પ્રધાનમંત્રીનું કાર્યાલય
વિશાખાપટ્ટનમમાં અનેકવિધ પરિયોજનાઓના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
Posted On:
12 NOV 2022 1:40PM by PIB Ahmedabad
પ્રિયમઈના સોદરી, સોદરુ-લારા નમસ્કારમ્.
આંધ્રપ્રદેશના રાજ્યપાલ શ્રી વિશ્વ ભૂષણજી, મુખ્યમંત્રી શ્રી જગન મોહન રેડ્ડીજી, મંત્રીમંડળના મારા સહયોગી અશ્વિની વૈષ્ણવજી, અહીં ઉપસ્થિત અન્ય મહાનુભવો અને આંધ્રપ્રદેશનાં મારાં ભાઈઓ અને બહેનો.
કેટલાક મહિનાઓ પહેલાં જ વિપ્લવ વીરુદુ અલ્લૂરી સીતારામ રાજુજીની 125મી જન્મ જયંતી પર કાર્યક્રમમાં મને આપ સૌની વચ્ચે આવવાનું સૌભાગ્ય મળ્યું હતું. આજે ફરી એકવાર આવા અવસરે આંધ્રની ધરતી પર આવ્યો છું, જે આંધ્ર પ્રદેશ અને વિશાખાપટ્ટનમ માટે ખૂબ જ મોટો દિવસ છે. વિશાખાપટ્ટનમ ભારતનું એક વિશેષ પટ્ટનમ છે, આ શહેર ખૂબ ખાસ છે. અહીં હંમેશાથી વેપારની સમૃદ્ધ પરંપરા રહી છે. વિશાખાપટ્ટનમ પ્રાચીન ભારતનું એક મહત્વનું બંદર હતું. હજારો વર્ષ પહેલાં પણ આ બંદર મારફતે પશ્ચિમ એશિયા અને રોમ સુધી વેપાર થતો હતો. અને આજે પણ વિશાખાપટ્ટનમ ભારતના વેપારનું કેન્દ્ર બિંદુ બની રહ્યું છે.
દસ હજાર કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ આંધ્ર પ્રદેશ અને વિશાખાપટ્ટનમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટેનું એક માધ્યમ બનશે. આ યોજનાઓ માળખાગત સુવિધાથી માંડીને ઈઝ ઑફ લિવિંગ અને આત્મનિર્ભર ભારત સુધી, ઘણા નવા આયામો ખોલશે, વિકાસને નવી ઊંચાઈઓ પર લઈ જશે. આ માટે હું આંધ્ર પ્રદેશના તમામ રહેવાસીઓને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. આ અવસર પર હું આપણા દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ ગારુ અને હરિ બાબુનો પણ આભાર માનું છું. જ્યારે પણ તેઓ મળે છે, ત્યારે અમે આંધ્રના વિકાસ વિશે ઘણી વાતો કરીએ છીએ. આંધ્ર પ્રત્યેનો તેમનો પ્રેમ અને સમર્પણ અનુપમ છે.
સાથીઓ,
આંધ્ર પ્રદેશના લોકોની એક બહુ ખાસ વાત હોય છે કે તેઓ સ્વભાવે ખૂબ જ પ્રેમાળ અને સાહસિક હોય છે. આજે દુનિયાના લગભગ દરેક ખૂણામાં, આંધ્ર પ્રદેશના લોકો દરેક કામમાં પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી રહ્યા છે. પછી તે શિક્ષણ હોય કે ઉદ્યોગ, ટેકનોલોજી હોય કે પછી મેડિકલનો વ્યવસાય હોય, આંધ્ર પ્રદેશના લોકોએ દરેક ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. આ ઓળખ માત્ર વ્યાવસાયિક ગુણવત્તાને કારણે જ નથી બની પરંતુ તેમના મિલનસાર વ્યવહારને કારણે બની છે. આંધ્ર પ્રદેશના લોકોનું ખુશમિજાજ અને જીવંત વ્યક્તિત્વ દરેકને તેમના ચાહક બનાવી દે છે. તેલુગુ ભાષી લોકો હંમેશાં વધુ સારાની શોધમાં રહેતા હોય છે, અને હંમેશાં વધુ સારું કરવાનો પ્રયત્ન કરતા હોય છે. મને ખુશી છે કે આજે અહીં જે વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે, તે પણ આંધ્ર પ્રદેશમાં પ્રગતિની ગતિને વધુ સારી બનાવશે.
સાથીઓ,
આઝાદીના અમૃત કાળમાં દેશ વિકસિત ભારતનાં લક્ષ્ય સાથે વિકાસના પથ પર ઝડપથી આગળ વધી રહ્યો છે. વિકાસની આ યાત્રા બહુઆયામી છે. તેમાં સામાન્ય માણસનાં જીવન સાથે સંકળાયેલી જરૂરિયાતો વિશેની ચિંતા પણ સામેલ છે. તેમાં શ્રેષ્ઠ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં નિર્માણનો પણ સમાવેશ થાય છે. આજના કાર્યક્રમમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર- માળખાગત સુવિધા પર અમારાં વિઝનની ઝલક પણ સ્પષ્ટ દેખાય છે. અમારું વિઝન છે સમાવેશી વિકાસનું, ઈન્ક્લુઝિવ ગ્રોથનું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર મામલે અમે કદી એવા પ્રશ્નોમાં નથી ગૂંચવાયા કે આપણે રેલવેનો વિકાસ કરવો છે કે માર્ગ પરિવહનનો. અમે એને લઈને ક્યારેય દ્વિધામાં રહ્યા નથી કે આપણે બંદર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે કે હાઇવે પર. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આ એકલ દૃષ્ટિકોણને કારણે દેશને ભારે નુકસાન વેઠવું પડ્યું. આનાથી સપ્લાય ચેન પર અસર પડી અને લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો થયો.
સાથીઓ,
સપ્લાય ચેન અને લોજિસ્ટિક્સ મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી પર આધારિત હોય છે. તેથી અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે એક નવો અભિગમ અપનાવ્યો. અમે વિકાસના સંકલિત દ્રષ્ટિકોણને મહત્વ આપ્યું. આજે જે ઇકોનોમિક કૉરિડોરનો પાયો નાખવામાં આવ્યો છે તેમાં 6 લેનવાળા રોડની જોગવાઇ છે. બંદર સુધી પહોંચવા માટે એક અલગ રસ્તો પણ બનાવવામાં આવશે. એક તરફ અમે વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનને સુંદર બનાવી રહ્યાં છીએ તો બીજી તરફ ફિશિંગ હાર્બરને અત્યાધુનિક બનાવી રહ્યા છીએ.
સાથીઓ,
માળખાગત સુવિધાઓનો આ સંકલિત દૃષ્ટિકોણ પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનને કારણે શક્ય બન્યો છે. ગતિશક્તિ યોજનાથી માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણની ગતિ જ વેગીલી બની નથી, પરંતુ પ્રોજેક્ટ્સના ખર્ચમાં પણ ઘટાડો થયો છે. મલ્ટિ-મોડલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ દરેક શહેરનું ભવિષ્ય છે અને વિશાખાપટ્ટનમે આ દિશામાં એક પગલું ભર્યું છે. હું જાણું છું કે આ પરિયોજનાઓની આંધ્રના લોકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. અને આજે જ્યારે આ પ્રતીક્ષા પૂરી થઇ રહી છે, ત્યારે આંધ્ર પ્રદેશ અને તેના તટીય વિસ્તારો વિકાસની આ દોડમાં એક નવી ગતિ સાથે આગળ વધશે.
સાથીઓ,
આજે આખું વિશ્વ સંઘર્ષના એક નવા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. કેટલાક દેશો આવશ્યક ચીજવસ્તુઓની અછતનો સામનો કરી રહ્યા છે, જ્યારે કેટલાક દેશો ઊર્જા સંકટ સામે ઝઝૂમી રહ્યા છે. લગભગ દરેક દેશ તેની ઘટતી અર્થવ્યવસ્થાને લઈને ચિંતિત છે. પરંતુ આ બધાની વચ્ચે ભારત અનેક ક્ષેત્રોમાં ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. ભારત વિકાસની નવી ગાથા લખી રહ્યું છે. અને તે માત્ર તમે જ અનુભવી રહ્યા છો તેવું નથી, પરંતુ વિશ્વ પણ ખૂબ ધ્યાનથી તમારી તરફ જોઈ રહ્યું છે.
તમે જોતા હશો કે નિષ્ણાતો અને બૌદ્ધિકો કેવી રીતે ભારતના વખાણ કરી રહ્યા છે. આજે ભારત સમગ્ર વિશ્વની અપેક્ષાઓનું કેન્દ્રબિંદુ બની ગયું છે. આ એટલા માટે શક્ય બન્યું છે કારણ કે આજે ભારત તેના નાગરિકોની આશાઓ અને આવશ્યકતાઓને સર્વોપરી રાખીને કામ કરી રહ્યું છે. અમારી દરેક નીતિ, દરેક નિર્ણય સામાન્ય માણસનું જીવન વધુ સારું બનાવવા માટે છે. આજે એક તરફ પીએલઆઈ સ્કીમ, જીએસટી, આઈબીસી, નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન, ગતિશક્તિ જેવી નીતિઓનાં કારણે ભારતમાં રોકાણ વધી રહ્યું છે. તો બીજી તરફ ગરીબોનાં કલ્યાણ માટે ચલાવવામાં આવી રહેલી યોજનાઓ સતત વિસ્તરી રહી છે.
આજે વિકાસની આ યાત્રામાં દેશનાં એ ક્ષેત્રો પણ સામેલ છે, જે પહેલા હાંસિયામાં રહેતાં હતાં. અતિ પછાત જિલ્લાઓમાં પણ આકાંક્ષી જિલ્લાઓના કાર્યક્રમ દ્વારા વિકાસ સંબંધિત યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. દેશના કરોડો ગરીબોને છેલ્લાં અઢી વર્ષથી મફતમાં અનાજ આપવામાં આવી રહ્યું છે. છેલ્લાં સાડા ત્રણ વર્ષથી પીએમ કિસાન યોજના દ્વારા દર વર્ષે 6 હજાર રૂપિયા સીધા ખેડૂતોનાં ખાતામાં પહોંચી રહ્યા છે. એ જ રીતે સનરાઇઝ સેક્ટર્સ સાથે જોડાયેલી અમારી નીતિનાં કારણે યુવાનો માટે નવી તકોનું સર્જન થઈ રહ્યું છે. ડ્રૉનથી લઈને ગેમિંગ સુધી, સ્પેસથી લઈને સ્ટાર્ટઅપ સુધી, દરેક ક્ષેત્રને અમારી નીતિનાં કારણે આગળ વધવાની તક મળી રહી છે.
સાથીઓ,
જ્યારે લક્ષ્યો સ્પષ્ટ હોય છે, ત્યારે પછી તે આકાશની ઊંચાઈ હોય, અથવા સમુદ્રની ઊંડાઈ હોય, આપણે તકો શોધી પણ લઈએ છીએ, અને ઝડપી પણ લઈએ છીએ. આજે આંધ્રમાં આધુનિક ટેકનોલોજીનાં માધ્યમથી ઊંડી જળ ઊર્જા-ડીપ વોટર એનર્જી મેળવવાની જે શરૂઆત થઈ છે, તે તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. આજે દેશ બ્લૂ ઇકોનોમી સાથે સંકળાયેલી અનંત સંભાવનાઓને સાકાર કરવા માટે પણ મોટા પાયે પ્રયાસો કરી રહ્યો છે. બ્લૂ ઇકોનોમી પ્રથમ વખત દેશની આટલી મોટી પ્રાથમિકતા બની છે.
હવે મત્સ્યોદ્યોગ માટે કિસાન ક્રેડિટ કાર્ડ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. આજે વિશાખાપટ્ટનમ ફિશિંગ હાર્બરનું આધુનિકીકરણ કરવાનું કામ શરૂ થયું છે, એનાથી આપણાં માછીમાર ભાઈઓ-બહેનોનું જીવન સરળ બનશે. જેમ-જેમ ગરીબોની તાકાત વધશે, અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી તકો સુધી તેમની પહોંચ હશે, વિકસિત ભારતનું આપણું સપનું પણ પૂર્ણ થશે.
સાથીઓ,
સમુદ્ર સદીઓથી ભારત માટે સમૃદ્ધિ અને સંપન્નતાનો સ્ત્રોત રહ્યો છે અને આપણા દરિયાકિનારાએ આ સમૃદ્ધિ માટે પ્રવેશદ્વાર તરીકે કામ કર્યું છે. આજે દેશમાં પોર્ટ લેન્ડ ડેવલપમેન્ટ માટે જે હજારો કરોડ રૂપિયાની પરિયોજનાઓ ચાલી રહી છે, ભવિષ્યમાં તેનો વધુ વિસ્તાર થશે. વિકાસની આ સંપૂર્ણ વિચારસરણીને આજે 21મી સદીનું ભારત ધરાતલ પર ઉતારી રહ્યું છે. મને વિશ્વાસ છે કે આંધ્ર પ્રદેશ દેશના વિકાસ માટેનાં આ અભિયાનમાં આ જ રીતે મોટી ભૂમિકા નિભાવતું રહેશે.
આ જ સંકલ્પ સાથે આપ સૌનો ફરી એક વાર ખૂબ-ખૂબ આભાર!
મારી સાથે બંને હાથ ઊંચા કરીને, પૂરી તાકાતથી બોલો-
ભારત માતા કી – જય
ભારત માતા કી – જય
ભારત માતા કી – જય
ખૂબ ખૂબ આભાર!
YP/GP/JD
(Release ID: 1875439)
Visitor Counter : 216
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam