પ્રધાનમંત્રીનું કાર્યાલય

બેંગકોકમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

Posted On: 04 NOV 2019 2:12PM by PIB Ahmedabad

કિંગડમ ઓફ થાઇલેન્ડ, અહીંના માનનીય સામાજિક વિકાસ મંત્રી,

થાઇલેન્ડ-ઇન્ડિયા સંસદીય મૈત્રી જૂથના માનનીય સભ્યો,

સાથીઓ,

નમસ્કાર

કેમ છો?

સત્‌ શ્રી અકાલ,

વનક્કમ,

નમસ્કારમ,

સવાદી રવ્રપ


પ્રાચીન સોનેરી ભૂમિ, થાઇલેન્ડમાં આપ સૌની વચ્ચે આવીને એવું લાગે છે કે આપે આ સોનેરી ભૂમિ પર આવીને પણ તેને તમારા રંગથી રંગી દીધી છે. આ વાતાવરણ, આ વેશભૂષા, ચારે બાજુથી પોતાનાંપણાંની ભાવના આપે છે, પોતાનાપણું પ્રતિબિંબિત કરે છે. તમે માત્ર ભારતીય મૂળના છો એટલા માટે જ નહીં, પરંતુ થાઇલેન્ડના કણ-કણમાં, જન-જનમાં પણ પોતાનાપણાની ભાવના દેખાય છે. અહીંની વાતચીતમાં અહીંના ખાન-પાનમાં, અહીંની પરંપરાઓમાં, શ્રદ્ધામાં, સ્થાપત્યમાં, ક્યાંકને ક્યાંક આપણે ભારતીયતાની સુગંધ ચોક્કસ અનુભવીએ છીએ. સાથીઓ, આખી દુનિયાએ હમણાં હમણાં જ દીપાવલીનું પર્વ ઉજવ્યું છે. અહીં થાઇલેન્ડમાં પણ ભારતના પૂર્વાંચલથી મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. અને આજે પૂર્વ ભારતમાં અને હવે તો લગભગ સમગ્ર ભારતમાં સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાની આરાધનાનાં પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. હું ભારતના લોકોને તેમજ થાઇલેન્ડમાં રહેતા મારા સાથીઓને પણ છઠ્ઠ પૂજા માટે અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું.

સાથીઓ,

થાઇલેન્ડની આ મારી પ્રથમ સત્તાવાર મુલાકાત છે. ત્રણ વર્ષ પહેલાં થાઈલેન્ડના નરેશનાં નિધન પર હું શોકગ્રસ્ત ભારત વતી અહીં આવ્યો હતો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અને આજે થાઈલેન્ડના નવા રાજાના શાસનકાળ દરમિયાન અને મારા મિત્ર પ્રધાનમંત્રી પ્રયુત ચાન-ઓ-ચાનનાં આમંત્રણ પર હું આજે અહીં ભારત-આસિયાન શિખર સંમેલનમાં ભાગ લેવા આવ્યો છું. હું ભારતના 1.3 અબજ લોકો તરફથી સમગ્ર રાજ પરિવાર, થાઇલેન્ડ સામ્રાજ્યની સરકાર અને થાઇ મિત્રોને ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું.

સાથીઓ,

થાઇલેન્ડના શાહી પરિવારનો ભારત પ્રત્યેનો લગાવ આપણા ગાઢ અને ઐતિહાસિક સંબંધોનું પ્રતીક છે. રાજકુમારી મહાચક્રી પોતે સંસ્કૃત ભાષાનાં મહાન વિદ્વાન છે અને સંસ્કૃતિમાં ઊંડો રસ ધરાવે છે. ભારત સાથે તેમના ગાઢ સંબંધો ખૂબ ઊંડા છે, પરિચય ઘણો વ્યાપક છે અને ભારતે પદ્મભૂષણ અને સંસ્કૃત સન્માન સાથે તેમનો આભાર વ્યક્ત કર્યો છે તે આપણા માટે સૌભાગ્યની વાત છે.

સાથીઓ,

શું તમે વિચાર્યું છે કે આપણા સંબંધો આટલા આત્મીય કેવી રીતે બન્યા? આપણી વચ્ચેના સંપર્ક અને સંબંધની આ ઊંડાઈનું કારણ શું છે? આ પારસ્પરિક વિશ્વાસ, આ હળી-મળીને રહેવું, આ સંવાદિતા – આ બધું ક્યાંથી આવ્યું? આ સવાલોના સરળ જવાબ છે. વાસ્તવમાં આપણા સંબંધો માત્ર સરકારો વચ્ચેના જ નથી. આ સંબંધો માટે આપણે એમ પણ કહી શકીએ નહીં કે કોઈ એક સરકારને સમયે થયું હતું, એ સમયે થયું હતું, પેલા સમયે થયું, આપણે તેમ પણ કહી શકીએ નહીં. હકીકત એ છે કે ઇતિહાસની દરેક પળે, ઇતિહાસની દરેક તવારીખે, ઇતિહાસની દરેક ઘટનાએ આપણા આ સંબંધોને વિકસિત કર્યા છે, વિસ્તૃત કર્યા છે, ગાઢ બનાવ્યા છે અને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યા છે. આ સંબંધો દિલના છે, આત્માના છે, શ્રદ્ધાના છે, આધ્યાત્મિકતાના  છે.

ભારતનું નામ પૌરાણિક કાળના જંબુદ્વીપ સાથે જોડાયેલું છે. એ થાઇલેન્ડ સુવર્ણ ભૂમિનો એક ભાગ હતું. જંબુદ્વીપ અને સુવર્ણભૂમિ, ભારત અને થાઇલેન્ડ – આ જોડાણ હજારો વર્ષ જૂનું છે. ભારતના દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ કિનારાઓ હજારો વર્ષો પહેલાં દક્ષિણ-પૂર્વ એશિયા સાથે દરિયાઈ માર્ગે જોડાયા. પશ્ચિમ કિનારો હજારો વર્ષ પહેલાં દક્ષિણ-પૂર્વીય એશિયા સાથે સમુદ્ર માર્ગે જોડાયો. આપણા નાવિકોએ સમુદ્રનાં મોજાઓ પર હજારો માઇલનું અંતર કાપીને સમૃદ્ધિ અને સંસ્કૃતિના જે સેતુઓ બનાવ્યા તે હજી પણ અસ્તિત્વમાં છે. આ જ માર્ગો દ્વારા દરિયાઈ વેપાર થતો હતો. આ જ માર્ગોએ લોકો આવ્યા અને ગયા. અને તેનાં જ માધ્યમથી આપણા પૂર્વજોએ ધર્મ અને ફિલસૂફી, જ્ઞાન અને વિજ્ઞાન, ભાષા અને સાહિત્ય, કળા અને સંગીત અને તેમની જીવનશૈલીને પણ વહેંચી હતી.


ભાઇઓ અને બહેનો,

હું ઘણી કહું છું કે, ભગવાન રામની મર્યાદા અને ભગવાન બુદ્ધની કરુણા, આ બંને આપણો સહિયારો વારસો છે. કરોડો ભારતીયોનું જીવન જ્યાં રામાયણથી પ્રેરિત થાય છે, એ જ દિવ્યતા થાઈલેન્ડમાં રામાકિયનની છે. ભારતની અયોધ્યા નગરી, થાઈલેન્ડમાં આ-યુથ્યા થઈ જાય છે. જે નારાયણે અયોધ્યામાં અવતાર લીધો, એમનું પાવન-પવિત્ર વાહન 'ગરુડ'  પ્રત્યે થાઇલેન્ડમાં અપ્રતિમ શ્રદ્ધા છે.

સાથીઓ,

આપણે માત્ર ભાષાનાં સ્તરે જ નહીં, પરંતુ લાગણીનાં સ્તરે પણ એકબીજાની ખૂબ નજીક છીએ. એટલા નજીક કે ક્યારેક આપણને એનો આભાસ પણ નથી થતો. જેમ કે તમે મને કહ્યું સાવદી મોદી. સવાદીનો સંબંધ સંસ્કૃત શબ્દ સ્વસ્તિ સાથે છે. તેનો અર્થ થાય છે સુ પ્લસ અસ્તિ, એટલે કે કલ્યાણ. એટલે કે તમારું કલ્યાણ થાય. અભિવાદન હોય, શુભેચ્છાઓ હોય, શ્રદ્ધા હોય, આપણને આપણા ગાઢ સંબંધોની ઊંડી નિશાનીઓ બધે જ જોવા મળે છે.

સાથીઓ,

વીતેલાં પાંચ વર્ષોમાં મને દુનિયાના અનેક દેશોની મુલાકાત લેવાની તક મળી છે અને દરેક જગ્યાએ હું ભારતીય સમુદાયને મળવાનો, તેમની મુલાકાત લેવાનો, તેમના આશીર્વાદ લેવાનો પ્રયાસ કરતો રહું છું. અને આજે પણ તમે આટલી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા આવ્યા છો, હું તમારો ખૂબ ખૂબ આભારી છું. પરંતુ જ્યારે પણ આવી કોઈ મુલાકાત થઈ છે, ત્યારે મેં દરેકમાં જોયું કે ભારતીય સમુદાયમાં ભારત અને તેમના યજમાન દેશની સભ્યતાનો એક અદ્ભુત સંગમ આપણને જોવા મળે છે. મને ઘણો ગર્વ થાય છે કે તમે જ્યાં પણ રહો છો, ભારત તમારી અંદર વસે છે, તમારી અંદર ભારતની સંસ્કૃતિ અને સભ્યતાનાં મૂલ્યો જીવંત રહે છે. મને એટલો જ આનંદ ત્યારે પણ આવે છે જ્યારે તે દેશોનું નેતૃત્વ, તેમના નેતાઓ, ત્યાંના ઉદ્યોગપતિઓ, ભારતીય સમુદાયની પ્રતિભા, સખત પરિશ્રમ અને શિસ્તની પ્રશંસા કરે છે મને ઘણો ગર્વ થાય છે. તેઓ આપના મિલનસાર અને શાંતિથી રહેવાની પ્રવૃત્તિના પ્રશંસક દેખાય છે. સમગ્ર વિશ્વમાં વસતા ભારતીય સમુદાયની આ છબી દરેક હિંદુસ્તાની માટે, આખા ભારત માટે બહુ ગર્વની વાત છે અને તેના માટે દુનિયાભરમાં ફેલાયેલા આપ સૌ બંધુઓ અભિનંદનને પાત્ર છો.

સાથીઓ,

મને એ વાતની પણ ખુશી થાય છે કે દુનિયામાં જ્યાં પણ ભારતીયો છે, તેઓ ભારતના સંપર્કમાં રહે છે. તેઓ ભારતમાં શું થઈ રહ્યું છે તેની ખબર રાખે છે અને કેટલાક લોકો ખબર લઈ પણ લે છે. અને ભારતની પ્રગતિથી, ખાસ કરીને છેલ્લાં પાંચ વર્ષની સિદ્ધિઓથી, વિશ્વભરમાં વસતા મારા દેશવાસીઓનું મસ્તક ઊંચું થાય છે અને છાતી પહોળી થઈ જાય છે. તેમનો આત્મવિશ્વાસ અનેકગણો વધી જાય છે અને આ જ તો દેશની તાકાત હોય છે. તેઓ તેમના વિદેશી મિત્રોને કહી શકે છે કે, જુઓ - હું ભારતીય મૂળનો છું અને મારું ભારત કેટલું ઝડપથી, કેટલું આગળ વધી રહ્યું છે. અને જ્યારે કોઈ પણ ભારતીય દુનિયામાં જ્યારે કહે છે તો દુનિયા આજે તેમની વાત ધ્યાનથી સાંભળે છે, તમે થાઈલેન્ડમાં પણ તેનો અનુભવ કર્યો હશે, કારણ કે 130 કરોડ ભારતીયો આજે નવાં ભારતનાં નિર્માણમાં લાગેલા છે. તમારામાંના ઘણા, જેઓ 5-7 વર્ષ પહેલાં ભારત ગયા છે, તેઓ હવે ત્યાં જશે ત્યારે સાર્થક પરિવર્તનનો સ્પષ્ટ અનુભવ થતો હશે. આજે ભારતમાં જે પરિવર્તન આવી રહ્યું છે તેનું જ પરિણામ એ છે કે દેશની જનતાએ ફરી એકવાર મને, પોતાના આ સેવકને ગત લોકસભાની ચૂંટણીમાં પહેલાં કરતાં પણ વધારે આશીર્વાદ આપ્યાં છે.  

સાથીઓ,

ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે અને તે આપણા માટે ગર્વની વાત છે કે આપણે આખી દુનિયામાં સૌથી મોટું લોકતંત્ર છીએ અને દુનિયા આ વાત જાણે પણ છે, પરંતુ લોકતંત્રનો મહાકુંભ એટલે કે ચૂંટણી, સૌથી મોટી ચૂંટણી કેવી રીતે થાય છે, તેને સાચા અર્થમાં એ જ સમજી શકે છે જેમણે તેને પોતાની નજરે જોયું હોય. તમે કદાચ જાણતા હશો કે આ વર્ષની સામાન્ય ચૂંટણીઓમાં, ઇતિહાસમાં સૌથી વધુ 60 કરોડ મતદારોએ મતદાન કર્યું હતું. આ વિશ્વના લોકતંત્રના ઈતિહાસની સૌથી મોટી ઘટના છે અને દરેક ભારતીયને તેના પર ગર્વ હોવો જોઈએ. પરંતુ શું તમે એ પણ જાણો છો કે ભારતના ઇતિહાસમાં પહેલીવાર મહિલા મતદારો એટલે કે મતદાન કરનારી મહિલાઓની સંખ્યા હવે પુરુષોથી પાછળ નથી રહી, જેટલા પુરુષ મતદાન કરે છે એટલી જ મહિલાઓ મતદાન કરે છે. એટલું જ નહીં, આ વખતે લોકસભામાં પહેલા કરતા વધારે મહિલા સાંસદો ચૂંટાઈ આવ્યાં છે. શું તમે એ પણ જાણો છો કે લોકશાહી પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતા આટલી ઊંડી છે અને તમને જાણીને નવાઈ લાગશે કે, ગુજરાતમાં ગીરનાં જંગલોમાં એક મતદાતા રહે છે, એક, જંગલમાં, ડુંગરમાં, તે એક મતદાતા માટે અલગ મતદાન કેન્દ્ર બનાવવામાં આવે છે, એટલે કે, આપણા માટે લોકશાહી કેટલી મોટી પ્રાથમિકતા છે, તે કેટલું મહત્ત્વનું છે તેનું આ ઉદાહરણ છે.

ભાઇઓ અને બહેનો,

ભારતમાં અને કદાચ આ તમારા માટે પણ એક નવા સમાચાર હશે, ભારતમાં છ દાયકા પછી એટલે કે 60 વર્ષ પછી, કોઇ સરકારને પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કર્યા પછી, પહેલા કરતા પણ મોટો જનાદેશ મળ્યો છે. આવું 60 વર્ષ પહેલાં એકવાર થયું હતું,  60 વર્ષ બાદ આ પહેલી વખત બન્યું છે. અને તેનું કારણ છે છેલ્લાં પાંચ વર્ષમાં ભારતની ઉપલબ્ધિઓ. પરંતુ તેનો એક અર્થ એ પણ છે કે ભારતના લોકોની અપેક્ષાઓ અને આશાઓમાં વધુ વધારો થયો છે. જે કામ કરે છે તેની પાસેથી જ તો લોકો કામ માગે છે. જે કામ નથી કરતા લોકો તેના દિવસો ગણતા રહે છે, જે કામ કરે છે એને લોકો કામ આપતા રહે છે. અને તેથી મિત્રો, અમે હવે એવાં લક્ષ્યોને પ્રાપ્ત કરવાં માટે કામ કરી રહ્યા છીએ જે ક્યારેક અશક્ય લાગતાં હતાં. વિચારી પણ નહોતા શકતા, એમ માનીને બેઠા હતા કે આવું તો થઈ જ ન શકે. આપ સૌ એ વાત જાણો છો કે આતંક અને અલગાવનાં બીજ રોપનારા એક બહુ મોટાં કારણથી દેશને મુક્ત કરવાનો નિર્ણય ભારતે કરી લીધો છે. ખબર છે, ખબર છે શું કર્યું?  થાઇલેન્ડમાં રહેતા દરેક હિંદુસ્તાનીને ખબર છે કે શું કર્યું. જ્યારે નિર્ણય યોગ્ય હોય છે, ઇરાદો સાચો હોય છે, તો તેના પડઘા સમગ્ર વિશ્વમાં સંભળાય છે અને આજે હું થાઇલેન્ડમાં પણ સાંભળી રહ્યો છું. આ આપનું સ્થાયી અભિવાદન-સ્ટેન્ડિંગ ઓવેશન ભારતની સંસદ માટે છે, ભારતનાં પાર્લામેન્ટ માટે છે, ભારતની પાર્લામેન્ટના મેમ્બર્સ માટે છે. તમારો આ પ્રેમ, તમારો આ ઉત્સાહ, તમારો આ સાથ-સહકાર, ભારતના દરેક સંસદ સભ્ય માટે એક બહુ મોટી તાકાત બની જશે. હું તમારો આભારી છું, આપ બેસી જાવ. આપનો આભાર.

સાથીઓ,

તાજેતરમાં જ ગાંધીજીની 150મી જન્મ જયંતિ પર ભારતે પોતાને ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કર્યું છે. એટલું જ નહીં, આજે ભારતના ગરીબમાં ગરીબ વ્યક્તિનું રસોડું ધુમાડામુક્ત, સ્મોક ફ્રી બની રહ્યું છે. અમે 3 વર્ષથી પણ ઓછા સમયમાં 8 કરોડ પરિવારોને મફત એલપીજી ગેસ કનેક્શન આપ્યાં છે. 8 કરોડ, આ સંખ્યા થાઇલેન્ડની વસ્તી કરતા વધારે છે. વિશ્વની સૌથી મોટી હૅલ્થકેર યોજના આયુષ્માન ભારત આજે આશરે 50 કરોડ ભારતીયોને રૂ. 5 લાખ સુધીની મફત સારવાર માટે આરોગ્ય કવચ આપી રહી છે. આ યોજનાને હજી હમણાં જ એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ લગભગ 60 લાખ લોકોને તેના હેઠળ નિ:શુલ્ક સારવાર મળી ચૂકી છે. એટલે કે આગામી બે-ત્રણ મહિનામાં આ સંખ્યા બેંગકોકની કુલ વસ્તી કરતાં પણ વધુ હશે.

સાથીઓ,

વીતેલાં 5 વર્ષોમાં અમે દરેક ભારતીયને બૅન્ક ખાતા સાથે જોડ્યા છે, વીજળીનું કનેક્શન આપ્યું છે અને હવે અમે એક એવાં મિશન સાથે નીકળી પડ્યા છીએ, દરેક ઘરમાં પર્યાપ્ત માત્રામાં પાણી પહોંચાડવા માટે કામ કરી રહ્યા છીએ. 2022, જ્યારે ભારત આઝાદીનાં 75 વર્ષ ઉજવશે. 2022માં ભારતની આઝાદીનાં 75 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. 2022 સુધીમાં દરેક ગરીબને તેમનું પાકું મકાન આપવા માટે પણ પૂરી તાકાતથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મને વિશ્વાસ છે કે, જ્યારે તમે ભારતની આ ઉપલબ્ધિઓ વિશે સાંભળતા હશો, ત્યારે ગર્વની અનુભૂતિ વધુ વધતી જતી હશે.

સાથીઓ,

મંચ પર હું જ્યારે આવ્યો એના પછી તરત જ મને થોડા સમય પહેલાં ભારતના બે મહાન સપૂતો, બે મહાન સંતો સાથે જોડાયેલાં સ્મૃતિચિહ્નો પ્રસિદ્ધ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. મને યાદ છે કે ત્રણ-ચાર વર્ષ પહેલાં મને સંત થિરુ વલ્લુવરની મહાન કૃતિ થિરુક્કુરલના ગુજરાતી અનુવાદનો શુભારંભ કરવાની તક મળી હતી. અને હવે થિરુક્કુરલનો થાઇ ભાષામાં અનુવાદ થવાથી મને વિશ્વાસ છે કે આ ભ-ભાગના લોકોને પણ ઘણો લાભ થશે. કારણ કે તે માત્ર એક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવા માટેનો માર્ગદર્શક પ્રકાશ છે. લગભગ અઢી હજાર વર્ષ પહેલાંનાં આ પુસ્તકમાં જે મૂલ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે આજે પણ આપણો અમૂલ્ય વારસો છે. દાખલા તરીકે, સંત થિરુવલ્લુવર કહે છે- તાલાટ્રિ તંદ પોરુલ-એલ્લામ તક્કરક વેલાણમઇ સઈદર પોરુટટ્‌  એટલે કે યોગ્ય વ્યક્તિ પરિશ્રમથી જે ધન કમાય છે એનો ઉપયોગ બીજાના ભલા માટે કરે છે. ભારત અને ભારતીયોનું જીવન આજે પણ આ આદર્શમાંથી પ્રેરણા લે છે.

સાથીઓ,
આજે ગુરુ નાનક દેવજીના 550મા પ્રકાશોત્સવ પ્રસંગે સ્મારક સિક્કા પણ બહાર પાડવામાં આવ્યા છે. અને મને જણાવવામાં આવ્યું છે કે, અહીં બેંગકોકમાં 50 વર્ષ પહેલાં, ગુરુ નાનક દેવજીનો 'પાંચસોમો' પ્રકાશોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. મને વિશ્વાસ છે કે તેમનો '550મો' પ્રકાશોત્સવ એનાથીય વધુ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. અહીંના શીખ સમુદાયે ફિત્સા-નુલોક અથવા વિષ્ણુલોકમાં જે ગુરુ નાનક દેવજી ગાર્ડન બનાવ્યું છે, એ એક પ્રશંસનીય પ્રયાસ છે.

ભાઇઓ અને બહેનો,

આ પવિત્ર તહેવાર નિમિત્તે ભારત સરકાર છેલ્લાં એક વર્ષથી બેંગકોક સહિત સમગ્ર વિશ્વમાં કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. ગુરુ નાનક દેવજી માત્ર ભારતના જ, માત્ર શીખ પંથના જ નહોતા, પરંતુ તેમના વિચારો સમગ્ર વિશ્વ, સમગ્ર માનવતાની ધરોહર છે. અને આપણા ભારતીયોની એ એક વિશેષ જવાબદારી છે કે આપણે આપણા વારસાનો લાભ સમગ્ર વિશ્વ સુધી પહોંચાડીએ. અમારો પ્રયાસ છે કે દુનિયાભરમાં શીખ પંથ સાથે જોડાયેલા સાથીઓને તેમનાં આસ્થાનાં કેન્દ્રો સાથે જોડાવાનું સરળ બને.

સાથીઓ,

તમે એ પણ જાણતા હશો કે, કેટલાક દિવસો પછી કરતારપુર સાહિબથી સીધી કનેક્ટિવિટી સુનિશ્ચિત થવા જઈ રહી છે. 9 નવેમ્બરના રોજ કરતારપુર કૉરિડોર ખુલ્યા બાદ હવે ભારતથી શ્રદ્ધાળુઓ સીધા કરતારપુર સાહિબ જઈ શકશે. હું તમને પણ આગ્રહ કરીશ કે તમે પણ તમારા પરિવાર સાથે, વધુમાં વધુ સંખ્યામાં ભારત આવો અને ગુરુ નાનક દેવજીના વારસાનો જાતે અનુભવ કરો.

સાથીઓ,

ભારતમાં ભગવાન બુદ્ધ સાથે જોડાયેલાં તીર્થ સ્થળોનું આકર્ષણ વધારવા માટે પણ સરકાર સતત કામ કરી રહી છે. લદ્દાખથી લઈને બોધગયા, સારનાથથી સાંચી સુધી, જ્યાં-જ્યાં પણ ભગવાન બુદ્ધનાં સ્થાનો છે, ત્યાં તેની કનેક્ટિવિટી માટે અભૂતપૂર્વ પ્રયાસો થઈ રહ્યા છે. આવાં સ્થાનોને બુદ્ધ સર્કિટ તરીકે વિકસાવવામાં આવી રહ્યાં છે. ત્યાં આધુનિક સુવિધાઓ બનાવવામાં આવી છે. મને વિશ્વાસ છે કે જ્યારે તમે બધા થાઇલેન્ડના તમારા મિત્રો સાથે ત્યાં જશો, ત્યારે તમને એક અભૂતપૂર્વ અનુભવ થશે.

સાથીઓ,

આપણાં પ્રાચીન વેપારી સંબંધોમાં ટેક્સટાઇલ્સની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. હવે પર્યટન આ કડીને વધુ મજબૂત કરી રહ્યું છે. થાઇલેન્ડ સહિત આ સમગ્ર આસિયાન પ્રદેશના સાથીઓ માટે પણ ભારત હવે એક આકર્ષક સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. છેલ્લાં 4 વર્ષમાં ટ્રાવેલ એન્ડ ટૂરિઝમનાં ગ્લોબલ ઇન્ડેક્સમાં ભારતે 18 ક્રમની છલાંગ લગાવી છે. આવનારા સમયમાં પર્યટનના આ સંબંધો વધુ મજબૂત થવાના છે. આપણે આપણા વારસા, આધ્યાત્મિક અને તબીબી પર્યટન સાથે સંકળાયેલ સુવિધાઓને વધુ મજબૂત કરી છે. એટલું જ નહીં પ્રવાસન માટે કનેક્ટિવિટીનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ અભૂતપૂર્વ કામ કરવામાં આવ્યું છે.

સાથીઓ,

મેં એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, હું અહીં આસિયાન-ઇન્ડિયા અને એ સંબંધિત બેઠકો માટે આવ્યો છું. ખરેખર, આસિયાન દેશો સાથે પોતાના સંબંધોને પ્રોત્સાહન આપવું એ અમારી સરકારની વિદેશ નીતિની પ્રાથમિકતાઓમાંનો એક મહત્વપૂર્ણ મુદ્દો છે. આ માટે અમે એક્ટ ઈસ્ટ પોલિસીને ખાસ મહત્વ આપ્યું છે. ગયાં વર્ષે ભારત-આસિયાન સંવાદ ભાગીદારી રજત જયંતી હતી. આ પ્રસંગે સૌપ્રથમ વાર એવું થયું કે આસિયાનના તમામ 10 દેશોના ટોચના નેતાઓ એક સાથે ભારતમાં કમે-મો-રેટિવ સમિટ માટે આવ્યા અને તેમણે 26 જાન્યુઆરીના રોજ આપણા પ્રજાસત્તાક દિનમાં સહભાગી થઈને આપણું માન વધાર્યું.

ભાઇઓ અને બહેનો,

તે માત્ર એક રાજદ્વારી કાર્યક્રમ ન હતો. આસિયાન સાથે ભારતની સહિયારી સંસ્કૃતિની છટા પ્રજાસત્તાક દિવસની પરેડમાં રાજપથ પર જ નહીં, પરંતુ ભારતના દરેક ખૂણામાં પણ પહોંચી.

સાથીઓ,
ભૌતિક માળખું હોય કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આજે અમે થાઇલેન્ડ અને આસિયાનનાં અન્ય દેશોને જોડવા માટે પણ ભારતની વિશ્વ કક્ષાની સુવિધાઓનું વિસ્તરણ કરી રહ્યાં છીએ. આકાશ હોય, સમુદ્ર હોય કે પછી રોડ કનેક્ટિવિટી, ભારત અને થાઇલેન્ડ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે. આજે બંને દેશો વચ્ચે દર અઠવાડિયે લગભગ 300 ફ્લાઈટ્સ ચાલી રહી છે. અત્યારે ભારતનાં 18 ડેસ્ટિનેશન્સ સીધા થાઇલેન્ડ સાથે જોડાયેલાં છે. આજે સ્થિતિ એ છે કે બંને દેશોનાં કોઈ પણ બે ડેસ્ટિનેશન્સ વચ્ચે ફ્લાઇટનો સરેરાશ સમય 2થી 4 કલાકનો છે. આ તો એવું જ છે કે તમે જાણે ભારતમાં જ બે સ્થળો વચ્ચે ઉડી રહ્યા છો. આ વર્ષે મારાં સંસદીય ક્ષેત્ર, વિશ્વની સૌથી પ્રાચીન નગરી કાશીથી બેંગકોક સુધીની જે સીધી ફ્લાઇટ શરૂ થઈ છે એ પણ ખૂબ લોકપ્રિય બની ગઈ છે. તેનાથી આપણી પ્રાચીન સંસ્કૃતિઓનું જોડાણ વધારે મજબૂત થશે અને બહુ મોટી સંખ્યામાં બૌદ્ધ પ્રવાસીઓ, જે સારનાથ જવા માગે છે, એ ઘણા આવે છે. અમારું ધ્યાન ભારતના પૂર્વોત્તરને થાઇલેન્ડ સાથે જોડવા પર છે. અમે પૂર્વોત્તર ભારતને દક્ષિણ પૂર્વ એશિયાનાં પ્રવેશદ્વારનાં રૂપમાં વિકસિત કરી રહ્યા છીએ.

ભારતનો આ ભાગ આપણી એક્ટ ઇસ્ટ પોલિસી અને થાઇલેન્ડની એક્ટ વેસ્ટ પોલિસી એમ બંનેને તાકાત આપશે. આ ફેબ્રુઆરીમાં બેંગકોકમાં ભારતની બહાર પહેલો નોર્થ ઇસ્ટ ઇન્ડિયા ફેસ્ટિવલ ઉજવવા પાછળ પણ આ જ વિચાર હતો. મને જણાવવામાં આવ્યું છે કે તેનાથી થાઇલેન્ડમાં પૂર્વોત્તર ભારત પ્રત્યે જિજ્ઞાસા પણ વધી છે અને સમજણમાં પણ સુધારો થયો છે. અને હા, એક વખત ભારત-મ્યાન્માર-થાઇલેન્ડ હાઇવે એટલે કે ત્રિપક્ષીય હાઇવે શરૂ થયા પછી પૂર્વોત્તર ભારત અને થાઇલેન્ડ વચ્ચે અવિરત જોડાણ નિશ્ચિત થઇ જશે. આનાથી આ સમગ્ર ક્ષેત્રમાં વેપાર પણ વધશે, પર્યટન અને પરંપરાને પણ બળ મળશે.

ભાઇઓ અને બહેનો,


મને એ વાતની પણ ખુશી છે કે તમે બધા થાઇલેન્ડની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છો. તમે થાઇલેન્ડ અને ભારતના મજબૂત વેપારી અને સાંસ્કૃતિક સંબંધોમાં સૌથી મજબૂત કડી છો. અત્યારે ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતાં અર્થતંત્રોમાંનું એક છે. ભારત આવનારાં 5 વર્ષમાં 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવા માટે પૂરી તાકાતથી મહેનત કરી રહ્યું છે. જ્યારે અમે આ લક્ષ્ય પર કામ કરી રહ્યા હોઈએ છીએ, ત્યારે દેખીતી રીતે જ આમાં તમારા બધાની ભૂમિકા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સાથીઓ,

આજે, અમે ભારતમાં પ્રતિભાને અને નવીન માનસને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. માહિતી અને સંચાર ટેકનોલોજીમાં ભારત જે કામ કરી રહ્યું છે તેનો લાભ થાઇલેન્ડને પણ મળે તેવા પ્રયાસો થઇ રહ્યા છે. અંતરિક્ષ ટેકનોલોજી હોય, બાયો ટેકનોલોજી હોય, ફાર્મા હોય, ભારત અને થાઇલેન્ડ વચ્ચે સહકાર ઝડપથી વધી રહ્યો છે. તાજેતરમાં જ અમારી સરકારે ભારત અને આસિયાન દેશો વચ્ચે સંશોધન અને વિકાસનાં ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમે નક્કી કર્યું છે કે આસિયાન દેશોના 1,000 યુવાનો માટે આઇઆઇટીમાં પોસ્ટ-ડોક્ટરલ ફેલોશિપ આપવામાં આવશે. તમારા થાઇ સાથીઓ, , અહીંના વિદ્યાર્થીઓને મારી વિનંતી છે કે આનો મહત્તમ લાભ લે અને તમે પણ તેમને કહો.

સાથીઓ,
છેલ્લાં 5 વર્ષથી અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ કે દુનિયાભરમાં વસેલા ભારતીયો માટે સરકાર હંમેશા ઉપલબ્ધ રહે અને ભારત સાથે તેમનો સંબંધ મજબૂત બનાવાય. આ માટે ઓસીઆઇ કાર્ડ સ્કીમને વધુ ફ્લેક્સિબલ બનાવવામાં આવી છે. અમે તાજેતરમાં નિર્ણય લીધો છે કે ઓસીઆઈ કાર્ડ ધારકો પણ નવી પેન્શન યોજનામાં નોંધણી કરાવી શકે છે. અમારા દૂતાવાસો હવે તમારી સાથે સંબંધિત સમસ્યાઓનાં નિરાકરણ માટે વધુ સક્રિય છે અને દિવસના ૨૪ કલાક ઉપલબ્ધ છે. અમે કોન્સ્યુલર સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવવા પર પણ સતત કામ કરી રહ્યા છીએ.

સાથીઓ,
આજે જો દુનિયામાં ભારતની પહોંચ વધી છે તો તેની પાછળ તમારા જેવા સાથીઓની મોટી ભૂમિકા છે. આ ભૂમિકાને આપણને વધુ સશક્ત બનાવવાની છે અને મને વિશ્વાસ છે કે, આપ  જ્યાં પણ હોવ, તમારી પાસે જે પણ સંસાધન હોય, તમારી પાસે જે પણ સામર્થ્ય હોય, તમે જરૂર ભારત માતાની સેવા કરવાનો અવસર શોધતા જ હશો. આ જ વિશ્વાસ સાથે ફરી એકવાર તમે આટલી મોટી સંખ્યામાં અહીં આવ્યા એ માટે, અમને આશીર્વાદ આપવા આપ પધાર્યા, એ માટે હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

ખૂબ ખૂબ શુભકામનાઓ.

ધન્યવાદ!

ખોપ ખુન ખ્રપ!!!

SD/GP



(Release ID: 1870800) Visitor Counter : 110