પ્રધાનમંત્રીનું કાર્યાલય
અરૂણાચલ પ્રદેશમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ ‘ડોની પોલો’ તથા અન્ય વિકાસકીય પ્રોજેક્ટના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
19 NOV 2022 2:47PM by PIB Ahmedabad
જય હિન્દ
જય હિન્દ
ભારત માતા કી જય
ભારત માતા કી જય
અરૂણાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી વી ડી મિશ્રાજી, અહીંના લોકપ્રિય યુવાન મુખ્યમંત્રી શ્રી પેમા ખાંડુ જી, કેબિનેટના મારા સાથી કિરણ રિજીજુ જી, ઉપમુખ્યમત્રી શ્રીમાન ચૌના મીન જી, સન્માનનીય સાંસદગણ, વિધાયકગણ, મેયર, અન્ય તમામ મહાનુભાવો તથા અરૂણાચલ પ્રદેશના મારા પ્યારા ભાઈઓ અને બહેનો.
મારે ઘણી વાર અરૂણાચલ પ્રદેશ આવવાનું થયું છે. જ્યારે પણ આવું છું ત્યારે એક નવી ઉર્જા, નવો ઉત્સાહ લઇને જાઉં છું. પરંતુ મારે કહેવું પડશે કે હું આટલી વાર અરૂણાચલ આવ્યો કદાચ ગણતરી કરીશ તો પણ ગણતરીમાં ભૂલ પડી જશે એટલી બધી વાર હું અહીં આવ્યો છું. પરંતુ આવડો મોટો કાર્યક્રમ પહેલી વાર જોયો અને તે પણ સવારે 9.30 કલાકે. અરૂણાચલમાં પહાડીમાંથી લોકોનું આવવું, તેનો અર્થ એ થયો કે વિકાસના કાર્યોનું આપ સૌના જીવનમાં કેટલું મહત્વ છે તે દર્શાવે છે અને તેથી જ આપ આવડી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા આવ્યા છો.
ભાઈઓ અને બહેનો
અરૂણાચલ પ્રદેશના લોકોનો, અરૂણાચલની આત્મિયતા જ્યારેપણ અરૂણાચલના લોકોને જૂઓ તેઓ હસતા જ રહેતા હોય છે, ચહેરો હસતો જ રહે છે. ક્યારેય ઉદાસીનતા, નિરાશા અરૂણાચલના લોકોના ચહેરા પર દેખાતી નથી. અને શિસ્ત, મને લાગે છે કે સરહદ પર શિસ્ત શું હોય છે તે મારા અરૂણાચલના પ્રત્યેક ઘરમાં, દરેક પરિવારમાં, દરેક વ્યક્તિના જીવનમાં નજરે પડે છે.
આપણા મુખ્યમંત્રી પેમા જીના નેતૃત્વમાં આ ડબલ એન્જિન સરકારની મહેનત, વિકાસ માટે પ્રતિબદ્ધતા, તે આજે અરૂણાચલને નવી ઉંચાઈએ પહોંચાડી રહી છે. હું પેમા જી તથા તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
આપને યાદ હશે, અને હમણાં જ પેમા જીએ પણ ઉલ્લેખ કર્યો કે ફેબ્રુઆરી 2019માં આ એરપોર્ટનો શિલાન્યાસ થયો હતો અને તે સૌભાગ્ય મને સાંપડ્યું હતું. અને આપ તો જાણો છો અને એક એવી કાર્ય પ્રણાલિ લાવ્યા છીએ જેનો શિલાન્યાસ અમે કરીએ છીએ તેનું ઉદઘાટન પણ અમે જ કરીએ છીએ. અટકાવવું, લટકાવવું, ભટકાવી દેવું તે સમય જતો રહ્યો. પરંતુ હું અન્ય એક વાત કરવા માગું છું, 2019ના ફેબ્રુઆરીમાં મેં શિલાન્યાસ કર્યો હતો. હવે 2019ના મે મહિનામાં ચૂંટણી આવનારી હતી. આ જેટલા રાજકીય કોમેન્ટેટર્સ હોય છે જેમની આંખ પર જૂના જમાનાના ચશ્મા લટકેલા હોય છે તે લોકોએ રાડારાડ શરૂ કરી દીધી, લખવાનું શરૂ કરી દીધું, બોલવાનું શરૂ કરી દીધું, એરપોર્ટ બેરપોર્ટ કાંઈ બનવાનું નથી, આ તો ચૂંટણી છે ને એટલે મોદી અહીં પથ્થર રાખવા આવી ગયા છે. અને અહીં થઈ રહ્યું નથી દરેક ચીજમાં, પ્રત્યેક ચીજમાં તેમને ચૂંટણી જ નજરે પડે છે. દરેક ચીજની અંદર કોઈ પણ સારા કામને ચૂંટણીનો રંગ આપવો એક ફેશન બની ગઈ છે.
એ તમામ લોકોને આજે આ એરપોર્ટના ઉદઘાટનથી આકરો જવાબ છે, તેમના મોંઢા પર તમાચો વાગ્યો છે. અને આ પોલિટિકલ કોમેન્ટેટર્સને મારો આગ્રહ છે. કરબદ્દ પ્રાર્થના છે કે ભાઈ હવે જૂના ચશ્મા કાઢી નાખો, આ દેશ હવે નવા ઉમંગ અને ઉત્સાહ સાથે આગળ ચાલી નીકળ્યો છે, રાજનીતિના ત્રાજવેથી તોલવાનું બંધ કરો. જે ટીકાકારો તેને ચૂંટણીના જાહેરાત કહેતા હતા, આજે ત્રણ વર્ષની અંદર જ તો એક આધુનિક ભવ્ય સ્વરૂપથી આકાર લઈ રહેલા આપણા એરપોર્ટને જોઈ રહ્યા છે. અને આ મારું સૌભાગ્ય છે કે મને આપની હાજરીમાં લાખો લોકોની સાક્ષીમાં સમગ્ર અરૂણાચલ આજે ઓનલાઇન જોડાયેલું છે, આખું અરૂણાચલ જોડાયેલું છે. તે પણ એક મોટા ગર્વની વાત છે.
આજે ના તો અહીં કોઈ ચૂંટણી છે, ના તો કોઈ ચૂંટણી આવનારી છે. તેમ છતાં આ થઈ રહ્યું છે કેમ કે આજે મારા દેશમાં જે સરકાર છે તેની પ્રાથમિકતા દેશનો વિકાસ છે, દેશના લોકોનો વિકાસ છે. વર્ષમાં 365 દિવ, 24 કલાક, અમે દેશના વિકાસ માટે કામ કરીએ છીએ. અને આપ જૂઓ, અત્યારે હું જ્યાં સૂરજ ઉગે છે તે અરૂણાચલ પ્રદેશમાં છું અને સાંજે જ્યાં સૂરજ ડૂબે છે તે દમણમાં જઈને લેન્ડ કરીશ અને વચ્ચે કાશી જઇશ. આ મહેનત એક જ સપનાને લઈને ચાલી રહી છે, જીવ રેડીને કામ કરીએ છીએ કે મારો દેશ આગળ વધે. અમે ના તો ચૂંટણીના ફાયદા નુકસાનને ધ્યાનમાં રાખીને કામ કરીએ છીએ કે ના તો ચૂંટણીમાં લાભ પ્રપ્ત કરવા જેવા નાના નાના ઇરાદાઓથી કામ કરનારા લોકો છીએ. અમારુ તો સ્વપ્ન માત્ર અને માત્ર માતા ભારતી છે. હિન્દુસ્તાન છે, 130 કરોડ નાગરિકો છે.
આજે આ એરપોર્ટની સાથે જ 600 મેગાવોટના કામેંગ હાઇડ્રો પ્રોજેક્ટનું પણ લોકાર્પણ થયું છે. તે પણ પોતાનામાં એક મોટી સિદ્ધિ છે. વિકાસની ઉડાન અને વિકાસ માટેની ઉર્જાનું આ ગઠબંધન અરૂણાચલને એક નવી ગતિથી નવી ઉંચાઈ પર લઈ જશે. હું આ ઉપલબ્ધિ માટે અરૂણાચલના મારા પ્યારા ભાઈઓ અને બહેનોને, તમામ ઉત્તર પૂર્વના રાજ્યની ભાઈઓ-બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે, ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું.
આઝાદી બાદ નોર્ત ઇસ્ટ એકદમ અલગ જ પ્રકારના ગાળાનું સાક્ષી રહ્યુ છે. દાયકાઓ સુધી આ ક્ષેત્ર ઉપેક્ષાઓ અને ઉદાસીનતાનો શિકાર રહ્યું છે. ત્યારે દિલ્હીમાં બેસીને નીતિ ઘડનારા લોકોને માત્ર એટલાથી જ મતલબ હતો કે કોઈ પણ પ્રકારે ચૂંટણી જીતી લઈએ. આપ જાણો છો કે આ સ્થિતિ દાયકાઓ સુધી કાયમ રહી હતી. જ્યારે અટલ જીની સરકાર બની, ત્યાર બાદ પહેલી વાર તે પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તે પહેલી સરકાર હતી જેણે નોર્થ ઇસ્ટના વિકાસ માટે એક અલગ મંત્રાલયની રચના કરી.
પરંતુ ત્યાર બાદ આવેલી સરકાર તેને લયને આગળ ધપાવી શકી નહીં. ત્યાર બાદ પરિવર્તનનો નવો સમયગાળો 2014 બાદ શરૂ થયો જ્યારે આપે મને સેવા કરવાની તક આપી. અગાઉની સરકારો વિચારતી હતી કે અરૂણાચલ પ્રદેશ એટલું દૂર છે, નોર્થ એટલું દૂર છે, દૂર દૂર અંતરિયાળ સરહદ પર વસેલા લોકોને અંતિમ ગામ માનવામાં આવતું હતું. પરંતુ અમારી સરકારે તેને અંતિમ ગામ નહીં પરંતુ દેશનું પ્રથમ ગામ માનવાનું કામ કર્યું. પરિણામ એ છે કે નોર્થ ઇસ્ટનો વિકાસ દેશની પ્રાથમિકતા બની ગયો.
હવે કલ્ચર હોય કે એગ્રિકલ્ચર, કોમર્સ હોય કે કનેક્ટિવિટી હોય, પૂર્વોત્તરને અંતિમ નહીં પરંતુ સર્વોચ્ચ પ્રાથમિકતા મળી રહી છે. વાત વેપારની હોય કે પ્રવાસનની હોય, ટેલિકોમની હોય કે ટેક્સટાઇલની હોય. , પૂર્વોત્તરને અંતિમ નહીં પરંતુ સર્વોચ્ચ પ્રાથમિકતા મળી રહી છે. ડ્રોન ટેકનોલોજીથી માંડીને કૃષિ ઉડાન સુધી, એરપોર્ટથી માંડીને પોર્ટ સુધી કનેક્ટિવિટી સુધી પૂર્વોત્તર હવે દેશની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
ભારતનો સૌથી લાંબો બ્રિજ હોય અથવા તો સૌથી લાંબો રેલરોડ બ્રિજ હોય, રેલવેલાઇન બિછાવવાની હોય કે વિક્રમી ઝડપથી હાઇવે બનાવવાનો હોય દેશ માટે પૂર્વોત્તર સૌથી પ્રથમ છે. તેનું જ પરિણામ છે કે આજે નોર્થ ઇસ્ટમાં અપેક્ષા તથા અવસરોનો નવો ગાળો શરૂ થઈ ચૂક્યો છે, નવો યુગ શરૂ થઈ ચૂક્યો છે.
આજનું આ આયોજન, નવા ભારતના આ વલણનું એક ખૂબ જ શાનદાર ઉદાહરણ છે. ડોની પોલો એરપોર્ટ, અરૂણાચલનુ ચોથું ઓપરેશન એરપોર્ટ છે. આઝાદી પછીથી સાત દાયકામાં સમગ્ર નોર્થ ઇસ્ટમાં માત્ર નવ એરપોર્ટ હતા. જ્યારે અમારી સરકારે માત્ર આઠ વર્ષમાં સાત નવા એરપોર્ટ બનાવી દીધા છે. અહીં કેટલાય એવા ક્ષેત્ર છે જે આઝાદીના 75 વર્ષ બાદ હવે કનેક્ટિવિટીથી જોડાયા છે. આ જ કારણે હવે નોર્થ ઇસ્ટ આવનારી-જનારી ફ્લાઇટની સંખ્યા પણ બમણી કરતા વધારે થઈ ગઈ છે.
સાથીઓ,
ઇટાનગરનું આ ડોની પોલો એરપોર્ટ, અરૂણાચલ પ્રદેશના અતિત તથા સંસ્કૃતિનું પણ સાક્ષી બની રહ્યું છે. અને મને કહેવામાં આવ્યું છે કે પેમા જી કહી રહ્યા હતા કે ડોની એટલે સૂર્ય અને ચંદ્રમાને પોલો કહે છે. પ્રકાશ એક જ છે પરંતુ સૂરજનો પ્રકાશ અને ચંદ્રમાના પ્રકાશ શીતળતા, બંનેનું પોતપોતાનું એક મહત્વ છે. પોતપોતાનું સામર્થ્ય છે. બરાબર એવી જ રીતે જ્યારે વિકાસની વાત કરીએ છીએ તો મોટા મોટા પ્રોજેક્ટ હોય, અથવા તો ગરીબ સુધી પહોંચનારી જન કલ્યાણ યોજના હોય બંને બાબતો વિકાસના જરૂરી પરિમાણો છે.
આજે જેટલી અગત્યતા એરપોર્ટ જેવા મોટા માળખાની છે એટલું જ મહત્વ ગરીબની સેવાને, તેમના સ્વપ્નોને આપવામાં આવી રહી છે. આ જો એરપોર્ટ બને છે તો તેનો લાભ સામાન્ય માનવીને કેવી રીતે મળે, તેના માટે ઉડાન યોજના પર પણ કામ થાય છે. ફ્લાઇટ સેવા શરૂ થયા બાદ, પ્રવાસીઓની સંખ્યા કેવી રીતે વધે, તેનો લાભ નાના વેપારીઓને, દુકાનદારોને, ટેક્સી ડ્રાઇવર્સને મળે, તેના માટે અમે કામ કરીએ છીએ.
સાથીઓ,
અરૂણાચલ પ્રદેશમાં આજે દુર્ગમથી દુર્ગમ ઉંચાઈ પર, સરહદી વિસ્તારોમાં માર્ગો તથા હાઇવે બની રહ્યા છે. કેન્દ્ર સરકાર સડકોના નિર્માણ માટે લગભગ લગભગ 50 હજાર કરોડ રૂપિયા વધારાના ખર્ચ કરવા જઈ રહી છે. હવે આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે તો મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ આવશે. અરૂણાચલ પ્રદેશના ખૂણે ખૂણામાં કુદરતે એટલી ખૂબસુરતી આપી છે. દરેક ગામમાં પ્રવાસનની અપાર સંભાવનાઓ છે. હોમ સ્ટે તથા સ્થાનિક ઉત્પાદન મારફતે દરેક પરિવારની આવક વધી શકે છે. તેથી જ આજે અરૂણાચલ પ્રદેશના 85 ટકાથી વધારે ગામડાઓ સુધી પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના બનાવી દેવામાં આવી છે.
સાથીઓ,
એરપોર્ટ તથા બહેતર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યા પછી અરૂણાચલ પ્રદેશમાં કાર્ગો સવલતોની પણ મોટી સંભાવનાઓ બની રહી છે. તેનાથી અહીંના ખેડૂતો પોતાની પેદાશ અરૂણાચલ પ્રદેશની બહારના બજારોમાં આસાનીથી વેચી શકશે, તેમને આજની સરખામણીએ ગણા વધારે પૈસા મળશે. અરૂણાચલના ખેડૂતોને પીએમ કિસાન સમ્માન નિધીનો પણ મોટો લાભ મળી રહ્યો છે.
સાથીઓ,
પૂર્વોત્તરને લઈને અમારી સરકાર કેવા કામ કરી રહી છે, તેનું એક ઉદાહરણ વાંસની ખેતી પણ છે. બામ્બુ અહીંની જીવનશૈલીનો એક મહત્વનો હિસ્સો છે. આજે બામ્બુ પ્રોડક્ટ સમગ્ર દેશ તથા દુનિયામાં લોકપ્રિય થઈ રહી છે. પરંતુ અંગ્રેજોના જમાનાથી, તે સમયથી બામ્બુ કાપવા પર એવા કાનૂની પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા કે આપણા આદિવાસી ભાઈ-બહેનોને, આપણા ઉત્તર પૂર્વ પ્રાંતના લોકોના જીવનમાં એક અવરોધ પેદા થઈ ગયો હતો. તેથી જ અમે એ કાનૂનને બદલ્યો, અને હવે આપ બામ્બુ ઉગાડી શકો છો, બામ્બુ કાપી શકો છો, બામ્બુ વેચી શકો છો, બામ્બુમાં સુધારા કરો છો અને જાહેર બજારમાં જઈને આપ વેપાર કરી શકો છો. જેવી રીતે પાક ઉગાડીએ છીએ તેવી જ રીતે બામ્બુ પણ ઉગાડી શકીએ છીએ.
ભાઈઓ અને બહેનો,
ગરીબ જેવો જીવનની મૂળભૂત ચિતાઓથી મુક્ત થાય છે તો તે પોતાની સાથે સાથે દેશના વિકાસના પણ નવા પરિમાણો બનાવવાનું શરૂ કરે છે. તેથી જ આજે ગરીબમાં ગરીબ વ્યક્તિ ઉપેક્ષા અને બેહાલીમાંથી બહાર આવે, તેને ગરીમાપૂર્ણ જીવન મળે તે દેશની પ્રાથમિકતા છે. પહેલા કહેવામાં આવતું હતું કે પહાડો પર શિક્ષણ અને ઇલાજ હંમેશાં એક સમસ્યા રહે છે. પરંતુ હવે સારી આરોગ્ય સુવિધાઓની સાથે સાથે આયુષ્માન ભારત યોજના મારફતે પાંચ લાખ રૂપિયાના વિના મૂલ્યે સારવારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દરેક ગરીબને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાક્કું મકાન આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આદિવાસી પ્રાંતોમાં કેન્દ્ર સરકાર 500 કરોડ રૂપિયા ખર્ચ કરીને એકલવ્ય મોડેલ સ્કૂલ શરૂ કરી રહી છે જેથી કોઈ પણ આદિવાસી બાળક અભ્યાસમાં પાછળ રહી જાય નહીં.
જે યુવાન કોઈ પણ કારણસર હિંસાના માર્ગે ચાલ્યો ગયો છે તેને એક અલગ નીતિ મારફતે મુખ્ય ધારામાં લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમના માટે અલગથી ફંડની રચના કરવામાં આવી છે. સ્ટાર્ટ અપ ઇન્ડિયાની તાકાતથી જોડાવા માટે અરૂણાચલ પ્રદેશ સ્ટાર્ટ અપ નીતિ મારફતે અરૂણાચલ પ્રદેશ પણ એક સાથે કદમ મિલાવી રહ્યું છે. એટલે કે વિકાસની અમારી જ અમર ધારા છે, ઉપરથી શરૂ થાય છે, તે આજે ગામ-ગરીબ, યુવાનો મહિલાઓ સુધી પહોંચીને તેમની શક્તિ બની ગઈ છે.
સાથીઓ,
દેશે 2014 બાદ દરેક ગામમાં વિજળી પહોંચાડવાનું અભિયાન શરૂ કર્યું હતું. તે અભિયાનનો ઘણો મોટો લાભ અરૂણાચલ પ્રદેશના લોકોને પણ થયો છે. અહીં એવા અનેક ગામડાઓ હતા જ્યાં આઝાદી બાદ પહેલી વાર વિજળી પહોંચી હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકારે સૌભાગ્ય યોજના ઘડીને દરેક ઘરને વિજળી કનેક્શનથી જોડવાનું અભિયાન ચલાવ્યું હતું. અહીં અરૂણાચલ પ્રદેશમાં પણ હજારો ઘરોમાં વિના મૂલ્યે વિજળી જોડાણ
આપવામાં આવ્યું હતું. અને જ્યારે અહીંના ઘરોમાં વિજળી પહોંચી તો ઘરોમાં માત્ર ઉજાશ જ ફેલાયો નહીં પરંતુ અહીંના લોકોના જીવનમાં પણ ઉજાશ આવી ગયો.
ભાઈઓ અને બહેનો,
અરૂણાચલ પ્રદેશમાં વિકાસની યાત્રાએ જ વેગ પકડી લીધો છે તેને અમે ગામડે ગામડા સુધી, ઘર ઘર સુધી પહોંચાડવાના મિશન પર કામ કરી રહ્યા છીએ. અમારો પ્રયાસ છે કે સરહદ સાથે જોડાયેલા ગામડાને વાઈબ્રન્ટ બોર્ડર વિલેજનો દરજ્જો આપીને તેમને સશક્ત બનાવવામાં આવે. જ્યારે સરહદને અડેલા તમામ ગામડામાં સંભાવનાઓના નવા દ્વાર ખૂલશે ત્યાંથી જ સમૃદ્ધિનો પ્રારંભ થશે.
વાઈબ્રન્ટ વિલેજ બોર્ડર પ્રોગ્રામ અંતર્ગત સરહદી ગામડામાંથી પલાયન થનારા લોકોને રોકવા અને અહીં પર્યટનને પ્રોત્સાહન આપવાની યોજના પર ઝડપથી કામ થઈ રહ્યું છે. સરકાર દ્વારા સરહદી ક્ષેત્રોના યુવાનોને એનસીસીથી જોડવા માટે એક ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પ્રયાસ એ છે કે સરહદને કિનારે વસેલા ગામડાઓ, ત્યાંના યુવાનોની એનસીસીમાં વધુને વધુ ભાગીદારી હોય. એનસીસીથી જોડાનારા આ ગામડાઓના બાળકોને લશ્કરના અધિકારીઓ પાસેથી તાલીમ મળશે. તેનાથી યુવાનોના ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ તો તૈયાર થશે જ, સાથે સાથે તેમનામાં દેશના પ્રત્યે સેવાનો એક જુસ્સો પણ પેદા થશે અને તે જુસ્સામાં વધારો થશે.
સાથીઓ,
સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર પર ચાલતા ચાલતા ડબલ એન્જિન સરકાર, અરૂણાચલ પ્રદેશના વિકાસ માટે લોકોના સરળ જીવનશૈલી માટે પ્રતિબદ્ધ છે. મારી શુભકામના છે વિકાસનો આ અરૂણ આ જ રીતે અહીં તેનો પ્રકાશ પાથરતો રહે.
હું ફરી એક વાર પેમા જી તથા તેમની સમગ્ર સરકારને ભારત સરકારની આ તમામ યોજનાઓને આગળ ધપાવવામાં સક્રિય સહયોગ આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આપણા પૂર્વોત્તરના આપણા સાથીઓને પણ, અમારી માતાઓ અને બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
મારા તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભકામના, ખૂબ ખૂબ ધન્યવાદ.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1877440)
Visitor Counter : 260
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam