સહકાર મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હી ખાતે આયોજિત રાજ્યના સહકારિતા મંત્રીઓની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદમાં સંબોધન આપ્યું
Posted On:
08 SEP 2022 2:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સહકારી ક્ષેત્રને અર્થતંત્રનો મજબૂત આધારસ્તંભ બનાવીને કરોડો ગરીબોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માંગે છે
સહકારિતા મંત્રાલય પાંચ વર્ષમાં PACSની સંખ્યા વધારીને ત્રણ લાખ સુધી લઇ જવાનો પ્રયાસ કરી રહ્યું છે
કોઇપણ ક્ષેત્રનો વિકાસ ડેટાબેઝ વગર કરવો શક્ય નથી, સહકારિતા મંત્રાલય સહકારી ક્ષેત્રનો રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરી રહ્યું છે
આવનારા 2 મહિનામાં, સરકાર બીજ સંવર્ધન અને ઓર્ગેનિક ઉત્પાદનોના માર્કેટિંગ તેમજ પ્રમાણીકરણની બહુ-રાજ્ય સહકારી સંસ્થાની રચના કરશે, જેનો સીધો ફાયદો ઓર્ગેનિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને થશે
ભારત સરકાર દ્વારા બહુરાજ્ય નિકાસ ગૃહની સ્થાપના કરવામાં આવશે જે વૈશ્વિક બજારમાં ખાદી ઉત્પાદનો, હસ્ત બનાવટની ચીજો અને કૃષિ ઉત્પાદનોની નિકાસ કરશે
PACSમાં મોડેલ પેટા કાયદાઓની મદદથી ઘણા નવા પરિમાણો ઉમેરવામાં આવશે જે સહકારી સંસ્થાઓમાં પારદર્શિતા, જવાબદારી અને ગતિશીલતા લાવશે
તમામ રાજ્યોએ સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે ટીમ ઇન્ડિયાની ભાવના સાથે એકજૂથ થઇને કામ કરવું પડશે અને ટ્રસ્ટી તરીકે પોતપોતાના રાજ્યોમાં સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવું પડશે
દેશની અર્થવ્યવસ્થાને US $5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લક્ષ્યમાં સહકારી સંસ્થાઓએ ઘણું મોટું યોગદાન આપવું જોઇએ અને આગામી 100 વર્ષમાં સહકારી ક્ષેત્ર ચોક્કસપણે ભારતની અર્થવ્યવસ્થાનો એક ભાગ બનવું જોઇએ
નવી સહકારી નીતિમાં દરેક રાજ્યને સમાન રીતે ધ્યાનમાં રાખીને સહકારી ક્ષેત્રનો સમાન સ્તરીય વિકાસ સુનિશ્ચિત કરવામાં આવશે
સમયની માંગ અનુસાર સહકારી ક્ષેત્ર પોતાને સશક્ત બનાવીને ફરી એકવાર દરેકનો વિશ્વાસ જીતે તે સમય હવે આવી ગયો છે
આપણી અર્થવ્યવસ્થાના વિકાસ માટે મોટા પાયે ઉત્પાદનની સાથે સાથે જનતા દ્વારા ઉત્પાદન પણ ખૂબ જ મહત્વનું છે અને આ માત્ર સહકારી મોડલ દ્વારા જ શક્ય બની શકે છે
શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારની સહકારી નીતિનું કેન્દ્રબિંદુ છે - મફત નોંધણી, કોમ્પ્યુટરાઇઝેશન, લોકશાહી ચૂંટણી, સક્રિય સભ્યપદ, શાસન અને નેતૃત્વમાં વ્યાવસાયિકતા, વ્યાવસાયિકતા, પારદર્શિતા, જવાબદારી અને ઉત્તરદાયિત્વ
જો સહકારી ક્ષેત્રમાં યુવાનો અને મહિલાઓની વિશેષ ભાગીદારી હશે તો આ ક્ષેત્ર ઘણું આગળ વધશે
શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર એક નીતિવિષયક વિચાર પણ ઘડી રહી છે કે, ટૂંકા ગાળાના ફાઇનાન્સની સાથે PACSને પણ મધ્યમ અને લાંબા ગાળાના ધીરાણમાં સામેલ કરવા જોઇએ
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હી ખાતે આયોજિત રાજ્યના સહકારિતા મંત્રીઓની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદમાં સંબોધન આપ્યું હતું. આ પરિષદમાં સહકારિતા રાજ્ય મંત્રી શ્રી બી. એલ. વર્મા અને 21 રાજ્યોના સહકારિતા મંત્રીઓ તેમજ 2 કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય સહકારિતા મંત્રીએ અહીં ઉપસ્થિતોને સંબોધન આપતી વખતે જણાવ્યું હતું કે, આ બે દિવસીય પરિષદ આવનારા દિવસોમાં સહકારી સંસ્થાઓને નવા સ્તરે લઇ જવાની દિશામાં લેવાયેલું એક પગલું પુરવાર થશે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતમાં સહકારિતાની ચળવળ લગભગ 125 વર્ષ જૂની છે, પરંતુ જો આપણે કોઇપણ પ્રવૃત્તિમાં સમયસર ફેરફાર ન કરીએ તો તે જૂની થઇ જાય છે અને સમયની માંગ અનુસાર સહકારી ક્ષેત્ર પોતાને સશક્ત બનાવીને ફરી એકવાર દરેકનો વિશ્વાસ જીતે તે સમય હવે આવી ગયો છે. શ્રી શાહે આગળ જણાવ્યું હતું કે, 6ઠ્ઠી જુલાઇ 2021ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સહકારિતા મંત્રાલયની રચના કરવામાં આવી હતી અને માત્ર એક વર્ષમાં મંત્રાલયે સહકારિતા સંબંધિત તમામ ક્ષેત્રોમાં સંખ્યાબંધ બેઠકો અને પરિષદોનું આયોજન કર્યું છે. સહકારિતા એ મુખ્યત્વે રાજ્યનો વિષય છે અને આપણા બંધારણે સહકારી સંસ્થાઓની તમામ પ્રવૃત્તિઓ રાજ્યો પર છોડી દીધી છે, પરંતુ ભારત જેવા વિશાળ દેશમાં સમગ્ર સહકારી ચળવળ એક જ માર્ગે ચાલવી જોઇએ અને આ માટે તમામ રાજ્યોએ સમાન વિચાર અને મંતવ્યો રાખવા જોઇએ.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સહકારી સંસ્થાઓને મજબૂત કરવા માટે PACSને મજબૂત બનાવવામાં આવે તે સૌથી મહત્વપૂર્ણ છે અને સરકાર દ્વારા આ દિશામાં ઘણા પગલાં લેવામાં આવી રહ્યાં છે. તેમણે રાજ્યોના સહકારિતા મંત્રીઓને જણાવ્યું હતું કે, તમામ રાજ્યોએ સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે ટીમ ઇન્ડિયાની ભાવના સાથે અને રાજનીતિ કર્યા વગર, એકજૂથ થઇને કામ કરવું પડશે અને ટ્રસ્ટી તરીકે પોતપોતાના રાજ્યોમાં સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવું પડશે. જો આપણે ભારતમાં છેલ્લા 150 વર્ષોમાં સહકારી સંસ્થાઓના ઇતિહાસ પર નજર કરીએ તો જોવા મળે છે કે સહકારી સંસ્થાઓએ ભારતની અર્થવ્યવસ્થામાં ગૌરવપૂર્ણ યોગદાન આપ્યું છે અને આવનારા 100 વર્ષમાં સહકારી સંસ્થાઓ અવશ્યપણે ભારતની અર્થવ્યવસ્થાનો એક ભાગ બને અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશની અર્થવ્યવસ્થાને US $ 5 ટ્રિલિયન સુધી પહોંચાડવાનું જે સપનું જોયું છે તેને સાકાર કરવામાં ખૂબ જ મોટું યોગદાન આપે.
દેશના પ્રથમ સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં દેશના વિવિધ ભાગોમાં લગભગ 8.5 લાખ સહકારી એકમો આવેલા છે. તેમાંથી, સહકારી સંસ્થાઓએ કૃષિ નાણાં વિતરણ અને કૃષિ સંબંધિત તમામ ક્ષેત્રોમાં ઘણું યોગદાન આપ્યું છે. લગભગ 1.5 લાખ ડેરી અને હાઉસિંગ સોસાયટીઓ, 97,000 PACS અને 46,000 મધ સહકારી મંડળીઓ, 26,000 ગ્રાહક મંડળીઓ, સંખ્યાબંધ મત્સ્યઉદ્યોગ સહકારી મંડળીઓ અને ઘણી સહકારી ખાંડ મિલો છે. 51 ટકા ગામડાંઓ અને 94 ટકા ખેડૂતો કોઇને કોઇ સ્વરૂપે સહકારિતા સાથે સંકળાયેલા છે. દેશની અર્થવ્યવસ્થામાં સહકારી સંસ્થાઓનું યોગદાન ઘણું મોટું રહ્યું છે. દેશના કુલ કૃષિ ધિરાણમાંથી 20% યોગદાન સહકારી ક્ષેત્ર દ્વારા આપવામાં આવે છે, ખાતરનું 35% વિતરણ સહકારી ક્ષેત્ર દ્વારા કરવામાં આવે છે, 25% ખાતરનું ઉત્પાદન, 31% ખાંડનું ઉત્પાદન, 10% થી વધુ દૂધનું ઉત્પાદન પણ સહકારી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે અને ઘઉંની 13% થી વધુ ખરીદી અને ડાંગરની 20% થી વધુ ખરીદી સહકારી ક્ષેત્ર દ્વારા કરવામાં આવે છે તેમજ 21% થી વધુ માછીમારોનો વ્યવસાય સહકારી મંડળીઓ દ્વારા કરવામાં આવે છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રે આપણે નીતિમાં એકરૂપતા અપનાવવી પડશે. દરેક રાજ્યના સહકારી વિભાગે સમાન વિષય સાથે સમાન માર્ગે આગળ વધવું જોઇએ. જો આપણે સહકારી ક્ષેત્ર પર નજર કરીએ તો દેશમાં ત્રણ ભાગ જોવા મળે છે. પ્રથમ, વિકસિત રાજ્યો જે મોટાભાગે પશ્ચિમ અને દક્ષિણમાં આવેલા છે. બીજો ભાગ છે, વિકાસશીલ રાજ્યોનો કે જે મધ્યના હિસ્સા અને ઉત્તરમાં આવેલા છે. ત્રીજો ભાગ છે, અવિકસિત રાજ્યો કે જે પૂર્વ અને ઉત્તર પૂર્વમાં આવેલા છે. તેમણે ઉમેર્યું હતું કે, સહકારી આંદોલન દરેક રાજ્યમાં સમાન રીતે ચલાવવામાં આવે તે આપણું લક્ષ્ય હોવું જોઇએ. જે રાજ્યોમાં આ પ્રવૃતિઓ ધીમી પડી ગઇ છે અથવા બંધ થઇ ગઇ છે ત્યાં આપણે તેને વેગ આપવાનો પ્રયાસ કરવો જોઇએ અને આ માટે આપણને નવી સહકારી નીતિની જરૂર છે. એવી સહકારી નીતિ કે જેમાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશને સમાન રીતે ધ્યાનમાં લેવામાં આવે અને સહકારી ક્ષેત્રના સર્વાંગી વિકાસ તેમજ નવા ક્ષેત્રોને ઓળખવા માટે કામ કરવામાં આવે. શ્રી શાહે આગળ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 70 કરોડ ગરીબ લોકોના જીવનધોરણમાં સુધારો લાવવા માટે કામ કરી રહ્યા છે. આ કરોડો લોકો માટે શ્રી મોદીજીએ આવાસ, પીવાનું પાણી, ગેસ સિલિન્ડર, બે વર્ષ માટે મફત અનાજ, રૂ. 5 લાખ સુધીની તમામ આરોગ્ય સુવિધાઓ વિનામૂલ્યે અને વીજળી ઉપલબ્ધ કરાવી છે અને હવે આ લોકોની મહત્વાકાંક્ષીઓ જાગી છે અને હવે આ કરોડો લોકો દેશના વિકાસમાં યોગદાન આપવા માંગે છે. પરંતુ આ લોકો પાસે બહુ જ ઓછી મૂડી છે અને જો તેઓ દેશના વિકાસમાં યોગદાન આપવા માંગતા હોય તો માત્ર સહકારિતા ક્ષેત્ર જ તેનું માધ્યમ બની શકે છે. સહકારિતા એ એક માત્ર એવું ક્ષેત્ર છે કે જેમાં ઘણા બધા લોકો સાથે મળીને કામ કરી શકે છે અને ઓછામાં ઓછી મૂડીમાં પણ પોતાના તરફથી જંગી યોગદાન આપી શકે છે અને ગુજરાતમાં કાર્યરત અમૂલ આ માટેનું ઉત્તમ દૃશ્ટાંત છે. આ પ્રકારના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લેવા માટે, સહકારી નીતિ તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે જેમાં તમામ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું છે અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી સુરેશ પ્રભુ, કે જેમણે સહકારી ક્ષેત્રમાં સારું કામ કર્યું છે, તેમને આ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ આગળ જણાવ્યું હતું કે, અર્થવ્યવસ્થાના વિકાસ માટે મોટા પાયે ઉત્પાદન જરૂરી છે, પરંતુ 130 કરોડની વસ્તી ધરાવતા આપણા વિશાળ દેશમાં 'જનતા દ્વારા ઉત્પાદન' થાય એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેનો ખ્યાલ બીજે ક્યાંયથી નથી આવતો પરંતુ સહકારી સંસ્થાઓમાંથી જ આવ છે. આ માટે, આપણી સહકારી નીતિ દેશને ખૂબ આગળ લઇ જશે. અમે આ નીતિનું કેન્દ્રબિંદુ નક્કી કર્યું છે જેમાં - કેન્દ્રબિંદુ છે - મફત નોંધણી, કોમ્પ્યુટરાઇઝેશન, લોકશાહી ચૂંટણી, સક્રિય સભ્યપદ, શાસન અને નેતૃત્વમાં વ્યાવસાયિકતા, વ્યાવસાયિકતા, પારદર્શિતા, જવાબદારી અને ઉત્તરદાયિત્વ છે. આ સાથે અમે એવી અસરકારક માનવ સંસાધન નીતિને સામેલ કરવા માંગીએ છીએ, જેમાં ભરતીમાં પારદર્શિતા હોવી જોઇએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સશક્તિકરણ, ટેકનોલોજીનો ઉપયોગ અને આ માટે નીતિ-નિયમો અને માર્ગદર્શિકા હોવી જોઇએ. જો સહકારી ક્ષેત્રમાં યુવાનો અને મહિલાઓની વિશેષ ભાગીદારી હશે તો આ ક્ષેત્ર ઘણું આગળ વધશે. આપણે બહારના વ્યાપારી વિશ્વ સાથે પણ જોડાવું પડશે અને સ્પર્ધાના તમામ માપદંડો પ્રાપ્ત કરવા પડશે કારણ કે, હવે આપણે સ્પર્ધામાંથી છટકી શકતા નથી. સહકારી સંસ્થાઓએ હવે સ્પર્ધા સાથે જીવવાની આદત પાડવી પડશે, માત્ર તો જ સહકારી સંસ્થાઓ આગળ વધી શકશે. આ સાથે, અમે વીમા, આરોગ્ય, પર્યટન, પ્રસંસ્કરણ, સંગ્રહ અને સેવાઓ જેવા કેટલાક નવા પરિમાણો પણ તૈયાર કરવા માંગીએ છીએ. આ તમામ એવા ક્ષેત્રો છે જેમાં સહકારી સંસ્થાઓ દ્વારા ઘણું કામ કરી શકાય તેમ છે.
શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, PACS ને બહુલક્ષી બનાવવવા પડશે, જે આજના સમયની માંગ છે. ઘણા નવા પરિમાણો કે, જેમને અમે આ મોડલ પેટા કાયદા દ્વારા ઉમેરવા માંગીએ છીએ, તેમાં પારદર્શિતા, જવાબદારી અને ગતિશીલતાની જોગવાઇ પણ છે. આમ કરવાથી આપણે સહકારી ક્ષેત્રના મુખ્ય એકમને મજબૂત બનાવવામાં સફળતા પ્રાપ્ત કરીશું અને સહકારી ક્ષેત્રને નવું અને લાંબુ તેમજ મજબૂત જીવન આપીશું. વર્તમાન સમયમાં લગભગ 65,000 PACS અમલીકરણ હેઠળ છે અને અમે નક્કી કર્યું છે કે અમે 5 વર્ષમાં 