પ્રધાનમંત્રીનું કાર્યાલય
ગ્લાસગોમાં COP26 સમિટમાં ‘ક્રિયા અને એકતા – નિર્ણાયક દાયકો’ પર યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનું સંબોધન
Posted On:
01 NOV 2021 1:36PM by PIB Ahmedabad
મહાનુભાવો,
મારા મિત્ર બોરિસ, અનુકૂલનના મહત્વના મુદ્દા પર મને મારા મંતવ્યો રજૂ કરવાની તક આપવા બદલ આપનો આભાર!
વૈશ્વિક આબોહવાની ચર્ચામાં અનુકૂલનને તેટલું મહત્વ મળતું નથી જેટલું શમનને આપવામાં આવે છે. આ બાબત, આબોહવા પરિવર્તનથી વધુ પ્રભાવિત વિકાસશીલ દેશો માટે અન્યાય છે.
ભારત સહિત મોટાભાગના વિકાસશીલ દેશોમાં ખેડૂતો માટે આબોહવા એક મોટો પડકાર છે - પાકની રૂપરેખા બદલાઇ રહી છે, દુષ્કાળ વરસાદ અને પૂર અથવા વારંવાર આવતા વાવાઝોડાથી પાકનો નાશ થઇ રહ્યો છે. પીવાના પાણીના સ્રોતોથી માંડીને પરવડે તેવા આવાસ સુધી, આ બધાને આબોહવા પરિવર્તન સામે પ્રતિરોધક બનાવવાની જરૂર છે.
મહાનુભાવો,
આ સંદર્ભમાં મારા ત્રણ મંતવ્યો છે. સૌથી પહેલા તો, આપણે અનુકૂલનને આપણી વિકાસની નીતિઓ અને પરિયોજનાઓનો મુખ્ય હિસ્સો બનાવવું પડશે. 'નલ સે જલ'- સૌના માટે નળનું પાણી, 'સ્વચ્છ ભારત'- સ્વચ્છ ભારત માટેનું મિશન અને 'ઉજ્જવલા'- ભારતમાં સૌના માટે રાંધણનું સ્વચ્છ ઇંધણ જેવી યોજનાઓએ અમારા જરૂરિયાતમંદ નાગરિકોને માત્ર અનુકૂલન લાભો જ આપ્યા છે એવું નથી પણ તેમના જીવનની ગુણવત્તામાં પણ સુધારો કર્યો છે. બીજું, ઘણા પરંપરાગત સમુદાયો પ્રકૃતિ સાથે સુમેળમાં રહેવાનું પૂરતું જ્ઞાન ધરાવે છે.
આ પરંપરાગત પ્રથાઓને આપણી અનુકૂલન સંબંધિત નીતિઓમાં યોગ્ય મહત્વ આપવું જોઇએ. જ્ઞાનનો આ પ્રવાહ શાળા સ્તરેથી જ અભ્યાસક્રમમાં પણ સામેલ કરવો જોઇએ જેથી કરીને તે નવી પેઢી સુધી પહોંચે. સ્થાનિક પરિસ્થિતિઓને અનુરૂપ જીવનશૈલીની જાળવણી પણ અનુકૂલનનો મહત્વપૂર્ણ આધારસ્તંભ બની શકે છે. ત્રીજું કે, અનુકૂલનની પદ્ધતિઓ સ્થાનિક હોઇ શકે છે, પરંતુ પછાત દેશોને તેમના માટે વૈશ્વિક સમર્થન મળવું જોઇએ.
સ્થાનિક અનુકૂલન માટે વૈશ્વિક સમર્થનના વિચાર સાથે, ભારતે આપત્તિ પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર CDRI માટે ગઠબંધનની પહેલ કરી હતી. હું તમામ દેશોને આ પહેલમાં જોડાવા માટે અનુરોધ કરું છું.
આપનો આભાર.
SD/GP
(Release ID: 1870807)