પ્રધાનમંત્રીનું કાર્યાલય

પંચાયતીરાજ દિવસે પ્રધાનમંત્રીએ ગ્રામ સભાઓને કરેલા સંબોધનનો મૂળપાઠ

Posted On: 24 APR 2022 6:28PM by PIB Ahmedabad

ભારત માતાની જય

ભારત માતાની જય


જમ્મુ કાશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહાજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સહયોગી ગિરિરાજસિંહજી, આ જ ધરતીના સંતાન મારા સાથી ડૉ. જીતેન્દ્રસિંહજી, શ્રી કપિલ મોરેશ્વર પાટીલજી, સંસદમાં મારા સાથી શ્રી જુગલ કિશોરજી, જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર દેશમાંથી જોડાયેલા પંચાયતીરાજના તમામ પ્રતિનિધિગણ, ભાઇઓ તથા બહેનો.

શુરવીરેં દી ઇસ ડુગ્ગર ધરતી જમ્મુ-ચ, તુસેં સારે બહન-પ્રાએં-ગી મેરા નમસ્કાર. દેશભરમાંથી જોડાયેલા સાથીઓને રાષ્ટ્રીય પંચાયતી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

આજે જમ્મુ કાશ્મીરના વિકાસને ગતિ આપવા માટે આ ખૂબ જ મોટો દિવસ છે. અહીં હું જે જનસાગર જોઇ રહ્યો છું, જ્યાં પણ મારી નજર પહોંચી રહી છે ત્યાં લોકો જ લોકો દેખાઇ રહ્યા છે. કદાચ કેટલાય દાયકા પછી જમ્મુ કાશ્મીરની ધરતી, હિન્દુસ્તાનના નાગરિકો આવું ભવ્ય દૃશ્ય જોઇ રહ્યા છે. આ તમારા પ્રેમ માટે, તમારા ઉત્સાહ અને ઉંમગ માટે, વિકાસ અને પ્રગતિના સંકલ્પ માટે હું વિશેષરૂપે જમ્મુ અને કાશ્મીરના ભાઇઓ તથા બહેનોને આદરપૂર્વક અભિનંદન આપવા માગું છું.

સાથીઓ,

મારા માટે ના તો આ ભૂ-ભાગ નવો છે, કે ના હું તમારા માટે નવો છું. અને હું અહીંની બારીકીઓથી અનેક વર્ષોથી પરિચિત છું, જોડાયેલો રહ્યો છું. મારા માટે ખુશીની વાત છે કે આજે અહીં કનેક્ટિવિટી અને વીજળીથી સાથે જોડાયેલા 20 હજાર કરોડ રૂપિયા... આ આંકડો જમ્મુ કાશ્મીર જેવા નાના રાજ્ય માટે ખૂબ જ મોટો આંકડો છે... 20 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે. જમ્મુ અને કાશ્મીરના વિકાસને નવી ગતિ આપવા માટે રાજ્યમાં ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ પ્રયાસોથી ખૂબ જ મોટી સંખ્યામાં જમ્મુ કાશ્મીરના નવયુવાનોને રોજગારી મળશે.

સાથીઓ,

આજે અનેક પરિવારોને ગામડાઓમાં તેમના ઘરના પ્રોપર્ટી કાર્ડ પણ મળ્યા છે. આ સ્વામિત્વ કાર્ડ ગામડાઓમાં નવી શક્યતાઓને પ્રેરણા આપશે. આજે 100 જનઔષધિ કેન્દ્રો જમ્મુ અને કાશ્મીરના ગરીબ તેમજ મધ્યમ વર્ગને સસ્તી દવાઓ, સસ્તી સર્જિકલ વસ્તુઓ આપવાનું માધ્યમ બનશે. 2070 સુધીમાં દેશને કાર્બન ન્યુટ્રલ બનાવવાનો દેશે જે સંકલ્પ લીધો છે તે જ દિશામાં આજે જમ્મુ-કાશ્મીરે એક મોટી પહેલ કરી છે. પલ્લી પંચાયત દેશની પહેલી કાર્બન ન્યુટ્રલ પંચાયત બનવા તરફ આગળ વધી રહી છે.

ગ્લાસગોમાં વિશ્વના મહાન દિગ્ગજો એકઠા થયા હતા. કાર્બન ન્યુટ્રલ વિશે ઘણાં બધા ભાષણો થયા, ઘણાં નિવેદનો આવ્યા, કેટલીય ઘોષણાઓ કરવામાં આવી છે. પરંતુ આ હિન્દુસ્તાન છે કે જેમાં આજે જમ્મુ અને કાશ્મીરની એક નાની પંચાયત, પલ્લી પંચાયતની અંદર દેશની પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત બનવા તરફ આગળ વધી રહ્યું છે. આજે મને પલ્લી ગામમાં દેશના ગામડાઓના જનપ્રતિનિધિઓ સાથે જોડાવાની તક પણ મળી છે. આ મહાન સિદ્ધિ અને વિકાસ કાર્યો બદલ જમ્મુ અને કાશ્મીરને ખૂબ ખૂબ અભિનંદન!

અહીં મંચ પર આવતા પહેલાં હું અહીંના પંચાયતના સભ્યો સાથે બેઠો હતો. હું તેમના સપનાં, તેમના સંકલ્પ અને તેમના ઉમદા હેતુઓને અનુભવી રહ્યો હતો. અને મને ખુશી તો ત્યારે થઇ કે, હું તો દિલ્હીના લાલ કિલ્લા પરથી સબકા પ્રયાસબોલું છું. પરંતુ આજે જમ્મુ-કાશ્મીરની ધરતીએ, પલ્લીના નાગરિકોએ 'સબકા પ્રયાસ'નો અર્થ શું છે, તે આજે મને કરી બતાવ્યું છે. અહીંના પંચ-સરપંચ મને કહી રહ્યા હતા કે જ્યારે મેં અહીં આ કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું ત્યારે સરકારના લોકો આવતા હતા, કોન્ટ્રાક્ટરો આવતા હતા, બધા બનાવવા વાળા આવતા હતા, હવે અહીં કોઇ ઢાબા તો નથી, અહીં કોઇ લંગર ચાલતાં નથી, આ લોકો આવતા હોય તો ખાવાનું શું કરવું? તો અહીંના પંચ-સરપંચે કહ્યું કે, દરેક ઘરમાંથી કોઇ 20 રોટલી તો કોઇ 30 રોટલી ભેગી કરે છે અને છેલ્લા 10 દિવસથી અહીં આવતા તમામ લોકોને ગ્રામજનો દ્વારા ખવડાવવામાં આવે છે. સબકા પ્રયાસ કોને કહેવાય તે તમે લોકોએ શીખવાડ્યું. હું અહીંના મારા તમામ ગ્રામવાસીઓને હૃદયપૂર્વક વંદન કરું છું.

ભાઇઓ તથા બહેનો,

આ વખતનો પંચાયતી રાજ દિવસ, જમ્મુ કાશ્મીરમાં ઉજવવામાં આવ્યો, તે એક મોટા પરિવર્તનનું પ્રતિક છે. આ ખૂબ જ મોટા ગૌરવની વાત છે, કે જ્યારે લોકશાહી જમ્મુ કાશ્મીરમાં ગ્રાસ રૂટ સુધી પહોંચી છે, ત્યારે અહીંથી હું આખા દેશની પંચાયતો સાથે સંવાદ કરી રહ્યો છું. હિન્દુસ્તાનમાં પંચાયતીરાજ વ્યવસ્થા લાગુ થઇ, ખૂબ જ ઢોલ વાગ્યા, મોટું ગૌરવ પણ કરવામાં આવ્યું અને તેમાં કંઇ ખોટું પણ નથી. પરંતુ એકવાત આપણે ભૂલી ગયા, આમ તો આપણે કહેતા રહેતા હતા કે ભારતમાં પંચાયતીરાજ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે પરંતુ દેશવાસીઓને ખબર હોવી જોઇએ કે આ આટલી સારી વ્યવસ્થા હોવા છતાં પણ મારા જમ્મુ કાશ્મીરના લોકો તેનાથી વંચિત હતા, અહીં આ વ્યવસ્થા નહોતી. દિલ્હીમાં મને સેવા કરવાની તમે તક આપી અને પંચાયતીરાજ વ્યવસ્થા જમ્મુ-કાશ્મીરની ધરતી પર લાગુ થઇ ગઇ. એકલા જમ્મુ કાશ્મીરના ગામડાઓમાં 30 હજાર કરતાં વધારે જનપ્રતિનિધિઓ ચૂંટાઇને આવ્યા અને આજે અહીંની પ્રશાસન વ્યવસ્થા સંભાળી રહ્યા છે. આ જ તો લોકશાહીની તાકાત છે. પહેલી વખત ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા – ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ અને DDCની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ અને ગામડાના લોકો ગામનું ભવિષ્ય નક્કી કરી રહ્યા છે.


સાથીઓ,

વાત લોકશાહીની હોય કે પછી સંકલ્પ ડેવલપમેન્ટની હોય, આજે જમ્મુ કાશ્મીર આખા દેશ માટે એક નવું ઉદાહરણ રજૂ કરી રહ્યું છે. છેલ્લા 2-3 વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં વિકાસના નવા આયામ બન્યા છે. કેન્દ્રના લગભગ પોણા બસો કાયદા, જે જમ્મુના નાગરિકોને અધિકાર આપતા હતા, તેને લાગુ કરવામાં આવ્યા નહોતા. અમે જમ્મુ કાશ્મીરના દરેક નાગરિકને સશક્ત બનાવવા માટે તે કાયદાઓનો અમલ કરી દીધો છે અને તમને તાકાતવર બનનાવવાનું કામ કર્યું છે. તેનો સૌથી વધારે લાભ અહીંની બહેનોને થયો છે, અહીંની દીકરીઓને થયો છે, અહીંના ગરીબ લોકોને, અહીંના દલિતોને, અહીંના પીડિતોને, અહીંના વંચિત લોકોને મળ્યો છે.

આજે મને ગૌરવ થઇ રહ્યું છે કે, આઝાદીના 75 વર્ષ પછી જમ્મુ કાશ્મીરમાં મારા વાલ્કિમિકી સમાજના ભાઇ બહેનો હિન્દુસ્તાનના નાગરિકોની બરાબરીમાં આવતા કાનૂની અધિકારો મેળવી રહ્યા છે. દાયદાઓના દાયકાઓથી જે બેડીઓ વાલ્મિકી સમાજના પગમાં નાંખી દેવામાં આવી હતી, તેઓ હવે આઝાદ થઇ ગયા છે. આઝાદીના સાત દાયકા પછી તેમને આઝાદી મળી છે. આજે દરેક સમાજના દીકરા- દીકરીઓ તેમના સપનાં પૂરી કરી રહ્યા છે.

જમ્મુ કાશ્મીરમાં વર્ષો સુધી જે સાથીઓને અનામતનો લાભ નહોતો મળતો, તેમને પણ હવે અનામતનો લાભ મળી રહ્યો છે. આજે બાબાસાહેબનો આત્મા જ્યાં પણ હશે ત્યાં આપણને સૌને આશીર્વાદ આપતો હશે કે ભારતનો એક ખૂણો તેનાથી વંચિત હતો તેને, મોદી સરકારે આવીને બાબાસાહેબના સપનાં સાકાર કર્યા છે. કેન્દ્ર સરકારની યોજનાઓનો હવે અહીં ઝડપથી અમલ કરવામાં આવી રહ્યો છે, તેનો સીધો ફાયદો જમ્મુ-કાશ્મીરના ગામડાંઓને થઇ રહ્યો છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ LPG ગેસ કનેક્શન હોય, વીજળી કનેક્શન હોય, પાણીનું કનેક્શન હોય, શૌચાલય હોય, દરેકમાં જમ્મુ-કાશ્મીરને તેનો મોટો લાભ મળ્યો છે.

સાથીઓ,

આઝાદીના અમૃતકાળ એટલે કે આવનારા 25 વર્ષમાં નવું જમ્મુ કાશ્મીર, વિકાસની નવી ગાથા લખશે. થોડા સમય પહેલાં જ મને UAEથી આવેલા એક પ્રતિનિધિમંડળ સાથે વાત કરવાની તક મળી. તેઓ જમ્મુ-કાશ્મીર બાબતે ખૂબ જ ઉત્સાહિત છે. તમે કલ્પના કરી શકો છો કે, આઝાદીના 7 દાયકા દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં માત્ર 17 હજાર કરોડ રૂપિયાનું ખાનગી રોકાણ થઇ શક્યું હતું. સાત દાયકામાં 17 હજાર કરોડ, અને છેલ્લા બે વર્ષમાં - આ આંકડો 38 હજાર કરોડ સુધી પહોંચી ગયો છે. ખાનગી કંપનીઓ અહીં 38 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવા માટે આવી રહી છે.

સાથીઓ,

આજે કેન્દ્રમાંથી મોકલવામાં આવેલો એક એક પૈસો ઇમાનદારીથી ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે અને રોકાણકારો પણ ખુલ્લા મનથી પૈસા રોકવા માટે આવી રહ્યા છે. હમણાં મને મનોજસિંહાજી કહેતા હતા કે, ત્રણ વર્ષ પહેલાં અહીંના જિલ્લાઓના હાથમાં, આખા રાજ્યમાં પાંચ હજાર કરોડ રૂપિયા જ તેમના નસીબમાં આવતા હતા અને તેમાં લેહ-લદ્દાખ બધો જ વિસ્તાર આવી જતો હતો. તેમણે કહ્યું કે, નાનકડું રાજ્ય છે, વસતી ઓછી છે. પણ છેલ્લા બે વર્ષમાં જે ગતિ આવી છે, અને તેમાં આ વખતે બજેટમાં 22 હજાર કરોડ રૂપિયા સીધા પંચાયતો પાસે વિકાસના કાર્યો માટે આપવામાં આવી રહ્યા છે અને આટલા નાના રાજ્યમાં ગ્રાસ રૂટ લેવલની લોકશાહી વ્યવસ્થા દ્વારા વિકાસના કામો કરવા માટે. ક્યાં 5 હજાર કરોડ અને ક્યાં 22 હજાર કરોડ રૂપિયા, આ કામ થયું છે ભાઇઓ.

આજે મને ખુશી છે કે, રતલે પાવર પ્રોજેક્ટ અને ક્વાર પાવર પ્રોજેક્ટ્સ જ્યારે તૈયાર થઇ જશે, ત્યારે જમ્મુ અને કાશ્મીરને માત્ર પૂરતી વીજળી જ નહીં મળે, પરંતુ જમ્મુ અને કાશ્મીર કમાણી કરવાનું એક નવું મોટું ક્ષેત્ર પણ ખુલવાનું છે, જે જમ્મુ અને કાશ્મીરને નવી આર્થિક ઊંચાઇઓ તરફ લઇ જશે. હવે જુઓ, એક સમયે જ્યારે દિલ્હીથી કોઇ સરકારી ફાઇલ નીકળતી હતી, તો જરા મારી વાત સમજો. જો કોઇ સરકારી ફાઇલ દિલ્હીથી નીકળતી હતી તો તેને જમ્મુ કાશ્મીર પહોંચવામાં બે-ત્રણ અઠવાડિયા લાગી જતા હતા. મને ખુશી છે કે આજે અહીં 500 કિલોવૉટનો સોલાર પાવર પ્લાન્ટ માત્ર 3 અઠવાડિયામાં અમલમાં મૂકવામાં આવ્યો છે, વીજળી ઉત્પન્ન કરવાનું શરૂ થઇ ગયું છે. પલ્લી ગામના તમામ ઘરોમાં હવે સૌર વીજળી પહોંચી રહી છે. આ ગ્રામ ઊર્જા સ્વરાજનું પણ ઘણું મોટું ઉદાહરણ બની ગયું છે. કામની રીતભાતમાં અહીં આવેલું પરિવર્તન જમ્મુ કાશ્મીરને નવી ઊંચાઇઓ પર લઇ જશે.

સાથીઓ,

હું જમ્મુ કાશ્મીરના નવયુવાનોને કહેવા માગું છું કે, “સાથીઓ, મારા શબ્દો પર ભરોસો રાખો. ઘાટીના નવયુવાનો, તમારા માતા-પિતાને, તમારા દાદા-દાદીને, તમારા નાના-નાનીને જે મુશ્કેલીઓમાં જીવન વિતાવવું પડ્યું, મારા નવયુવાનો તમારે પણ આવી મુશ્કેલીઓમાં જીવન નહીં વિતાવવું પડે, આ હું કરીને બતાવીશ. આ હું આપને વિશ્વાસ અપાવું છું.” છેલ્લા આઠ વર્ષમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતના મંત્રને મજબૂત બનાવવા માટે અમારી સરકારે દિવસ રાત કામ કર્યું છે. જ્યારે હું એક ભારત, શ્રેષ્ઠ ભારતની વાત કરુ છુ ત્યારે, અમારું ફોકસ કનેક્ટિવિટી પર પણ હોય છે, અંતર દૂર કરવા પર પણ હોય છે. એ અંતર પછી ભલે દિલોનું હોય કે, ભાષા- વ્યવહારનું હોય, કે સંસાધનોનું, આ અંતર દૂર કરવું એ જ અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. જેવી રીતે, આપણા ડોગરાઓ વિશે લોકસંગીતમાં કહેવાયું છે કે મીઠ્ઠડી એ ડોગરેં દી બોલી, તે ખંડ મીઠાં લોક ડોગરે. આવી મીઠાશ, આવી જ સંવેદનશીલ વિચારધારા દેશની એકતાની તાકાત બને છે અને અંતરો પણ ઓછું થાય છે.

ભાઇઓ તથા બહેનો,

અમારી સરકારના પ્રયાસોથી હવે બનિહાલ – કાંગીગુંડ ટનલથી જમ્મુ અને શ્રીનગરનું અંતર 2 કલાક ઘટી ગયું છે. ઉધમપુર – શ્રીનગર – બારામુલ્લાને લિંક કરતો આકર્ષક આર્ક બ્રીજ પણ ટૂંક સમયમાં દેશને મળવાની તૈયારી છે. દિલ્હી– અમૃતસર– કટરા હાઇવે પણ દિલ્હીથી માં વૈષ્ણોના દરબારનું અંતર ઘટાડે છે. અને એ દિવસ દૂર નહીં હોય જ્યારે કન્યાકુમારીથી માં વૈષ્ણોદેવી વચ્ચેનું અંતર માત્ર એક જ માર્ગથી પૂરું કરી શકાશે. જમ્મુ-કાશ્મીર હોય, લેહ-લદ્દાખ હોય, ચારે બાજુથી એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે જમ્મુ કાશ્મીરના મોટા ભાગના હિસ્સાઓ 12 મહિના સુધી દેશ સાથે જોડાયેલા રહે.

સરહદી ગામડાઓના વિકાસ માટે પણ અમારી સરકાર પ્રાથમિકતાના આધારે કામ કરી રહી છે. આખા હિન્દુસ્તાનની સરહદો પરના છેવાડાના ગામડાઓ માટે વાઇબ્રન્ટ વિલેજ યોજના આ વખતના બજેટમાં મંજૂર કરવામાં આવી છે. તેનો લાભ હિન્દુસ્તાનમાં તમામ સરહદને અડીને આવેલા છેવાડાના ગામડાઓને તે વાઇબ્રન્ટ વિલેજ હેઠળ મળશે. પંજાબ અને જમ્મુ-કાશ્મીરને પણ આનો વધુ ફાયદો થવાનો છે.

