રાષ્ટ્રપતિ સચિવાલય

ભારતના રાષ્ટ્રપતિ શ્રીરામનાથ કોવિંદ દ્વારા રાષ્ટ્રજોગ વિદાય સંબોધન

Posted On: 24 JUL 2022 7:32PM by PIB Ahmedabad

પ્રિય દેશવાસીઓ,

 

નમસ્કાર!

  1. આજથી પાંચ વર્ષ અગાઉ તમે બધાએ મારી ક્ષમતામાં અપાર ભરોસો વ્યક્ત કર્યો હતો અને તમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા ભારતના રાષ્ટ્રપતિ તરીકે મને ચૂંટ્યો હતો. આજે મારો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. આ પ્રસંગે હું તમારા બધા સાથે થોડી વાતો વહેંચવા ઇચ્છું છું.
  1. સૌપ્રથમ હું તમારા બધા દેશવાસીઓ પ્રત્યે અને તમારા જનપ્રતિનિધિઓ પ્રત્યે હૃદયપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. સંપૂર્ણ દેશમાં વિવિધ વિસ્તારોમાં મારાં પ્રવાસ દરમિયાન, નાગરિકો સાથે થયેલા સંવાદ અને સંપર્કથી મને સતત પ્રેરણા મળતી રહી છે. નાનાં-નાનાં ગામડાઓમાં રહેતાં આપણા ખેડૂતો અને મજબૂત ભાઈ-બહેનો, નવી પેઢીને ઉજ્જવળ બનાવવા કાર્યરત આપણા શિક્ષકો, આપણા વારસાને સમૃદ્ધ કરતા કલાકારો, આપણા દેશના વિવિધ પાસાઓનો અભ્યાસ કરતાં વિદ્વાનો, દેશની સમૃદ્ધિ વધારતા ઉદ્યોગસાહસિકો, દેશવાસીઓની સેવા કરતાં ડૉક્ટર અને નર્સ, રાષ્ટ્રનિર્માણમાં સંલગ્ન વૈજ્ઞાનિકો અને ઇજનેરો, દેશની ન્યાય વ્યવસ્થામાં યોગદાન આપતા ન્યાયાધિશો અને વકીલો, વહીવટીતંત્રને અસરકારક રીતે ચલાવતા સનદી અધિકારીઓ, સમાજના દરેક વર્ગને વિકાસ સાથે જોડવામાં સક્રિય આપણા સામાજિક કાર્યકર્તાઓ, ભારતીય સમાજમાં આધ્યાત્મિક પ્રવાહ જાળવતા તમામ પંથોના આચાર્યો અને ગુરુજનો – તમે બધાએ મને મારી ફરજો અદા કરવામાં સંપૂર્ણ સાથસહકાર આપ્યો છે. ટૂંકમાં કહું તો સમાજના તમામ વર્ગોએ મને સંપૂર્ણ સહયોગ, સાથસહકાર અને આશીર્વાદ આપ્યાં છે.
  1. મારી મુલાકાત આપણી સેનાઓ, અર્ધસૈન્ય દળો અને પોલીસના બહાદુર જવાનો સાથી થઈ હતી, એ તમામ ક્ષણો મારા મનમસ્તિષ્કમાં વિશેષ સ્વરૂપે યાદ રહેશે. તે બધામાં દેશપ્રેમની અદભૂત ભાવના જોવા મળે છે. જ્યારે હું વિદેશના પ્રવાસો પર ગયો હતો, ત્યારે હંમેશા મારી મુલાકાત પ્રવાસી ભારતીયો સાથે થઈ હતી. આ તમામ મુલાકાતોમાં પ્રવાસી ભારતીયોમાં મને દરેક વખતે માતૃભૂમિ પ્રત્યે તેમનો ઊંડો લગાવ, પ્રેમ અને તેમની પોતીકાપણાની ભાવના જોવા મળી હતી. દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોના સમારંભો દરમિયાન મને અનેક અસાધારણ કે વિલક્ષણ પ્રતિભાઓને મળવાની તક સાંપડી છે. તેઓ તમામ સંપૂર્ણ લગન, અતૂટ સમર્પણ અને દ્રઢ નિષ્ઠા સાથે એક શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરવામાં સક્રિય છે.
