પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અમદાવાદમાં 36મી નેશનલ ગેમ્સ ખુલ્લી મૂકાયાંની જાહેરાત કરી


પ્રધાનમંત્રીએ ડેસરમાં વિશ્વ કક્ષાની 'સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી'નું ઉદઘાટન કર્યું

"જ્યારે ઈવેન્ટ આટલી અદ્ભુત અને અનન્ય હોય, ત્યારે તેની ઊર્જા એને અસાધારણ બનાવે જ"

" રમતગમતનાં ક્ષેત્રમાં ખેલાડીઓની જીત અને તેમનાં મજબૂત પ્રદર્શનથી અન્ય ક્ષેત્રોમાં પણ દેશની જીતનો માર્ગ મોકળો થાય છે"

"રમતગમતનો સોફ્ટ પાવર દેશની ઓળખ અને ઈમેજમાં અનેકગણો વધારો કરે છે"

" એશિયાટિક લાયન માસ્કોટ સાવજ ભારતના યુવાનોમાં નિર્ભય ભાગીદારીના મિજાજને પ્રતિબિંબિત કરે છે"

"જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારાં ધોરણનું હોય છે, ત્યારે ઍથ્લીટ્સનું મનોબળ પણ વધે છે"

"અમે સ્પોર્ટ્સ સ્પિરિટ સાથે સ્પોર્ટ્સ માટે કામ કર્યું હતું. ટોપ્સ જેવી યોજનાઓ દ્વારા વર્ષોથી મિશન મોડમાં તૈયારી કરી"

"ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા જેવા પ્રયાસો એક જન આંદોલન બની ગયા છે"

"છેલ્લાં 8 વર્ષમાં દેશનાં રમતગમતનાં બજેટમાં લગભગ 70 ટકાનો વધારો થયો છે"

"રમતગમત હજારો વર્ષોથી ભારતની વિરાસત અને વૃદ્ધિની સફરનો ભાગ રહી છે"

Posted On: 29 SEP 2022 8:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 36મા રાષ્ટ્રીય રમતોત્સવ-નેશનલ ગેમ્સ ખુલ્લી મૂકાયાની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ ડેસરમાં વિશ્વકક્ષાની "સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી"નું ઉદઘાટન પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય રમતોમાં ભાગ લઈ રહેલા દેશભરના રમતવીરોને સંબોધન પણ કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય રમતોત્સવનાં ઉદ્ઘાટન પ્રસંગે આનંદદાયક વાતાવરણ શબ્દોથી પર છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, આ પ્રકારની ભવ્ય ઈવેન્ટની અનુભૂતિ અને ઊર્જા શબ્દોની બહાર છે. તેમણે ઉદગાર કર્યો કે, 7000થી વધારે રમતવીરો, 15,000થી વધારે સહભાગીઓ, 35,000થી વધારે કૉલેજો, યુનિવર્સિટીઓ અને શાળાઓ તથા 50 લાખથી વધારે વિદ્યાર્થીઓનું રાષ્ટ્રીય રમતોત્સવ સાથે સીધું જોડાણ અદભુત અને અભૂતપૂર્વ છે. "વિશ્વનાં સૌથી મોટાં સ્ટેડિયમમાં, વિશ્વનો આટલો યુવા દેશ, અને દેશનો સૌથી મોટો સ્પોર્ટ્સ ફેસ્ટિવલ! જ્યારે આ ઘટના જ આટલી અદ્ભુત અને અદ્વિતીય હોય, ત્યારે તેની ઊર્જા એવી અસાધારણ જ હોવાની", એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. તેમણે સ્ટેડિયમમાં ઉપસ્થિત દરેક વ્યક્તિની સાથે રાષ્ટ્રગીત 'જુડેગા ઇન્ડિયા - જીતેગા ઇન્ડિયા'ના મુખ્ય શબ્દોનું પઠન કર્યું અને કરાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રમતવીરોના ચહેરા પર ચમકતો આત્મવિશ્વાસ ભારતીય રમતોના આગામી સુવર્ણયુગનું પુરોગામી છે. તેમણે આવી ટૂંકી સૂચનાથી આવા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ ગુજરાતની જનતાની ક્ષમતાની પણ પ્રશંસા કરી હતી.

ગઈકાલે અમદાવાદમાં યોજાયેલા ભવ્ય ડ્રોન શોને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પ્રકારનો દર્શનીય શૉ જોઈને દરેક જણ આશ્ચર્યચકિત અને ગર્વ અનુભવે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "ડ્રોન જેવી ટેકનોલોજીનો આ પ્રકારનો કાળજીપૂર્વકનો ઉપયોગ ગુજરાત, ભારતને નવી ઊંચાઈએ લઈ જશે.'' એશિયાઇ સિંહ સાવજ નામના રાષ્ટ્રીય રમતોત્સવ 2022 માટે સત્તાવાર માસ્કોટ અંગે ટિપ્પણી કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ માસ્કોટ ભારતના યુવાનોના મૂડને પ્રતિબિંબિત કરે છે, જે રમતગમતનાં ક્ષેત્રમાં નીડર પ્રવેશ માટેનો જુસ્સો છે. તેમણે કહ્યું હતું કે, આ વૈશ્વિક પરિદ્રશ્યમાં ભારતના ઉદયનું પણ પ્રતીક છે.

સ્ટેડિયમની વિશિષ્ટતા વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અન્ય સંકુલો જૂજ રમતગમતની સુવિધાઓ પૂરતાં જ મર્યાદિત હોય છે, ત્યારે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફૂટબોલ, હૉકી, બાસ્કેટ બૉલ, કબડ્ડી, બૉક્સિંગ અને લૉન ટેનિસ જેવી ઘણી રમતો માટે સુવિધાઓ ઉપલબ્ધ છે. "એક રીતે, તે આખા દેશ માટે એક મોડેલ છે. જ્યારે માળખાગત સુવિધાઓ આ માપદંડની હોય છે, ત્યારે રમતવીરોનું મનોબળ પણ ઊંચું જાય છે." રાષ્ટ્રીય રમતોમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓને રાજ્યમાં નવરાત્રીના કાર્યક્રમનો આનંદ માણવાનો અનુરોધ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તહેવારો મા દુર્ગાની ઉપાસનાથી પણ આગળ વધે છે અને ગરબાની આનંદદાયક ઉજવણી પણ થાય છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "તેની પોતાની એક ઓળખ છે."

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય જીવનમાં રમતગમતનાં મહત્ત્વ પર ભારનો પુનરોચ્ચાર કર્યો હતો. "રમતના ક્ષેત્રમાં ખેલાડીઓની જીત, તેમનું મજબૂત પ્રદર્શન, અન્ય ક્ષેત્રોમાં પણ દેશની જીતનો માર્ગ મોકળો કરે છે. રમતગમતની મૃદુ શક્તિ દેશની ઓળખ અને છબીમાં અનેકગણો વધારો કરે છે." તેમણે આગળ કહ્યું, "હું ઘણી વખત મારા રમતગમત સાથે સંબંધિત મિત્રોને કહું છું - સફળતાની શરૂઆત એક્શનથી થાય છે! એટલે કે જે ક્ષણે તમે શરૂઆત કરો છો, તે જ ક્ષણે સફળતા પણ શરૂ થઈ જાય છે. જો તમે આગળ વધવાની ભાવનાનો ત્યાગ ન કર્યો હોય, તો વિજય તમારો પીછો કરતો રહે છે."

