પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

મહિલાઓ માટેના 30મા રાષ્ટ્રીય પંચના સ્થાપના દિવસે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 31 JAN 2022 7:51PM by PIB Ahmedabad

નમસ્કાર
કાર્યક્રમમાં ઉપસ્થિત અલગ અલગ રાજ્યોના રાજ્યપાલ, મુખ્યમંત્રી, મંત્રી પરિષદમાં મારા સાથી બહેન સ્મૃતિ ઇરાનીજી, ડૉક્ટર મહેન્દ્રભાઈ, દર્શના જરદોષજી, રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતિ રેખા શર્માજી, તમામ રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ તથા સદસ્યગણ, સ્વયંસેવી સંસ્થાઓના સદસ્યગણ, અન્ય મહાનુભાવો, ભાઈઓ અને બહેનો.

આપ સૌને રાષ્ટ્રીય મહિલા પંચની સ્થાપનાના 30 વર્ષ પૂરા થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. 30 વર્ષનો પડાવ કોઈ વ્યક્તિના જીવનનો હોય કે પછી કોઈ સંસ્થાનો હોય, અત્યંત મહત્વનો હોય છે. આ સમય નવી જવાબદારીઓનો હોય છે, નવી ઊર્જા સાથે આગળ ધપવાનો હોય છે. મને વિશ્વાસ છે કે પોતાની સ્થાપનાના 30 વર્ષને રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા પણ આ જ રૂપથી જોવામાં આવી રહ્યો હશે. આથી પણ વધુ પ્રભાવશાળી, આથી પણ વધુ જવાબદાર અને નવી ઊર્જાથી તરબોળ.

આજે બદલાઈ રહેલા ભારતમાં મહિલાઓની ભૂમિકાનો સતત વિસ્તાર થઈ રહ્યો છે. તેથી જ રાષ્ટ્રીય મહિલા આયોગની ભૂમિકાનો વ્યાપ પણ આજે સમયની માંગ છે. આવામાં આજે દેશના તમામ મહિલા આયોગોએ પોતાનો વ્યાપ વધારવાનો રહેશે અને પોતાના રાજ્યની મહિલાઓની નવી દિશા આપવાની રહેશે.

સાથીઓ,
આજે આઝાદીના અમૃત મહોત્સવમાં એક નવા ભારતનો સંકલ્પ આપણી સામે છે. આજે દેશ
સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસના મંત્ર પર કામ કરી રહ્યો છે. દેશ સૌના વિકાસ આ લક્ષ્યાંક સુધી ત્યારે જ પહોંચશે જ્યારે તમામ માટે તમામ સંભાવનાઓ સમાન રૂપથી ખુલ્લી હોય. આપણે સૌ જાણીએ છીએ કે અગાઉ જેવી રીતે બિઝનેસની વાત થતી હતી તો તેનો એ જ અર્થ કાઢવામાં આવતો હતો કે મોટા કોર્પોરેટની વાત થઈ રહી છે, પુરૂષોના કામની વાત થઈ રહી છે. પરંતુ હકીકત એ રહી છે કે સદીઓથી ભારતની તાકાત આપણા નાના સ્થાનિક ઉદ્યોગો રહ્યા છે. જેને આજે આપણે MSMEs કહીએ છીએ. આ ઉદ્યોગોમાં જેટલી ભૂમિકા પુરૂષોની હોય છે એટલી જ મહિલાઓની પણ હોય છે. તમે ટેક્સટાઇલ ઉદ્યોગનું ઉદાહરણ લો, પોટરીનું ઉદાહરણ લો, કૃષિ અને દૂધના ઉત્પાદનને જૂઓ. આવા તો કેટલાય ઉદ્યોગ છે જેનો આઘાર મહિલા શક્તિ અને મહિલા કૌશલ્ય જ છે. પરંતુ એ કમનસીબી રહી હતી કે આ ઉદ્યોગોની શક્તિને ઓળખવાનું છોડી દેવામાં આવ્યું હતું. જૂનવાણી વિચારધારા ધરાવનારા લોકોએ મહિલાઓના કૌશલ્યને માત્ર ઘરના કામકાજનો જ વિષય માની લીધો હતો.

દેશની અર્થવ્યવસ્થા આગળ ધપાવવા માટે આ જૂનવાણી વિચારધારાને બદલવી જરૂરી છે. મેક ઇન ઇન્ડિયા આજે આ જ કામ કરી રહ્યું છે.

આત્મનિર્ભર ભારત અભિયાન મહિલાઓની આ જ ક્ષમતાને દેશના વિકાસ સાથે સાંકળી રહ્યું છે. અને, પરિણામ આપણી સામે છે. આજે મુદ્રા યોજનાની લગભગ 70 ટકા લાભાર્થી મહિલાઓ છે. કરોડો મહિલાઓએ આ યોજનાની મદદથી પોતાનું કાર્ય શરૂ કર્યું છે. અને સાથે સાથે તેઓ અન્યને પણ રોજગારી આપી રહી છે.

આવી જ રીતે મહિલાઓમાં સ્વયં સહાયતા સમૂહો મારફતે આંતરપ્રિન્યોરશિપને વધારવા માટે દેશ દીન દયાલ અંત્યોદય યોજના ચલાવી રહ્યો છે. દેશની મહિલાઓનો ઉત્સાહ અને સામર્થ્ય એટલું છે કે 6-7 વર્ષોમાં સ્વયં સહાયતા સમૂહોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થઈ ગયો છે. આ જ વલણ આપણને સ્ટાર્ટ અપ ઇ-સિસ્ટમમાં પણ જોવા મળી રહ્યું છે. 2015ના વર્ષથી આપણા દેશમાં અલગ અલગ ક્ષેત્રમાં 60 હજારથી વધુ નવા સ્ટાર્ટ અપ બન્યા છે. અને આપણા તમામ માટે ગૌરવનો વિષય છે કે તેમાંથી 45 ટકા સ્ટાર્ટ અપમાં કમસે કમ એક નિર્દેશક મહિલા છે.
સાથીઓ,

ન્યૂ ઇન્ડિયાની વિકાસયાત્રામાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. મહિલા આયોગોએ સમાજની આંતરપ્રિન્યોરશિપમાં મહિલાઓની આ ભૂમિકાને વધુને વધુ ઓળખ અપાવવાની છે અને તેને પ્રમોટ કરવાની છે. તમે સૌ જોયું છે કે છેલ્લા સાત વર્ષમાં દેશે આ તરફ વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. પ્રતિષ્ઠિત પદ્મ એવોર્ડમાં મહિલાઓની વધતી ભાગીદારી તેનું વધુ એક ઉદાહરણ છે.

2015થી અત્યાર સુધીમાં 185 મહિલાઓને તેમના અભૂતપૂર્વ કાર્યો માટે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. આ વર્ષે પણ 34 પદ્મ પુરસ્કાર અલગ અલગ ક્ષેત્રોમાં કાર્ય કરી રહેલી મહિલાઓને મળ્યા છે. આ એક નવો વિક્રમ છે. આજ સુધી ક્યારેય આટલી મોટી સંખ્યામાં મહિલાઓને પદ્મ પુરસ્કાર સાંપડ્યો નથી.

આવી જ રીતે આજે રમત ગમતમાં પણ ભારતની દીકરીઓ દુનિયામાં કમાલ કરી રહી છે. ઓલિમ્પિક્સમાં દેશ માટે મેડલ જીતી રહી છે. કોરોનાની મહામારી સામે આવડી મોટી લડત સમગ્ર દેશે લડી હતી જેમાં આપણી નર્સો, ડૉક્ટરો, મહિલા વૈજ્ઞાનિકોએ પણ કેવડી મોટી ભૂમિકા અદા કરેલી છે. એટલે કે જ્યારે પણ તક મળી છે ત્યારે ભારતની નારી શક્તિએ પોતાના સામર્થ્યને પુરવાર કરી દેખાડ્યું છે. અને તમારા સૌ કરતાં વધુ સારી રીતે એ વાતને કોણ જાણતું હશે કે એક મહિલા સૌથી શ્રેષ્ઠ શિક્ષક અને ટ્રેનર પણ હોય છે. આથી જ દેશના તમામ મહિલા આયોગો સમક્ષ ભારતમાં આંતરપ્રિન્યોરશિપથી લઈને રમત ગમત સુધી એક નવી વિચારધારા અને ક્ષમતા તૈયાર કરવાની પણ એક મોટી જવાબદારી છે.

સાથીઓ,
તમે સૌ એ વાતના સાક્ષી છો કે છેલ્લા સાત વર્ષમાં દેશની નીતિઓ મહિલાઓને લઈને વધુ સંવેદનશીલ બની છે. આજે ભારત એ દેશોમાં છે જે પોતાને ત્યાં સૌથી વધુ માતૃત્વ રજા આપે છે. નાની ઉંમરમાં લગ્ન દીકરીઓના અભ્યાસ અને કારકિર્દીમાં અવરોધરૂપ બને નહીં તેના માટે દીકરીઓના લગ્નની વયમર્યાદા 21 વર્ષ કરવાનો પ્રયાસ છે.

એક સમય હતો જ્યારે દેશમાં મહિલા સશક્તીકરણને મર્યાદિત વ્યાપમાં જોવામાં આવતું હતું. ગામડાની કે ગરીબ પરિવારોની મહિલા તેનાથી દૂર હતી. અમે આ ભેદભાવ નાબૂદ કરવા અંગે પણ કાર્ય કરી રહ્યા છીએ. આજે મહિલા સશક્તીકરણનો ચહેરો એ નવ કરોડ મહિલાઓ પણ છે જેમને પહેલી વાર ગેસ કનેક્શન મળ્યું છે. ધુમાડાથી મુક્તિ મળી છે. આજે મહિલા સશક્તીકરણનો ચહેરો એ માતાઓ અને બહેનો પણ છે જેમને પોતાના ઘરમાં જ શૌચાલય મળ્યું છે. જેને ઉત્તર પ્રદેશમાં ઇજ્જત ઘર કહે છે.

આજે મહિલા સશક્તીકરણનો ચહેરો એ માતાઓ પણ છે જેમને તેમના માથે પહેલી વાર પાક્કી છત મળી છે જેના નામથી પ્રધાનમંત્રી આવાસ બન્યા છે. આવી જ રીતે જ્યારે કરોડો મહિલાઓને ગર્ભાવસ્થા અને ડિલિવરીના સમયે સહાયતા મળે છે, જ્યારે કરોડો મહિલાઓને પોતાના જનધન ખાતા મળે છે જ્યારે સરકારની સબસિડી સીધી જ મહિલાઓના બેંક ખાતામાં પહોંચે છે. તો આ મહિલાઓ સશક્તીકરણ અને બદલાઈ રહેલા ભારતનો ચહેરો બને છે.

સાથીઓ,
આજે દેશની નારીનો આત્મવિશ્વાસ વધ્યો છે. તે જાતે જ હવે પોતાના ભવિષ્યનું નિર્ધારણ નક્કી કરી રહી છે. દેશના ભવિષ્યને દિશા ચીંધી રહી છે. આજે વર્ષો બાદ દેશમાં સેક્સ આંક બહેતર બન્યો છે. આજે શાળાઓમાંથી છોકરીઓનો નીકળી જવાનો દર ઘટી ગયો છે. કેમ કે દેશના
બેટી બચાવો, બેટી પઢાઓઅભિયાન સાથે મહિલાઓ ખુદ જ જોડાઈ છે. અને જ્યારે નારી કાંઈ નક્કી કરી લે છે તો તેની દિશા નારી જ નક્કી કરે છે. તેથી જ આપણે જોઈ રહ્યા છીએ કે જે સરકારોએ મહિલાઓની સુરક્ષાને પ્રાથમિકતા નથી આપી, મહિલાઓએ તેમને સત્તામાંથી હાંકી કાઢવામાં જરાય ખચકાટ દાખવ્યો નથી. પાક્કું કરી લીધુ.

જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો તો મને ઘણી વાર આશ્ચર્ય થતું હતું કે અન્ય સ્થળે આ વિષય પર કેમ કાર્ય થતું નથી ? તેથી જ 2014માં સરકાર બન્યા બાદ અમે રાષ્ટ્ર કક્ષાએ મહિલા સુરક્ષા સાથે સંકળાયેલા અનેક પ્રયાસો હાથ ધર્યા. આજે દેશમાં મહિલાઓની વિરુદ્ધ અપરાધ સામે કડક કાયદો છે. બળાત્કારના જધન્ય કિસ્સામાં ફાસીની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ પણ રચવામાં આવી રહી છે. જે કાયદા બન્યા છે તેનું કડકપણે પાલન થાય તેના માટે રાજ્યોની મદદથી વ્યવસ્થામાં પણ સુધારો કરવામાં આવી રહ્યો છે.

પોલીસ થાણામાં મહિલાઓની સહાયતા ડેસ્કની સંખ્યા વધારવાની હોય, 24 કલાક ઉપલબ્ધ હોય તેવી હેલ્પલાઇન હોય, સાઇબર ક્રાઇમનો સામનો કરવા માટેના પોર્ટલ હોય તેવા અનેક પ્રયાસ આજે દેશમાં ચારે તરફ થઈ રહ્યા છે. અને સૌથી મહત્વપૂર્ણ આજે સરકાર મહિલાઓની સામે થતા અપરાધ અંગે ઝીરો ટોલરન્સની નીતિથી કામ કરી રહી છે.

આ તમામ પ્રયાસોમાં રાષ્ટ્રીય મહિલા આયોગે પ્રદેશ મહિલા આયોગોની સાથે મળીને મહિલાઓ અને સરકારની વચ્ચે એક સેતૂનું કામ કરવાનું છે. મને સંપૂર્ણ ભરોસો છે કે તમારી આ સકારાત્મક ભૂમિકા આપણા સમાજને આવી જ રીતે મજબૂત કરતી રહેશે.

આ જ વિશ્વાસ સાથે, આપસૌને ફરી એક વાર સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.

ધન્યવાદ.

SD/GP/JD


(Release ID: 1794023) Visitor Counter : 681