પ્રધાનમંત્રીનું કાર્યાલય

પૂર્વાંચલ એક્સપ્રેસવેના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 16 NOV 2021 5:59PM by PIB Ahmedabad

ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય.

જૌને ધરતી પર હનુમાન જી, કાલનેમિ કૈ વધ કિયે રહેં, ઉ ધરતી કે લોગન કૈ હમ પાંવ લાગિત હૈ. 1857 કે લડાઈ મા, હિંયા કે લોગ અંગ્રેજન કા, છઠ્ઠી કૈ દૂધ યાદ દેવાય દેહે રહેં. યહ ધરતી કે કણ કણ મા સ્વતંત્રતા સંગ્રામ કૈ ખુસબૂ બા. કોઇરીપુર કૈ યુદ્ધ, ભલા કે ભુલાય સકત હૈ? આજ યહ પાવન ધરતી ક, પૂર્વાંચલ એક્સપ્રેસવે કૈ સૌગાત મિલત બા. જેકે આપ સબ બહૂત દિન સે અગોરત રહિન. આપ સભૈ કો બહુત બહુત બધાઈ.

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતિ આનંદીબહેન પટેલ જી, ઉત્તર પ્રદેશના ઓજસ્વી, તેજસ્વી અને કર્મયોગી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જી, ઉત્તર પ્રદેશના ભાજપા અધ્યક્ષ શ્રી સ્વતંત્ર દેવ જી, યુપી સરકારમાં મારા મંત્રી શ્રી જયપ્રતાપ સિંહ જી, શ્રી ધર્મવીર પ્રજાપતિ જી, સંસદમાં મારા સાથી બહેન મેનકા ગાંધીજી, અન્ય જનપ્રતિનિધિગણ અને મારા પ્યારા ભાઈઓ અને બહેનો.

સમગ્ર દુનિયામાં જેને ઉત્તર પ્રદેશના સામર્થ્ય પર, ઉત્તર પ્રદેશના લોકોના સામર્થ્ય પર જરા પણ શંકા હોય તેઓ આજે અહીં સુલતાનપુરમાં આવીને ઉત્તર પ્રદેશના સામર્થ્યને નિહાળી શકે છે. ત્રણ ચાર વર્ષ અગાઉ અહીં માત્ર જમીન જ હતી, હવે અહીંથી પસાર થઈને આધુનિક એક્સપ્રેસવે જઈ રહ્યો છે. જ્યારે ત્રણ ચાર વર્ષ અગાઉ મેં પૂર્વાંચલ એક્સપ્રેસવેનો શિલાન્યાસ કર્યો હતો તો એવું વિચાર્યું ન હતું કે આ જ એક્સપ્રેસવે પર હું ખુદ વિમાનમાંથી ઉતરીશ. આ એક્સપ્રેસવે ઉત્તર પ્રદેશને ઝડપી ગતિથી બહેતર ભવિષ્ય તરફ આગળ લઈ જશે. આ એક્સપ્રેસવે ઉત્તર પ્રદેશના વિકાસનો એક્સપ્રેસવે છે. આ એક્સપ્રેસવે ઉત્તર પ્રદેશની પ્રગતિનો એક્સપ્રેસવે છે. આ એક્સપ્રેસવે નવા યુપીના નિર્માણનો એક્સપ્રેસવે છે. આ એક્સપ્રેસવે મજબૂત બની રહેલી ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થાનો એક્સપ્રેસવે છે. આ એક્સપ્રેસવે યુપીની આધુનિક બની રહેલી સુવિધાઓનું પ્રતિબિંબ છે. આ એક્સપ્રેસવે યુપીની દૃઢ ઇચ્છાશક્તિનું પુનિત પ્રગટીકરણ છે. આ એક્સપ્રેસવે યુપીના સંકલ્પોની સિદ્ધિનું જીવતું જાગતું પ્રમાણ છે. તે યુપીની શાન છે, આ યુપીની કમાલ છે. હું આજે પૂર્વાંચલ એક્સપ્રેસને ઉત્તર પ્રદેશના લોકોને સમર્પિત કરતાં મારી જાતને ધન્ય અનુભવી રહ્યો છું.

સાથીઓ,
દેશનો સંપૂર્ણ વિકાસ કરવા માટે દેશનો સંતુલિત વિકાસ પણ એટલો જ જરૂરી છે. કેટલાક ક્ષેત્ર વિકાસની દોડમાં આગળ વધી જાય અને કેટલાક ક્ષેત્રો પાછળ રહી જાય, આ અસમાનતા કોઈ પણ દેશ માટે યોગ્ય નથી. ભારતમાં પણ આપણો જે પૂર્વીય પ્રાંત રહ્યો છે તે પૂર્વીય ભારત. નોર્થ ઇસ્ટના રાજ્યો વિકાસની આટલી બધી સંભાવના હોવા છતાં આ ક્ષેત્રોને દેશમાં થઈ રહેલા વિકાસનો એટલો લાભ મળ્યો નથી જેટલો મળવો જોઇતો હતો. ઉત્તર પ્રદેશમાં પણ જે રીતે રાજકારણ થયું, જેવી રીતે લાંબા સમય સુધી સરકારો ચાલી, તેમણે યુપીના સંપૂર્ણ વિકાસ, યુપીના સર્વાંગી વિકાસ પર ધ્યાન જ આપ્યું નથી. યુપીનો આ ક્ષેત્ર તો માફિયાવાદ અને અહીંના નાગરિકોને ગરીબીના હવાલે કરી દીધા હતા.

મને આનંદ છે કે આજે આ જ ક્ષેત્રનો એક નવો અધ્યાય લખાઈ રહ્યો છે. હું ઉત્તર પ્રદેશના ઊર્જાવાન, કર્મયોગી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જી, તેમની ટીમ અને યુપીના લોકોને પૂર્વાંચલ એક્સપ્રેસવેની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આપણા જે ખેડૂત ભાઈઓ-બહેનોની ભૂમિ તેમાં લાગેલી છે, જે શ્રમિકોનો પરસેવો તેમાં લાગ્યો છે, જે એન્જિનિયર્સનું કૌશલ્ય તેમાં લાગ્યું છે તે તમામને પણ હું અભિનંદન પાઠવું છું.

ભાઈઓ અને બહેનો,

જેટલી જરૂરી દેશની સમૃદ્ધિ છે તેટલી જ જરૂરી દેશની સુરક્ષા પણ છે. અહીં થોડી વારમાં આપણે જોનારા છીએ કે કેવી રીતે હવે ઇમરજન્સીની પરિસ્થિતિમાં પૂર્વાંચલ એકસપ્રેસવે આપણી વાયુસેના માટે વધુ એક શક્તિ બની ગયો છે. અત્યારથી થોડી જ વારમાં પૂર્વાંચલ એક્સપ્રેસવે પર આપણા ફાઇટર પ્લેન, ઉતરાણ કરશે. આ વિમાનોની ગર્જના, તે લોકો માટે હશે જેમણે દેશમાં ડિફેન્સ માળખાને દાયકાઓ સુધી નજરઅંદાજ કર્યુ હતું.

સાથીઓ,
ઉત્તર પ્રદેશની ફળદ્રૂપ ભૂમિ, અહીંના લોકોનો પરિશ્રમ, અહીંના લોકોનું કૌશલ્ય અભૂતપૂર્વ છે. અને, હું પુસ્તકમાં વાંચીને કહી રહ્યો નથી. ઉત્તર પ્રદેશના સાંસદ હોવાને નાતે અહીંના લોકો સાથે મારો જે સંબંધ રચાયો છે, સંબંધ કેળવાયો છે તેમાંથી મેં જોયું છે, જાણ્યું છે તે બોલી રહ્યો છું. અહીંના આવડા મોટા ક્ષેત્રને ગંગાજી અને અન્ય નદીઓના આશીર્વાદ મળ્યા છે. પણ, અહીં સાત આઠ વર્ષ અગાઉ જે પરિસ્થિતિ હતી તેને જોઈને મને નવાઈ લાગતી હતી કે આખરે યુપીને કેટલાક લોકો કઈ વાતની સજા આપી રહ્યા છે. તેથી જ 2014માં જ્યારે તમે સૌએ, ઉત્તર પ્રદેશે, દેશમાં મને આ મહાન ભારત ભૂમિને સેવા કરવાનો અવસર આપ્યો તો મેં યુપીના વિકાસનો અહીંના સાંસદને નાતે, પ્રધાન સેવકને નાતે મારું કર્તવ્ય બનતું હતું કે મેં તેની બારીકાઈઓમાં જવાનું શરૂ કર્યું.
ઉત્તર પ્રદેશ માટે મેં ઘણા બધા પ્રયાસો કરાવ્યા. ગરીબોને પાક્કા ઘર મળે, ગરીબોના ઘરમાં શૌચાલય હોય, મહિલાઓને જાહેરમાં  શૌચાલય માટે બહાર જવું પડે નહીં, તમામના ઘરમાં વિજળી હોય, એવા તો કેટલાય કાર્યો હતા જે અહીં કરવા જરૂરી હતા. પરંતુ મને ખૂબ દુઃખ છે કે એ વખતે યુપીમાં જે સરકાર હતી તેણે મને સાથ આપ્યો નહીં. એટલું જ નહીં. સાર્વજનિક રૂપથી મારી સાથે રહેવા છતાં ખબર નહીં પણ તેમને વોટ બેંક નારાજ થવાનો ડર લાગતો હતો. હું સાંસદના રૂપમાં આવતો હતો તો એરપોર્ટ પર સ્વાગત કરીને ખબર નહીં ક્યાં ખોવાઈ જતા હતા. તેમને શરમ આવતી હતી કેમ કે કામનો હિસાબ આપવા માટે તેમની પાસે કાંઈ જ હતું જ નહીં.

મને ખબર હતી કે જેવી રીતે ત્યારની સરકારે યોગીજીના આગમન અગાઉની સરકારે યુપીના લોકો સાથે કેવો અન્યાય કર્યો હતો, જેવી રીતે એ સરકારોએ વિકાસમાં ભેગભાવ કર્યો, જેવી રીતે માત્ર પોતાના પરિવારના હિતો જ જોયા, યુપીના લોકો આમ કરનારાઓને હંમેશાં હંમેશાં માટે યુપીના માર્ગમાંથી હટાવી દેશે. અને 2017માં તો તમે આ કરીને દેખાડ્યું. તમે પ્રચંડ બહુમતિ આપીને યોગીજીને અને મોદીજીને બંનેને સાથે મળીને પોતપોતાની સેવા કરવાનો અવસર આપ્યો.
અને આજે યુપીમાં થઈ રહેલા વિકાસકાર્યો જોઇને હું કહી શકું છું કે આ ક્ષેત્રનો, યુપીનું ભાગ્ય બદલવાનું શરૂ થઈ ગયું છે અને ઝડપી ગતિથી આગળ ધપનારું છે. કોણ ભૂલી શકે છે કે અગાઉ યુપીમાં કેટલો વિજકાપ આવતો હતો. યાદ છે ને કેટલો વિજળી કાપ આવતો હતો? કોણ ભૂલી શકે છે કે યુપીમાં કાનૂન વ્યવસ્થાની હાલત કેવી હતી. કોણ ભૂલી શકે છે કે યુપીમાં મેડિકલ સવલતોની હાલત કેવી હતી. યુપીમાં તો એવી પરિસ્થિતિ બનાવી દેવામાં આવી હતી કે અહીં સડકો પર રસ્તા જ ન હતા. માત્ર ભીડ રહેતી હતી. આમ કરનારાઓ જેલમાં છે અને માત્ર રસ્તાઓ જ નહીં ગામડે ગામડે નવા માર્ગો બની રહ્યા છે, નવી સડકો બની ગઈ છે. છેલ્લા સાડા  ચાર વર્ષમાં યુપીમાં તે પૂર્વ હોય કે પશ્ચિમ હજારો ગામડાઓને માર્ગોથી સાંકળવામાં આવ્યા છે. હજારો કિલોમીટર નવા માર્ગો બની ગયા છે. હવે તમારા તમામના સહયોગથી, ઉત્તર પ્રદેશ સરકારની સક્રિય ભાગીદારીથી, યુપીના વિકાસનો સ્વપ્ન સાકાર થતું જોવા મળી રહ્યું છે. આજે યુપીમાં નવી મેડિકલ કોલેજ બની રહી છે. એમ્સ બની રહી છે, આધુનિક શિક્ષણ સંસ્થાન બની રહ્યા છે. થોડા સપ્તાહ અગાઉ કુશીનગરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કર્યું અને આજે મને પૂર્વાંચલ એક્સપ્રેસવે આપને સોંપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.

ભાઈઓ અને બહેનો,

આ એક્સપ્રેસવેનો લાભ ગરીબોને પણ થશે અને મધ્યમ વર્ગને પણ થશે. ખેડૂતોને તેનાથી મદદ મળશે અને વેપારીઓને પણ સવલત મળશે. તેનો લાભ શ્રમિકોને પણ થશે અને ઉદ્યમીને પણ થશે. એટલે કે દલિતો, વંચિતો, પછાતો, ખેડૂતો, યુવાનો, મધ્યમ વર્ગ દરેક વ્યક્તિને તેનો ફાયદો થશે. નિર્માણ વખતે પણ હજારો સાથીઓને રોજગાર આપ્યો અને હવે શરૂ થયા બાદ તે લાખો નવી રોજગારીનું માધ્યમ બનશે.

સાથીઓ,
એ પણ એક સત્ય હતું કે યુપી જેવા વિશાળ પ્રદેશમાં અગાઉ એક શહેર અન્ય શહેર કરતાં ઘણે અંશે વિખૂટું પડેલું હતું. અલગ અલગ હિસ્સામાં લોકો જતા હતા તો કામ છે, સંબંધ છે, પણ એક બીજા શહેર સાથે યોગ્ય કનેક્ટિવિટી નહીં હોવાને કારણે પરેશાન રહેતા હતા. પૂર્વના લોકો માટે પણ લખનઉ પહોંચવું મહાભારતનું યુદ્ધ જીતવા બરાબર હતું. અગાઉના મુખ્યમંત્રીઓ માટે વિકાસ ત્યાં સુધી જ મર્યાદિત હતો જ્યાં તેમનો પરિવાર હતો, તેમનું ઘર હતું. પરંતુ આજે જેટલું પશ્ચિમનું સન્માન છે તેટલી જ પૂર્વાંચલની પણ પ્રાથમિકતા છે. પૂર્વાંચલ એક્સપ્રેસવે આજે યુપીના આ અંતરને ઘટાડી રહ્યો છે. યુપીને અંદરોઅંદર જોડી રહ્યો છે. આ એક્સપ્રેસવે બનવાની સાથે સાથે બિહારના લોકોને પણ લાભ થશે. દિલ્હીથી બિહારની અવર જવર પણ હવે વધુ આસાન બની જશે.

અને હું તમારું ધ્યાન એક બીજી બાબત તરફ દોરવા ઇચ્છું છું. 340 કિલોમીટરના પૂર્વાંચલ એક્સપ્રેસવેની વિશેષતા માત્ર આ એક જ નથી કે તે લખનઉ, બારાબંકી, અમેઠી, સુલતાનપુર, અયોધ્યા, આંબેડકર નગર, મઉ, આઝમગઢ અને ગાઝીપુરને જોડશે. તેની વિશેષતા એ છે કે  આ એક્સપ્રેસવે લખનઉથી આ તમામ શહેરોનો જોડશે કે જેમાં વિકાસની અનેક સંભાવના છે, જયાં વિકાસની બહુ મોટી સંભાવના છે. તેના પર આજે યુપી સરકારે યોગીજીના નેતૃત્વમાં 22 હજાર કરોડ રૂપિયાથી વધારે ખર્ચ ભલે કર્યો હોય પરંતુ ભવિષ્યમાં આ એક્સપ્રેસવે લાખો કરોડોના ઉદ્યોગને અહીં લાવવાનું માધ્યમ બનશે. મને ખબર નથી કે મીડિયાના જે મિત્રો અહીંયા છે તેમનું ધ્યાન એ તરફ ગયું છે કે નહીં, કે આજે યુપીમાં જે નવા એક્સપ્રેસવે પર કામ થઇ રહ્યું છે તે કેવી રીતે શહેરોને જોડશે. અંદાજે 300 કિલોમીટરનો બુંદેલખંડ એક્સપ્રેસ કયા શહેરોને જોડશે ? ચિત્રકૂટ, બાંદા હમીરપુર, મહોબા, જાલૌન, ઔરિયા અને ઇટાવા. 90 કિલોમીટરનો ગોરખપુર લિંક એક્સપ્રેસ કયા શહેરોને જોડશે ? ગોરખપુર, આંબેડકર નગર, સંત કબીરનગર અને આઝમગઢ. અંદાજે 600 કિલોમીટરનો ગંગા એક્સપ્રેસ તે કયા શહેરોને જોડશે ? મેરઠ, હાપુડ, બુલંદ શહેર, અમરોહા, સંભલ, બદાયુ, શાહજહાંપુર, હરદોઇ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ અને પ્રયાગરાજ. હવે એ વિચારો કે આટલા બધાં નાના નાના શહેરોને પણ તમે મને બતાવો કે આમાંથી કેટલા શહેરોને મોટા મેટ્રો સિટી માનવામાં આવે છે ? આમાંથી કેટલા શહેરો, રાજયના અન્ય બીજા શહેરોથી સારી રીતે જોડાયેલા રહે છે ? યુપીના લોકો આ સવાલોના જવાબ જાણે છે અને યુપીના લોકો આ વાતને સમજે પણ છે. આ પ્રકારના કામો યુપીમાં આઝાદી પછી પહેલી વખત થઇ રહ્યાં છે. પહેલી વખત ઉત્તર પ્રદેશની આકાંક્ષાના પ્રતિક એવા આ શહેરોમા આધુનિક કનેક્ટિવિટી આપવાની વાતને પ્રાથમિક્તા આપવામાં આવી છે. અને ભાઇઓ અને બહેનો, તમે પણ એ જાણો છો કે જયાં સારો રસ્તો હોય, સારા હાઇવે હોય ત્યાં વિકાસની ગતિ વધી જાય છે, રોજગાર, નિર્માણ વધારે ઝડપથી થાય છે.

સાથીઓ,
ઉત્તરપ્રદેશનના ઔધોગિક વિકાસ માટે સૌથી સારી કનેક્ટિવિટી જરૂરી છે, યુપીના દરેક ખૂણે ખૂણાને જોડવો જરૂરી છે, મને આનંદ છે કે, આજે યોગીજીની સરકારે કોઇ ભેદભાવ વગર, કોઇ પરિવારવાદ નહીં, કોઇ જાતિવાદ નહીં, કોઇ વિસ્તારવાદ નહીં, સબ કા સાથ સબ કા વિકાસ આ મંત્રને લઇને કામમાં લાગી છે. જેમ જેમ યુપીમાં એક્સપ્રેસવે તૈયાર થતાં જાય છે તેમ તેમ અહીં ઇન્ડસ્ટ્રિયલ કોરિડોરનું કામ પણ શરૂ થઇ ગયુ છે. પૂર્વાંચલ એક્સપ્રેસની આસપાસમાં ખૂબ જલદી નવા ઉદ્યોગ આવવાનું શરૂ થઇ જશે. આ માટે 21 જગ્યાઓ નક્કી પણ કરી નાખવામાં આવી છે. આવનારા દિવસોમાં  આ એક્સપ્રેસવેના કિનારે જે શહેરો છે તેમાં ફુડ પ્રોસેસિંગ, દૂધની બનાવટો, કોલ્ડ સ્ટોરેજ, ભંડારણ તેને લગતી કામગીરી ઝડપથી વધવાની છે. ફળ-શાકભાજી, અનાજ, પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા બીજા ઉત્પાદનો હોય કે પછી, ફાર્મા, ઇલેક્ટ્રિક, ટેક્સટાઇલ, હેન્ડલૂમ, મેટલ, ફર્નિચર, પેટ્રોકેમિકલ્સ સેક્ટર સાથે જોડાયેલા ઉદ્યોગો આ તમામ યુપીમાં તૈયાર થનારા નવા એક્સપ્રેસવેને નવી ઉર્જા આપશે અને નવા આકર્ષણના કેન્દ્ર બનવાના છે.

સાથીઓ,
આ ઉદ્યોગો માટે જરૂરી એવા મેન પાવર તૈયાર કરવાનું કામ પણ શરૂ થઇ ગયું છે. આ શહેરોમાં આઇટીઆઇ, બીજા એજ્યુકેશન અને ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ, મેડિકલ ઇન્સ્ટિટયૂટ આવી અનેક સંસ્થાઓ સ્થાપિત કરવામાં આવશે. એટલે કે ખેતી હોય કે ઉદ્યોગ, યુપીના યુવાનો માટે રોજગારીના અનેક વિકલ્પ આવનારા સમયમાં અહીં ઉભા થશે. યુપીમાં બની રહેલો ડિફેન્સ કોરિડોર પર અહીં રોજગારીનો નવો વિકલ્પ બનશે. મને વિશ્વાસ છે કે યુપીમાં થઇ રહેલા આ માળખાકીય કાર્યો આવનારા સમયમાં અહીંની અર્થવ્યવસ્થાને એક નવી ઉંચાઇ આપશે.

ભાઇઓ અને બહેનો,

એક વ્યકિત ઘર બનાવે તો પણ પહેલા રસ્તાનો વિચાર કરતો હોય છે. માટીની ચકાસણી કરે છે અન્ય પાસાંઓનો પણ વિચાર કરે છે. પરંતુ યુપીમાં આપણે લાંબો સમય સુધી એવી સરકારો જોઇ છે કે જેમણે કનેક્ટિવિટીની ચિંતા કર્યા વગર જ ઔધોગિકીકરણની મોટી મોટી જાહેરાતો કરી, સપનાઓ દેખાડ્યા, પરિણામ એ આવ્યું કે જરૂરી સગવડોના અભાવે અનેક કારખાનામાં તાળા લાગી ગયાં. આ પરિસ્થિતિમાં એ પણ કમનસીબી હતી કે દિલ્હી અને લખનઉ બંને જગ્યાએ પરિવારવાદીઓનો જ દબદબો રહ્યો, વર્ષો વર્ષો સુધી આ પરિવારવાદીઓની ભાગીદારી યુપીની આકાંક્ષાઓને કચડતી રહી, બરબાદ કરતી રહી. ભાઇઓ અને બહેનો, સુલતાનપુરના સપુત શ્રીપતિ મિશ્રાજી સાથે પણ આ જ થયું હતું. જેમનો પાયાનો અનુભવ અને કર્મશીલતા જ મૂડી હતી, પરિવારના દરબારીઓએ તેમને અપમાનિત કર્યા. આવા કર્મયોગીઓના અપમાન યુપીના લોકો કયારેય ભુલી શકશે નહી.

સાથીઓ,
આજ યુપીમાં ડબલ એન્જિનની સરકાર યુપીના સામાન્ય માણસને પોતાનો પરિવાર માનીને કામ કરી રહી છે. અહીં જે કારખાના લાગેલાં છે તેમને વધુ સારી રીતે ચલાવવાની સાથે સાથે નવા રોકાણ, નવા કારખાનાઓ માટે પણ માહોલ બનાવવામાં આવી રહ્યો છે. મહત્વનું એ પણ છે કે યુપીમાં આજે માત્ર પાંચ વર્ષની યોજનાઓ બનતી નથી પરંતુ દાયકાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વૈભવશાળી ઉત્તરપ્રદેશના નિર્માણ માટે માળખાકીય સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે. પૂર્વ અને પશ્ચિમ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરથી ઉત્તર પ્રદેશને પૂર્વી સમૂદ્રી તટ અને પશ્ચિમી સમૂદ્રી તટથી જોડવાની પાછળ આ જ ઉદ્દેશ્ય છે. માલગાડીઓ માટે બનેલા આ વિશેષ રસ્તાઓથી યુપીના ખેડૂતોના ઉત્પાદન અને ફેકટરીઓમાં બનેલો સામાન દુનિયાના બજારો સુધી પહોંચાડી શકાશે. તેનો લાભ પણ આપણા ખેડૂતો, આપણા વેપારી, આપણા કારોબારી એવા દરેક નાના-મોટા સાથીઓને થનારો છે.

ભાઇઓ અને બહેનો,

આજે આ કાર્યક્રમમાં હું યુપીના લોકોની કોરોના વેક્સિન માટે સુંદર કામગીરીની પ્રશંસા કરવા માંગું છું. યુપીએ 14 કરોડ રસીકરણના ડોઝ લગાવીને પોતાના રાજયને માત્ર દેશમાં જ નહીં પરંતુ  દુનિયામાં અગ્રણી ભૂમિકામાં લાવીને મૂકી દીધો છે. દુનિયાના અનેક દેશોની કુલ વસતિ પણ આટલી નથી.

સાથીઓ,
હું યુપીના લોકોની એ માટે પણ પ્રશંસા કરવા માંગું છું કે તેઓએ ભારતમાં બનેલી વેક્સિનની વિરુદ્ધ કોઇ પણ રાજનૈતિક અપપ્રચારને ટકવા દીધો નથી. અહીંના લોકોના આરોગ્યથી, તેમના જીવનથી રમત કરવાના આ કાવતરાને યુપીના લોકોએ પરાસ્ત કરી દીધું છે. અને હું એ પણ કહીશ કે યુપીની જનતા તેઓને ભવિષ્યમાં પણ આ જ રીતે પરાસ્ત કરતી રહેશે.

ભાઇઓ અને બહેનો,

યુપીનો ચારે તરફથી વિકાસ થાય તે માટે અમારી સરકાર દિવસ-રાત મહેનત કરી રહી છે. કનેક્ટિવિટીની સાથે જ યુપીમાં પાયાની સવલતોને પણ સર્વોચ્ચ પ્રાથમિક્તા આપવામાં આ રહી છે. તેનો સૌથી વધુ લાભ આપણી બહેનોને થયો છે, નારીશક્તિને થયો છે. ગરીબ બહેનોને હવે તેમનું પોતાનું પાક્કં મકાન મળી રહ્યું છે, તેમના નામથી મળી રહ્યું છે તો ઓળખની સાથે સાથે ગરમી, વરસાદ, ઠંડી જેવી અનેક મુશ્કેલીઓથી પણ છૂટકારો મળી રહ્યો છે. વિજળી અને ગેસ કનેક્શનના અભાવથી સૌથી વધુ મુશ્કેલી માતાઓ અને બહેનોને થતી હતી. સૌભાગ્ય અને ઉજ્જવલાથી વિનામૂલ્યે વિજળી અને ગેસ કનેક્શનથી આ મુશ્કેલી પણ દૂર થઇ ગઇ છે. શૌચાલયના અભાવથી ઘર અને સ્કૂલ બંને સ્થળે સૌથી વધારે મુશ્કેલી આપણી બહેનો અને આપણી દીકરીઓને થતી હતી. હવે ઇજ્જતઘર બનવાથી ઘરમાં પણ સુખ છે અને દીકરીઓને હવે સ્કૂલમાં પણ કોઇ પણ પ્રકારના સંકોચ વગર અભ્યાસનો માર્ગ મળી ગયો છે.

પીવાના પાણીની મુશ્કેલીમાં તો ન જાણે માતાઓ-બહેનોની કેટલીય પેઢીઓ જતી રહી ત્યારે હવે દરેક ઘર સુધી જળ પહોંચાડવામાં આવે છે. પાઇપથી પાણી મળે છે માત્ર બે વર્ષમાં જ યુપી સરકારે ઓછામાં ઓછા 30 લાખ ગ્રામીણ પરિવારોને નળથી જળ પહોંચાડી દીધું છે અને આ જ વર્ષોમાં લાખો બહેનોને પોતાના ઘરમાં જ પીવાનું શુદ્ધ પાણી આપવા માટે ડબલ એન્જિનની સરકાર તમામ રીતે પ્રતિબદ્ધ છે.

ભાઇઓ અને બહેનો,

આરોગ્ય સુવિધાઓના અભાવમાં પણ જો સૌથી વધારે પરેશાની કોઇને થતી હતી તો તે અમારી માતાઓ અને બહેનોને થતી હતી. બાળકોથી લઇને આખા પરિવારના સ્વાસ્થ્યની ચિંતા, ખર્ચની ચિંતા એવી હતી કે તે પોતાની સારવાર કરાવવાથી પણ બચતી રહેતી હતી. પરંતુ આયુષ્માન ભારત યોજના, નવી હોસ્પિટલ, મેડિકલ કોલેજ જેવી સુવિધાઓને કારણે આપણી બહેન-દીકરીઓને સૌથી વધારે રાહત મળી છે.

 

સાથીઓ,
ડબલ એન્જિનની સરકારને આવી રીતે ડબલ લાભ મળે છે તો તે લોકોને હું જોઇ રહ્યો છું કે સંતુલન ખોઇ રહ્યા છે. શું શું બોલી રહ્યા છે. તેમનું આ પ્રકારે વિચલિત થવું સ્વભાવિક છે. જેઓ પોતાના સમયમાં નિષ્ફળ રહ્યા તેઓ યોગીજીની સફળતાને પણ જોઇ શકતા નથી. જેઓ સફળતા જોઇ શકતાં નથી તેઓ સફળતા પચાવી કેવી રીત શકશે.

 

ભાઈઓ અને બહેનો,

તેના શોરબકોરથી દૂર, સેવાભાવથી રાષ્ટ્રનિર્માણમાં જોતરાયેલા રહેવું એ જ અમારું કર્મ છે. આ જ અમારી કર્મ ગંગા છે અને એમ આ કર્મ ગંગાને લઈઇને સુજલામ, સૂફલામનું વાતાવરણ બનાવતા રહીશું. મને ભરોસો છે કે તમારો પ્રેમ, તમારા આશીર્વાદ અમને આવી જ રીતે મળતા રહેશે. ફરી એક વાર પૂર્વાંચલ એક્સપ્રેસવેની તમને સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

 

મારી સાથે બોલો, સંપૂર્ણ તાકાતથી બોલો,

ભારત માતા કી જય,

ભારત માતા કી જય,

ભારત માતા કી જય,

ખૂબ ખૂબ ધન્યવાદ.

SD/GP/JD



(Release ID: 1772443) Visitor Counter : 195