પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

જનજાતિય ગૌરવ દિવસ મહાસંમેલનમાં જનજાતિય સમુદાયના કલ્યાણ માટે પ્રધાનમંત્રીએ બહુવિધ મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરી


પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશમાં ‘રેશન આપકે ગ્રામ’ યોજના લોન્ચ કરી

પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશ સિકલ સેલ મિશનનો પ્રારંભ પણ કર્યો


પ્રધાનમંત્રીએ દેશભરમાં 50 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનો શિલાન્યાસ કર્યો

“આઝાદી પછી પહેલી જ વખત સમગ્ર દેશમાં આટલા મોટા પાયે આખા દેશના જનજાતિય સમાજની કલા-સંસ્કૃતિ, સ્વતંત્રતા આંદોલન અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને ગૌરવસહ યાદ કરવામાં આવી રહ્યું છે અને સન્માન આપવામાં આવી રહ્યું છે”


“આઝાદીની લડાઇમાં જનજાતિય નાયક-નાયિકાઓની વીર ગાથાઓને દેશની સામે લાવવી, નવી પેઢીને તેનો પરિચય કરાવવો એ આપણું કર્તવ્ય છે”


“છત્રપતિ શિવાજી મહારાજના જે આદર્શોને બાબાસાહેબ પુરંદરેએ દેશની સમક્ષ મૂક્યા છે તે આદર્શ આપણને નિરંતર પ્રેરણા આપતા રહેશે”


“આજે આદિવાસી વિસ્તારો ગરીબો માટેના ઘર, શૌચાલયો, મફત વિજળી અને ગેસ જોડાણ, શાળા, માર્ગ અને મફત ઇલાજ જેવી સુવિધાઓ મેળવી રહ્યાં છે. આ બધું જે ગતિએ દેશના બાકી હિસ્સામાં થઈ રહ્યું છે તે જ ગતિથી આદિવાસી ક્ષેત્રોમાં પણ થઈ રહ્યું છે”


“આદિવાસી અને ગ્રામીણ સમાજમાં કામ કરનારા પદ્મ પુરસ્કાર વિજેતાઓ આ દેશના સાચા હીરા છે”

Posted On: 15 NOV 2021 3:15PM by PIB Ahmedabad

પ્રધાનંમત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનજાતિય ગૌરવ દિવસ મહાસંમેલનમાં જનજાતિય સમુદાયના કલ્યાણ માટે બહુવિધ મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરી છે. તેમણે મધ્ય પ્રદેશમાં ‘રેશન આપકે ગ્રામ’ યોજના લોન્ચ કરી હતી. તેમણે મધ્ય પ્રદેશ સિકલ સેલ મિશની શરૂઆત પણ કરી હતી. પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં 50 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું શિલારોપણ પણ કર્યું છે. મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રીશ્રી, ડો. વિરેન્દ્ર કુમાર, શ્રી નરેન્દ્ર સિંહ તોમર, શ્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા, કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રીઓ શ્રી પ્રહલાદ એસ. પટેલ, શ્રી ફગ્ગન સિંહકુલસ્તે અને ડૉ. એલ. મુરુગન આ અવસરે ઉપસ્થિત રહ્યાં હતાં.

ઉપસ્થિત મેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત આજે સૌપ્રથમ જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે “આઝાદી પછી પહેલી જ વખત સમગ્ર દેશમાં આટલા મોટા પાયે આખા દેશના જનજાતિય સમાજની કલા-સંસ્કૃતિ, સ્વતંત્રતા આંદોલન અને રાષ્ટ્રનિર્માણમાં તેમના યોગદાનને ગૌરવસહ યાદ કરવામાં આવી રહ્યું છે અને સન્માન આપવામાં આવી રહ્યું છે.” જનજાતિય સમાજ સાથે તેમના પોતાના લાંબા ગાળાના સંબંધને ચિન્હિત કરતા પ્રધાનમંત્રીએ જનજાતિય સમાજની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જીવનની સમૃદ્ધતાની પ્રશંસા કરી હતી અને કહ્યું કે જનજાતિય સમાજનો ગીતો અને નૃત્યો સહિતનું પ્રત્યેક સાંસ્કૃતિક પાસું જીવનનો બોધપાઠ ધરાવે છે અને તેમાંથી ઘણું શીખવા જેવું છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે આઝાદીની લડાઇમાં જનજાતિય નાયક-નાયિકાઓની વીર ગાથાઓને દેશની સામે લાવવી, નવી પેઢીને તેનો પરિચય કરાવવો એ આપણું કર્તવ્ય છે. ગુલામીના કાલખંડમાં વિદેશી શાસનની વિરુદ્ધ ખાસી-ગારો આંદોલન, મિઝો આંદોલન, કોલ આંદોલન સહિત કેટલાય સંગ્રામ છેડાયા હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ગોંડ મહારાણી વીર દુર્ગાવતીનું શૌર્ય હોય કે રાણી કમલાપતિનું બલિદાન, દેશ તેમને ભૂલી શકશે નહીં. વીર મહારાણા પ્રતાપના સંઘર્ષની કલ્પના તેમના બહાદુર ભીલો વગર થઈ શકે નહીં, જેઓ તેમની સાથે ખભેખભો મિલાવીને લડ્યા હતાં અને બલિદાન આપ્યું હતું.”

પ્રધાનમંત્રીએ આવનારી પેઢીઓને છત્રપતિ શિવાજી મહારાજ સાથે જોડવાના કાર્યમાં શિવશાહીર બાબાસાહેબ પુરંદરેના યોગદાનને યાદ કર્યું હતું. શિવશાહીર બાબાસાહેબ પુરંદરે સોમવારે સવારે મૃત્યુ પામ્યા હતાં. પ્રધાનમંત્રીએ આ વિખ્યાત ઇતિહાસવિદને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજના જે આદર્શોને બાબાસાહેબ પુરંદરેએ દેશની સમક્ષ મૂક્યા છે તે આદર્શ આપણને નિરંતર પ્રેરણા આપતા રહેશે. હું બાબાસાહેબ પુરંદરે જી ને મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ આપુ છું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આજે જ્યારે આપણે રાષ્ટ્ર નિર્માણમાં જનજાતિય સમાજના યોગદાનની ચર્ચા કરીએ છીએ ત્યારે કેટલાક લોકોને આશ્ચર્ય થાય છે. ભારતીય સંસ્કૃતિને મજબૂત કરવામાં જનજાતિય સમાજનું આટલું મોટું યોગદાન રહ્યું છે તેનો આ લોકોને વિશ્વાસ જ થતો નથી.” આનું કારણ એ છે કે જનજાતિય સમાજના યોગદાન વિશે દેશને કશુંક કહેવામાં આવ્યું જ નથી અથવા તો જો કહેવામાં આવ્યું તો બહુ જ મર્યાદિત પ્રમાણમાં જાણકારી અપાઈ હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આવું એટલા માટે થયું કે આઝાદી બાદના દાયકાઓ સુધી દેશમાં જેમણે સરકાર ચલાવી તે લોકોએ પોતાની સ્વાર્થ ભરેલી રાજનીતિને જ પ્રાથમિકતા આપી હતી.” પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે આદિવાસી વિસ્તારો ગરીબો માટેના ઘર, શૌચાલયો, મફત વિજળી અને ગેસ જોડાણ, શાળા, માર્ગ અને મફત ઇલાજ જેવી સુવિધાઓ મેળવી રહ્યાં છે. આ બધું જે ગતિએ દેશના બાકી હિસ્સામાં થઈ રહ્યું છે તે જ ગતિથી આદિવાસી ક્ષેત્રોમાં પણ થઈ રહ્યું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારની તમામ કલ્યાણ યોજનાઓમાં જનજાતિય સમુદાયનું ઉચ્ચ પ્રમાણ ધરાવતા જરૂરિયાતમંદ જિલ્લાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહ્ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સંપત્તિ અને સંસાધનોની દૃષ્ટિએ આપણા દેશનો આદિવાસી વિસ્તાર સદાયથી સમૃદ્ધ રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે અગાઉ સરકારમાં જે લોકો હતા તેમણે આ વિસ્તારોમાં શોષણની નીતિનું પાલન કર્યું હતું. અમે આ વિસ્તારની ક્ષમતાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની નીતિને અનુસરી રહ્યાં છીએ. જંગલને લગતા કાનૂનોમાં બદલાવ કરીને કેવી રીતે દિવાસી સમાજને જંગલના સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યાં છે તેની માહિતી પ્રધાનમંત્રીએ આપી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે તાજેતરમાં જ પદ્મ પુરસ્કારો આપવામાં આવ્યા હતાં. જનજાતિય સમાજમાંથી આવનારા સાથીઓ જ્યારે રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચ્યા ત્યારે દુનિયાને આંચકો લાગ્યો હતો. પ્રધાનમંત્રીએ આદિવાસી અને ગ્રામીણ સમાજમાં કામ કરનારા લોકોને આ દેશના સાચા હીરા ગણાવ્યા હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે જનજાતિય સમાજના કલાકારોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. વનની 90 કરતા વધુ પેદાશને એમએસપી મળી રહ્યો છે, જેની તુલનાએ અગાઉ આ સંખ્યા 8-10 પેદાશોની હતી. આવા જિલ્લાઓમાં 150 કરતા વધુ મેડિકલ કોલેજને મંજૂરી અપાઈ છે. 2500 કરતા વધુ વન ધન વિકાસ કેન્દ્રનું 37 હજાર સ્વસહાય જૂથો સાથે જોડાણ કરવામાં આવ્યું છે. જેનાથી 7 લાખ રોજગાર સર્જાયા છે. જમીનના 20 લાખ ‘પટ્ટા’ આપવામાં આવ્યા છે અને આદિવાસી યુવાના કૌશલ્ય વર્ધન અને શિક્ષણ ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પાછલા 7 વર્ષમાં 9 નવી ટ્રાઇબલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ્સ શરૂ થઈ છે. નવી શિક્ષણ નીતિમાં માતૃભાષા ઉપર અપાઈ રહેલા ભારના કારણે આદિવાસી લોકોને મદદ મળશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1772026) Visitor Counter : 308