સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

સાર્વત્રિક રસીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરો: ડૉ. મનસુખ માંડવિયાએ ઇન્ટેન્સિફાઇડ મિશન ઇન્દ્રધનુષ (IMI) 4.0નો શુભારંભ કર્યો


“ભારત વિશ્વમાં સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ચલાવી રહ્યું છે”

“આરોગ્ય સંભાળ કાર્યકરો મુશ્કેલ સંજોગોમાં અને કઠોર પ્રદેશોમાં રસીકરણ કરીને રાષ્ટ્રને મોટી સેવા પૂરી પાડે છે”

સાર્વત્રિક રસીકરણના ધ્યેયને હાંસલ કરવા માટે આપણને સબકા પ્રયાસ અને જન લોક ભાગીદારીની જરૂર છે- ડૉ. મનસુખ માંડવિયા

Posted On: 07 FEB 2022 1:19PM by PIB Ahmedabad

"ભારત વૈશ્વિક સ્તરે સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ અમલમાં મૂકી રહ્યું છે જ્યાં અમે વાર્ષિક 3 કરોડથી વધુ ગર્ભવતી મહિલાઓ અને 2.6 કરોડ બાળકોને યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (UIP) દ્વારા આવરી લઈએ છીએ". કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ​​રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય અધિકારીઓની હાજરીમાં ઇન્ટેન્સિફાઇડ મિશન ઇન્દ્રધનુષ (IMI) 4.0 વર્ચ્યુઅલ રીતે લોન્ચ કરતી વખતે આમ જણાવ્યું હતું. આસામના આરોગ્ય મંત્રી શ્રી કેશબ મહંતા અને ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.

ઇન્ટેન્સિફાઇડ મિશન ઇન્દ્રધનુષ 4.0ના ત્રણ રાઉન્ડ હશે અને તે દેશના 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 416 જિલ્લાઓમાં (આઝાદી કા અમૃત મહોત્સવ માટે ઓળખવામાં આવેલા 75 જિલ્લાઓ સહિત)માં હાથ ધરવામાં આવશે. પ્રથમ રાઉન્ડમાં (ફેબ્રુઆરી-એપ્રિલ 2022), 11 રાજ્યો IMI 4.0નું સંચાલન કરશે. આ રાજ્યો છે આસામ, ઉત્તરાખંડ, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, સિક્કિમ, ત્રિપુરા અને છત્તીસગઢ. અન્ય (22 રાજ્યો) એપ્રિલથી મે 2022 દરમ્યાન રાઉન્ડ્સ યોજશે. આ રાજ્યો/કેન્દ્ગ શાસિત પ્રદેશોમાં હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, મણિપુર, અરૂણાચલ પ્રદેશ, ઓડિશા, બિહાર, પુડુચેરી, દિલ્હી, પંજાબ, ગોવા, તમિલનાડુ, હરિયાણા, તેલંગણા, ઝારખંડ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, કેરળ, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ.

આ પ્રસંગે, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ અગ્રહરોળના રસીકરણ કરનારાઓની પ્રતિબદ્ધતા અને સમર્પણને સલામ કરી હતી જેઓ સૌથી દૂરનાં ગામડાઓ અને ઘરો રસીના રક્ષણ સાથે આવરી લેવામાં આવે એ સુનિશ્ચિત કરવા માટે મુશ્કેલ પ્રદેશો અને હવામાનનો બહાદુરીથી સામનો કરે છે. “આરોગ્ય સંભાળ કાર્યકરો રાષ્ટ્રને મોટી સેવા આપી રહ્યા છે. તેમનું સમર્પણ મારા માટે અને અન્ય લોકો માટે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરણારૂપ છે,” એમ તેમણે ઉમેર્યું હતું.

ડૉ. માંડવિયાએ સંતોષ વ્યક્ત કર્યો કે અમારા પ્રયાસો નવીનતમ રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વેક્ષણમાં પ્રતિબિંબિત થયા છે જેણે કવરેજમાં વધારો દર્શાવ્યો છે. “રસી એ શિશુઓ, બાળકો અને સગર્ભા મહિલાઓને રોગો અને મૃત્યુદરથી બચાવવા માટે સૌથી અસરકારક, સસ્તી અને સલામત પદ્ધતિઓ પૈકીની એક છે. સંપૂર્ણ રસીકરણ કવરેજ વધારવાના ઉદ્દેશ સાથે, આદરણીય પ્રધાનમંત્રીએ ડિસેમ્બર 2014માં મિશન ઇન્દ્રધનુષ શરૂ કર્યું હતું જે આંશિક રીતે અને રસીકરણ વિનાની સગર્ભા મહિલાઓ અને બાળકોને ઓછા રોગપ્રતિકારક કવરેજ, ઉચ્ચ જોખમવાળા અને પહોંચવા માટે મુશ્કેલ વિસ્તારોમાં આવરી લે છે અને તેમને રસીથી અટકાવી શકાય તેવા રોગોથી રક્ષણ આપે છે”, એમ તેમણે જણાવ્યું હતું. મિશન ઇન્દ્રધનુષ હેઠળ, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (યુઆઇપી) હેઠળની તમામ રસીઓ રાષ્ટ્રીય રસીકરણ સમયપત્રક મુજબ પૂરી પાડવામાં આવે છે. ગ્રામ સ્વરાજ અભિયાન (541 જિલ્લાઓમાં 16,850 ગામો) અને વિસ્તૃત ગ્રામ સ્વરાજ અભિયાન (112 આકાંક્ષી જિલ્લાઓમાં 48,929 ગામો) હેઠળ મિશન ઇન્દ્રધનુષને મુખ્ય યોજનાઓમાંની એક તરીકે પણ ઓળખવામાં આવી હતી.

ડૉ. માંડવિયાએ નોંધ્યું હતું કે જ્યારે કોવિડ રોગચાળાને કારણે નિયમિત રસીકરણની ગતિ ધીમી પડી છે, ત્યારે IMI 4.0 એ ખાલીપો ભરવામાં અને સાર્વત્રિક રોગપ્રતિરક્ષા તરફ સ્થાયી લાભો અપાવવામાં અપાર યોગદાન આપશે. તે સુનિશ્ચિત કરશે કે નિયમિત રસીકરણ (RI) સેવાઓ રસી વગરના અને આંશિક રીતે રસી ન અપાયેલાં બાળકો અને સગર્ભા મહિલાઓ સુધી પહોંચે, એમ તેમણે ઉમેર્યું હતું.

જાહેર આરોગ્યમાં રસીની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડતા, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ દેશવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાનની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો, જેના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 170 કરોડ કોવિડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતની આ સિદ્ધિને વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવી છે અને તેને બિરદાવવામાં આવી છે, એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે દેશમાં સાર્વત્રિક રસીકરણના ધ્યેયને હાંસલ કરવા માટે "સબકા પ્રયાસ" અને "જન લોક ભાગીદારી" ની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. "માત્ર કેન્દ્ર, રાજ્યો અને લાભાર્થીઓના સામૂહિક અને સહયોગી પ્રયાસોથી આપણે દેશમાં સંપૂર્ણ રસીકરણ કવરેજનું લક્ષ્ય હાંસલ કરી શકીશું", એમ તેમણે કહ્યું. તેમણે રાજ્યોને જિલ્લા વહીવટીતંત્ર, પંચાયતો અને શહેરી સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન કરીને વિવિધ સ્તરે સર્વગ્રાહી રીતે કામ કરવા અનુરોધ કર્યો હતો.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ વર્ચ્યુઅલ રીતે IMI 4.0 પોર્ટલ લોન્ચ કર્યું અને "IMI 4.0 માટે ઓપરેશનલ માર્ગદર્શિકા", "શહેરી વિસ્તારોમાં રસીકરણને મજબૂત બનાવવા- પગલાં માટેનું માળખું" અને "મહિલા આરોગ્ય સમિતિ ઓન અર્બન ઇમ્યુનાઇઝેશન" માટેની હેન્ડબુક અને જાગરૂકતા સામગ્રી/ અભિયાનના ભાગ રૂપે વિકસાવાયેલ પૅકેજ IEC બહાર પાડ્યાં હતાં .

અત્યાર સુધીમાં, સમગ્ર દેશમાં 701 જિલ્લાઓને આવરી લેતાં મિશન ઇન્દ્રધનુષના દસ તબક્કા પૂર્ણ થયા છે. એપ્રિલ 2021 સુધીમાં, મિશન ઇન્દ્રધનુષના વિવિધ તબક્કાઓ દરમિયાન, કુલ 3.86 કરોડ બાળકો અને 96.8 લાખ સગર્ભા મહિલાઓને રસી આપવામાં આવી છે. મિશન ઇન્દ્રધનુષના પ્રથમ બે તબક્કા એક વર્ષમાં સંપૂર્ણ રસીકરણ કવરેજમાં 6.7% વધારામાં પરિણમ્યા છે.

ઇન્ટેન્સિફાઇડ મિશન ઇન્દ્રધનુષ (મિશન ઇન્દ્રધનુષનો 5મો તબક્કો)માં આવરી લેવાયેલા 190 જિલ્લાઓમાં હાથ ધરાયેલ એક સર્વે (આઇએમઆઇ-સીઈએસ) એનએફએચએસ-4ની સરખામણીએ સંપૂર્ણ રસીકરણમાં 18.5% પોઇન્ટ્સનો વધારો દર્શાવે છે. સમય સમય પર હાથ ધરાયેલ નિયમિત રસીકરણ અને રસીકરણ સઘનીકરણ ઝુંબેશો મજબૂત કરવા માટે વર્ષોથી સતત પ્રયાસોનાં પરિણામે રાષ્ત્રીય પરિવાર આરોગ્ય સર્વે-4 (2015-16)ની સરખામણીએ રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વે (2019-21)ના તાજા હેવાલ અનુસાર નોંધપાત્ર સુધારો દર્શાવે છે. 12-23 માસની વયનાં બાળકોમાં સંપૂર્ણ રસીકરણ કવરેજ 62% (એનએફએચએસ-4)થી વધીને 76.4% (એનએફએચએસ-5) થયું છે.

કોવિડ-19 રોગચાળાને કારણે ઉભર્યા હોય એવા તફાવતને પહોંચી વળે એ માટે IMI 4.0 ના ત્રણ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિ 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 416 જિલ્લાઓમાં હાથ ધરવામાં આવશે. આ જિલ્લાઓની ઓળખ તાજેતરના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-5 રિપોર્ટ,  હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ (HMIS) ડેટા અને રસી વડે અટકાવી શકાય તેવા રોગોના ભારણ અનુસાર રસીકરણ કવરેજના આધારે કરવામાં આવી છે. રાજ્યો દ્વારા સૂચવેલા જિલ્લાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. કોવિડ-19ના કેસોમાં તાજેતરના ઉછાળાને ધ્યાનમાં રાખીને, રાજ્યોને ફેબ્રુઆરી 2022-એપ્રિલ 2022 અથવા માર્ચથી મે 2022 દરમિયાન પ્રવૃત્તિ હાથ ધરવા માટે સુગમતા આપવામાં આવી છે. પ્રથમ રાઉન્ડ 7મી ફેબ્રુઆરી 2022થી શરૂ થશે, બીજો રાઉન્ડ 7મી માર્ચ 2022થી શરૂ થશે અને ત્રીજો રાઉન્ડ 4 એપ્રિલ 2022થી થશે. ભૂતકાળથી વિપરિત, દરેક રાઉન્ડ આરઆઈ દિવસો, રવિવાર, અને જાહેર રજાઓ સહિત સાત દિવસ માટે હાથ ધરવામાં આવશે. જો કે, કોવિડના કેસોમાં તાજેતરની ટોચને ધ્યાનમાં લેતા, રાજ્યોને માર્ચથી મે 2022 સુધી ઝુંબેશ ચલાવવાની સુગમતા આપવામાં આવી છે. 33માંથી 11 રાજ્યોએ ફેબ્રુઆરી - એપ્રિલ 2022ના સમયપત્રક સાથે આગળ વધવાનું આયોજન કર્યું છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રી રાજેશ ભૂષણ, એએસ અને એમડી શ્રી વિકાસ શીલ, સંયુક્ત સચિવ શ્રી લવ અગ્રવાલ, સંયુક્ત સચિવ ડૉ. [ઈ અશોક બાબુ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ ડૉ. હરમીત સિંહ અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.


SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1796129) Visitor Counter : 1339