  1. આ રીતે અનેક દેશવાસીઓને મળ્યાં પછી મારો આ વિશ્વાસ વધારે દ્રઢ થયો છે કે, આપણા નિષ્ઠાવાન નાગરિક જ હકીકતમાં રાષ્ટ્રનિર્માતા છે. અને તેઓ તમામ ભારતને શ્રેષ્ઠ બનાવવા પ્રયારત છે. આ પ્રકારના તમામ સમર્પિત દેશવાસીઓના હાથોમાં આપણા મહાન રાષ્ટ્રનું ભવિષ્ય સુરક્ષિત છે.
  1. આ તમામ અનુભવોમાંથી પસાર થતાં મને મારું બાળપણ પણ યાદ આવતું રહ્યું છે અને મને અહેસાસ થયો છે કે, મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓ કેવી રીતે આપણા વ્યક્તિગત જીવનને પ્રભાવિત કરે છે.
  1. જ્યારે એક નાનાં ગામમાં મારો વિકાસ થતો હતો, ત્યારે ભારતે નવી નવી આઝાદી મેળવી હતી. દેશને આઝાદ થયા થોડા જ વર્ષો થયા હતા. એ સમયે દેશનું પુનર્નિર્માણ કરવા માટે લોકોમાં એક નવો ઉત્સાહ જોવા મળતો હતો. તેમની આંખોમાં ઉજ્જવળ ભવિષ્યના નવાં સ્વપ્નો હતાં. મારા મનમસ્તિષ્કમાં પણ એક અસ્પષ્ટ કલ્પના આકાર લઈ રહી હતી કે, કદાચ એક દિવસ હું પણ મારા દેશના નિર્માણમાં ભાગીદાર બની શકીશ. કાચા ઘરમાં જીવન પસાર કરતાં એક કુટુંબના મારાં જેવા સાધારણ બાળક માટે આપણા ગણતંત્રના સર્વોચ્ચ બંધારણીય પદ વિશે કોઈ જાણકારી હોય એની કલ્પના પણ ન કરી શકાય. પણ આ ભારતના લોકતંત્ર, ભારતની લોકશાહીની તાકાત છે કે, તેમાં દરેક નાગરિક માટે અનેક વિકલ્પો છે, જેને અપનાવીને તેઓ દેશની નિયતિને ઘડવા માટે પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી શકે છે. મારું પાલનપોષણ કાનપુરના ગ્રામીણ જિલ્લાના પરૌંખ ગામના અતિ સાધારણ પરિવારમાં થયું છે. આજે એ જ રામનાથ કોવિંદ આજે તમને બધાને, તમામ દેશવાસીઓને સંબોધિત કરી રહ્યાં છે. આ માટે હું આપણા દેશની લોકતાંત્રિક વ્યવસ્થાની શક્તિને શત-શત નમન કરું છું.
  1. મેં મારાં ગામનો ઉલ્લેખ કર્યો હોવાથી હું એ વાતનો પણ ઉલ્લેખ કરવા ઇચ્છું છું કે, રાષ્ટ્રપતિ તરીકે મારાં કાર્યકાળ દરમિયાન પોતાના વતનની મુલાકાત લેવી અને કાનપુરની જે શાળામાં હું અભ્યાસ કરતો હતો એ સમયના અને હાલ વયોવૃદ્ધ થયેલા શિક્ષકોના ચરણસ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા મારા જીવનની સૌથી યાદગાર ક્ષણો પૈકીની એક બની રહેશે. આ જ વર્ષે પ્રધાનમંત્રીજી પણ મારાં ગામ પરૌંખ આવ્યાં અને તેમણે મારા ગામની ધરતીનું ગૌરવ વધાર્યું. પોતાના મૂળિયા સાથે જોડાયેલું રહેવું ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. હું યુવા પેઢીને વિનંતી કરું છું કે, તમારા ગામ કે નગર તથા તમારી સ્કૂલો અને શિક્ષકો સાથે જોડાયેલા રહેવાની આ પરંપરાને આગળ વધારા રહો.

પ્રિય નાગરિકો,

  1. અત્યારે દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આગામી મહિને આપણે આઝાદીના 75મી વર્ષગાંઠની ઉજવણઈ કરીશું. આપણે 25 વર્ષના ગાળાના એ અમૃતકાળમાં પ્રવેશ કરીશું, જે આઝાદીના શતાબ્દી વર્ષ એટલે કે વર્ષ 2047માં પૂર્ણ થશે. આ વિશેષ ઐતિહાસિક વર્ષ આપણા પ્રજાસતાકના પ્રગતિના પથ પર સીમાચિહ્ન સમાન છે. આપણી લોકશાહીની આ વિકાસયાત્રા, દેશની સ્વર્ણિમ સંભાવનાઓને કાર્ય સ્વરૂપ આપીને વિશ્વ સમુદાય સમક્ષ એક શ્રેષ્ઠ ભારતને પ્રસ્તુત કરવાની સફર છે.
  1. આધુનિક ગાળામાં આપણા દેશની આ ગૌરવ યાત્રાની શરૂઆત બ્રિટિશ સંસ્થાનવાદી શાસન દરમિયાન રાષ્ટ્રવાદી ભાવનાઓની જાગૃતિ અને આઝાદીના સંગ્રામ સાથે થઈ હતી. 19મી સદી દરમિયાન સંપૂર્ણ દેશમાં ગુલામીની જંજીરોમાંથી મુક્ત થવા માટે અનેક આંદોલન થયા હતા. દેશવાસીઓણાં નવી આશાનો સંચાર કરનાર આ પ્રકારના અનેક આંદોલનોના મોટા ભાગના નાયકોના નામ ભૂલાવી દેવામાં આવ્યાં હતાં. હવે તેમની વીરગાથાઓને આદરસહિત યાદ કરવામાં આવે છે. 19મી સદીના અંતિમ અને 20મી સદીના પ્રારંભિક વર્ષોમાં નવીન જનચેતાઓનો સંચાર થઈ રહ્યો છે અને આઝાદીના સંગ્રામની અનેક ધારાઓ પ્રવાહિત થઈ રહી હતી.
  1. જ્યારે ગાંધીજી વર્ષ 1915માં દક્ષિણ આફ્રિકામાંથી કાયમ માટે માતૃભૂમિમાં પરત ફર્યા હતા, ત્યારે રાષ્ટ્રવાદી ભાવના કે જુવાળે વેગ પકડ્યો હતો. હું દ્રઢપણે માનું છું કે, અનેક મહાન જનનાયકોની ઉજ્જવળ આકાશગંગા જેવો પ્રકાશ આપણા દેશને 20મી સદીના શરૂઆતના દાયકાઓમાં પ્રાપ્ત થયો, એ વિશ્વના ઇતિહાસમાં અતુલનીય છે. જ્યાં એક તરફ આધુનિક યુગના ઋષિની જેમ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર આપણી સાંસ્કૃતિક વારસા સાથે દેશવાસીઓને ફરી જોડી રહ્યાં હતાં, તો બીજી તરફ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર સમાનતાના મૂલ્યોની એટલી પ્રબળ હિમાયત કરી રહ્યાં હતાં. આ પ્રકારનું નેતૃત્વ મોટા ભાગના વિકસિત દેશોમાં પણ જોવા મળતું નથી. તિલક અને ગોખલેથી લઈને ભગતસિંહ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ સુધી, જવાહરલાલ નેહરુ, સરદાર પટેલ અને શ્યામાપ્રસાદ મુખર્જીથી લઈને સરોજિની નાયડુ અને કમલાદેવી ચટ્ટોપાધ્યાય સુધી – આવી અનેક વિભૂતિઓએ ફક્ત એક જ લક્ષ્ય માટે તત્પર થઈ હતી – માનવતાના ઇતિહાસમાં આવું અન્ય કોઈ દેશમાં જોવા મળ્યું નથી.
  1. મને અન્ય અનેક મહાનુભાવોના નામ યાદ આવે છે, પણ મારાં કહેવાનું તાત્પર્ય એ છે કે, આઝાદ ભારતની વિવિધ કલ્પનાઓથી સંપન્ન અનેક મહાન નેતાઓએ ભારતની આઝાદી માટે ત્યાગ અને બલિદાનનું અદભૂત ઉદાહરણ પ્રસ્તુત કર્યું. તેમાં કોઈ શંકા નથી કે, આઝાદીના સંગ્રામ પર ગાંધીજીના પરિવર્તનકારક વિચારોની અસર સૌથી વધુ થઈ હતી અને આ દરમિયાન તેમને મોટી સંખ્યામાં અનેક દેશવાસીઓનાં જીવનને નવી દિશા આપી.
  1. લોકશાહીના જે માર્ગ પર આજે આપણે અગ્રેસર થઈ રહ્યાં છીએ તેની રૂપરેખા આપણી બંધારણ સભાએ તૈયાર કરી હતી. આ સભામાં સંપૂર્ણ દેશનું પ્રતિનિધિત્વ કરતાં અનેક મહાનુભાવોમાં હંસાબહેન મહેતા, દુર્ગાબાઈ દેશમુખ, રાજકુમારી અમૃત કૌર અને સુચેતા કૃપલાની સહિત 15 મહિલાઓ પણ સામેલ હતી. બંધારણ સભાના સભ્યોના અમૂલ્ય યોગદાનથી નિર્મિત ભારતનું બંધારણ આપણા માટે દિવાદાંડી સમાન છે અને તેમાં સમાયેલા આદર્શો, મૂલ્યો સદીઓથી ભારતીય જીવનના મૂલ્યો સાથે અભિન્ન અંગ તરીકે જોડાયેલા રહ્યાં છે.
  1. બંધારણનો સ્વીકાર થયો એના એક દિવસ અગાઉ પ્રથમ બંધારણ સભામાં પોતાના સમાપન સંબોધનમાં ડોક્ટર આંબેડકરે લોકશાહીના સામાજિક અને રાજકીય પાસાઓ વચ્ચે અંતરને સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આપણે ફક્ત રાજકીય લોકશાહીથી સંતુષ્ટ ન રહેવું જોઈએ. હું તેમના શબ્દોને તમારી સાથે વહેંચું છું. તેમણે કહ્યું હતું કે - "આપણે આપણી રાજકીય લોકશાહીને એક સામાજિક લોકશાહી પણ બનાવવી જોઈએ. જો રાજકીય લોકશાહીના પાયામાં સામાજિક લોકશાહી નહીં હોય, તો રાજકીય લોકશાહી નહીં ટકી શકે. સામાજિક લોકશાહી એટલે શું? તેનો અર્થ છે – જીવનની એ રીત, જે સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના જીવનના સિદ્ધાંતો સ્વરૂપે માન્યતા આપે છે. સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ – આ સિદ્ધાંતોને એક ત્રિમૂર્તિના અલગ-અલગ ભાગ તરીકે ન જોવા જોઈએ. આ ત્રિમૂર્તિનો વાસ્તવિક અર્થ આ છે કે, તેમાંથી કોઈ પણ એક ભાગને એકબીજાથી અલગ કરવાથી લોકશાહીના વાસ્તવિક ઉદ્દેશનો અંત આવી જાય છે."

પ્રિય દેશવાસીઓ,

  1. આ આદર્શોની ત્રિમૂર્તિ આદર્શવાદી, ઉદારવાદી, ઉત્થાનકારક અને પ્રેરક છે. આ ત્રિમૂર્તિને કાલ્પનિક ધારણા સમજવાની ભૂલ ન કરવી જોઈએ. આધુનિક ઇતિહાસની સાથે આપણો પ્રાચીન ઇતિહાસ પણ આ વાતની સાક્ષી પૂરે છે કે, આ ત્રણ આદર્શો આપણા જીવનની વાસ્તવિકતા છે, તેમને હાંસલ કરી શકાય છે અને એને વિવિધ યુગોમાં હાંસલ પણ કર્યા છે. આપણા પૂર્વજો અને આપણા આધુનિક રાષ્ટ્રનિર્માતાઓએ પોતાના કઠિન પરિશ્રમ અને સેવાભાવના સાથે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આદર્શોને ચરિતાર્થ કર્યા છે. આપણે ફક્ત તેમના પદચિહ્નો પર ચાલવાનું છે અને આગળ વધતા રહેવાનું છે.
  1. અહીં પ્રશ્ર એ છે કે, વર્તમાન સંદર્ભમાં એક સામાન્ય નાગરિક માટે આ પ્રકારના આદર્શનો અર્થ શું છે? મારું માનવું છે કે, આ આદર્શનો મુખ્ય લક્ષ્યાંક સામાન્ય વ્યક્તિ માટે સુખકારક જીવનનો માર્ગ પ્રશસ્ત કરવાનો છે. આ માટે આપણે સૌપ્રથમ સામાન્ય લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવી જોઈએ. હવે સંસાધનોની ઊણપ નથી. દર પરિવાર પાસે શ્રેષ્ઠ મકાન હોય, પીવાલાયક પાણી હોય અને વીજળીની સુવિધા ઉપલબ્ધ હોય – આ દિશામાં આપણે કામ કરી રહ્યાં છીએ. આ પરિવર્તન વિકાસની વધતી ઝડપ અને ભેદભાવથી સંપૂર્ણ મુક્ત સુશાસન દ્વારા જ સંભવ થઈ શકે.
  1. એક વાર મૂળભૂત જરૂરિયાતો ઉપલબ્ધ કરાવ્યા પછી દરેક નાગરિક પોતાની ક્ષમતાઓનો ઉપયોગ કરીને ખુશીની તકો શોધે અને પોતાની અંદર રહેલા સ્વાભાવિક ગુણો કે ક્ષમતાનો સદુપયોગ કરીને પોતાના નિયતિને દિશા આપે એ સુનિશ્ચિત કરવાની આગામી જરૂરિયાત છે. અહીં શિક્ષણ ચાવીરૂપ બની જાય છે. મારું માનવું છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાંબા ગાળે યુવાન ભારતીયોને પોતાના સાંસ્કૃતિક વારસા સાથે જોડાવવા અને એકવીસમી સદીમાં પોતાને મજબૂત કરવા બહુ સહાયક સાબિત થશે. ઉજ્જવળ ભવિષ્યના વિકાસને વેગ આપવા હેલ્થકેર કે સ્વાસ્થ્યલક્ષી સેવાઓ આવશ્યક છે. કોવિડની વૈશ્વિક મહામારીએ જાહેર આરોગ્ય સેવાની માળખાગત સુવિધાઓમાં વધારે સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મને ખુશી છે કે, સરકારે આ કામગીરીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. એક વાર શિક્ષણ અને આરોગ્યલક્ષી સુવિધાઓ શ્રેષ્ઠ થઈ જશે પછી નાગરિકો આર્થિક સુધારાઓનો લાભ લઈને પોતાના જીવનનું નિર્માણ કરવા ઉત્તમ માર્ગ અપનાવી શકે છે. 21મી સદીને ભારતની સદી બનાવવા માટે આપણો દેશ સક્ષમ થઈ રહ્યો છે, આ મારો દ્રઢ વિશ્વાસ છે.

પ્રિય નાગરિકો,

  1. મારા કાર્યકાળના પાંચ વર્ષ દરમિયાન મેં મારી સંપૂર્ણ યોગ્યતાઓ સાથે મારી જવાબદારીઓ અદા કરી છે. હું ડોક્ટર રાજેન્દ્રપ્રસાદ, ડો. એસ રાધાકૃષ્નન અને ડો. એપીજે અબ્દુલ કલામ જેવા મહાનુભાવોના વારસાદાર હોવાના નાતે બહુ સચેત રહ્યો છું. જ્યારે મેં રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે મારા તત્કાલિન પુરોગામી શ્રી પ્રણવ મુખર્જીએ પણ મારી ફરજો વિશે મને ઉપયોગી સૂચનો કર્યા હતા. તેમ છતાં જ્યારે મને કોઈ પણ પ્રકારની શંકા લાગી, ત્યાં મેં ગાંધીજી અને તેમણે સૂચવેલા મૂળ મંત્રની મદદ લીધી હતી. ગાંધીજીની સલાહ મુજબ, સૌથી સારો માર્ગદર્શક સિદ્ધાંત એ હતો કે, આપણે સૌથી ગરીબ મનુષ્યના ચહેરાને યાદ કરીએ અને પોતાને સવાલ પૂછીએ કે આપણે જે પગલું ઉઠાવી રહ્યાં છીએ, શું એનાથી એ ગરીબને મદદ મળશે? હું ગાંધીજીના સિદ્ધાંતો પર મારા અતૂટ વિશ્વાસને પુનરાવર્તિત કરીને તમને બધાને આ આગ્રહ કરીશ કે તમે દરરોજ, થોડી મિનિટો માટે પણ ગાંધીજીના જીવન અને સૂચનોનો અવશ્ય વિચાર કરો.

પ્રિય દેશવાસીઓ,

  1. આપણા બધાની ધરતી માતાની જેમ પૂજ્ય પ્રકૃતિ મોટી કટોકટીમાંથી પસાર થઈ રહી છે અને આબોહવામાં પરિવર્તન આ ગ્રહ – પૃથ્વીના ભવિષ્ય માટે ગંભીર સંકટ બની શકે છે. આપણે આપણા બાળકો માટે આપણા પર્યાવરણ, આપણી જમીન, હવા અને પાણીનું રક્ષણ કરવાનું છે. આપણી દિનચર્યામાં અને રોજિંદી જરૂરિયાતોનો ઉપયોગ કરતા આપણે આપણા વૃક્ષો, નદીઓ, દરિયાઓ અને પહાડોની સાથે સાથે અન્ય તમામ જીવજંતુઓના રક્ષણ માટે બહુ સાવધાન રહેવાની જરૂર છે. દેશના પ્રથમ નાગરિક સ્વરૂપે જો મારે દેશવાસીઓને કોઈ સલાહ આપવાની હોય તો મારી આ એક જ સલાહ છે.
  1. મારા સંબોધનને અંતે હું ફરી એક વાર દેશવાસીઓ પ્રત્યે હાર્દિક કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ભારત માતાને સાદર વંદન! તમને બધાને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે મારી શુભેચ્છા.

ધન્યવાદ,

જય હિંદ!



(Release ID: 1844441) Visitor Counter : 360