પ્રધાનમંત્રીનું કાર્યાલય
કર્ણાટકના મૈસુરુમાં વિકાસ પહેલના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
Posted On:
20 JUN 2022 9:32PM by PIB Ahmedabad
મૈસૂરુ ગાહૂ કર્ણાટકા રાજ્યદ સમસ્ત નાગરિક બંધુગડિગે, નન્ન પ્રીતિય નમસ્કારગડ. વિવિધ અભિવૃદ્ધિ, કામ-ગારિગડઅ ઉદઘાટનેઉ જોતેગે, ફલાનુભવિ-ગડોન્દિગે, સંવાદ નડેસલુ, નાનુ ઈંદુ ઈલ્લિગે બંદિદ્દેને.
કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવર ચંદજી ગેહલોતજી, અહીંના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી બસવરાજા બોમ્મઈજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી પ્રહલાદ જોશીજી, કર્ણાટક સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, મંચ પર હાજર અન્ય તમામ મહાનુભાવો અને મારા મૈસુરુનાં પ્રિય ભાઈઓ અને બહેનો,
કર્ણાટક દેશના તે રાજ્યોમાંનું એક છે જ્યાં દેશની આર્થિક અને આધ્યાત્મિક સમૃદ્ધિ બંનેનાં દર્શન એક સાથે થાય છે. કર્ણાટક એ એક ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે આપણે આપણી પ્રાચીન સંસ્કૃતિને સમૃદ્ધ બનાવતા 21મી સદીના સંકલ્પોને પૂર્ણ કરી શકીએ છીએ અને મૈસુરુમાં તો, ઇતિહાસ, વારસો અને આધુનિકતાનો આ સમન્વય સર્વત્ર દેખાય છે. આથી, આ વખતે મૈસૂરુની પસંદગી તેના વારસાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા અને વિશ્વના કરોડો લોકોને તંદુરસ્ત જીવનશૈલી સાથે જોડવા માટે કરવામાં આવી છે. આવતીકાલે વિશ્વના કોટિ કોટિ લોકો મૈસુરુની આ ઐતિહાસિક ભૂમિ સાથે જોડાશે અને યોગ કરશે.
ભાઇઓ અને બહેનો,
આ ધરતીએ દેશને નલવાડી કૃષ્ણ વોડેયર, સર એમ વિશ્વેશ્વરાયજી, રાષ્ટ્રકવિ કુવેમ્પુ જેવી અનેક મહાન હસ્તીઓ આપી છે. આવાં વ્યક્તિત્વોએ ભારતના વારસા અને વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આપણા આ પૂર્વજોએ આપણને સામાન્ય માણસનાં જીવનને સગવડ અને આદર સાથે જોડવાના માર્ગો આપણને શીખવ્યા છે અને ચીંધ્યા છે.
કર્ણાટકમાં ડબલ એન્જિનની સરકાર આ કામ પૂરી ઊર્જા સાથે ખભે ખભા મિલાવીને કરી રહી છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ, આજે આપણે અહીં મૈસુરુમાં પણ અનુભવી રહ્યા છીએ. થોડા સમય પહેલા, મેં સરકારની જન કલ્યાણ માટેની અનેક યોજનાઓના લાભાર્થીઓ સાથે વાત કરી હતી અને મને અહીં મંચ પર આવવામાં વિલંબ થયો કારણ કે તેમની પાસે ઘણું કહેવાનું હતું અને મને પણ તેમની વાત સાંભળવાની મજા આવી રહી હતી. તેથી લાંબા સમય સુધી હું તેમની સાથે ગપસપ કરતો હતો. અને તેનાં કારણે અહીં ઉપર પણ થોડો મોડો આવ્યો. પરંતુ એ લોકોએ જે વાતો કહી અને જે સાથી બોલી શકતા નથી તેમની સમસ્યાઓ દૂર કરવા માટે, તેમની સારવાર માટે વધુ સારાં સંશોધનને પ્રોત્સાહિત કરતાં સેન્ટરનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. મૈસુરુ કોચિંગ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટના શિલાન્યાસ સાથે, મૈસુરુના રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવશે, તેની રેલ કનેક્ટિવિટી મજબૂત થશે.
