ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે મધ્ય પ્રદેશનાં ઉજ્જૈનમાં શ્રી સ્વામિનારાયણ સંસ્થાન વડતાલ દ્વારા નિર્મિત એસજીએમએલ આઇ હૉસ્પિટલનું વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ઉદ્‌ઘાટન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આયુષ્માન ભારત યોજના મારફતે દેશના 80 કરોડ ગરીબ લોકોને પાંચ લાખ રૂપિયા સુધીના તમામ સ્વાસ્થ્ય ખર્ચમાંથી મુક્ત કર્યા છે અને સાથે-સાથે મેડિકલ કૉલેજો હોય, એમબીબીએસની બેઠકો હોય કે પીજીની બેઠકો હોય, આ તમામમાં વધારો કર્યો છે

શ્રી સ્વામિનારાયણ સંસ્થાન વડતાલ ભગવાન સ્વામિનારાયણે દર્શાવેલા લોકકલ્યાણના માર્ગે ચાલીને લોકોને પરવડે એવી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાનું કાર્ય કરી રહ્યું છે

₹15 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ 50 બેડની હૉસ્પિટલ અત્યાધુનિક પદ્ધતિથી ગરીબમાં ગરીબ આંખના દર્દીઓને પરવડે તેવી સારવાર ઉપલબ્ધ કરાવી શકશે

ભગવાન સ્વામિનારાયણે દેશભરમાં ભ્રમણ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેને લોકભોગ્ય બનાવ્યું અને તેમણે સમગ્ર વિશ્વ અને ખાસ કરીને ગુજરાતના લોકોનાં કલ્યાણ માટે અનેક કાર્યો કર્યાં

સ્વામિનારાયણ સંપ્રદાયે અનેક પ્રકારનાં સેવાકીય કાર્યો કર્યાં છે, ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયની અનેક સંસ્થાઓએ શિક્ષણ ક્ષેત્રે ઘણું મોટું યોગદાન આપ્યું છે, સાથે જ દેશના કરોડો યુવાનોને વ્યસનમુક્ત કરવાનું બહુ મોટું કાર્ય આ સંપ્રદાયે કર્યું છે

વ્યસન મુક્તિ એ સ્વામિનારાયણ ભગવાનના ભારે આગ્રહનો વિષય હતો અને તેને ધર્મ સાથે જોડીને લોકોને નશામુક્ત બનાવવાનું એક મોટું અભિયાન તેમણે શરૂ કર્યું હતું

શ્રી અમિત શાહે મહાત્મા ગાંધીને તેમની 75મી પૂણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને કહ્યું હતું કે, બાપુએ ન માત્ર સમગ્ર વિશ્વમાં ભારતના અહિંસાના સંદેશનો પ્રચાર કર્યો હતો, પરંતુ તેને પ્રસ્થાપિત પણ કર્યો

Posted On: 30 JAN 2023 4:53PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે મધ્ય પ્રદેશનાં ઉજ્જૈનમાં એસજીએમએલ આઇ હૉસ્પિટલનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી અમિત શાહે મહાત્મા ગાંધીને તેમની 75મી પૂણ્યતિથિએ શ્રદ્ધાંજલિ અર્પીને તેમનાઅં સંબોધનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે, બાપુએ ભારતના અહિંસાના સંદેશને સમગ્ર વિશ્વમાં પ્રચાર કર્યો એટલું જ નહીં તેને પ્રસ્થાપિત પણ કર્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે મધ્ય પ્રદેશનું ઉજ્જૈન ધામ દેશના કરોડો શ્રદ્ધાળુઓ માટે હંમેશા આસ્થાનું કેન્દ્ર રહ્યું છે અને વેદોના સમયથી જ ભગવાન મહાકાલનું મંદિર આપણા દેશના કાળક્રમમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ઉજ્જૈનમાં ઘણાં મંદિરો સમગ્ર વિશ્વનાં આકર્ષણનું કેન્દ્ર રહ્યાં છે અને તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ ઉજ્જૈનની ભવ્યતા અને તેની આસ્થાનું પુનઃનિર્માણ કરવા માટે મહાકાલ લોકનો ભવ્ય કોરિડોર શરૂ કર્યો છે. મહાકાલ લોકની રચના સાથે જ દેશભરમાં કરોડો લોકોના શ્રદ્ધાનાં કેન્દ્રને વધુ મજબૂત કરવાનું કામ કરવામાં આવ્યું છે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, આજે અહીં આંખની હૉસ્પિટલનું ઉદ્‌ઘાટન થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભગવાન સ્વામિનારાયણ ઉત્તર પ્રદેશથી ગુજરાત આવ્યા હતા અને કાયમી નિવાસ કરી જ્ઞાન મેળવવા અને તેને લોકભોય બનાવવા માટે દેશભરમાં ભ્રમણ કર્યું હતું અને સમગ્ર વિશ્વ અને ખાસ કરીને ગુજરાતના લોકોનાં કલ્યાણ માટે અનેક કાર્યો કર્યાં હતાં. શ્રી શાહે જણાવ્યું હતું કે, 200 વર્ષ પહેલાં તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી હતી, જે આજે એક વિશાળ વટવૃક્ષ બનીને ભારતમાં ધ્રુવ તારાની જેમ અસ્તિત્વ ધરાવે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયે અનેક પ્રકારની સેવાકીય કામગીરી કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયની વિવિધ સંસ્થાઓએ શિક્ષણ ક્ષેત્રે મોટું યોગદાન આપ્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુકુળોમાં ધનનો અભાવ હોય તેવા વિદ્યાર્થીઓને ધર્મના સંસ્કારોની સાથે સાથે ઉચ્ચત્તમ શિક્ષણ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રની સાથે સાથે સ્વામિનારાયણ સંપ્રદાયે દેશના કરોડો યુવાનોને નશામુક્ત બનાવવાનું બહુ મોટું કાર્ય કર્યું છે. તેમણે કહ્યું કે વ્યસન મુક્તિ એ સ્વામિ નારાયણ ભગવાનના ખૂબ આગ્રહની બાબત છે અને તેમણે તેને ધર્મ સાથે જોડીને લોકોને વ્યસનમુક્ત બનાવવા માટે એક વિશાળ અભિયાન શરૂ કર્યું હતું. શ્રી શાહે જણાવ્યું હતું કે, 50 પથારીઓ ધરાવતી આ આંખની હૉસ્પિટલ લોકોને આંખના વિવિધ પ્રકારના રોગોમાંથી મુક્તિ અપાવવાનું કામ કરશે. તેમણે કહ્યું કે, 15 કરોડના ખર્ચે બનેલી આ આંખની હૉસ્પિટલ ઉજ્જૈન ધામ અને આસપાસના લોકો માટે આંખોના અનેક રોગોની સારવારમાં મદદ કરશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સરકારે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં આયુષ્માન ભારત યોજના મારફતે દેશના 80 કરોડ ગરીબ લોકોને રૂ. 5 લાખ સુધીના તમામ સ્વાસ્થ્ય ખર્ચમાંથી મુક્ત કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં 80 કરોડ લોકોને સંપૂર્ણ રૂપિયા 5 લાખ સુધીનો સ્વાસ્થ્ય ખર્ચ આપવાનું આ પ્રથમ અને એકમાત્ર ઉદાહરણ છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, મેડિકલ કૉલેજોની સંખ્યા 387થી વધારીને 596 કરવામાં આવી છે, એમબીબીએસની બેઠકોની સંખ્યા 51,000થી વધારીને 89,000 કરવામાં આવી છે અને પીજી બેઠકોની સંખ્યા 31,000થી વધારીને 60,000 કરવાનું કામ નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કૉલેજોની સંખ્યામાં 55 ટકાનો વધારો, એમબીબીએસની બેઠકોમાં દોઢ ગણો વધારો અને એમએસ અને એમડીની બેઠકોની સંખ્યા બમણી થવાથી ભારતની સ્વાસ્થ્ય સંરચના ઘણી મજબૂત થશે. શ્રી શાહે જણાવ્યું હતું કે, મોદી સરકારે 22 નવી એઈમ્સની સ્થાપના કરી છે, જેનાથી ગરીબોને રોગોની સારવારમાં ઘણો લાભ થશે. શ્રી શાહે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણજીને સમગ્ર ભારતમાં સૌ પ્રથમવાર ભારતીય ભાષામાં તબીબી શિક્ષણનો પ્રારંભ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, એમબીબીએસના તમામ અભ્યાસક્રમોનું સંપૂર્ણ હિન્દીમાં ભાષાંતર કરીને શિવરાજજીએ આપણી ભારતીય ભાષાઓને નવી ગતિ આપવાનું કામ કર્યું છે.

YP/GP/JD

 



(Release ID: 1894762) Visitor Counter : 300