પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ‘ઉદ્યમી ભારત’ કાર્યક્રમનો પ્રારંભ કર્યો


“અમારા મતે, MSME મતલબ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે મહત્તમ સહકાર છે”

“MSME ક્ષેત્રનું મજબૂતીકરણ એ સમગ્ર સમાજનું મજબૂતીકરણ છે”

“જો કોઇ ઉદ્યોગને વૃદ્ધિ પામવાની અને વિસ્તરણ કરવાની ઇચ્છા હોય તો, સરકાર તેમને માત્ર સહકાર નથી આપતી પરંતુ નીતિઓમાં જરૂરી ફેરફારો પણ કરે છે”

“વિદેશમાં આવેલા ભારતીય મિશનોનું ત્રણ પરિમાણો એટલે કે વેપાર, ટેકનોલોજી અને પર્યટન પર મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે”

“પ્રથમ વખત ખાદી અને ગ્રામોદ્યોગનું ટર્નઓવર રૂપિયા 1 લાખ કરોડનો આંક ઓળંગી ગયું છે”

“મુદ્રા યોજના દરેક ભારતીય માટે ઉદ્યોગસાહસિકતાને સરળ બનાવવામાં મોટી ભૂમિકા નિભાવે છે.”

“ઉદ્યમશીલતામાં સમાવેશીતા અને આર્થિક સમાવેશ એ ખરા અર્થમાં સામાજિક ન્યાય છે”

“હું MSME ક્ષેત્રને ખાતરી આપુ છુ કે, સરકાર એવી નીતિઓ ઘડવા માટે કટીબદ્ધ છે જે તમારી જરૂરિયાતોને પૂરી કરે અને તમારી સાથે સક્રિયપણે આગળ વધે”

“ઉદ્યમશીલ ભારતની દરેક સિદ્ધિ આપણને આત્મનિર્ભર ભારત તરફ દોરી જશે. મને તમારામાં અને તમારી ક્ષમતાઓમાં ભરોસો છે”

Posted On: 30 JUN 2022 1:03PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉદ્યમી ભારત કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમ દરમિયાન MSME ક્ષેત્રને વેગવાન બનાવવાના ઉદ્દેશ સાથે ‘MSMEના પ્રદર્શનનો ઉદય અને પ્રવેગ’ (RAMP) યોજના, ‘પ્રથમ વખતના નિકાસકારો માટે ક્ષમતા નિર્માણ’ (CBFTE) યોજના અને પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ’ (PMEGP)ની નવી સુવિધાઓનો પ્રારંભ કર્યો હતો. તેમણે ડિજિટલ માધ્યમથી વર્ષ 2022-23 માટે PMEGPના લાભાર્થીઓને સહાયનું હસ્તાંતરણ કર્યું હતું; MSME આઇડિયા હેકાથોન, 2022ના પરિણામો જાહેર કર્યા હતા અને રાષ્ટ્રીય MSME પુરસ્કાર 2022 એનાયત કર્યા હતા તેમજ આત્મનિર્ભર ભારત (SRI) ફંડમાં 75 MSMEને ડિજિટલ ઇક્વિટી પ્રમાણપત્રો ઇશ્યુ કર્યા હતા. કેન્દ્રીય મંત્રી શ્રી નારાયણ રાણે અને શ્રી ભાનુપ્રતાપ સિંહ વર્મા, સમગ્ર દેશમાંથી આવેલા MSME હિતધારકો અને વિવિધ દેશોના રાજદ્વારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, MSME ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો આત્મનિર્ભર ભારત માટે મુખ્ય ચાલકબળ બનશે. તેમણે ઉમેર્યું હતું કે, 21મી સદીમાં ભારત જે પણ ઊંચાઇઓ પ્રાપ્ત કરશે, તેનો આધાર MSME ક્ષેત્રની સફળતા પર રહેશે. તેમણે ભારપૂર્વક એમ પણ જણાવ્યું હતું કે, ભારતની નિકાસમાં વૃદ્ધિ કરવા માટે અને ભારતના ઉત્પાદનોને નવા બજારો સુધી પહોંચાડવા માટે ભારતનું MSME ક્ષેત્રનું મજબૂતીકરણ થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું હતું કે, અમારી સરકાર તમારી ક્ષમતા અને આ ક્ષેત્રની અપાર સંભાવનાઓને ધ્યાનમાં રાખીને નિર્ણયો લઇ રહી છે અને નવી નીતિઓ ઘડી રહી છે. તેમણે કહ્યું હતું કે, આજે શરૂ કરવામાં આવેલી વિવિધ પહેલ અને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા અન્ય પગલાં MSMEની ગુણવત્તા અને પ્રોત્સાહન સાથે સંકળાયેલા છે.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે જ્યારે આપણે MSME કહીએ ત્યારે ટેકનિકલ ભાષામાં તેનું પૂરું નામ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો થાય છે. પરંતુ આ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો ભારતની વિકાસની સફરના ખૂબ જ મોટા આધારસ્તંભ છે. MSME ક્ષેત્ર ભારતના અર્થતંત્રમાં લગભગ ત્રીજા ભાગના યોગદાન માટે જવાબદાર છે. MSME ક્ષેત્રનું મજબૂતીકરણ એ સમગ્ર સમાજનું મજબૂતીકરણ છે, તેનાથી દરેક વ્યક્તિને વિકાસનો લાભ પ્રાપ્ત થયા છે. તેમણે કહ્યું હતું કે, આ કારણે જ અમારી સરકારની ટોચની પ્રાથમિકતાઓમાં આ ક્ષેત્ર આવે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, MSME ક્ષેત્રના મજબૂતીકરણ માટે, છેલ્લા આઠ વર્ષમાં સરકારે આ ક્ષેત્ર માટે બજેટની ફાળવણીમાં 650% કરતાં વધારે વૃદ્ધિ કરી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, અમારા મતે, MSME મતલબ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે મહત્તમ સહકાર છે.

11 કરોડ કરતાં વધારે લોકો આ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એ વાતની નોંધ લેતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, રોજગારીનું નિર્માણ કરવામાં MSMEની ભૂમિકા મહત્વપૂર્ણ છે. મહામારી દરમિયાન, સરકારે નાના ઉદ્યોગોને બચાવવાનું અને તેમને નવી શક્તિ આપવાનું નક્કી કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજના હેઠળ કેન્દ્ર સરકારે MSME માટે 3.5 લાખ કરોડ રૂપિયાની બાંયધરી આપી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એક અહેવાલ મુજબ, આના પરિણામે લગભગ 1.5 કરોડ નોકરીઓ બચાવી શકાઇ છે. તેમણે ઉમેર્યું હતું કે, MSME એ ભારતની આઝાદીના અમૃતકાળના સંકલ્પોને પ્રાપ્ત કરવા માટેનું એક મુખ્ય માધ્યમ છે.

શ્રી મોદીએ એ સમયને યાદ કર્યો હતો જ્યારે સરકારો આ ક્ષેત્રના મહત્વને ધ્યાનમાં નહોતી લેતી અને નાના ઉદ્યોગો વધુ નાના થતા જાય તેવી નીતિઓ અપનાવીને આ સમગ્ર ક્ષેત્રને બાંધી લીધું હતું. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે, MSMEની પરિભાષા બદલવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જો કોઇ ઉદ્યોગને વૃદ્ધિ પામવાની અને વિસ્તરણ કરવાની ઇચ્છા હોય તો, સરકાર તેમને માત્ર સહકાર નથી આપતી પરંતુ નીતિઓમાં જરૂરી ફેરફારો પણ કરે છે. પ્રધાનમંત્રીએ એ બાબતે ધ્યાન દોર્યું હતું કે GeMમાં, સરકારને માલ અને સેવાઓ પ્રદાન કરવા માટે MSMEને ખૂબ જ મજબૂત પ્લેટફોર્મ મળ્યું છે. તેમણે દરેક MSMEને GeM પોર્ટલ પર નોંધણી કરાવવા માટે અનુરોધ કર્યો હતો. તેવી જ રીતે, 200 કરોડથી ઓછા મૂલ્યના પ્રોજેક્ટ્સ માટે વૈશ્વિક ટેન્ડરો પર પ્રતિબંધ મૂકવાથી પણ MSMEને મદદ મળશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, MSMEને નિકાસમાં વધારો કરવામાં મદદરૂપ થવા માટે પણ સરકાર વિવિધ પગલાં લઇ રહી છે. વિદેશમાં રહેલા ભારતીય મિશનોને આ અંગે કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિદેશમાં આવેલા ભારતીય મિશનોનું ત્રણ પરિમાણો એટલે કે વેપાર, ટેકનોલોજી અને પર્યટન પર મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમને 2014 પછી વેગવાન બનાવવામાં આવ્યો છે કારણ કે 2008-થી 2012 દરમિયાન આ કાર્યક્રમનું લક્ષ્ય પ્રાપ્ત થઇ શકતું નહોતું. 2014થી અત્યાર સુધીમાં 40 લાખ કરતાં વધારે નોકરીઓનું આ કાર્યક્રમ હેઠળ સર્જન કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન 14 હજાર કરોડ રૂપિયાની માર્જિન મની સબસિડી આવા ઉદ્યોગોને આપવામાં આવી હતી. તેમણે માહિતી આપી હતી કે, આ યોજનામાં આવતા ઉત્પાદનોની કિંમત મર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

સહિયારા વિકાસ અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ટ્રાન્સજેન્ડર ઉદ્યોગસાહસિકોને તેમના ધ્યેયો સિદ્ધ કરવા માટે શક્યા હોય તેવી તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, હવે પ્રથમ વખત ખાદી અને ગ્રામોદ્યોગનું ટર્નઓવર રૂપિયા 1 લાખ કરોડનો આંકડો ઓળંગી ગયું છે. તેમણે કહ્યું હતું કે, ગામડાઓમાં આપણા નાના ઉદ્યોગ સાહસિકો અને આપણી બહેનોએ ખૂબ જ મહેનત કરી છે તેનું આ પરિણામ છે. છેલ્લા 8 વર્ષમાં ખાદીના વેચાણમાં 4 ગણો વધારો થયો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગેરંટી આપ્યા વગર લોન લેવામાં આવતી મુશ્કેલીઓ સમાજના નિઃસહાય વર્ગ માટે ઉદ્યોગસાહસિકતાના માર્ગે આગળ વધવામાં આવતો સૌથી મોટો અવરોધ હતી. 2014 પછી, સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસ અભિગમ સાથે ઉદ્યોગસાહસિકતાના પરીઘનું વિસ્તરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મુદ્રા યોજના દરેક ભારતીય માટે ઉદ્યોગસાહસિકતાને સરળ બનાવવામાં મોટી ભૂમિકા નિભાવે છે. ગેરંટી વગરની બેંક લોનની યોજનાના કારણે દેશમાં મહિલા ઉદ્યોગસાહસિકો, દલીતો, પછાતો, આદિવાસી ઉદ્યોગસાહસિકોનો એક ખૂબ જ મોટો વર્ગ તૈયાર થયો છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 19 લાખ કરોડ રૂપિયાનું ધીરાણ આપવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ધીરાણ લેનારાઓમાં, લગભગ 7 કરોડ એવા ઉદ્યોગસાહસિકો છે, જેમણે પ્રથમ વખત ઔદ્યોગિક સાહસની શરૂઆત કરી છે, જેઓ નવા ઉદ્યોગસાહસિક બન્યા છે. તેમણે એવું પણ નોંધ્યું હતું કે ઉદ્યોગમ પોર્ટલ પર પણ, કુલ નોંધાયેલા લોકોમાંથી 18 ટકા કરતાં વધારે મહિલા ઉદ્યોગસાહસિકો છે. તેમણે કહ્યું હત કે, ઉદ્યમશીલતામાં સમાવેશીતા અને આર્થિક સમાવેશ એ ખરા અર્થમાં સામાજિક ન્યાય છે.

પ્રધાનમંત્રીએ પોતાની વાતનું સમાપન કરતા જણાવ્યું હતું કે, આજે, આ કાર્યક્રમ દ્વારા, હું MSME ક્ષેત્ર સાથે સંકળાયેલા મારા તમામ ભાઇઓ અને બહેનોને ખાતરી આપું છું કે, સરકાર એવી નીતિઓ ઘડવા માટે તૈયાર છે જે તમારી જરૂરિયાતોને પૂરી કરે અને તમારી સાથે આગળ વધે. ઉદ્યમશીલ ભારતની દરેક સિદ્ધિ આપણને આત્મનિર્ભર ભારત તરફ દોરી જશે. મને તમારામાં અને તમારી ક્ષમતાઓમાં ભરોસો છે.

 

કાર્યક્રમની પૃષ્ઠભૂમિ:

ઉદ્યમી ભારત’, સરકાર સત્તારૂઢ થઇ તેના પ્રથમ દિવસથી જ MSMEના સશક્તીકરણની દિશામાં તેમના દ્વારા દાખવવામાં આવેલી અવિરત કટિબદ્ધતાનું પ્રતિબિંબ છે. સરકારે MSME ક્ષેત્ર માટે જરૂરી હોય તેવી અને સમયસર સહાય પૂરી પાડવા માટે મુદ્રા યોજના, ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી યોજના, પરંપરાગત ઉદ્યોગોના પુનરુત્કર્ષ માટે ભંડોળની યોજના (SFURTI) વગેરે જેવી સંખ્યાબંધ પહેલો સમયાંતરે શરૂ કરી છે અને તેના કારણે આખા દેશમાં કરોડો લોકોને ફાયદો થયો છે.

અંદાજે રૂપિયા 6000 કરોડના ખર્ચ સાથે શરૂ કરવામાં આવેલી ‘MSMEના પ્રદર્શનનો ઉદય અને પ્રવેગ’ (RAMP) યોજનાનો ઉદ્દેશ રાજ્યોમાં હાલમાં અસ્તિત્વમાં રહેલી MSME યોજનાઓના પ્રભાવમાં વધારો કરીને રાજ્યોમાં આવેલા MSMEની અમલીકરણની ક્ષમતા અને કવરેજમાં વ્યાપકતા લાવવાનો છે. આ યોજના MSMEને સ્પર્ધાત્મક અને આત્મનિર્ભર બનાવવા માટે આવિષ્કારને પ્રોત્સાહન આપીને, નવતર વિચારોને પ્રોત્સાહન આપીને તેમજ ગુણવત્તાના ધોરણો તૈયાર કરીને, પ્રણાલીઓ અને પ્રક્રિયાઓમાં સુધારો લાવીને, બજારની પહોંચને વધારો કરીને, ટેકનિકલ સાધનો અને ઉદ્યોગ 4.0નો ઉપયોગ કરીને નવા વ્યવસાય અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારત અભિયાન માટે પૂરક બનશે.

પ્રથમ વખતના નિકાસકારો માટે ક્ષમતા નિર્માણ’ (CBFTE) યોજનાનો ઉદ્દેશ MSMEને વૈશ્વિક બજારો માટે આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજનાથી વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલામાં ભારતીય MSMEની ભાગીદારીમાં વધારો થશે અને તેમની નિકાસની સંભાવનાને સાકાર કરવામાં મદદ મળી રહેશે.

પ્રધાનમંત્રી રોજગાર નિર્માણ કાર્યક્રમ’ (PMEGP)ની નવી સુવિધાઓમાં ઉત્પાદન ક્ષેત્ર માટે મહત્તમ પ્રોજેક્ટ ખર્ચ વધારીને રૂ. 50 લાખ (હાલમાં રૂ. 25 લાખથી વધારીને) અને સેવા ક્ષેત્ર માટે રૂ. 20 લાખ (હાલમાં રૂ. 10 લાખથી વધારીને) સુધીનો કરવાનું અને મહત્વાકાંક્ષી જિલ્લાઓના અરજદારોને સમાવવાનું તેમજ ટ્રાન્સજેન્ડરોને ઉચ્ચ સબસિડીનો લાભ પ્રાપ્ત થાય તે માટે તેમને વિશેષ શ્રેણીના અરજદારોમાં સામેલ કરવાનું પણ સમાવિષ્ટ છે. ઉપરાંત, બેંકિંગ, ટેકનિકલ અને માર્કેટિંગ નિષ્ણાતોની સંલગ્નતા દ્વારા અરજદારો/ઉદ્યોગ સાહસિકોને હેન્ડહોલ્ડિંગ સહકાર પણ આપવામાં આવે છે.

MSME આઇડિયા હેકાથોન, 2022નો ઉદ્દેશ્ય વ્યક્તિઓની અત્યાર સુધી ઉપયોગમાં ના લેવાયેલી સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા અને સહકાર આપવાનો, MSME દ્વારા આવિષ્કારી ટેકનોલોજી અને નાવિન્યતાને અપનાવવામાં આવે તે માટે તેમને પ્રોત્સાહન આપવાનો હતો. પસંદ કરવામાં આવેલા ઇન્ક્યુબેટી વિચારોને પ્રત્યેક આઇડિયા બદલ રૂપિયા 15 લાખ સુધીની આર્થિક સહાયતા પૂરી પાડવામાં આવશે.

રાષ્ટ્રીય MSME પુરસ્કાર 2022 પુરસ્કાર ભારતના ગતિશીલ MSME ક્ષેત્રની વૃદ્ધિ અને વિકાસમાં MSME, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો, મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને બેંકોએ આપેલા યોગદાનને બિરદાવવા માટે તેમને એનાયત કરવામાં આવ્યા છે.

***

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com(Release ID: 1838197) Visitor Counter : 407