રમતગમતના ક્ષેત્રમાં થયેલી પ્રગતિ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આઠ વર્ષ અગાઉ ભારતનાં ખેલાડીઓ 100થી ઓછા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લેતા હતા. ઊલટાનું ભારતના ખેલાડીઓ જે આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ભાગ લે છે, તેની સંખ્યા હવે 300 થઈ ગઈ છે. "8 વર્ષ પહેલા ભારતના ખેલાડીઓ 20-25 મેચ રમવા જતા હતા. હવે ભારતના ખેલાડીઓ લગભગ 40 જેટલી જુદી-જુદી રમતોમાં ભાગ લેવા જાય છે. આજે ચંદ્રકોની સંખ્યા અને ભારતની આભામાં પણ વધારો થઈ રહ્યો છે", એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.

કોરોનાના કપરા કાળમાં પણ, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રમતવીરોનું મનોબળ ઘટવા દેવામાં આવ્યું નથી. "અમે સ્પોર્ટ્સ સ્પિરિટ સાથે સ્પોર્ટ્સ માટે કામ કર્યું હતું. ટોપ્સ જેવી યોજનાઓ દ્વારા વર્ષોથી મિશન મોડમાં તૈયારી કરી. આજે, મોટા ખેલાડીઓની સફળતાથી લઈને નવા ખેલાડીઓનાં ભાવિ નિર્માણ સુધી, ટોપ્સ મોટી ભૂમિકા ભજવી રહ્યું છે." તેમણે યાદ કર્યું કે ભારતે આ વર્ષે ટોક્યો ઑલિમ્પિક્સમાં તેનું શ્રેષ્ઠ ઑલિમ્પિક પ્રદર્શન કર્યું હતું. તેવી જ રીતે બૅડમિંટનની ટીમનો થોમસ કપ વિજય તાજા હર્ષોલ્લાસ સાથે આવ્યો. તેમણે વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પેરા-ઍથ્લીટ્સની સિદ્ધિની પણ પ્રશંસા કરી હતી. તેમણે આ પુનરુત્થાનમાં મહિલા રમતવીરોની સમાન અને મજબૂત ભાગીદારી પર ખુશી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, આ સફળતા અગાઉ શક્ય હતી, પણ ભારતમાં રમતગમતમાં જરૂરી વ્યાવસાયિકતાને બદલે ભ્રષ્ટાચાર અને સગાવાદને કારણે નુકસાન થયું હતું. તેમણે કહ્યું હતું કે, "અમે તેને સાફ કર્યું છે અને યુવાનોમાં તેમનાં સ્વપ્નો માટે વિશ્વાસ વધાર્યો છે." નવું ભારત કે જે માત્ર નીતિ-નિર્માણમાં જ માનતું નથી, પરંતુ દેશના યુવાનો સાથે મળીને આગળ વધે છે, તેના પર ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા જેવા પ્રયાસો તરફ ધ્યાન દોર્યું હતું, જે એક જન આંદોલન બની ગયા છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં 8 વર્ષમાં દેશનાં રમતગમતનાં બજેટમાં આશરે 70 ટકાનો વધારો થયો છે. જેના કારણે ખેલાડીઓને વધુને વધુ સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જે ખેલાડીઓ માટે વધુને વધુ તકો ઊભી કરવામાં મદદ કરે છે. પ્રધાનમંત્રીએ એ બાબત પર પણ ટિપ્પણી કરી હતી કે, દેશમાં રમતગમત યુનિવર્સિટીઓની સ્થાપના થઈ રહી છે અને દેશના દરેક ખૂણે અત્યાધુનિક રમતગમત સંબંધિત માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, નિવૃત્ત થયેલા ખેલાડીઓનાં જીવનને સરળ બનાવવા પ્રયાસો પણ થઈ રહ્યાં છે. નિવૃત્ત થઈ રહેલા ખેલાડીઓના અનુભવોનો લાભ નવી પેઢીને મળી રહે તે માટે આ દિશામાં પણ કામ થઈ રહ્યું છે.

