પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રાકૃતિક ખેતી અંગેની રાષ્ટ્રિય કોન્કલેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 16 DEC 2021 4:09PM by PIB Ahmedabad

નમસ્કાર,

ગુજરાતના ગવર્નરશ્રી આચાર્ય દેવવ્રતજી, ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, કેન્દ્રના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરજી, ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથજી, અન્ય તમામ મહાનુભવો, દેશના ખૂણે ખૂણેથી હજારોની સંખ્યામાં જોડાયેલા મારા ખેડૂત ભાઈઓ અને બહેનો. દેશનું કૃષિ ક્ષેત્ર, ખેતી અને ખેત કામગીરી માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. મેં સમગ્ર દેશના ખેડૂત સાથીઓને આગ્રહ કર્યો હતો કે પ્રાકૃતિક ખેતી અંગેની રાષ્ટ્રિય કોન્ક્લેવમાં ચોક્કસ જોડાય. અને જે રીતે હમણાં કૃષિ મંત્રી તોમરજીએ જણાવ્યું તે મુજબ આશરે 8 કરોડ ખેડૂતો ટેકનોલોજીના માધ્યમથી દેશના દરેક ખૂણેથી આપણી સાથે જોડાયા છે. હું તમામ ખેડૂત ભાઈ-બહેનોનું સ્વાગત કરૂં છું, અભિનંદન આપુ છું. હું આચાર્ય દેવવ્રતજીને પણ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આજે ખૂબ જ ધ્યાનથી એક વિદ્યાર્થીની જેમ હું તેમની વાતો સાંભળી રહ્યો હતો. હું પોતે ખેડૂત નથી, પણ ખૂબ જ સરળતાથી સમજી શક્યો હતો કે પ્રાકૃતિક ખેતી માટે શું જોઈએ, શું કરવાનું છે તે તેમણે ખૂબ જ સરળ શબ્દોમાં સમજાવ્યું હતું. મને પૂરો વિશ્વાસ છે કે આજનું તેમના દ્વારા અપાઈ રહેલું આ માર્ગદર્શન સાંભળવા માટે હું પૂરો સમય હાજર રહ્યો હતો, કારણ કે મને ખબર હતી કે તેમણે સિધ્ધિ પ્રાપ્ત કરી છે અને સફળતાપૂર્વક પ્રયોગો પણ આગળ વધાર્યા છે. આપણાં દેશના ખેડૂતો પણ તેમના ફાયદાની આ વાત ક્યારેય પણ ઓછી નહીં આંકે અને ક્યારેય ભૂલશે નહીં.

સાથીઓ,

આ કોન્કલેવ ભલે ગુજરાતમાં યોજાઈ હોય પણ તેનો વ્યાપ, તેનો પ્રભાવ સમગ્ર ભારતમાં પડશે. ભારતના દરેક ખેડૂત માટે ખેતીના અલગ અલગ પાસાં હોય છે. ફૂડ પ્રોસેસિંગ હોય, પ્રાકૃતિક ખેતી હોય, આ વિષયો 21મી સદીમાં ભારતની ખેતીનો કાયાકલ્પ કરવામાં ખૂબ જ મદદ કરશે. આ કોન્ક્લેવ દરમ્યાન, અહીં હજારો કરોડ રૂપિયાની સમજૂતીઓ થઈ, તેની ચર્ચાઓ પણ થઈ, આ બાબતે પણ પ્રગતિ થઈ છે. તેમાં પણ ઈથેનોલ ઓર્ગેનિક ફાર્મીંગ તથા ફૂડ પ્રોસેસિંગ બાબતે જે ઉત્સાહ જોવા મળ્યો છે. તે નવી શક્યતાઓને વિસ્તાર પૂરો પાડે છે. મને એ બાબતનો પણ સંતોષ છે કે ગુજરાતમાં અમે ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતીમાં તાલમેળ માટે જે પ્રયોગો કર્યા હતા તે સમગ્ર દેશને દિશા આપી રહ્યા છે.

