પ્રધાનમંત્રીનું કાર્યાલય

ત્રિપુરાના અગરતલા ખાતે વિવિધ વિકાસકીય પ્રોજેક્ટના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 18 DEC 2022 7:36PM by PIB Ahmedabad

ભારત માતા કી જય
ભારત માતા કી જય

કાર્યક્રમમાં ઉપસ્થિત ત્રિપુરાના રાજ્યપાલ શ્રી સત્યદેવ નારાયણ આર્ય જી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી માણિક સાહા જી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી પ્રતિમા ભૌમિક જી, ત્રિપુરા વિધાનસભાના અધ્યક્ષ શ્રી રતન ચક્રવર્તી જી, નાયબ મુખ્યમંત્રી શ્રી જિષ્ણુ દેવ વર્મા જી, મારા પ્રિય મિત્ર સાંસદ શ્રી બિપ્લવ દેવ જી, ત્રિપુરા સરકારના તમામ સન્માનિત મંત્રીગણ તથા મારા પ્યારા ત્રિપુરાવાસીઓ.

નામોસ્કાર.
ખુલુમખા.
માતા ત્રિપુરાસુન્દરીર પૂન્યો ભૂમિતે
એશે આમિ નિજેકે ધોનયો મોન કોરછી
માતા ત્રિપુરા સુંદરીર એડ પૂન્યો ભૂમિકે અમાર પ્રોનામ જાનાઇ

સૌપ્રથમ તો હું આપ સૌને મસ્તક નમાવીને માફી માગું છું કેમ કે મને લગભગ આવવામાં બે કલાકનો વિલંબ થયો છે. હું મેઘાલયમાં હતો, ત્યાં સમય થોડો વધારે લાગ્યો અને મને જાણ કરવામાં આવી કે કેટલાક લોકો તો 11 થી 12 વાગ્યાના આવીને બેસી ગયા છે. આપ સૌએ આ જે કષ્ટ ઉઠાવ્યું છે અને આટલા બધા આશીર્વાદ આપવા માટે રોકાયા છો તેના માટે હું આપનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. હું સૌ પ્રથમ તો ત્રિપુરાના લોકોનું અભિવાદન કરું છું કે આપ સૌના પ્રયાસથી અહીં સ્વચ્છતા સાથે સંકળાયેલું એક મોટું અભિયાન આપે ચલાવ્યું છે. વીતેલા પાંચ વર્ષમાં આપે સ્વચ્છતાને જન આંદોલન બનાવી દીધું છે. તેનું જ પરિણામ છે કે આ વખતે ત્રિપુરા નાના રાજ્યોમાં દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનીને સામે આંવ્યું છે,

સાથીઓ,
માતા ત્રિપુરા સુંદરીના આશીર્વાદથી ત્રિપુરાની વિકાસ યાત્રાને આજે નવી મજબૂતી મળી રહી છે. કનેક્ટિવિટી, સ્કીલ ડેવલપમેન્ટઅને ગરીબોના ઘર સાથે સંકળાયેલી તમામ યોજનાઓ માટે આપ તમામને ખૂબ ખૂબ અભિનંદન. આજે ત્રિપુરાને પોતાની પ્રથમ ડેન્ટલ કોલેજ મળી છે. તેનાથી ત્રિપુરાના યુવાનનોને અહીંથી જ ડૉક્ટર બનવાની તક મળશે. આજે ત્રિપુરાના બે લાખથી વધારે ગરીબ પરિવાર પોતાના ઘરમાં જ નવા પાક્કા મકાનમાં ગૃહ પ્રવેશ કરી રહ્યા છે. તેમાંથી મોટા ભાગના ઘરોમાં માલિકણ આપણી માતાઓ અને બહેનો છે. અને આપ સૌને ખબર છે કે આ એક એક ઘર લાખો રૂપિયામાં બન્યા છે. એવી ઘણી બધી બહેનો છે જેમના નામે પહેલી વાર કોઈ સંપત્તિ નોંધાઈ છે. લાખો રૂપિયાના મકાનની માલિકણ, હું એ તમામ બહેનોને આજે ત્રિપુરાની ધરતીથી, અગરતલાની ધરતીથી, મારા ત્રિપુરાના માતાઓ અને બહેનોને લખપતિ બનવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
ગરીબોના ઘર બનાવવામાં ત્રિપુરા દેશના અગ્રણી રાજ્યો પૈકીનું એક છે, માણિક જી તથા તેમની ટીમ અત્યંત પ્રશંસનીય કામ કરી રહી છે. અને આપણે તો જાણીએ છીએ કે આપણે ત્યાં તો રાત્રે કોઈ આશરો પણ આપી દે છે તો પણ જીવનભરના આશીર્વાદ મળે છે. અહીં તો પ્રત્યેકને માતા પર પાક્કી છત મળી છે. આથી જ ત્રિપુરાના ભરપુર આશીર્વાદ આપણને સૌને મળી રહ્યા છે. અને હું એરપોર્ટથી અહીં આવ્યો, થોડી વાર એટલા માટે પણ થઈ કેમ કે આખા માર્ગ પર, તમે જાણો જ છો કે એરપોર્ટ કેટલું દૂર છે. આખા માર્ગ પર જે રીતે બંને તરફ જન સમૂદ્ર ઉમટી પડ્યો હતો, લોકો મોટી સંખ્યામાં આવીને આશીર્વાદ આપી રહ્યા હતા. જેટલા લોકો અહીં છે કદાચ તેના કરતાં દસ ગણાથી વધારે લોકો માર્ગ પર આશીર્વાદ આપવા માટે આવ્યા હતાહું તેમને પણ પ્રણામ કરું છું. જેમ મેં અગાઉ પણ કહ્યું હું આ અગાઉ મેઘાલયમાં નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલની ગોલ્ડન જ્યુબિલી, તેની બેઠકમાં હતો. આ બેઠકમાં અમે આવનારા વર્ષોમાં ત્રિપુરા સહિત, નોર્થ ઇસ્ટના વિકાસ સાથે સંકળાયેલા વિવિધ રોડમેપ પર ચર્ચા કરી હતી. મેં ત્યાં અષ્ટલક્ષ્મી એટલે કે નોર્થ ઇસ્ટના આઠ રાજ્યોના વિકાસ માટે અષ્ટ આધાર, આઠ મુદ્દાઓ પર ચર્ચા કરી. ત્રિપુરામાં તો ડબલ એન્જિન સરકાર છે. એવામાં વિકાસનો આ રોડમેપ ઝડપથી મેદાનમાં ઉતરી રહ્યો છે. તેમાં વધારે વેગથી ઝડપ પકડાય તેવો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.

સાથીઓ,
ડબલ એન્જિન સકકાર બનતા અગાઉ સુધી માત્ર બે વાર ત્રિપુરાની, નોર્થ ઇસ્ટની ચર્ચા થતી હતી. એક તો જ્યારે ચૂંટણી યોજાતી હતી ત્યારે ચર્ચા થતી હતી અને બીજી જ્યારે અહીં હિંસાની ઘટના બનતી હતી ત્યારે ચર્ચા થતી હતી. હવે સમય બદલાઈ ગયો છે. આજે ત્રિપુરાની ચર્ચા સ્વચ્છતા માટે થઈ રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે થઈ રહી છે. ગરીબોને લાખો રૂપિયાના ઘર મળી રહ્યા છે. તેની ચર્ચા થઈ રહી છે. ત્રિપુરાના કનેક્ટિવિટી સાથે જોડાયેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કેન્દ્ર સરકાર હજારો કરોડ રૂપિયા આપી રહી છે અને અહીની સરકાર તેને ઝડપથી જમીન પર લાવીને સાકાર કરી રહી છે. આજે જૂઓ, ત્રિપુરામાં નેશનલ  હાઇવો કેટલો વ્યાપ વધી ગયો છે. છેલ્લા પાંચ વર્ષમાં કેટલા નવા ગામડાઓ માર્ગો સાથે સંકળાઈ ગયા છે. આજે ત્રિપુરાની પ્રત્યેક ગામડાને માર્ગો સાથે જોડવાનું કામ ઝડપથી થઈ રહ્યું છે. આજે પણ જે માર્ગોના શિલાન્યાસ થયા છે તેનાથી ત્રિપુરાનું માર્ગ નેટવર્ક વધારે મજબૂત થનારું છે. અગરતલા બાયપાસથી રાજધાનીમાં ટ્રાફિકની વ્યવસ્થા વધારે બહેતર બનશે, જીવન સરળ બની જશે.

સાથીઓ,
હવે તો ત્રિપુરા મારફતે નોર્થ ઇસ્ટ ઇન્ટરનેશનલ ટ્રેડનો પણ એક ગેટ-વે બની રહ્યો છે. અગરતલાથી અખરા રેલવે લાઇની વેપારનો નવો માર્ગ ખૂલી જશે. આ જ રીતે ભારતથાઇલેન્ડ-મ્યાનમાર હાઇવે જેવા રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારફતે નોર્થ ઇસ્ટ અન્ય દેશોની સાથે સંબંઘોનું દ્વાર પણ બની રહ્યું છે. અગરતલામાં મહારાજા વીર વિક્રમ એરપોર્ટ પર પણ ઇન્ટરનેશનલ ટર્મિનલ બનવાથી દેશ વિદેશ માટે કનેક્ટિવિટી આસાન બની છે, તેનાથી નોર્થ ઇસ્ટ માટે ત્રિપુરા મહત્વપૂર્ણ લોજિસ્ટિક હબના સ્વરૂપમાં વિકસીત થઈ રહ્યું છે. ત્રિપુરામાં ઇન્ટર નેટ પહોંચાડવા માટે જે પરિશ્રમ અમે કર્યો છે. તેનો લાભ આજે લોકોને મળી રહ્યો છે. ખાસ કરીને મારા નવ યુવાનોને મળી રહ્યો છે. ડબલ એન્જિન સરકાર બન્યા બાદ ત્રિપુરાની અનેક પંચાયતો સુધી ઓપ્ટિકલ ફાઈબર પહોંચ્યું છે.

સાથીઓ,
ભાજપની ડબલ એન્જિન સરકાર માત્ર ફિઝિકલ અને ડીજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જ નહીં પરંતુ સૌશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ ભાર આપી રહી છે. આજે ભાજપ સરકારની ઘણી મોટી પ્રાથમિકતા એ છે કે ઇલાજ ઘરની નજીકમાં હોય, સસ્તો હોય અને સૌની પહોંચમાં હોય. તેમાં આયુષમાન ભારત યોજના ઘણું કામ આવી  રહી છેઆયુષમાન ભારત યોજના અંતર્ગત નોર્થ ઇસ્ટના ગામડાઓમાં સાત હજારથી વધારે હેલ્થ એન્ડ વેલ્થ સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી એક હજાર સેન્ટર અહીં ત્રિપુરામાં બનાવવામાં આવી રહ્યા છે. આ કેન્દ્રોમાં હજારો દર્દીઓને કેન્સર, ડાયાબિટીશ જેવી અનેક બીમારીઓ માટે સ્ક્રિનિંગ થઈ ચૂકી છે. આ જ રીતે આયુષમાન ભારત પીએમ જય યોજના હેઠળ ત્રિપુરાના હજારો ગરીબોને પાંચ લાખ રૂપિયા સુધી વિનામૂલ્યે સારવારની સવલત મળી રહી છે.

સાથીઓ,
ટોયલેટ હોય, વિજળી હોય, ગેસ કનેક્શન હોય આ તમામ પર પહેલી વાર આટલું વ્યાપક કામ થયું છે. હવે તો ગેસ ગ્રીડ પણ બની છે. ત્રિપુરાના ઘરોમાં પાઇપથી સસ્તો ગેસ આવ્યો, તેના માટે ડબલ એન્જિન સરકાર બમણી ઝડપથી કામ કરી રહી છે. માત્ર ત્રણ વર્ષમાં જ ત્રિપુરાના ચાર લાખ નવા પરિવારને પાઇપ દ્વારા પાણીની સુવિધાથી જોડવામાં આવ્યા છે. 2017 અગાઉ ત્રિપુરામાં ગરીબોના હકના રાશનની પણ લૂંટ થતી હતી. આજે ડબલ એન્જિન સરકાર પ્રત્યેક ગરીબ સુધી તેમના હિસ્સાનું રાશન પહોંચાડી રહી છે અને છેલ્લા ત્રણ વર્ષમાં વિના મૂલ્યે રાશન પણ ઉપલબ્ધ કરાવી રહી છે.

સાથીઓ,
આવી તમામ યોજનાઓની સૌથી મોટી લાભાર્થી આપણી માતાઓ અને બહેનો છે. ત્રિપુરાની એક લાખથી વધારે ગર્ભવતી માતાઓને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનો પણ લાભ મળી રહ્યો છે. તેના અંતર્ગત માતાઓના બેંક ખાતામાં પોષક આહાર માટે હજારો રૂપિયા સીધા જ જમા થઈ રહ્યા છે. આજે વધુમાં વધુ ડિલિવરી હોસ્પિટલોમાં થઈ રહી છે જેને કારણે માતાઓ તથા બાળકો બંનેના જીવન બચી રહ્યા છે. ત્રિપુરામાં બહેનો અને દિકરીઓને આત્મ નિર્ભર બનાવવા માટે જે રીતે અહીં સરકાર પગલાં ભરી રહી છે તે પણ અત્યંત પ્રશંસનીય છે. મને કહેવામાં આવ્યું છે કે મહિલાઓના રોજગાર માટે સરકારે કરોડો રૂપિયાના વિશેષ પેકેજ આપ્યા છે. ડબલ એન્જિન સરકારના આવવાથી ત્રિપુરામાં મહિલા સેલ્ફ હેલ્પ ગ્રૂપની સંખ્યામાં નવ ગણો વધારો થયો છે.

