પ્રધાનમંત્રીનું કાર્યાલય
આઇઆઇટી, કાનપુરના 54મા પદવીદાન સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
28 DEC 2021 2:48PM by PIB Ahmedabad
પદવીદાન સમારંભમાં આટલું ગંભીર રહેવું જરૂરી હોય છે? કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ડોક્ટર કે રાધાકૃષ્ણનજી, પ્રોફેસર અભય કરંદિકરજી, આઇઆઇટી કાનપુરના પ્રોફેસર્સ, તમામ વિદ્યાર્થીઓ, અન્ય મહાનુભાવો અને આ ઐતિહાસિક સંસ્થામાંથી ડિગ્રી પ્રાપ્ત કરી રહીને સન્માનિત થઈ રહેલા અન્ય તમામ મહાનુભાવો ! આજે કાનપુર માટે બમણી ખુશીનો દિવસ છે. આજે એક તરફ કાનપુરને મેટ્રો જેવી સુવિધા મળી રહી છે, તો બીજી તરફ આઇઆઇટી કાનપુરમાંથી ટેકનોલોજીની દુનિયાને તમારા જેવી અમૂલ્ય ભેટ પણ મળી રહી છે. હું મારા દરેક યુવાન સાથીદારોને ખૂબ શુભકામનાઓ આપું છું. આજે જે વિદ્યાર્થીઓને સન્માન મળ્યું છે, તેમને પણ અભિનંદન. આજે તમે જ્યાં પહોંચ્યાં છો, તમે જે યોગ્યતા હાંસલ કરી છે, એની પાછળ તમારા માતાપિતા, તમારા પરિવારના લોકો, તમારા શિક્ષકો, તમારા પ્રોફેસર્સ – આ પ્રકારના અગણિત લોકો હશે, એ તમામની મહેનત રહી છે, થોડુંઘણું પ્રદાન રહ્યું છે. હું એ તમામને, ખાસ કરીને તમારા માતાપિતાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.
સાથીદારો,
જ્યારે તમે આઇઆઇટી કાનપુરમાં પ્રવેશ મેળવ્યો હતો ત્યારે અને આજે તમે અહીંથી બહાર નીકળી રહ્યાં છો એટલે અત્યારે - આ બંને સમયગાળામાં તમે તમારી અંદર બહુ મોટું પરિવર્તન અનુભવતા હશો. અહીં પ્રવેશ મેળવતા અગાઉ એક અજાણ્યો ડર હશે, એક અજાણ્યો પ્રશ્ર હશે. અગાઉ તમારું જ્ઞાન, તમારાં પ્રશ્રો તમારી શાળા-કોલેજ, તમારા મિત્રો, તમારા પરિવાર, તમારા સગાસંબંધીઓ પૂરતાં મર્યાદિત હતાં. આઇઆઇટી કાનપુરે તમને એમાંથી બહાર કાઢીને એક બહુ મોટો મંચ પ્રદાન કર્યો છે. હવે અજાણ્યો ડર નથી, હવે આખી દુનિયાને અજમાવવાની હિમ્મત સાથે તમે આગળ વધી રહ્યાં છો. હવે અજાણ્યો પ્રશ્ર નથી, હવે શ્રેષ્ઠ સિદ્ધિઓ મેળવવાની આતુરતા છે, આખી દુનિયા પર છવાઈ જવાનું સ્વપ્ન છે. જેટલો અભ્યાસ તમે વર્ગખંડમાં કર્યો છે, કે જેટલું તમને તમારા વર્ગખંડમાં શીખવા મળ્યું છે, એટલું જ તમને તમારા વર્ગખંડની બહાર, તમારા સાથીદારો વચ્ચે અનુભવ્યું છે. વર્ગખંડમાં તમારા વિચારોને, તમારા વિચારોનો વિસ્તાર થયો છે. વર્ગખંડની બહાર તમારા વ્યક્તિત્વનો વિકાસ થયો છે, તમારું વ્યક્તિત્વ નીખર્યું છે. તમે આઇઆઇટી કાનપુરમાં જે મેળવ્યું છે, જે વિચારને વૈભવ પ્રાપ્ત કર્યો છે, તે એક એવો મજબૂત પાયો છે, એવું મજબૂત પ્રેરકબળ છે, જેની શક્તિથી તમે જ્યાં પણ જશો, ત્યાં કશું નવું કરશો, અનોખું કરશો, મૂલ્ય સંવર્ધન કરશો. તમારી હાલની તાલીમ, તમારી કુશળતા, તમારી જાણકારી, તમારું જ્ઞાન, ચોક્કસ તમને વ્યવહારિક દુનિયામાં મજબૂત સ્થાન મેળવવામાં અતિ મદદરૂપ બનશે. પણ અહીં તમારા જે વ્યક્તિત્વનો વિકાસ થયો છે, એ તમને એવી તાકાત આપશે, જેનાથી તમે સંપૂર્ણ સમાજનું ભલું કરશો, તમારા સમાજનું, તમારા દેશને એક નવું સામર્થ્ય આપશો.
સાથીદારો,
તમે અહીં આઇઆઇટીના ભવ્ય વારસાના ઐતિહાસિક કાળને જીવ્યાં છો. તમે વિવિધતાઓથી સભર ભારતના વૈભવની સાથે વર્તમાનને માણ્યો છે. ભવ્ય વારસા અને જીવંત વર્તમાન – આ બંને આધારસ્તંભ પર, આ બંને પાટા પર આજે તમે તમારા ઉજ્જવળ ભવિષ્યની સફર શરૂ કરી રહ્યાં છો. જ્યારે આજે હું તમારી વચ્ચે છું, ત્યારે તમારી આ યાત્રા શુભ બને, દેશ માટે સફળતાકારક બને – આ જ મારી તમને બધાને શુભકામના છે.
સાથીદારો,
આ વર્ષે ભારતે પોતાની આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. આપણે તમામ અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યાં છીએ. તમે જે શહેરમાં ડિગ્રી મેળવી છે, એ કાનપુરનો પોતાનો શાનદાર ઇતિહાસ રહ્યો છે. કાનપુર ભારતના એ કેટલાંક વિશિષ્ટ શહેરોમાં સામેલ છે, જેની પોતાની આગાવી વિવિધતા છે. સતી ચૌરા ઘાટથી લઈને મદારી પાસી તક, નાનાસાહેબથી લઈને બટુકેશ્વર દત્ત સુધી, જ્યારે આપણા આ શહેરની સફર કરીએ છીએ, ત્યારે એવું લાગે છે કે જાણે આપણા સ્વતંત્રતા સંગ્રામના બલિદાનોના ગૌરવની, એ ગૌરવશાળી ઇતિહાસની સફર કરી રહ્યાં છીએ. આ યાદો વચ્ચે તમે બધા પર દેશને આગામી 25 વર્ષ સુધી દિશા આપવા, દેશને ગતિ આપવાની જવાબદારી છે. તમે કલ્પના કરો – જ્યારે વર્ષ 1930માં દાંડીકૂચ શરૂ થઈ હતી, ત્યારે આ કૂચે, એ સમયગાળાએ, આખા દેશને કેટલો આંદોલિત કરી દીધો હતો. એ સમયે દેશને એટલી ઊર્જા મળી હતી કે એનાથી આઝાદી માટે ભારતના દરેક નાગરિકમાં એક અભૂતપૂર્વ વિશ્વાસ પેદા થયો હતો, દરેક ભારતવાસીના મનમાં વિજયનો વિશ્વાસ સ્થાપિત થયો હતો. 1930ના એ ગાળામાં જે 20થી 25 વર્ષના નવયુવાનો હતા, 1947 સુધી તેમની સફર અને 1947ની આઝાદીની સફળતા, તેમના જીવનનો સોનેરી કાળ હતો. આજે તમે પણ એક રીતે એના જેવા જ એક સોનેરી કાળમાં પ્રવેશ કરી રહ્યાં છો. આ સોનેરી કાળ તમારા માટે છે. જેમ આ રાષ્ટ્રના જીવનનો અમૃતકાળ છે, એ જ રીતે આ તમારા જીવનનો પણ અમૃતકાળ છે. અમૃત મહોત્સવની આ ઘડીમાં જ્યારે તમે આઇઆઇટીના વારસાને લઈને બહાર નીકળી રહ્યાં છો, ત્યારે એ સ્વપ્નોને લઈને પણ નીકળો કે વર્ષ 2047નું ભાર કેવું હશે. આગામી 25 વર્ષમાં ભારતની વિકાસયાત્રાની કમાન તમારે સંભાળવાની છે. જ્યારે તમે તમારા જીવનના 50 વર્ષ પૂર્ણ કરશો, એ સમયે ભારત કેવું હશે, એ માટે તમારે અત્યારથી જ કામ કરવું પડશે. મને ખબર છે કે, કાનપુર આઇઆઇટીએ અહીંના વાતાવરણે તમને એ તાકાત આપી છે કે હવે તમને તમારા સ્વપ્નો સાકાર કરવા કોઈ રોકી નહીં શકે, આ ગાળો, આ 21મી સદી, સંપૂર્ણપણે ટેકનોલોજીથી સંચાલિત છે. આ દાયકામાં પણ ટેકનોલોજીનો દબદબો અલગ-અલગ ક્ષેત્રોમાં વધવાનો છે. ટેકનોલોજી વિના જીવન હવે અધૂરું ગણાશે. આ જીવન અને ટેકનોલોજીની સ્પર્ધાનો યુગ છે અને મને ખાતરી છે કે તમે એમાં જરૂર આગળ વધશો. તમે તમારી નવયુવાનાના આટલા મહત્વપૂર્ણ વર્ષ ટેકનોલોજીના નિષ્ણાત બનવામાં પસાર કર્યા છે. તમારા માટે આનાથી મોટી તક બની કઈ હશે? તમારી પાસે ભારતની સાથે સંપૂર્ણ વિશ્વમાં ટેકનોલોજીના ક્ષેત્રમાં પ્રદાન કરવાની બહુ મોટી તક છે.
સાથીદારો,
આપણી આઇઆઇટી સંસ્થાઓ હંમેશા પ્રતિભા અને ટેકનોલોજી વિકસાવવા માટે ઇન્ક્યુબેશન સેન્ટર રહી છે તથા આઇઆઇટી કાનપુરની એક અલગ જ પ્રતિષ્ઠા કે ઓળખ છે. તમે તમારી પોતાની કંપની એક્વા-ફ્રન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મારફતે બનારસના ખિડકિયા ઘાટ પર દુનિયાનું પ્રથમ ફ્લોટિંગ સીએનજી ફિલિંગ સ્ટેશન વિકસાવ્યું છે, જે શ્રેષ્ઠ છે. એ જ રીતે તમે કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજી વિકસાવી છે, દુનિયાની પ્રથમ પોર્ટેબ્લ સોઇલ ટેસ્ટિંગ કિટ બનાવી છે. 5જી ટેકનોલોજીમાં તો આઇઆઇટી કાનપુરનું કામ આંતરરાષ્ટ્રીય ધારાધોરણ કે માપદંડનો એક ભાગ બની ગયું છે. આ સંસ્થા આ પ્રકારની અનેક સફળતા માટે અભિનંદનને પાત્ર છે. એટલે તમારી જવાબદારીઓમાં પણ અનેકગણો વધારો થયો છે. અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં ઊર્જા અને આબોહવાના ફેરફારના સમાધાનોમાં, અદ્યતન માળખાના ક્ષેત્રમાં દેશમાં કામ કરવાની ભરપૂર તક છે. સ્વાસ્થ્ય કે આરોગ્ય જેવા ક્ષેત્ર પણ અત્યારે ટેકનોલોજી સંચાલિત થઈ રહ્યાં છે. આપણે એક ડિજિટલ નિદાનના યુગમાં, રોબોની સહાયથી સારવારના યુગમાં પ્રવેશ કર્યો છે. અત્યારે હેલ્થ ઉપકરણો ઘરમાં આવશ્યક ચીજવસ્તુઓ બની ગઈ છે. આપત્તિ નિવારણ કે વ્યવસ્થાપનમાં પડકારોનો સામનો પણ આપણે ટેકનોલોજી મારફતે જ કરી શકીએ છીએ. તમે કલ્પના કરો – આપણે કેટલીક બહોળી સંભાવનાઓના દ્વાર પર છીએ. આ સંભાવનાઓ તમારા માટે છે, તેમાં તમારી બહુ મોટી ભૂમિકા છે. આ તમારા માટે દેશ પ્રત્યે ફક્ત જવાબદારી નથી, પણ આ સ્વપ્નો છે, જેને તમારી કેટલી પેઢીઓ જીવી છે. પણ આ સ્વપ્નોને સાકાર કરવાનું, એક આધુનિક ભારતનું નિર્માણ કરવાનું સૌભાગ્ય તમને મળ્યું છે, તમારી પેઢીને મળ્યું છે.
સાથીદારો,
અત્યારે તમે 21મી સદીના જે કાળખંડમાં છો, તે મોટાં લક્ષ્યાંકો નિર્ધારિત કરવાનો અને તેને સાકાર કરવા માટે સંપૂર્ણ શક્તિ લગાવવાનો છે. અત્યારે તમારો જે વિચાર અને અભિગમ છે, એ જ અભિગમ દેશનો પણ છે. અગાઉ જો કામ ચલાવવાનો વિચાર હતો, તો અત્યારે કશું કરવાનો વિચાર છે, કામ કરીને પરિણામો મેળવવાનો છે. જો અગાઉ સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવાનો પ્રયાસ થતો હતો, તો અત્યારે સમસ્યાઓનું સમાધાન કરવા માટે સંકલ્પ લેવામાં આવે છે. સમાધાનો – સ્થાયી સમાધાનો. Stable solutions! આત્મનિર્ભર ભારત એનું બહુ મોટું ઉદાહરણ છે.
સાથીદારો,
આપણે બધાએ જોયું છે કે, જ્યારે કુટુંબમાં કોઈ સભ્ય 20થી 22 વર્ષની થઈ જાય છે, ત્યારે ઘરના વડીલો વારંવાર સંભળાવે છે કે હવે પગભર થવાનો સમય પાકી ગયો છે. મને ખાતરી છે કે, જ્યારે તમે અહીંથી ઘર જશો, તમારા માતાપિતાને મળશો, ત્યારે તમે પણ સાંભળશો કે ભાઈ, હવે અમારું કામ પૂર્ણ થયું છે. હવે તું પગભર થઈ જજે. દરેક માતાપિતા આ જ કહેવાના છે અને જો મોડું કરશો તો તમને વારંવાર સાંભળવા મળશે. ઘરના વડીલો, માતાપિતા તમે આત્મનિર્ભર બનો એટલા માટે આવું કહે છે. તેઓ તમારી અંદર રહેલી શક્તિઓથી તમે પરિચિત થાવ, તમે સ્વપ્નો જુઓ, તેને સાકાર કરવા સંકલ્પ લો અને એને પૂરાં પાડો એ માટે તમને આ રીતે પ્રેરિત કરે છે. આપણા ભારતે પણ આઝાદી પછી પોતાની સફર નવેસરથી શરૂ કરી હતી. જ્યારે દેશને આઝાદી મળ્યાના 25 વર્ષ થયા હતા, ત્યારે આપણે પણ પગભર થવા માટે ઘણું બધું કરવાની જરૂર હતી. ત્યારથી અત્યાર સુધી બહુ મોડું થઈ ગયું છે, દેશ ઘણો બધો સમય ગુમાવી ચુક્યો છે. વચ્ચે 2 પેઢીઓ ચાલી ગઈ, એટલે આપણે 2 ક્ષણ પણ ગુમાવવાની નથી.
સાથીદારો,
મારી વાતોમાં તમને અધીરતા કે ઉતાવળ નજર આવતી હશે અને તમને સ્વાભાવિક રીતે અધીરતા લાગતી પણ હશે. પણ હું ઇચ્છું છું કે અને જ્યારે હું કાનપુરની ધરતી પર તમારા બધાની વચ્ચે આવ્યો છું, ત્યારે મને મન થાય છે કે, તમે પણ આ જ રીતે આત્મનિર્ભર ભારત માટે અધીરા બનો. આત્મનિર્ભર ભારત, સંપૂર્ણ આઝાદીનું મૂળ સ્વરૂપ જ છે, જ્યાં આપણે કોઈના પર પણ નિર્ભર નહીં રહીએ. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું - Every nation has a message to deliver, a mission to fulfill, a destiny to reach. (દરેક દેશ આપવા માટે એક સંદેશ ધરાવે છે, પૂર્ણ કરવા એક અભિયાન ધરાવે છે, ચોક્કસ નિયતિ ધરાવે છે). જો આપણે આત્મનિર્ભર નહીં થઈએ, તો આપણો દેશ આપણા લક્ષ્યાંકો કેવી રીતે પૂરાં કરશે, પોતાની નિયતિ સુધી કેવી રીતે પહોંચશે?
સાથીદારો,
તમે આ કરી શકો છો. તમારામાં આ ક્ષમતા છે. મને તમારી પ્રતિભામાં ભરોસો છે. જ્યારે હું આજે આટલી વાતો કરી રહ્યો છું, ત્યારે મને તેમાં તમારો ચહેરો દેખાય છે. અત્યારે દેશમાં એક પછી એક પરિવર્તનો થઈ રહ્યાં છે, તેમની પાછળ મને તમારો જ ચહેરો જોવા મળે છે. દેશ અત્યારે જે લક્ષ્યાંક નિર્ધારિત કરી રહ્યો છે, તેને હાંસલ કરવાની શક્તિ પણ દેશને તમારી પાસેથી જ મળશે. તમે જ આ કરશો અને તમારે જ આ કરવાનું છે. આ અનંત સંભાવનાઓ તમારા માટે જ છે, અને તમારે જ એને સાકાર કરવાની છે. જ્યારે દેશ પોતાની આઝાદીનું 100મું વર્ષ ઉજવશે, ત્યારે એ સફળતામાં તમારા મહેનતની મહેંક હશે, તમારા પરિશ્રમની ઓળખ હશે. તમે સારી રીતે જાણો છો કે, છેલ્લાં થોડાં વર્ષોમાં આત્મનિર્ભર ભારતનો પાયો તૈયાર કરવા માટે, તમારું કામ સરળ કરવા માટે દેશમાં કઈ રીતે કામ થયું છે. છેલ્લાં 7 વર્ષમાં દેશમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા જેવા કાર્યક્રમો શરૂ થયા છે. અટલ ઇનોવેશન મિશન અને પીએમ રિસર્ચ ફેલોશિપ મારફતે દેશ યુવાનો માટે નવા માર્ગો બનાવી રહ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સાથે futuristic temperament એટલે ભવિષ્યની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે એક નવી પેઢીને તૈયાર કરવાની શરૂઆત થઈ રહી છે. વેપારવાણિજ્યને સરળ બનાવવા વિવિધ સુધારા હાથ ધરવામાં આવ્યાં છે, નીતિગત અવરોધો દૂર કરવામાં આવ્યાં છે – આટલા ઓછા સમયમાં આ પ્રયાસોના પરિણામો આપણી સામે છે. આઝાદીના આ 75મા વર્ષમાં આપણી પાસે 75થી વધારે યુનિકોર્ન છે, 50,000થી વધારે સ્ટાર્ટઅપ છે. એમાંથી 10,000 સ્ટાર્ટઅપ તો ફક્ત છેલ્લાં 6 મહિનામાં ઊભા થયા છે. અત્યારે ભારત દુનિયાનાં બીજા સૌથી મોટા સ્ટાર્ટઅપ કેન્દ્ર બનીને બહાર આવ્યો છે. તેમાંથી ઘણા સ્ટાર્ટઅપ આપણી આઇઆઇટી સંસ્થાઓના યુવાનોએ જ શરૂ કર્યા છે. તાજેતરમાં એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, ભારત દુનિયાના ઘણા વિકસિત દેશોને પાછળ રાખીને સૌથી વધુ યુનિકોર્ન ધરાવતો ત્રીજો સૌથી મોટો દેશ બની ગયો છે.
સાથીદારો,
અત્યારે ગ્લોબલાઇઝેશન એટલે કે વૈશ્વિકરણની વાત થઈ રહી છે, તેના ફાયદા-નુકસાન પર પણ ચર્ચા થાય છે. પણ એક બાબત પર કોઈ વિવાદ નથી. ભારતીય કંપનીઓ આંતરરાષ્ટ્રીય બને, ભારતના ઉત્પાદન આંતરરાષ્ટ્રીય બને એવું કયો ભારતીય નહીં ઇચ્છે! જેઓ આઇઆઇટીના વિદ્યાર્થીઓને ઓળખે છે, અહીંની પ્રતિભાને જાણે છે, અહીના પ્રોફેસર્સની મહેનતને સમજે છે, તેમને ખાતરી છે કે, આ કામ આઇઆઇટીના નવયુવાનો જરૂર કરશે. હું આજે તમને એ વાતની ખાતરી આપું છું કે, સરકાર તમારા દરેક પ્રયાસમાં તમારી સાથે છે.
સાથીદારો,
તમારે એક અન્ય જરૂરી વાત યાદ રાખવાની છે. આજથી શરૂ થયેલી સફરમાં તમને સુખસુવિધા માટે ઘણા લોકો શોર્ટકટ વિશે પણ જાણકારી આપશે. પણ મારી તમને સલાહ એ છે કે, જો તમારે સુવિધા અને પડકારમાંથી કોઈની પસંદગી કરવાની આવે, તો મારો આગ્રહ છે કે, તમે સુવિધાને બદલે પડકાર ઝીલવાનું પસંદ કરજો, કારણ કે તમે ઇચ્છો કે ન ઇચ્છો, પણ જીવનમાં તમારી સમક્ષ પડકારો જરૂર આવશે. જે લોકો પડકારનો સામનો કરવા ગભરાય છે, તેઓ એના શિકાર બની જાય છે. But if you are looking for challenges, you are the hunter and the challenge is the hunted. (પણ જો તમે પડકારો ઝીલશો, તો તમે એનો સફળતાપૂર્વક સામનો કરશો અને એનું સમાધાન કરશો.) એટલે તમારે એવા મનુષ્ય બનવાનું છે, જે સમસ્યાઓ શોધે છે અને પોતાની રીતે પોતાની પસંદગી સાથે એના સમાધાનો શોધી કાઢે છે. મિત્રો, તમે બધા વિદ્યાર્થીઓ આઇઆઇટીના શ્રેષ્ઠ ટેકનોલોજી પ્રતિભાઓ છો. You all eat, drink, breathe technology. તમે સતત ઇનોવેશનમાં રચ્યાપચ્યા રહો છો. તેમ છતાં આ બધાની વચ્ચે મારો તમને બીજો આગ્રહ પણ છે. ટેકનોલોજીની પોતાની તાકાત હોય છે, ટેકનોલોજી ખરાબ નથી અને આ તમારો શોખ અને ઉત્સાહ પણ છે. પણ ટેકનોલોજીની દુનિયામાં રહીને તમે જીવનના માનવીય પાસાંને ક્યારેય ભૂલી ન જતાં. તમે પોતે ક્યારેય રોબો ન બની જતા, રોબો વર્ઝન ન બની જતાં. તમે તમારી માનવીય સંવેદનાઓ, તમારી કલ્પનાઓ, તમારી રચનાત્મકતા અને જિજ્ઞાસાવૃત્તિને હંમેશા જીવિત રાખજો. તમારા જીવનમાં એ ચીજોને પણ મહત્વ આપજો, જે જરૂરી નથી કે આપણને ટેકનોલોજીની મદદથી જ મળતી હોય. તમે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી) પર જરૂર કામ કરજો, પણ ઇમોશન ઓફ થિંગ્સ (લાગણીસભર બાબતો)ને ક્યારેય ભૂલતાં નહીં. તમે આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે જરૂર વિચારજો, પણ માનવીય બૌદ્ધિક પ્રતિભાને પણ યાદ રાખજો. તમે કોડિંગ કરતાં રહેજો, પણ લોકો સાથે તમારું જોડાણ જાળવી રાખજો. અલગ-અલગ લોકો સાથે, વિવિધ સંસ્કૃતિના લોકો સાથે તમારું જોડાણ તમારા વ્યક્તિત્વની ક્ષમતા વધારશે. એવું ન બનવું જોઈએ કે જ્યારે લાગણી વ્યક્ત કરવાની વાત આવે, ત્યારે તમારો જવાબ હોય - H.T.T.P 404 - page not found. જ્યારે વાત આનંદ અને ભલાઈની વહેંચણી કરવાની હોય, ત્યારે કોઈ પાસવર્ડ ન રાખતા, ખુલ્લાં હૃદય સાથે જીવનનો આનંદ માણજો. મેં અત્યારે જે આનંદ કે ખુશીની વહેંચણી વાત કરી છે એટલે મને ખબર છે કે આ શબ્દ તમારા મનમાં બહુ બધી વાતો તાજી કરી રહ્યો છે. સાગર ઢાબા અને કેરલા કાફેની ગપશપ, અહીંના કેમ્પસના રેસ્ટોરાંનો સ્વાદ, સીસીડીની કોફી, ઓઓટી પર કાઠી રોલ્સ અને એમટી પર ચા અને જલેબી, ટેક-ક્રિતિ અને અંતરંગિની પણ તમને બહુ યાદ આવશે. જીવન આ જ છે. જગ્યાઓ બદલી જાય છે, લોકો મળે છે અને વિખૂટા પડે છે, પણ જીવન સતત આગળ વધતું જાય છે. એને જ કહેવાય છે – ચરૈવેતિ ચરૈવેતિ ચરૈવેતિ. હું જોઈ રહ્યો છું કે, બીજા ઘણા વિદ્યાર્થીઓ, બીજા લેક્ચર હોલમાં પણ આપણી સાથે જોડાયેલા છે, કોરોનાની આચારસંહિતાને કારણે તેઓ ત્યાંથી મને સાંભળી રહ્યાં છે. જો તમારા લોકોની મંજૂરી મળશે અને તમારી આ આચારસંહિતામાં કોઈ તકલીફ નહીં હોય, તો હું હમણા તેમને મળવા પણ જઇશ, હું તેમને રુબરુ મળીશ. તમે તમારી કારકિર્દીમાં સફળતા મેળવો, તમારી સફળતા, દેશની સફળતા બને, આ જ શુભકામના સાથે હું મારી વાણીને વિરામ આપું છું. તમને બધાને ફરી એક વાર ખૂબ શુભકામના. ખૂબ ધન્યવાદ!
SD/GP/JD
(Release ID: 1785833)
Visitor Counter : 355
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam