પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગુજરાતના સોમનાથમાં નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું


“જે સંજોગોમાં સોમનાથ મંદિરનો વિધ્વંસ થયો હતો અને જે સંજોગોમાં સરદાર પટેલના પ્રયાસો દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો, તે બંને ખૂબ જ મોટો સંદેશો આપે છે”

“આજે, પર્યટન કેન્દ્રોના વિકાસના કાર્યો માત્ર સરકારની યોજનાઓનો હિસ્સો નથી પરંતુ જાહેર સહભાગીતાનું એક અભિયાન છે. દેશની ધરોહરના સ્થળો અને આપણા સાંસ્કૃતિક વારસાનો વિકાસ આનું ખૂબ જ મોટું દૃષ્ટાંત છે”

દેશ પર્યટનને સર્વાંગી રીતે જોઇ રહ્યો છે. સ્વચ્છતા, અનુકૂળતા, સમય અને વિચારશૈલી જેવા પરિબળો પર્યટનના આયોજનમાં કામ કરે છે

“આપણી વિચારશૈલી નવતર અને આધુનિક હોય તે જરૂરી છે. પરંતુ સાથે સાથે આપણે આપણા પ્રાચીન વારસાનું કેવી રીતે ગૌરવ લઇએ છીએ એ પણ મહત્વનું છે”

Posted On: 21 JAN 2022 12:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના સોમનાથ ખાતે નવનિર્મિત સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજ્ય મંત્રીઓ, સાંસદો અને મંદિરના ટ્રસ્ટના સભ્યો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન આપતી વખતે પ્રધાનમંત્રીએ સોમનાથમાં નવા સર્કિટ હાઉસના ઉદ્ઘાટન બદલ ગુજરાતની રાજ્ય સરકાર અને સોમનાથ મંદિર ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટાંક્યું હતું કે, મંદિરનું શિખર અને ભક્તો વિવિધ સમયમાં આવેલા વિનાશ પછી પણ ભારતની અડીખમ ચેતનાનો અનુભવ કરશે. ભારતની સંસ્કૃતિની પડકારજનક સફર અને સેંકડો વર્ષોની ગુલામીના કારણે ઉભા થયેલા સંજોગો તરફ ધ્યાન દોરતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, જે સંજોગોમાં સોમનાથ મંદિરનો વિધ્વંસ થયો હતો અને જે સંજોગોમાં સરદાર પટેલના પ્રયાસો દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો, તે બંને ખૂબ જ મોટો સંદેશો આપે છે. પ્રધાનમંત્રીએ ટાંક્યુ હતું કે, આજે, આપણે જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે, આપણે આપણા ભૂતકાળમાંથી શીખવાની આશા રાખવી જોઇએ જેમાં, સોમનાથ જેવા આસ્થા અને સંસ્કૃતિના સ્થળો કેન્દ્ર સ્થાને છે. 

તેમણે જણાવ્યું હતું કે, દુનિયામાં સંખ્યાબંધ દેશોમાં પર્યટન તેમના અર્થતંત્રમાં મોટી ભૂમિકા નિભાવે છે. તેમણે કહ્યું હતું કે, આપણી પાસે દરેક રાજ્ય અને દરેક ક્ષેત્રમાં આના જેવી અનંત સંભાવનાઓ રહેલી છે. પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ ભારત દર્શનના આધ્યાત્મિક ગંતવ્ય સ્થળો વિશે સમજાવ્યું હતું અને ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, કચ્છનું રણ તેમજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ઉત્તરપ્રદેશમાં અયોધ્યા, મથુરા, કાશિ, પ્રયાગ, કુશીનગર, વિદ્યાંચલ, દેવભૂમિ ઉત્તરાખંડમાં બદ્રીનાથ અને કેદારનાથ, હિમાચલમાં જ્વાલા દેવી, નૈના દેવી, સમગ્ર પૂર્વોત્તરમાં પવિત્ર અને પ્રાકૃતિક તેજ, તમિલનાડુમાં રામેશ્વરમ, ઓડિશામાં પૂરી, આંધ્રપ્રદેશમાં તિરુપતિ બાલાજી, મહારાષ્ટ્રમાં સિદ્ધિ વિનાયક, કેરળમાં સબરીમાલા સહિતના સ્થળો ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ સ્થળો આપણા દેશની એકતા અને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને રજૂ કરે છે. આજે, દેશ પણ તેમને સમૃદ્ધિના સ્રોતો તરીકે જુએ છે. તેના વિકાસ દ્વારા આપણે મોટા ક્ષેત્રના વિકાસને આગળ વધારી શકીએ છીએ.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, છેલ્લા 7 વર્ષમાં, દેશે પર્યટનની વાસ્તવિક સંભાવનાઓને સાર્થક કરવા માટે અથાક કામ કર્યું છે. તેમણે કહ્યું હતું કે, આજે, પર્યટન કેન્દ્રોના વિકાસના કાર્યો માત્ર સરકારની યોજનાઓનો હિસ્સો નથી પરંતુ જાહેર સહભાગીતાનું એક અભિયાન છે. દેશની ધરોહરના સ્થળો અને આપણા સાંસ્કૃતિક વારસાનો વિકાસ આનું ખૂબ જ મોટું દૃષ્ટાંત છે. તેમણે 15 થીમ આધારિત પર્યટન સર્કિટ જેવા સરકાર દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાં ગણાવ્યા હતા. ઉદાહરણ તરીકે, રામાયણ સર્કિટમાં ભગવાન રામ સંબંધિત સ્થળોની મુલાકાત લઇ શકાય છે. તેના માટે વિશેષ ટ્રેન શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આવતી કાલે દિલ્હીથી દિવ્ય કાશી યાત્રા માટે વિશેષ ટ્રેનનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. એવી જ રીતે બુદ્ધ સર્કિટ ભગવાન બદ્ધ સાથે સંકળાયેલા સ્થળોના પ્રવાસને વધુ સરળ બનાવે છે. વિદેશી પ્રવાસીઓ માટે વિઝાના નિયમો હળવા કરી દેવામાં આવ્યા છે અને પર્યટન સ્થળોને રસીકરણની કવાયતમાં પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે દેશ પર્યટનને સર્વાંગી રીતે જોઇ રહ્યો છે. વર્તમાન સમયમાં પર્યટનના વિકાસ માટે ચાર બાબતો જરૂરી છે. અગાઉ આપણા પર્યટન સ્થળો માત્ર એવા યાત્રા ધામ હતા જ્યાં સ્વચ્છતાની કોઇ જ જોગવાઇ નહોતી. આજે સ્વચ્છ ભારત અભિયાને આખા પરિદૃશ્યને બદલી નાંખ્યું છે. પર્યટનને પ્રોત્સાહન આપવા માટેનું અન્ય એક પાસું અનુકૂળતા છે. પ્રધાનમંત્રીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું હતું કે, પરંતુ સુવિધોઓનો અવકાશ માત્ર પર્યટન સ્થળો પૂરતો સિમિત ન રહેવો જોઇએ. પરિવહન, ઇન્ટરનેટ, સાચી માહિતી, તબીબી વ્યવસ્થાઓ સહિતની તમામ સુવિધાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. અને આ દિશામાં પણ દેશમાં તમામ પ્રકારનું કામ કરવામાં આવી રહ્યું છે. પર્યટનને આગળ વધારવાનું ત્રીજું પરિબળ સમય છે. વર્તમાન યુગમાં, લોકો ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ સ્થળો આવરી લેવા માંગે છે. પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ચોથું અને મહત્વપૂર્ણ પાસું છે આપણી વિચારશૈલી. આપણી વિચારસરણી નવતર અને આધુનિક હોય તે જરૂરી છે. પરંતુ સાથે સાથે આપણે આપણા પ્રાચીન વારસાનું કેવી રીતે ગૌરવ લઇએ છીએ તે પણ ખૂબ મહત્વું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા પછી નવો વિકાસ માત્ર દિલ્હીમાં અમુક પરિવાર માટે જ કરવામાં આવતો હતો. પરંતુ આજે દેશ તે સંકુચિત વિચારધારાના કારણે પાછળ રહી ગયો છે અને હવે ગૌરવના નવા સ્થળોનું નિર્માણ કરી રહ્યો છે અને તેમને ભવ્યતા આપી રહ્યો છે. પ્રધાનમંત્રીએ માહિતી આપતા કહ્યું હતું કે, અમારી જ સરકારે દિલ્હીમાં બાબાસાહેબ સ્મૃતિ સ્મારકનું નિર્માણ કર્યું છે, રામેશ્વરમમાં એ.પી.જે. અબ્દુલ કલામ સ્મારકનું નિર્માણ કર્યું છે. એવી જ રીતે, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને શ્યામજી ક્રિષ્ના વર્મા સાથે સંકળાયેલા સ્થળોને યોગ્ય દરજ્જો અને કદ આપવામાં આવ્યો છે. દેશમાં આદિવાસી સમાજના કિર્તીપૂર્ણ ઇતિહાસને લોકોની સમક્ષ લાવવા માટે આખા દેશમાં આદિવાસી સંગ્રહાલયોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નવા બાંધવામાં આવેલા સ્થળોમાં રહેલી સંભાવનાઓનું વર્ણન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહામારીની સ્થિતિ હોવા છતાં 75 લાખ લોકોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. તેમણે કહ્યું હતું કે, આવા સ્થળો પર્યટનને નવા શિખરે લઇ જવાની સાથે સાથે આપણી ઓળખને પણ આગળ વધારશે.

પ્રધાનમંત્રીએ વોકલ ફોર લોકલના તેમના આહ્વાનનું સંકુચિત વિચારધારા સાથે અર્થઘટન ન કરવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે, આ આહ્વાનમાં સ્થાનિક પર્યટન સામેલ છે. તેમણે લોકોને વિદેશમાં ગમે ત્યાં ફરવા જતા પહેલાં ભારતમાં જ ઓછામાં ઓછા 15-20 સ્થળોની મુલાકાત લેવાની તેમની વિનંતીનો પુનરુચ્ચાર કર્યો હતો.

 

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1791452) Visitor Counter : 238