પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઉતરપ્રદેશમાં જાલૌનમાં બુંદેલખંડ એક્સપ્રેસ વેના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
16 JUL 2022 4:05PM by PIB Ahmedabad
ભારત માતાની જય – જય,
ભારત માતાની જય – જય,
ભારત માતાની જય – જય,
બુંદેલખંડ વેદવ્યાસનું જન્મસ્થાન છે અને આપણી બાઈસા મહારાણી લક્ષ્મીબાઈની ધરતી પર, અમને વારંવાર આવો અવસર મળો. અમને અંદરથી પ્રસન્નતા છે! નમસ્કાર.
ઉતરપ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, યુપીના ઉપમુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્યજી, ઉપમુખ્યમંત્રી શ્રી બ્રજેશ પાઠકજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીદાર અને આ ક્ષેત્રના રહેવાસી શ્રી ભાનુપ્રતાપ સિંહજી, યુપી સરકારના મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, અન્ય જનપ્રતિનિધિઓ તથા બુંદેલખંડના મારા પ્રિય ભાઈઓ અને બહેનો,
યુપીના લોકોને, બુંદેલખંડના તમામ ભાઈઓ અને બહેનોને આધુનિક બુંદેલખંડ એક્સપ્રેસ વે, આ પ્રોજેક્ટ માટે ખૂબ-ખૂબ અભિનંદન, ઘણી શુભકામનાઓ. આ એક્સપ્રેસ વે બુંદેલખંડની ગૌરવશાળી પરંપરાને સમર્પિત છે. જે ધરતીએ અગણિત શૂરવીર પેદા કર્યા, જ્યાંના લોહીમાં ભારતમાતાની ભક્તિનો પ્રવાહ સતત વહે છે, જ્યાંના દીકરા-દીકરીઓના પરાક્રમ અને પરિશ્રમે હંમેશા દેશનું નામ રોશન કર્યું છે, એ બુંદેલખંડની ધરતીને આજે એક્સપ્રેસ વેની ભેટ ધરી ઉતરપ્રદેશના સાંસદ હોવાના નાતે, ઉતરપ્રદેશના જનપ્રતિનિધિ હોવાના નાતે મને વિશેષ આનંદ મળ્યો છે.
ભાઈઓ અને બહેનો,
દાયકાઓથી ઉતરપ્રદેશમાં મારી અવરજવર ચાલી રહી છે. યુપીના આશીર્વાદથી છેલ્લાં આઠ વર્ષથી દેશના પ્રધાનસેવક સ્વરૂપે હું કાર્ય કરવા તમે બધાએ જવાબદારી લીધી છે. પણ મેં હંમેશા જોયું હતું, જો ઉતરપ્રદેશમાં બે મહત્વપૂર્ણ બાબતો જોડવામાં આવે, તેમની ઊણપ દૂર કરવામાં આવે, તો ઉતરપ્રદેશ પડકારોને પડકાર ફેંકવાની બહુ મોટી તાકાત સાથે ઊભું થઈ જશે. પહેલો મુદ્દો હતો – અહીંની ખરાબ કાયદો અને વ્યવસ્થા. જ્યારે હું અગાઉની વાત કરું છું, ત્યારે તમે બધા જાણો છો કે શું સ્થિતિ હતી. બીજો મુદ્દો હતો – દરેક રીતે ખરાબ કનેક્ટિવિટી, જોડાણની અસુવિધા. અત્યારે ઉતરપ્રદેશના લોકોએ મળીને યોગી આદિત્યનાથજીના નેતૃત્વમાં ઉતરપ્રદેશની તસવીર બદલી નાંખી છે. યોગીજીના નેતૃત્વમાં સરકારમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિમાં સારો એવો સુધારો થયો છે અને કનેક્ટિવિટીમાં પણ ઝડપથી સુધારો થઈ રહ્યો છે. આઝાદી પછી સાત દાયકાઓમાં યુપીમાં પરિવહનના આધુનિક સાધનો માટે જેટલું કામ થયું હતું, એનાથી વધારે કામ અત્યારે થઈ રહ્યું છે. મારે તમને પૂછવું છે કે, કામ થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું? આંખોની સામે કામ દેખાય છે કે નથી દેખાતું? બુંદેલખંડ એક્સપ્રેસ વે ચિત્રકૂટથી દિલ્હી વચ્ચેના અંતરને લગભગ 3થી 4 કલાક ઓછું કરે છે, પણ એનાથી પણ અનેકગણા લાભ આ પ્રોજેક્ટથી થવાના છે. આ એક્સપ્રેસ વે વાહનોને ગતિ આપવાની સાથે સંપૂર્ણ બુંદેલખંડની ઔદ્યોગિક પ્રગતિને પણ વેગ આપશે. એની બંને તરફ, આ એક્સપ્રેસ વેની બંને તરફ અનેક ઉદ્યોગો સ્થાપિત થવાના છે, અહીં સંગ્રહ કરવાની સુવિધાઓ ઊભી થશે, અહીં કોલ્ડ સ્ટોરેજની સુવિધાઓ આકાર લેવાની છે. બુંદેલખંડ એક્સપ્રેસ વેના કારણે આ ક્ષેત્રમાં કૃષિ આધારિત ઉદ્યોગ સ્થાપિત કરવાની કામગીરી બહુ સરળ થઈ જશે, ખેતરમાં પેદા થતી ઉપજને નવા બજારોમાં પહોંચાડવાનું સરળ થઈ જશે. બુંદેલખંડમાં ડિફેન્સ કોરિડોર આકાર લઈ રહ્યો છે. એનાથી પણ આ વિસ્તારને મોટી મદદ મળશે. એટલે કે આ એક્સપ્રેસ બુંદેલખંડના દરેક ખૂણાનો વિકાસ કરશે, સ્વરોજગારીની તકો ઊભી કરશે અને નવા વિકલ્પો સાથે જોડશે.
સાથીદારો,
એક સમય હતો, જ્યારે એવું માનવામાં આવતું હતું કે, પરિવહનના આધુનિક સાધનો પર અગાઉ અધિકાર ફક્ત મોટાં-મોટાં શહેરોનો જ છે. મુંબઈ હોય કે ચેન્નાઈ હોય, કોલકાતા હોય કે બેંગલુરુ હોય, હૈદરાબાદ હોય કે દિલ્હી હોય – બધી સુવિધાઓ આ મોટાં શહેરો કે મહાનગરોને જ મળે. પણ હવે સરકારી બદલાઈ ગઈ છે, મિજાજ પણ બદલાઈ ગયો છે. આ મોદી છે, આ યોગી છે. હવે જૂની વિચારસરણીને તિલાંજલી આપીને, તેને ભૂલીને અમે એક નવી રીતે આગળ વધી રહ્યાં છીએ. વર્ષ 2017 પછી ઉતરપ્રદેશમાં કનેક્ટિવિટીનું જે કામ શરૂ થયું છે, જોડાણનું જે કામ શરૂ થયું છે, તેમાં મોટા શહેરો જેટલી જ પ્રાથમિકતા નાનાં શહેરોને આપવામાં આવી છે. આ બુંદેલખંડ એક્સપ્રેસ વે - ચિત્રકૂટ, બાંદા, હમીરપુર, મહોબા, જાલૌન, ઔરૈયા અને ઇટાવામાંથી પસાર થઈ રહ્યો છે. પૂર્વાંચલ એક્સપ્રેસ વે - લખનૌની સાથે બારાબંકી, અમેઠી, સુલતાનપુર, અયોધ્યા, આંબેડકરનગર, આઝમગઢ, મઉ અને ગાઝીપુરમાંથી પસાર થઈ રહ્યો છે. ગોરખપુર લિંક એક્સપ્રેસ વે - આંબેડકરનગર, સંત કબીરનગર અને આઝમગઢને જોડે છે. ગંગા એક્સપ્રેસ વે – મેરઠ, હાપુડ, બુલંદશહર, અમરોહા, સંભલ, બદાયૂં, શાહજહાંપુર, હરદોઈ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજને જોડવાનું કામ કરશે. તમે જોઈ રહ્યાં છો ને કે કેટલા મોટા પાયે જોડાણની સુવિધાઓ ઊભી થઈ રહી છે, કેટલી અસરકારકતા ઊભી થઈ રહી છે. ઉતરપ્રદેશનો દરેક ખૂણો નવા સ્વપ્નને લઈને, નવા સંકલ્પનોને લઈને હવે ઝડપથી આગેકૂચ કરવા, હરણફાળ ભરવા તૈયાર થઈ ગયો છે અને આ જ તો છે – સબ કા સાથ, સબ કા વિકાસ. તેમાં કોઈ પાછળ રહેતું નથી, બધા મળીને એકસાથે આગળ વધે છે, આ દિશામાં ડબલ એન્જિનની સરકાર સતત કામ કરી રહી છે. યુપીના નાનાં-નાનાં જિલ્લાઓ હવાઈ સેવાઓ સાથે જોડાય – આ માટે પણ ઝડપથી કામગીરી ચાલી રહી છે. છેલ્લાં થોડાં સમયમાં પ્રયાગરાજ, ગાઝિયાબાદમાં નવા એરપોર્ટ ટર્મિનલ બનાવવામાં આવ્યાં છે, કુશીનગરમાં નવા એરપોર્ટ સાથે જ નોએડાના ઝેવરમાં વધુ એક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કામ ચાલી રહ્યું છે. ભવિષ્યમાં યુપીના અન્ય ઘણાં શહેરોને, ત્યાનાં લોકોને હવાઈ રુટ સાથે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવી સુવિધાઓ સાથે રાજ્યમાં પર્યટન ઉદ્યોગને બહુ મોટો વેગ મળ્યો છે. અને આજે જ્યારે હું આ મંચ પર આવી રહ્યો હતો, ત્યારે એ અગાઉ હું આ બુંદેલખંડ એક્સપ્રેસ વેનું પ્રેઝન્ટેશન જોઈ રહ્યો હતો. એક મોડ્યુલ લગાવ્યું હતું, જેને હું જોઈ રહ્યો હતો અને મેં જોયું કે, આ એક્સપ્રેસ વેની આસપાસના જે સ્થાનો છે ત્યાં સારી એવી સંખ્યામાં કિલ્લાઓ છે. અહીં ફક્ત ઝાંસીનો કિલ્લો જ નથી, પણ ઘણા કિલ્લાઓ છે. તમારામાંથી જે લોકો વિદેશ જાય છે, વિદેશની દુનિયાથી પરિચિત છે, તેમને ખબર હશે કે યુરોપના ઘણા દેશો એવા છે, જ્યાં કિલ્લાઓ જોવાનો એક બહુ મોટો પ્રવાસન ઉદ્યોગ વિકસ્યો છે અને દુનિયાના લોકો જૂનાં કિલ્લાઓ જોવા માટે આવે છે. આજે બુંદેલખંડ એક્સપ્રેસ વેના નિર્માણ પછી હું યોગીજીની સરકારને કહીશ કે તમે પણ આ કિલ્લાઓ જોવા માટે એક શાનદાર સર્કિટ ટૂરિઝમ બનાવો, દુનિયાભરના પ્રવાસીઓ અહીં આવે અને મારા બુંદેલખંડની આ તાકાતને જુએ. એટલું જ નહીં હું આજે યોગીજીને એક વધુ આગ્રહ કરીશ કે તમે ઉતરપ્રદેશના નવયુવાનો માટે આ વર્ષે શિયાળાની ઋતુ ચાલુ થાય, ઠંડીની સિઝન શરૂ થાય, ત્યારે કિલ્લાનું આરોહણ કરવા માટે સ્પર્ધાનું આયોજન કરો અને પરંપરાગત માર્ગોથી નહીં, પણ દુર્ગમ માર્ગો નક્કી કરો અને નવયુવાનોને બોલાવો કે કોણ ઝડપથી કિલ્લો સર કરે છે, કોણ કિલ્લા પર સવાર થાય છે. તમે જુઓ કે ઉતરપ્રદેશના નવયુવાનો આ સ્પર્ધામાં સામેલ થવા દોટ મૂકશે અને આ કારણે બુંદેલખંડમાં લોકો આવશે, રાત રોકાશે, થોડો ખર્ચ કરશે, રોજીરોટી માટે બહુ મોટું પરિબળ ઊભું થશે. સાથીદારો, એક એક્સપ્રેસ વે કેટલી રીતે રોજગારીની તકો પેદા કરી દે છે એ જુઓ.
સાથીદારો,
ડબલ એન્જિનની સરકાર અત્યારે જે રીતે યુપીનું આધુનિકીકરણ થઈ રહ્યું છે એ ખરેખર અભૂતપૂર્વ છે. મિત્રો, હું જે કહું છું એ યાદ રાખજો. યાદ રાખશો ને? યાદ રાખશો ને? જરાં હાથ ઉપર કરીને બતાવો યાદ રાખીશું? પાકું યાદ રાખશો ને? વારંવાર લોકોને જણાવશો ને? તો હવે હું જે કહેવાનો છું એ યાદ રાખજો. જે યુપીમાં સરયુ નહેર યોજનાને પૂરી થવામાં 40 વર્ષ લાગ્યાં, જે યુપીમાં ગોરખપુર ખાતરનો પ્લાન્ટ 30 વર્ષથી બંધ હતો, જે યુપીમાં અર્જુન ડેમ યોજના પૂર્ણ થવામાં 12 વર્ષ લાગ્યાં, જે યુપીમાં અમેઠી રાયફલ કારખાનું ફક્ત એક બોર્ડ લગાવીને પડ્યું હતું, જે યુપીમાં રાયબરેલી રેલવે કોચ ફેકટરી કોચ બનાવતી નહોતી, ફક્ત કોચનું રંગરોગાન કરવાનું કામ ચાલી રહ્યું હતું, એ જ યુપીમાં અત્યારે માળખાગત સુવિધાઓના વિકાસ પર ગંભીરતાપૂર્વક કામ ચાલી રહ્યું છે કે યુપીએ સારાં-સારાં રાજ્યોને પાછળ પાડી દીધા છે. મિત્રો, આખા દેશમાં હવે યુપીની ઓળખ બદલાઈ રહી છે. તમને ગર્વ થાય છે કે નથી થતો? અત્યારે યુપીનું નામ રોશન થઈ રહ્યું છે. તમને ગર્વ થાય છે કે નથી થતો? અત્યાર સંપૂર્ણ હિંદુસ્તાનનો દ્રષ્ટિકોણ યુપી પ્રત્યે બદલાઈ રહ્યો છે, એક સારી નજરે જોઈ રહ્યાં છે, તમને આનંદ થાય છે કે નથી થતો?
અને સાથીદારો,
વાત ફક્ત હાઇવે કે એરવેની જ નહીં. શિક્ષણનું ક્ષેત્ર હોય, ઉત્પાદનનું ક્ષેત્ર હોય, ખેતીવાડીનું ક્ષેત્ર હોય કે ખેડૂતોના વિકાસની વાત હોય – અત્યારે ઉતરપ્રદેશ દરેક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યું છે. અગાઉની સરકારની કામગીરીની વાત કરું. યાદ રાખશો ને? રાખશો? જરાં હાથ ઊંચો કરીને જણાવો. રાખશો ને? અગાઉની સરકારના સમયમાં યુપીમાં દર વર્ષે સરેરાશ 50 કિલોમીટરની રેલવે લાઇનો ડબલ થતી હતી. કેટલી? કેટલાં કિલોમીટર? કેટલાં કિલોમીટર? – પચાસ. અમારી સરકાર શાસનમાં આવી એ અગાઉ રેલવેની લાઇનનું બમણીકરણ 50 કિલોમીટર. મારાં ઉતરપ્રદેશના નવયુવાનો તમારું ભવિષ્ય અમારી સરકારના શાસનમાં કેવી રીતે આકાર લઈ રહ્યું છે હવે એ વિશે સાંભળો, જાણકારી મેળવો. અત્યારે સરેરાશ 200 કિલોમીટરની લાઇનનું કામ થઈ રહ્યું છે. 200 કિલોમીટર રેલવે લાઇનોનું ડબલિંગ થઈ રહ્યું છે. વર્ષ 2014 અગાઉ યુપીમાં ફક્ત 11 હજાર કોમન સર્વિસ સેન્ટર્સ હતાં. જરા આંકડા યાદ રાખો. કેટલાં? કેટલાં? 11 હજાર. અત્યારે યુપીમાં એક લાખ 30 હજારથી વધારે કોમન સર્વિસ સેન્ટર કામ કરી રહ્યાં છે. આ આંકડા યાદ રાખશો ને? એક સમયે યુપીમાં ફક્ત 12 મેડિકલ કોલેજ હતી. આંકડો યાદ રહ્યો? કેટલી મેડિકલ કોલેજ? 12 મેડિકલ કોલેજ. અત્યારે યુપીમાં 35થી વધારે મેડિકલ કોલેજ છે અને 14 નવી મેડિકલ કોલેજના નિર્માણ માટે કામગીરી ચાલી રહી છે. કહેવાનો અર્થ છે કે ક્યાં 14 અને ક્યાં 50.
ભાઈઓ અને બહેનો,
અત્યારે દેશ વિકાસના જે પ્રવાહ પર આગેકૂચ કરી રહ્યો છે, વિકાસના જે માર્ગ પર અગ્રેસર થયો છે, તેના મૂળમાં, તેના પાયામાં બે મુખ્ય પાસાં છે – એક પાસું છે ઇરાદો અને બીજું પાસું છે મર્યાદા, સમયમર્યાદા. અમે, અમારી સરકાર દેશની વર્તમાન પેઢીને નવી સુવિધાઓ આપવાની સાથે દેશના ભવિષ્યને પણ નવો આકાર આપી રહ્યાં છીએ. પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન મારફતે અમે 21મી સદીની માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવાના કાર્યોમાં લાગ્યાં છીએ.
અને સાથીદારો,
વિકાસ માટે અમારો સેવાભાવ એવો છે કે, અમે સમયની મર્યાદાને ઓળંગતા નથી, નિયત સમયમર્યાદાને જાળવીએ છીએ. અમે સમયની મર્યાદાનું પાલન કેટલી અસરકારક રીતે કર્યું છે એના અગણિત ઉદાહરણો આપણા ઉતરપ્રદેશમાં જ તમને જોવા મળે છે. કાશીમાં બાબા વિશ્વનાથ ધામને સુંદર સ્વરૂપ આપવાનું કામ અમારી સરકારે શરૂ કર્યું હતું અને અમારી સરકારે જ એને પૂરું કરીને દેખાડી દીધું. ગોરખપુર એમ્સનો શિલાન્યાસ અમારી સરકારે જ કર્યો હતો અને તેનું લોકાર્પણ પણ અમારી સરકારે જ કર્યું હતું. દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ પણ અમારી સરકારે જ કર્યો હતો અને તેનું લોકાર્પણ પણ અમારી સરકારે જ કર્યું હતું. બુંદેલખંડ એક્સપ્રેસ વે પણ આવી જ કામગીરીનું ઉદાહરણ છે. તેનું કામ આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનામાં પૂરું થવાનું હતું, પણ આ પ્રોજેક્ટ 7થી 8 મહિના અગાઉ જ પૂરો થઈ ગયો છે અને મિત્રો, તમારી સેવા માટે આજે સજ્જ છે. કોરોનાના કપરાં કાળમાં કેટલી વિકટ પરિસ્થિતિઓ પેદા થઈ હતી એ દરેક પરિવાર જાણે છે. આ મુશ્કેલી વચ્ચે પણ અમે આ કામને નિયત સમયમર્યાદા અગાઉ પૂર્ણ કર્યું છે. આ પ્રકારના કાર્યો કરવાથી જ દેશવાસીઓને અહેસાસ થાય છે કે, જે ભાવનાથી તેમણે અમને, અમારી સરકારને મત આપ્યો છે, એનું ખરાં અર્થમાં સન્માન થઈ રહ્યું છે, એની કદર થઈ રહી છે, સદુપયોગ થઈ રહ્યો છે. હું આ માટે યોગીજી અને તેમની સંપૂર્ણ ટીમને અભિનંદન આપું છું.
સાથીદારો,
જ્યારે હું કોઈ રોડનું ઉદ્ઘાટન કરું છું, કોઈ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરું છું, કોઈ કારખાનાનું ઉદ્ઘાટન કરું છું, ત્યારે મારા હૃદયમાં એક જ ભાવ હોય છે કે જે મતદારોએ મારામાં વિશ્વાસ મૂકીને આ સરકાર બનાવી છે તે મતદારોના મતનું હું સન્માન કરું છું અને દેશના તમામ મતદારોને સુવિધા આપું છું.
સાથીદારો,
અત્યારે આખી દુનિયા ભારતને લઈને આશવાદી દ્રષ્ટિકોણ ધરાવે છે. આપણે આપણી આઝાદીના 75ના વર્ષના પર્વની ઉજવણી કરી રહ્યાં છીએ, આગામી 25 વર્ષમાં ભારત જે ઊંચાઈ પર હશે, અમે તેની યોજના બનાવી રહ્યાં છીએ, તેની રૂપરેખા તૈયાર કરી રહ્યાં છીએ. અત્યારે જ્યારે હું બુંદેલખંડની ધરતી પર આવ્યો છું, ત્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના વિસ્તારમાં આવ્યો છું. અહીંથી, આ વીર ભૂમિથી હું હિંદુસ્તાનના છ લાખથી વધારે ગામડાઓના લોકોને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે અત્યારે આપણે જે આઝાદીનું પર્વ ઉજવી રહ્યાં છીએ, એના માટે સેંકડો વર્ષો સુધી આપણા પૂર્વજોએ લડાઈ લડી છે, બલિદાન આપ્યું છે, આપણી અનેક પેઢીઓ યાતનાઓમાંથી પસાર થઈ છે. જ્યારે આપણી પાસે આઝાદીની શતાબ્દીની ઉજવણી કરવા માટે 25 વર્ષ છે, ત્યારે આપણી જવાબદારી છે કે, આપણે અત્યારથી યોજના બનાવીએ, આગામી એક મહિનો 15 ઓગસ્ટ સુધી દરેક ગામમાં અનેક કાર્યક્રમોનું આયોજન થાય, વિવિધ ગામો હળીમળીને કાર્યક્રમોનું આયોજન કરે, આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવા માટે યોજના બનાવે. આપણે આપણાં દેશના વીરોને યાદ કરીએ, બલિદાનીઓને યાદ કરીએ, શહીદોનું સ્મરણ કરીએ, સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરીએ, દરેક ગામમાં એક નવો સંકલ્પ લેવામાં આવે એવું એક વાતાવરણ ઊભું કરીએ. આજે આ વીર ભૂમિમાંથી હું તમામ દેશવાસીઓને પ્રાર્થના કરું છું.
સાથીદારો,
અત્યારે ભારતમાં એવું કોઈ પણ કામ ન હોવું જોઈએ, જેનો આધાર વર્તમાનની આકાંક્ષા અને ભારતના ઉજ્જવળ ભવિષ્ય સાથે જોડાયેલું ના હોય. અમે પણ કોઈ નિર્ણય લઈએ, કોઈ પણ નીતિ બનાવીએ, આ તમામની પાછળ સૌથી મોટો વિચાર એ હોવો જોઈએ કે એનાથી દેશના વિકાસને વધારે વેગ મળે. આપણે એ દરેક બાબત, જેનાથી દેશને નુકસાન થતું હોય, દેશના વિકાસ પર માઠી અસર થતી હોય, એનાથી આપણે હંમેશા માટે દૂર રહેવાનું છે. આઝાદીના 75 વર્ષ પછી ભારતના વિકાસની આ સૌથી શ્રેષ્ઠ તક છે. આપણે આ તકને ગુમાવવી ન જોઈએ, આપણે આ તકને ગુમાવીશું નહીં. આપણે આ કાળખંડમાં દેશનો વધુને વધુ વિકાસ કરવાનો, તેને નવી ઊંચાઈ પર લઈ જવાનો છે, એક નવા ભારતનું નિર્માણ કરવાનું છે.
સાથીદારો,
નવા ભારતની સામે એક એવો પડકારણ પણ છે, જેના પર જો આપણે અત્યારે ધ્યાન નહીં આપીએ, તો ભારતના યુવાનો, આજની પેઢીને બહુ મોટું નુકસાન થઈ શકે છે. તમારું વર્તમાન અંધકારમય બની જશે અને તમારી ભવિષ્યની પેઢીનું જીવન પણ અંધકારમય જ બની જશે. મિત્રો, એટલે આપણે અત્યારે જાગૃત થવું પડશે. અત્યારે આપણા દેશમાં મફતમાં વિવિધ ચીજવસ્તુઓની લહાણી કરીને મતદાન કરવાની સંસ્કૃતિ લાવવાનો ભરચક પ્રયાસ થઈ રહ્યો છે. આ રેવડી કલ્ચર કે મફતમાં લહાણી કરવાની શૈલી દેશના વિકાસ માટે બહુ ઘાતક છે. એનાથી દેશના લોકોને અને ખાસ કરીને મારા યુવાનોએ, યુવા પેઢીએ બહુ સાવધાન રહેવાની જરૂર છે. આ મફતમાં લહાણી કરતા લોકો તમારા માટે નવા એક્સપ્રેસ વે નહીં બનાવે, નવું એરપોર્ટ નહીં વિકસાવે કે ડિફેન્સ કોરિડોર નહીં ઊભો કરે. આ મફતમાં લહાણી કરતા લોકો એવું માને છે કે, જનતા જનાર્દનને મફતમાં આપીને તેમના મતો ખરીદી લઇશું. આપણે બધાએ મળીને તેમની આ વિચારસરણીને હરાવવાની છે, આ રેવડી કલ્ચરને દેશના રાજકારણમાંથી કાયમ માટે વિદાય આપવાની છે.
સાથીદારો,
આ મફતમાં લહાણી કરનારા લોકોથી વિપરીત અમે દેશમાં માર્ગોનું નિર્માણ કરીને, નવી રેલવે લાઇનો કે રેલવે રુટ પાથરીને, લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવાનું કામ કરી રહ્યાં છીએ. અમે ગરીબો માટે કરોડો પાકાં મકાન બનાવી રહ્યાં છીએ, દાયકાઓથી અધૂરી સિંચાઈ યોજનાઓ પૂરી કરી રહ્યાં છીએ, નાનાં-મોટાં અનેક ડેમ બનાવી રહ્યાં છીએ, વીજળી પેદા કરવા માટે નવા-નવા કારખાના સ્થાપિત કરી રહ્યાં છીએ, જેથી ગરીબનું, ખેડૂતનું જીવન સરળ બને અને મારા દેશના નવયુવાનોનું ભવિષ્ય અંધકારમય ન બને.
સાથીદારો,
આ કામમાં મહેનત કરવી પડે છે, રાતદિવસ એક કરવા પડે છે, પોતાની જાતને જનતાની સેવા કરવા માટે સમર્પિત કરવી પડે છે. મને ખુશી છે કે, દેશમાં જે રાજ્યોમાં અમારી ડબલ એન્જિનની સરકાર છે, તે રાજ્યો વિકાસ માટે ભગીરથ પ્રયાસો કરી રહ્યાં છે. ડબલ એન્જિનની સરકાર મફતમાં લહાણી કરવાનો શોર્ટકટ અપનાવતી નથી, ડબલ એન્જિનની સરકાર મહેતન કરીને રાજ્યના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં લાગી છે, પ્રયાસરત છે.
અને સાથીદારો,
આજે હું તમને અન્ય એક વાત પણ કરીશ. દેશનો સંતુલિત વિકાસ, નાનાં શહેરો અને ગામડાઓમાં પણ આધુનિક સુવિધાઓ અસરકારક રીતે પહોંચાડવાનું કામ પણ એક રીતે ખરા અર્થમાં સામાજિક ન્યાય લાવવાનું કામ છે. જે પૂર્વ ભારતના લોકોને, જે બુંદેલખંડના લોકોને દાયકાઓ સુધી મૂળભૂત સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યાં, ત્યાં અત્યારે આધુનિક માળખાગત સુવિધાઓ આકાર લઈ રહી છે. સ્વાભાવિક છે કે, હવે આ વિસ્તારોમાં પણ સામાજિક ન્યાય વિકસી રહ્યો છે, સંતુલિત વિકાસ આકાર લઈ રહ્યો છે. ઉતરપ્રદેશના જે જિલ્લાઓને પછાત માનીને તેમને તેમના હાલ પર છોડી દેવામાં આવ્યાં હતાં, ત્યાં જ્યારે વિકાસ થઈ રહ્યો છે, આ જિલ્લાઓ વિકાસના માર્ગે આગેકૂચ કરી રહ્યાં છે, ત્યારે આ કામ પણ એક રીતે સામાજિક ન્યાયનું જ છે. દરેક ગામને માર્ગ સાથે જોડવા માટે ઝડપથી કામ કરવું, ઘરે ઘરે રસોઈ ગેસનું જોડાણ પહોંચાડવું, ગરીબને પાકાં મકાનની સુવિધા આપવી, ઘરે ઘરે શૌચાલય બનાવવું – આ તમામ કામ પણ સામાજિક ન્યાયને, સંતુલિત વિકાસને જ મજબૂત કરવાનું પગલું છે. બુંદેલખંડના લોકોને પણ અમારી સરકારના સામાજિક ન્યાય, સંતુલિત વિકાસના કાર્યોથી બહુ લાભ મળી રહ્યો છે.
ભાઈઓ અને બહેનો,
બુંદેલખંડના એક વધુ પડકારને ઓછો કરવા માટે અમારી સરકાર સતત કામ કરી રહી છે. દરેક ઘર સુધી પાઇપથી પાણી પહોંચાડવા માટે આપણે જળજીવન મિશન કે અભિયાન પર કામ કરી રહ્યાં છે. આ મિશન અંતર્ગત બુંદેલખંડના લાખો કુટુંબોને પાણીનું જોડાણ આપવામાં આવ્યું છે. આનો બહુ મોટો લાભ આપણી માતાઓ, આપણી બહેનોને મળ્યો છે, તેમના જીવનમાંથી મુશ્કેલી ઓછી થઈ છે. અમે બુંદેલખંડમાં નદીઓના પાણીને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસરત છીએ. રતોલી બંધ યોજના, ભાવની બંધ યોજના અને મઝગાંવ-ચિલ્લી સ્પ્રિંકલર સિંચાઈ યોજના – આ તમામ વધુને વધુ લોકો સુધી પાણી પહોંચાડવાના પ્રયાસોનું જ પરિણામ છે. કેન-બેતવા લિંક પ્રોજેક્ટ માટે હજારો કરોડો રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. એનાથી બુંદેલખંડની વસ્તીના એક બહુ મોટા ભાગના જીવનમાં પરિવર્તન આવવાનું છે.
સાથીદારો,
મારો બુંદેલખંડના સાથીદારોને અન્ય એક આગ્રહ પણ છે. આઝાદીના 75 વર્ષના પ્રસંગ પર કેન્દ્ર સરકારે અમૃત સરોવરોનાં નિર્માણનો સંકલ્પ કર્યો છે. બુંદેલખંડના દરેક જિલ્લામાં પણ 75 અમૃત સરોવર બનાવવામાં આવશે. આ જળસુરક્ષા માટે, આગામી પેઢીઓ માટે બહુ મોટું કામ થઈ રહ્યું છે. હું અત્યારે તમને બધાને કહીશ કે આ ભલાઈના કામમાં મદદ કરવા માટે વધુમાં વધુ સંખ્યામાં આગળ આવો. અમૃત સરોવર માટે ગામેગામે તાર સેવાનું અભિયાન ચાલવું જોઈએ.
ભાઈઓ અને બહેનો,
બુંદેલખંડના વિકાસમાં બહુ મોટી તાકાત અહીંનો કુટિર ઉદ્યોગ પણ છે. આત્મનિર્ભર ભારત માટે અમારી સરકાર દ્વારા આ કુટિર પરંપરા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. મેક ઇન ઇન્ડિયા, ભારતની આ કુટિર ઉદ્યોગની પરંપરાને સક્ષમ બનાવશે. નાનાં પ્રયાસોથી કેટલી મોટી અસર થઈ રહી છે એનું એક ઉદાહરણ હું આજે તમને અને દેશવાસીઓને પણ આપવા ઇચ્છું છું.
સાથીદારો,
હજુ થોડા વર્ષ અગાઉ ભારત દર વર્ષે દુનિયાના વિવિધ દેશોમાં કરોડો રૂપિયાના રમકડાંની આયાત કરતો હતો. હવે તમે જણાવો કે નાનાં-નાનાં બાળકો માટે નાનાં-નાનાં રમકડાંની પણ આયાત થતી હતી, એ પણ દુનિયાના બહારના દેશોમાંથી મંગાવવામાં આવતાં હતાં. ભારતમાં તો રમકડાં બનાવવાનો વ્યવસાય પારિવારિક ઉદ્યોગ રહ્યો છે, પરંપરાગત ગૃહ ઉદ્યોગ રહ્યો છે. આપણી આ પરંપરને ફરી જીવિત કરવા માટે મેં ભારતમાં રમકડાં ઉદ્યોગને નવેસરથી જીવંત કરવાનો, કાર્યરત કરવાનો આગ્રહ કર્યો હતો. લોકોને પણ ભારતમાં બનેલા રમકડાં જ ખરીદવાની અપીલ કરી હતી. આટલા ઓછા સમયમાં સરકારના સ્તરે જે કામ કરવું જરૂરી હતું, એ પણ અમે કર્યું. આ તમામ પ્રયાસોનું આજે જે પરિણામ મળ્યું છે એના પર દરેક હિંદુસ્તાનીને ગર્વ થશે. મારા દેશના લોકો સાચી બાબતને કેટલી હૃદયપૂર્વક અપનાવે છે એનું આ ઉદાહરણ છે. આપણે સંયુક્તપણે હાથ ધરેલા પ્રયાસોને પરિણામે અત્યારે વિદેશમાંથી આયાત થતા રમકડાઓની સંખ્યામાં મોટા પાયે ઘટાડો થયો છે. આ માટે દરેક દેશવાસીઓનો આભાર માનું છું. એટલું જ નહીં, હવે ભારતમાંથી મોટી સંખ્યામાં રમકડાંની નિકાસ દુનિયાના વિવિધ દેશોમાં થવા લાગી છે. આનો લાભ કેવી રીતે મળી રહ્યો છે? રમકડાં બનાવતા આપણા મોટા ભાગના સાથીદારો ગરીબ પરિવારના છે, દલિત કુટુંબો છે, પછાત પરિવારો છે, આદિવાસી સમાજના પરિવારો છે. આપણી મહિલાઓ રમકડાં બનાવવાનાં કાર્યમાં જોડાયેલી રહી છે. આ ઉદ્યોગ સાથે આપણા આ તમામ લોકોને ફાયદો થયો છે. ઝાંસી, ચિત્રકૂટ, બુંદેલખંડમાં તો રમકડાઓની બહુ સમૃદ્ધ અને મોટી પરંપરા રહી છે. તેમાં પણ ડબલ એન્જિનની સરકારે આ ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવે છે.
સાથીદારો,
શૂરવીરોની ધરતી બુંદેલખંડના વીરોએ રમતના મેદાન પર પણ વિજયપતાકા લહેરાવી છે. દેશમાં ખેલજગતના સૌથી મોટા પુરસ્કારનું નામ હવે બુંદેલખંડના સપૂત મેજર ધ્યાનચંદના નામ પર જ છે. ધ્યાનચંદજીએ મેરઠમાં ઘણો સમય પસાર કર્યો હતો. અહીં તેમના નામ પર એક સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું નિર્માણ પણ થઈ રહ્યું છે. થોડા સમય અગાઉ આપણી ઝાંસીની જ એક દીકરી શૈલી સિંહે પણ કમાણ કરીને દેખાડ્યો હતો. આપણા જ બુંદેલખંડની દીકરી શૈલીસિંહે લાંબી કૂદમાં નવા નવા રેકોર્ડ બનાવ્યાં છે. ગયા વર્ષે શૈલી સિંહે અંડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પણ જીત્યો હતો. બુંદેલખંડમાં અનેક યુવા પ્રતિભાઓ છે. અહીંના યુવાનોને આગળ વધવાની મોટી તક મળે, અહીંથી સ્થળાંતરણ અટકે, અહીં આધુનિક માળખાગત સુવિધાઓનું નિર્માણ થાય – એ જ દિશામાં અમારી સરકાર હાલ કામ કરી રહી છે. ઉતરપ્રદેશ આ જ પ્રકારના સુશાસનની એક નવી ઓળખને મજબૂત કરતું રહે – આ જ કામના સાથે તમને બધાને બુંદેલખંડ એક્સપ્રેસ વે માટે ફરી ખૂબ-ખૂબ શુભેચ્છા. ફરી તમને યાદ અપાવું છું કે 15 ઓગસ્ટ સુધી આખો મહિનો હિંદુસ્તાનના દરેક ઘરમાં, દરેક ગામમાં આઝાદીના મહોત્સવની ઉજવણી થવી જોઈએ, શાનદાર રીતે ઉજવણી થવી જોઈએ, તમને બધાને બહુ જ શુભેચ્છા, તમારો બધાને આભાર. પૂરી તાકાત સાથે તમે બધા બોલો –
ભારત માતાની જય,
ભારત માતાની જય,
ભારત માતાની જય,
ધન્યવાદ.
SD/GP/JD
(Release ID: 1842067)
Visitor Counter : 327
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada