પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવમાં પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ

Posted On: 24 DEC 2022 2:32PM by PIB Ahmedabad

જય સ્વામિનારાયણ.

આ પાવન કાર્યક્રમને દિશા આપી રહેલા પૂજ્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, મહંત શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીજી, કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ પૂજ્ય સંતો, અન્ય મહાનુભાવો અને મારા પ્રિય યુવા મિત્રો!

આપ સૌને જય સ્વામિનારાયણ!

પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી તેમનાં આશીર્વાદથી રાજકોટ ગુરૂકુળને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. રાજકોટ ગુરૂકુળનાં 75 વર્ષની આ યાત્રા માટે હું આપ સૌને ખૂબ-ખૂબ હાર્દિક અભિનંદન આપું છું. ભગવાન શ્રી સ્વામિનારાયણનાં નામનું સ્મરણ કરવા માત્રથી એક નવી ચેતનાનો સંચાર થાય છે અને આજે આપ સૌ સંતોનાં સાંનિધ્યમાં સ્વામિનારાયણનાં નામનું સ્મરણ કરવું એ એક અલગ જ સૌભાગ્યનો અવસર છે. મને વિશ્વાસ છે કે આ ઐતિહાસિક સંસ્થાનનું આવનારું ભવિષ્ય હજુ વધુ યશસ્વી હશે. તેનું યોગદાન વધુ અપ્રતિમ હશે.

સાથીઓ,

દેશ આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી કરી રહ્યો છે એવા સમયે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટની યાત્રાનાં ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ માત્ર એક સુખદ સંયોગ જ નથી, આ એક સુખદ સુયોગ પણ છે. એક રાષ્ટ્ર તરીકે ભારતની આઝાદ ભારતની જીવનયાત્રા, આવા સુયોગોથી જ અને હજારો વર્ષોની આપણી મહાન પરંપરા પણ આવા સુયોગોથી જ ગતિમાન રહી છે. આ સુયોગ છે, કર્મઠતા અને કર્તવ્યનો સુયોગ! આ સુયોગ છે સંસ્કૃતિ અને સમર્પણનો સુયોગ! આ સુયોગ છે, આધ્યાત્મ અને આધુનિકતાનો સુયોગ! જ્યારે દેશ આઝાદ થયો ત્યારે શિક્ષણ ક્ષેત્રે ભારતની પ્રાચીન મહિમા અને આપણાં મહાન ગૌરવને પુનર્જીવિત કરવાની જવાબદારી આપણી હતી. પરંતુ ગુલામીની માનસિકતાનાં દબાણ હેઠળ સરકારો તે દિશામાં આગળ વધી નહીં. અને કેટલીક બાબતોમાં તો ઊંધાં પગલે ચાલી. અને આ સંજોગોમાં ફરી એક વાર આપણા સંતો, આચાર્યોએ દેશ પ્રત્યેની આ ફરજ અદા કરવાની જવાબદારી પોતાના માથે લઈ લીધી. સ્વામિનારાયણ ગુરુકુળ આ જ સુયોગનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. સ્વતંત્રતા પછી તરત જ ભારતીય મૂલ્યો અને આદર્શોના પાયા પર આ ચળવળને, આ સંસ્થાનને, નિર્મિત કરવામાં આવી હતી. પૂજ્ય ધર્મજીવનદાસ સ્વામીજીનાં રાજકોટ ગુરુકુળનાં વિઝનમાં આધ્યાત્મિકતા અને આધુનિકતાથી માંડીને સંસ્કૃતિ અને સંસ્કાર સુધીની તમામ બાબતોનો સમાવેશ થતો હતો. આજે એ વિચાર-બીજ આ વિશાળ વટવૃક્ષનાં રૂપમાં આપણી સામે છે. હું ગુજરાતમાં તમારા બધાની વચ્ચે જ રહ્યો છું, હું તમારી વચ્ચે જ ઉછર્યો છું. અને આ વટવૃક્ષને મારી નજરે નજીકથી જોવાની તક મળી તે મારું સૌભાગ્ય રહ્યું છે.

આ ગુરુકુળનાં મૂળમાં ભગવાન સ્વામિનારાયણની પ્રેરણા રહી છે - "પ્રવર્તનીયા સદ્‌ વિદ્યા ભુવિ યત્ સુકૃતં મહત્‌!” એટલે કે સત્‌ વિદ્યાનો ફેલાવો એ સંસારનું સૌથી પવિત્ર, સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે. આ જ તો જ્ઞાન અને શિક્ષણ પ્રત્યેનું ભારતનું એ શાશ્વત સમર્પણ છે, જેણે આપણી સંસ્કૃતિનો પાયો નાખ્યો છે. આની જ અસર છે કે એક સમયે રાજકોટમાં માત્ર 7 વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલી ગુરુકુળ વિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ની આજે દેશ-વિદેશમાં લગભગ 40 જેટલી શાખાઓ છે. અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આવે છે. છેલ્લાં 75 વર્ષમાં ગુરુકુળે વિદ્યાર્થીઓનાં મન-દિમાગને સારા વિચારો અને મૂલ્યોથી સિંચ્યાં છે, જેથી તેમનો સર્વાંગી વિકાસ થઈ શકે. આધ્યાત્મિકતાનાં ક્ષેત્રમાં સમર્પિત યુવાનોથી માંડીને ઇસરો અને બીએઆરસીના વૈજ્ઞાનિકો સુધી, આપણી ગુરુકુળ પરંપરાએ દરેક ક્ષેત્રમાં દેશની બુદ્ધિને પોષી છે. અને આપણે સૌ ગુરુકુળની એક વિશેષતા જાણીએ છીએ અને આજના યુગમાં તે દરેકને પ્રભાવિત કરે છે. બહુ ઓછા લોકો જાણે છે કે એ કપરા કાળમાં પણ અને આજે પણ આ ગુરુકુળ એક એવી સંસ્થા છે જે દરેક ગરીબ વિદ્યાર્થી પાસેથી શિક્ષણ માટે એક દિવસની માત્ર એક જ રૂપિયા ફી લે છે. આનાથી ગરીબ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવાનો માર્ગ સરળ થઈ રહ્યો છે.

સાથીઓ,

તમે બધા જાણો છો કે ભારતમાં જ્ઞાન જ જીવનનો સર્વોચ્ચ હેતુ રહ્યું છે. એટલે જ જે કાળમાં વિશ્વના અન્ય દેશોની ઓળખ ત્યાંના રાજ્યો અને રજવાડાઓથી થતી હતી તે સમયમાં ભારતને ભારતભૂમિનાં ગુરુકુળો દ્વારા ઓળખવામાં આવતું હતું. ગુરુકુળ એટલે ગુરુનું કુળ, જ્ઞાનનું કુળ! આપણાં ગુરુકુળો સદીઓથી સમતા, મમતા, સમાનતા અને સેવાભાવની વાટિકા જેવાં રહ્યાં છે. નાલંદા અને તક્ષશિલા જેવાં વિશ્વવિદ્યાલયો ભારતની આ ગુરુકુળ પરંપરાના વૈશ્વિક વૈભવનો પર્યાય રહ્યાં કરતાં હતાં. ખોજ અને શોધ ભારતની જીવનશૈલીનો એક ભાગ હતા. આજે ભારતના કણ-કણમાં આપણે જે વિવિધતા જોઈએ છીએ, જે સાંસ્કૃતિક સમૃદ્ધિને આપણે જોઈએ છીએ, તે એ જ સંશોધનો અને શોધોનાં પરિણામો છે. આત્મ તત્વથી પરમાત્મ તત્ત્વ સુધી, આધ્યાત્મથી માંડીને આયુર્વેદ સુધી, સામાજિક વિજ્ઞાનથી માંડીને સૌર વિજ્ઞાન સુધી, મૅથ્સથી માંડીને મૅટલર્જી સુધી અને શૂન્યથી અનંત સુધી, દરેક ક્ષેત્રમાં આપણે શોધ કરી, નવાં નવાં તારણો કાઢ્યાં. ભારતે અંધકારના એ યુગમાં માનવજાતને પ્રકાશનાં કિરણો આપ્યાં હતાં, જ્યાંથી આધુનિક વિશ્વ અને આધુનિક વિજ્ઞાનની સફર શરૂ થઈ હતી. અને આ સિદ્ધિઓ વચ્ચે, આપણાં ગુરુકુળોની અન્ય એક શક્તિએ વિશ્વ માટે માર્ગ મોકળો કર્યો. જે કાળમાં વિશ્વમાં લિંગ સમાનતા જેવા શબ્દોનો જન્મ પણ થયો ન હતો, ત્યારે આપણે ત્યાં ગાર્ગી-મૈત્રેયી જેવી મહિલાઓ અભ્યાસ કરતી હતી. મહર્ષિ વાલ્મીકિનાં આશ્રમમાં લવ-કુશની સાથે આત્રેયી પણ ભણી રહી હતી. મને આનંદ છે કે સ્વામિનારાયણ ગુરુકુળ આ પ્રાચીન પરંપરાને, આધુનિક ભારતને આગળ વધારવા માટે 'કન્યા ગુરુકુળ' શરૂ કરી રહ્યું છે. 75 વર્ષના અમૃત મહોત્સવમાં, આઝાદીના અમૃત કાળમાં આ સંસ્થાનની આ એક શાનદાર ઉપલબ્ધિ હશે, અને દેશ માટે મહત્વનું યોગદાન પણ હશે.

સાથીઓ,

આપ સૌ સારી રીતે જાણો છો કે, ભારતનાં ઉજ્જવળ ભવિષ્યમાં આપણી શિક્ષણ પ્રણાલી, શૈક્ષણિક સંસ્થાઓની કેટલી મોટી ભૂમિકા છે. આ જ કારણ છે કે, આઝાદીના આ અમૃતકાળમાં, દેશ, શિક્ષણનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે પછી શિક્ષણનીતિ હોય, આપણે ઝડપી ગતિએ અધિક વિસ્તારથી દરેક સ્તરે કામમાં જોડયેલા રહીએ છીએ. આજે, દેશમાં મોટી શૈક્ષણિક સંસ્થાઓ - આઈઆઈટી, ટ્રિપલ આઈટી, આઈઆઈએમ, એઈમ્સ જેવી સંસ્થાઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. વર્ષ 2014થી અત્યાર સુધીમાં મેડિકલ કૉલેજોની સંખ્યામાં 65 ટકાથી વધુનો વધારો થયો છે. નવી 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ' દ્વારા દેશ પ્રથમ વખત એવી શિક્ષણ પ્રણાલી તૈયાર કરી રહ્યો છે જે દીર્ઘદ્રષ્ટિ ધરાવતી ફોરવર્ડ લુકિંગ છે, ફ્યુચરિસ્ટિક- ભવિષ્યવાદી છે. જ્યારે નવી પેઢી બાળપણથી જ વધુ સારી શિક્ષણ પ્રણાલીમાં ઉછરશે અને મોટી થશે, ત્યારે દેશ માટે આદર્શ નાગરિકોનું સર્જન પણ આપોઆપ થવાં લાગશે. આ જ આદર્શ નાગરિક, આદર્શ યુવા 2047માં જ્યારે દેશ આઝાદીનાં 100 વર્ષ મનાવી રહ્યો હશે, ત્યારે વિકસિત ભારતનાં સપનાને સાકાર કરવા તરફ લઈ જશે. અને એમાં ચોક્કસપણે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જેવી શૈક્ષણિક સંસ્થાઓના પ્રયાસો ખૂબ જ મહત્વના બની રહેશે.

સાથીઓ,

અમૃત કાલની આગામી 25 વર્ષની યાત્રામાં આપ સંતોનાં આશીર્વાદ અને આપ સૌનો સાથ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે ભારત, ભારતના સંકલ્પો પણ નવા છે, તે સંકલ્પોને સિદ્ધ કરવાના પ્રયાસો પણ નવા છે. આજે દેશ ડિજિટલ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ, દરેક જિલ્લામાં 75 અમૃત સરોવરોનું નિર્માણ, એક ભારત, શ્રેષ્ઠ ભારતનાં વિઝન સાથે આગળ વધી રહ્યો છે. સામાજિક પરિવર્તન અને સમાજ સુધારણાનાં આ કાર્યોમાં પણ સબકા પ્રયાસ કરોડો લોકોનાં જીવનને અસર કરશે. મને ખાતરી છે કે સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા પ્રતિષ્ઠાનમ્‌ જેવી સંસ્થાઓ પણ આ જ રીતે આ સંકલ્પ યાત્રાને આ જ રીતે ઊર્જાવાન બનાવતી રહેશે. અને આજે જ્યારે હું આપ સૌ સંતોની વચ્ચે આવ્યો છું તો 75 વર્ષની એક બહુ મોટી યાત્રા, જેને તમે સફળતાપૂર્વક આગળ વધારી છે. હવે દેશના યુવાનોના લાભમાં પણ તેનો વિસ્તાર થવો જોઈએ. શું આજે હું સ્વામિનારાયણ ગુરુકુળોને એક પ્રાર્થના કરી શકું? આપણો જે પૂર્વોત્તર વિસ્તાર છે, તમે નક્કી કરો કે દર વર્ષે ઓછામાં ઓછા 100 યુવાનો 15 દિવસ માટે પૂર્વોત્તરમાં જશે, નાગાલેન્ડ છે, મિઝોરમ છે, અરુણાચલ પ્રદેશ છે, ત્રિપુરા છે, સિક્કિમ છે. ત્યાં 15 દિવસ જવું, ત્યાંના યુવાનોને મળવું, તેમની સાથે પરિચય વધારવો, ત્યાંની વાતો જાણીને, તેના પર આવીને લખવું, દર વર્ષે ઓછામાં ઓછા 150 યુવાનો ત્યાં 15 દિવસ માટે જાય. તમે જોશો કે 75 વર્ષ પહેલા આપણા સંતોએ કેટલી મુશ્કેલીઓમાં આ યાત્રા શરૂ કરી હશે, તમને ત્યાં જઈને થશે કે આપણા પૂર્વોત્તરમાં કેટલા બધા આશાસ્પદ યુવાનો છે. જો તેમની સાથે આપણા સંબંધો જોડાઈ જાય છે, તો દેશ માટે એક નવી તાકાત જોડાઇ જશે તમે કોશીશ કરો.

