમાં દેશમાં આ જ ભાવનાથી સૌના સાથથી સૌના વિકાસ માટે સમર્પણ ભાવથી કાર્ય કર્યું છે.


આજે વિકાસની દોડમાં જે જેટલું પાછળ છે, દેશ માટે તે એટલી જ પ્રાથમિકતા છે. એટલે કે જે વંચિત છે, તેને દેશ આજે પ્રાથમિકતા આપી રહ્યો છે, વંચિતોને પ્રાથમિકતા. આસામ હોય, નોર્ત ઇસ્ટ હોય તે પણ દાયકાઓ સુધી વિકાસની કનેક્ટિવિટીથી વંચિત રહ્યા હતા. આજે દેશ આસામ અને નોર્થ ઇસ્ટના વિકાસને મોખરાના ક્રમે રાખે છે અને પ્રાથમિકતા આપી રહ્યો છે.


આ વખતના બજેટમાં પણ દેશના આ પ્રયાસોની, અને આપણા ભવિષ્યની મજબૂત ઝલક જોવા મળી રહી છે. પૂર્વોત્તરના અર્થતંત્ર તથા પ્રગતિમાં પર્યટનની મહત્વની ભૂમિકા રહી છે. આ વખતના બજેટમાં પર્યટનની સાથે સંકળાયેલી સંભાવનાઓને વધારવા માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે. દેશમાં 50 પ્રવાસન સ્થળોને વિશેષ અભિયાન ચલાવીને વિકસિત કરવામાં આવશે. તેમના માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે, વર્ચ્યુઅલ કનેક્ટિવિટીના બહેતર બનાવવામાં આવશે. પ્રવાસીઓની સુવિધાઓનું પણ નિર્માણ કરવામાં આવશે. પૂર્વોત્તર અને આસામને આ વિકાસ કાર્યોનો મોટો લાભ મળશે.


આજે આ આયોજનમાં સંકળાયેલા આપ તમામ સંતો વિદ્વાનોને હું વધુ એક માહિતી આપવા માગું છું. આપ સૌએ પણ ગંગા વિલાસ ક્રૂ વિશે સાંભળ્યું હશે. ગંગા વિલાસ ક્રૂ દુનિયાની સોથી લાંબી રિવર ક્રૂ છે. તેની ઉપર મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ સફર કરી રહ્યા છે. બનારસથી બિહારમાં બકસર, પટણા, મુંગેરે થઈને આ ક્રૂઝ બંગાળમાં કોલકાતાથી આગળ સુધીની યાત્રા કરતાં કરતાં બાંગ્લાદેશ પહોંચી ચૂકી છે.  થોડા સમય બાદ આ ક્રૂઝ આસામ પહોંચનારી છે. તેમાં સવાર પ્રવાસીઓ આ જગ્યાઓને નદીની મારફતે વિસ્તારને જાણી રહ્યા છે. ત્યાંની સંસ્કૃતિઓને માણી રહ્યા છે. અને આપણે તો જાણીએ જ છીએ કે ભારતનો સાંસ્કૃતિક વારસો સૌથી મોટું મહત્વ, સૌથી વધુ મૂલ્યવાન ખજાનો આપણી નદીઓ, તટો પર જ છે કેમ કે આપણી સંપૂર્ણ સંસ્કૃતિની વિકાસ યાત્રા નદી અને તટો સાથે જ જોડાયેલી છે. મને વિશ્વાસ છે કે અસમિયા સંસ્કૃતિ અને ખૂબસુરતી પણ ગંગા વિલાસ મારફતે દુનિયા સુધી એક નવી જ રીતે પહોંચશે.


સાથીઓ,


કૃષ્ણગુરુ સેવાશ્રમ, વિવિધ સંસ્ખાઓ મારફતે પારંપરિક તથા કૌશલ્યથી સંકળાયેલા લોકોના કલ્યાણ માટે પણ કામ કરે છે. તાજેતરના વર્ષોમાં પૂર્વોત્તરના પારંપરિક કૌશલ્યને નવી ઓળખ આપીને વૈશ્વિક બજારમાં જોડવાની દિશામાં દેશે ઐતિહાસિક કાર્યો કર્યા છે. આજે આસામની કલા, આસામના લોકોની આવડત, કૌશલ્ય, અહીંના બામ્બુ પ્રોડક્ટ અંગે સમગ્ર દેશ તથા દુનિયાના લોકો જાણી રહ્યા છે અને તેને પસંદ પણ કરી રહ્યા છે. આપન એ પણ યાદ હશે કે અગાઉ બામ્બુને વૃક્ષની કેટેગરીમાં રાખીને તેને કાપવા પર કાનૂની પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. અમે એ કાનૂનને બદલ્યો, ગુલામીના કાળખંડનો કાયદો હતો. બામ્બુને ઘાસની કેટેગરીમાં રાખીને પારંપરિક રોજગારી માટે તમામ માર્ગો ખોલી નાખ્યા.  હવે આ પ્રકારના પારંપરિક કૌશલ્યના વિકાસ માટે આ પ્રોડક્ટની ગુણવત્તા અને પહોંચ વધારવા માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આ પ્રકારના ઉત્પાદકોને ઓળખ અપાવવા માટે બજેટમાં દરેક રાજ્યમાં યુનિટી મોલ એકતા મોલ બનાવવાની જાહેરાત પણ આ બજેટમાં કરવામાં આવી છે. એટલે કે આસામનો ખેડૂત, આસામના કારીગર, આસામના યુવાનો જે પ્રોડક્ટ બનાવશે યુનિટી મોલ અને એકતા મોલમાં તેનું વિશેષ પ્રદર્શન થશે જેથી તેનું મહત્તમ વેચાણ થઈ શકે. એટલું જ નહીં અન્ય રાજ્યોની રાજધાની અથવા તો મોટા પર્યટન સ્થળમાં પણ જે યુનિટી હોલ બનશે તેમાં પણ આસામની પ્રોડક્ટ રાખવામાં આવશે. પર્યટક જ્યારે યુનિટી મોલ જશે તો આસામના ઉત્પાદનોને પણ નવું બજાર મળશે.

સાથીઓ,


જ્યારે આસામના શિલ્પની વાત થાય છે તો અહીંના આ ગોમોશા પણ આ ગોમોશાનો પણ ઉલ્લેખ આપોઆપ થઈ જતો હોય છે. મને ખુદને ગોમોશા પહેરવું સારું લાગે છે. દરેક ખૂબસુરત ગોમોશાની પાછળ આસામની મહિલાઓ, આપણી માતાઓ અને બહેનોની મહેનત હોય છે. વીતેલા આઠથી નવ વર્ષમાં દેશમાં ગોમોશાને લઇને આકર્ષણ વધ્યું છે તો સાથે સાથે તેની માંગ પણ વધી છે.આ માંગને પૂરી કરવા માટે મોટી સંખ્યામાં મહિલા સેલ્ફ હેલ્પ ગ્રૂપ આગળ આવ્યા છે. આ ગ્રૂપોમાં હજારો લાખો મહિલાઓને રોજગાર મળી રહ્યો છે. હવે આ ગ્રૂપ તેનાથી પણ આગળ વધીને દેશના અર્થતંત્રની તાકાત બનશે. તેના માટે આ વર્ષના બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે.


મહિલાઓની આવક તેમના સશક્તિકરણનું માધ્યમ બને તેના માટે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ યોજના પણ શરૂ કરવામાં આવી છે. મહિલાઓને બચત પર ખાસ કરીને વધુ વ્યાજ મળશે. સાથે સાથે પીએમ આવાસ યોજનાનું બજેટ પણ વધારીને 70 હજાર કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. જેથી જે ગરીબ છે તે પ્રત્યેક પરિવાર, જેમની પાસે પાક્કું ઘર નથી તેમને પાક્કું ઘર મળી શકે. આ ઘર પણ મોટા ભાગની મહિલાઓના જ નામ પર બનાવવામાં આવે છે. તેની માલિકીનો હક મહિલાઓનો હોય છે.


આ બજેટમાં આવી અનેક જોગવાઈઓ છે જેનાથી આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, મેઘાલય જેવા પૂર્વોત્તર રાજ્યોની મહિલાઓને વ્યાપક લાભ થશે, તેમના માટે નવી તકો પેદા થશે.

સાથીઓ,


કૃષ્ણગુરુ કહેતા હતા કે નિત્ય ભક્તિના કાર્યોમાં વિશ્વાસની સાથે પોતાની આત્માની સેવા કરો. પોતાની આત્માની સેવામાં, સમાજની સેવા, સમાજના વિકાસના આ મંત્રમાં મોટી શક્તિ સમાયેલી છે. મને ખુશી છે કે કૃષ્ણગુરુ સેવાશ્રમ સમાજ સાથે સંકળાયેલા દરેક પાસાઓ પર આ મંત્રની સાથે કામ કરી રહ્યો છે. આપના દ્વારા ચલાવવામાં આવી રહેલો આ સેવાયજ્ઞ દેશની મોટી શક્તિ બની રહ્યો છે. દેશના વિકાસ માટે સરકાર અનેક યોજનાઓ ચલાવી  રહી છે.  પરંતુ દેશની કલ્યાણકારી યોજનાઓનો પ્રાણવાયુ, સમાજની શક્તિ તથા જન ભાગીદારી જ છે. આપણે જોયું છે કે કેવી રીતે દેશે સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું અને પછી જન ભાગીદારીએ તેને સફળ બનાવી દીધું. ડિજિટલ ઇન્ડિયા અભિયાનની સફળતા પાછળ પણ સૌથી મોટું કારણ જન ભાગીદારી જ છે. દેશને સફળ કરનારી આ પ્રકારની અનેક યોજનાઓને આગળ ધપાવવામાં કૃષ્ણગુરુ સેવાશ્રમની ભૂમિકા પણ મહત્વની છે. જેમ કે સેવાશ્રમ મહિલાઓ તથા યુવાનો માટે ઘમા સામાજિક કાર્ય કરે છે. આપ બેટી બચાવો, બેટી પઢાવો અને પોષણ જેવા અભિયાનોને આગળ ધપાવવાની જવાબદારી લઈ શકો છો. ખેલો ઇન્ડિયાઅને ફિટ ઇન્ડિયા જેવા અભિયાન સાથે વધુમાં વધુ યુવાનોને સાંકળવાથી સેવાશ્રમની પ્રેરણા અત્યંત અગત્યની છે. યોગ હોય, આયુર્વેદ હોય, તેના પ્રચાર અને પ્રસારમાં આપની વધુને વધુ સહભાગિતા, સમાજ શક્તિને મજબૂત કરશે.


સાથીઓ,


આપ જાણો છો કે આપણે ત્યાં પરંપરાગત રીતે હાથથી, કોઇ પણ સાધન કે ઓજારની મદદ વિના કામ કરનારા કારીગરોને હુનરમંદોને વિશ્વકર્મા કહેવામાં આવે છે. દેશે હવે પહેલી વાર આ પરંપરાગત કારીગરોના કૌશલ્યને પ્રોત્સાહન આપવાનો સંકલ્પ કર્યો છે. તેમના માટે પીએમ-વિશ્વકર્મા કૌશલ સન્માન એટલે કે પીએમ વિકાસ યોજના શરૂ કરવામાં આવી રહી છે અને આ બજેટમાં તેનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. કૃષ્ણગુરુ સેવાશ્રમ, વિશ્વકર્મા સાથીઓમાં આ યોજના પ્રત્યે જાગરૂકતા વધારીને તેમનું હિત કરી શકાય છે.


સાથીઓ,


2023માં ભારતની પહેલ પર સમગ્ર વિશ્વ મિલેટ વર્ષ પણ મનાવી રહ્યું છે. મિલેટ એટલે કે મોટા અનાજોને, જેને સામાન્યપણે મોટું અનાજ કહીએ છીએ નામ અલગ અલગ હોય  છે પરંતુ મોટું અનાજ કહીએ છીએ. મોટા અનાજને આજે એક નવી ઓળખ આપવામાં આવી છે.  આ ઓળખ છે – શ્રી અન્ન. એટલે કે અન્નમાં જે સર્વશ્રેષ્ઠ છે તે બન્યું શ્રી અન્ન. કૃષ્ણગુરુ સેવાશ્રમ તથા તમામ ધાર્મિક સંસ્થાઓ શ્રી અન્નન પ્રસારમાં ઘણી મોટી અને મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આશ્રમમાં જે પ્રસાદ વહેંચાય છે, મારો આગ્રહ છે કે એ પ્રસાદ પણ મોટા અનાજ એટલે કે શ્રી અન્નથી બનાવવામાં આવે. આવી જ રીતે આઝાદીના અમૃત મહોત્સવમાં આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના ઇતિહાસને યુવા પેઢી સુધી પહોંચાડવા માટેનું પણ અભિયાન ચાલી રહ્યું છે. આ જ દિશામાં સેવાશ્રમ પ્રકાશન દ્વારા આસામ તથા પૂર્વોત્તરના ક્રાંતિકારીઓ વિશે પણ ઘણું બધું લખાઈ શકે છે. મને વિશ્વાસ છે કે 12 વર્ષ બાદ જ્યારે આ અખંડ કિર્તન થશે તો આપના તથા દેશના આ ઘનિષ્ઠ પ્રયાસોથી આપણે વધુ સશક્ત ભારતના દર્શન કરી રહ્યા હોઇશું. અને આ જ મનોકામના સાથે હું તમામ સંતોને પ્રણામ કરું છું. તમામ પૂણ્ય આત્માઓને પ્રણામ કરું છું તથા આપ સૌને ફરી એક વાર ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું.
ધન્યવાદ.


YP/GP/JD



(Release ID: 1896197) Visitor Counter : 213