પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીને મુંબઈમાં એક સમારોહમાં લતા દીનાનાથ મંગેશકર એવૉર્ડ એનાયત


“પેઢીઓને પ્રેમ અને લાગણીની ભેટ આપનાર લતા દીદી પાસેથી બહેનનો પ્રેમ મેળવવો એનાથી મોટું સૌભાગ્ય શું હોઈ શકે”

“હું આ એવૉર્ડ તમામ દેશવાસીઓને સમર્પિત કરું છું. જેમ લતા દીદી લોકોનાં હતાં, તેમ તેમનાં નામે મને આપવામાં આવેલો આ એવૉર્ડ પણ લોકોનો છે”

"તેમણે આઝાદી પહેલાં ભારતને અવાજ આપ્યો હતો અને દેશનીઆ 75 વર્ષની સફર પણ તેમના અવાજ સાથે જોડાયેલી છે"

"લતાજીએ સંગીતની ઉપાસના કરી પરંતુ દેશભક્તિ અને રાષ્ટ્ર સેવાની પ્રેરણા પણ તેમનાં ગીતોથી મળી"

"લતાજી 'એક ભારત શ્રેષ્ઠ ભારત'નાં સુમધુર અભિવ્યક્તિ જેવાં હતાં"

“લતાજીના સૂરે આખા દેશને એક કરવાનું કામ કર્યું. વૈશ્વિક સ્તરે પણ તેઓ ભારતનાં સાંસ્કૃતિક રાજદૂત હતાં”

Posted On: 24 APR 2022 7:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મુંબઈમાં માસ્ટર દીનાનાથ મંગેશકર એવૉર્ડ સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીને પહેલો લતા દીનાનાથ મંગેશકર એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર, જે ભારત રત્ન લતા મંગેશકરની સ્મૃતિમાં સ્થાપિત કરવામાં આવ્યો છે, રાષ્ટ્ર નિર્માણમાં અનુકરણીય યોગદાન માટે દર વર્ષે વિશેષ રૂપે એક વ્યક્તિને આપવામાં આવશે.આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગત સિંહ કોશિયારી, મંગેશકર પરિવારના સભ્યો અને અન્યો હાજર રહ્યા હતા.

પ્રધાનમંત્રીએ એમ કહીને શરૂઆત કરી હતી કે તેમની પાસે સંગીતનું બહુ ઊંડું જ્ઞાન નથી, તેમ છતાં સાંસ્કૃતિક પ્રશંસા દ્વારા, એવું અનુભવાય છે કે સંગીત એક 'સાધના' અને લાગણી બંને છે. તેમણે આગળ કહ્યું “જે અવ્યક્તને વ્યક્ત કરે છે તે શબ્દ છે. જે વ્યક્તને શક્તિ અને ચેતનાથી ભરે છે તે છે 'નાદ'. અને જે સભાનતાને લાગણીઓ અને સંવેદનાઓથી ભરી દે છે અને તેને સર્જન અને સંવેદનશીલતાની ચરમસીમાએ લઈ જાય છે તે છે 'સંગીત'. સંગીત તમને વીરતા, માતૃત્વના સ્નેહથી ભરી શકે છે. તે દેશભક્તિ અને ફરજની ભાવનાનાં શિખર પર લઈ જઈ શકે છે."આપણે ભાગ્યશાળી છીએ કે સંગીતની આ ક્ષમતા અને તાકાત લતાદીદીનાં રૂપમાં જોવા મળી", તેમણે કહ્યું. વ્યક્તિગત નોંધ પર, શ્રી મોદીએ કહ્યું, "મારા માટે, લતાદીદી 'સૂર સામ્રાજ્ઞી' તેમજ મારાં મોટાં બહેન હતાં. પેઢીઓને પ્રેમ અને લાગણીની ભેટ આપનાર લતાદીદી પાસેથી બહેનનો પ્રેમ મળવો એનાથી મોટું સૌભાગ્ય શું હોઈ શકે," એમ તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ સામાન્ય રીતે પુરસ્કારો મેળવવામાં બહુ સહજ નથી હોતા પરંતુ જ્યારે મંગેશકર પરિવાર એવા એવૉર્ડ સાથે બોલાવે છે જે લતાદીદી જેવાં મોટાં બહેનનાં નામે છે, ત્યારે તે તેમના સ્નેહ અને પ્રેમનું પ્રતીક બની જાય છે.“મારા માટે આને ના કહેવું સહેજે શક્ય નથી. હું આ એવૉર્ડ તમામ દેશવાસીઓને સમર્પિત કરું છું. જેમ કે લતાદીદી લોકોનાં છે, તેમનાં નામે મને આપવામાં આવેલો આ એવૉર્ડ પણ લોકોનો છે,” એમ પ્રધાનમંત્રીએ કહ્યું. પ્રધાનમંત્રીએ ઘણા અંગત ટૂંકા પ્રસંગો વર્ણવ્યા હતા અને સાંસ્કૃતિક જગતમાં લતાદીદીનાં અમૂલ્ય યોગદાનની વિસ્તૃત છણાવટ કરી હતી. “લતાજીની શારીરિક યાત્રા એવા સમયે પૂર્ણ થઈ જ્યારે આપણો દેશ તેની સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. તેમણે આઝાદી પહેલા ભારતને અવાજ આપ્યો હતો અને આ 75 વર્ષની દેશની સફર પણ તેમના અવાજ સાથે સંકળાયેલી હતી”, એમ પ્રધાનમંત્રીએ કહ્યું.

પ્રધાનમંત્રીએ મંગેશકર પરિવારમાં દેશભક્તિના ગુણની વાત કરી. તેમણે કહ્યું હતું કે "ગીતની સાથે સાથે લતાદીદીમાં જે દેશભક્તિની ચેતના હતી, તેમના પિતા તેના સ્ત્રોત હતા."શ્રી મોદીએ તે ઘટનાનું વર્ણન કર્યું જ્યારે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન શિમલામાં બ્રિટિશ વાઈસરોયના એક કાર્યક્રમમાં વીર સાવરકર દ્વારા લખાયેલ ગીત દીનાનાથજીએ ગાયું હતું. આ ગીત વીર સાવરકરે અંગ્રેજ શાસનને પડકારતું લખ્યું હતું. દેશભક્તિની આ લાગણી દીનાનાથજી દ્વારા તેમના પરિવારને વારસામાં આપવામાં આવી હતી, એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. લતાજીએ સંગીતને પોતાની ઉપાસના બનાવી હતી પરંતુ દેશભક્તિ અને રાષ્ટ્ર સેવાની પ્રેરણા પણ તેમનાં ગીતો દ્વારા મળી હતી.

લતાદીદીની શાનદાર કારકિર્દીનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “લતાજી 'એક ભારત શ્રેષ્ઠ ભારત'નાં સુમધુર અભિવ્યક્તિ જેવાં હતાં. તેમણે30થી વધુ ભાષાઓમાં હજારો ગીતો ગાયાંહતાં. હિન્દી હોય, મરાઠી હોય, સંસ્કૃત હોય કે અન્ય ભારતીય ભાષા, તેમનો સૂર દરેક જગ્યાએ સમાન હતો. શ્રી મોદીએ ચાલુ રાખ્યું “સંસ્કૃતિથી વિશ્વાસ સુધી, પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધી, લતાજીનાં સ્વર-સૂરોએ સમગ્ર દેશને એક કરવાનું કામ કર્યું. વૈશ્વિક સ્તરે પણ તેઓ ભારતનાં સાંસ્કૃતિક રાજદૂત હતાં. તેઓ દરેક રાજ્યમાં, દરેક ક્ષેત્રમાં લોકોનાં મનમાં વસી ગયાં છે. તેમણે બતાવ્યું કે ભારતીયતા સાથે સંગીત કેવી રીતે અમર બની શકે છે, એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ આ પરિવારના પરોપકારી કાર્યોને પણ સ્પર્શ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત માટે વિકાસનો અર્થ છે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ. આ પ્રોજેક્ટમાં 'વસુધૈવ કુટુંબકમ' સૌનાં કલ્યાણની ફિલસૂફીનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે વિકાસની આવી કલ્પના માત્ર ભૌતિક ક્ષમતાઓ દ્વારા પ્રાપ્ત કરી શકાતી નથી. આ માટે આધ્યાત્મિક ચેતના ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી જ ભારત યોગ, આયુર્વેદ અને પર્યાવરણ જેવાં ક્ષેત્રોમાં નેતૃત્વ પ્રદાન કરી રહ્યું છે.“હું માનું છું કે આપણું ભારતીય સંગીત પણ ભારતનાં આ યોગદાનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ચાલો આપણે આ વારસાને એ જ મૂલ્યો સાથે જીવંત રાખીએ અને તેને આગળ ધપાવીએ અને તેને વિશ્વ શાંતિનું માધ્યમ બનાવીએ”, એમ પ્રધાનમંત્રીએ સમાપન કર્યું હતું.

 

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1819659) Visitor Counter : 149