ભારતની સભ્યતા અને સંસ્કૃતિના ઈતિહાસ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રમતગમત હજારો વર્ષોથી ભારતની વિરાસત અને વૃદ્ધિની સફરનો હિસ્સો રહી છે. "આઝાદીના અમૃત કાલમાં, દેશ તેના વારસાનાં ગૌરવ સાથે આ પરંપરાને પુનર્જીવિત કરી રહ્યો છે." પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, દેશનો પ્રયાસ અને ઉત્સાહ માત્ર એક રમત પૂરતો મર્યાદિત નથી, પણ 'કાલારિપયટ્ટુ' અને યોગાસન જેવી ભારતીય રમતોનું પણ મહત્ત્વ વધી રહ્યું છે. તેમણે આગળ કહ્યું કે, "મને ખુશી છે કે આ રમતોને નેશનલ ગેમ્સ જેવી મોટી ઇવેન્ટ્સમાં સામેલ કરવામાં આવી છે." અહીં આ રમતોનું પ્રતિનિધિત્વ કરી રહેલા ખેલાડીઓને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "હું ખાસ કરીને એક વાત કહેવા માગું છું. એક તરફ તમે હજારો વર્ષ જૂની પરંપરાને આગળ વધારી રહ્યા છો અને સાથે સાથે રમત-ગમતની દુનિયાનાં ભવિષ્યને નેતૃત્વ આપી રહ્યા છો. આગામી સમયમાં જ્યારે આ રમતોને વૈશ્વિક ઓળખ મળશે, ત્યારે તમારું નામ આ ક્ષેત્રોમાં દંતકથાઓ તરીકે લેવામાં આવશે."

સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ ખેલાડીઓ સાથે સીધી વાત કરી હતી અને તેમની સાથે એક મંત્ર શૅર કર્યો હતો. તેમણે કહ્યું, "જો તમે સ્પર્ધા જીતવા માગતા હો, તો તમારે પ્રતિબદ્ધતા અને સાતત્યતા જીવવાનું શીખવું પડશે." રમતગમતની ભાવના વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, રમતગમતમાં પરાજય અને વિજયને ક્યારેય અંતિમ પરિણામ ન ગણવું જોઈએ. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, જો રમતગમતની ભાવના તમારા જીવનનો હિસ્સો બની જાય, તો ભારત જેવા યુવાન દેશનાં સ્વપ્નો સાકાર થઈ શકે છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "તમારે યાદ રાખવું પડશે, જ્યાં ચળવળ છે, ત્યાં પ્રગતિ થાય છે." "તમારે આ ગતિને મેદાનની બહાર પણ જાળવી રાખવી પડશે. આ ગતિ એ તમારાં જીવનનું મિશન હોવું જોઈએ. મને ખાતરી છે કે, રાષ્ટ્રીય રમતોમાં તમારો વિજય દેશને ઉજવણી કરવાની તક આપશે અને ભવિષ્યમાં નવો આત્મવિશ્વાસ પણ પેદા કરશે", એમ પ્રધાનમંત્રીએ સમાપન કર્યું હતું.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુર, સાંસદ શ્રી સી આર પાટીલ, ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી અને અમદાવાદના મેયર શ્રી કિરીટ પરમાર સહિતના મહાનુભાવો  ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચાદભૂમિકા

ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત નેશનલ ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે. 29 સપ્ટેમ્બરથી 12 ઑક્ટોબર 2022 સુધી તેનું આયોજન કરવામાં આવશે. દેશભરમાંથી લગભગ 15,000 રમતવીરો, કૉચ અને અધિકારીઓ 36 વિવિધ રમતગમતની શાખાઓમાં ભાગ લેશે, જે તેને અત્યાર સુધીની સૌથી મોટી રાષ્ટ્રીય રમતો બનાવશે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર એમ છ શહેરોમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવશે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ગુજરાતે આંતરરાષ્ટ્રીય ધોરણોનું મજબૂત સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે આ યાત્રા શરૂ કરી હતી, જેનાં કારણે રાજ્યને ખૂબ જ ટૂંકા ગાળામાં રમતોની તૈયારી કરવામાં મદદ મળી હતી.

YP/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1863554) Visitor Counter : 177