3 લાખ નવા PACS બનાવીશું. આમ, અમે લગભગ 2,25,000 PACS ની નોંધણી કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. આ PACS ડેરીના પણ હશે, FPO પણ હશે, પાણીનું પણ વિતરણ કરશે, ગેસનું પણ વિતરણ કરશે, ગોબર ગેસ પણ બનાવશે, સંગ્રહના કામમાં પણ જોડાશે. તેમણે ઉમેર્યું હતું કે, જે પંચાયતોમાં PACS નથી તેમને ઓળખી કાઢવામાં આવી છે. જો PACS ને બહુલક્ષી બનાવવા હોય, તો આપણે એકાઉન્ટિંગ સિસ્ટમ પર નવો દૃશ્ટિકોણ કરવો પડશે. આના માટે પ્રધાનમંત્રી શ્રી મોદીએ સરળ અને અવિરત વ્યવહારો માટે PACS થી APACS સુધીનું કોમ્પ્યુટરાઇઝેશન કરવાનો નિર્ણય લીધો છે. અમે પ્રથમ તબક્કામાં 65,000 PACS ને કોમ્પ્યુટરાઇઝ કરીશું અને ભારત સરકારના સહકારિતા મંત્રાલય દ્વારા એક સારું સૉફ્ટવેર પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે જેમાં તમામ કાર્યોને સમાવી લેવામાં આવશે. આ પછી, PACS, જિલ્લા સહકારી બેંકો, રાજ્ય સહકારી બેંકો અને નાબાર્ડ, આ ચારેય એક જ સૉફ્ટવેર અને એક જ પ્રકારની એકાઉન્ટિંગ સિસ્ટમ પર ચાલશે, જે ઑનલાઇન ઓડિટની સુવિધા પણ પૂરી પાડશે. આપણી સંખ્યાબંધ સમસ્યાઓ PACS ના પેટા કાયદાને સ્વીકારવાથી, PACS ના કોમ્પ્યુટરાઇઝેશન અને નવા સૉફ્ટવેર અપનાવવાથી ઉકેલાઇ જશે. આ સૉફ્ટવેર દેશની તમામ ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવામાં જેથી દરેક રાજ્ય પોતાના PACS માટે તેમની માતૃભાષામાં વ્યવસાય કરી શકશે. આ પ્રકારે, સહકારિતા મંત્રાલય દ્વારા એક મહત્વકાંક્ષી યોજના લાવવામાં આવી છે, પરંતુ તમામ લોકોના સક્રિય સહયોગ વગર તેને સાકાર કરવી શક્ય નથી.
કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે શક્ય તેટલી વહેલી તકે નિષ્ક્રિય PACSને ફડચામાં મૂકીને, નવા PACSની રચના કરવી જોઇએ કારણ કે જ્યાં સુધી જૂના PACS અસ્તિત્વમાં છે ત્યાં સુધી નવા PACSની રચના થઇ શકશે નહીં. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા નીતિ સ્તરે પણ નિર્ણય લેવામાં આવી રહ્યો છે કે અત્યાર સુધી PACS માત્ર ટૂંકા ગાળાના નાણાંનું વિતરણ કરવામાં રોકાયેલા હતા, પરંતુ હવે PACS મધ્યમ અને લાંબા ગાળાના નાણાંનું વિતરણ કરવા માટે પણ સક્ષમ હોવા જોઇએ, ભલે તેમણે ખેતી બેંક મારફતે આમ કરવાનું હોય. PACS ને અધિકૃત કરવા સંબંધે આના પર એક દરખાસ્ત કરવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, સહકારી માર્કેટિંગને પ્રોત્સાહન આપવા માટે NAFED નો સમગ્ર ચહેરો બદલવાનો વિચાર કરવામાં આવ્યો છે. રાજ્ય માર્કેટિંગ ફેડરેશનને સક્રિયપણે સહકાર આપીને, NAFED દ્વારા PACS ને માર્કેટિંગ સાથે સક્રિયપણે એકીકૃત કરવામાં આવશે અને સમગ્ર માર્કેટિંગનો નફો આખરે NAFED રાજ્ય અને જિલ્લા ફેડરેશન દ્વારા PACS સુધી પહોંચશે. ઘણા બધા ફેરફારો માટે પ્રશિક્ષિત માનવબળ, સહકારી ફાઇનાન્સ જાણતા હોય તેવા યુવાનો, કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા યુવાનો, સહકારિતાનો ખ્યાલ આત્મસાત કરનારા યુવાનોની જરૂર છે. જો તાલીમબદ્ધ માનવબળની જરૂરિયાત હોય તો આજે એક પણ સહકારી યુનિવર્સિટી નથી અને હવે સરકારે નિર્ણય લીધો છે કે સહકારી યુનિવર્સિટીની રચના કરવામાં આવશે અને રાજ્ય સહકારી સંઘના નેજા હેઠળ અમે દરેક રાજ્યમાં એક સંલગ્ન કોલેજ પણ શરૂ કરીશું કે જેથી કરીને વિવિધ પ્રકારની સહકારી સંસ્થાઓ માનવ બળને તાલીમ આપવા માટે સમર્થ બનશે. અમે આ સહકારી યુનિવર્સિટીને જિલ્લાઓમાં પણ લઇ જઇશું, જેનાથી તાલીમબદ્ધ માનવબળ શોધવાની તકો વધશે. શ્રી શાહે આગળ ઉમેર્યું હતું કે, આજે જો સહકારી સંસ્થાઓનો વિકાસ કરવો હોય તો આપણી પાસે ડેટા નથી. આના માટે ભારત સરકાર કાયમી ડેટાબેઝ પણ તૈયાર કરવા જઇ રહી છે અને આ ડેટા બેંકને અપડેટ કરવામાં આવશે. અમે આ ડેટાબેઝની ઍક્સેસ જિલ્લા અને તેની સંઘ તેમજ જિલ્લા સહકારી બેંકોને આપવા માંગીએ છીએ.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ આગળ જણાવ્યું હતું કે, બીજ ઉત્પાદનમાં પણ અમે બહુ રાજ્ય સહકારી સંસ્થા - બીજ ઉત્પાદન સહકારી બનાવવા જઇ રહ્યા છીએ, જે સંશોધન અને વિકાસ કાર્ય પણ કરશે અને બીજની જાતોને પ્રોત્સાહન તેમજ જાળવણી કરશે અને નવી જાતો તૈયાર પણ કરશે. આના માટે અમે બીજની ગુણવત્તા વધારવા અને આપણા જૂના બિયારણની જાળવણી અને પ્રચાર માટે રાષ્ટ્રીય સ્તરે ચાર-પાંચ મોટી સહકારી સંસ્થાઓનું વિલીનીકરણ કરીને બહુ-રાજ્ય સહકારી બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. આજે પ્રધાનમંત્રીએ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહન આપવાનું આહ્વાન કર્યું છે. પ્રાકૃતિક ખેતી એ વર્તમાન સમયની માંગ બની ગઇ છે અને ખેડૂતોની આવક વધારવા માટે પણ પ્રાકૃતિક ખેતી એક શ્રેષ્ઠ સાધન બની શકે છે. આખી દુનિયામાં ઓર્ગેનિક ઉત્પાદનોની માંગ છે, પરંતુ આપણી પાસે પ્રમાણીકરણનું વ્યવસ્થા તંત્ર નથી. તેના માર્કેટિંગ અને નિકાસ માટે, અમૂલના નેતૃત્વ હેઠળ, અમે ઓર્ગેનિક ઉત્પાદનોને પ્રમાણિત કરવા અને તેનું માર્કેટિંગ કરવા માટે એક સહકારી સંસ્થા બનાવવા જઇ રહ્યા છીએ, જે બહુ-રાજ્ય સહકારી સંસ્થા હશે, અને તેમાં તમામ રાજ્યો જોડાયેલા હશે. આવનારા બે મહિનાની અંદર, અમે બીજ પ્રોત્સાહન અને માર્કેટિંગ તેમજ ઓર્ગેનિક ઉત્પાદનોના પ્રમાણીકરણ માટે બહુ-રાજ્ય સહકારી સંસ્થા બનાવીશું, જેની સાથે રાજ્યો જોડાઇ જાય તે પછી ઓર્ગેનિક ખેતીમાં સંકળાયેલા ખેડૂતોને તેનાથી ખૂબ જ મોટો ફાયદો થશે. આની સાથે સાથે, અમૂલ, IFFCO, NAFED, NCDC અને KRIBHCO દ્વારા એક બહુ-રાજ્ય નિકાસ ગૃહ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે જે ખાદી ઉત્પાદનો, હસ્ત બનાવટની ચીજો અને કૃષિ ઉત્પાદનોનું વિશ્વવ્યાપી બજારમાં નિકાસ કરવા માટે કામ કરશે. સૌથી નાના સહકારી એકમના ઉત્પાદનની નિકાસ કરવા માટે, તે બહુ-રાજ્ય સહકારી નિકાસ ગૃહ બનશે અને આ પોતે તેને આગળ લઇ જશે.
શ્રી અમિત શાહે ઉમેર્યું હતું કે, PACS નું કોમ્પ્યુટરાઇઝેશન કરવાની સાથે સાથે અમે બહુ રાજ્ય સહકારિતા કાયદામાં પણ મોટો ફેરફાર લાવવા જઇ રહ્યા છીએ. અમે મોડલ પેટા કાયદો, રાષ્ટ્રીય સહકારિતા યુનિવર્સિટી, રાષ્ટ્રીય સહકારિતા ડેટા બેંક, એક નિકાસ ગૃહ, બહુ રાજ્ય સહકારિતા મંડળી પણ લાવી રહ્યા છીએ જે ઓર્ગેનિક કૃષિ ઉત્પાદનોનું વેચાણ કરશે અને બીજ ઉત્પાદન માટે પણ અમે એક સહકારી બનાવી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે, સહકારિતા મંત્રાલયે સહકારી સંસ્થાઓને મજબૂત કરવા માટે છેલ્લા એક વર્ષમાં ઘણું કામ કર્યું છે. અગાઉ, ખાંડની મિલો વધારાનો આવકવેરો ભરતી હતી જે એક મોટો અન્યાય હતો અને 50 વર્ષથી આવો કરવેરો અસ્તિત્વમાં હતો. સહકારિતા મંત્રાલયની રચનાના એક મહિનામાં જ આ વધારાનો આવકવેરો નાબૂદ કરીને અમે સહકારી ક્ષેત્રને સમાન દરજ્જો આપવાનું કામ કર્યું છે. સહકારી મંડળીઓ પર લાગતો સરચાર્જ 12% થી ઘટાડીને 7% કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશભરની સહકારી સંસ્થાઓને આનાથી ઘણો મોટો ફાયદો થયો છે. અમે કોર્પોરેટ સ્તરે MAT દરને 18.5% થી ઘટાડીને 15% કરવા માટે કામ કર્યું છે. અમે GeM પાસેથી ખરીદી અને વેચાણ માટે સહકારી સંસ્થાઓને માન્યતા આપી છે. અમે ગ્રામીણ અને શહેરી સહકારી વાણિજ્યિક બેંકો માટે ઘણા સકારાત્મક નિર્ણયો લઇને RBI તરફથી ફેરફારો મેળવવામાં પણ સફળ થયા છીએ, જે તેમના વ્યવસાયમાં વધારો કરશે અને RBI સાથે શહેરી સહકારી બેંકો અને બેંકિંગ ક્ષેત્રના તમામ પડતર પ્રશ્નોની સૂચિનો ઉકેલ લાવવાનું પણ પ્રગતિમાં છે.
કેન્દ્રીય સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે, હવે સહકારી ચળવળને બીજા વર્ગના નાગરિક તરીકે ગણી શકાય નહીં. શ્રી મોદીએ સમગ્ર સહકારી ક્ષેત્રને આ વિશ્વાસ અપાવ્યો છે, પરંતુ આપણે પણ પારદર્શિતા લાવવી પડશે, જવાબદાર બનવું પડશે, કાર્યક્ષમતા વધારવી પડશે, ટેકનોલોજીનો સ્વીકાર કરવો પડશે, વ્યાવસાયીકરણ સ્વીકારવું પડશે અને સહકારિતાને નવા ક્ષેત્રોમાં લઇ જવા માટે સખત મહેનત કરવી પડશે. તેમણે ઉમેર્યું હતું કે સહકારિતા એ રાજ્યોનું કાર્યક્ષેત્ર છે અને જ્યાં સુધી રાજ્ય એકમો આ પરિવર્તન માટે પોતાને તૈયાર નહીં કરે ત્યાં સુધી તે ક્યારેય આ લક્ષ્ય પાર પાડી શકાશે નહીં. રાજ્યોએ આ ફેરફારો અપનાવવા જોઇએ અને ભાવિ રૂપરેખામાં યોગદાન આપવું જોઇએ, જો આમ થશે તો જ સહકારી સંસ્થાઓ મજબૂત થશે. કરોડો ગરીબ લોકોનું કલ્યાણ કરવા માટે સરકાર પાસે આવનારા 100 વર્ષમાં સહકારી ક્ષેત્રને અર્થવ્યવસ્થાનો મજબૂત આધારસ્તંભ બનાવીને આ ઉદ્દેશ પાર પાડવા સિવાય બીજો કોઇ જ વિકલ્પ નથી.
(Release ID: 1857889)
Visitor Counter : 372