પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વીજ ક્ષેત્રની નવેસરથી સંશોધિત વિતરણ ક્ષેત્ર યોજનાનો શુભારંભ કર્યો


‘ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય – પાવર @2047’ કાર્યક્રમની પૂર્ણાહૂતિ ગ્રાન્ડ ફિનાલે સાથે થઈ, જેમાં પ્રધાનમંત્રી સહભાગી થયા

પ્રધાનમંત્રીએ રૂ. 5200 કરોડથી વધારે મૂલ્યના એનટીપીસીના વિવિધ ગ્રીન ઊર્જા પ્રોજેક્ટનો શુભારંભ અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સૌર રુફટોપ પોર્ટલનો શુભારંભ પણ કર્યો

“આ ઊર્જા ક્ષેત્રની ક્ષમતા વેપારવાણિજ્યને સરળ કરવા અને જીવનની સરળતા વધારવા માટે પણ મહત્વપૂર્ણ છે”

“આજે શરૂ થયેલા વિવિધ પ્રોજેક્ટ ભારતનાં અક્ષય ઊર્જાના લક્ષ્યાંકો, કટિબદ્ધતાઓ અને એની ગ્રીન પરિવહનની આકાંક્ષાઓને મજબૂત કરશે”

“લડાખ દેશમાં ફ્યુઅલ સેલ વાહનો ફરતાં હોય એવું પ્રથમ સ્થાન બનશે”

“છેલ્લાં 8 વર્ષમાં આશરે 1,70,000 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા દેશમાં ઉમેરાઈ છે”

“રાજકારણમાં લોકોમાં સાહસ હોવું જોઈએ, સાચું બોલવાની હિમ્મત હોવી જોઈએ, પણ આપણે જોઈએ છીએ કે, કેટલાંક રાજ્યો લોકોને સાચી સ્થિતિ જણાવવાનું ટાળવાનો પ્રયાસ કરે છે”

“વીજ ઉત્પાદન અને વિતરણ કંપનીઓના આશરે 2.5 લાખ કરોડ રૂપિયા ફસાઈ ગયા છે”

“વીજ ક્ષેત્રની સ્થિતિ એ રાજનીતિની વાત નથી, પણ રાષ્ટ્રનીતિની વાત છે”

Posted On: 30 JUL 2022 3:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય – પાવર @2047’ની ગ્રાન્ડ ફિનાલે અને સમાપન સમારંભમાં સામેલ થયા હતા. આ કાર્યક્રમ દરમિયાન તેમણે વીજળીના ક્ષેત્રમાં સંશોધિત કરેલી વિતરણ ક્ષેત્ર યોજનાનો શુભારંભ કર્યો હતો. તેમણે એનટીપીસીના વિવિધ પર્યાવરણલક્ષી ઊર્જા પ્રોજેક્ટ દેશને સમર્પિત કર્યા હતા અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે રાષ્ટ્રીય સોલર રુફટોપ સોલર યોજના પણ શરૂ કરી હતી.

પ્રધાનમંત્રીએ વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ દરમિયાન મંડીમાંથી શ્રી હંસરાજે કુસુમ યોજના સાથે તેમના અનુભવને પ્રધાનમંત્રીને જણાવ્યો હતો. પ્રધાનમંત્રીએ પૂછ્યું હતું કે, અન્ય ખેડૂતો આ યોજનામાં કેવો રસ દાખવી રહ્યાં છે. શ્રી હંસરાજે પ્રધાનમંત્રીનો યોજના માટે આભાર પણ માન્યો હતો અને જાણકારી આપી હતી કે, આ યોજનાથી તેમને અને તેમના પરિવારને કેવી રીતે મદદ મળી હતી.

ત્રિપુરાના ખોવાઈમાંથી શ્રી કલાહા રિઆંગે પ્રધાનમંત્રીને તેમના ગામમાં વીજળીના આગમનથી આવી રહેલા પરિવર્તનો વિશે જાણકારી આપી હતી. તેમણે માહિતી આપી હતી કે, સૌર ઊર્જાના આગમન પછી કેરોસીનનો વપરાશ ઘટી ગયો છે. પ્રધાનમંત્રીએ વીજળીના આગમન થકી આવેલા અન્ય પરિવર્તનો વિશે પણ પૂછ્યું હતું. શ્રી રિઆંગે જણાવ્યું હતું કે, હવે તેઓ મોબાઇલ ફોનને ચાર્જ કરી શકે છે, જેનો તેઓ લાંબા અંતરના પ્રવાસ માટે ઉપયોગ કરે છે. સૌર ઊર્જાથી બાળકોના શિક્ષણમાં સુધારો થયો છે, અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું છે તેમજ સાંજે જીવનમાં પણ પરિવર્તન આવ્યો છે. પ્રધાનમંત્રીએ તેમને ટીવી પર સરકાર દ્વારા સંચાલિત શૈક્ષણિક ટીવી ચેનલનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. તેમણે વીજળી બચાવવા પણ તેમને અપીલ કરી હતી.

દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાના લાભાર્થી વિશાખાપટનમના શ્રી કાગુ ક્રાંતિ કુમારે તેમના જીવનમાં વીજળીની સકારાત્મક અસરની વિગત પણ આપી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે દેશના નાગરિકો પ્રગતિ કરશે, ત્યારે દેશ પ્રગતિ કરશે અને તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો કે, દેશના તમામ ગામડાઓ સુધી વીજળીની સુવિધાઓ પહોંચી છે.

ઇન્ટિગ્રેટેડ પાવર ડેવલપમેન્ટ સ્કીમના લાભાર્થી વારાણસીના શ્રીમતી પ્રમિલા દેવીને પ્રધાનમંત્રીએ હર હર મહાદેવ સાથે સ્વાગત કર્યું હતું. વારાણસીના સાંસદ પ્રધાનમંત્રીએ તેમના વતી બાબા વિશ્વનાથને વંદન કરવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ એ બાબતે ખુશી પણ વ્યક્ત કરી હતી કે, ઓવરહેડ વાયર્સ ધીમે ધીમે તબક્કાવાર રીતે દૂર થઈ રહ્યાં છે, જે વધારે સલામતી અને સુંદર દેખાવો તરફ દોરી રહ્યાં છે.

અમદાવાદમાંથી શ્રી ધિરેન સુરેશભાઈ પટેલે સૌર પેનલની સ્થાપનાના પોતાના અનુભવો વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રુફટોપ પેનલ સ્થાપિત કરીને ધિરેનભાઈ વીજળીના વિક્રેતા બની ગયા છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ગયા વર્ષે વર્ષ 2047 સુધીમાં ઊર્જા ક્ષેત્રમાં દેશ આત્મવિશ્વાસ સાથે આ ક્ષેત્રમાં કામ કરે એ સુનિશ્ચિત કરવા ઘણાં પગલાં લેવામાં આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, લોકોની ભાગીદારી આ સંબંધમાં સૌથી મોટી ક્ષમતા છે.

અહીં ઉપસ્થિત લોકોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઊર્જા અને વીજ ક્ષેત્રો આગામી 25 વર્ષમાં ભારતની પ્રગતિને વેગ આપવામાં મોટી ભૂમિકા ધરાવે છે. ઊર્જા ક્ષેત્રની ક્ષમતા વેપારવાણિજ્યને સરળ કરવા માટે પણ મહત્વપૂર્ણ છે અને જીવનની સરળતા માટે પણ એટલા જ મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે શરૂ થયેલા પ્રોજેક્ટ દેશ માટે પર્યાવરણલક્ષી ઊર્જા અને ઊર્જા સુરક્ષાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં છે. આ વિવિધ પ્રોજેક્ટ ભારતના પુનઃપ્રાપ્ય ઊર્જાના લક્ષ્યાંકો, કટિબદ્ધતાઓ અને એની ગ્રીન મોબિલિટીની આકાંક્ષાઓને મજબૂત કરશે. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, લડાખ અને ગુજરાતમાં આજથી શરૂ થયેલા બે મોટા ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ પર કામની જાહેરાત કરી હતી. લડાખમાં સ્થાપિત પ્લાન્ટ દેશમાં વાહનો માટે ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરશે. આ દેશમાં પ્રથમ પ્રોજેક્ટ હશે, જેમાંથી ગ્રીન હાઇડ્રોજન-આધારિત પરિવહનને શક્ય બનાવવા વાણિજ્યિક ધોરણે ગ્રીન હાઇડ્રોજન સુલભ થશે. લડાખ ટૂંક સમયમાં દેશમાં પ્રથમ સ્થાન બનશે, જ્યાં ફ્યુઅલ સેલ ધરાવતા ઇલેક્ટ્રિક વાહનો દોડવાની શરૂઆત થશે. આ લડાખને કાર્બનમુક્ત વિસ્તાર બનાવવામાં મદદરૂપ થશે.

પ્રધાનમંત્રીએ એવી જાણકારી પણ આપી હતી કે, પેટ્રોલ અને વિમાનના ઇંધણમાં ઇથેનોલનું મિશ્રણ કર્યા પછી હવે દેશ પાઇપ્ડ નેચરલ ગેસ પાઇપલાઇનમાં ગ્રીન હાઇડ્રોજનનું મિશ્રણ કરવા તરફ અગ્રેસર છે, જે કુદરતી ગેસ પર આયાતની નિર્ભરતામાં ઘટાડો કરશે.

વર્ષ 2014 અગાઉ વીજ ક્ષેત્રની નબળી સ્થિતિને યાદ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આઠ વર્ષ અગાઉ સરકારે દેશના વીજ ક્ષેત્રના દરેક ભાગને પરિવર્તિત કરવા વિવિધ પહેલ હાથ ધરી હતી. વીજ વ્યવસ્થા સુધારવા ચાર જુદી જુદી દિશાઓમાં સંયુક્તપણે કામ થયું હતું – ઉત્પાદન, ટ્રાન્સમિશન, વિતરણ અને જોડાણ.

પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, છેલ્લાં 8 વર્ષમાં દેશમાં આશરે 1,70,000 મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા ઉમેરાઈ છે. એક રાષ્ટ્ર, એક પાવરગ્રિડ આજે દેશની ક્ષમતા બની ગઈ છે. આશરે 1,70,000 કિલોમીટરની લંબાઈ ધરાવતી ટ્રાન્સમિશન લાઇન સંપૂર્ણ દેશને જોડવા માટે પાથરવામાં આવી છે. ઉપરાંત સૌભાગ્ય યોજના અંતર્ગત 3 કરોડ જોડાણો આપીને આપણે લક્ષ્યાંક હાંસલ કરવાની બહુ નજીક છીએ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણે આઝાદીના 75 વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધીમાં 175 ગીગાવોટની અક્ષય ઊર્જાની ક્ષમતા ઊભી કરવાનો સંકલ્પ કર્યો હતો. અત્યારે આપણે આ લક્ષ્યાંક પાર પાડવાની બહુ નજીક છીએ. અત્યાર સુધી આશરે 170 ગીગાવોટ ક્ષમતા બિનઅશ્મિભૂત સંસાધનોમાંથી સ્થાપિત થઈ છે. તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે સૌર ઊર્જાની સ્થાપિત ક્ષમતાની દ્રષ્ટિએ દુનિયાના ટોચના 4થી 5 દેશોમાં ભારત સ્થાન ધરાવે છે. દેશને આજે વધુ બે મોટા સૌર પ્લાન્ટ મળ્યાં છે. દેશમાં પ્રથમ અને બીજા સૌથી મોટા તરતા સૌર પ્લાન્ટ તેલંગાણા અને કેરળમાં બન્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સૌર પેનલ્સે કુટુંબોને પ્રોત્સાહન આપ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વીજળીના ઉત્પાદનમાં વધારો થવાની સાથે સરકારે વીજળીની બચત કરવા પર પણ ભાર મૂક્યો છે. તેમણે કહ્યું હતું કે, વીજળીની બચત એટલે ભવિષ્યમાં સમૃદ્ધિ. પીએમ કુસુમ યોજના આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અમે ખેડૂતોને સૌર પમ્પ સુવિધા પ્રદાન કરીએ છે, ખેતરોની સાઇડ પર સૌર પેનલો સ્થાપિત કરવામાં મદદ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઉજાલા યોજનાએ દેશમાં વીજળીના વપરાશ અને બિલોમાં ઘટાડો કરવામાં પણ મોટી ભૂમિકા ભજવી છે. દર વર્ષે ગરીબો અને મધ્યમ વર્ગનાં કુટુંબોને વીજળીના બિલોમાંથી 50 હજાર કરોડ રૂપિયાની બચત થાય છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સમયની સાથે આપણા રાજકારણમાં ગંભીર સમસ્યાઓ પેસી ગઈ છે. રાજકારણમાં લોકો પાસે સાહસ હોવું જોઈએ, સાચું કહેવાની હિમ્મત હોવી જોઈએ, પણ આપણે જોઈએ છીએ કે કેટલાંક રાજ્યો લોકોને સાચું કહેવાનું ટાળવાનો પ્રયાસ કરે છે. આ વ્યૂહરચના ટૂંકા ગાળા માટે સતા જાળવી રાખવા કે મેળવવા સારું રાજકારણ લાગી શકે છે. પણ આ આજનું સત્ય આવતીકાલ પર છોડવા જેવી વાત છે, આજનો પડકાર આવતીકાલ પર, આપણા બાળકો પર અને આપણી ભવિષ્યની પેઢીઓ પર નાંખી દેવાની વાત છે. આજની સમસ્યાઓનું સમાધાન ટાળવાની આ વિચારસરણી અને ભવિષ્ય માટે તેમના છોડી દેવી દેશ માટે સારી બાબત નથી. આ પ્રકારની વિચારસરણીએ ઘણા રાજ્યોમાં વીજ ક્ષેત્ર માટે મોટી સમસ્યાઓ પેદા કરી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણા વિતરણ ક્ષેત્રમાં નુકસાન 10 ટકા કે એનાથી વધારે છે. એની સરખામણીમાં વિકસિત દેશોમાં આ નુકસાન 10 ટકાથી ઓછું છે. એનો અર્થ એ થયો કે, આપણે વીજળીનો ઘણો વ્યય કરી રહ્યાં છીએ અને એટલે આપણે વીજળીની માગને પૂર્ણ કરવા વધારે વીજળી પેદા કરવી પડશે. તેમણે જણાવ્યું હતું કે, ઘણા રાજ્યોમાં વિતરણ અને ટ્રાન્સમિશન નુકસાન ઘટાડવા રોકાણનો અભાવ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, લોકોને એ જાણીને નવાઈ લાગશે કે વિવિધ રાજ્યો રૂ. 1 લાખ કરોડથી વધારે બાકી નીકળતી રકમ ધરાવે છે. તેમણે આ નાણાં વીજ ઉત્પાદક કંપનીઓને આપવા પડશે. વીજ વિતરણ કંપનીઓને ઘણા સરકારી વિભાગો અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ પાસેથી 60 હજાર કરોડ રૂપિયાથી વધારે રકમ લેવાની બાકી નીકળે છે. તેમણે ઉમેર્યું હતું કે, વિવિધ રાજ્યોમાં આ કંપનીઓ સમયસર અને સંપૂર્ણપણે વીજળી પર સબસિડી માટે ચુકવવામાં આવેલા નાણાં મેળવવા પણ સક્ષમ નથી. આ એરિયર પણ રૂ. 75,000 કરોડથી વધારે છે. વીજળીના ઉત્પાદનથી ડોર-ટૂ-ડોર ડિલિવરી સુધીની કામગીરીઓ માટે જવાબદાર લોકો, તેમના અઢી લાખ કરોડ રૂપિયા ફસાઈ ગયા છે.

પ્રધાનમંત્રીએ રાજ્યોને શક્ય એટલી વહેલી તકે તેમની બાકી નીકળતી રકમ ચુકવી દેવા વિનંતી કરી હતી. ઉપરાંત પ્રામાણિકતાપૂર્વક એ કારણો પર વિચારવા જણાવ્યું હતું કે, જ્યારે દેશવાસીઓ પ્રામાણિકતાપૂર્વક તેમના વીજળીનું બિલ ચુકવી રહ્યાં છે, ત્યારે શા માટે કેટલાંક રાજ્યો વારંવાર એરિયર્સ ધરાવે છે? તેમણે કહ્યું હતું કે, આ રાજનીતિની વાત નથી, પણ રાષ્ટ્રનીતિ અને રાષ્ટ્રનિર્માણની વાત છે.

તેમણે સંબોધનના અંતે હિતધારકોને યાદ અપાવ્યું હતું કે, વીજ ક્ષેત્રની સ્થિતિ સારી રાખવી એ દરેક નાગરિકની જવાબદારી છે.

પૃષ્ઠભૂમિ

પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સરકારે વીજ ક્ષેત્રમાં વિવિધ પથપ્રદર્શક પહેલો હાથ ધરી છે. આ સુધારાઓ તમામ માટે વાજબી દરની વીજળીની ઉપલબ્ધ કરવાની સાથે વીજ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા માટે છે. અગાઉ વીજળીની સુવિધાથી વંચિત આશરે 18,000 ગામડાઓનું વીજળીકરણ થવાથી સરકારની છેવાડાના માનવી સુધી વીજળી પહોંચાડવાની કટિબદ્ધતા વ્યક્ત થાય છે.

વીજ મંત્રાલયની ફ્લેગશિપ નવેસરથી સંશોધિત વિતરણ ક્ષેત્ર યોજનાનો ઉદ્દેશ વીજ વિતરણ કંપનીઓ (ડિસ્કોમ) અને વીજ વિભાગની કાર્યકારી કાર્યદક્ષતા અને નાણાકીય ટકાઉક્ષમતા સુધારવાનો છે. નાણાકીય વર્ષ 2021-22થી નાણાકીય વર્ષ 2025-26 સુધીના પાંચ વર્ષના ગાળા દરમિયાન રૂ. 3 લાખ કરોડના ખર્ચ સાથે આ યોજનાનો ઉદ્દેશ વિતરણલક્ષી માળખાગત સુવિધાને મજબૂત કરવાનો અને તેનું આધિનિકીકરણ કરવા ડિસ્કોમને નાણાકીય સહાય પ્રદાન કરવાનો, વિશ્વસનિયતા વધારવા ધ્યાન કેન્દ્રિત કરવાનો અને અંતિમ ઉપભોક્તાઓને ગુણવત્તાયુક્ત પુરવઠો પ્રદાન કરવાનો છે. એનો ઉદ્દેશ સમગ્ર ભારતમાં વર્ષ 2024-25 સુધીમાં એટીએન્ડસી (એગ્રીગેટ ટેકનિકલ એન્ડ કમર્શિયલ) નુકસાનનું સ્તર 12થી 15 ટકા ઘટાડવાનો તથા એસીએસ-એઆરઆર (પુરવઠાનો સરેરાશ ખર્ચ – સરેરાશ આવકની પ્રાપ્તિ) ગેપને ઝીરો કરવાનો છે, જે માટે સરકારી માલિકીની તમામ ડિસ્કોમ અને વીજ વિભાગોની કાર્યકારી કાર્યદક્ષતા અને નાણાકીય સાતત્યતા વધારવામાં આવશે.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ એનટીપીસીના વિવિધ પર્યાવરણલક્ષી ઊર્જાના પ્રોજેક્ટનો શુભારંભ અને શિલાન્યાસ પણ કર્યો હતો, જેનું મૂલ્ય રૂ. 5200 કરોડથી વધારે છે. તેમણે તેલંગાણામાં 100 મેગાવોટના રામાગુંડમ ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ અને કેરળમાં 92 મેગાવોટના કાયમકુલમ ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટનો શુભારંભ પણ કર્યો હતો. તેમણે રાજસ્થાનમાં 735 મેગાવોટના નોખ સૌર પ્રોજેક્ટ, લેહમાં ગ્રીન હાઇડ્રોજન મોબિલિટી પ્રોજેક્ટ અને ગુજરાતમાં કુદરતી ગેસ પ્રોજેક્ટ સાથે કવાસ ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગનો શિલાન્યાસ કર્યો હતો.

રામાગુંડમ પ્રોજેક્ટ 4.5 લાખ મેડ ઇન ઇન્ડિયા સોલર પીવી મોડ્યુલ્સ સાથે ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર પીવી પ્રોજેક્ટ છે. કાયમકુમલ પ્રોજેક્ટ પાણી પર તરતી 3 લાખ મેડ ઇન ઇન્ડિયા સોલર પીવી પેનલ્સ ધરાવતો બીજો સૌથી મોટો તરતો સૌર પીવી પ્રોજેક્ટ છે.

રાજસ્થાનના જૈસલમેરમાં નોખ ખાતે 735 મેગાવોટનો સૌર પીવી પ્રોજેક્ટ સિંગલ લોકેશન પર 1000 MWp સાથે ભારતનો સૌથી મોટો ડોમેસ્ટિક કન્ટેન્ટ રિક્વાયરમેન્ટ આધારિત સૌર પ્રોજેક્ટ છે, જેમાં ટ્રેકર સિસ્ટમ સાથે હાઇ-વોટ્ટેજ બાયફેશિયલ પીવી મોડ્યુલ્સ સ્થાપિત થયા છે. લડાખના લેહમાં ગ્રીન હાઇડ્રોજન મોબિલિટી પ્રોજેક્ટ એક પ્રાયોગિક પ્રોજેક્ટ છે અને એનો ઉદ્દેશ લેહમાં અને એની આસપાસ પાંચ ફ્યુઅલ સેલ બસો દોડાવવાનો છે. આ પ્રાયોગિક પ્રોજેક્ટ ભારતમાં જાહેર ઉપયોગ માટે ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હિકલ્સની પ્રથમ સ્થાપના કરશે. એનટીપીસીની કવાસ ટાઉનશિપમાં ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પાયલોટ પ્રોજેક્ટ ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પ્રોજેક્ટ છે, જે કુદરતી ગેસના વપરાશમાં ઘટાડો કરવામાં મદદ કરે છે.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સૌર રુફટોપ પોર્ટલનો પણ શુભારંભ કર્યો હતો, જે રુફટોપ સૌર પ્લાન્ટના ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા પર ઓનલાઇન નજર રાખવા સક્ષમ બનાવશે, જેની અરજીની નોંધણીથી શરૂ થઈને પ્લાન્ટના ઇન્સ્ટોલેશન અને ચકાસણી પછી રહેણાક ઉપભોક્તાના બેંક ખાતાઓમાં સબસિડીની રકમ જમા કરવા સુધી થાય છે.

ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્ય પાવર @ 2047’ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે 25થી 30 જુલાઈ સુધી યોજાયો હતો. સમગ્ર દેશમાં આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત છેલ્લાં આઠ વર્ષમાં વીજ ક્ષેત્રમાં આવેલા પરિવર્તનો દર્શાવવામાં આવ્યાં હતાં. એનો ઉદ્દેશ નાગરિકોને વીજળીના ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પહેલો, યોજનાઓ અને સરકારના કાર્યક્રમોમાં તેમની જાગૃતિ અને ભાગીદારી વધારીને નાગરિકોને સક્ષમ બનાવવાનો હતો.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1846514) Visitor Counter : 288