હું ફરી એક વખત ગુજરાતના ગવર્નર, આચાર્ય દેવવ્રતજીનો વિશેષ આભાર વ્યક્ત કરવા માંગુ છું. જેમણે દેશના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી બાબતે એટલા સરળ શબ્દોમાં પોતાના અનુભવની વાતો મારફતે ખૂબ જ વિસ્તૃત રીતે સમજાવ્યું છે.

સાથીઓ,

આઝાદીના અમૃત મહોત્સવમાં આજે ભૂતકાળના અવલોકનો અને તેમના અનુભવોથી શીખ લઈને નવો માર્ગ પણ બનાવવાનો છે. આઝાદી પછીના દાયકાઓમાં જે રીતે દેશમાં ખેતી થઈ અને જે દિશામાં આગળ વધી તે આપણે સૌએ બારીકીથી જોયું છે. 100 વર્ષ સુધીની આપણી જે સફર છે, આવનારા 25 વર્ષની જે સફર છે તેને નવી જરૂરિયાતો અને નવા પડકારો મુજબ પોતાની ખેતીને ઢાળવાની છે. વિતેલા 6 થી 7 વર્ષમાં બીજથી માંડીને બજાર સુધી ખેડૂતની આવક વધારવા માટે એક પછી એક અનેક કદમ ઉઠાવવામાં આવ્યા છે. માટીની તપાસથી માંડીને, સેંકડો નવા બીજ તૈયાર કરવા સુધી પીએમ કિસાન સન્માન નિધિથી માંડીને પડતરથી દોઢ ગણી એમએસપી કરવા સુધી, સિંચાઈના સશક્ત નેટવર્કથી માંડીને કિસાન રેલવે સુધી અનેક કદમ ઉઠાવવામાં આવ્યા છે. અને શ્રીમાન તોમરજીએ પોતાના ભાષણમાં તેનો થોડો ઉલ્લેખ પણ કર્યો છે. ખેતીની સાથે સાથે પશુપાલન, મધમાખી ઉછેર, મત્સ્ય ઉછેર અને સૌર ઊર્જા, બાયોફયુઅલ જેવા આવકના અનેક વૈકલ્પિક સાધનો સાથે ખેડૂતોને સતત જોડવામાં આવી રહ્યા છે. ગામડામાં સંગ્રહ વ્યવસ્થા, કોલ્ડ ચેઈન અને ફૂડ પ્રોસેસીંગ ઉપર ભાર મૂકવા માટે લાખો કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ બધા પ્રયાસોથી ખેડૂતોને સાધનો મળ્યા છે. ખેડૂતોને પોતાની પસંદગીનો વિકલ્પ આપવામાં આવી રહ્યો છે, પણ આ બધાંની સાથે આપણી સામે એક મહત્વનો પ્રશ્ન છે કે જ્યારે માટી જવાબ આપશે ત્યારે શું થશે? જ્યારે મોસમ જ પાક નહીં આપે, જ્યારે ધરતી માતાના ગર્ભમાં મર્યાદિત પાણી રહી જશે ત્યારે શું થશે? આજે દુનિયાભરમાં ખેતીના આ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. એ સાચું છે કે રસાયણ અને ફર્ટિલાઈઝરે હરિયાળી ક્રાંતિમાં મહત્વની ભૂમિકા બજાવી છે, પણ એ વાત પણ એટલી જ સાચી છે કે આપણે આપણાં વિકલ્પો અંગે પણ સાથે સાથે કામ કરતાં રહેવું પડશે અને વધુ ધ્યાન આપવું પડશે. ખેતીમાં ઉપયોગમાં આવતા કીટાણુનાશક અને ફર્ટિલાઈઝર આપણે ખૂબ મોટી માત્રામાં આયાત કરવા પડે છે. બહારથી, દુનિયાના દેશોમાંથી અબજો રૂપિયાનો ખર્ચ કરીને લાવવા પડે છે. આ કારણે ખેતીની પડતર પણ વધી જાય છે. ખેડૂતોનો ખર્ચ વધે છે અને ગરીબની રસોઈ પણ મોંઘી બને છે. આ સમસ્યા ખેડૂતો અને દેશવાસીઓના આરોગ્ય સાથે પણ જોડાયેલી છે. એટલા માટે સતર્ક રહેવાની જરૂર છે, જાગૃત રહેવાની જરૂર છે.

સાથીઓ,

ગુજરાતીમાં એક કહેવત છે અને તે દરેક ઘરમાં બોલવામાં આવે છે કે "પાણી આવે તે પહેલાં પાળ બાંધો" પાણી પહેલા બંધ બાંધો એવુ અહીંયા સૌ કોઈ કહે છે. આનો અર્થ એ છે કે ઈલાજ કરતાં પહેલાં પરેજી રાખવી બહેતર બની રહે છે. ખેતી સાથે જોડાયેલી સમસ્યાઓ વિકરાળ બની જાય તે પહેલાં મોટા કદમ ઉઠાવવાનો આ સાચો સમય છે. આપણે આપણી ખેતીને રસાયણની લેબોરેટરીમાંથી બહાર કાઢીને નેચર એટલે કે પ્રકૃતિની પ્રયોગશાળા સાથે જોડવી જ પડશે. હું જ્યારે પ્રકૃતિની પ્રયોગશાળાની વાત કરું છું ત્યારે તે સંપૂર્ણ રીત વિજ્ઞાન આધારિત જ છે, આવું કેવી રીતે બને છે? તે બાબતે આપણને હમણાં આચાર્ય દેવવ્રતજીએ વિસ્તારથી વાત કરી હતી. આપણે એક નાની ફિલ્મમાં પણ જોયું છે. અને જે રીતે તેમણે કહ્યું કે તેમનું પુસ્તક પ્રાપ્ત કરીને અથવા તો યુટ્યુબ પર આચાર્ય દેવવ્રતજીનું નામ શોધીશું તો ત્યાં તેમના ભાષણ પણ મળી જશે. જે તાકાત ખાતરમાં છે, ફર્ટિલાઈઝરમાં છે. જે તત્વ, બીજ પ્રકૃતિમાં પણ મોજૂદ છે. આપણે તો ઉપજ શક્તિમાં વધારો કરે તેવા જીવાણુઓની માત્રા ધરતીમાં વધારવાની છે. તેના કારણે ઉપાયો મળી શકે છે કે  જે પાકનું રક્ષણ પણ કરશે અને ઉપજ શક્તિ પણ વધારશે. બીજથી માંડીને માટી સુધી તમામનો ઈલાજ તમે પ્રાકૃતિક રીતે કરી શકો છો. આ ખેતીમાં ખાતરનો ખર્ચ કરવાનો નથી કે કીટકનાશકોનો પણ ખર્ચ કરવાનો નથી. એમાં સિંચાઈની જરૂરિયાત ઓછી રહે છે અને તે પૂર તથા દુષ્કાળ સામે કામ પાર પાડવામાં પણ સક્ષમ છે. ઓછી સિંચાઈવાળી જમીન હોય કે પછી અધિક પાણી ધરાવતી ભૂમિ હોય. પ્રાકૃતિક ખેતીથી ખેડૂત વર્ષમાં અનેક પાક લઈ શકે છે. એટલું જ નહીં, જે ઘઉં, અનાજ, દાળ અથવા ખેતીના જે કોઈપણ કચરા નીકળતા હોય છે, જે પરાળ નીકળે છે તેનો પણ તેમાં સદુપયોગ કરી શકાય છે. આનો અર્થ એ કે ઓછો ખર્ચ, વધુ નફો. આ જ તો છે પ્રાકૃતિક ખેતી.