મૈસુરુનાં મારાં વ્હાલાં ભાઈઓ અને બહેનો,
આ વર્ષ આઝાદીનું 75મું વર્ષ છે. છેલ્લા 7 દાયકામાં કર્ણાટકમાં ઘણી સરકારો જોવા મળી છે, દેશમાં પણ ઘણી સરકારો બની છે. દરેક સરકારે, ગામડાં, ગરીબ, દલિત, વંચિત, પછાત, મહિલા, ખેડૂત, તેમના માટે ઘણી વાતો કરી, કેટલીક યોજનાઓ પણ બનાવી. પરંતુ તેમની પહોંચ મર્યાદિત રહી, તેનો પ્રભાવ મર્યાદિત રહ્યો, તેનો લાભ પણ નાના અમથા વર્તુળમાં સમેટાઇ ગયો. 2014માં જ્યારે તમે અમને દિલ્હીમાં તક આપી ત્યારે અમે જૂની રીતિ અને પદ્ધતિઓ બદલવાનો નિર્ણય કર્યો હતો. અમે સરકારી લાભો, સરકારી યોજનાઓને દરેક વ્યક્તિ, દરેક વર્ગ સુધી પહોંચાડવા માટે, જે તેના હકદાર હતા, તેમને તેમનો હક મળવો જોઈએ, એ માટે મિશન મોડ પર કામ શરૂ કર્યું.
ભાઇઓ અને બહેનો,
છેલ્લાં 8 વર્ષમાં અમે ગરીબ કલ્યાણની યોજનાઓનો વ્યાપકપણે વિસ્તાર કર્યો છે. અગાઉ, જ્યાં તે માત્ર એક રાજ્યની સીમાઓ સુધી મર્યાદિત રહેતી હતી, હવે તેને સમગ્ર દેશમાં સુલભ બનાવવામાં આવી છે. હવે જેમ વન નેશન, વન રેશન કાર્ડ છે. છેલ્લાં બે વર્ષથી કર્ણાટકના 4.5 કરોડથી વધુ ગરીબ લોકોને મફત રાશનની સુવિધા મળી રહી છે. જો કર્ણાટકની કોઈ વ્યક્તિ કામ માટે અન્ય રાજ્યોમાં પણ ગઈ હોય, તો આ સુવિધા ત્યાં પણ વન નેશન, વન રેશન કાર્ડ હેઠળ ઉપલબ્ધ થશે.
તેવી જ રીતે આયુષ્માન ભારત યોજનાનો લાભ સમગ્ર દેશમાં મળી રહ્યો છે. આ યોજનાની મદદથી કર્ણાટકના 29 લાખ ગરીબ દર્દીઓને અત્યાર સુધીમાં મફત સારવાર મળી છે. જેનાથી ગરીબોના 4 હજાર કરોડ રૂપિયા બચ્યા છે.
હમણાં જ હું નીચે નીતિશ નામના એક યુવાનને મળ્યો. એક અકસ્માતનાં કારણે તેનો આખો ચહેરો બગડી ગયો હતો. આયુષ્માન કાર્ડના કારણે તેને નવું જીવન મળ્યું. તે ખૂબ જ ખુશ હતો, આત્મવિશ્વાસથી ભરેલો હતો કારણ કે તેનો ચહેરો પહેલા જેવો હતો તેવો ફરી બની ગયો હતો. તેની વાત સાંભળીને મને એટલો સંતોષ થયો કે કેવી રીતે સરકારની પાઈ-પાઈનો ઉપયોગ ગરીબોનાં જીવનમાં નવો આત્મવિશ્વાસ ભરે છે, નવી શક્તિ ભરે છે, નવા સંકલ્પો લેવાનું સામર્થ્ય બને છે.
સાથીઓ,
જે ખર્ચ અમે કરી રહ્યા છે, જો અમે એ પૈસા સીધા તેમને આપ્યા હોત, તો તેઓ કદાચ સારવાર ન કરાવી હોત. જો આ યોજનાના લાભાર્થીઓ અન્ય કોઈ રાજ્યમાં પણ રહે છે, તો તેઓને ત્યાં પણ તેનો સંપૂર્ણ લાભ મળી રહ્યો છે.
સાથીઓ,
છેલ્લાં 8 વર્ષમાં અમારી સરકારે જે યોજનાઓ બનાવી, એમાં સમાજના તમામ વર્ગો, સમાજનાં તમામ ક્ષેત્રોને સ્પર્શે, દેશના ખૂણે ખૂણે પહોંચે, દરેક ખૂણે પહોંચે તેવી ભાવનાને પ્રાથમિકતા આપવામાં આવી હતી. એક તરફ, અમે સ્ટાર્ટ અપ પોલિસી હેઠળ યુવાનોને ઘણા પ્રોત્સાહનો આપ્યા છે, તો બીજી તરફ પીએમ કિસાન સન્માન નિધિના પૈસા પણ આજે ખેડૂતો સુધી સતત પહોંચી રહ્યા છે. પીએમ કિસાન નિધિ હેઠળ કર્ણાટકના 56 લાખથી વધુ નાના ખેડૂતોને તેમનાં ખાતામાં અત્યાર સુધીમાં લગભગ 10 હજાર કરોડ રૂપિયા પહોંચી ચૂક્યા છે.
જો આપણે દેશમાં ઉદ્યોગો અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે લગભગ રૂ. 2 લાખ કરોડની PLI યોજના બનાવીએ છીએ, તો મુદ્રા યોજના, પીએમ સ્વનિધિ યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડ અભિયાન દ્વારા, નાના ઉદ્યમીઓ, નાના ખેડૂતો, પશુપાલકો અને શેરી વિક્રેતાઓને બૅન્કો પાસેથી સરળ ઋણ ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ.
તમને પણ એ જાણી સારું લાગશે કે મુદ્રા યોજના હેઠળ કર્ણાટકના લાખો નાના ઉદ્યમીઓને રૂ. 1 લાખ 80 હજાર કરોડથી વધુની લોન આપવામાં આવી છે. પ્રવાસન સ્થળ હોવાને કારણે, હોમ સ્ટે, ગેસ્ટ હાઉસ, અન્ય સેવાઓ પૂરી પાડતા સાથીઓને આ યોજનાથી ઘણી મદદ મળી છે. પીએમ સ્વનિધિ યોજનાથી પણ કર્ણાટકના 1.5 લાખથી વધુ સ્ટ્રીટ વેન્ડર્સને મદદ મળી છે.
ભાઇઓ અને બહેનો,
છેલ્લાં 8 વર્ષોમાં, અમે અસરકારક લાસ્ટ માઇલ ડિલિવરી સાથે સામાજિક ન્યાયને સશક્ત કર્યો છે. આજે ગરીબોને વિશ્વાસ થઈ રહ્યો છે કે જે યોજનાનો લાભ પાડોશીને મળ્યો છે, આજે નહીં તો કાલે તેને પણ ચોક્કસ લાભ મળશે, તેનો વારો પણ આવશે. સંતૃપ્તિ એટલે 100% લાભ, ભેદભાવ વિના, લીકેજ વિના, દેશના સામાન્ય પરિવારમાં લાભનો વિશ્વાસ મજબૂત થયો છે. જ્યારે કર્ણાટકના પોણા ચાર લાખ ગરીબ પરિવારોને પાકાં મકાનો મળે છે, ત્યારે આ વિશ્વાસ વધુ મજબૂત થાય છે. જ્યારે કર્ણાટકના 50 લાખથી વધુ પરિવારોને પહેલીવાર પાઈપથી પાણી મળવાનું શરૂ થાય છે, ત્યારે આ વિશ્વાસ વધુ વધે છે. જ્યારે ગરીબ મૂળભૂત સુવિધાઓની ચિંતાથી મુક્ત હોય છે, ત્યારે તે વધુ ઉત્સાહથી રાષ્ટ્રના વિકાસમાં જોડાય છે.
ભાઇઓ અને બહેનો,
આઝાદીના અમૃત કાળમાં, ભારતના વિકાસમાં દરેકની ભાગીદારી હોય, સબ કા પ્રયાસ હોય, માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે. અમારા દિવ્યાંગ સાથીઓ, તેમને ડગલે ને પગલે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. અમારી સરકાર આપણા દિવ્યાંગ સાથીઓની અન્યો પર નિર્ભરતા ઘટાડવા માટે સતત પ્રયાસો કરી રહી છે. તેથી આપણા ચલણમાં દિવ્યાંગોની સુવિધા માટે નવા ફિચર જોડવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં દિવ્યાંગોના શિક્ષણને લગતા અભ્યાસક્રમોને વધારે સમૃદ્ધ બનાવવામાં આવી રહ્યા છે. જાહેર સ્થળો, બસો, રેલવે અને અન્ય કચેરીઓને દિવ્યાંગો માટે અનુકૂળ બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા પછી દિવ્યાંગ લોકોની સમસ્યાને ઓછી કરવા માટે સામાન્ય સાંકેતિક ભાષા પણ વિકસાવવામાં આવી છે. દેશના કરોડો દિવ્યાંગોને જરૂરી સાધનો પણ વિનામૂલ્યે આપવામાં આવ્યા છે.
આજે પણ, બેંગલુરુમાં આધુનિક સર એમ વિશ્વેશ્વરાય રેલવે સ્ટેશન, જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, તેમાં બ્રેઈલ નકશા અને વિશેષ સંકેત બનાવાયા છે, તમામ પ્લેટફોર્મને જોડતા સબવેમાં રેમ્પની સુવિધા પણ આપવામાં આવી છે. મૈસુરુમાં, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પીચ એન્ડ હિયરિંગ એક મહાન સેવા આપી રહી છે. દેશના દિવ્યાંગ માનવ સંસાધનને સશક્ત ભારતના નિર્માણ માટે મહત્વપૂર્ણ બળ બનવામાં મદદ કરવા માટે આ સંસ્થા માટે આજે સેન્ટર ઑફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે સાથી બોલી શકતા નથી તેમના માટે આ કેન્દ્ર તેમની સમસ્યાઓની સારી સારવાર, જીવન સુધારવા અને આવા સાથીઓના સશક્તીકરણ માટેના ઉકેલો પ્રદાન કરવા સંબંધિત સંશોધનને પ્રોત્સાહિત કરશે. અને આજે હું સ્ટાર્ટઅપ વિશ્વના યુવાનોને ખાસ વિનંતી કરું છું કે તમારી પાસે વિચારો છે, તમે નવીન વિચારકો છો. તમે જે પણ નવું નવું કરી રહ્યા છો, તમારું સ્ટાર્ટઅપ આપણા દિવ્યાંગ ભાઈઓ અને બહેનો માટે પણ ઘણું કરી શકે છે. આવી ઘણી વસ્તુઓ વિકસાવી શકે છે જે મારા દિવ્યાંગ ભાઈઓ અને બહેનોને જીવનમાં મોટી શક્તિ આપી શકે, નવું સામર્થ્ય આપી શકે છે. અને મને વિશ્વાસ છે કે મારા સ્ટાર્ટઅપ્સની દુનિયાના યુવાનો મારા દિવ્યાંગ ભાઈઓની ચિંતામાં મારી સાથે જોડાશે અને અમે સાથે મળીને કંઈક સારું કરીને આપીશું.
ભાઇઓ અને બહેનો,
જીવન અને વ્યવસાયને સરળ બનાવવામાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી મોટી ભૂમિકા ભજવે છે. કર્ણાટકમાં ડબલ એન્જિન સરકાર આ દિશામાં મોટા પાયે કામ કરી રહી છે. છેલ્લાં 8 વર્ષમાં કેન્દ્ર સરકારે કર્ણાટકમાં 5 હજાર કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો માટે લગભગ 70 હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આજે, બેંગલુરુમાં રૂ. 7,000 કરોડથી વધુના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગો દ્વારા કર્ણાટકમાં હજારો રોજગારીની તકો અને કનેક્ટિવિટી ઊભી કરવા કેન્દ્ર સરકાર આ વર્ષે લગભગ રૂ. 35,000 કરોડ ખર્ચવા જઈ રહી છે. મને ખુશી છે કે કર્ણાટકમાં ડબલ એન્જિન સરકાર હોવાનાં કારણે, આ પ્રોજેક્ટ ઝડપથી જમીન પર ઉતરી પણ રહ્યા છે અને પૂર્ણ પણ થઈ રહ્યા છે.
