પ્રધાનમંત્રીનું કાર્યાલય

કાલકાજી, દિલ્હીમાં નવા બંધાયેલા EWS ફ્લેટના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 02 NOV 2022 6:51PM by PIB Ahmedabad

કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીમંડળના મારા સહયોગી શ્રીમાન હરદીપ સિંહ પુરી જી, રાજ્યમંત્રી શ્રીમાન કૌશલ કિશોર જી, મિનાક્ષી લેખી જી, દિલ્હીના ઉપ રાજ્યપાલ શ્રી વિનય કુમાર સક્સેના જી, દિલ્હીના અન્ય તમામ માનનીય સંસદગણ, અન્ય તમામ મહાનુભાવો તથા ઉત્સાહથી ભરેલા તમામ લાભાર્થી ભાઈઓ તથા બહેનો.

વિજ્ઞાન ભવનમાં કાર્યક્રમ ઘણા થતા હોય છે. કોટ, પેન્ટ અને ટાઈ ધરાવતા ઘણા લોકો હોય છે. પરંતુ આજે જે રીતે અહીં આપણા સૌના પરિવારજનો દેખાઈ રહ્યા છે. એટલો જે ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે ખરેખર વિજ્ઞાન ભવનમાં ઘણો ઓછો જોવા મળે છે. આજે દિલ્હીના સેંકડો પરિવારો માટે, હજારો ગરીબ આપમા ભાઈઓ અને બહેનો માટે આ ઘણો મોટો દિવસ છે. વર્ષથી જે પરિવાર દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા આજે તેમના માટે એક રીતે જીવનનો નવો પ્રારંભ થઈ રહ્યો છે. દિલ્હીના ગરીબ પરિવારોને પાક્કા મકાન આપવા માટેનું જે અભિયાન શરૂ થયું છે તે અહીંના હજારો ગરીબ પરિવારોના સપના પૂરા કરશે. આજે અહીં સેંકડો લાભાર્થીઓને તેમના ઘરની ચાવી મળી છે. અને મને જે ચારથી પાંચ પરિવારોને મળવાની તક મળી છે. હું જોઈ રહ્યો હતો તેમના ચહેરા પરનો આનંદ, જે સંતોષ અને તેઓ પોતાના કાંઇકને કાંઇક ભાવ વ્યક્ત કરતા હતા. તે ભીતરનો જે આનંદ હતો તે પ્રગટ થઈ રહ્યો હતો, એક સંતોષ તેમના ચહેરા પર મહેકી રહ્યો હતો. એકલા કાલકાજી એક્સ્ટેન્શનના પ્રથમ તબક્કામાં જ ત્રણ હજારથી વધારે ઘર બનાવીને તૈયાર કરવામાં આવ્યા છે અને ખૂબ ઝડપથી અહીં રહેતા અન્ય પરિવારોને પણ ગૃહપ્રવેશની તક મળશે. મને વિશ્વાસ છે આવનારા સમયમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસ દિલ્હીને એક આદર્શ શહેર બનાવવામાં મોટી ભૂમિકા અદા કરશે.

સાથીઓ,
દિલ્હી જેવા મોટા શહેરમાં આપણે જે વિકાસ જોઈ રહ્યા છીએ, મોટા સપનાઓ અને ઉંચાઈઓ જોઈએ છીએ તેના પાયામાં મારા આ ગરીબ ભાઈ-બહેનોની મહેનત છે, તેમનો પરસેવો છે, તેમનો પરિશ્રમ છે. પરંતુ કમનસીબી જૂઓ વાસ્તવિકતા એ પણ છે કે શહેરોના વિકાસમાં જે ગરીબોની લોહી પરસેવો વહે છે તેઓ એ જ શહેરમાં બેહારીનું જીવન જીવવા મજબૂર બની જાય છે.   જયારે નિર્માણ કાર્ય કરનારો જ પાછળ રહી જાય છે, તે નિર્માણ પણ અધૂરું જ રહી જાય છે અને તેથી છેલ્લા સાત દાયકાઓમાં આપણા શહેર, સમગ્ર વિકાસથી, સંતુલિત વિકાસથી, સર્વગ્રાહી વિકાસથી વંચિત જ રહી જાય છે. જે શહેરમાં એક તરફ ઉંચી ઉંચી ભવ્ય ઇમારતો અને ચમક દમક હોય છે તેની જ બીજી તરફ ગંદી ઝૂંપડીઓમાં બેહાલી જોવા મળે છે. એક તરફ શહેરમાં કેટલાક વિસ્તારોને પોશ કહેવામાં આવે છે તો બીજી તરફ ઘણા વિસ્તારોમાં લોકો જીવનની મૌલિક જરૂરિયાતો માટે પણ તરસતા હોય છે. જ્યારે એક જ શહેરમાં આટલી અસમાનતા હોય તો સમગ્ર વિકાસની કલ્પના કેવી રીતે કરી શકાય. આઝાદીના અમૃતકાળમાં આપણે આ અંતરને દૂર કરવું જ પડશે. અને તેથી જ
‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ આ મંત્ર પર ચાલીને સૌના ઉત્થાન માટે પ્રયાસ થઈ રહ્યો છે.

સાથીઓ,
દાયકાઓ સુધી દેશમાં જે વ્યવસ્થા રહી તેમાં એવું વલણ અપનાવવામાં આવ્યું હતું કે ગરીબી માત્ર ગરીબની જ સમસ્યા છે. પરંતુ આજે દેશમાં જે સરકાર છે તે ગરીબની સરકાર છે તેથી તે ગરીબોને તેમના હાલ પર છોડી શકે તેમ નથી. અને તેથી આજે દેશની નીતિઓના કેન્દ્રમાં ગરીબ છે. આજે દેશના નિર્ણયોના કેન્દ્રમાં ગરીબ છે. ખાસ કરીને શહેરમાં રહેનારા ગરીબ ભાઈ-બહેનો પર પણ અમારી સરકાર એટલું જ ધ્યાન આપી રહી છે.

સાથીઓ,
કોઈને પણ એ જાણીને નવાઈ લાગશે કે અહીં દિલ્હીમાં જ 50 લાખથી વધારે લોકો એવા હતા જેમની પાસે બેંક ખાતું ન હતું. તે લોકો ભારતની બેંકિંગ વ્યવસ્થા સાથે જોડાયેલા ન હતા. બેંકો દ્વારા મળનારા તમામ લાભથી વંચિત હતા. પરંતુ હકીકત એ પણ હતી કે ગરીબ માણસ બેંકના દરવાજા સુધી જતા ડરતો હતો. આ લોકો દિલ્હીમાં હતા પરંતુ દિલ્હી તેમના માટે ઘણી દૂર હતી. આ પરિસ્થિતિની અમારી સરકારે બદલી નાખી. અભિયાન ચલાવીને દિલ્હીના ગરીબોના, દેશના ગરીબોના બેંકમાં ખાતા ખોલાવવામાં આવ્યા. ત્યારે કોઈએ ભાગ્યે જ એવું વિચાર્યું હશે કે તેના કેવા કેવા ફાયદા થઈ શકે છે. આજે દિલ્હીના ગરીબોને પણ સરકારની યોજનાનો સીધે સીધો લાભ મળી રહ્યો છે. આજે દિલ્હીના હજારો સાથી લાગી ગલ્લાની દુકાનો ચલાવે છે, શાકભાજી કે ફળ વેચી રહ્યા છે, કેટલાય સાથીઓ ઓટો રિક્શા ચલાવે છે, ટેક્સી ચલાવે છે. તેમાંથી ભાગ્યે જ કોઈ એવો હશે જેની પાસે ભીમ-યુપીઆઈ ન હોય. પૈસા સીધા મોબાઇલ પરર આવે છે, મોબાઇલથી પેમેન્ટ પણ થઈ જાય છે. તેમાં કેટલી મોટી આર્થિક સુરક્ષા મળે છે. બેંકિંગ સિસ્ટમથી સંકળાવાની આ જ સ્થિતિ પીએમ સ્વનિધી યોજનાનો પણ આધાર બની રહી છે. આ યોજના અંતર્ગત શહેરોમાં રહેનારા લારી ગલ્લા ધરાવતા ભાઈઓ અને બહેનોને પોતાનું કામ આગળ ધપાવવા માટે આર્થિક સહાયતા આપવામાં આવી રહી છે. અને મને આનંદ છે કે દિલ્હીના પણ 50 હજાર જેટલા લારી ગલ્લાવાળા મારા ભાઈ-બહેનોએ સ્વનિધી યોજનાનો લાભ લીધો છે. આ ઉપરાંત મુદ્રા યોજના અંતર્ગત કોઈ ગેરન્ટી વિના આપવામાં આવેલી 30 હજાર કરોડ રૂપિયાથી વધુની સહાયતાએ પણ દિલ્હીના નાના ઉદ્યમીઓની ઘણી મદદ કરી છે.

સાથીઓ,
આપણા ગરીબ સાથીઓને એક મોટી મુશ્કેલી રાશન કાર્ડ સાથેની અવ્યવસ્થાથી પણ થાય છે. અમે વન નેશન, વન રાશન કાર્ડની વ્યવસ્થા કરીને દિલ્હીના લાખો ગરીબોનું જીવન આસાન બનાવ્યું છે. આપણા જે પ્રવાસી મજૂરો અન્ય રાજ્યમાં કામ કરવા જાય છે, અગાઉ તેમનું રાશન કાર્ડ ત્યાં નકામું બની જતું હતું માત્ર કાગળનો એક ટુકડો બનીને રહી જતો હતો. તેનાથી તેમના માટે રાશનની સમસ્યા આવીને ઉભી રહી જતી હતી.
‘વન નેશન, વન રાશન કાર્ડ’ મારફતે આ ચિંતામાંથી પણ મુક્તિ મળી રહી છે. આ યોજનાનો લાભ કોરોના વૈશ્વિક મહામારીના સમયે દિલ્હીના ગરીબોએ પણ લીધો છે. આ વૈશ્વિક સંકટના સમયમાં દિલ્હીના લાખો ગરીબોને કેન્દ્ર  સરકાર છેલ્લા બે વર્ષથી વિના મૂલ્યે રાશન આપી રહી છે. આ માટે માત્ર દિલ્હીમાં જ કેન્દ્ર સરકાર દ્વારા અઢી હજાર કરોડ રૂપિયા કરતાં વઘારે ખર્ચ કરવામાં આવ્યો છે. આ જેટલી ચીજો મેં ગણાવીને તમે જ કહો મારે કેટલા રૂપિયાની જાહેરાત આપવી જોઇએ. કેટલા અખબારોના પાનાઓ ભરાઈ પડે, અખબારમાં મોદીનો ફોટો ચમકતો હોય અને કેટલી આપી દેતા. આટલા તમામ કામ અત્યારે હું ગણાવી રહ્યો છું તે તો ઘણા ઓછા ગણાવી રહ્યો છું નહિંતર ઘણો બધો સમય વેડફાઈ જશે. કેમ કે અમે આપના જીવનમાં પરિવર્તન લાવવા માટે જીવીએ છીએ.

સાથીઓ,
દિલ્હીમાં કેન્દ્ર સરકારે 40 લાખથી વધારે ગરીબોને વીમા કવચ પણ આપ્યું છે. દવાઓનો ખર્ચ ઘટાડવા માટે જન ઔષધિ કેન્દ્રોની સવલત આપી છે. જ્યારે જીવનમાં આ સુરક્ષા હોય છે તો ગરીબ નિશ્ચિંત બનીને પોતાની સમગ્ર તાકાત સાથે મહેનત કરે છે. તે ખુદને ગરીબીમાંથી બહાર લાવવા માટે, ગરીબીથી લડત લડવા માટે, ગરીબીને પરાસ્ત કરવા માટે જીવ લગાવીને લાગી જાય છે. આ નિશ્ચિંતતા ગરીબના જીવનમાં કેટલી મહત્વપૂર્ણ હોય છે તે બાબત કોઈ ગરીબથી સારી રીતે કોઈ જાણી શકતું નથી.

સાથીઓ,
દિલ્હીમાં એક અન્ય વિષય દાયકાઓ અગાઉ બનેલી ગેરકાયદે કોલોનીઓનો પણ રહ્યો છે. આ કોલોનીઓમાં આપણા લાખો ભાઈઓ અને બહેનો રહે છે. તેમનું સંપૂર્ણ જીવન એ જ ચિંતામાં પસાર થઈ રહ્યું હતું કે તેમના મકાનોનું શું થશે
? દિલ્હીના લોકોની આ ચિંતાને ઓછી કરવા માટેનું કામ પણ કેન્દ્ર સરકારે કર્યું. પીએમ-ઉદય યોજનાના માધ્યમથી દિલ્હીની ગેરકાયદે કોલોનીઓમાં બનેલા ઘરોને નિયમિત કરવાનું કામ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં હજારો લોકો આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે. કેન્દ્ર સરકારે દિલ્હીના મધ્યમ વર્ગને પણ તેમના પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવામાં ઘણી મદદ કરી છે. દિલ્હીના નીચલા તથા મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘર બનાવી શકે તેના માટે તેમને કેન્દ્ર સરકાર તરફથી વ્યાજમાં સહબસિડી આપવામાં આવી છે. તેના માટે પણ કેન્દ્ર સરકાર તરફથી 700 કરોડ રૂપિયા કરતાં વધારેનો ખર્ચ કરવામાં આવ્યો છે.

સાથીઓ,
કેન્દ્ર સરકારનું લક્ષ્યાંક છે કે અમે દિલ્હીને દેશની રાજધાનીને અનુરૂપ એક શાનદાર, સુવિધા સંપન્ન શહેર બનાવીએ. દિલ્હીના વિકાસને ગતિ આપવા માટે અમે જે કામ કર્યા છે, દિલ્હીના લોકો, દિલ્હીના ગરીબો, દિલ્હીનો વિશાળ મધ્યમ વર્ગ આ તમામના સાક્ષી રૂપમાં દરેક જગ્યાએ પોતાની વાતો કહે છે. આ વખતે લાલ કિલ્લા પરથી મેં દેશના આકાંક્ષી સમાજની વાત કરી હતી. દિલ્હીનો ગરીબ હોય કે મઘ્યમ વર્ગ, તે આકાંક્ષી પણ છે અને અભૂતપૂર્વ પ્રતિભાથી પણ ભરેલો છે.  તેમની સવલત, તેમની આકાંક્ષાની પૂર્તિ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા પૈકીની એક છે.

સાથીઓ,
2014માં જ્યારે અમારી સરકાર આવી હતી તો દિલ્હી-એનસીઆરમાં 190 કિલોમીટરના રૂટ પર જ મેટ્રો ચાલતી હતી. આજે દિલ્હી-એનસીઆરમાં મેટ્રોનો વ્યાપ વધારીને લગભગ લગભગ 400 કિલોમીટર સુધીનો થઈ ચૂક્યો છે. છેલ્લા આઠ વર્ષમાં અહીં 135 નવા મેટ્રો સ્ટેશન બનાવવામાં આવ્યા છે. આજે મારી પાસે દિલ્હીની કોલેજોમાં જનારા કેટલાય દિકરા અને દિકરીઓ, મોટી સંખ્યામાં નોકરિયાત લોકો પત્ર લખીને મેટ્રો સેવા માટે આભાર માને છે. મેટ્રોની સવલતનો વ્યાપ વધવાને કારણે દરરોજ લોકોના પૈસા બચી રહ્યા છે અને સમયની પણ બચત થઈ રહી છે. દિલ્હીને ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત અપાવવા માટે ભારત સરકાર દ્વારા 50 હજાર કરોડ રૂપિયાનું રોકાણ માર્ગોને પહોળા કરવા માટે કરવામાં આવ્યું છે, તેને આધુનિક બનાવવામાં આવી રહી છે. દિલ્હીમાં જ્યાં એક તરફ પેરિફેરલ એક્સપ્રેસ બની રહ્યો હોય અથવા અર્બન એક્સટેન્શન રોડ, અક્ષરધામથી બાગપત છ લેન એક્સેસ કન્ટ્રોલ હાઇવે હોય કે ગુરુગ્રાન-સોહના રડના રૂપમાં એલિવેટેડ કોરિડોર, આવા કેટલાય વિકાસ કાર્યો દિલ્હીમાં કેન્દ્ર સરકાર દ્વારા કરાવમાં આવી રહ્યા છે જે દેશની રાજધાનીમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિસ્તાર આપશે.

સાથીઓ,
દિલ્હી એનસીઆર માટે રેપિડ રેલવે જેવી સેવાઓ પણ નજીકના ભવિષ્યમાં શરૂ થવા જઈ રહી છે. નવી દિલ્હી રેલવે સ્ટેશનનું  જે ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે તેની તસવીરો પણ આપે જોઈ હશે. મને આનંદ છે કે દ્વારકાના  80 હેક્ટર જમીન પર ભારત વંદના પાર્કનું નિર્માણ હવે આગામી કેટલાક મહિનામાં સમાપ્ત થા તરફ આગળ ધપી  રહ્યું છે. મને કહેવામાં આવ્યું છે કે ડીડીએ દ્વારા દિલ્હીના 700થી વધુ મોટા પાર્કોની દેખરેખ કરવામાં આવી રહી છે. વઝીરાબાદ બૈરાઝથી લઈને ઓખલા બૈરાઝની વચ્ચે દે 22 કિલોમીટરનો સ્ટ્રેચ છે તેની ઉપર પણ ડીડીએ દ્વારા વિવિધ પાર્ક વિકસીત કરવામાં આવી રહ્યા છે.

સાથીઓ,
આજે મારા આટલા બધા ગરીબ ભાઈ બહેન પોતાના જીવનમાં એક નવો પ્રારંભ કરવા જઈ રહ્યા છે તો હું તેમની પાસેથી ચોક્કસ કેટલીક અપેક્ષા રાખું છું. જો હું આપ પાસેથી કોઈ અપેક્ષા રાખીશ તો પૂરી કરશો ને
? હું આપ લોકોને કોઈ કામ સોંપી શકું છું ? કરશો, કે પછી ભૂલી જશો કે નહીં ભૂલો. અચ્છા ભારત સરકાર કરોડોની સંખ્યામાં ગરીબો માટે ઘર બનાવી રહી છે. ઘરમાં નળથી જળ આપી રહી છે. વિજળીના કનેક્શન આપી રહી છે. માતાઓ તથા બહેનોને ધુમાડા વિના રસોઈ બનાવવાની સવલત મળે તેના માટે ઉજ્જવલા ગેસ સિલિન્ડર પણ મળી રહ્યું છે. આ સવલતો વચ્ચે આપણે આ વાત પાક્કી કરવાની છે કે આપણે આપણા ઘરોમાં એલઇડી બલ્બનો જ ઉપયોગ કરીશું. કરીશું ? બીજી વાત આપણે કોઈ પણ સંજોગોમાં કોલોનીમાં પાણીને બરબાદ થવા દઇશું નહીં. નહિંતર તમને ખબર છે કે લોકો શું કરે છે. બાતરૂમમાં બાલ્ટી ઉંધી રાખી દે છે. નળ ચાલું રાખે છે. સવારે છ વાગ્યે ઉઠવાનું છે તો તે ઘંડડીનું કામ કરે છે, પાણી આવશે બાલ્ટીનો અવાજ આવશે એટલે ખબર પડી જશે. જૂઓ પાણી બચાવવું અત્યંત જરૂરી છે, વિજળી બચાવવી અત્યંત જરૂરી છે અને તેનાથી પણ આગળ વધુ એક વાત કે આપણે અહીં ગંદી ઝૂંપડીનું વાતાવરણ બનાવવાનું નથી. આપણી કોલોની સ્વચ્છ હોય, સુંદર હોય, સ્વચ્છતાનું વાતાવરણ હોય અને હું તો કહીશ કે આપ જ લોકો પોતાની કોલોનીમાં બે ટાવરો વચ્ચે સ્પર્ધા કરો. દર મહિને સ્પર્ધા કે કયું ટાવર સૌથી વધારે સ્વચ્છ છે. ઝૂંપડીઓ વચ્ચે આટલા દાયકાઓથી જે માન્યતા બનાવીને રાખવામાં આવી હતી કે ઝૂંપડીઓને જે રીતે ગંદકી સાથે જોડી દેવામાં આવતી હતી હવે આપણી જવાબદારી છે તેને ખતમ કરવાની. મને ખાતરી છે કે આપ તમામ લોકો દિલ્હી તથા દેશના વિકાસમાં આ જ રીતે પોતાની ભૂમિકા અદા કરતા રહેશો. દિલ્હીના દરેક નાગરિકના યોગદાનથી દિલ્હી તથા દેશના વિકાસની આ યાત્રા અટક્યા વિના આગળ વધતી રહેશે. આ જ વિશ્વાસ સાથે આમ તમામને ફરી એક વાર ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ ધન્યવાદ.

YP/GP/JD


 

 



(Release ID: 1873298) Visitor Counter : 196