પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં આતંકવાદને નાણાં વ્યવહાર વિરુદ્ધ અંગેની ત્રીજી 'નો મની ફોર ટેરર- આતંકવાદ માટે નાણાં નહીં' મંત્રીસ્તરીય પરિષદમાં ભાગ લીધો

"અમે માનીએ છીએ કે એક પણ હુમલો ઘણા બધા છે. ગુમાવેલ એક પણ જીવન પણ ઘણાં બધાં છે. તેથી, જ્યાં સુધી આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવામાં નહીં આવે ત્યાં સુધી અમે જંપીશું નહીં"
અહીં કોઈ સારો આતંકવાદ અને ખરાબ આતંકવાદ નથી. તે માનવતા, સ્વતંત્રતા અને સભ્યતા પર હુમલો છે. તે કોઈ સીમાઓ જાણતો નથી"
"માત્ર એક સમાન, એકીકૃત અને શૂન્ય-સહિષ્ણુતાનો અભિગમ જ આતંકવાદને હરાવી શકે છે"

"આતંકવાદને ટેકો આપતા દેશો પર ખર્ચ લાદવો જ જોઇએ"
"નવી ફાઇનાન્સ તકનીકોની સમાન સમજણની જરૂર છે"
"જે કોઈ પણ કટ્ટરપંથીકરણને ટેકો આપે છે તેને કોઈ પણ દેશમાં સ્થાન ન હોવું જોઈએ"

Posted On: 18 NOV 2022 11:09AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ સાથે કામ પાર પાડવામાં કોઈ પણ પ્રકારની અનિશ્ચિતતા ટાળવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું અને વિદેશ નીતિનાં સાધન તરીકે આતંકવાદનો ઉપયોગ કરતા દેશો સામે ચેતવણી પણ આપી હતી. તેઓ આજે નવી દિલ્હીમાં આતંકવાદ નાણાં વ્યવહાર વિરુદ્ધ અંગેની ત્રીજી 'નો મની ફોર ટેરર' (એનએમએફટી) મંત્રીસ્તરીય પરિષદને સંબોધન કરી રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોને આવકારતા પ્રધાનમંત્રીએ ભારતમાં યોજાઈ રહેલી આ પરિષદનું મહત્ત્વ સૂચવ્યું હતું અને યાદ કર્યું હતું કે વિશ્વએ ત્રાસવાદની ગંભીર નોંધ લીધી એનાં ઘણા સમય પહેલાં દેશે આતંકવાદનો કાળો ચહેરો જોયો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "દાયકાઓથી આતંકવાદે વિવિધ નામો અને સ્વરૂપે ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે." તેમણે ઉમેર્યું હતું કે, હજારો કિંમતી જિંદગીઓ ગુમાવી હોવા છતાં ભારતે આતંકવાદ સામે બહાદુરીપૂર્વક લડત આપી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ તમામ પ્રતિનિધિઓ માટે ભારત અને એનાં લોકો સાથે આદાનપ્રદાન કરવાની તક છે, જેઓ આતંકનો સામનો કરવા મક્કમ રહ્યા છે. "અમે માનીએ છીએ કે એક પણ હુમલો ઘણા બધા છે. ગુમાવેલ એક પણ જીવન પણ ઘણાં બધાં છે. એટલે જ્યાં સુધી આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવામાં નહીં આવે ત્યાં સુધી અમે જંપીશું નહીં," એમ પ્રધાનમંત્રીએ ઉદ્‌ગાર કર્યો હતો.

આ પરિષદનાં મહત્ત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પરિષદને માત્ર મંત્રીઓના મેળાવડા તરીકે ન જોવી જોઈએ, કારણ કે આતંકવાદ સંપૂર્ણ માનવતાને અસર કરે છે. તેમણે કહ્યું હતું કે, ત્રાસવાદની લાંબા ગાળાની અસર ખાસ કરીને ગરીબો અને સ્થાનિક અર્થતંત્ર પર આકરી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "પ્રવાસન હોય કે વેપાર, કોઈને પણ એવું ક્ષેત્ર ગમતું નથી, જે સતત જોખમમાં હોય." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આતંકવાદનાં પરિણામે લોકોની આજીવિકા છીનવાઈ જાય છે. તેમણે ધ્યાન દોર્યું હતું કે તે વધુ મહત્વનું છે કે આપણે આતંકવાદને નાણાં વ્યવહારનાં મૂળમાં હુમલો કરીએ.

પ્રધાનમંત્રીએ આતંકવાદનો સામનો કરવામાં કોઈ પણ પ્રકારની અનિશ્ચિતતા સામે ચેતવણી આપી હતી. તેમણે આતંકવાદની ભૂલભરેલી કલ્પનાઓને સ્પર્શી હતી અને કહ્યું હતું કે "વિવિધ હુમલાઓની પ્રતિક્રિયાની તીવ્રતા તે ક્યાં થાય છે તેના આધારે બદલાઈ શકતી નથી. તમામ આતંકવાદી હુમલાઓ સમાન આક્રોશ અને કાર્યવાહીને પાત્ર છે. વળી, ક્યારેક આતંકવાદનાં સમર્થનમાં આડકતરી રીતે દલીલો કરવામાં આવે છે જેથી આતંકવાદીઓ સામે કાર્યવાહી અટકાવી શકાય. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક જોખમનો સામનો કરતી વખતે સંદિગ્ધ અભિગમ માટે કોઈ સ્થાન નથી. "અહીં કોઈ સારો આતંકવાદ અને ખરાબ આતંકવાદ નથી. તે માનવતા, સ્વતંત્રતા અને સભ્યતા પર હુમલો છે. તે કોઈ સીમાઓ જાણતો નથી." પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ફક્ત એક સમાન, એકીકૃત અને શૂન્ય-સહિષ્ણુતાનો અભિગમ જ આતંકવાદને હરાવી શકે છે."

પ્રધાનમંત્રીએ આતંકવાદી સામે લડવા અને આતંકવાદ સામે લડવા વચ્ચેના તફાવત પર પ્રકાશ ફેંકતા કહ્યું હતું કે, આતંકવાદીને શસ્ત્રો અને તાત્કાલિક વ્યૂહાત્મક પ્રતિભાવો સાથે નિષ્ક્રિય કરી શકાય છે, પણ આ વ્યૂહાત્મક લાભો તેમનાં નાણાકીય વ્યવહારોને નુકસાન પહોંચાડવાના  ઉદ્દેશવાળી મોટી વ્યૂહરચના વિના ટૂંક સમયમાં જ ગુમાવી દેવામાં આવશે. શ્રી મોદીએ કહ્યું હતું કે, "આતંકવાદી વ્યક્તિ છે, પણ આતંકવાદ એ વ્યક્તિઓનાં નેટવર્કનો વિષય છે." પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, હુમલો સંરક્ષણનું શ્રેષ્ઠ સ્વરૂપ છે અને આતંકવાદને જડમૂળથી ઉખેડી નાંખવા માટે વિસ્તૃત, સક્રિય, પ્રણાલીગત પ્રતિક્રિયાની જરૂર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણે આપણા નાગરિકો સુરક્ષિત રહે તે માટે આતંકવાદીઓનો પીછો કરવો જ જોઈએ, તેમના સહાયક નેટવર્કને તોડવું જોઈએ અને તેમની નાણાકીય વ્યવસ્થાને ફટકો મારવો જોઈએ.

પ્રધાનમંત્રીએ આતંકવાદને રાજકીય, વૈચારિક અને નાણાકીય સહાયના મુખ્ય સ્ત્રોતોમાંના એક સ્ત્રોત તરીકે રાષ્ટ્રનાં સમર્થન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કેટલાક દેશો તેમની વિદેશ નીતિના ભાગરૂપે આતંકવાદીઓને ટેકો આપે છે. તેમણે આંતરરાષ્ટ્રીય સંગઠનોને પ્રોક્સી યુદ્ધો અંગે જાગૃત રહેવા જણાવ્યું હતું. "આતંકવાદને ટેકો આપતા દેશો પર ખર્ચ લાદવો જ જોઇએ. આતંકવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ પેદા કરવાનો પ્રયાસ કરનારાં સંગઠનો અને વ્યક્તિઓને પણ અલગ કરવા જ જોઈએ. આવી બાબતોમાં કોઈ જો અને તો, કિંતુ-પરંતુને ચલાવી શકાતું નથી. તેમણે ઉમેર્યું હતું કે, તમામ પ્રકારના આતંકનાં વ્યાપક અને છૂપાં પીઠબળ સામે દુનિયાએ એક થવાની જરૂર છે."

પ્રધાનમંત્રીએ સંગઠિત અપરાધને આતંકવાદી ભંડોળનાં અન્ય એક સ્ત્રોત તરીકે રેખાંકિત કર્યો હતો તથા અપરાધિક જૂથો અને આતંકવાદી સંગઠનો વચ્ચે ગાઢ જોડાણ પર ભાર મૂકતા કહ્યું "આતંકવાદ સામેની લડાઈમાં સંગઠિત અપરાધ સામે કાર્યવાહી અતિ મહત્ત્વપૂર્ણ છે. કેટલીકવાર, મની લોન્ડરિંગ અને નાણાકીય ગુનાઓ જેવી પ્રવૃત્તિઓ પણ ટેરર ફંડિંગને મદદ કરવા માટે જાણીતી છે. તેની સામે લડવા માટે વૈશ્વિક સહયોગની જરૂર છે, " એમ તેમણે કહ્યું.

જટિલ વાતાવરણ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ, ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ્સ અને એગમોન્ટ ગ્રૂપ ગેરકાયદેસર ભંડોળનાં પ્રવાહને અટકાવવા, તેની ઓળખ કરવા અને કાયદેસરની કાર્યવાહીમાં સહકારને વેગ આપી રહ્યા છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ માળખું છેલ્લાં બે દાયકામાં વિવિધ રીતે આતંકવાદ સામેની લડાઈમાં મદદ કરી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, "આ આતંકવાદી ભંડોળનાં જોખમોને સમજવામાં પણ મદદ કરે છે."

અત્યાધુનિક ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને આતંકવાદની બદલાતી ગતિશીલતા પર ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આતંકવાદને નાણાકીય સહાય અને ભરતી માટે નવા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. ડાર્ક નેટ, પ્રાઇવેટ કરન્સીઝ અને અન્ય બાબતોના પડકારો સામે આવી રહ્યા છે. નવી ફાઇનાન્સ તકનીકોની સમાન સમજની જરૂર છે. આ પ્રયાસોમાં ખાનગી ક્ષેત્રને સામેલ કરવું પણ મહત્વપૂર્ણ છે." જો કે, તેમણે, જ્યારે આતંકવાદને શોધી કાઢવા, પત્તો લગાવવા અને તેનો સામનો કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કહ્યું એની સાથે ટેકનોલોજીને રાક્ષસી બનાવવા સામે ચેતવણી પણ આપી હતી.

રૂબરૂ અને વર્ચ્યુઅલ સહકારની જરૂરિયાત પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સાયબર આતંકવાદ અને ઓનલાઇન કટ્ટરવાદ માટે ઉપયોગમાં લેવાતી માળખાગત સુવિધાઓ પૂર્ણવ્યાપ્ત છે, ત્યારે કેટલીક સંસ્થાઓ આતંકવાદીઓને અંતરિયાળ વિસ્તારોમાંથી શસ્ત્રો તેમજ ઓનલાઇન સંસાધનો સાથે તાલીમ પણ આપે છે. "સંદેશાવ્યવહાર, મુસાફરી, લોજિસ્ટિક્સ - વિવિધ દેશોમાં સાંકળની ઘણી લિંક્સ છે." પ્રધાનમંત્રીએ દરેક દેશને સાંકળના એ ભાગો કે જે તેમની પહોંચની અંદર હોય તેની સામે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ ચેતવણી આપી હતી કે, આતંકવાદીઓને વિવિધ દેશોમાં કાયદાકીય સિદ્ધાંતો, કાર્યવાહીઓ અને પ્રક્રિયાઓમાં મતભેદોનો દુરુપયોગ કરવાની છૂટ ન આપવી જોઈએ. "સરકારો વચ્ચે ઊંડાં સંકલન અને સમજણ દ્વારા આને અટકાવી શકાય છે. સંયુક્ત કામગીરીઓ, ઇન્ટેલિજન્સ કો-ઓર્ડિનેશન અને પ્રત્યાર્પણથી આતંક સામેની લડાઈમાં મદદ મળે છે," એમ પ્રધાનમંત્રીએ સૂચવ્યું હતું. પ્રધાનમંત્રીએ કટ્ટરપંથીકરણ અને ઉગ્રવાદની સમસ્યાનું સમાધાન સંયુક્તપણે કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, "જે કોઈ પણ કટ્ટરપંથીકરણને ટેકો આપે છે તેને કોઈ પણ દેશમાં સ્થાન ન હોવું જોઈએ."

પ્રધાનમંત્રીએ આતંકવાદ સામે આંતરરાષ્ટ્રીય સહકારને વેગ આપવા ભારત દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા પ્રયાસો વિશે માહિતી આપીને સમાપન કર્યું હતું. સુરક્ષાનાં વિવિધ પાસાંઓ પર વિવિધ પરિષદો વિશે માહિતી આપતા પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ઇન્ટરપોલની સામાન્ય સભા, મુંબઈમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કાઉન્ટર-ટેરરિઝમ કમિટીનાં વિશેષ સત્રનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત ચાલી રહેલી 'નો મની ફોર ટેરર' કૉન્ફરન્સ દ્વારા ટેરર ફંડિંગ સામે વૈશ્વિક ગતિ વધારવામાં મદદ કરી રહ્યું છે.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાય, ગૃહ સચિવ શ્રી અજય કુમાર ભલ્લા અને રાષ્ટ્રીય તપાસ એજન્સીના મહાનિદેશક શ્રી દિનકર ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.

 

પશ્ચાદભૂમિકા

18-19 નવેમ્બરના રોજ આયોજિત બે દિવસની પરિષદમાં ભાગ લેનાર રાષ્ટ્રો અને સંગઠનો માટે આતંકવાદને નાણાં વ્યવહાર વિરોધ અંગે વર્તમાન આંતરરાષ્ટ્રીય શાસનની અસરકારકતા અને નવા ઊભરતા પડકારોને પહોંચી વળવા માટે જરૂરી પગલાંઓ પર વિચાર-વિમર્શ કરવા માટે એક વિશિષ્ટ મંચ પ્રદાન કરવામાં આવશે. આ પરિષદ અગાઉની બે પરિષદો (એપ્રિલ 2018માં પેરિસમાં અને નવેમ્બર 2019માં મેલબોર્નમાં યોજવામાં આવી હતી)ના લાભ અને બોધપાઠ પર આગળ વધશે તથા આતંકવાદીઓને નાણાકીય સહાયથી વંચિત રાખવા અને ઓપરેશન કરવા માટે અનુમતિપૂર્ણ અધિકારક્ષેત્રો સુધી પહોંચ મેળવવા આંતરરાષ્ટ્રીય સ્તરે સહકાર વધારવાની દિશામાં કામ કરશે. તેમાં દુનિયાભરના આશરે 450 પ્રતિનિધિઓ હાજર  રહેશે, જેમાં મંત્રીઓ, બહુપક્ષીય સંસ્થાઓના વડાઓ અને ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)નાં પ્રતિનિધિમંડળના વડાઓ સામેલ છે.

આ પરિષદ દરમિયાન ચાર સત્રોમાં વિચાર-વિમર્શ થશે, જેમાં 'આતંકવાદ અને આતંકવાદી નાણાં વ્યવહારમાં વૈશ્વિક પ્રવાહો', 'આતંકવાદ માટે ભંડોળનાં ઔપચારિક અને અનૌપચારિક માધ્યમોનો ઉપયોગ', 'ઉભરતી ટેકનોલોજીઝ અને આતંકવાદી નાણાં વ્યવહાર' અને 'ટેરર ફાયનાન્સિંગનો સામનો કરવા આંતરરાષ્ટ્રીય સહકાર' પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1876958) Visitor Counter : 267