પ્રધાનમંત્રીનું કાર્યાલય

શ્રી ગુરુ નાનક દેવજીના 553મા પ્રકાશ પર્વની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 07 NOV 2022 10:09PM by PIB Ahmedabad

વાહેગુરુજી કા ખાલસા, વાહેગુરુજી કી ફતહ, જો બોલે સો નિહાલ! સત્‌ શ્રી અકાલ! ગુરપૂરબના પવિત્ર પર્વનાં આ આયોજન પર આપણી સાથે ઉપસ્થિત સરકારમાં મારા સહયોગી શ્રી હરદીપસિંહ પુરીજી, શ્રી જૉન બરલાજી, રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ શ્રી લાલપુરાજી સિંહ સાહેબ ભાઈ રણજીતસિંહજી, શ્રી હરમીતસિંહ કાલકાજી અને તમામ ભાઈઓ અને બહેનો!

હું આપ સૌને અને તમામ દેશવાસીઓને ગુરપૂરબની, પ્રકાશ પર્વની ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે જ દેશમાં દેવ-દિવાળીની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને કાશીમાં એક ખૂબ ભવ્ય આયોજન થઈ રહ્યું છે, લાખો દીવડાઓ સાથે દેવી-દેવતાઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. હું દેવ-દિવાળીની પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

સાથીઓ,

આપ સૌ જાણો છો કે એક કાર્યકર તરીકે મેં ઘણો સમય પંજાબની ધરતી પર વિતાવ્યો છે અને તે દરમિયાન મને ઘણી વખત ગુરપૂરબ પર અમૃતસરમાં હરમંદિર સાહિબ સમક્ષ માથું ટેકવવાનું સૌભાગ્ય મળ્યું છે. હવે જ્યારે હું સરકારમાં છું, ત્યારે આને પણ હું મારા માટે અને મારી સરકાર માટે એક મોટો લહાવો માનું છું કે આટલા મહત્વપૂર્ણ પ્રકાશ પર્વ અમારી સરકાર દરમિયાન આવ્યા. ગુરુ ગોવિંદસિંહજીનું 350મું પ્રકાશ પર્વ મનાવવાનું સૌભાગ્ય અમને મળ્યું. અમને ગુરુ તેગ બહાદુરજીનું 400મું પ્રકાશ પર્વ મનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને જેમ કે આજે જણાવાયું છે, લાલ કિલ્લા પર ત્યારે ખૂબ જ ઐતિહાસિક અને સમગ્ર વિશ્વને સંદેશ આપનારો કાર્યક્રમ હતો. ત્રણ વર્ષ પહેલાં આપણે ગુરુ નાનક દેવજીનો 550મો પ્રકાશોત્સવ પણ દેશ-વિદેશમાં પૂરા હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો છે.

સાથીઓ,

વિશેષ અવસરો પર દેશને આપણા ગુરુઓનાં આશીર્વાદ મળ્યાં, તેમની જે પ્રેરણા મળી, એ નવા ભારતનાં નિર્માણની ઊર્જામાં વધારો કરી રહ્યાં છે. આજે જ્યારે આપણે ગુરુ નાનક દેવજીના 'પાંચસો ત્રેપનમા' પ્રકાશ પર્વની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આપણે પણ જોઈ રહ્યા છીએ કે ગુરુ આશીર્વાદથી આ વર્ષોમાં દેશે કેટલી ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે.

સાથીઓ,

પ્રકાશ પર્વનો જે બોધ શીખ પરંપરામાં રહ્યો છે, જે મહત્વ રહ્યું છે, આજે દેશ પણ એટલી તન્મયતા સાથે કર્તવ્ય અને સેવાની પરંપરાને આગળ વધારી રહ્યો છે. દરેક પ્રકાશ પર્વનો પ્રકાશ દેશ માટે પ્રેરણાપુંજનું કામ કરી રહ્યો છે. મારું સૌભાગ્ય છે કે મને સતત અલૌકિક કાર્યક્રમોનો હિસ્સો બનવાની, સેવામાં સહભાગી થવાની તક મળી રહી છે. ગુરુ ગ્રંથ સાહેબને શિશ નમાવવાનું આ સુખ મળતું રહે, ગુરબાનીનું અમૃત કાનમાં પડતું રહે અને લંગરના પ્રસાદનો આનંદ આવતો રહે, તેનાથી જીવનના સંતોષની અનુભૂતિ પણ મળતી રહે છે અને દેશ માટે, સમાજ માટે સમર્પિત ભાવથી સતત કામ કરવાની ઊર્જા પણ અખૂટ બની રહે છે. કૃપા માટે, હું જેટલી વાર ગુરુ નાનક દેવજી અને આપણા બધા ગુરુઓનાં ચરણોમાં નમન કરું, તે ઓછું જ હશે.

સાથીઓ,

ગુરુ નાનક દેવજીએ આપણને જીવન જીવવાનો માર્ગ બતાવ્યો હતો. તેમણે કહ્યું હતું- "નામ જપો, કિરત કરો, વંડ છકો". એટલે કે ઈશ્વરનાં નામનો જાપ કરો, તમારા કર્તવ્ય પથ પર ચાલતાં-ચાલતાં મહેનત કરો અને પરસ્પર મળી વહેંચીને ખાઓ. એક વાક્યમાં આધ્યાત્મિક ચિંતન પણ છે, ભૌતિક સમૃદ્ધિનું સૂત્ર પણ છે અને સામાજિક સમરસતાની પ્રેરણા પણ છે. આજે આઝાદીના અમૃત કાળમાં દેશ આ જ ગુરૂ મંત્રને અનુસરીને દેશ 130 કરોડ ભારતીયોનાં જીવન કલ્યાણની ભાવના સાથે આગળ વધી રહ્યો છે.

આઝાદીના અમૃત કાળમાં દેશે પોતાની સંસ્કૃતિ, પોતાનો વારસો અને આપણી આધ્યાત્મિક ઓળખ પર ગર્વની ભાવના જગાવી છે. આઝાદીના અમૃત કાળને દેશે કર્તવ્યની પરાકાષ્ઠા સુધી પહોંચવા માટે કર્તવ્યકાળ તરીકે માન્યો છે. અને, આઝાદીના અમૃત કાળમાં દેશ સમતા, સમરસતા, સામાજિક ન્યાય અને એકતા માટે 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, અને સબકા પ્રયાસ'ના મંત્રને અનુસરી રહ્યો છે. એટલે કે સદીઓ પહેલાં દેશને ગુરુવાણીથી જે માર્ગદર્શન મળ્યું હતું, તે આજે આપણા માટે પરંપરા પણ છે, શ્રદ્ધા પણ છે અને વિકસિત ભારતનું વિઝન પણ છે.

સાથીઓ,

ગુરુ ગ્રંથ સાહિબનાં રૂપમાં આપણી પાસે જે અમૃતવાણી છે, એનો મહિમા, એની સાર્થકતા, સમય અને ભૂગોળની સીમાઓથી પર છે. આપણે પણ જોઈએ છીએ કે જ્યારે કટોકટી મોટી હોય છે, ત્યારે ઉકેલની પ્રાસંગિકતા વધુ વધી જાય છે. આજે વિશ્વમાં જે અશાંતિ છે, જે અસ્થિરતા છે, આજે દુનિયા જે મુશ્કેલ સમયગાળામાંથી પસાર થઈ રહી છે, એમાં ગુરુ સાહેબના ઉપદેશો અને ગુરુ નાનક દેવજીનું જીવન એક મશાલની જેમ વિશ્વને દિશા બતાવી રહ્યું છે. ગુરુ નાનકજીનો પ્રેમનો સંદેશો મોટામાં મોટી ખાઈને દૂર કરી શકે છે, અને એનો પુરાવો આપણે ભારતની ધરતી પરથી જ આપી રહ્યા છીએ. આટલી બધી ભાષાઓ, આટલી બધી બોલીઓ, આટલા ખાન-પાન, રહેણી-કરણી છતાં આપણે એક હિંદુસ્તાની તરીકે જીવીએ છીએ, દેશના વિકાસ માટે આપણી જાતને ખપાવી દઈએ છીએ. એટલે આપણે જેટલા આપણા ગુરુઓના આદર્શોને જીવીશું, આપણે જેટલા પરસ્પરના મતભેદો દૂર કરીને 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને મજબૂત કરીશું, આપણે માનવતાના મૂલ્યોને જેટલું પ્રાધાન્ય આપીશું, આપણા ગુરુઓની વાણી એટલી જ જીવંત અને પ્રખર સ્વરથી વિશ્વના જન-જન સુધી પહોંચશે.

સાથીઓ,

વીતેલાં 8 વર્ષોમાં ગુરૂ નાનક દેવજીનાં આશીર્વાદથી અમને શીખ પરંપરાના ગૌરવ માટે સતત કામ કરવાનો અવસર મળ્યો છે. અને, નિરંતરતા સતત બની રહી છે. તમને ખબર હશે, હમણાં થોડા દિવસ પહેલાં હું ઉત્તરાખંડના માણા ગામ ગયો હતો. મુલાકાત દરમિયાન ગોવિંદઘાટથી હેમકુંડ સાહિબ સુધી રોપ-વૅ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવાનું સૌભાગ્ય મને મળ્યું હતું. રીતે હમણાં દિલ્હી ઉના વંદે ભારત એક્સપ્રેસ પણ શરૂ થઈ ગઈ છે. જેનાથી આનંદપુર સાહિબના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે એક નવી આધુનિક સુવિધા શરૂ થઈ છે. આ અગાઉ ગુરૂ ગોવિંદ સિંહજી સાથે જોડાયેલાં સ્થળો પર રેલવેની સુવિધાઓનું આધુનિકીકરણ પણ કરવામાં આવ્યું છે. અમારી સરકાર દિલ્હી-કટરા-અમૃતસર એક્સપ્રેસ-વેના નિર્માણમાં પણ લાગેલી છે. જેનાથી દિલ્હી અને અમૃતસર વચ્ચેનું અંતર 3-4 કલાક ઘટી જશે. અમારી સરકાર આના પર 35,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવા જઈ રહી છે. હરમંદિર સાહિબનાં દર્શન સરળ બનાવવાનો અમારી સરકારનો પણ એક પૂણ્ય પ્રયાસ છે.

અને સાથીઓ,

કાર્યો ફક્ત સગવડ અને પર્યટનની સંભાવનાની બાબત નથી. તેમાં આપણાં તીર્થોની ઊર્જા, શીખ પરંપરાનો વારસો અને વ્યાપક બોધ પણ જોડાયેલો છે. બોધ સેવાનો છે, બોધ સ્નેહનો છે, બોધ પોતાનાપણાનો છે, બોધ શ્રદ્ધાનો છે. જ્યારે કરતારપુર સાહિબ કૉરિડોર દાયકાઓની રાહ જોયા પછી ખુલ્યો હતો એ મારા માટે શબ્દોમાં કહેવું મુશ્કેલ છે. અમારો પ્રયાસ રહ્યો છે કે શીખ પરંપરાને સતત મજબૂત કરતા રહીએ, શીખ વારસાને સશક્ત કરતા રહીએ. તમે સારી રીતે જાણો છો કે થોડા સમય પહેલા અફઘાનિસ્તાનની પરિસ્થિતિ કેવી રીતે કથળી હતી. અમે ત્યાં હિન્દુ-શીખ પરિવારોને પાછા લાવવાનું અભિયાન ચલાવ્યું હતું. અમે ગુરુ ગ્રંથ સાહિબનાં સ્વરૂપો પણ સુરક્ષિત રીતે લાવ્યાં છીએ. 26 ડિસેમ્બરે ગુરુ ગોવિંદ સિંહજીના સાહિબજાદાઓનાં મહાન બલિદાનની યાદમાં દેશે 'વીર બાલ દિવસ' પણ મનાવવાની શરૂઆત પણ કરી છે. દેશના ખૂણે ખૂણે ભારતની આજની પેઢી, ભારતની ભાવિ પેઢી, એ જાણે તો ખરી કે આ મહાભૂમિની શું પરંપરા રહી છે. જે ભૂમિ પર આપણો જન્મ થયો છે, જે આપણી માતૃભૂમિ છે, તેના માટે સાહિબજાદાની જેમ બલિદાન આપવું, કર્તવ્યની એ પરાકાષ્ઠા છે, જે સમગ્ર વિશ્વના ઇતિહાસમાં ભાગ્યે જોવા મળશે.

સાથીઓ,

આપણા પંજાબના લોકોએ અને દેશના લોકોએ ભાગલામાં જે બલિદાન આપ્યું એની યાદમાં દેશે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની શરૂઆત પણ કરી છે. ભાગલાનો ભોગ બનેલા હિન્દુ-શીખ પરિવારો માટે અમે સીએએ કાયદો લાવીને તેમને નાગરિકત્વ આપવાનો માર્ગ પણ બનાવવાનો પ્રયાસ કર્યો છે. હમણાં તમે જોયું હશે, ગુજરાતે વિદેશમાં સતાવેલા અને પીડિત શીખ પરિવારોને નાગરિકતા આપી છે અને તેમને એવો અહેસાસ કરાવ્યો છે કે વિશ્વમાં જ્યાં પણ શીખ છે, ભારત તેમનું પોતાનું ઘર છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે, મને ગુરુદ્વારા કોટ લખપત સાહિબનાં જીર્ણોદ્ધાર અને કાયાકલ્પનો લહાવો પણ મળ્યો હતો.

સાથીઓ,

બધાં કાર્યોની નિરંતરતાનાં મૂળમાં ગુરુ નાનક દેવજીએ ચીંધેલા માર્ગની કૃતજ્ઞતા છે. સાતત્યના હાર્દમાં ગુરુ અર્જન દેવ અને ગુરુ ગોવિંદસિંહનાં અપાર બલિદાનોનું ઋણ રહેલું છે,

જે પગલે પગલે ભરપાઈ કરવાનું દેશનું કર્તવ્ય છે. મને વિશ્વાસ છે કે ગુરુઓની કૃપાથી ભારત પોતાની શીખ પરંપરાનો મહિમા સતત વધારતું રહેશે અને પ્રગતિના પથ પર આગળ વધતું રહેશે. જ ભાવના સાથે હું ફરી એકવાર ગુરુનાં ચરણોમાં નમન કરું છું. ફરી એક વાર, હું આપ સૌને, બધા દેશવાસીઓને ગુરુ પૂરબની શુભકામનાઓ પાઠવું છું. ખૂબ ખૂબ આભાર!

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1874430) Visitor Counter : 179