પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સંબોધન કર્યું



પવિત્ર ગુરુ પુરબ નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છાઓ પાઠવી અને કરતારપુર સાહિબ કોરિડોર ફરી ખુલ્લો મૂક્યો

“આજે આપ સૌને, સમગ્ર દેશને, હું એ કહેવા માટે આવ્યો છું કે અમે તમામ ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. આ મહિને શરૂ થઇ રહેલા સંસદીય સત્રમાં, અમે આ ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચવાની બંધારણીય પ્રક્રિયા પૂરી કરીશું”

“મને 2014માં પ્રધાનમંત્રી તરીકે દેશની સેવા કરવાની તક આપવામાં આવી હતી ત્યારે, અમે કૃષિ વિકાસ અને ખેડૂતોના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી હતી”

“અમે માત્ર લઘુતમ ટેકાના ભાવ જ નથી વધાર્યા પરંતુ, અમે વિક્રમી સંખ્યામાં સરકારી ખરીદી કેન્દ્રોનું પણ સર્જન કર્યું છે. અમારી સરકારે કરેલી ઉપજની ખરીદીમાં છેલ્લા કેટલાક દાયકાના તમામ વિક્રમો તૂટી ગયા છે”

“આ ત્રણેય કૃષિ કાયદાનો મૂળ હેતુ એ હતો કે, દેશના ખેડૂતો, જેમાં ખાસ કરીને નાના ખેડૂતો વધુ તાકાતવર બને, તેમને તેમની ઉપજો માટે યોગ્ય ભાવ મળવો જોઇએ અને તેમની ઉપજનું વેચાણ કરવા માટે મહત્તમ વિકલ્પો મળવા જોઇએ”

“આ કાયદા ખાસ કરીને નાના ખેડૂતો સહિત તમામ ખેડૂતોના કલ્યાણ માટે, કૃષિ ક્ષેત્રના હિતમાં, ‘ગાંવ-ગરીબ’ – ગામડાં- ગરીબોના

Posted On: 19 NOV 2021 9:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશને સંબોધન કર્યું હતું.

રાષ્ટ્રને સંબોધન કરતી વખતે પ્રધાનમંત્રી ગુરુ નાનક જયંતી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે લગભગ દોઢ વર્ષના અંતરાલ પછી ફરી કરતારપુર સાહિબ કોરિડોર ખુલ્લો મુકવા અંગે પણ ખુશી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મારા જાહેર જીવન દરમિયાન છેલ્લા પાંચ દાયકામાં મેં ખેડૂતોને જે પડકારોનો સામનો કરવો પડે છે તેને ખૂબ જ નીકટતાથી જોયા છે, આથી જ, જ્યારે 2014માં દેશના પ્રધાનમંત્રી તરીકે મને દેશની સેવા કરવાની તક આપવામાં આવી હતી ત્યારે અમે કૃષિના વિકાસ અને ખેડૂતોના કલ્યાણને સૌથી વધુ પ્રાથમિકતા આપી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની સ્થિતિમાં સુધારો લાવવા માટે અમે ચાર પરિબળ એટલે કે, બીજ, વીમો, બજાર અને બચત માટેના પગલાં લીધા હતા. તેમણે ઉમેર્યું હતું કે, સારી ગુણવત્તાના બિયારણ પૂરાં પાડવાની સાથે સાથે, સરકારે નીમ કોટેડ યુરિયા, ભૂમિ આરોગ્ય કાર્ડ અને સુક્ષ્મ સિંચાઇ જેવી સુવિધાઓ પ્રદાન કરીને ખેડૂતોની સાથે જોડાણ પણ કર્યું.

પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, ખેડૂતોને જે સખત પરિશ્રમ કરે છે તેના બદલામાં તેમની ઉપજ માટે યોગ્ય ભાવ મળી રહે તેવા ઉદ્દેશથી ખેડૂતો માટે સંખ્યાબંધ પહેલો હાથ ધરવામાં આવી છે. દેશે તેની ગ્રામીણ બજાર માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવી છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે માત્ર લઘુતમ ટેકાના ભાવ જ નથી વધાર્યા પરંતુ, અમે વિક્રમી સંખ્યામાં સરકારી ખરીદી કેન્દ્રોનું પણ સર્જન કર્યું છે. અમારી સરકારે કરેલી ઉપજની ખરીદીમાં છેલ્લા કેટલાક દાયકાના તમામ વિક્રમો તૂટી ગયા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની સ્થિતિમાં સુધારો લાવવા માટે આ મહાન અભિયાનમાં, દેશમાં ત્રણ કૃષિ કાયદાઓ લાવવામાં આવ્યા હતા. આ ત્રણેય કૃષિ કાયદા લાવવાનો મૂળ હેતુ એ હતો કે, દેશના ખેડૂતો, ખાસ કરીને નાના ખેડૂતો વધુ તાકાતવર બને, તેમને તેમની ઉપજો માટે યોગ્ય ભાવ મળવો જોઇએ અને તેમની ઉપજનું વેચાણ કરવા માટે મહત્તમ વિકલ્પો મળવા જોઇએ. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષોથી દેશના ખેડૂતો, દેશના કૃષિ નિષ્ણાતો અને દેશના ખેડૂત સંગઠનો સતત આ માગ કરી રહ્યા હતા. અગાઉ પણ સંખ્યાબંધ સરકારોએ આ બાબતે મનોમંથન કર્યું હતું. આ વખતે સંસદમાં આ સંબંધે ચર્ચા કરવામાં આવી, મનોમંથન કરવામાં આવ્યું અને કાયદાઓ લાવવામાં આવ્યા. દેશના દરેક નાકા અને કૂણામાં, સંખ્યાબંધ ખેડૂતો સંગઠનોએ આ કાયદાઓને આવકાર્યા અને તેને સમર્થન આપ્યું છે. પ્રધાનમંત્રીએ આ નિર્ણયને સમર્થન આપનારા સંગઠનો, ખેડૂતો અને વ્યક્તિઓ પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતો જેમાં ખાસ કરીને નાના ખેડૂતોના કલ્યાણ માટે, કૃષિ ક્ષેત્રના હિતમાં, ગાંવ- ગરીબ એટલે કે ગામડાં અને ગરીબોના ઉજ્જવળ ભવિષ્ય માટે સંપૂર્ણ એકીકૃતતા, સ્પષ્ટ અંતઃકરણપૂર્ણક અને ખેડૂતો પ્રત્યે સમર્પણની ભાવના સાથે આ કાયદા લાવી હતી. તેમણે પોતાની વાત આગળ વધારતા જણાવ્યું હતું કે, આટલી પવિત્ર બાબત, એકદમ શુદ્ધ વાત, ખેડૂતોના હિતની વાત અમારા આટલા પ્રયાસો પછી પણ અમે કેટલાક ખેડૂતોને સમજાવી શક્યા નહીં. કૃષિ અર્થશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતોએ પણ તેમને કૃષિ કાયદાઓનું મહત્વ સમજાવવા માટે પ્રયાસો કર્યા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે આપ સૌને, સમગ્ર દેશને, હું એ કહેવા માટે આવ્યો છું કે અમે તમામ ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. આ મહિને શરૂ થઇ રહેલા સંસદીય સત્રમાં, અમે આ ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચવાની બંધારણીય પ્રક્રિયા પૂરી કરીશું.

પવિત્ર ગુરુ પુરબની ભાવના સાથે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ કોઇના પર દોષારોપણનો નથી અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કરવા માટે તેમણે પોતાની જાતને ફરી સમર્પિત કરી હતી. તેમણે કૃષિ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પહેલની જાહેરાત કરી હતી. તેમણે દેશની બદલાતી જરૂરિયાતો અનુસાર પાકની રૂપરેખામાં ફેરફાર કરવા માટે અને લઘુતમ ટેકાના ભાવને વધુ અસરકારક તેમજ પારદર્શક બનાવવા માટે શૂન્ય બજેટિંગ આધારિત કૃષિને પ્રોત્સાહન આપવા માટે સમિતિનું નિર્માણ કરવાની જાહેરાત કરી. આ સમિતિમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો, ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ અર્થશાસ્ત્રીઓના પ્રતિનિધિઓને સામેલ કરાશે.

 

 

SD/GP/NP



(Release ID: 1773178) Visitor Counter : 240