સાથીઓ,

આજે દુનિયા જેટલી આધુનિક થઈ રહી છે તેટલી જ પાયાના બાબતો તરફ પાછી જઈ રહી છે. આ બેક ટુ બેઝિક નો અર્થ શું થાય છે? આનો અર્થ એ થાય છે કે આપણાં મૂળ સાથે જોડાવું! આ બાબત આપ સૌ ખેડૂત સાથીઓ કરતાં બહેતર કોણ સમજી શકે તેમ છે? આપણે મૂળમાં જેટલું સિંચન કરીએ તેટલો જ છોડનો વિકાસ થતો હોય છે. ભારત તો એક ખેતી પ્રધાન દેશ છે. ખેતી અને ખેત કામગીરીની આસપાસ આપણો સમાજ વિકસીત થયો છે. પરંપરાઓને પોષણ મળ્યું છે, પર્વ અને તહેવારો બન્યા છે. અહીં દેશના ખૂણે ખૂણેથી ખેડૂત સાથીદારો જોડાયા છે. તમે જ મને કહો કે તમારા વિસ્તારમાં ખાણી-પીણી, રહેણી- કરણી, તહેવાર અને પરંપરાઓ એવું કશું પણ છે કે જેની ઉપર આપણી ખેતીનો, પાકનો પ્રભાવ ના હોય! જ્યારે આપણી સભ્યતા ખેતીની સાથે વિકસી છે ત્યારે ખેતીથી માંડીને આપણું જ્ઞાન વિજ્ઞાન કેટલું સમૃધ્ધ રહ્યું હશે? વૈજ્ઞાનિક રહ્યું હશે? એટલા માટે ભાઈઓ અને બહેનો, આજે જ્યારે દુનિયા ઓર્ગેનિકની વાત કરે છે, નેચરલની વાત કરે છે ત્યારે બેક ટુ બેઝીક ની પણ વાત થતી રહે છે, કારણ કે તેના મૂળિયાં ભારત સાથે જોડાયેલા દેખાઈ રહ્યા છે.

સાથીઓ,

અહીંયા ખેતી સાથે જોડાયેલા અનેક વિદ્વાન લોકો ઉપસ્થિત છે. જેમણે આ વિષય ઉપર વ્યાપક સંશોધન કર્યું છે. આપ સૌ જાણો છો કે આપણે ત્યાં ઋગ્વેદ અને અથર્વવેદથી માંડીને આપણાં પુરાણો સુધી કૃષિ- પારાશર અને કાશ્યપિય કૃષિ સુક્ત જેવા પ્રાચીન ગ્રંથો સુધી અને દક્ષિણમાં તામિલ નાડુના સંત તિરૂવલ્લુવરજીથી માંડીને ઉત્તરમાં કૃષક કવિ ધાધ સુધી આપણી ખેતી અંગે કેટલીક બારીકીઓથી સંશોધન થયા છે. જેમ એક શ્લોક છે કે -

ગોહિતઃ ક્ષેત્રગામી ચઃ.

કાલજ્ઞો બીજ-તત્પરઃ,

વિતન્દ્રઃ સર્વ સશ્યાઢ્ય,

કુશકો ન અવસીદતિ.

 

આનો અર્થ એવો થાય છે કે જે ગોધનનું, પશુધનનું હિત જાણતો હોય, મોસમ અને સમય બાબતે જાણતો હોય, બીજ બાબતે જાણકારી ધરાવતો હોય અને આળસ કરતો ના હોય તેવો ખેડૂત ક્યારેય પણ પરેશાન થતો નથી. ગરીબ બનતો નથી. આ એક શ્લોક પ્રાકૃતિક ખેતીનું સૂત્ર પણ છે અને પ્રાકૃતિક ખેતીની તાકાત પણ બતાવે છે. તેમાં જેટલા પણ સાધનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રાકૃતિક સ્વરૂપે ઉપલબ્ધ છે. આ રીતે માટીને કેવી રીતે ઉપજાઉ બનાવાય, ક્યારે કયા પાકને પાણી આપવામાં આવે, પાણીની બચત કેવી રીતે થઈ શકે તેના ઘણાં સૂત્રો આપવામાં આવ્યા છે. એક ખૂબ જ પ્રચલિત શ્લોક છે કે-

 

નૈરૂત્યાર્થં હિ ધાન્યાનાં જલં ભાદ્રે વિમોચયેત્

મૂલ માત્રન્તુ સંસ્થાપ્ય કારયેજ્જત- મોક્ષણમ્.

 

આનો અર્થ એવો થાય છે કે પાકને બિમારીથી બચાવીને તંદુરસ્ત બનાવવા માટે ભાદરવા મહિનામાં પાણી કાઢી નાંખવુ જોઈએ. માત્ર મૂળ માટે જ પાણી ખેતરમાં રહેવું જોઈએ. કવિ ધાધે પણ લખ્યું છે કે

 

ગેહુ બાહેં, ચના દલાયે,

ધાન ગાહેં, મક્કા નિરાયે.

ઉખ કસાયે

 

આનો અર્થ એવો થાય છે કે ખૂબ ઠંડી પડવાથી ઘઉં, ચૂંટવાથી ચણા અને વારંવાર પાણી આપવાથી અનાજ તથા નિંદામણ કરવાથી મકાઈ તેમજ પાણી છોડ્યા પછી શેરડીનું વાવેતર કરવાથી પાક સારો થાય છે. તમે કલ્પના કરી શકો છો કે આશરે બે હજાર વર્ષ પહેલાં તામિલ નાડુના સંત તિરૂવલ્લુવરજીએ પણ ખેતી સાથે જોડાયેલા કેટલા બધા સૂત્રો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે -

તોડિ- પુડુડી કછચા ઉણક્કિન,

પિડિથેરૂવુમ વેંડાદ્ સાલપ પડુમ.

આનો અર્થ એવો થાય કે જમીન સૂકી હોય તો પા ભાગની જમીન ઓછી કરીને વાવેતર કરવામાં આવે તો ખાતર વગર પણ ખૂબ જ અનાજ પાકે છે.

 

સાથીઓ,

 

ખેતી સાથે જોડાયેલા આપણાં આ પ્રાચીન જ્ઞાનમાંથી આપણે શિખવાની જરૂર છે, એટલું જ નહીં, પણ તેમાં આધુનિક સમય અનુસાર ફેરફાર કરવાની પણ જરૂર છે. આ દિશામાં આપણે નવેસરથી સંશોધન કરવા પડશે. પ્રાચીન કેન્દ્રો, કૃષિ વિદ્યાલયો એમાં મોટી ભૂમિકા ભજવી શકે તેમ છે. આપણે જાણકારીને માત્ર અભ્યાસ લેખો અને થિયરી પૂરતી જ મર્યાદિત રાખવાની નથી. તેને આપણે વ્યવહારિક સફળતામાં બદલવાની છે. પ્રયોગશાળાથી જમીન સુધી આપણી યાત્રા રહેશે. તેની શરૂઆત પણ આપણી સંસ્થાઓ કરી શકે છે. આપણે એવો સંકલ્પ કરવાનો રહેશે કે પ્રાકૃતિક ખેતીને, નેચરલ ફાર્મીંગને વધુને વધુ ખેડૂતો સુધી લઈ જઈશું. તમે જ્યારે આવું કરી બતાવશો તો શક્ય છે કે સફળતાની સાથે સાથે સામાન્ય માનવી પણ તેની સાથે જોડાશે.

 

સાથીઓ,

નવું શિખવાની સાથે સાથે આપણે ખેતીની પધ્ધતિઓમાં આવેલી કેટલીક પધ્ધતિઓને પણ ભૂલવી પડશે. જાણકારો એવું કહે છે કે ખેતીમાં આગ લગાડવાથી ધરતી પોતાની ફળદ્રુપતા ગૂમાવે છે. આપણે જોઈએ છીએ કે જે પ્રકારે માટીમાં બને છે અને એ બાબત સમજવા જેવી છે કે જે રીતે માટીને જ્યારે તપાવવામાં આવે છે ત્યારે તે ઈંટનું સ્વરૂપ ધારણ કરે છે અને ઈંટ એટલી મજબૂત બને છે કે ઈમારત ઉભી કરી શકાય છે, પણ આપણે ત્યાં ખેતીનો કચરો સળગાવવાની પરંપરા ઉભી થઈ છે. આપણને ખબર છે કે માટીને તપાવીએ છીએ ત્યારે ઈંટ બને છે, તો પણ આપણે માટીને તપાવતા રહીએ છીએ. આ જ રીતે એક એવો પણ ભ્રમ ઉભો થયો છે કે રસાયણ વગર સારો પાક થતો નથી. જ્યારે સચ્ચાઈ આનાથી બિલકુલ ઉલ્ટી છે. અગાઉ રસાયણો ન હતા, તો પણ પાક સારો થતો હતો. માનવતાનો ઈતિહાસ તેનો સાક્ષી છે. તમામ પડકારો હોવા છતાં કૃષિ યુગમાં માનવજાત સૌથી ઝડપથી ફૂલીફાલી અને આગળ વધી, કારણ કે ત્યારે સાચી પધ્ધતિથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવતી હતી. લોકો સતત શિખતા રહેતા હતા. આજે ઔદ્યોગિક યુગમાં તો આપણી પાસે ટેકનોલોજીની તાકાત છે. કેટલા બધા સાધનો છે, મોસમ અંગે પણ જાણકારી છે. હવે તો આપણે ખેડૂતો સાથે મળીને એક નવો ઈતિહાસ રચી શકીએ તેમ છીએ. દુનિયા જ્યારે ગ્લોબલ વોર્મિંગથી પરેશાન છે ત્યારે ભારતનો ખેડૂત તેમાંથી માર્ગ કાઢવા માટે પોતાના પરંપરાગત જ્ઞાન વડે ઉપાયો આપી શકે છે. આપણે સાથે મળીને કશુંક કરી શકીએ તેમ છીએ.

 

ભાઈઓ અને બહેનો,

પ્રાકૃતિક ફાર્મિંગથી જેમને સૌથી વધુ ફાયદો થશે તે છે આપણાં દેશના 80 ટકા નાના ખેડૂત. એવા ખેડૂત કે જેમની પાસે 2 હેક્ટર કરતાં ઓછી જમીન છે અને તેમાંથી મોટા ભાગના ખેડૂતો કેમિકલ અને ફર્ટિલાઈઝર પાછળ વધુ ખર્ચ કરે છે. આવા ખેડૂતો જો પ્રાકૃતિક ખેતી તરફ વળશે તો તેમની સ્થિતિ વધુ સારી બનશે.

 

ભાઈઓ અને બહેનો,

પ્રાકૃતિક ખેતી અંગે ગાંધીજીએ જે વાત કરી છે તે બિલકુલ સાચી લાગે છે. જ્યાં શોષણ થશે, ત્યાં પોષણ નહીં મળે. ગાંધીજી કહેતા હતા કે- માટીને ઉંચી નીચી કરવાનું ભૂલી જાવ. ખેતરને ખોદવાનું ભૂલી જાવ. એક રીતે કહીએ તો આ બધુ પોતાને જ ભૂલી જવા જેવું છે. મને સંતોષ છે કે વિતેલા થોડા વર્ષોમાં દેશના અનેક રાજ્યોમાં સુધારા થઈ રહ્યા છે. નજીકના વર્ષોમાં હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી ચૂક્યા છે અને એમાંથી કેટલાક તો સ્ટાર્ટઅપ્સ છે. તેમાં ખેડૂતોને તાલિમ પણ આપવામાં આવે છે અને ખેતીમાં આગળ ધપવા માટે મદદ પણ કરવામાં આવી રહી છે.

 

ભાઈઓ અને બહેનો,

જે રાજ્યોમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ જોડાઈ ચૂક્યા છે તેમના અનુભવો ઉત્સાહ વધારે તેવા છે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી બાબતે આપણે ઘણાં વહેલા પ્રયાસો શરૂ કરી દીધા હતા. આજે ગુજરાતના અનેક વિભાગમાં તેની સકારાત્મક અસર જોવા મળી રહી છે. તેવી જ રીતે હિમાચલ પ્રદેશમાં પણ ઝડપથી આવી ખેતી તરફ આકર્ષણ વધતું જાય છે. હું આજે દેશના દરેક રાજ્યને, દરેક રાજ્ય સરકારને આગ્રહ કરવા માંગુ છું કે તે પ્રાકૃતિક ખેતીને જન આંદોલન બનાવવા માટે આગળ આવે. આ અમૃત મહોત્સવમાં દરેક પંચાયતનું ઓછામાં ઓછું એક ગામ ચોક્કસપણે પ્રાકૃતિક ખેતી સાથે જોડાય. આવો પ્રયાસ આપણે સૌ કરી શકીએ છીએ, અને હું ખેડૂત ભાઈઓને પણ કહેવા માંગુ છુ. હું એવું નથી કહેવા માંગતો કે તમારી પાસે જો એક એકર જમીન હોય કે પાંચ એકર જમીન હોય તો તમામ જમીન પર આ પ્રયોગ કરો. તમારે થોડો અનુભવ જાતે કરવો જોઈએ. જમીનનો થોડો ભાગ લો, અડધુ ખેતર લો, ચોથા ભાગનું ખેતર લો, એક હિસ્સો નક્કી કરો અને તેમાં પ્રયોગ કરો. જો ફાયદો દેખાય તો થોડો વિસ્તાર વધારો. એક- બે વર્ષમાં તમે આખા ખેતરમાં ધીરે ધીરે આગળ ધપો. વ્યાપ વધારતા જાવ. રોકાણ કરનારા તમામ સાથીઓને મારો આગ્રહ છે કે વર્તમાન સમય ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેતીમાં તેમના ઉત્પાદનોના પ્રોસેસિંગમાં મોટા રોકાણો કરે. તેનો માત્ર આપણો દેશ જ નહીં, પણ સમગ્ર વિશ્વનું બજાર પ્રતિક્ષા કરી રહ્યું છે. આપણે આવનારી શક્યતાઓ અંગે આજથી જ કામ કરવાનું છે.

 

સાથીઓ,

આ અમૃતકાળમાં દુનિયા માટે આહાર સુરક્ષા અને પ્રકૃતિ સાથે બહેતર સમન્વયના ઉપાયો ભારતે જ આપવાના છે. ક્લાયમેટ ચેન્જ સમીટમાં મેં લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયર્મેન્ટ  એટલે કે જીવનને ગ્લોબલ મિશન બનાવવા માટે અનુરોધ કર્યો હતો. 21મી સદીમાં તેનું નેતૃત્વ ભારતે કરવાનું છે. ભારતના ખેડૂતે કરવાનું છે અને એટલા માટે આવો, અને આઝાદીના અમૃત મહોત્સવમાં મા ભારતીની ધરતીને રાસાયણિક ખાતર અને કીટાણુનાશકોથી મુક્ત કરવાનો સંકલ્પ કરો. દુનિયાને સ્વસ્થ ધરતી, સ્વસ્થ જીવનનો માર્ગ બતાવો. આજે ભારતને આત્મનિર્ભર બનાવવાનું સપનું આપણે સજાવી રહ્યા છીએ. ભારત ત્યારે જ આત્મનિર્ભર બની શકે કે જ્યારે તેની ખેતી આત્મનિર્ભર બને. દરેકે દરેક ખેડૂત આત્મનિર્ભર બને. અને આવું ત્યારે જ થઈ શકે કે જ્યારે બિન કુદરતી ખાતર અને દવાઓને બદલે આપણે ધરતી માતાની માટીનું સંવર્ધન કરીએ. ગોબર- ધનથી કરીએ, પ્રાકૃતિક તત્વોથી કરીએ. દરેક દેશવાસી, દરેક ચીજના હિત માટે, દરેક જીવના હિત માટે પ્રાકૃતિક ખેતીને જન આંદોલન બનાવશે એવા વિશ્વાસની સાથે હું ગુજરાત સરકારને, ગુજરાતના મુખ્ય મંત્રીજીને, તેમની સમગ્ર ટીમને, ગુજરાતમાં આ પહેલ હાથ ધરવા માટે, સમગ્ર ગુજરાતની ખેતીને જન આંદોલનનું સ્વરૂપ આપવા માટે અને આજે સમગ્ર દેશના ખેડૂતોને જોડવા માટે સંબંધિત તમામ લોકોને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ!

SD/GP/JD

 

 

 



(Release ID: 1782449) Visitor Counter : 1834