ભાઈઓ અને બહેનો,
દાયકાઓ સુધી ત્રિપુરામાં એવા પક્ષોએ શાસન કર્યું છે જેમની વિચારસરણી મહત્વ ગુમાવી ચૂકી છે અને તેઓ તકવાદી રાજકારણ ખેલતા હતા. તેમણે ત્રિપુરાને વિકાસથી વંચિત રાખ્યું. ત્રિપુરા પાસે જે સંસાધનો હતા તેનો તેમણે પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કર્યો. તેનાથી સૌથી વધારે નુકસાન ગરીબોને થયું. યુવાનોને થયું, ખેડૂતોને થયું, મારી માતાઓ અને બહેનોને થયું. આ પ્રકારની વિચારધારાથી, આ પ્રકારની માનસિકતાથી જનતાનું ભલું થઈ શકે નહીં. તેઓ માત્ર નકારાત્મકતા ફેલાવવાનું જ જાણે છે. તેમની પાસે કોઈ હકારાત્મક એજન્ડા નથીએ ડબલ એન્જિન સરકાર જ છે જેની પાસે સંકલ્પ પણ છે અને સિદ્ધિ માટે સકારાત્મક માર્ગ પણ છે. જ્યારે નિરાશા ફેલાવવા માટે લોકો રિવર્સ ગિયરમાં ચાલે છે જ્યારે ત્રિપુરામાં એક્સીલેટરની જરૂર છે.

સાથીઓ,
સત્તાભાવની આ રાજનીતિએ આપણા જનજાતિય સમાજનું ઘણું મોટું નુકસાન કર્યું છે. આદિવાસી સમાજને, જનજાતિય ક્ષેત્રોને વિકાસથી દૂર રાખવામાં આવ્યા. ભાજપે આ રાજનીતિને બદલી છે. એ જ કારણ છે કે આજે ભાજપ આદિવાસી સમાજની પ્રથમ પસંદગી છે. તાજેતરમાં જ ગુજરાતમાં ચૂંટણી યોજાઈ હતી.ગુજરાતમાં ભાજપને 22 વર્ષ બાદ પણ જે પ્રચંડ બહુમતિ સાંપડી છે તેમાં જનજાતિય સમાજનું ઘણું મોટુ યોગદાન છે. આદિવાસીઓ માટે સુરક્ષિત 27 બેઠકમાંથી 24 બેઠકમાં ભાજપ જીત્યું છે.

સાથીઓ,
અટલજીની સરકારે સૌ પ્રથમ આદિવાસીઓ માટે અલગ મંત્રાલય, અલગ બજેટની વ્યવસ્થા કરી હતી. જ્યારથી આપે અમને દિલ્હીમાં  તક આપી છે ત્યારથી જનજાતિય સમૂદાય સાથે સંકળાયેલા પ્રત્યેક મુદ્દાઓને અમે પ્રાથમિકતા આપી છે. જમજાતિય સમૂદાય માટે જે બજેટ 21 હજાર કરોડ રૂપિયા હતું તે આજે 88 હજાર કરોડ રૂપિયા છે. આ જ રીતે આદિવાસી વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓની શિષ્યવૃત્તિને બમણી કરતાં પણ વધારે કરી દેવાઈ છે. તેનો લાભ ત્રિપુરાને જનજાતિય સમાજને પણ મળી રહ્યો છે. 2014 અગાઉ જ્યાં આદિવાસી ક્ષેત્રોમાં 100 કરતાં પણ ઓછી એકલવ્ય સ્કૂલ હતીજેની સરખામણીએ આજે આ સંખ્યા 500 કરતાં વધી ગઈ છે. ત્રિપુરા માટે પણ આ પ્રકારની 20 કરતાં વધારે શાળાઓને મંજૂરી આપી દેવામાં આવી છે. અગાઉ સરકાર માત્ર આઠથી દસ વન ઉત્પાદનો પર જ એમએસપી આપતી હતી. આજે ભાજપ સરકાર  90 કરતાં વધુ વન ઉપજ પર એમએસપી આપી રહી છે. આજે આદિવાસી ક્ષેત્રોમાં 50 હજારથી વધારે વન ધન કેન્દ્રો છે જેમાં લગભગ નવ લાખ આદિવાસીઓને રોજગારી મળી રહી છે. તેમાંથી મોટા ભાગની તો અમારી બહેનો છે. આ ભાજપની જ સરકાર છે જેણે વાંસના ઉપયોગને, તેના વેપારને જનજાતિય સમાજ માટે સુલભ બનાવ્યો.

સાથીઓ,
આ ભાજપ સરકાર જ છે જેણે પહેલી વાર જન જાતિય ગરવ દિવસનું મહત્વને સમજ્યું છે. 15મી નવેમ્બરે ભગવાન બિરસા મુન્ડાના જન્મ દિવસને જન જાતિય ગરવ દિવસ તરીકે દેશભરમાં ઉજવણી કરવાનો પ્રારંભ ભાજપ સરકારે કર્યો છે. દેશની સ્વતંત્રતામાં જન જાતિય સમૂદાયના યોગદાનને પણ આજે દેશ-દુનિયા સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. આજે દેશભરમાં દસ જેટલા આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યા છે. અહીં ત્રિપુરામાં તાજેતરમાં જ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ જીએ મહારાજા બિરેન્દ્ર માણિક્ય સંગ્રહાલય તથા સાંસ્કૃતિક કેન્દ્રનો શિલાન્યાસ કર્યો છે. ત્રિપુરા સરકાર પણ જન જાતિય યોગદાન અને સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર માટે સતત પ્રયાસ  કરી રહી છે. ત્રિપુરાની જન જાતિય કલા સંસ્કૃતિને આગળ ધપાવનારી વિભૂતિઓને પદ્મ સન્માનથી નવાજવાનું સૌભાગ્ય પણ ભાજપ સરકારને જ મળ્યું છે. આવા જ અનેક પ્રયાસોનું પરિણામ છે કે ત્રિપુરા સહિત સમગ્ર દેશમાં જન જાતિય સમૂદાયનો ભરોસો ભાજપ પર  સૌથી વધુ છે.

ભાઈઓ અને બહેનો,
ડબલ એન્જિન સરકારનો પ્રયાસ છે કે ત્રિપુરાના નાનામાં નાના ખેડૂતો, નાના મજૂરો, તે તમામને સૌથી શ્રેષ્ઠ તક સાંપડે. અહીંનું લોકલ (સ્થાનિક) કેવી રીતે ગ્લોભલ (વૈશ્વિક) બને તેના માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આજે ત્રિપુરાનું પાઇન-એપલ વિદેશો સુધી પહોંચી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ સેંકડો મેટ્રિક ટન જેટલા અન્ય ફળ અને શાકભાજી પણ આજે બાંગ્લાદેશ, જર્મની, દુબઈ માટે અહીથી નિકાસ થાય છે. તેનાથી ખેડૂતોને તેમની પેદાશના વધુને વઘુ ભાવ મળી રહ્યા છે. ત્રિપુરાના લાખો ખેડૂતોને પીએમ સન્માન નિધિ દ્વારા પણ અત્યાર સુધીમાં 500 કરોડ રૂપિયાથી વધુ મળી ચૂક્યા છે. આજે જે રીતે ત્રિપુરામાં ભાજપ સરકાર અગર વુડ ઇન્ડસ્ટ્રી પર ભાર મૂકી રહી છે તેના સાર્થક પરિણામો આવનારા થોડા જ વર્ષમાં મળી જશે. તેનાથી ત્રિપુરાના યુવાનોને નવી તક સાંપડશે, કમાણીના નવા માધ્યમ મળશે.

સાથીઓ,
સૌથી મોટી વાત એ છે કે ત્રિપુરા હવે શાંતિ અને વિકાસના માર્ગે ચાલી નીકળ્યું છે. હવે ત્રિપુરામાં વિકાસનું ડબલ એન્જિન પરિણામ આપી રહ્યું છે. મને ત્રિપુરાની પ્રજાના સામર્થ્ય પર સંપૂર્ણ ભરોસો છે. વિકાસની ઝડપને આપણે આથી પણ વેગીલી બનાવીશું એ જ વિશ્વાસ સાથે આજે ત્રિપુરાના ઉજ્જવળ ભવિષ્ય માટે જે યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે તેના માટે હું ફરી એક વાર ત્રિપુરા વાસીઓને શુભકામના આપું છું, અભિનંદન પાઠવું છું અને આવનારા સમયગાળામાં ત્રિપુરા નવી ઉંચાઈ પ્રાપ્ત કરે તેવી અપેક્ષા સાથે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ.

ભારત માતા કી જય
ભારત માતા કી જય

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1884668) Visitor Counter : 205