સાથીઓ,
રેલ કનેક્ટિવિટીનો તો કર્ણાટકને વધુ અધિક લાભ છેલ્લાં 8 વર્ષમાં થયો છે. મૈસુરુ રેલવે સ્ટેશન અને નાગનાહલ્લી સ્ટેશનનાં આધુનિકીકરણનું જે કામ શરૂ થયું છે તે અહીંના ખેડૂતો, યુવાનો, સૌનું જીવન સરળ બનાવશે. ઉપનગરીય ટ્રાફિક માટે નાગનહલ્લીને કોચિંગ ટર્મિનલ અને મેમુ ટ્રેન શેડ તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યું છે. આનાથી હાલમાં મૈસુરુ યાર્ડ પરનું જે ભારણ છે એ ઘટશે. MEMU ટ્રેનો દોડવાથી, મધ્ય બેંગલુરુ, માંડ્યા અને અન્ય આસપાસના વિસ્તારોમાંથી દૈનિક ધોરણે મૈસુરુ શહેરમાં મુસાફરી કરતા મુસાફરોને વિશેષ લાભ થશે. આનાથી મૈસુરુનાં પ્રવાસનને પણ ઘણું બળ મળશે, પ્રવાસન સંબંધિત નવી રોજગારીનું સર્જન થશે.
સાથીઓ,
કર્ણાટકના વિકાસ માટે, અહીંની કનેક્ટિવિટી માટે ડબલ એન્જિનની સરકાર કેવી રીતે કામ કરી રહી છે તેનું હું તમને વધુ એક ઉદાહરણ આપવા માગું છું. 2014 પહેલા જે સરકાર કેન્દ્રમાં હતી ત્યારે રેલવે બજેટમાં કર્ણાટક માટે દર વર્ષે સરેરાશ 800 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવતી હતી. કર્ણાટકના મીડિયાના મિત્રો જરા ધ્યાનમાં રાખશે, અગાઉની સરકાર દર વર્ષે સરેરાશ 800 કરોડ રૂપિયાની જોગવાઈ કરતી હતી. કેન્દ્ર સરકારનાં આ વર્ષના બજેટમાં તેના માટે લગભગ 7,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે, સીધેસીધો 6 ગણાથી વધુનો વધારો. કર્ણાટક માટે રેલવેના રૂ. 34,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. રેલવે લાઈનોનાં વિદ્યુતીકરણના મામલે પણ અમારી સરકારે જે રીતે કામ કર્યું છે તે સાંભળીને તમને આશ્ચર્ય થશે. હું તમને જરા આંકડા બતાવું, તમે તેને ધ્યાનથી જુઓ. 2014 પહેલાના દસ વર્ષમાં એટલે કે 2004 થી 2014 સુધી કર્ણાટકમાં માત્ર 16 કિમીની રેલવે લાઈનોનું વીજળીકરણ થયું હતું. અમારી સરકાર દરમિયાન કર્ણાટકમાં લગભગ 1600 કિમી રેલવે લાઈનનું વીજળીકરણ કરવામાં આવ્યું છે. 10 વર્ષમાં 16 કિલોમીટર…આ 8 વર્ષમાં 1600 કિલોમીટર. ક્યાં 16 કિલોમીટર અને ક્યાં 1600 કિલોમીટર. આ જ ડબલ એન્જિનની કામ કરવાની ગતિ છે.
ભાઇઓ અને બહેનો,
કર્ણાટકના સર્વાંગી વિકાસની આ ગતિ એવી જ રહેવી જોઈએ. ડબલ એન્જિનની સરકાર આવી જ રીતે તમારી સેવા કરતી રહે. આ સંકલ્પ સાથે અમે તમારી સેવા કરવા માટે તૈયાર છીએ અને હંમેશા તૈયાર છીએ અને તમારા આશીર્વાદ જ અમારી સૌથી મોટી તાકાત છે. તમે અમને આશીર્વાદ આપવા આટલી મોટી સંખ્યામાં આવ્યા છો, તમારા આ આશીર્વાદ, તમારી સેવા માટે અમને શક્તિ આપે છે.
આ અનેક યોજનાઓ માટે હું ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કર્ણાટકમાં આજે જે રીતે સ્વાગત-સન્માન કર્યું છે, બેંગલુરુ હોય કે મૈસૂરુ, હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. અને આવતીકાલે જ્યારે સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરશે, જ્યારે વિશ્વ યોગ સાથે જોડાયેલું હશે, ત્યારે સમગ્ર વિશ્વની નજર મૈસુરુ પર પણ ટકેલી હશે. મારી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર !
SD/GP/NP
(Release ID: 1835761)
Visitor Counter : 230
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam