પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના ભોપાલમાં વિવિધ રેલવે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી
ભોપાલમાં પુન:વિકસિત રાણી કમલાપતિ રેલવે સ્ટેશનને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને સમર્પિત કર્યું
પ્રધાનમંત્રીએ ઉજ્જૈન અને ઇન્દોર વચ્ચે બે નવી મેમુ ટ્રેનોને લીલી ઝંડી બતાવી
ગેજ રૂપાંતરિત અને વિદ્યુતીકરણ કરાયેલ ઉજ્જૈન-ફતેહાબાદ ચંદ્રવતીગંજ બ્રોડ ગેજ સેક્શન, ભોપાલ-બારખેડા સેક્શનમાં ત્રીજી લાઇન, ગેજ રૂપાંતરિત અને વિદ્યુતીકરણ કરાયેલ મથેલા-નિમાર ખેડી બ્રોડ ગેજ સેક્શન અને વિદ્યુતીકરણ કરાયેલા ગુના-ગ્વાલિયર સેક્શન રાષ્ટ્રને સમર્પિત કર્યા
“આજનો કાર્યક્રમ ભવ્ય ઈતિહાસ અને સમૃદ્ધ આધુનિક ભવિષ્યના સંગમને પ્રતીકાત્મક કરે છે”
“દેશ જ્યારે એના સંકલ્પોની પૂર્તિ માટે પ્રામાણિક્તાથી એક થઈ કામે લાગે છે ત્યારે સુધારણા થાય છે અને બદલાવ આવે છે, આ આપણે છેલ્લાં સાત વર્ષોથી સતત જોઇ રહ્યા છીએ”
“સુવિધાઓ જે એક સમયે માત્ર હવાઇ મથકે જ મળતી હતી તે હવે રેલવે સ્ટેશને ઉપલબ્ધ છે”
“અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ કે પરિયોજનાઓ વિલંબિત ન થાય અને એમાં કોઇ અવરોધ ન આવે. પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન દેશને એના સંકલ્પ પૂર્ણ કરવામાં મદદ કરશે”
“ પહેલી વાર, સામાન્ય લોકોને પર્યટન અને તીર્થાટનનો વાજબી કિંમતે આધ્યાત્મિક અનુભવ મળી રહ્યો છે, રામાયણ સર્કિટ ટ્રેન આવો જ એક અભિનવ પ્રયાસ છે”
Posted On:
15 NOV 2021 5:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના ભોપાલમાં વિવિધ રેલવે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમણે ભોપાલમાં પુન:વિકસિત રાણી કમલાપતિ રેલવે સ્ટેશનને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશમાં રેલવેની બીજી ઘણી પહેલને પણ રાષ્ટ્રને સમર્પિત કરી હતી જેમાં ગેજ રૂપાંતરિત અને વિદ્યુતીકરણ કરાયેલ ઉજ્જૈન-ફતેહાબાદ ચંદ્રવતીગંજ બ્રોડ ગેજ સેક્શન, ભોપાલ-બારખેડા સેક્શનમાં ત્રીજી લાઇન, ગેજ રૂપાંતરિત અને વિદ્યુતીકરણ કરાયેલ મથેલા-નિમાર ખેડી બ્રોડ ગેજ સેક્શન અને વિદ્યુતીકરણ કરાયેલ ગુના-ગ્વાલિયર સેક્શનનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ ઉજ્જૈન-ઇન્દોર અને ઇન્દોર-ઉજ્જૈન વચ્ચે બે નવી મેમુ ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી હતી. મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી અને કેન્દ્રીય રેલવે મંત્રી સહિતના મહાનુભાવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
મેળાવડાને સંબોધન કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે ભોપાલના ઐતિહાસિક રેલવે સ્ટેશનનો જ કાયાકલ્પ નથી થયો પણ રાણી કમલાપતિજીનું નામ ઉમેરાતા એનું મહત્વ ઓર વધી ગયું છે. આજે ભારતીય રેલવેનું ગૌરવ ગોંડવાણાના ગૌરવ સાથે પણ જોડાઇ ગયું છે. પ્રધાનમંત્રીએ આધુનિક રેલવે પરિયોજનાઓનાં શુભારંભને ભવ્ય ઇતિહાસ અને સમૃદ્ધ આધુનિક ભવિષ્યના સંગમ તરીકે ગણાવ્યું હતું. તેમણે જનજાતિય ગૌરવ દિવસ નિમિત્તે લોકોને શુભકામનાઓ પણ પાઠવી હતી. આ પરિયોજનાઓથી મધ્ય પ્રદેશના લોકોને લાભ થશે એમ તેમણે કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત કેવી રીતે બદલાઇ રહ્યું છે, કેવી રીતે સપનાં સાકાર થઈ રહ્યાં છે, ભારતીય રેલવે એનું ઉદાહરણ છે. 6-7 વર્ષો અગાઉ, જેમનો પણ ભારતીય રેલવે સાથે પનારો પડતો હતો તેઓ ભારતીય રેલવેને કોસતા હતા. લોકોએ સ્થિતિ બદલાવાની આશા પણ છોડી દીધી હતી. પરંતુ દેશ જ્યારે એના સંકલ્પોને પરિપૂર્ણ કરવા એક થઈ પ્રામાણિક્તાથી કામ કરે છે ત્યારે સુધારણા થાય છે અને બદલાવ આવે છે, આ આપણે છેલ્લા વર્ષોથી સતત જોતા આવ્યા છીએ” એવી પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે દેશનું પહેલું આઇએસઓ પ્રામાણિત, પહેલું પીપીપી મોડેલ આધારિત રેલવે સ્ટેશન એટલે કે રાણી કમલાપતિ રેલવે સ્ટેશન દેશને સમર્પિત કરાયું છે. જે સુવિધાઓ એક સમયે હવાઇ મથકે જ મળતી હતી એ હવે રેલવે સ્ટેશને ઉપલબ્ધ છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનું ભારત આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં નિર્માણ માટે વિક્રમી રોકાણ જ નથી કરી રહ્યું પણ એ પણ સુનિશ્ચિત કરી રહ્યું છે કે પરિયોજનાઓ વિલંબિત ન થાય અને એમાં કોઇ અવરોધ ન આવે. તેમણે ઉમેર્યું હતું કે તાજેતરમાં શરૂ કરાયેલ પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન દેશને એના સંકલ્પ પૂર્ણ કરવામાં મદદ કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે એક સમય હતો જ્યારે દરેક રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાને ડ્રોઇંગ બૉર્ડ પરથી જમીન પર આવતા વર્ષો વીતી જતા હતા. પણ આજે, ભારતીય રેલવે નવી પરિયોજનાઓના આયોજનમાં ઝડપ દર્શાવી રહ્યું છે અને એથીય અગત્યનું, એ સમયસર એને પૂર્ણ કરે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય રેલવે એ માત્ર અંતરને જોડવાનું જ માધ્યમ નથી પણ દેશની સંસ્કૃતિ, દેશના પર્યટન અને દેશના તીર્થાટનને જોડવાનું પણ અગત્યનું માધ્યમ બની રહ્યું છે. આઝાદીના આટલા બધા દાયકાઓ બાદ પહેલી વાર, ભારતીય રેલવેની આ સંભાવનાને આટલા મોટા પાયે ચકાસાઇ રહી છે. અગાઉ, રેલવેનો ઉપયોગ પર્યટન માટે થતો તો પણ એ પ્રિમિયમ ક્લબ પૂરતો જ મર્યાદિત રહેતો હતો. પહેલી વાર સામાન્ય માણસને પર્યટન અને તીર્થાટનનો વાજબી કિમતે આધ્યાત્મિક અનુભવ કરાવાઇ રહ્યો છે. રામાયણ સર્કિટ આવો જ એક અભિનવ પ્રયાસ છે.
તેમણે પરિવર્તનના પડકારને સ્વીકારીને ઉપાડી લેવા બદલ રેલવેને અભિનંદન આપ્યા હતા.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad &nbs…
(Release ID: 1772116)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam