પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કર્યો
WHOના ડીજીએ આ કેન્દ્રને સમર્થન આપવા બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો
વિશ્વના નેતાઓએ પરંપરાગત ઔષધિઓ માટેનાં વૈશ્વિક કેન્દ્રWHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન- માટે ભારતનો આભાર માન્યો
"WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન એ આ ક્ષેત્રમાં ભારતનાં યોગદાન અને સંભવિતતાની સ્વીકૃતિ છે"
"ભારત આ ભાગીદારીને સમગ્ર માનવ જાતિની સેવા માટે એક મોટી જવાબદારી તરીકે લે છે"
"જામનગરનાં સુખાકારી માટેનાં યોગદાનને WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સાથે વૈશ્વિક ઓળખ મળશે"
"આપણી ધરતી આપણું સ્વાસ્થ્ય' સૂત્ર આપીને WHOએ 'એક ધરતી, આપણું સ્વાસ્થ્ય'નાં ભારતીય વિઝનને પ્રોત્સાહન આપ્યું છે"
“ભારતની પરંપરાગત દવા પદ્ધતિ માત્ર સારવાર સુધી મર્યાદિત નથી. તે જીવનનું સર્વગ્રાહી વિજ્ઞાન છે"
Posted On:
19 APR 2022 6:43PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રીએ આજે જામનગરમાં મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ કુમાર જુગનાથ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલડો. ટેડ્રોસ ગેબ્રેયેસસની ઉપસ્થિતિમાં WHOનાગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) નો શિલાન્યાસ કર્યો હતો. GCTM સમગ્ર વિશ્વમાં પરંપરાગત ઔષધિઓ માટેનું પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક બાહ્ય કેન્દ્ર હશે. તે વૈશ્વિક સુખાકારીના આંતરરાષ્ટ્રીય હબ તરીકે ઉભરી આવશે. આ પ્રસંગે બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળના પ્રધાનમંત્રીઓ અને માલદીવના રાષ્ટ્રપતિના વીડિયો સંદેશા રજૂ કરાયા હતા. કેન્દ્રીય મંત્રીઓ ડૉ.મનસુખ માંડવિયા, શ્રી સર્બાનંદ સોનોવાલ, શ્રી મુંજપરા મહેન્દ્રભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ ગેબ્રેયસસે જામનગરમાં ડબ્લ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના માટે તમામ સમર્થન આપવા બદલ પ્રધાનમંત્રી શ્રી મોદીનો આભાર માન્યો હતો. ડીજીએ કેન્દ્રને સાચા અર્થમાં વૈશ્વિક પ્રોજેક્ટ તરીકે ગણાવ્યું હતું કેમ કે WHOના 107સભ્ય દેશો પાસે દેશ વિશિષ્ટ સરકારી કચેરીઓ છે જેનો અર્થ એ છે કે પરંપરાગત દવામાં ભારતનાં નેતૃત્વ માટે વિશ્વ ભારત આવશે.તેમણે કહ્યું કે પરંપરાગત દવાઓનાં ઉત્પાદનો વૈશ્વિક સ્તરે વિપુલ પ્રમાણમાં છે અને આ કેન્દ્ર પરંપરાગત દવાઓનાં વચનને ફળીભૂત કરવા માટે ખૂબ આગળ વધશે. વિશ્વના ઘણા પ્રદેશો માટે પરંપરાગત દવા પ્રથમ હરોળની સારવાર છે. આ નવું કેન્દ્ર ડેટા, નવીનતા અને ટકાઉપણાં પર ધ્યાન કેન્દ્રિત કરશે અને પરંપરાગત દવાઓના ઉપયોગને શ્રેષ્ઠ બનાવશે, એમ તેમણે ઉમેર્યું. કેન્દ્રનાં પાંચ મુખ્ય ક્ષેત્રો સંશોધન અને નેતૃત્વ, પુરાવા અને શિક્ષણ, ડેટા અને વિશ્લેષણ, ટકાઉપણું અને સમાનતા અને નવીનતા અને ટેકનોલોજી હશે, એમ ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસસે કહ્યું હતું.
મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ કુમાર જુગનાથે પણ આ પ્રસંગ સાથે મોરેશિયસને સાંકળવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. તેમણે વિવિધ સંસ્કૃતિઓમાં સ્વદેશી તબીબી પ્રણાલી અને હર્બલ ઉત્પાદનોનાં મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.તેમણે કહ્યું કે આ કેન્દ્રની સ્થાપના માટે અત્યારથી વધુ તકનો સમય બીજો ન હોઈ શકે. તેમણે આ કેન્દ્રની સ્થાપનામાં નેતૃત્વ લેવામાં પ્રધાનમંત્રી મોદીનાં વ્યક્તિગત યોગદાનને રેખાંકિત કર્યું હતું. "આ ઉદાર યોગદાન માટે અમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી, ભારત સરકાર અને ભારતીય લોકોના અત્યંત આભારી છીએ", એમ શ્રી પ્રવિંદ કુમાર જુગનાથે કહ્યું હતું. તેમણે 1989થી મોરેશિયસમાં આયુર્વેદને મળેલી કાયદાકીય માન્યતાની વિગતો પણ આપી હતી. તેમણે જામનગરમાં આયુર્વેદિક ચિકિત્સાનો અભ્યાસ કરવા માટે મોરેશિયસના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા બદલ ગુજરાતનો આભાર પણ માન્યો હતો.
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ ડો. ટેડ્રોસ ગેબ્રેયેસસનો તેમના ઉમદા શબ્દો માટે આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસસનું ભારત સાથેનું જોડાણ અને WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ના પ્રોજેક્ટમાં તેમની વ્યક્તિગત સામેલગીરી વિશે નોંધ લીધી હતી. તેમણે કહ્યું કે તેમનો સ્નેહ WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના આકારમાં પ્રગટ થયો છે. પ્રધાનમંત્રીએ ડીજીને ખાતરી આપી હતી કે ભારત પાસેથી તેમની અપેક્ષાઓને પૂરી કરવામાં આવશે.
પ્રધાનમંત્રીએ મોરિશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ કુમાર જુગનાથ અને તેમના પરિવાર સાથે ત્રણ દાયકાનાં લાંબા જોડાણને પણ પ્રકાશિત કર્યું હતું અને તેમના શબ્દો અને હાજરી માટે તેમનો આભાર માન્યો હતો. શ્રી મોદીએ એ નેતાઓનો પણ આભાર માન્યો જેમના વીડિયો સંદેશાઓ ચલાવવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે "WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન એ આ ક્ષેત્રમાં ભારતનાં યોગદાન અને સંભવિતતાની માન્યતા છે". તેમણે વધુમાં જાહેર કર્યું કે "ભારત આ ભાગીદારીને સમગ્ર માનવ જાતિની સેવા કરવાની એક મોટી જવાબદારી તરીકે લે છે."
ડબ્લ્યુએચઓ સેન્ટરનાં સ્થળ પર ખુશી વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે "જામનગરનાં સ્વાસ્થ્ય માટેનાં યોગદાનને WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સાથે વૈશ્વિક ઓળખ મળશે."શ્રી મોદીએ જણાવ્યું હતું કે પાંચ દાયકા કરતાં પણ વધુ સમય પહેલાં જામનગરમાં વિશ્વની પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. આ શહેર આયુર્વેદમાં શિક્ષણ અને સંશોધન સંસ્થામાં ગુણવત્તાયુક્ત આયુર્વેદિક સંસ્થા ધરાવે છે.
પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે આપણું અંતિમ લક્ષ્ય સુખાકારી પ્રાપ્ત કરવાનું હોવું જોઈએ. તેમણે કહ્યું કે રોગમુક્ત રહેવું એ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ હોઈ શકે છે પરંતુ અંતિમ લક્ષ્ય સુખાકારી હોવું જોઈએ. સુખાકારીનું મહત્વ, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહામારીના સમયગાળા દરમિયાન ઉત્સુકતાપૂર્વક અનુભવાયું હતું. “વિશ્વ આજે આરોગ્ય સંભાળ વિતરણનાં નવાં પરિમાણની શોધમાં છે. મને આનંદ છે કે 'એક ધરતી,આપણું સ્વાસ્થ્ય' સૂત્ર આપીને WHOએ 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય'નાં ભારતીય વિઝનને પ્રોત્સાહન આપ્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, "ભારતની પરંપરાગત દવા પદ્ધતિ માત્ર સારવાર સુધી મર્યાદિત નથી. તે જીવનનું સર્વગ્રાહી વિજ્ઞાન છે." આયુર્વેદ માત્ર ઉપચાર અને સારવારથી આગળ વધે છે, એમ શ્રી મોદીએ હતું અને છણાવટ કરી કે આયુર્વેદમાં, ઉપચાર અને સારવાર ઉપરાંત; સામાજિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય-સુખ, પર્યાવરણીય સ્વાસ્થ્ય, સહાનુભૂતિ, કરૂણા અને ઉત્પાદકતાનો સમાવેશ થાય છે."આયુર્વેદને જીવનનાં જ્ઞાન તરીકે લેવામાં આવે છે અને તેને પાંચમો વેદ માનવામાં આવે છે", એમ શ્રી મોદીએ કહ્યું. સારાં સ્વાસ્થ્યનો સીધો સંબંધ સંતુલિત આહાર સાથે છે, એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. તેમણે સમજાવ્યું કે આપણાં પૂર્વજો આહારને સારવારનો અડધો ભાગ માનતા હતા અને આપણી તબીબી પ્રણાલીઓ આહારની સલાહ સાથે પરિતૃપ્ત કરવામાં આવે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત માટે એ ખૂબ જ ગર્વની વાત છે કે સંયુક્ત રાષ્ટ્રો દ્વારા 2023ને બાજરીનાં આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ પગલું માનવ જાતિ માટે ફાયદાકારક સાબિત થશે.
પ્રધાનમંત્રીએ વૈશ્વિક સ્તરે આયુર્વેદ, સિદ્ધ, યુનાની ફોર્મ્યુલેશનની વધતી માગની નોંધ લીધી હતી કારણ કે ઘણા દેશો મહામારીનો મુકાબલો કરવા માટે પરંપરાગત દવાઓ પર ભાર મૂકે છે.તેવી જ રીતે, યોગ વિશ્વભરમાં લોકપ્રિય થઈ રહ્યું છે. શ્રી મોદીએ ધ્યાન દોર્યું કે યોગ ડાયાબિટીસ, સ્થૂળતા અને ડિપ્રેશન જેવા રોગો સામે લડવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. યોગ લોકોને માનસિક તણાવ ઘટાડવા અને મન-શરીર અને ચેતનામાં સંતુલન શોધવામાં પણ મદદ કરે છે.
પ્રધાનમંત્રીએ આ નવાં કેન્દ્ર માટે પાંચ લક્ષ્યો નિર્ધારિત કર્યા છે. પ્રથમ, ટેકનોલોજીનો ઉપયોગ કરીને પરંપરાગત જ્ઞાન પ્રણાલીનો ડેટાબેઝ બનાવવો; બીજું, GCTM પરંપરાગત દવાઓનાં પરીક્ષણ અને પ્રમાણપત્ર માટે આંતરરાષ્ટ્રીય ધોરણો બનાવી શકે છે જેથી કરીને આ દવાઓમાં વિશ્વાસ વધે. ત્રીજું, GCTM એ એક પ્લેટફોર્મ તરીકે વિકસિત થવું જોઈએ જ્યાં પરંપરાગત દવાઓના વૈશ્વિક નિષ્ણાતો સાથે આવે અને અનુભવો શેર કરે. તેમણે આ કેન્દ્રને વાર્ષિક પરંપરાગત દવા ઉત્સવની શક્યતા ચકાસવા માટે પણ કહ્યું હતું. અંતે, GCTMએ ચોક્કસ રોગોની સર્વગ્રાહી સારવાર માટે પ્રોટોકોલ વિકસાવવા જોઈએ જેથી દર્દીઓ પરંપરાગત અને આધુનિક દવાઓ બંનેમાંથી લાભ મેળવી શકે.
શ્રી મોદીએ 'વસુધૈવ કુટુમ્બકમ'ની ભારતીય વિભાવનાનો ઉલ્લેખ કર્યો અને સમગ્ર વિશ્વ હંમેશા સ્વસ્થ રહે તેવી પ્રાર્થના કરી. તેમણે કહ્યું કે WHO-GCTMની સ્થાપના સાથે આ પરંપરા વધુ સમૃદ્ધ થશે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1818168)
Visitor Counter : 432
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam