મંત્રીમંડળીય સમિતિ નિર્ણયો
કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત નવી યોજના – પ્રધાનમંત્રી શ્રી સ્કૂલ્સ (પીએમ સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા)ને મંજૂરી આપી
નવી શિક્ષણ નીતિ- એનઇપી 2020નાં તમામ ઘટકો પ્રદર્શિત કરવા માટે દેશભરમાં 14,500થી વધારે શાળાઓને પ્રધાનમંત્રી શ્રી સ્કૂલ સ્વરૂપે વિકસાવવામાં આવશે
અપગ્રેડેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવીન શિક્ષણશાસ્ત્ર અને ટેકનોલોજી સાથે પ્રધાનમંત્રી શ્રી શાળાઓ ઉદાહરણરૂપ શાળાઓ બનશે
પ્રધાનમંત્રી શ્રી શાળાઓ 21મી સદીનાં મુખ્ય કૌશલ્યોથી સજ્જ સંપૂર્ણ અને સુગ્રથિત વ્યક્તિઓનું સર્જન કરશે અને તેમનું સંવર્ધન કરશે
પ્રધાનમંત્રી શ્રી શાળાઓ તેની આસપાસની અન્ય શાળાઓને માર્ગદર્શન અને નેતૃત્વ પ્રદાન કરશે
પ્રધાનમંત્રી શ્રી શાળાઓની યોજના વર્ષ 2022-23થી વર્ષ 2026 સુધીનાં પાંચ વર્ષના ગાળા માટે કુલ રૂ. 27360 કરોડનાં પ્રોજેક્ટ ખર્ચ સાથે અમલમાં મૂકવામાં આવશે
Posted On:
07 SEP 2022 3:54PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત નવી યોજના – પીએમ શ્રી સ્કૂલ્સ (પીએમ સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા- PM ScHools for Rising India)ને મંજૂરી આપી હતી. આ કેન્દ્ર સરકાર/રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર/સ્થાનિક સંસ્થાઓ દ્વારા સંચાલિત વર્તમાન શાળાઓને મજબૂત કરીને પ્રધાનમંત્રી શ્રી શાળાઓ સ્વરૂપે સમગ્ર દેશમાં 14,500થી વધારે શાળાઓનાં વિકાસ માટે નવી યોજના હશે. પ્રધાનમંત્રી શ્રી શાળાઓ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નાં તમામ ઘટકોનું પ્રદર્શન કરશે, ઉદાહરણરૂપ શાળાઓ તરીકે કામ કરશે અને તેની આસપાસની અન્ય શાળાઓને માર્ગદર્શન પણ પ્રદાન કરશે. પ્રધાનમંત્રી શ્રી શાળાઓ વિદ્યાર્થીઓનાં જ્ઞાનાત્મક વિકાસ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરશે તથા 21મી સદીનાં મુખ્ય કૌશલ્યોથી સજ્જ સંપૂર્ણ અને સુગ્રથિત વ્યક્તિઓનું સર્જન કરવા અને તેમનું સંવર્ધન કરવા આતુર રહેશે.
પ્રધાનમંત્રી શ્રી શાળાઓની યોજના (પ્રધાનમંત્રી સ્ક્રૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા)નો અમલ કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના સ્વરૂપે કરવામાં આવશે, જેનો કુલ પ્રોજેક્ટ ખર્ચ રૂ. 27360 કરોડ છે, જેમાં વર્ષ 2022-23થી વર્ષ 2026-27 સુધીનાં પાંચ વર્ષના ગાળા માટે રૂ. 18128 કરોડનો કેન્દ્રીય હિસ્સો સામેલ છે.
મુખ્ય લાક્ષણિકતાઓ
- પ્રધાનમંત્રી શ્રી સમાન, સર્વસમાવેશક અને આનંદદાયી શાળાનાં વાતાવરણમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરશે, જે વિવિધ પૃષ્ઠભૂમિ, બહુભાષી જરૂરિયાતો અને બાળકોની વિવિધ શૈક્ષણિક ક્ષમતાઓનું ધ્યાન રાખશે તથા તેમને નવી શિક્ષણ નીતિ- એનઇપી 2020નાં વિઝન મુજબ તેમની પોતાની શીખવાની પ્રક્રિયામાં સક્રિય સહભાગી બનાવશે.
- પ્રધાનમંત્રી શ્રી શાળાઓ તેમના સંબંધિત પ્રદેશોની અન્ય શાળાઓને માર્ગદર્શન પ્રદાન કરીને નેતૃત્વ પ્રદાન કરશે.
- પ્રધાનમંત્રી શ્રી શાળાઓને ગ્રીન સ્કૂલ્સ તરીકે વિકસાવવામાં આવશે, જેમાં સૌર પેનલ્સ અને એલઇડી લાઇટ્સ, કુદરતી ખેતી સાથે પોષણ વન- ન્યૂટ્રિશન ગાર્ડન, વેસ્ટ મેનેજમેન્ટ, પ્લાસ્ટિક ફ્રી, જળ સંરક્ષણ અને સંચય, પર્યાવરણનાં સંરક્ષણ સાથે સંબંધિત પરંપરાઓ/પદ્ધતિઓનો અભ્યાસ, આબોહવામાં પરિવર્તન સાથે સંબંધિત હેકેથોન અને સ્થાયી જીવનશૈલી અપનાવવા જાગૃતિ પેદા કરવા જેવાં પર્યાવરણને અનુકૂળ પાસાંઓ સામેલ હશે.
- આ શાળાઓમાં અપનાવવામાં આવેલ શિક્ષણશાસ્ત્ર વધારે પ્રાયોગિક, સાકલ્યવાદી, સંકલિત, રમત/રમકડાં આધારિત (ખાસ કરીને પાયાનાં વર્ષોમાં) તપાસ-સંચાલિત, શોધલક્ષી, શીખનાર-કેન્દ્રિત, ચર્ચા-આધારિત, લવચીક અને આનંદપ્રદ હશે.
- દરેક ગ્રેડમાં દરેક બાળકનાં શીખવાનાં પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તમામ સ્તરે મૂલ્યાંકન વૈચારિક સમજણ અને વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં જ્ઞાનના ઉપયોગ પર આધારિત હશે અને તે યોગ્યતા-આધારિત હશે.
- ઉપલબ્ધ સંસાધનોનું મૂલ્યાંકન અને દરેક ડોમેન્સ માટે ઉપલબ્ધતા, પર્યાપ્તતા, યોગ્યતા અને ઉપયોગની દ્રષ્ટિએ તેની અસરકારકતાનું મૂલ્યાંકન કરવામાં આવશે અને તેના મુખ્ય કામગીરી સૂચકાંકોને વ્યવસ્થિત અને આયોજિત રીતે પૂર્ણ કરવામાં આવશે.
- રોજગારીની ક્ષમતા વધારવા અને રોજગારીની શ્રેષ્ઠ તકો પ્રદાન કરવા ક્ષેત્ર કૌશલ્ય પરિષદો અને સ્થાનિક ઉદ્યોગ સાથે જોડાણની શોધ કરવામાં આવશે.
- સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ ફ્રેમવર્ક (એસક્યુએએફ) વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં પરિણામોને માપવા માટે ચાવીરૂપ કામગીરીના માપદંડો સ્પષ્ટ કરવામાં આવ્યા છે. ઇચ્છિત ધોરણોને સુનિશ્ચિત કરવા માટે નિયમિત અંતરાલમાં આ શાળાઓનું ગુણવત્તા મૂલ્યાંકન હાથ ધરવામાં આવશે.
પ્રધાનમંત્રી શ્રી સ્કૂલ્સ (પીએમ સ્કૂલ્સ ફોર રાઇઝિંગ ઇન્ડિયા માટે)ની યોજનાનાં મુખ્ય દાખલારૂપ હસ્તક્ષેપ નીચે મુજબ છેઃ
- ગુણવત્તા અને નવીનતા (લર્નિંગ એન્હાન્સમેન્ટ પ્રોગ્રામ, હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ, ઇનોવેટિવ શિક્ષણશાસ્ત્ર, બેગલેસ દિવસો, સ્થાનિક કારીગરો સાથે ઇન્ટર્નશિપ્સ, ક્ષમતા નિર્માણ વગેરે)
- આરટીઇ કાયદા હેઠળ લાભાર્થીલક્ષી અધિકારો. 100 ટકા પ્રધાનમંત્રી શ્રી શાળાઓને વિજ્ઞાન અને ગણિતની કિટ્સ પ્રાપ્ત થશે.
- શાળાની વાર્ષિક ગ્રાન્ટ્સ (કમ્પોઝિટ સ્કૂલ ગ્રાન્ટ્સ, લાઇબ્રેરી ગ્રાન્ટ, સ્પોર્ટ્સ ગ્રાન્ટ)
- બાલવાટિકા અને પાયાની સાક્ષરતા અને આંકડાની સમજ સહિત પ્રારંભિક બાળપણની સંભાળ અને શિક્ષણ
- સમાનતા અને સમાવેશ, જેમાં કન્યાઓ અને CWSN માટે સલામત અને યોગ્ય માળખાગત સુવિધાની જોગવાઈ સામેલ છે.
- વિદ્યાર્થીઓને આપવામાં આવતા વિષયોની પસંદગીમાં સુગમતાને પ્રોત્સાહન આપવું.
- ભાષાના અવરોધોને દૂર કરવામાં મદદરૂપ થવા માટે ટેકનોલોજીકલ હસ્તક્ષેપોનો ઉપયોગ કરીને માતૃભાષા/સ્થાનિક ભાષાઓને શિક્ષણનાં માધ્યમ તરીકે પ્રોત્સાહિત કરવી.
- ડિજિટલ શિક્ષણશાસ્ત્રનો ઉપયોગ કરવા માટે આઇસીટી, સ્માર્ટ વર્ગખંડો અને ડિજિટલ લાઇબ્રેરીઓ. 100 ટકા પ્રધાનમંત્રી શ્રી શાળાઓને આઇસીટી, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ પહેલ હેઠળ આવરી લેવામાં આવશે.
- વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવું
- વ્યાવસાયિક હસ્તક્ષેપો અને ઇન્ટર્નશિપ/ઉદ્યોગસાહસિકતાની તકોમાં વધારો, ખાસ કરીને સ્થાનિક ઉદ્યોગ સાથે. વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ / નજીકના ઉદ્યોગ સાથે કુશળતાઓનું મેપિંગ કરવું અને તે મુજબ અભ્યાસક્રમો / અભ્યાસક્રમ વિકસાવવો.
- તમામ આધુનિક સુવિધાઓ સાથે આ શાળાઓને વિકસાવવા માટે સંતૃપ્તિનો અભિગમ અપનાવવામાં આવશે. તમામ શાળાઓને સાયન્સ લેબ, લાયબ્રેરી, આઇસીટી સુવિધા અને વોકેશનલ લેબ વગેરે આપવામાં આવશે.
ઉપરાંત આ યોજનામાં હાલની યોજનાઓ/પંચાયતી રાજ સંસ્થાઓ/શહેરી સ્થાનિક એકમો અને શાળાની માળખાગત સુવિધાને સુધારવા અને સુવિધાઓનાં નિર્માણ માટે સમુદાયની ભાગીદારીની સાથે સમન્વયની કલ્પના કરવામાં આવી છે.
અમલીકરણ વ્યૂહરચના
(a.) પ્રધાનમંત્રી શ્રી શાળાઓનો અમલ સમગ્ર શિક્ષા, કેવીએસ અને એનવીએસ માટે ઉપલબ્ધ વર્તમાન વહીવટી માળખા મારફતે થશે. અન્ય સ્વાયત્ત સંસ્થાઓને જરૂરિયાત મુજબ વિશિષ્ટ પ્રોજેક્ટ ધોરણે સામેલ કરવામાં આવશે.
(b.) પ્રગતિનું મૂલ્યાંકન કરવા અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦નાં અમલીકરણમાં પડકારોનો સામનો કરવા માટે આ શાળાઓનું શક્તિશાળી નિરીક્ષણ કરવામાં આવશે.
પસંદગી પદ્ધતિ:
પ્રધાનમંત્રી શ્રી શાળાઓની પસંદગી ચેલેન્જ મોડ મારફતે કરવામાં આવશે, જેમાં શાળાઓ ઉદાહરણરૂપ શાળાઓ બનવા માટે સાથસહકાર માટે સ્પર્ધા કરે છે. શાળાઓએ ઓનલાઇન પોર્ટલ પર સ્વ-અરજી કરવાની રહેશે. આ પોર્ટલને વર્ષમાં ચાર વખત ખોલવામાં આવશે, દર ત્રિમાસિક ગાળામાં એક વખત, આ યોજનાનાં પ્રથમ બે વર્ષ માટે.
કેન્દ્ર/રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો/સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા સંચાલિત પ્રાથમિક શાળાઓ (વર્ગ 1-5/1-8) અને માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (વર્ગ 1-10/1-12/6-10/6-12) કે જેનું સંચાલન યુડીઆઈએસઈ+ કોડ ધરાવતી હશે, તેને આ યોજના હેઠળ પસંદગી માટે ધ્યાનમાં લેવામાં આવશે. પસંદગી નિશ્ચિત સમયરેખાઓ સાથે ત્રણ-તબક્કાની પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે, જે નીચે મુજબ છે: -
- પ્રથમ તબક્કો : રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો એનઇપીનો સંપૂર્ણપણે અમલ કરવા સંમત થઈને સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કરશે, જેમાં કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી શ્રી શાળાઓ તરીકે ચોક્કસ ગુણવત્તાની ખાતરી હાંસલ કરવા માટે આ શાળાઓને સાથસહકાર આપવા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરશે.
- તબક્કો-2: આ તબક્કામાં, પીએમ શ્રી શાળાઓ તરીકે પસંદ કરવા માટે લાયક શાળાઓના સમૂહની ઓળખ યુડીઆઈએસઈ + ડેટા દ્વારા નિર્ધારિત લઘુતમ માપદંડના આધારે કરવામાં આવશે.
- તબક્કો-3: આ તબક્કો ચોક્કસ માપદંડોને પરિપૂર્ણ કરવા માટેની પડકાર પદ્ધતિ પર આધારિત છે. ફક્ત શાળાઓના ઉપરોક્ત પાત્ર સમૂહ-પૂલની શાળાઓ જ પડકારની શરતોને પૂર્ણ કરવા માટે સ્પર્ધા કરશે. શરતોની પૂર્તિનું પ્રમાણપત્ર રાજ્યો/કેવીએસ/જેએનવી દ્વારા સ્થળ નિરીક્ષણ મારફતે આપવામાં આવશે.
રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો/કેવીએસ/જેએનવી શાળાઓ દ્વારા નોંધાયેલા દાવાઓની ખરાઈ કરશે અને મંત્રાલયને શાળાઓની યાદીની ભલામણ કરશે.
સમગ્ર ભારતમાં કુલ શાળાઓની સંખ્યાની ઉપલી મર્યાદા સાથે બ્લોક/યુએલબી દીઠ મહત્તમ બે શાળાઓ (એક પ્રાથમિક અને એક માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક)ની પસંદગી કરવામાં આવશે. પ્રધાનમંત્રી શ્રી શાળાઓની પસંદગી અને દેખરેખ માટે શાળાઓને જીઓ-ટેગિંગ કરવામાં આવશે. ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ એપ્લિકેશન્સ એન્ડ જીઓ-ઇન્ફોર્મેટિક્સ (બીઆઇએસએજી-એન)ની સેવાઓ જીઓ-ટેગિંગ અને અન્ય સંબંધિત કાર્યો માટે લેવામાં આવશે. શાળાઓની અંતિમ પસંદગી માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવશે.
પ્રધાનમંત્રી શ્રી શાળાઓની ગુણવત્તાની ખાતરી
- એનઇપી 2020નું પ્રદર્શન
- નોંધણી અને શીખવાની પ્રગતિને ટ્રેક કરવા માટે વિદ્યાર્થી રજિસ્ટ્રી
- રાજ્ય અને રાષ્ટ્રીય સરેરાશથી ઉપરના સ્તર હાંસલ કરવા માટે દરેક બાળકનાં ભણતરનાં પરિણામોમાં સુધારો
- દરેક મધ્યમ વર્ગનું બાળક અત્યાધુનિક અને 21મી સદીનાં કૌશલ્યના સંપર્કમાં આવે છે/લક્ષી છે
- દરેક માધ્યમિક ધોરણનું બાળક ઓછામાં ઓછાં એક કૌશલ્ય સાથે પાસ થાય છે
- દરેક બાળક માટે રમતગમત, કળા, આઈ.સી.ટી.
- ટકાઉ અને હરિયાળી શાળાઓ
- માર્ગદર્શન માટે દરેક શાળા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ સાથે લિંક્ડ/જોડાયેલી છે
- દરેક શાળા સ્થાનિક ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ સાથે લિંક્ડ/જોડાયેલી હોય છે
- દરેક બાળકને માનસિક સુખાકારી અને કારકિર્દી માટે સલાહ
- વિદ્યાર્થીઓનાં મૂળમાં ભારતનાં જ્ઞાન અને વારસાનાં મૂળિયા હશે, ભારતની સભ્યતાની નીતિ અને મૂલ્યો પર ગર્વ હશે, તેઓ વિશ્વમાં ભારતનાં પ્રદાન પ્રત્યે જાગૃત હશે, સમાજ, જીવો અને પ્રકૃતિ પ્રત્યેની ફરજો પ્રત્યે જાગૃત હશે, ભારતીય ભાષાઓમાં સંવાદાત્મક રીતે સક્ષમ હશે, સર્વસમાવેશકતા, સમાનતા અને વિવિધતામાં એકતાનું સન્માન કરશે, સેવાની ભાવના રાખશે તથા 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને આગળ વધારશે.
- ચારિત્ર્ય નિર્માણ, નાગરિકતાનાં મૂલ્યો, મૂળભૂત ફરજો અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેની જવાબદારીઓ
આ શાળાઓને બાળકોના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતી વાયબ્રન્ટ શાળાઓ તરીકે વિકસિત કરવામાં આવશે.
લાભાર્થીઓ
૧૮ લાખથી વધુ વિદ્યાર્થીઓને આ યોજનાનો સીધો લાભ મળવાની અપેક્ષા છે. પીએમ શ્રી શાળાઓની નજીકની શાળાઓનાં માર્ગદર્શન અને સાથ સહકાર દ્વારા વધુ અસર પેદા કરવામાં આવશે.
YP/GP/JD
(Release ID: 1857477)
Visitor Counter : 608
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam