પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારત-વિયેતનામ વર્ચ્યુઅલ સમિટમાં પ્રધાનમંત્રીનું પ્રારંભિક સંબોધન

Posted On: 21 DEC 2020 2:22PM by PIB Ahmedabad

મહામહિમ, નમસ્કાર!


સૌપ્રથમ, હું મધ્ય વિયેતનામમાં પૂર અને ભૂસ્ખલનથી થયેલાં નુકસાન માટે ભારતના તમામ લોકો વતી મારી સંવેદના વ્યક્ત કરું છું. હું આશા રાખું છું કે ભારત દ્વારા જે રાહત સામગ્રી મોકલવામાં આવી છે તે તમને આ પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ કરશે.


મહાનુભાવ,

વિયેતનામે જે સફળતાથી કોવિડ-19 મહામારીને સંભાળી છે તેના વખાણ સમગ્ર વિશ્વમાં થઈ રહ્યા છે. આ માટે હું તમને અને વિયેતનામના નાગરિકોને અભિનંદન આપું છું.

મહાનુભાવ,

ગયા મહિને આપણે આસિયાન-ઇન્ડિયા વર્ચ્યુઅલ સમિટમાં મળ્યા હતા. અને મને ખુશી છે કે આજે ફરી એકવાર મને તમારી સાથે વાત કરવાનો અવસર મળ્યો છે. વિયેતનામ ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો મહત્ત્વપૂર્ણ આધારસ્તંભ છે અને આપણા ઇન્ડો-પેસિફિક વિઝનમાં મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે. આપણી વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારીનો અવકાશ આજે ઘણો વિશાળ છે. આપણા દ્વિપક્ષીય સંપર્કો પણ ઝડપથી વધી રહ્યા છે અને નવાં ક્ષેત્રોમાં ફેલાઈ રહ્યા છે.

અમે વિયેતનામ સાથેના અમારા સંબંધોને લાંબા ગાળાના અને વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી જોઈએ છીએ. ઇન્ડો-પેસિફિક પ્રદેશમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ આપણો સહિયારો હેતુ છે. આપણી ભાગીદારી આ વિસ્તારમાં સ્થિરતા અને શાંતિ જાળવવામાં મહત્ત્વપૂર્ણ પ્રદાન કરી શકે છે.

આજની આ વર્ચ્યુઅલ સમિટમાં આપણે આપણી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ આપણા ચાલુ રહેલા સહકારનાં વિવિધ પાસાઓનું મૂલ્યાંકન કરીશું. પ્રાદેશિક અને બહુપક્ષીય સ્તરે આપણા પારસ્પરિક સહકાર અંગે ચર્ચા કરવાની પણ આ એક સારી તક છે.

ઘણા વૈશ્વિક પડકારો અને આપણાં ક્ષેત્રનાં ભવિષ્ય વિશે અમારાં મંતવ્યોમાં સમાનતા છે, અને આપણે આપણાં સહિયારાં મૂલ્યોને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરી શકીએ છીએ. આવતાં વર્ષે આપણે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય બનીશું. અને એટલે જ, વૈશ્વિક મંચ પર આપણા સહકારનું મહત્ત્વ વધારે વધ્યું છે.

એ જાણીને આનંદ થાય છે કે, આજે આપણે વર્ષ 2021થી 2023 સુધી આપણા દ્વિપક્ષીય સંબંધો માટે એક સંયુક્ત વિઝન ડોક્યુમેન્ટ અને કાર્યયોજના જાહેર કરી રહ્યા છીએ. શાંતિ, સમૃદ્ધિ અને લોકો માટેનું આ સંયુક્ત વિઝન સમગ્ર વિશ્વને આપણા સંબંધોનાં ઊંડાણ વિશે એક મજબૂત સંદેશ આપશે. આપણી વાતચીતની સાથે જ બંને દેશો વચ્ચે સાત મહત્વપૂર્ણ કરારો પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

તેમાં સંરક્ષણ, વૈજ્ઞાનિક સંશોધન, પરમાણુ ઊર્જા, પેટ્રો કેમિકલ્સ, પુનઃપ્રાપ્ય ઊર્જા અને કૅન્સરની સારવાર જેવા વિવિધ વિષયો સામેલ છે. અમે આપણા વિકાસલક્ષી સહકાર અને સાંસ્કૃતિક સુરક્ષાનાં ક્ષેત્રમાં પણ નવી પહેલ હાથ ધરી રહ્યા છીએ. આ બધું આપણા વધતા પારસ્પરિક સહકારનાં વિસ્તરણ અને સંભવિતતાને પ્રતિબિંબિત કરે છે.

મહાનુભાવ,

હું ફરી એકવાર આ વર્ચ્યુઅલ સમિટમાં તમારું સ્વાગત કરું છું, હવે હું આપને આપની પ્રારંભિક ટિપ્પણીઓ માટે આમંત્રણ આપવા માગું છું.

SD/GP



(Release ID: 1870817) Visitor Counter : 96