એ જ રીતે શું આપણા સંત સમુદાયમાં મને યાદ છે કે જ્યારે અમે બેટી બચાવો અભિયાન કરી રહ્યા હતા ત્યારે નાની બાળાઓ સ્ટેજ પર આવીને 7 મિનિટ, 8 મિનિટ, 10 મિનિટ સુધી ખૂબ જ હૃદયદ્રાવક અને મોટાં અભિનય સાથે ભાષણ આપતી હતી. તમામ પ્રેક્ષકોને રડાવી દેતી હતી. અને તે કહેતી હતી માતાના ગર્ભમાંથી બોલતી હતી કે મા મને ન મારીશ. ભૃણ હત્યા સામેનાં આંદોલનનું બહુ મોટું નેતૃત્વ આપણી દીકરીઓએ ગુજરાતમાં કર્યું હતું. શું આપણા ગુરુકુળના વિદ્યાર્થીઓએ ધરતી માતાના રૂપમાં લોકોને સંબોધિત કરે કે હું તમારી માતા છું? હું તમારા માટે અન્ન, ફળ, ફૂલ બધું પેદા કરું છું. મને આ ખાતર, આ રસાયણ, આ દવાઓથી મારશો નહીં, મને તેનાથી મુક્તિ આપો. અને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરવા માટે, મારા ગુરુકુળના વિદ્યાર્થીઓ ખેડૂતોની વચ્ચે આ રીતે શેરી નાટકો કરે, શહેરી નાટકો કરે. એક બહુ મોટું અભિયાન આપણાં ગુરુકુળ ચલાવી શકે છે. અને મને ખુશી છે કે, આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનાં નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતીનું એક મોટું અભિયાન ચલાવવામાં આવ્યું છે. જેમ તમે માનવીઓને વ્યસનમુક્ત કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છો, તેવી જ રીતે ધરતી માતાને આ પ્રકારના ઝેરમાંથી મુક્તિની પ્રતિજ્ઞા લેવા માટે ખેડૂતોને પ્રેરિત કરવાનું કામ કરી શકો છો. કારણ કે ગુરુકુળમાં જે લોકો આવે છે એ મૂળ ગામથી, ખેડૂત પરિવારમાંથી આવે છે. તેમના માધ્યમથી વાત બહુ સરળતાથી પહોંચી શકે છે. તો, આઝાદીના આ અમૃત કાળમાં આપણાં ગુરુકુળો, આપણા સંસ્કારી શિક્ષિત યુવાનો ઉજ્જવળ ભવિષ્ય માટે, પર્યાવરણની રક્ષા માટે, એક ભારત, શ્રેષ્ઠ ભારતનાં સ્વપ્નને સાકાર કરવા માટે અનેક નવા વિચારો, આદર્શો, સંકલ્પો સાથે આગળ વધી શકે છે. અને મને વિશ્વાસ છે કે સ્વામિનારાયણ પરંપરાની મારા માટે સૌભાગ્યની વાત રહી છે કે સ્વામિનારાયણ પરંપરામાં જ્યારે પણ હું આપને મળ્યો છું, ત્યારે મેં જે માગ્યું છે તે તમે પૂર્ણ કર્યું છે. આજે, જ્યારે હું આ વસ્તુઓ માગી રહ્યો છું, ત્યારે મને વિશ્વાસ છે કે તમે તેને પણ પૂર્ણ કરશો. અને ગુજરાતનું નામ તો રોશન થશે જ થશે, આવનારી પેઢીનું જીવન સરળ બનશે. ફરી એક વાર આપ સૌનો ખૂબ-ખૂબ આભાર.

જય સ્વામિનારાયણ.

YP/GP/JD


(Release ID: 1886362) Visitor Counter : 250