સાથીઓ,

આજે જમ્મુ કાશ્મીર સબકા સાથે, સબકા વિકાસનું પણ એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. રાજ્યમાં સારી અને આધુનિક હોસ્પિટલો હોય, ટ્રાન્સપોર્ટના નવા સાધનો હોય, ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ હોય, અહીંના યુવાનોને ધ્યાનમાં રાખીને આ યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે. વિકાસ અને વિશ્વાસના વધતા માહોલમાં જમ્મુ-કાશ્મીરમાં ટૂરીઝમ ફરી ખીલવા લાગ્યું છે. મને કહેવામાં આવ્યું છે કે આગામી જૂન-જુલાઇ સુધી અહીંના તમામ પર્યટન સ્થળો બુક થઇ ગયા છે, જગ્યા મળવી મુશ્કેલ થઇ ગઇ છે. છેલ્લા કેટલાય વર્ષોમાં જેટલા પ્રવાસીઓ અહીં આવ્યા નથી, એટલા તો થોડા મહિનામાં જ અહીં આવી રહ્યા છે.

સાથીઓ,

આઝાદીનો આ અમૃતકાળ ભારતનો સ્વર્ણિમકાળ બનવાનો છે. આ સંકલ્પ સબકા પ્રયાસથી સિદ્ધ થવાનો છે. આમાં લોકશાહીના સૌથી મોટા પાયાના એકમ, ગ્રામ પંચાયતની, આપ સૌ સાથીઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પંચાયતોની આ ભૂમિકા સમજીને, આઝાદીના અમૃત મહોત્સવ પર અમૃત સરોવર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આવનારા 1 વર્ષમાં, આવતા વર્ષે 15 ઑગસ્ટ સુધીમાં આપણે દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 75 અમૃત સરોવર તૈયાર કરવાના છે, દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર.

આપણે એવો પણ પ્રયાસ કરવાનો છે કે, આ સરોવરોની આસપાસમાં લીમડા, પીપળા, વડ વગેરે છોડ તે વિસ્તારોના શહીદોના નામે વાવવામાં આવે. અને એવી પણ કોશિશ કરવાની છે કે, જ્યારે આ અમૃત સરોવરનો આરંભ કરતા હોઇએ ત્યારે, શિલાન્યાસ કરતા હોઇએ તો શિલાન્યાસ પણ કોઇ ને કોઇ શહીદના પરિવારના હાથોથી, કોઇ સ્વતંત્રતા સેનાનીના પરિવારના હાથોથી કરાવીએ અને આઝાદી માટે આ અમૃત સરોવરના અભિયાનને આપણે એક ગૌરવપૂર્ણ પૃષ્ઠ તરીકે જોડીએ.

ભાઇઓ તથા બહેનો,

વિતેલા વર્ષોમાં પંચાયતોને વધારે અધિકાર, વધારે પારદર્શિતા અને ટેકનોલોજી સાથે જોડવા માટે નિરંતર પ્રયાસો કરવામાં આવ્યા છે. ઇ-ગ્રામ સ્વરાજ અભિયાનથી પંચાયત સાથે સંકળાયેલા પ્લાનિંગથી લઇને પેમેન્ટ સુધીની વ્યવસ્થાને જોડવામાં આવી રહી છે. ગામના સામાન્ય લાભાર્થી હવે તેમના મોબાઇલ ફોન પર એ જાણી શકે છે કે પંચાયતમાં કયું કામ થઇ રહ્યું છે, તેની સ્થિતિ શું છે, કેટલું બજેટ ખર્ચ કરવામાં આવી રહ્યું છે. પંચાયતને જે ફંડ મળી રહ્યું છે, તેના ઓડિટની ઑનલાઇન વ્યવસ્થા  કરવામાં આવી છે. સિટિઝન્સ ચાર્ટર કેમ્પેઇન દ્વારા રાજ્યો અને ગ્રામ પંચાયતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે કે, તેઓ જન્મનું પ્રમાણપત્ર, લગ્નના સર્ટિફિકેટ, પ્રોપર્ટી સાથે સંકળાયેલા અનેક વિષયોને ગ્રામ પંચાયતના સ્તરે જ ઉકેલી નાંખે. સ્વામિત્વ યોજનાથી ગ્રામ પંચાતો માટે પ્રોપર્ટી ટેક્સનું એસેસમેન્ટ સરળ થઇ ગયું છે, તેનો લાભ અનેક ગ્રામ પંચાયતોને મળી રહ્યો છે.

થોડા દિવસ પહેલાં જ પંચાયતોમાં ટ્રેનિંગ માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે સંકળાયેલી નીતિને પણ સ્વીકૃતિ આપી દેવાઇ છે. આ મહિને 11 થી 17 એપ્રિલ સુધી પંચાયતોના નવનિર્માણના સંકલ્પ સાથે આઇકોનિક વીકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેથી ગામડા ગામડા સુધી મૂળભૂત સુવિધાઓ પહોંચાડવાનું કામ થઇ શકે. સરકારનો સંકલ્પ છે કે, ગામડાઓમાં દરેક વ્યક્તિ, દરેક પરિવાર માટે શિક્ષણ, આરોગ્ય જેવા દરેક પાસાઓનો વિકાસ સુનિશ્ચિત કરવામાં આવે. સરકારનો પ્રયાસ છે કે, ગામના વિકાસને લગતા દરેક પ્રોજેક્ટના આયોજન અને અમલીકરણમાં પંચાયતની ભૂમિકા વધારે હોય. આનાથી રાષ્ટ્રીય સંકલ્પોની સિદ્ધિમાં પંચાયત એક મહત્વની કડી તરીકે ઉભરી આવશે.

સાથીઓ,

પંચાયતોને વધારે અધિકાર આપવા પાછળનું લક્ષ્ય પંચાયતોને ખરા અર્થમાં સશક્તિકરણનું કેન્દ્ર બનાવવાનું છે. પંચાયતોની વધતી જતી શક્તિ, પંચાયતોને મળતી રકમથી ગામના વિકાસમાં નવી ઊર્જા આપે, તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અમારી સરકાર પંચાયતી રાજ વ્યવસ્થામાં બહેનોની ભાગીદારી વધારવા પર પણ ઘણો ભાર મૂકી રહી છે.

ભારતની બહેનો- દીકરીઓ શું કરી શકે છે, આ કોરોનાકાળ દરમિયાન દુનિયાભરમાં ભારતના અનુભવે દુનિયાને ઘણું બધું શીખવાડી દીધું છે. આશા- આંગણવાડીની કાર્યકર્તાઓએ કેવી રીતે ટ્રેકિંગથી લઇને રસીકરણ સુધી, નાના નાના દરેક કામ કરીને કોરોના સામેના જંગને મજબૂત બનાવવાનું કામ આપણી દીકરીઓએ, આપણી માતાઓ, બહેનોએ કર્યું છે.

ગામના આરોગ્ય અને પોષણ સાથે જોડાયેલું નેટવર્ક મહિલા શક્તિથી જ તેની ઊર્જા મેળવી રહ્યું છે. મહિલા સ્વ-સહાય સમૂહો ગામડાઓમાં આજીવિકાના, જનજાગરણના નવા આયામો સર્જી રહ્યા છે. પાણી સંબંધિત વ્યવસ્થાઓ, હર ઘર જલ અભિયાનમાં પણ મહિલાઓની ભૂમિકા નક્કી કરવામાં આવી છે, દરેક પંચાયત ઝડપથી તેને વ્યવસ્થિત કરે તે ખૂબ જ જરૂરી છે.

મને જાણ કરવામાં આવી છે કે, અત્યાર સુધીમાં 3 લાખ પાણી સમિતિઓ આખા દેશમાં બની ચુકી છે. આ સમિતિઓમાં 50 ટકા મહિલાઓ હોવી ફરજિયાત છે, 25 ટકા સુધી સમાજના નબળા વર્ગના સભ્યો હોવા જોઇએ, તે પણ સુનિશ્ચિત કરવું જરૂરી છે. હવે ગામડામાં નળથી પાણી પહોંચી રહ્યું છે, પરંતુ સાથે સાથે તેની શુદ્ધતા, તેના સતત પુરવઠાને સુનિશ્ચિત કરવા માટે મહિલાઓને પ્રશિક્ષિત કરવાનું કામ પણ આખા દેશમાં ચાલી રહ્યું છે, પરંતુ મારી ઇચ્છા છે કે તેમાં ઝડપ લાવવી જરૂરી છે. અત્યાર સુધીમાં દેશભરમાં 7 લાખથી વધુ બહેનોને, દીકરીઓને તાલીમ આપવામાં આવી છે. પણ મારે આનો વ્યાપ પણ વધારવો છે, ઝડપ પણ વધારવી છે. આજે હું દેશભરની પંચાયતોને આગ્રહ કરું છું કે, જ્યાં આ વ્યવસ્થા હજુ સુધી નથી થઇ ત્યાં વહેલી તકે તેનો અમલ કરવામાં આવે.

ગુજરાતમાં લાંબા સમય સુધી હું મુખ્યમંત્રી રહ્યો અને મેં અનુભવ્યું છે કે જ્યારે મેં ગુજરાતમાં પાણીનું કામ મહિલાઓના હાથમાં સોંપ્યું, પછી ગામડાઓમાં પાણીની વ્યવસ્થાની ચિંતા મહિલાઓએ ખૂબ સારી રીતે કરી, કારણ કે પાણી ના હોવાનો અર્થ શું થાય એ મહિલાઓ વધારે સમજે છે. અને મોટી સંવેદનશીલતા સાથે, જવાબદારીપૂર્વક કામ કર્યું. અને આથી જ હું એ અનુભવના આધારે કહું છું કે, મારા દેશની તમામ પંચાયતો પાણીના આ કામમાં મહિલાઓને જેટલી વધુ સામેલ કરશે, જેટલી વધુ મહિલાઓની ટ્રેનિંગ કરશે, જેટલી વધુ મહિલાઓ પર વિશ્વાસ મૂકશે, હું કહું છું કે પાણીની સમસ્યાનો ઉકેલ એટલો જ જલ્દી આવશે, મારા શબ્દો પર ભરોસો કરો, અમારી માતાઓ અને બહેનોની શક્તિ પર ભરોસો કરો. આપણે ગામડામાં દરેક સ્તરે બહેનો અને દીકરીઓની ભાગીદારી વધારવાની છે, તેમને પ્રોત્સાહન આપવાનું છે.

ભાઇઓ તથા બહેનો,

ભારતની ગ્રામ પંચાયતો પાસે ફંડ્સ અને રેવેન્યુનું એક લોકલ મોડલ પણ હોવું જરૂરી છે. પંચાયતોના જે સંસાધન છે તેનો કોમર્શિયલી કેવી રીતે ઉપયોગ કરી શકાય, તે અંગે જરૂર પ્રયાસ થવો જોઇએ. હવે જ્યારે, કચરામાંથી કંચન, ગોબરધન યોજના કે પછી એમ કહો કે પ્રાકૃતિક ખેતીની યોજના. અને આ બધી જ ચીજોથી ધનની સંભાવના વધશે, નવા કોષ બનાવી શકાય છે. બાયોગેસ, બાયો-સીએનજી, જૈવિક ખાતર, આના માટે નાના નાના પ્લાન્ટ પણ લગાવવા જોઇએ, તેનાથી પણ ગામની આવક વધી શકે છે, તેના માટે કોશિશ કરવી જોઇએ. અને તેના માટે કચરાનું બહેતર મેનેજમેન્ટ જરૂરી છે.

હું આજે ગામડાના લોકોને, પંચાયતના લોકોને આગ્રહ કરું છુ કે, બીજા NGO સાથે મળીને અને સંગઠનો સાથે મળીને તમારે રણનીતિ બનાવવી પડશે, નવા નવા સંસાધનો વિકસાવવા પડશે. આટલું જ નહીં, આજે આપણા દેશમાં મોટાભાગના રાજ્યોમાં 50 ટકા બહેનો પ્રતિનિધિ છે. કેટલાક રાજ્યોમાં તે 33 ટકાથી વધુ પણ છે. હું ખાસ આગ્રહ કરીશ કે ઘરોમાંથી જે કચરો નીકળે છે, ભીનો અને સૂકો, તેને ઘરમાં જ અલગ રાખવાની આદત પાડવી જોઇએ. તેને અલગ કરો, તમે જુઓ એ પણ, તે કચરો તમારે ત્યાં સોનાની જેમ કામ કરવા લાગશે. મારે આ અભિયાન ગ્રામ્ય સ્તરે ચલાવવું છે અને હું આજે આખા દેશની પંચાયતોના લોકો મારી સાથે જોડાયા છે ત્યારે આ આગ્રહ કરવા માગું છું.

સાથીઓ,

પાણીનો સીધો સંબંધ આપણી ખેતી સાથે હોય છે, ખેતીનો સંબંધ આપણા પાણીની ગુણવત્તા સાથે પણ હોય છે. જે પ્રકારના કેમિકલ આપણે ખેતરોમાં નાંખીએ છીએ અને તેનાથી આપણી ધરતી માતાના આરોગ્યને ખરાબ કરી રહ્યા છીએ, તેનાથી આપણી માટી ખરાબ થઇ રહી છે. અને હવે પાણી, વરસાદનું પાણી પણ નીચે ઉતરે છે તો, તે કેમિકલ લઇને નીચે જાય છે અને એ જ પાણી આપણે પીએ છીએ, આપણા પશુઓ પીવે છે, આપણા નાના નાના બાળકો પીવે છે. બીમારીઓના મૂળ આપણે જ નાંખી રહ્યા છીએ અને આથી જ આપણે આપણી આ ધરતી માતાને કેમિકલ મુક્ત કરવી પડશે, કેમિકલ ફર્ટિલાઇઝરથી મુક્ત કરવી પડશે. અને આના માટે પ્રાકૃતિક ખેતી તરફ આપણા ગામડા, આપણા ખેડૂતો વધશે તો આખી માનવજાતને લાભ થશે. ગ્રામ પંચાયત સ્તરે કેવી રીતે પ્રાકૃતિક ખેતીને આપણે પ્રોત્સાહન આપી શકીએ, તેના માટે પણ સામુહિક પ્રયાસોની આવશ્યકતા છે.

ભાઇઓ તથા બહેનો,

પ્રાકૃતિક ખેતીનો સૌથી મોટો લાભ જો કોઇને થશે તો એ આપણા નાના ખેડૂત ભાઇઓ –બહેનોને થવાનો છે. તેમની વસતી દેશમાં 80 ટકા કરતા વધારે છે. જ્યારે ઓછા ખર્ચમાં વધુ નફો થશે તો આ નાના ખેડૂતોને ઘણું પ્રોત્સાહન મળશે. વિતેલા વર્ષોમાં કેન્દ્ર સરકારની નીતિઓથી આ નાના ખેડૂતોને સૌથી વધુ ફાયદો થયો છે. પીએમ કિસાન સન્માન નિધિથી હજારો કરોડ રૂપિયા આ નાના ખેડૂતને કામમાં આવી રહ્યા છે. કિસાન રેલના માધ્યમથી નાના ખેડૂતોના ફળો અને શાકભાજી પણ ઓછા ભાવે આખા દેશના મોટા બજારોમાં પહોંચી રહ્યા છે. FPO એટલે કે ખેડૂત ઉત્પાદક સંઘોની રચનાથી નાના ખેડૂતોને પણ ઘણી શક્તિ મળી રહી છે. આ વર્ષે ભારતે વિદેશમાં ફળો અને શાકભાજીની વિક્રમી નિકાસ કરી છે, આનો એક મોટો લાભ દેશના નાના ખેડૂતોને પણ મળી રહ્યો છે.

સાથીઓ,

ગ્રામ પંચાયતોએ સૌનો સાથ લઇને બીજું પણ એક કામ કરવું પડશે. કુપોષણથી, એનિમિયાથી, દેશને બચાવવાનું જે બીડું કેન્દ્ર સરકારે ઉપાડ્યું છે તેના માટે પાયાના સ્તરે જાગૃતિ લાવવી પણ જરૂરી છે. હવે સરકાર દ્વારા જે પણ યોજનાઓમાં ચોખા આપવામાં આવે છે તેને ફોર્ટિફાઇડ કરવામાં આવી રહ્યા છે, પોષણયુક્ત કરવામાં આવી રહ્યા છે. આ ફોર્ટિફાઇડ ચોખા સ્વાસ્થ્ય માટે કેટલા મહત્વપૂર્ણ છે તે અંગે જાગૃતિ ફેલાવવાની જવાબદારી આપણા સૌની છે. આઝાદીના અમૃત મહોત્સવમાં આપણે આપણી બહેનો- દીકરીઓ- બાળકોને કુપોષણ, એનિમિયાથી મુક્ત કરવાનો સંકલ્પ લેવાનો છે અને જ્યાં સુધી ઇચ્છિત પરિણામ મળે નહીં ત્યાં સુધી આપણને સિદ્ધિ નહીં મળે, આપણે માનવતાના આ કાર્યને છોડવાનું નથી. આપણે સતત પ્રયત્નશીલ રહેવાનું છે અને આપણે કુપોષણને આપણી ધરતી પરથી વિદાય આપવાની છે.

ભારતનો વિકાસ વોકલ ફોર લોકલ મંત્રમાં છુપાયેલો છે. ભારતની લોકશાહીના વિકાસની તાકાત પણ લોકલ ગવર્નન્સ જ છે. તમારા કામનો પરિઘ ભલે લોકલ હોય, પરંતુ તેનો સામૂહિક પ્રભાવ વૈશ્વિક થવાનો છે. લોકલની તાકાતને આપણે ઓળખવાની છે. તમે તમારી પંચાયતમાં જે પણ કામ કરશો, તેનાથી દેશની છબી નીખરે, દેશના ગામડાઓ વધારે સશક્ત થાય, એ જ મારી આજે પંચાયત દિવસ પર આપ સૌને શુભેચ્છા છે.

એકવાર ફરીથી જમ્મુ કાશ્મીરને વિકાસના કાર્યો માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દેશભરમાં લાખોની સંખ્યામાં ચૂંટાઇ આવેલા જનપ્રતિનિધિઓને કહેવા માંગુ છું કે, પંચાયત હોય કે પાર્લામેન્ટ, કોઇપણ કામ નાનું નથી હોતું. જો પંચાયતમાં બેસીને હું મારા દેશને આગળ લાવીશ, એ સંકલ્પથી પંચાયતને આગળ વધારીશું તો દેશને આગળ વધવામાં વાર નહીં લાગે. અને હું આજે પંચાયત સ્તરે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો ઉત્સાહ જોઇ રહ્યો છું, ઉંમગ જોઇ રહ્યો છું, સંકલ્પ જોઇ રહ્યો છું. મને પૂરો વિશ્વાસ છે કે, આપણી પંચાયતરાજ વ્યવસ્થા ભારતને નવી ઊંચાઇ પર લઇ જવા માટે એક સશક્ત માધ્યમ બનશે. અને એ શુભેચ્છાઓ સાથે હું આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ધન્યવાદ આપું છું.

મારી સાથે બંને હાથ ઊંચા કરીને પૂરી તાકાતથી બોલો-

ભારત માતાની – જય

ભારત માતાની – જય

ખૂબ ખૂબ આભાર!!

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1819736) Visitor Counter : 447