પ્રધાનમંત્રીનું કાર્યાલય
વિવિધ ક્ષેત્રોના સ્ટાર્ટ-અપ્સ સાથે સંવાદ વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
15 JAN 2022 4:19PM by PIB Ahmedabad
નમસ્કાર.
કેન્દ્રિય મંત્રીમંડળમાં મારા સહયોગી પિયૂષ ગોયલજી, મનસુખ માંડવિયાજી, અશ્વિની વૈષ્ણવજી, સર્બાનંદ સોનોવાલજી, પરષોત્તમ રૂપાલાજી, જી. કિશન રેડ્ડીજી, પશુપતિ કુમાર પારસજી, જીતેન્દ્ર સિંહજી, સોમ પ્રકાશજી, સમગ્ર દેશમાંથી જોડાયેલા સ્ટાર્ટઅપની દુનિયાના તમામ દિગ્ગજ, આપણા યુવા સાથીઓ, અન્ય મહાનુભવો અને ભાઈ તથા બહેનો.
આપણે સૌએ ભારતીય સ્ટાર્ટ-અપ્સની સફળતાના દર્શન પણ કર્યા અને કેટલાક સહયોગીઓના પ્રેઝન્ટેશન પણ જોયા. આપ સૌ ખૂબ જ સારૂં કામ કરી રહ્યા છો. 2022નું આ વર્ષ ભારતીય સ્ટાર્ટ-અપ વ્યવસ્થા માટે અન્ય ઘણી બધી સંભાવનાઓ લઈને આવ્યું છે. આઝાદીના 75મા વર્ષમાં સ્ટાર્ટ-અપ્સ ઈન્ડિયા ઈનોવેશન વીકનું આ આયોજન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત જ્યારે પોતાની આઝાદીના 100 વર્ષ પૂરાં કરશે ત્યારે તે ભવ્ય ભારતના નિર્માણમાં પણ તમારી ભૂમિકા ખૂબ જ મોટી રહેશે.
દેશના આ બધા સ્ટાર્ટ-અપ્સને તથા સ્ટાર્ટ-અપ્સની દુનિયામાં ભારતનો ઝંડો ઉંચો રાખી રહ્યા છે તેવા તમામ ઈનોવેટિવ યુવાનોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સ્ટાર્ટ-અપ્સની આ સંસ્કૃતિ દેશના દૂર દૂરના વિસ્તારોમાં પહોંચે તે માટે 16 જાન્યુઆરીને હવે નેશનલ સ્ટાર્ટ-અપ ડે તરીકે મનાવવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
સાથીઓ,
સ્ટાર્ટ-અપ ઈન્ડિયા ઈનોવેશન વીક વિતેલા વર્ષોની સફળતાઓની ઉજવણી કરવાનું અને સાથે સાથે ભવિષ્યની રણનીતિ અંગે ચર્ચા કરવા માટે પણ છે. આ દાયકાને ભારતના Techade તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દાયકામાં ઈનોવેશન, ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટ-અપ વ્યવસ્થાને મજબૂત કરવા માટે સરકાર જે મોટાપાયે ફેરફારો કરી રહી છે તેના મુખ્ય ત્રણ મુદ્દા છે.
પ્રથમ, ઉદ્યોગસાહસિકતાનો, ઈનોવેશનની સરકારી પ્રક્રિયાની જાળમાં નોકરશાહીને અવરોધોથી મુક્ત કરવાનું રહે છે. બીજુ, ઈનોવેશનને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાકીય વ્યવસ્થાનું નિર્માણ કરવાનું અને ત્રીજું, યુવા ઈનોવેટર્સ ડે, યુવા સાહસિકોનો હાથ પકડવાનો કે જેમાં સ્ટાર્ટ-અપ ઈન્ડિયા, સ્ટેન્ડ-અપ ઈન્ડિયા જેવા કાર્યક્રમો આ પ્રયાસનો હિસ્સો છે.
એન્જલ ટેક્સની સમસ્યાને ખતમ કરવાનો અને ટેક્સ ફાઈલિંગની પ્રક્રિયાને સરળ કરવા માટે ધિરાણની ઉપલબ્ધિ આસાન કરવાનો, હજારો કરોડ રૂપિયાના સરકારી ભંડોળની વ્યવસ્થા કરવાની આ બધી સુવિધાઓ માટે આપણી કટિબધ્ધતા દર્શાવે છે. સ્ટાર્ટ-અપ ઈન્ડિયા હેઠળ, સ્ટાર્ટ-અપ્સને 9 શ્રમ કાયદા અને 3 પર્યાવરણના કાયદાઓ સાથે જોડાયેલા નિયમપાલન બાબતે સેલ્ફ સર્ટિફાય કરવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે.
દસ્તાવેજોના સેલ્ફ એટેસ્ટેશનની પ્રક્રિયાઓને સરળ બનાવવાનો ક્રમ શરૂ થયો હતો તેથી આજે 25 હજારથી વધુ નિયમપાલન ખતમ કરવાના પડાવ સુધી પહોંચી શકાયું છે. સ્ટાર્ટ-અપ, સરકારને પોતાની પ્રોડક્ટ અથવા તો સર્વિસીસ આસાનીથી આપી શકે તે માટે ગવર્નમેન્ટ-ઈ માર્કેટ પ્લેસ (GeM) પ્લેટફોર્મ ઉપર સ્ટાર્ટ-અપ રનવે પણ ખૂબ જ કામમાં આવી રહ્યો છે.
સાથીઓ,
આપણાં નવયુવાનોના સામર્થ્ય પર ભરોસો અને તેમની સર્જનાત્મકતા ઉપરનો ભરોસો કોઈપણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર બની રહે છે. આજે ભારત પોતાના યુવાનોના આ સામર્થ્યને ઓળખીને નીતિઓ બનાવી રહ્યું છે, નિર્ણય લાગુ કરી રહ્યું છે. ભારતમાં 1 હજારથી વધુ યુનિવર્સિટીઓ છે, 11 હજારથી વધુ સ્ટેન્ડએલોન શૈક્ષણિક સંસ્થાઓ છે, 42 હજારથી વધુ કોલેજો છે અને લાખોની સંખ્યામાં સ્કૂલો છે તે ભારતની ખૂબ મોટી તાકાત છે.
અમારો પ્રયાસ દેશમાં બાળપણથી જ વિદ્યાર્થીઓમાં ઈનોવેશન પ્રત્યે આકર્ષણ ઉભુ કરવાનું, ઈનોવેશનને સંસ્થાકીય સ્વરૂપ આપવાનો રહ્યો છે. 9 હજારથી વધુ અટલ ટીન્કરીંગ લેબ્ઝ આજે બાળકોને સ્કૂલોમાં ઈનોવેટ કરવા માટે નવા આઈડીયા પર કામ કરવાની તક પૂરી પાડી રહ્યા છે. અટલ ઈનોવેશન મિશનથી આપણાં નવયુવાનોને તેમના ઈનોવેટિવ આઈડિયાઝ પર કામ કરવાની સાથે સાથે તેમને નવું પ્લેટફોર્મ પણ મળી રહ્યું છે. આ ઉપરાંત સમગ્ર દેશમાં શાળાઓ અને કોલેજોમાં હજારો લેબ્ઝનું નેટવર્ક, દરેક ક્ષેત્રમાં ઈનોવેશનને પ્રોત્સાહિત કરે છે. દેશની સામે જે પડકારો પડ્યા છે તેને પાર પાડવા માટે આપણે ઈનોવેશન અને ટેકનોલોજી આધારિત ઉપાયો ઉપર ભાર મૂકી રહ્યા છીએ. આપણે અનેક હેકેથોનનું આયોજન કરીને નવયુવાનોને આપણી સાથે જોડ્યા છે. તેમણે વિક્રમ સમયમાં ઘણાં બધા ઈનોવેટિવ ઉપાયો આપણને આપ્યા છે.
તમને પણ એવો અનુભવ થઈ રહ્યો હશે કે સરકારના અલગ અલગ વિભાગ, અલગ અલગ મંત્રાલય કેવી રીતે નવયુવાનો અને સ્ટાર્ટ-અપ સાથે સંપર્કમાં રહેતા હશે, તેમના નવા આઈડીયાઝને પ્રોત્સાહિત કરતા હશે. ડ્રોન રૂલ્સ હોય કે પછી નવી સ્પેસ પોલિસીની વાત હોય, સરકારની અગ્રતા યુવાનોને વધુને વધુ ઈનોવેશન માટે તક આપવાની રહી છે.
આપણી સરકારમાં આઈપીઆર રજીસ્ટ્રેશન સાથે જોડાયેલા નિયમો હોય છે. આ નિયમોને પણ ખૂબ જ સરળ બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને હાલમાં સેંકડો ઈન્ક્યુબેટર્સને ટેકો પૂરો પાડી રહ્યા છે. આજે દેશમાં iCREATE જેવી સંસ્થાઓ ઈનોવેશન વ્યવસ્થાને આગળ ધપાવવા માટે ખૂબ જ મહત્વની ભૂમિકા બજાવી રહી છે. iCREATE એટલે કે ઈન્ટરનેશનલ સેન્ટર ફોર આંત્રપ્રિનિયોર્શીપ એન્ડ ટેકનોલોજી. આ સંસ્થા અનેક સ્ટાર્ટ-અપ્સને મજબૂત શરૂઆત પૂરી પાડી રહી છે અને ઈનોવેશનને પણ પ્રોત્સાહન આપી રહી છે.
અને સાથીઓ,
સરકારના આ પ્રયાસોની અસર પણ આપણને વર્તાઈ રહી છે. વર્ષ 2013-14માં જ્યારે 4 હજારથી વધુ પેટન્ટસને માન્યતા આપવામાં આવી હતી તેની તુલનામાં ગયા વર્ષે 28 હજારથી વધુ પેટન્ટસને માન્યતા આપવામાં આવી છે. વર્ષ 2013-14માં જ્યારે આશરે 70 હજાર ટ્રેડમાર્કસ નોંધવામાં આવ્યા હતા તેની તુલનામાં વર્ષ 2021માં અઢી લાખ કરતાં વધુ ટ્રેડમાર્કસ નોંધવામાં આવ્યા છે. વર્ષ 2013-14માં જ્યાં માત્ર 4 હજાર કોપીરાઈટસ માન્ય કરવામાં આવ્યા હતા તેની તુલનામાં ગયા વર્ષે તેની સંખ્યા વધીને 16 હજારનો આંકડો વટીવી ગઈ છે. ઈનોવેશન બાબતે ભારતમાં જે અભિયાન ચાલી રહ્યું છે તેની અસર એ થઈ છે કે ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં પણ ભારતનું રેન્કિંગ ઘણું સુધર્યું છે. વર્ષ 2015માં આ રેન્કિંગ ભારતમાં 81મા સ્થાને હતું, હવે ભારત ઈનોવેશન ઈન્ડેક્સમાં 50થી નીચે આવીને 46મા ક્રમે પહોંચ્યું છે.
સાથીઓ,
ભારતની સ્ટાર્ટ-અપ વ્યવસ્થાનો ધ્વજ આજે દુનિયાભરમાં લહેરાઈ રહ્યો છે. આજ તો ભારતની સ્ટાર્ટ-અપ વ્યવસ્થાની તાકાત છે કે તે લગાતાર પોતાને ફંફોસી રહ્યું છે, પોતાને સુધારી રહ્યું છે અને પોતાની તાકાત વધારી રહ્યું છે. તે સતત લર્નિંગ મોડમાં અને ચેન્જીંગ મોડમાં જ રહે છે. નવી નવી સ્થિતિઓ અને પરિસ્થિતિઓના આધારે પોતાને ઢાળી રહ્યું છે. આજે એ જોઈને કોને ગૌરવ નહીં થાય કે ભારતના સ્ટાર્ટ-અપ અલગ અલગ 55 ઉદ્યોગોમાં કામ કરી રહ્યા છે. આ માટે દરેકને ગર્વ થશે. પાંચ વર્ષ પહેલાં દેશમાં 500 સ્ટાર્ટ-અપ્સ પણ ન હતા. આજે તેની સંખ્યા વધીને 60 હજાર સુધી પહોંચી ચૂકી છે. આજે તમારી પાસે ઈનોવેશનની તાકાત છે, તમારી પાસે નવા આઈડિયાઝ છે. આપ સૌ નવયુવાનો ઊર્જાથી ભરેલા છો અને હાલમાં જ્યારે બિઝનેસની પધ્ધતિઓ બદલાઈ રહી છે ત્યારે આપણાં સ્ટાર્ટ-અપ્સ રમતના નિયમોમાં પણ બદલાવ લાવી રહ્યા છે. (Our Start-ups are changing the rules of the game)
એટલા માટે હું માનું છું કે આપણા સ્ટાર્ટ-અપ્સ નવા ભારતની કરોડરજ્જુ બની રહેશે.
સાથીઓ,
ઉદ્યોગસાહસિકતામાં સશક્તીકરણની આ ભાવના આપણે ત્યાં વિકાસથી માંડીને પ્રાદેશિક અને સ્ત્રી-પુરૂષ વચ્ચે અસમાનતાની સમસ્યાનું નિવારણ કરી રહ્યા છે. અગાઉ જ્યાં મોટા શહેરોમાં, મેટ્રો શહેરોમાં જ મોટા મોટા બિઝનેસ ફૂલીફાલી શકતા હતા, પણ હવે દેશના દરેક રાજ્યોના સવા છસોથી વધુ જિલ્લાઓમાં ઓછામાં ઓછુ એક સ્ટાર્ટઅપ છે. આજે લગભગ અડધા સ્ટાર્ટ-અપ્સ બીજા કે ત્રીજા વર્ગના શહેરોમાં છે અને તે સામાન્ય ગરીબ પરિવારોના યુવાનોના આઈડીયાનું બિઝનેસમાં રૂપાંતર કરી રહ્યા છે. સ્ટાર્ટ-અપ્સમાં આજે લાખો યુવાનોને રોજગારી મળી રહી છે.
સાથીઓ,
જે ગતિથી અને જેટલી વ્યાપક રીતે ભારતના યુવાનો આજે સ્ટાર્ટ-અપ્સ બનાવી રહ્યા છે તે વૈશ્વિક મહામારીના હાલના સમયમાં ભારતની પ્રબળ ઈચ્છાશક્તિ અને મજબૂત સંકલ્પ શક્તિનું ઉદાહરણ છે. અગાઉ સારામાં સારા વખતમાં એક-બે કંપનીઓ મોટી બની શકતી હતી, પરંતુ વિતેલા વર્ષમાં તો 42 યુનિકોર્ન આપણાં દેશમાં બન્યા છે. હજારો કરોડ રૂપિયાની આ કંપનીઓ આત્મનિર્ભર બનતા જતા અને આત્મવિશ્વાસી ભારતની ઓળખ છે. આજે ભારત ઝડપથી યુનિકોર્નની સદી કરવા તરફ આગળ ધપી રહ્યું છે. અને હું માનું છું કે ભારતમાં હવે સ્ટાર્ટ-અપ્સનો સુવર્ણકાળ શરૂ થઈ ગયો છે. ભારતની જે વિવિધતા છે તે ભારતની ખૂબ મોટી તાકાત છે. આપણું વૈવિધ્ય તે આપણી વૈશ્વિક ઓળખ છે.
આપણાં યુનિકોર્ન્સ અને સ્ટાર્ટ-અપ્સ આ વૈવિધ્યના સંદેશ વાહકો છે. સાદી ડિલિવરી સર્વિસથી માંડીને પેમન્ટ સોલ્યુશન્સ સુધી અને કેબ સર્વિસ સુધી તમારો વિસ્તાર ઘણો મોટો છે. તમારી પાસે ભારતમાં જ ભિન્ન પ્રકારના બજારો અને ભિન્ન સંસ્કૃતિ છે અને તેમાં કામ કરવાનો આટલો મોટો અનુભવ છે. એટલા માટે ભારતના સ્ટાર્ટ-અપ્સ ખૂબ જ આસાનીથી પોતાને દુનિયાના અન્ય દેશો સુધી પહોંચાડી શકે છે. એટલા માટે તમે તમારા સપનાંને માત્ર લોકલ નહીં રાખીને ગ્લોબલ બનાવો. આ મંત્રને યાદ રાખો. ચાલો આપણે સાથે મળીને ભારત માટે ઈનોવેટ કરીએ, ભારતમાં ઈનોવેટ કરીએ.
સાથીઓ,
આઝાદીના અમૃતકાળમાં સૌના માટે સંગઠીત થવાનો આ સમય છે. સબ કા પ્રયાસના આ ધ્યેય તરફ આગળ વધવાનો સમય છે. મને એ જાણીને આનંદ થયો છે કે એક ગ્રુપે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંગે ખૂબ જ મહત્વના સૂચનો પૂરાં પાડ્યા છે. ગતિશક્તિ પ્રોજેક્ટમાં જે વધારાનો અવકાશ છે, તેનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રોનિક વાહનોના ચાર્જીંગ માટે માળખાકીય સુવિધાઓનું નિર્માણ થઈ શકે તેમ છે. આ માસ્ટર પ્લાનમાં આજે ટ્રાન્સપોર્ટ, પાવર, ટેલિકોમ સહિત સમગ્ર માળખાકીય સુવિધાઓની ગ્રીડને એક જ પ્લેટફોર્મ પર લાવી શકાય તેમ છે. મલ્ટી-મોડલ અને મલ્ટી-પર્પઝ એસેટસના નિર્માણના અભિયાનમાં તમારી ભાગીદારી ખૂબ જ જરૂરી છે. તેનાથી આપણાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં નવા ચેમ્પિયન્સના નિર્માણને પણ બળ મળશે. સંરક્ષણ ક્ષેત્ર માટે મેન્યુફેક્ચરીંગ, ચીપ મેન્યુફેક્ચરિંગ, ક્લિન એનર્જી અને ડ્રોન ટેકનોલોજી સાથે જોડાયેલા અનેક ક્ષેત્રોમાં મહત્વાકાંક્ષી આયોજનો આજે તમારી સમક્ષ પડેલા છે.
હાલમાં નવી ડ્રોન પોલિસી લાગુ કરવામાં આવી તે પછી અનેક રોકાણકારો ડ્રોન સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરી રહ્યા છે. આર્મી, નેવી અને એરફોર્સ તરફથી આશરે રૂ.500 કરોડના ઓર્ડર ડ્રોન કંપનીઓને મળી ચૂક્યા છે. સરકાર મોટાપાયે ગામડાંની મિલકતોનું મેપિંગ કરવા માટે આજે ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. સ્વામીત્વ યોજના માટે હવે દવાઓની હોમ ડિલીવરી અને ખેતી ક્ષેત્રે ડ્રોનના ઉપયોગનો વ્યાપ વધી રહ્યો છે. આ કારણે તેમાં ઘણી સંભાવનાઓ છે.
સાથીઓ,
આપણે ત્યાં ઝડપથી થઈ રહેલું શહેરીકરણ કેન્દ્રીતપણે ધ્યાન આપવાનો એક મોટો વિષય છે. આજે આપણાં હાલના શહેરોનો વિકાસ કરવા માટે અને નવા શહેરોનું નિર્માણ કરવા માટે ખૂબ મોટાપાયે આયોજન થઈ રહ્યું છે. શહેરી આયોજન અંગે આપણે ઘણું કામ કરવાનું છે. આ ક્ષેત્રમાં આ રીતે આપણે વૉક ટુ વર્કનો અભિગમ અને સુસંકલિત ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટનું નિર્માણ કરવાનું છે કે જ્યાં શ્રમિકો માટે, મજૂરો માટે બહેતર વ્યવસ્થા થઈ શકશે. શહેરી આયોજનો નવી સંભાવનાઓ માટે તમારી પ્રતિક્ષા કરી રહ્યા છે. જે રીતે અહિંયા એક જૂથે મોટા શહેરો માટે નેશનલ સાયક્લીંગ પ્લાન અને કારથી ઝોન્સની વાત મૂકી તે શહેરોમાં પર્યાવરણલક્ષી જીવનશૈલીને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ જ આવશ્યક છે. તમને ખબર હશે કે હું જ્યારે કોપ-26 શિખર સંમેલનમાં ગયો હતો ત્યારે મેં ત્યાં મિશન લાઈફ અંગે વાત કરી હતી અને આ લાઈફનો મારો જે અભિગમ છે - લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયર્મેન્ટ (LIFE)નો છે અને હું માનું છું કે આપણે આ ચીજો લાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ, જેમ પી-3 મૂવમેન્ટ આજે અનિવાર્ય છે તે રીતે- પ્રો પ્લેનેટ-પિપલ, પી-3 મૂવમેન્ટ આજે સામાન્ય લોકોમાં પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવાની સાથે સાથે જલવાયુ પરિવર્તન વિરૂધ્ધની આપણી જે લડત છે તેના સૈનિક નહીં બનાવે? આપણે આ લડાઈને શું જીતી ના શકીએ? અને એટલા માટે ભારત મિશન લાઈફ બાબતે વિદેશના અનેક દેશોને આપણી સાથે જોડવાનું કામ થઈ રહ્યું છે.
સાથીઓ,
સ્માર્ટ મોબિલિટીથી શહેરોમાં જીવન પણ આસાન થશે અને કાર્બન એમિશન ઘટાડવાનો આપણાં લક્ષ્યાંકો પણ હાંસલ કરવામાં મદદ મળશે.
સાથીઓ,
દુનિયાના સૌથી મોટા મિલેનિયલ માર્કેટ તરીકે આપણી ઓળખને ભારત સતત સશક્ત બનાવી રહ્યું છે. મિલેનિયલ આજે પોતાના પરિવારોની સમૃધ્ધિ અને રાષ્ટ્રની આત્મનિર્ભરતા બંનેનો આધાર બની રહ્યું છે. ગ્રામ્ય અર્થતંત્રથી માંડીને ઈન્ડસ્ટ્રી-40 સુધી આપણી જરૂરિયાતો અને આપણી ક્ષમતા બંને અસિમિત છે. ભવિષ્યની ટેકનોલોજી સાથે જોડાયેલ સંશોધન અને વિકાસ પ્રવૃત્તિમાં રોકાણ કરવું તે આજે સરકારની અગ્રતા છે, પરંતુ એ બહેતર બની રહેશે કે ઉદ્યોગો પણ પોતાનું યોગદાન આપે અને પોતાનો વ્યાપ વિસ્તારો.
સાથીઓ,
21મી સદીના આ દાયકામાં તમારે બીજી એક બાબત પણ ધ્યાનમાં રાખવાની છે કે દેશમાં ખૂબ મોટું માર્કેટ તો હવે ખૂલી રહ્યું છે. આપણે ડિજિટલ જીવનશૈલીમાં આગળ ધપીને કદમ માંડ્યા છે. હજુ તો આપણી આશરે અડધી જ વસતિ ઓનલાઈન થઈ છે. જે ગતિથી અને જે પ્રકારના વ્યાપ સાથે જે કિંમતે આજે ગામે ગામ અને દરેક ગરીબ સુધી ડિજિટલ એક્સેસ પૂરો પાડવાનું કામ થઈ રહ્યું છે અને તેનાથી ખૂબ ઓછા સમયમાં ભારતના આશરે 100 કરોડ લોકો ઈન્ટરનેટ યુઝર બનવાના છે. જેમ જેમ દૂર દૂરના વિસ્તારોમાં લાસ્ટ માઈલ ડિલીવરી સશક્ત બની રહી છે તેમ તેમ ગ્રામીણ બજારો અને ગ્રામીણ પ્રતિભાઓનો ખૂબ મોટો સમૂહ તૈયાર થઈ રહ્યો છે. આથી ભારતના સ્ટાર્ટ-અપ્સને મારો આગ્રહ છે કે ગામડાં તરફ પણ આગળ ધપે. આ એક અવસર પણ છે અને પડકાર પણ છે. મોબાઈલ ઈન્ટરનેટ, બ્રોડબેન્ડ કનેક્ટિવિટી હોય કે પછી ભૌતિક કનેક્ટિવિટી, ગામડાંઓની અપેક્ષા આજે બુલંદ થઈ રહી છે. ગ્રામ્ય અને અર્ધ શહેરી વિસ્તારોનું વિસ્તરણ કરવાનો નવો પ્રવાહ દેખાઈ રહ્યો છે.
સ્ટાર્ટ-અપ્સ કલ્ચરે આઈડીયાનું જે રીતે લોકશાહીકરણ કર્યું છે તેનાથી મહિલાઓ અને સ્થાનિક બિઝનેસનું સશક્તીકરણ પણ થયું છે. પાપડ અને અથાણાંથી માંડીને હસ્તકલા સુધીની અનેક સ્થાનિક પ્રોડક્ટસનો વ્યાપ આજે વ્યાપક રીતે વધી રહ્યો છે. જાગૃતિ વધવાના કારણે લોકલ માટે લોકો વોકલ થઈ રહ્યા છે અને હમણાં આપણાં જયપુરના સાથી કાર્તિકે લોકલને ગ્લોબલ બનાવવાની જે વાત કરી તેના આધારે તેમણે વર્ચ્યુઅલ ટુરિઝમની પણ વાત કરી. હું આગ્રહ કરીશ કે તમારા જેવા સાથીઓના કારણે આઝાદીના 75 વર્ષ થયા છે ત્યારે શું આપણે શાળા- કોલેજોના બાળકો માટે એક સ્પર્ધાનું આયોજન ના કરી શકીએ અને તે પોતાના જિલ્લામાં, પોતાના શહેરમાં આઝાદી સાથે જોડાયેલી જે ઘટનાઓ છે, જે સ્મારકો છે, ઈતિહાસના જે પાનાં છે તેનું વર્ચ્યુઅલ ક્રિએટીવ વર્ક કરીને તમારા જેવા સ્ટાર્ટ-અપ તેને સુઆયોજીત કરીને આઝાદીના 75 વર્ષ નિમિત્તે વર્ચ્યઅલ ટુર માટે દેશને નિમંત્રિત કરી શકે છે. આઝાદીના અમૃત મહોત્સવમાં સ્ટાર્ટઅપની દુનિયાનું એક ખૂબ મોટું યોગદાન બની રહેશે. તો, આ વિચાર સારો છે અને આ વિચારને કેવી રીતે અમલમાં લાવી શકાય તે અંગે જો આપ શરૂઆત કરશો તો હું ચોક્કસપણે માનું છું કે આપણે તેને પણ આગળ ધપાવી શકીશું.
સાથીઓ,
કોવિડ લૉકડાઉન વખતે આપણે જોયું છે કે સ્થાનિક સ્તરે કેવી રીતે નાના નાના ઈનોવેટિવ મોડલ્સને કારણ લોકોનું જીવન આસાન બન્યું હતું. નાના સ્થાનિક બિઝનેસની સાથે સાથે સહયોગ કરવાની એક ખૂબ મોટી તક સ્ટાર્ટ-અપ પાસે છે. સ્ટાર્ટ-અપ્સ આ સ્થાનિક બિઝનેસનું સશક્તીકરણ કરી શકે તેમ છે અને તેમને કાર્યક્ષમ બનાવી શકે તેમ છે. નાના બિઝનેસ દેશના વિકાસની કરોડરજ્જુ છે અને સ્ટાર્ટ-અપ્સ નવા ગેમ ચેન્જર છે. આ ભાગીદારી આપણાં સમાજ અને અર્થતંત્ર બંનેમાં પરિવર્તન લાવી શકે તેમ છે. ખાસ કરીને મહિલા સશક્તીકરણને આનાથી ખૂબ મોટું બળ મળી શકે તેમ છે.
સાથીઓ,
અહિંયા કૃષિથી માંડીને આરોગ્ય, શિક્ષણથી માંડીને પ્રવાસન પ્રવૃત્તિ સહિતના દરેક ક્ષેત્રમાં સરકાર અને સ્ટાર્ટઅપ્સની ભાગીદારી બાબતે અનેક સૂચનો મળ્યા છે. જે રીતે એક સૂચન એવું પણ મળ્યું છે કે આપણે ત્યાં જે દુકાનદારો છે અને તેમની જે ક્ષમતા છે તેનો ભાગ્યેજ 50થી 60 ટકા ઉપયોગ થઈ રહ્યો છે. અને તેમણે એક ડિજિટલ સોલ્યુશન પણ બતાવ્યું હતું કે જેનાથી આ દુકાનદારોને ખ્યાલ આવે કે કયો સામાન ખાલી થઈ ગયો છે અને કયો સામાન લાવવાનો છે વગેરે જાણી શકાય. હું આપણે એક સૂચન કરીશ કે તમે આ દુકાનદાર અને તેમના ગ્રાહકો સાથે પણ જોડાઈ શકો છો. આવુ થશે તો દુકાનદાર ગ્રાહકને સૂચન કરી શકશે કે તમારી આ ત્રણ ચીજો ત્રણ દિવસ પછી ખાલી થઈ જવાની છે, તમારા ઘરમાં આ 7 ચીજો પાંચ દિવસ પછી ખાલી થઈ જવાની છે. તેમને સંદેશો મળશે તો ઘરવાળાઓએ પણ ડબ્બા ફંફોસવા નહીં પડે, રસોડામાં સામાન છે કે નહીં, અમુક ચીજ છે કે નહીં, તેનું તમે દુકાનદારને મેસેજીંગ કરી શકો છો અને તમે તેને ખૂબ મોટા પ્લેટફોર્મ તરીકે રૂપાંતરિત કરી શકો તેમ છો. માત્ર દુકાનનું જ વિઝન નહીં, પરિવારની જરૂરિયાતો માટે પણ તેમણે મગજ કસવું નહીં પડે. તમારો સંદેશો પહોંચી જશે એટલે તમને હળદર એક માસ માટે લઈ ગયા હતા તે ત્રણ દિવસમાં ખલાસ થઈ જવાની છે તેની જાણકારી આપીને એક ખૂબ મોટું એગ્રીગેટર બની શકે તેમ છે. તમે ખૂબ મોટો પૂલ બની શકો તેમ છો.
સાથીઓ,
હું આપને આશ્વાસન આપું છું કે યુવાનો માટેના દરેક સૂચનો, દરેક આઈડીયા, દરેક ઈનોવેશનને સરકારનો સંપૂર્ણ સહયોગ મળી રહેશે. દેશને આઝાદીના 100 વર્ષ તરફ લઈ જવા માટે આ 25 વર્ષ ખૂબ જ મહત્વના છે. મિત્રો, તમારા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. આ ઈનોવેશન એટલે કે આઈડિયાઝ, ઈન્ડસ્ટ્રી અને ઈન્વેસ્ટમેન્ટનો નવો તબક્કો છે. તમારો શ્રમ ભારત માટે છે. તમારો ઉદ્યમ ભારત માટે છે, તમારી સંપત્તિનું નિર્માણ ભારત માટે છે અને રોજગાર નિર્માણ માટે પણ છે.
હું તમારી સાથે મળીને, ખભેથી ખભો મિલાવીને આપ સૌ નવયુવાનોની ઊર્જાને દેશની ઊર્જામાં પરિવર્તિત કરવા માટે સંપૂર્ણપણે કટિબધ્ધ છું. તમારા સૂચનો, તમારા આઈડિયાઝ, કારણ કે આજની જે નવી પેઢી છે તે નવી રીતે વિચારી રહી છે. આથી નવી વ્યવસ્થાઓને સમજવાનું અને સ્વીકારવાનું ખૂબ જરૂરી બની ગયું છે. અને મને વિશ્વાસ છે કે સાત દિવસના મનોમંથન દરમ્યાન જે ચીજો નીકળી છે, સરકારના તમામ વિભાગો તેને ખૂબ જ ગંભીરતાથી લઈને સરકારમાં તેનો ઉપયોગ કઈ રીતે થઈ શકે, સરકારની નીતિઓમાં તેને કેવી રીતે અસરકારક બનાવી શકાય, સરકારની નીતિઓ મારફતે સમાજ જીવન ઉપર તેનો પ્રભાવ કેવી રીતે પડે તે તમામ વિષયોનો લાભ મળવાનો છે. એટલા માટે હું આપ સૌને આ કાર્યક્રમમાં સહભાગી બનવા બદલ અને આપ સૌનો અમૂલ્ય સમય, એટલા માટે કે તમે આઈડિયાઝની દુનિયાના લોકો છો એટલા માટે તમારો સમય આઈડિયામાં જ રહેતો હોય છે. અને તે આઈડિયાઝ તમે સૌની વચ્ચે વહેંચો તે પણ એક ખૂબ મોટું કામ છે. હું આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મકરસંક્રાંતિના પવિત્ર પર્વ સમયે હમણાં તો હવાનો માહોલ છે. તેની વચ્ચે તમે કોરોનાનું પણ ધ્યાન રાખજો. ખૂબ ખૂબ ધન્યવાદ.
SD/GP/JD
(Release ID: 1790238)
Visitor Counter : 595
Read this release in:
Urdu
,
English
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam