પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસ પર રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે સંવાદ કર્યો


“શિક્ષણ ક્ષેત્રે સર્વપલ્લી રાધાકૃષ્ણને કરેલા પ્રયાસો આપણને સૌને પ્રેરણા આપે છે”

“ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ પણ એક શિક્ષક જ છે અને તેમના હસ્તે સન્માન પ્રાપ્ત થાય તે વધુ મહત્વપૂર્ણ છે”

“શિક્ષકની ભૂમિકા વ્યક્તિને પ્રકાશ બતાવવાની છે, અને તે એજ છે જે સપનાં બતાવે છે અને સપનાંને દૃઢ સંકલ્પમાં ફેરવવાનું શીખવાડે છે”

“રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિને એવી રીતે આત્મસાત કરવાની જરૂર છે કે આ સરકારી દસ્તાવેજ વિદ્યાર્થીઓના જીવનનો આધાર બની જાય”

“આખા દેશમાં એવો કોઇ વિદ્યાર્થી ના હોવો જોઇએ કે જેણે 2047નું સપનું ન જોયું હોય”

“દાંડી યાત્રા અને ભારત છોડો વચ્ચેના વર્ષો દરમિયાન રાષ્ટ્રને ઘેરી લેનારી ભાવનાને ફરીથી જગાવવાની જરૂર છે”

Posted On: 05 SEP 2022 6:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસના અવસર પર, નવી દિલ્હી ખાતે શિક્ષકો માટેના રાષ્ટ્રીય પુરસ્કારોના વિજેતા શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શિક્ષકોને એ પણ યાદ અપાવ્યું કે, ભારતના વર્તમાન આરૂઢ રાષ્ટ્રપતિ પણ પોતે એક શિક્ષક જ છે અને ઓડિશાના દૂર-દૂરના સ્થળોએ તેઓ ભણાવી ચૂક્યા છે. તેમના હસ્તે સન્માન પ્રાપ્ત કરવું એ વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આજે, જ્યારે દેશે આઝાદી કા અમૃત મહોત્સવના તેના વિશાળ સપનાંને સાકાર કરવાના પ્રયાસો આદર્યા છે, ત્યારે સર્વપલ્લી રાધાકૃષ્ણને શિક્ષણ ક્ષેત્રે કરેલા પ્રયાસો આપણને સૌને પ્રેરણા આપે છે. આ પ્રસંગે, હું રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરનારા તમામ શિક્ષકોને અભિનંદન પાઠવું છું.

પ્રધાનમંત્રીએ શિક્ષકોના જ્ઞાન અને સમર્પણની ભાવના પર પ્રકાશ પાડ્યો હતો અને ટાંક્યું હતું કે તેમનો સૌથી મોટો ગુણ એ તેમનો સકારાત્મક દૃષ્ટિકોણ છે જે તેમને વિદ્યાર્થીઓમાં સુધારો લાવવા માટે તેમને અવિરતપણે કામ કરવા માટે સમર્થ બનાવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “શિક્ષકની ભૂમિકા વ્યક્તિને પ્રકાશ બતાવવાની છે, અને તે એજ છે જે સપનાં બતાવે છે અને સપનાંને દૃઢ સંકલ્પમાં ફેરવવાનું શીખવાડે છે.” પ્રધાનમંત્રીએ કહ્યું કે, 2047ના ભારતની રાજસત્તા અને ભાગ્ય, આ બંને આજના વિદ્યાર્થીઓ પર નિર્ભર છે અને તેમનું ભવિષ્ય આજના શિક્ષકો દ્વારા ઘડવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે,તેથી, તમે વિદ્યાર્થીઓને તેમના જીવનનું ઘડતર કરવામાં મદદ કરી રહ્યા છો અને દેશની રૂપરેખાને પણ આકાર આપી રહ્યા છો.” પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જ્યારે એક શિક્ષક વિદ્યાર્થીના સપના સાથે જોડાઇ જાય છે ત્યારે તેઓ તેમનું સન્માન અને સ્નેહ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરે છે.

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓનાં જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં સંઘર્ષ અને વિરોધાભાસને દૂર કરવાના મહત્વને પણ રેખાંકિત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થી શાળા, સમાજ અને ઘરમાં જે કંઇ પણ અનુભવે છે તેમાં કોઇ જ વિરોધાભાસ ન હોય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે વિદ્યાર્થીઓના ઉછેર માટે શિક્ષકો અને ભાગીદારો દ્વારા વિદ્યાર્થીઓના પરિવારો સાથે સંકલિત અભિગમ અપનાવવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે વિદ્યાર્થીઓ બાબતે પસંદ-નાપસંદની ભાવનાથી દૂર રહેવા અને દરેક વિદ્યાર્થી સાથે સમાન વ્યવહાર કરવાની સલાહ પણ આપી હતી.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને પ્રાપ્ત થયેલી પ્રશંસા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, તે યોગ્ય દિશામાં લેવામાં આવેલું એક પગલું છે. રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિને એક કરતાં વધુ વખત જોવાની અને તેને બરાબર સમજવાની જરૂરિયાત પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીનું દૃષ્ટાંત આપતા કહ્યું હતું કે તેમણે વારંવાર ભગવદ્ ગીતાનું વાંચન કર્યું અને દરેક વખતે તેમને તેમાંથી એક નવો અર્થ જાણવા મળ્યો હતો. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિને એવી રીતે આત્મસાત કરવાની જરૂર છે કે જેથી આ સરકારી દસ્તાવેજ વિદ્યાર્થીઓના જીવનનો આધાર બની જાય. તેમણે ઉમેર્યું હતું કે, “નીતિ ઘડવામાં શિક્ષકોએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી.” તેમણે એ બાબત પર પણ ભાર મૂક્યો હતો કે રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિના અમલીકરણમાં પણ શિક્ષકોએ ખૂબ મહત્વની ભૂમિકા નિભાવવાની છે.

પ્રધાનમંત્રીએ સ્વતંત્રતા દિવસના રોજ ઉલ્લેખ કરેલા પંચ પ્રણની ઘોષણાને યાદ કરી અને ફરી સૂચન કર્યું હતું કે આ પંચ પ્રણોની નિયમિત ધોરણે શાળામાં ચર્ચા કરવી જોઇએ જેથી વિદ્યાર્થીઓના માનસમાં આ અંગેની ભાવના સ્પષ્ટ થાય. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાષ્ટ્રની પ્રગતિના માર્ગ તરીકે આ પ્રણ (સંકલ્પો)ની પ્રશંસા કરવામાં આવી રહી છે અને આપણે બાળકો અને વિદ્યાર્થીઓ સુધી આ ભાવનાને પહોંચાડવાનો માર્ગ શોધવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આખા દેશમાં એવો કોઇ વિદ્યાર્થી ન હોવો જોઇએ કે જેણે 2047નું સપનું ન જોયું હોય”. તેમણે ઉમેર્યું હતું કે, દાંડી યાત્રા અને ભારત છોડો વચ્ચેના વર્ષો દરમિયાન રાષ્ટ્રને ઘેરી લેનાર ભાવનાને ફરીથી જગાવવાની જરૂર છે.

યુનાઇટેડ કિંગડમને પાછળ રાખીને દુનિયામાં 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકેનું સ્થાન મેળવવાની ભારતની સિદ્ધિ અંગે ટિપ્પણી કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રેન્કિંગમાં છઠ્ઠા સ્થાનેથી આગળ વધીને 5મા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે સ્થાન મેળવ્યું તેના આનંદની સરખામણીએ, લગભગ 250 વર્ષ સુધી ભારત પર શાસન કરનારાઓને પાછળ ધકેલી દેવાની જે સફળતા મળી છે તેનો આનંદ અનેક ગણો વધારે છે. પ્રધાનમંત્રીએ તિરંગાની એ ભાવના પર પ્રકાશ પાડ્યો હતો જેના કારણે ભારત આજે આખી દુનિયામાં નવા શિખરો સર કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આ ભાવના આજે જરૂરી છે.” પ્રધાનમંત્રીએ 1930 થી 1942 સુધી જ્યારે દરેક ભારતીય આઝાદી માટે અંગ્રેજો સામે લડી રહ્યા હતા ત્યારે દેશ માટે જીવવા, પરિશ્રમ કરવા અને મરવાની ભાવના હતી તેવી જ ભાવનાને દરેક નાગરિકમાં હવે ફરી પ્રજ્વલિત કરવા માટે અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, “હું મારા દેશને પાછળ રહેવા દઇશ નહીં.” પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, “આપણે હજારો વર્ષોની ગુલામીની બેડીઓ તોડી નાખી છે, અને હવે આપણે અટકીશું નહીં. આપણે માત્રને માત્ર આગળ વધીશું. પોતાના સંબોધનનું સમાપન કરતી વખતે, પ્રધાનમંત્રીએ દેશના શિક્ષકોને ભારતના ભવિષ્યમાં આવી જ ભાવનાને આત્મસાત કરવા માટે અનુરોધ કર્યો હતો જેથી તેમની શક્તિમાં અનેકગણો વધારો થાય.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી અન્નપૂર્ણા દેવી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.

પૃષ્ઠભૂમિ

શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરવાનો ઉદ્દેશ દેશના કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોના અનન્ય યોગદાનની ઉજવણી કરવાનો અને તેમનું સન્માન કરવાનો છે. જેમણે કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સખત પરિશ્રમ દ્વારા માત્ર શાળાના શિક્ષણની ગુણવત્તામાં સુધારો કર્યો નથી પરંતુ તેમના વિદ્યાર્થીઓના જીવનને પણ સમૃદ્ધ બનાવ્યું છે તેવા શિક્ષકોને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.

પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં કામ કરતા ગુણવાન શિક્ષકોને જાહેર સન્માન તરીકે શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવે છે. આ વર્ષે સખત અને પારદર્શક, ત્રણ તબક્કાની ઑનલાઇન પ્રક્રિયા દ્વારા દેશભરમાંથી 45 શિક્ષકોને આ પુરસ્કારથી સન્માનિત કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે.

YP/GP/JD


(Release ID: 1856922) Visitor Counter : 518