પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

કેન્દ્ર સરકારના બજેટ-2022ની આરોગ્ય ક્ષેત્ર ઉપર હકારાત્મક અસર અંગે વેબીનારને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 26 FEB 2022 2:06PM by PIB Ahmedabad

નમસ્કારજી,

મંત્રીમંડળના મારા સહયોગી, સમગ્ર દેશના જાહેર અને ખાનગી ક્ષેત્રના આરોગ્ય સાથે જોડાયેલા તમામ પ્રોફેશનલ્સ, પેરામેડિકસ, નર્સિંગ, હેલ્થ મેનેજમેન્ટ, ટેકનોલોજી અને સંશોધન સાથે જોડાયેલા  તમામ મહાનુભવો, દેવીયો અને સજ્જનો !

સૌ પ્રથમ તો આપ સૌને,  દુનિયાનુ સૌથી મોટું  રસીકરણ અભિયાન  સફળતાપૂર્વક ચલાવવા માટે 130 કરોડ દેશવાસીયો તરફથી આપને હું ખૂબ ખૂબ અભિનંદન  પાઠવુ છું. વ્યવસ્થા પધ્ધતિ કેટલી કાર્યક્ષમ છે છે એને કેવી રીતે મિશનલક્ષી છે તે બાબત સમગ્ર દુનિયા સામે સુસ્થાપિત કરી છે.

સાથીઓ,

આ બજેટ વિતેલા 7 વર્ષમાં હેલ્થકેર સિસ્ટમમાં સુધારા કરવાના અને પરિવર્તન લાવવા માટેના આપણાં પ્રયાસોનું વિસ્તરણ કરી રહ્યું છે અને બજેટ શાસ્ત્રના જે જાણકાર લોકો છે તે એ બાબતનો અનુભવ કરી રહ્યા હશે કે પ્રથમ દિવસથી જ આપણું બજેટ હોય કે આપણી નીતિઓ હોય, તેમાં એક સાતત્ય અને પ્રગતિશીલ પરિબળ છે. આપણે આપણી આરોગ્ય વ્યવસ્થામાં એક સમગ્રલક્ષી અભિગમ અપનાવ્યો છે. આજ આપણું ધ્યાન આરોગ્ય પર તો છે જ, સાથે સાથે વેલનેસ ઉપર પણ તેટલું જ વધારે છે. આપણે માંદગી માટે જવાબદાર પરિબળો દૂર કરવા અને વેલનેસ માટે લોકોને પ્રોત્સાહિત કરીને તથા બિમારીની સ્થિતિમાં ઈલાજને સમાવેશી બનાવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. એટલા માટે સ્વચ્છ ભારત અભિયાન હોય કે પછી ફીટ ઈન્ડિયા મિશન હોય, પોષણ મિશન હોય કે મિશન ઈન્દ્રધનુષ હોય, આયુષમાન ભારત હોય કે પછી જલ જીવન મિશન હોય, આવા તમામ પ્રયાસોને આપણે વધુને વધુ લોકો સુધી લઈ જવાના છે.

સાથીઓ,

આપણે જ્યારે આરોગ્ય ક્ષેત્રમાં સમગ્રલક્ષિતા અને સમાવેશિતાની વાત કરીએ છીએ ત્યારે આપણે તેમાં ત્રણ પરિબળોનો સમાવેશ કરી રહ્યા છીએ. પ્રથમ છે- આધુનિક મેડિકલ સાથે જોડાયેલી માળખાકિય સુવિધાઓ અને માનવસ્રોતોનું વિસ્તરણ. બીજુ છે- આયુષ જેવી પરંપરાગત ભારતીય સારવાર પધ્ધતિઓમાં સંશોધનને પ્રોત્સાહન તથા આરોગ્ય વ્યવસ્થામાં તેનું સક્રિય જોડાણ અને ત્રીજું છે- આધુનિક અને ભવિષ્યલક્ષી ટેકનોલોજીના માધ્યમથી દેશના દરેક વ્યક્તિ, દરેક ક્ષેત્ર સુધી એક બહેતર અને પોસાય તેવી આરોગ્ય સુવિધાઓ પહોંચી શકે તે માટે અમે આરોગ્ય ક્ષેત્રના બજેટમાં ઘણો વધારો કર્યો છે.

સાથીઓ,

આપણે ભારતમાં આરોગ્ય ક્ષેત્ર અંગેની એક એવી માળખાકિય સુવિધા બનાવવા ઈચ્છીએ છીએ કે જે માત્ર મોટા શહેરો સુધી સિમીત ના હોય અને તમે જોયું હશે કે આ વિષય બાબતે હું દુનિયા સમક્ષ સતત વાત કરતો જ રહ્યો છું. ખાસ કરીને કોરોના પછી હું કહી રહ્યો છું કે વન અર્થ, વન હેલ્થની ભાવનાને આપણે ભારતમાં વન ઈન્ડિયા, વન હેલ્થ મિશન એટલે કે દૂર દૂરના ક્ષેત્રો સુધી સમાન વ્યવસ્થા વિકસીત કરવાની છે. આપણો પ્રયાસ એવો રહેશે કે મહત્વની આરોગ્ય સુવિધાઓ બ્લોક સ્તરે જ ઉપલબ્ધ થાય, જીલ્લા સ્તરે પણ હોય, ગામડાંની નજીક પણ હોય. આ પ્રકારની માળખાકીય સુવિધાઓને જાળવી રાખવી અને સમયે સમયે તેને અપગ્રેડ કરવી ખૂબ જરૂરી છે. તે માટે ખાનગી ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રોએ પણ વધુ ઉર્જા સાથે આગળ આવવાનું રહેશે.

સાથીઓ,

બહેતર  નીતિની સાથે સાથે તેનું અમલીકરણ પણ ઘણું જરૂરી બની રહે છે. એટલા માટે એ જરૂરી બની રહે છે કે જે લોકો નીતિનો પાયના સ્તરે અમલ કરે છે તેમની ઉપર વધુ ધ્યાન આપવામાં આવે. તે માટે અમે આ બજેટમાં બે લાખ આંગણવાડીઓને સક્ષમ આંગણવાડી તરીકે અપગ્રેડ કરીને તેને  વધુ સશક્ત બનાવવા માટેની જોગવાઈ કરી છે. આ વાત પોષણ 2.0ને પણ લાગુ પડે છે.

સાથીઓ,

પ્રાથમિક આરોગ્ય નેટવર્કને સશક્ત બનાવવા માટે દોઢ લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના નિર્માણની કામગીરી પણ ઝડપથી ચાલી રહી છે. અત્યાર સુધી 85 હજારથી વધુ કેન્દ્રો રૂટિન ચેક-અપ, રસીકરણ અને ટેસ્ટ કરવાની સુવિધા આપી રહ્યા છે. આ વખતે બજેટમાં તેમાં માનસિક હેલ્થ કેર માટેની સુવિધાને પણ જોડવામાં આવી છે અને તેને વધુને વધુ લોકો સુધી કેવી રીતે પહોંચાડી શકાય, જાગૃતિમાં વધારો કઈ રીતે થઈ શકે તે માટે આપણે સૌએ સાથે મળીને આપણાં પ્રયાસોને આગળ ધપાવવા જોઈએ.

સાથીઓ,

આરોગ્યની બહેતર માળખાકિય સુવિધાઓ એ માત્ર સુવિધા જ નથી, પણ તેનાથી હેલ્થ સર્વિસની માંગ પણ વધે છે, જે રોજગારીમાં વધારો કરવા માટેનું ઘણું મોટું માધ્યમ છે. વિતેલા વર્ષોમાં જેમ જેમ આરોગ્ય સુવિધાઓની માંગ વધતી ગઈ તે મુજબ આપણે કુશળ હેલ્થ પ્રોફેશનલ્સ તૈયાર કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ. એટલા માટે બજેટમાં આરોગ્ય શિક્ષણ અને આરોગ્ય સાથે જોડાયેલા માનવ સ્રોતોના વિકાસ માટે ગયા વર્ષની તુલનામાં બજેટમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. તબીબી શિક્ષણ સાથે જોડાયેલા સુધારા અને મેડિકલ કોલેજોના નિર્માણ સાથે જોડાયેલી આપણી કટિબધ્ધતાથી આપ સૌ સારી રીતે પરિચીત છો.  ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ સુધારાને કેવી રીતે આગળ વધારી શકાય, તબીબી શિક્ષણની ગુણવત્તાને કેવી રીતે સુધારી શકાય, વધુ સમાવેશી અને પોસાય તેવી કેવી રીતે બનાવી શકાય તેના માટે તમારા લોકો તરફથી કેટલાક નક્કર પગલાં એક નિશ્ચિત સમય સીમાની અંદર લેવાવા જોઈએ.

સાથીઓ,

આરોગ્ય સાથે જોડાયેલા આપણાં ઉદ્દેશો, બાયોટેકનોલોજી સાથે જોડાયેલું સંશોધન, દવાઓ અને તબીબી ઉપકરણોમાં આત્મનિર્ભરતા વગર હાંસલ થઈ શકે તેમ નથી. કોરોના કાળમાં આપણે એ અનુભવ કર્યો છે કે જૈનરિક, બલ્ક ડ્રગ્ઝ, રસી અને બાયો સિમિલરના ક્ષેત્રમાં વિકાસની સંભાવનાઓ આપણે હાંસલ કરવાની છે. એટલા માટે અમે તબીબી ઉપકરણો અને દવાઓના કાચા માલ માટે પીએલઆઈ સ્કીમ શરૂ કરી છે.

સાથીઓ,

કોરોના રસીકરણમાં કોવિડ જેવા પ્લેટફોર્મના માધ્યમથી આપણી ટેકનોલોજીનું સામર્થ્ય સમગ્ર દુનિયાએ સ્વિકાર્યું છે. આયુષમાન ભારત, ડીજીટલ મિશન, ગ્રાહક અને હેલ્થ કેર પ્રોવાઈડર વચ્ચે એક આસાન સંપર્ક ઉપલબ્ધ કરે છે. તેનાથી દેશમાં સારવાર મેળવવી અને આપવી તે બંને ખૂબ જ આસાન બની રહેશે. આટલું જ નહીં ભારતની આ ગુણવત્તાયુક્ત અને પોસાય તેવી આરોગ્ય વ્યવસ્થાથી વૈશ્વિક સ્તરે સંપર્ક પણ આસાન થઈ જશે. તેનાથી મેડિકલ ટુરિઝમમાં વધારો થશે અને દેશવાસીઓ માટે આવકની તકોમાં વધારો થશે. આ વર્ષના બજેટમાં આ મિશનને સશક્ત બનાવવા માટે આયુષમાન ભારત, ડીજીટલ મિશનના નામે એક ખૂલ્લા પ્લેટફોર્મની વાત કરવામાં આવી છે. આ પ્રકારના નવા કદમોના વ્યાપ અને અસર અંગે આપણે ગંભીરતાપૂર્વક ચર્ચા કરવી પડશે.

સાથીઓ,

કોરોના કાળમાં રિમોટ હેલ્થકેર, ટેલિ મેડિસીન, ટેલિ કન્સલ્ટેશન, આશરે અઢી કરોડ દર્દીઓ માટે ઉપાય બનીને આવ્યું હતું. શહેરી અને ગ્રામીણ ભારતમાં આરોગ્ય સેવાઓની પ્રાપ્તિ અંગેના અંતરને ઓછુ કરવામાં આ ટેકનોલોજી ઘણી કામમાં આવી શકે છે. હવે તો આપણે દેશના દરેક ગામમાં ફાયબર નેટવર્ક પહોંચાડી રહ્યા છીએ. 5G ટેકનોલોજીના આગમનને પણ હવે વધુ વાર નથી. 5G ટેકનોલોજીના ઉપયોગથી રિમોટ હેલ્થકેરને જમીની સ્તરે લાવવા માટે આપણે ખાનગી સેક્ટરની ભાગીદારી વધારવી જોઈએ. આપણાં ગામોમાં જેટલા દવાખાના છે, આયુષ સેન્ટર્સ છે તેને આપણે શહેરોની ખાનગી અને જાહેર હોસ્પિટલો સાથે કેવી રીતે જોડી શકીએ, રિમોટ હેલ્થ કેર અને ટેલિ કન્સલ્ટેશનનું કેવી રીતે વિસ્તરણ કરી શકીએ તે બાબતે પણ તમારા સૂચનોની અમને પ્રતિક્ષા રહેશે. ડ્રોન ટેકનોલોજીનો હેલ્થ કેર ક્ષેત્રમાં વધુમાં વધુ ઉપયોગ થાય તેવી સ્થિતિ વધારવા માટે હેલ્થ કેર સેક્ટર સાથે જોડાયેલી ખાનગી કંપનીઓએ પણ આગળ આવવું પડશે.

સાથીઓ,

આયુષની ભૂમિકા તો આજે સમગ્ર દુનિયા પણ જોઈ રહી છે, આપણાં માટે તો ગર્વની બાબત છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા પણ ભારતમાં પોતાની એક માત્ર ગ્લોબલ સેન્ટર ઓફ ટ્રેડિશનલ મેડિસીન શરૂ કરી રહી છે. હવે એ આપણા બધા ઉપર નિર્ભર છે કે પોતાના માટે અને દુનિયા માટે પણ આપણે આયુષના બહેતર ઉપાયો કેવી રીતે તૈયાર કરીએ. કોરોનાના આ કાલખંડમાં આરોગ્ય અને ફાર્મા ક્ષેત્ર બાબતે ભારતના સામર્થ્યનો સમગ્ર દુનિયાને પરિચય પણ કરાવવાનો છે અને એટલા માટે આપણે વેબીનારની ટાઈમલાઈન સાથે જરૂરી એક્શન પ્લાન પણ બહાર આવશે તો હું સમજું છું કે  તે ઘણી મોટી સેવા થશે. હું તમને વધુ એક બાબત જણાવવા માંગુ છું. ખાસ કરીને ખાનગી ક્ષેત્રના સાથીઓને કહેવા માંગુ છું કે આજે આપણાં બાળકો અભ્યાસ માટે અને ખાસ કરીને તબીબી શિક્ષણ માટે દુનિયાના નાના નાના દેશોમાં જઈ રહ્યા છે. ત્યાં ભાષાની પણ સમસ્યા છે, તો પણ જઈ રહ્યા છે. દેશના અબજો રૂપિયા બહાર જઈ રહયા છે. શું આપણું ખાનગી ક્ષેત્ર ખૂબ મોટાપાયે આ ક્ષેત્રમાં આવી શકે નહીંશું આપણી રાજ્ય સરકારો આ પ્રકારના કામ માટે જમીનો આપવાની ઉમદા નીતિ બનાવી શકે તેમ છેકે જેથી આપણે ત્યાં વધુમાં વધુ ડોક્ટરો તૈયાર થાય, પેરામેડિક્સ  તૈયાર થાય. અને આટલું જ નહીં આપણે દુનિયાની માંગ પણ પૂરી કરી શકીએ તેમ છીએ. આપણાં ડોક્ટરોએ વિતેલા 4 થી 5 દાયકામાં સમગ્ર દુનયામાં ભારતની આબરૂમાં વધારો કર્યો છે. ભારતના ડોક્ટરો જ્યાં પણ ગયા છે ત્યાં તેમણે તે દેશના દિલ જીતી લીધા છે. ભારતના ડોક્ટરોની પ્રતિભાને વિશ્વનો સામાન્યમાં સામાન્ય નાગરિક સારી માને છે. આનો અર્થ એ થાય કે આપણું બ્રાન્ડીંગ થઈ ચૂક્યું છે અને હવે આપણે દેશમાં યોગ્ય લોકોને તૈયાર કરવામાં ઝડપ લાવવાની છે. તેવી જ રીતે દુનિયાની સૌથી મોટી આપણી હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ, હું તેને હેલ્થ ઈન્સ્યોરન્સ સ્કીમ કહેતો નથી અને તે આયુષમાન ભારત એક ખાત્રીપૂર્વકની આવક છે. ભારત સરકારે વીમો લીધેલો છે. તમારી હોસ્પિટલ જો મોટી બની જાય અને ગરીબ વ્યક્તિ ત્યાં આવશે તો તેની ચૂકવણી ભારત સરકારની વ્યવસ્થા દ્વારા થવાની છે. પૈસાના કારણે ગરીબો નહીં આવે તેવી સ્થિતિ હવે તમને જોવા નહીં મળે. શું મારા ખાનગી ક્ષેત્રના લોકો વર્ગ-2 અને વર્ગ-3ના શહેરોમાં માળખાકિય સુવિધાઓ માટે આગળ આવશે? આયુષમાન ભારત યોજનાના જે દર્દીઓ છે તેમના માટે ખાસ સુવિધાઓ વિકસીત થાય, તમને આવકની કોઈ સમસ્યા નહીં નડે. તમારા મૂડીરોકાણનું વળતર મળશે, આનો અર્થ એ થાય કે ઘણી બધી યોજનાઓ છે અને આ પ્રકારના કામોમાં પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપને આપણાં દેશના આરોગ્ય ક્ષેત્રને મજબૂત બનાવી શકે તેમ છે. અને તમે જોયું હશે કે આપણાં આયુર્વેદે ઘણી મોટી પ્રતિષ્ઠા હાંસલ કરી છે. ખાસ કરીને કોરોનાના કાલખંડમાં આપણી જે હર્બલ પ્રોડક્ટ છે તેની નિકાસ આજે દુનિયામાં ઘણી વધી છે. આનો અર્થ એ છે કે તે તરફ આકર્ષણ વધ્યું છે. આપણે સૌ સાથે મળીને આ યોજનાઓને કેવી રીતે આગળ લઈ જઈશુંહું ઈચ્છીશ કે ખૂલ્લા મનથી ભારતને નેતૃત્વની ભૂમિકા બજાવવા માટે તૈયાર કરવા તમે આગળ આવો. માત્ર બજેટના આંકડાઓથી કામ થવાનું નથી. આપણે બજેટને એક મહિના પહેલાં રજૂ કર્યું છે. આવું શા માટે કર્યું છે?    કારણ કે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં બજેટની તમામ જોગવાઈઓ માટે યોજનાઓ તૈયાર કરવામાં આપણને અનુકૂળતા ઉભી થાય.

1 એપ્રિલથી આપણું નવુ બજેટ વાસ્તવિક રીતે જમીન પર કામ કરતું થઈ જશે, તેથી આપણે ઓછા સમયમાં વધુમાં વધુ પરિણામ મળે તે રીતે આગળ વધવાનું છે. હું આપ સૌને આગ્રહપૂર્વક અનુરોધ કરૂં છું કે આજની આ ચર્ચાને જીવંત બનાવો અને સરકાર તરફથી હું વધુ ભાષણબાજી કરવાના પક્ષમાં નથી. મારે તો નક્કરપણે તમને સાંભળવા છે, કારણ કે અમલીકરણમાં ક્યારેક એકાદ બાબત ચૂકી જવાય છે ત્યારે 6- 6 મહિના સુધી ફાઈલો ફરતી રહે છે. આ ચર્ચામાં આ પ્રકારની ભૂલો ઓછામાં ઓછી થશે. ખૂબ સરળતા સાથે આ બાબતોનો અમલ કરવાનો છે. ઘણી બધી બાબતોમાં આપણાં અધિકારીઓને, આપણી સિસ્ટમને તમારી પાસેથી સારામાં સારૂં માર્ગદર્શન મળે કે જેથી આપણે આ બાબતો લાગુ કરી શકીએ. હું ઈચ્છા રાખું છું કે આજે જ્યારે દુનિયામાં  આ સંકટે આરોગ્ય અંગેના પ્રતિભાવનું મહત્વ ઘણું મોટું બનાવી દીધુ છે ત્યારે આપણે વધુ ધ્યાન આપવાની જરૂર છે.

આપ સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

ધન્યવાદ!

 

SD/GP/MR

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1801745) Visitor Counter : 337