પ્રધાનમંત્રીનું કાર્યાલય

ગુજરાતમાં અંબાજી ખાતે વિવિધ વિકાસલક્ષી પહેલોના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ

Posted On: 30 SEP 2022 10:53PM by PIB Ahmedabad

બોલ મારી મા, બોલ મારી મા!”

જય મા અંબે!

આજે માતાજીના પાંચમા સ્વરૂપ સ્કંદમાતાની પૂજાનો દિવસ છે. આજે આ શુભ અવસર પર આજે માતા અંબાના દર્શનનો લ્હાવો અને પૂજા કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થઇ રહ્યું છે. અંબાજીમાં માતાના દર્શન કરવા માટે આવ્યો છું ત્યારે, હું એક રીતે કહી શકું છું કે, અમારું જીવન માતાના ખોળામાં વિત્યું છે, તમારા સૌનું જીવન પણ વિત્યું છે અને આપણે હંમેશા અનુભવીએ છીએ કે, જ્યારે પણ આપણે અહીં આવીએ ત્યારે એક નવી ઊર્જા, નવી પ્રેરણા લઇને જઇએ છીએ. નવો વિશ્વાસ લઇને જઇએ છીએ. આ વખતે હું એવા સમયમાં અહીં આવ્યો છું કે, જ્યારે દેશે વિકસિત ભારતનો મહાન સંકલ્પ લીધો છે. 130 કરોડ દેશવાસીઓએ આ સંકલ્પ લીધો છે કે આવનારા 25 વર્ષમાં આપણે ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવીને જ રહીશું. માતા અંબાના આશીર્વાદથી આપણને આપણા તમામ સંકલ્પો સિદ્ધ કરવા માટે શક્તિ, તાકાત પ્રાપ્ત થશે. આ પાવન અવસર પર, મને બનાસકાંઠા સહિત ગુજરાતના અનેક જિલ્લાઓને હજારો કરોડ રૂપિયાની યોજનાઓ ભેટ આપવાનો પણ અવસર પ્રાપ્ત થયો છે. આજે, જે 45 હજારથી વધુ ઘરોના લોકાર્પણ અને બીજા લોકાર્પણો તેમજ શિલાન્યાસ ભેગા કરી દઇએ તો લગભગ 61 હજાર, તે તમામ લાભાર્થીઓને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખાસ કરીને એ બહેનોને જેમને આજે પોતાનું ઘર મળ્યું છે તેમને શુભેચ્છાઓ પાઠવું છું. આ વખતે તમે સૌ તમારા નવા ઘરમાં, તમારા પોતાના ઘરમાં દિવાળી ઉજવશો. આપણને આનાથી આનંદ થશે કે નહીં બોલો, પોતાના ઘરમાં જ દિવાળી ઉજવવાની વાત કરવામાં આવે, જેણે પોતાનું આખું જીવન ઝૂંપડીમાં વિતાવ્યું છે, પછી તે પોતાના પાકાં ઘરમાં દિવાળી ઉજવે, તો તે તેના જીવનની સૌથી મોટી દિવાળી હશે કે નહીં.

ભાઇઓ અને બહેનો,

આપણે જ્યારે મહિલાઓના સન્માનની વાત કરીએ છીએ, ત્યારે તે આપણા માટે ખૂબ જ સહજ વાત લાગે છે. પરંતુ જ્યારે આપણે તેના વિશે ગંભીરતાથી વિચાર કરીએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણા સંસ્કારોમાં મહિલાઓ માટે કેટલું સન્માન સમાયેલું છે. દુનિયામાં જે પણ શક્તિશાળી લોકો છે, જ્યાં શક્તિની ચર્ચા થાય છે, તેમની સાથે તેમના પિતાનું નામ જોડાયેલું છે. તમે સાંભળ્યું જ હશે કે, ફલાણા ભાઇનો છોકરો ઘણો બહાદુર છે, આવું કહેવાય છે કે નહીં? અહીં ભારતમાં વીર પુરુષો સાથે તેમની માતાનું નામ જોડવામાં આવ્યું છે. હું એક ઉદાહરણ આપું છું તો, તમે જ વિચારો, હવે જુઓ, અર્જુનની જ વાત કરીએ, તે એક મહાન પરાક્રમી માણસ હતો, પરંતુ આપણે ક્યારેય સાંભળ્યું નથી કે, કોઇ પાંડુ પુત્ર અર્જુન બોલે છે? લોકો આવું બોલતા નથી, લોકો શું કહે છે, આપણે જ્યારે પણ સાંભળીએ છીએ ત્યારે તેનું નામ પાર્થ સાંભળીએ છીએ. આ પાર્થ શું છે, તે પૃથા એટલે કે કુંતીનો પુત્ર છે. જ્યારે અર્જુનનું વર્ણન આવે છે ત્યારે કૌન્તેયના પુત્રને કુંતી પુત્ર તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. એવી જ રીતે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ, જેઓ સર્વશક્તિમાન છે તેમનો પરિચય પણ જ્યારે આપવામાં આવે છે, ત્યારે તેમને દેવકીનંદન કહેવામાં આવે છે. દેવકીના પુત્ર કૃષ્ણ એવી રીતે બોલવામાં આવે છે. હનુમાનજીની પણ વાત કરીએ તો, આપણે હનુમાનજી કરતાં મોટા વીર વિશે તો ક્યારેય સાંભળ્યું જ નથી, પરંતુ જ્યારે તેમની પણ વાત આવે છે, તો એવું કહેવામાં આવે છે કે અંજની પુત્ર હનુમાન એટલે કે, જોવા જઇએ તો આપણા દેશમાં માતાના નામ સાથેના વીરોના નામ જોડવામાં આવે છે, આ જ માતાના નામની મહાનતાને, નારીની મહાનતાને, નારી શક્તિની મહાનતાને આપણે આપણી સંસ્કૃતિની મૂડી સાથે મેળવી છે. એટલું જ નહીં, પણ આપણા સંસ્કારોના પરિણામે જ આપણે આપણા દેશ ભારતને પણ માતા તરીકે જોઇએ છીએ, આપણે પોતાની જાતને ભારત માતાના સંતાનો માનીએ છીએ.

સાથીઓ,

આપણે આટલી મોટી સંસ્કૃતિ સાથે સંકળાયેલા હોવા છતાં આપણા દેશમાં પણ જોયું કે ઘરની સંપત્તિ પર, ઘરમાં લેવા મુખ્ય આર્થિક નિર્ણયો પર મોટા ભાગનો અધિકાર પિતા કે પુત્રનો રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે ઘર હોય તો પુરુષના નામે, કાર હોય તો પુરુષના નામે, દુકાન હોય તો પુરુષના નામે, ખેતર હોય તો પુરુષના નામે હોય છે. મહિલાઓના નામે કંઇ જ હોતું નથી અને પતિનું અવસાન થઇ જાય તો બધું જ પુત્રના નામે થઇ જાય છે. અમે નિર્ણય લીધો છે કે જે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમે જ ઘર આપીશું, અમે જે દીનદયાલ આવાસ આપીશું તેમાં માતાનું નામ પણ રાખવામાં હશે. આથી, 2014 પછી, અમે નક્કી કર્યું છે કે સરકાર ગરીબોને જે પાકાં મકાનો બાંધીને આપી જ રહી છે તો પછી માતાના નામે અથવા માતા અને તેના પતિના નામે હશે, માતા અને તેના પુત્રના સંયુક્ત નામ પર હશે. અત્યાર સુધીમાં દેશમાં ગરીબોને લગભગ 3 કરોડ કરતાં વધારે ઘરો બાંધીને આપવામાં આવ્યા છે. આ ખુશી તમે જે લોકોના ચહેરા પર જોઇ રહ્યા હતા ને, આ દેશના 3 કરોડ લોકોને જે ઘર મળ્યું છે એવી જ ખુશી આજે તેમના ચહેરા પર દેખાઇ રહી છે અને તેમાંથી મોટા ભાગના ઘરોની માલિક માતાઓ અને બહેનો છે. પોતાનું ઘર મળવાથી, હવે તેને આ જે ઘર મળ્યું છે ને, આ ઘરની જે કિંમત છે તેના કારણે, આ બધી જ બહેનો હવે લખપતિ બની ગઇ છે, તમને સૌને પાછળ બેઠા છો એમને બરાબર સંભળાય છે ને! દરેક ગરીબને પાકું મકાન આપવાનું અભિયાન ઝડપથી પૂરું કરવા બદલ હું ગુજરાત સરકારને અભિનંદન પાઠવું છું. હું ભૂપેન્દ્રભાઇનો આભાર માનું છું. માત્ર ગત વર્ષમાં જ ગુજરાતમાં 1.5 લાખ મકાનોનું કામ પૂરું થઇ ગયું છે. આ તહેવારોની મોસમમાં ગરીબ પરિવારોની બહેનોને તેમનું રસોડું ચલાવવામાં કોઇ તકલીફ ન પડે તે માટે સરકારે મફત રાશનની યોજના આગામી ત્રણ મહિના સુધી લંબાવી દીધી છે. મુશ્કેલીના સમયમાં દેશના 80 કરોડ કરતાં વધારે સાથીઓને રાહત આપનારી આ યોજના પર કેન્દ્ર સરકાર દ્વારા લગભગ 4 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા બે દાયકાથી માતાઓ અને બહેનોના સશક્તિકરણ માટે કામ કરવાનું મને મહાન સૌભાગ્ય પ્રાપ્ત થું છે. બનાસકાંઠા આ વાતનું મોટું સાક્ષી રહ્યું છે. જ્યાં માતા અંબાજી અને માતા નળેશ્વરી બિરાજમાન છે ત્યાં દીકરીઓના ભણતરમાં પણ આપણે પાછળ કેમ છીએ તે વાત જાણીને મને ખૂબ જ દુઃખ થતું હતું. તેથી જ જ્યારે માતા નર્મદાના નીરથી બનાસકાંઠાના ખેતરો હરિયાળા કરવાનો સંકલ્પ લીધો હતો, ત્યારે મેં આપ સૌને પણ માતા સરસ્વતીને ઘરમાં બિરાજમાન કરવા માટે વિનંતી કરી હતી. મને બરાબર યાદ છે કે, હું બહેનોને વારંવાર કહેતો હતો કે દીકરીઓ ભણશે નહીં તો માતા સરસ્વતી ઘરે આવશે જ નહીં. જ્યાં માતા સરસ્વતી ન હોય ત્યાં માતા લક્ષ્મીજી ક્યારેય પગ નથી મૂકતા. મને એ વાતનો આનંદ છે કે બનાસકાંઠાની બહેનો, આદિવાસી પરિવારોએ મારા અનુરોધને સ્વીકાર્યો છે. આજે માતા નર્મદાનું નીર અહીંનું ભાગ્ય બદલી રહ્યું છે, તો દીકરીઓ પણ ખૂબ જ રસપૂર્વક શાળા-કોલેજોમાં અભ્યાસ કરવા માટે જઇ રહી છે. કુપોષણ સામેની લડાઇમાં પણ બનાસકાંઠાએ ઘણું મોટું યોગદાન આપ્યું છે. પ્રસૂતિ દરમિયાન માતાઓને સુખડીના વિતરણનો કાર્યક્રમ હોય કે પછી દૂધ દાનની ઝુંબેશ હોય, બનાસકાંઠાએ તેને સફળતાપૂર્વક આગળ વધારવાનું કામ કર્યું છે.

ભાઇઓ અને બહેનો,

આપણે અહીં માતૃ સેવાનો જે સંકલ્પ લીધો હતો તેના માટે, 2014 પછી આખા દેશમાં કામ ચાલી રહ્યું છે. માતાઓ, બહેનો અને દીકરીઓના જીવનની દરેક પીડા, દરેક અસુવિધા, દરેક અવરોધોને દૂર કરવા માટે, તેમને ભારતની વિકાસ યાત્રાની સારથી બનાવવામાં આવી રહી છે. બેટી બચાવો, બેટી પઢાવોથી લઇને દેશના સૈન્યમાં દીકરીઓની સંપૂર્ણ ભાગીદારી સુધીમાં, દીકરીઓ માટે અવસરોના દ્વાર ખુલ્લા મૂકી દેવામાં આવી રહ્યા છે. શૌચાલયની વાત હોય, ગેસ કનેક્શન હોય, હર ઘર જલ હોય, જન ધન ખાતા હોય, કે પછી મુદ્રા યોજના હેઠળ મળી રહેલી ગેરંટી વગરની લોન હોય, કેન્દ્ર સરકારની દરેક મોટી યોજનાના કેન્દ્રમાં, માતૃશક્તિને રાખવામાં આવી છે, નારી શક્તિ છે.

સાથીઓ,

જ્યારે મા ખુશ થાય છે ત્યારે પરિવાર સુખી થાય છે, જ્યારે પરિવાર સુખી થાય છે ત્યારે સમાજ સુખી થાય છે અને જ્યારે સમાજ સુખી થાય છે ત્યારે જ, દેશ સુખી થાય છે, મારા ભાઇઓ. આ જ સાચો વિકાસ છે, આ વિકાસ માટે જ અમે નિરંતર કામ કરી રહ્યા છીએ. તમે જ મને કહો, અહીં મંદિરની સામે જે આટલી બધી ભીડ થતી હતી, તેમાંથી મુક્તિ મળવી જોઇએ કે નહીં? શાંતિના માહોલની જરૂર હતી કે નહીં? આરસ લઇ જતી આ મોટી મોટી ટ્રકો મંદિરની સામેથી પસાર થાય છે, તેમના માટે અલગ રસ્તો હોવો જોઇએ કે નહીં? આજે અમે નવી રેલ લાઇન અને બાયપાસના રૂપમાં સૌની આ ઇચ્છા પૂરી કરી રહ્યા છીએ.

ભાઇઓ અને બહેનો,

આજે હું તમને એક એવી વાત પણ કહીશ જે તમને અચંબામાં મૂકી દેશે. તમને સૌને જાણીને નવાઇ લાગશે કે આજે તારંગા હિલ- અંબાજી- આબુ રોડ, મહેસાણા, આ રેલવે લાઇનનો જે શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તે જ્યારે આપણો દેશ ગુલામ હતો, જ્યારે અંગ્રેજોનું શાસન ચાલતું હતું, તે સમયે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ રેલવે લાઇન અંગ્રેજોના જમાનામાં બનવાની હતી, અંગ્રેજોએ 1930માં તે બનાવવાનો નિર્ણય લીધો હતો, એટલે કે લગભગ સો વર્ષ પહેલાની ફાઇલો પડી છે. તેની કલ્પના બ્રિટિશ શાસનના સમય દરમિયાન કરવામાં આવી હતી. એટલે કે આ વિસ્તારમાં રેલવે લાઇન કેટલી મહત્વની હતી, રેલવે લાઇનની કેટલી જરૂરીયાત હતી તે સો વર્ષ પહેલા જ ઓળખી કાઢવામાં આવ્યું હતું. પરંતુ મિત્રો, કદાચ આ કામ પણ પરમાત્માએ, માતા અંબાજીએ મને જ કરવા માટે કહ્યું હશે. દુર્ભાગ્યવશ આઝાદી પછી આ કામ થઇ શક્યું નહોતું. આઝાદી મળી તેના આટલા દાયકાઓ વિતી ગયા પછી પણ આ ફાઇલ અત્યાર સુધી સડતી રહી. હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે તેની પાછળ પડી ગયો હતો, મેં તેનો પ્રસ્તાવ મૂક્યો હતો. પણ પછી અમારી વાત કોઇએ સાંભળી જ નહીં, સરકાર જ બીજી હતી. આ આપણાં માટે સૌભાગ્યની વાત છે કે આજે જ્યારે દેશ આઝાદીના 75 વર્ષ પૂરાં કરી રહ્યો છે ત્યારે આપણી ડબલ એન્જિન સરકારને આ પરિયોજના માતાના ચરણોમાં સમર્પિત કરવાનો મોકો મળ્યો છે. આ રેલવે લાઇન અને બાયપાસ માત્ર ટ્રાફિક જામ અને અન્ય સમસ્યાઓથી છુટકારો અપાવશે એટલું જ નથી, સાથે સાથે આરસના ઉદ્યોગને પણ તેનાથી બળ પ્રાપ્ત થશે. વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનો મોટો ભાગ, જે આજે ચાલુ થઇ ગયો છે, તે પણ આ વિસ્તારમાં જ આવેલો છે. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરથી અહીં આરસ, અને અહીંના આપણા ખેડૂતો હવે તો અહીં બટાકાની ખેતી કરવામાં મશગુલ થઇ ગયા છે, હવે, શાકભાજીની ખેતી કરી રહ્યા છે, ટામેટાંની ખેતી કરી રહ્યા છે અને દૂધમાં પણ તેઓ પાછળ નથી. આ બધી વસ્તુઓને ખૂબ જ સરળતાથી માર્ગ મળી જશે, સરળતાથી તેને પહોંચાડી શકાશે. ખેડૂતોને વિશેષ ફાયદો એટલા માટે થશે, કારણ કે આવનારા સમયમાં અહીંથી ખાસ કિસાન રેલ પણ દોડી શકે છે.

ભાઇઓ અને બહેનો,

સૌથી મોટો લાભ અહીંના પર્યટન ઉદ્યોગોને થવાનો છે. અહીં તો માતા અંબાજી સાક્ષાત બિરાજમાન છે અને જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે અમે અહીં 51 શક્તિપીઠનું નિર્માણ કરાવ્યું છે. મા અંબા પોતે 51 શક્તિપીઠોમાંની એક સ્વરૂપ છે અને અમે આખી દુનિયામાં જ્યાં પણ માતા અંબાના સ્થાનક છે તેની પ્રતિકૃતિ અહીં બનાવી છે, એટલે કે એક રીતે જોવામાં આવે તો, અંબાજીની યાત્રા કરવાથી આ તમામ 51 તીર્થધામોના દર્શન  થઇ શકે છે. પરંતુ મેં જોયું છે, હજુ પણ લોકો ઘણી બહુ જલદી જલદીમાં આવે છે અને મા અંબાના દર્શન કરીને ઉતાવાળે અહીંથી નીકળી જાય છે. હું એવી સ્થિતિ ઉભી કરવા માંગુ છુ કે જેઓ અંબાજી દર્શનાર્થે આવશે તેમણે અહીં બે-ત્રણ દિવસ રોકાવું પડે, અહીં મારે એટલું બધું ઉભું કરવું કે જેથી અહીંની આખી આજીવિકા વધી જાય. જુઓ, નજીકમાં જ ગબ્બર છે, હવે અમે ગબ્બરને બદલી રહ્યા છીએ, તમને દેખાતું જ હશે. શું કોઇએ આવું વિચાર્યું હશે? આજે હું ગબ્બર યાત્રાધામ વિસ્તારના વિકાસ માટે ગુજરાત સરકારની ખૂબ જ પ્રશંસા કરું છું. હવે અજિતનાથ જૈન મંદિર, તારંગા હિલ, તેના દર્શનાર્થે જવાનું પણ સરળ થઇ જશે, જેવી રીતે પાલીતાણાનું મહત્વ વધ્યું છે તેમ તારંગા હિલનું મહત્વ પણ વધશે. આ વાત તમને લખીને રાખજો. જો અહીંથી ટ્રેન દોડશે તો અહીં વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે, હોટેલ-ગેસ્ટ હાઉસ, દુકાન-ઢાબા વાળા લોકો સુખી થશે એટલે કે તેમની આવકમાં વધારો થશે. નાના દુકાનદારોને પણ કામ મળશે. યુવાનો માટે ગાઇડથી માંડીને ટેક્સી સર્વિસમાં નવી તકો ઉપલબ્ધ થશે. અને મારે તો ધરોઇ ડેમથી માંડીને અંબાજી સુધીના સમગ્ર પટ્ટાનો વિકાસ કરવો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇને તમે જે જુઓ છો એવું જ હું અહીં કરવા માગુ છું. ધરોઇ ડેમમાં સમગ્ર વિસ્તારમાં વોટર સ્પોર્ટ્સ માટેની શક્યતાઓ છે, હવે તેનું પણ વધારે વિસ્તરણ થઇ શકશે.

ભાઇઓ અને બહેનો,

એક તરફ આસ્થા અને ઉદ્યોગોનો આ કોરિડોર છે અને બીજી તરફ આપણી સરહદ છે, જ્યાં આપણા બહાદુર સૈનિકો રાષ્ટ્રના રક્ષણ માટે તૈનાત રહે છે. તાજેતરમાં સરકારે સુઇગામ તાલુકામાં સીમા દર્શન પ્રોજેક્ટની શરૂઆત કરી છે. અમારો પ્રયાસ એવો છે કે દેશભરના લોકો અહીં આવીને પ્રત્યક્ષરૂપે આપણા BSF જવાનોના અનુભવોને જાણી શકે, જોઇ શકે. આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય એકતાના પંચ પ્રણને પણ બળ આપશે અને અહીં પર્યટન સંબંધિત નવી રોજગારીની તકોનું સર્જન કરશે. મીઠા-થરાદ-ડીસા રોડને પહોળો કરવાથી પણ આ પ્રોજેક્ટને વધારે વેગ મળશે. ડીસા ખાતેના એરફોર્સ સ્ટેશનમાં રનવે અને બીજી માળખાકીય સુવિધાના નિર્માણ સાથે આ વિસ્તારમાં આપણી એરફોર્સની તાકાત પણ વધવાની છે. વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી આ એરફોર્સ સ્ટેશન દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. જ્યારે અહીં આટલું મોટું સ્ટેશન બનશે તો આસપાસના ધંધા-વેપાર પણ વધશે. દૂધ- ફળો- શાકભાજીથી લઇને અનેક પ્રકારની જરૂરિયાતો અહીં ઊભી થશે. જેના કારણે અહીંના ખેડૂતો, પશુપાલકો, દરેકને લાભ થશે તે વાત નક્કી છે.

ભાઇઓ અને બહેનો,

છેલ્લા બે દાયકા દરમિયાન હાથ ધરવામાં આવેલા નિરંતર પ્રયાસોના પરિણામ સ્વરૂપે બનાસકાંઠાનું ચિત્ર બદલાઇ ગયું છે. નર્મદાના નીર, સુજલામ-સુફલામ અને ટપક સિંચાઇએ આ પરિસ્થિતિ બદલવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવી છે. આમાં બહેનોની ભૂમિકા, આ ભૂમિકામાં બહેનોની કામગીરી ખૂબ જ અગ્રેસર રહી છે. બનાસકાંઠામાં ક્યારેય દાડમની ખેતી થશે, દ્રાક્ષ, બટાકા અને ટામેટાં આટલા મોટા પાયા પર ઉગાડવામાં આવશે, એવી થોડા વર્ષો પહેલાં સુધી તો કોઇએ કલ્પના પણ ન હતી કરી. આજે જે પરિયોજનાઓ શરૂ કરવામાં આવી છે, તે ખેડૂતો, યુવાનો, મહિલાઓ, દરેકના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કરશે. ફરી એકવાર માતાના ચરણોમાં વંદન કરીને હું વિકાસની આ પરિયોજનાઓ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપના ભરપૂર આશીર્વાદ અમને આવી જ રીતે મળતા રહેશે, એવી ઇચ્છા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને સૌ પહેલાં તો મારે તમારા સૌની માફી માગવી છે, કારણ કે અહીં આવવામાં મને મોડું થયું હતું, મને એ વાતનો જરાય અંદાજ નહોતો. મને થયું કે અહીંથી સીધે સીધા નીકળી જવાશે અને પહોંચી જવાશે. રસ્તામાં આટલી મોટી સંખ્યામાં એકઠા થયેલા ગ્રામજનોને હું મળ્યો, તેથી સ્વાભાવિક રીતે મને તેમના ચરણ સ્પર્શ કરવાનું મન થયું. એટલે તેમને મળતા મળતા આવવામાં મને અહીં પહોંચવામાં મોડું થઇ ગયું. તેથી તમારા બધાએ લાંબા સમય સુધી રાહ જોવી પડી, તેના માટે હું આપની માફી માગુ છુ. પરંતુ આપણા બનાસકાંઠાના ભાઇઓ, અને હવે નજીકમાં આપણું ખેડબ્રહ્મા પણ છે, આપણો સાબરકાંઠાનો પટ્ટો પણ સામે આવે છે. આપણે સૌએ વિકાસ અને પ્રગતિના નવા શિખરો પર પહોંચવાનું છે. અને 25 વર્ષની મોટો અવસર આપણી પાસે છે, આજે દુનિયાના લોકોમાં ભારત પ્રત્યેનું આકર્ષણ વધી રહ્યું છે. આપણે આ અવસર આપણા હાથમાંથી કેવી રીતે જવા દઇ શકીએ? શું આપણે આ તકને છોડી શકીએ? મહેનત તો કરવી પડશે ને? કે નહીં કરવી પડે! વિકાસના કામોમાં પર જોર મૂકવું પડશે કે નહીં! બધાએ સાથે મળીને આગળ વધવું જોઇએ કે નહીં! આપણે આમ કરીશું, તો જ પ્રગતિ થશે, ભાઇઓ અને આ પ્રગતિ કરવા માટે આપ સૌએ હંમેશા સાથ અને સહકાર આપ્યા જ છે. આ જ મારી તાકાત છે, આ જ મારી મૂડી છે. આપ સૌના આ આશીર્વાદ જ અમને કંઇક નવું નવું કરવા માટે પ્રેરણા આપે છે. અને આથી જ, માતાના આ ધામમાં આપ સૌ ગુજરાતના રહેવાસીઓનો હું અંતઃકરણપૂર્વક આભાર માનું છુ. ખૂબ ખૂબ આભાર.

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1864064) Visitor Counter : 230