માહિતી અને પ્રસારણ મંત્રાલય

ભારતીય પ્રતિનિધિમંડળે કાન્સમાં રેડ કાર્પેટ દીપાવી


માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરની આગેવાની હેઠળના અત્યાર સુધીનાં સૌથી મોટાં સત્તાવાર ભારતીય પ્રતિનિધિમંડળે કાન્સ ઓપનિંગ નાઇટ રેડ કાર્પેટ પર એકસાથે વૉક કર્યું

મામે ખાને ઈતિહાસ સર્જ્યો, કાન્સમાં ભારત વતી રેડ કાર્પેટ પર ચાલનાર પ્રથમ લોક કલાકાર બન્યા છે

કાન્સ ખાતે દક્ષિણ ભારતીય ફિલ્મો છવાઇ

ધ માર્ચ ડે ફિલ્મ (માર્ચે ડૂ ફિલ્મ) ખાતે ભારત કન્ટ્રી ઑફ ઑનર

Posted On: 17 MAY 2022 9:53PM by PIB Ahmedabad

રેડ કાર્પેટ પર સિતારાઓની હાજરીમાં, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે આજે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં અગિયાર હસ્તીઓનાં અત્યાર સુધીનાં સૌથી મોટાં ભારતીય સત્તાવાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.

ભારતીય લોકકલા માટે ઐતિહાસિક ક્ષણમાં, શ્રી મામે ખાન કાન્સમાં ભારતીય ટુકડી માટે રેડ કાર્પેટ પર ચાલનારા પ્રથમ લોક કલાકાર બન્યા હતા.

ભારતીય સિનેમાની વિવિધતા અને વિશિષ્ટતાને પ્રદર્શિત કરતા, ગ્લેમરસ રેડ કાર્પેટ ટુકડીમાં ભારતભરની ફિલ્મી હસ્તીઓનો સમાવેશ થાય છે. પેલેસ ડેસ ફેસ્ટિવલ્સની સુપ્રસિદ્ધ સીડીઓ તરફ ચાલતા અગિયાર સભ્યોનાં બનેલાં પ્રતિનિધિમંડળે વૈશ્વિક સિનેમા હબ બનવાની ભારતની મહત્વાકાંક્ષાના તમામ પ્રતીકવાદને વહન કર્યું હતું.

મંત્રીની સાથે રહેલી દસ હસ્તીઓમાં ત્રણ સંગીત ઉસ્તાદો છે, જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો ધ્વજ ઊંચો કરી રહ્યા છે, અને વિવિધ પ્રદેશો, ભાષાઓ, મુખ્ય પ્રવાહ અને OTT આગેવાની હેઠળનાં સિનેમાની વિવિધતાના કેલિડોસ્કોપનું પ્રતિનિધિત્વ કરે છે એવા ભારતીય સિનેમાના જાણીતા ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો છે. વાર્તાકારોની ભૂમિ ભારત કાન્સમાં તેની અત્યાર સુધીની સૌથી મજબૂત રેડ કાર્પેટ હાજરી દ્વારા વિશ્વ માટે એક સુંદર વૃતાંતનું નિર્માણ કરી રહ્યું છે.

સ્ટાર્સમાં કાન્સમાં નિયમિત રહેલા અભિનેતા શ્રી નવાઝુદ્દીન સિદ્દીકીનો પણ સમાવેશ થતો હતો. તેમનો પ્રાકૃતિક, શક્તિશાળી અભિનય અને તેમની ધ લંચ બોક્સ અથવા ગેંગ્સ ઑફ વાસેપુર જેવી ફિલ્મોની વાસ્તવિકતા યુરોપિયન પ્રેક્ષકોમાં ચોક્કસ પડઘો પાડે છે, અને સંકેત આપે છે કે ભારત સંવેદનશીલતાની વિશાળ શ્રેણી પૂરી કરતી ફિલ્મોનું નિર્માણ કરવામાં સક્ષમ છે.

આ સમૂહમાં સુપરસ્ટાર સંગીતકાર એ.આર. રહેમાનની હાજરીએ ભારતીય પ્રતિનિધિમંડળના સિનેમેટોગ્રાફિક મ્યુઝિકની કદર કરવાનો ઉદ્દેશ પ્રદર્શિત કર્યો - કારણ કે, વિશ્વમાં ક્યાંય કરતાં પણ વધુ, સાઉન્ડટ્રેક્સ ભારતીય સિનેમાના DNAમાં મોટી ભૂમિકા ભજવે છે. દેશના સંગીતની સંકલનવૃત્તિને દર્શાવતા, રેડ કાર્પેટ પર વિવિધ શૈલીઓ રજૂ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલા નવા યુગના સંગીતકાર અને મલ્ટિ-ગ્રેમી એવોર્ડ વિજેતા રિકી કેજે ભારતની વધુ સમકાલીન બાજુનું પ્રતિનિધિત્વ કર્યું જ્યારે રાજસ્થાનના ફિલ્મ સંગીતકાર અને લોક ગાયક મામે ખાને ભારતીય સિનેમા પર લોક સંસ્કૃતિના પ્રભાવને વ્યક્ત કર્યો હતો. અસંખ્ય સદાબહાર ફિલ્મી ગીતો લખનાર ગીતકાર અને હવે સેન્ટ્રલ બૉર્ડ ફોર ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ના અધ્યક્ષ પ્રસૂન જોશી પણ હાજર હતા.

પ્રતિનિધિમંડળમાં વિવિધ પ્રાદેશિક સિનેમાના રાજદૂતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેણે વિશ્વને સંકેત મોકલ્યો હતો કે 25 પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગોનું ગૌરવ ધરાવતું ભારત ફિલ્મ નિર્માણની દ્રષ્ટિએ રજૂ કરવા માટે ઘણી વિવિધ લહેજત અને શૈલીઓ ધરાવે છે.

આ વર્ષે, દક્ષિણનું સિનેમા ચર્ચામાં હતું. છ અલગ-અલગ ભાષાઓ (તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, હિન્દી અને અંગ્રેજી)માં શૂટ થયેલી ફિલ્મોમાં સામેલ એવા અભિનેતા અને નિર્માતા આર. માધવન ભારતીય સિનેમાની આશ્ચર્યચકિત કરતી વિવિધતાનું સારું ઉદાહરણ હતા. તેલુગુ સિનેમાનાં બે સુપરસ્ટાર્સ તમન્ના ભાટિયા અને પૂજા હેગડેએ પણ પ્રતિનિધિમંડળના ભાગ રૂપે તેમનો ચમકદાર દેખાવ કર્યો હતો.

મિ. ઇન્ડિયા જેવી સુપ્રસિદ્ધ ફિલ્મોના દિગ્દર્શક અને હવે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII) ના અધ્યક્ષ શેખર કપૂર અને અભિનેત્રી તેમજ સીબીએફસીનાં સભ્ય વાણી ત્રિપાઠી ટિકૂએ પણ ભારતીય પ્રતિનિધિમંડળમાં ભાગ લીધો હતો.

રેડ કાર્પેટ પર દેખાવના ક્રમમાં પ્રતિનિધિમંડળના સભ્યો

  1. મામે ખાન, રાજસ્થાનના પ્રખ્યાત લોક ગાયક
  2. શેખર કપૂર, વૈશ્વિક સ્તરે વખાણાયેલા દિગ્દર્શક
  3. પૂજા હેગડે, અભિનેત્રી
  4. નવાઝુદ્દીન સિદ્દીકી, અભિનેતા
  5. તમન્ના ભાટિયા, અભિનેત્રી
  6. અનુરાગ ઠાકુર, પ્રતિનિધિમંડળના વડા અને ભારતના કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી
  7. આર માધવન, અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા
  8. એ.આર. રહેમાન, અગ્રણી ગાયક અને સંગીતકાર
  9. પ્રસૂન જોશી, અધ્યક્ષ CBFC અને જાણીતા ગીતકાર
  10. વાણી ત્રિપાઠી, નિર્માતા, સભ્ય CBFC, ભારતીય ફિલ્મ વ્યક્તિત્વ
  11. રિકી કેજ, બે વખત ગ્રેમી એવોર્ડ વિજેતા અને સંગીતકાર

પૃષ્ઠભૂમિ:

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દર વર્ષે વૈશ્વિક મૂવી ઉદ્યોગની મોટી હસ્તીઓ એકત્ર થાય છે, તે 17મી મેથી 28મી મે, 2022 દરમિયાન યોજાશે અને ભારતીય પ્રતિનિધિઓ માટે વિવિધ કાર્યક્રમો અને ઉચ્ચ-સ્તરીય બેઠકોમાં ભાગ લેવાનો પ્રસંગ હશે.

ભારતીય સિનેમાનાં કૌશલ્યની ઉજવણી માટે આ વર્ષે આ ફેસ્ટિવલ ખાસ છે કારણ કે ભારત ધ માર્ચ ડે ફિલ્મ (માર્ચે ડુ ફિલ્મ)માં પ્રથમવાર કન્ટ્રી ઑફ ઑનર છે. કાન્સ નેક્સ્ટમાં પણ ભારત “કન્ટ્રી ઑફ ઑનર” છે, જે અંતર્ગત 5 નવાં સ્ટાર્ટઅપ્સને ઑડિયો-વિઝ્યુઅલ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવાની તક આપવામાં આવશે. એનિમેશન ડે નેટવર્કિંગ પર દસ વ્યાવસાયિકો ભાગ લેશે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની આ આવૃત્તિમાં ભારતની સહભાગિતાની મુખ્ય વિશેષતા તરીકે, શ્રી આર. માધવન દ્વારા નિર્મિત મૂવી "રોકેટરી"નો વર્લ્ડ પ્રીમિયર. 19મી મે 2022ના રોજ પેલેસ ડેસ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થનાર છે.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1826177) Visitor Counter : 157