સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય
azadi ka amrit mahotsav

ટેલિકોમ સુધારા પેકજ અંગે વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો (FAQ)

Posted On: 12 JAN 2022 4:41PM by PIB Ahmedabad

15 સપ્ટેમ્બર 2021ના રોજ જાહેર કરવામાં આવેલા ટેલિકોમ સુધારા પેકેજ અંતર્ગત કેટલાક ટેલિકોમ સેવા પ્રદાતાઓને સરકારને ચુકવવાની બાકી રકમને ઇક્વિટીમાં રૂપાંતરિત કરવા સંબંધે પોતાના વિકલ્પોનો ઉપયોગ કરવા મુદ્દે કેટલાક પ્રશ્નો પ્રાપ્ત થયા છે.

1. શું સરકાર કોઇ ટેલિકોમ સેવા પ્રદાતાના શેરોના અધિગ્રહણ અંગે ચુકવણી કરી રહી છે?

જવાબ: ના, કોઇપણ TSP શેરોના અધિગ્રહણ માટે સરકાર દ્વારા કોઇપણ પ્રકારની ચુકવણી કરવામાં આવી રહી નથી. 15 સપ્ટેમ્બર 2021ના રોજ જાહેર કરવામાં આવેલા ટેલિકોમ સુધારા પેકેજ અનુસાર કેટલાક TSP દ્વારા અમુક ચુકવવા પાત્ર રકમને તેમના દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા વિકલ્પોના આધારે જે-તે કંપનીઓમાં ઇક્વિટી/પ્રેફરન્સ મૂડીમાં પરિવર્તિત કરવામાં આવી રહી છે.    

2. તો પછી ત્રણ કંપનીઓમાં કેવી રીતે શેર લેવામાં આવી રહ્યા છે?

ટેલિકોમ ક્ષેત્ર લાંબા સમયથી કાનુની વિવાદના તબક્કામાંથી પસાર થઇ રહ્યું છે. તેના પરિણામે, તમામ ટેલિકોમ કંપનીઓ પર મોટી માત્રામાં જવાબદારી (દેણા રકમ)નો બોજો વધી ગયો છે જે પરંપરાગત મુદ્દાના કારણે ઉભી થયેલી છે. વારસાગત રીતે ચાલી રહેલા આ પ્રશ્નોના કારણે ભારતીય ટેલિકોમ ઉદ્યોગ તણાવની સ્થિતિમાં ધકેલાઇ ગયો છે.

આપણા સમાજમાં ખાસ કરીને કોવિડ મહામારી પછીના પરિદૃષ્યમાં ટેલિકોમ ક્ષેત્ર ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. આથી, સરકારે સપ્ટેમ્બર 2021માં નવા માળખાકીય અને પ્રક્રિયાત્મક સુધારાઓને મંજૂરી આપી હતી.

આ સુધારાઓ અંતર્ગત TSPને સરકારની અમુક ચોક્કસ વ્યાજની જવાબદારીઓને સરકારની તરફેણમાં ઇક્વિટી/પ્રેફરન્સ શેરોમાં રૂપાંતરિત કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.

અમુક કંપનીઓએ તેમની જવાબદારીઓને ઇક્વિટી/પ્રેફરન્સ શેરોમાં રૂપાંતરિત ન કરવાનું પસંદ કર્યું છે, જ્યારે ત્રણ કંપનીઓએ જવાબદારીઓને ઇક્વિટી/પ્રેફરન્સ શેરોમાં રૂપાંતરિત કરવાના વિકલ્પનો ઉપયોગ કર્યો છે. તેઓએ તેમની જવાબદારીઓના બદલામાં સરકાર સમક્ષ આ વિકલ્પ રજૂ કર્યો હતો.

સરકાર આ શેરોને યોગ્ય સમયે વેચી શકે છે અને આ પ્રકારે ચુકવવા પાત્ર રકમની વસુલાત કરી શકે છે.

3. શું આમ કરવાથી આ ત્રણેય કંપનીઓ PSU બની જશે?

ના, આ ત્રણમાંથી કોઇપણ કંપની PSU નહીં બને. આ ત્રણેય કંપનીઓને પ્રોફેશનલ ધોરણે સંચાલિત કરતી ખાનગી કંપનીઓ દ્વારા જ ચાલુ રાખવામાં આવશે.

4. ટેલિકોમ ઉદ્યોગ અને સામાન્ય લોકો પર આની શું અસર પડશે?

ટેલિકોમ ઉદ્યોગને સ્વસ્થ અને સ્પર્ધાત્મક બનેલા રહેવાની જરૂરિયાત છે. મહામારીના સમયમાં સરકારે કરેલા સુધારા અને સહયોગનો અર્થ એવો છે કે, કંપનીઓ તેમનો વ્યવસાય જાળવી રાખવા માટે સક્ષમ બનશે.

જ્યાં બજારમાં બહુ જ ઓછા ખેલાડીઓ રહે તેવી સ્થિતિ પણ આના કારણે અટકી જશે. કારણ કે, સ્પર્ધાના આવા સંભવિત અભાવના કારણે કિંમતો વધી શકે છે અને સેવાઓ ખરાબ થઇ શકે છે. બજારમાં પૂરતા પ્રમાણમાં સ્પર્ધાનો માહોલ ટકી રહે તો સામાન્ય માણસોના હિતોનું તેમાં રક્ષણ થાય છે.

જવાબદારીઓ (દેણા રકમ)ને ઇક્વિટી/પ્રેફરન્સ શેરોમાં તબદીલ કરવાની સાથે જ આ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે અને બહેતર સેવાઓ પ્રદાન કરવાની ક્ષમતા પાછી આવી ગઇ છે. કંપનીઓ રોકાણ કરવાની ક્ષમતા પણ જાળવી રાખે છે જેથી ટેલિકોમ સેવાઓ દૂરસ્થ વિસ્તારો સુધી પહોંચી શકે.

5. BSNLને પુનર્જિવિત કરવા માટે NDA સરકારે શું પગલાં લીધા છે?

ભૂતકાળમાં, MTNL અને BSNL વ્યવસ્થિત રીતે નબળા પડી ગયા હતા કારણ કે તેમને ટેકનોલોજીમાં સુધારા કરવાની કોઇ અનુમતિ નહોતી. તેના પરિણામે, આ બંને જાહેર ક્ષેત્રના સાહસોએ બજારમાં પોતાની હિસ્સેદારી ગુમાવી દીધી અને લગભગ 59,000 કરોડના દેવામાં દબાઇ ગઇ.

સરકારે આ PSUના અસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટે ઘણા પગલાં લીધા છે. સરકારે BSNL અને MTNLને પુનર્જિવિત કરવા અને તેનો વિકાસ કરવા માટે 70,000 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી છે.

સરકારી પ્રયાસેના પરિણામે ભારતીય 4G અને 5G ટેકનોલોજીનો વિકાસ થયો છે. BSNL અત્યારે 4G POCના અંતિમ તબક્કામાં છે. સરકારે 4G સ્પેક્ટ્રમ પ્રાપ્ત કરવા માટે BSNLને ફંડની ફાળવણી પણ કરી છે. આ તમામ પ્રકારના પગલાં લેવાથી BSNLને અત્યંત સ્પર્ધાત્મક સ્થિતિમાં ટકી રહેવાનું સામર્થ્ય મળ્યું છે. હવે BSNLને 20 લાખ કરતાં વધારે ઘરોમાં હાઇસ્પીડ ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડવા માટે સરકારી સહાયતા મદદરૂપ થઇ રહી છે.  

ભૂતકાળની સ્થિતિ કરતાં વિપરિત, હાલની સરકાર સસ્તી ટેલિકોમ સેવાઓ ગરીબ લોકોના ઘરો સુધી પહોંચી શકે તે સુનિશ્ચિત કરવા માટે પારદર્શિત રીતે કામ કરી રહી છે.

SD/GP/JD


(Release ID: 1789476) Visitor Counter : 276