પ્રધાનમંત્રીનું કાર્યાલય
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની બે નવીન ગ્રાહકલક્ષી પહેલોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
12 NOV 2021 3:01PM by PIB Ahmedabad
નમસ્કારજી, નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજી, રિઝર્વ બેન્કના રાજ્યપાલ શ્રી શક્તિકાન્ત દાસજી, કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભવ, દેવીઓ અને સજ્જનો, કોરોનાના આ પડકારપૂર્ણ કાળખંડમાં દેશના નાણાં મંત્રાલયે, આરબીઆઇ અને અન્ય નાણાકીય સંસ્થાઓએ ખૂબ પ્રશંસનીય કામ કર્યું છે. અમૃત મહોત્સવનો આ કાળખંડ, 21મી સદીનો આ મહત્વપૂર્ણ દાયકો દેશના વિકાસ માટે ખૂબ મહત્વ ધરાવે છે. એવામાં આરબીઆઇની ભૂમિકા બહુ મોટી છે, ખૂબ મહત્વપૂર્ણ છે. મને પૂરો વિશ્વાસ છે કે ટીમ આરબીઆઇ, દેશની અપેક્ષાઓ પર ખરી ઉતરશે.
સાથીઓ,
વિતેલા 6-7 વર્ષોથી, કેન્દ્ર સરકાર, સામાન્ય માંનવી, તેના હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા કામ કરી રહી છે. એક નિયામક તરીકે આરબીઆઇ, અન્ય નાણાકીય સંસ્થાઓની સાથે સતત સંવાદ જાળવી રાખે છે. મને ખુશી છે કે આરબીઆઇએ પણ સામાન્ય માનવીની સુવિધા વધારવા માટે સામાન્ય નાગરિકને ધ્યાનમાં રાખીને સતત અનેક પગલાં ભરવામાં આવ્યા છે. આજે તેમાં એક વધુ અન્ય પગલાંનો સમાવેશ થયો છે. આજે જે બે યોજનાઓને શરૂ કરવામાં આવી છે, તેનાથી દેશમાં રોકાણની સીમાનો વિસ્તાર થશે અને કેપિટલ માર્કેટ્સ સુધીની પહોંચ મેળવવા, રોકાણકારો માટે વધુ સરળ, વધુ સુરક્ષિત બનશે. રિટેલ ડાયરેક્ટ યોજનામાં દેશના નાના રોકાણકારોને સરકારી સુરક્ષામાં રોકાણને સરળ અને સુરક્ષિત માધ્યમ મળી ગયું છે. એ જ રીતે ઇન્ટિગ્રેટેડ ઓમ્બ્ડ્સમેન લોકપાલ યોજનાના બેંકિંગ ક્ષેત્રમાં એક રાષ્ટ્ર એક ઓમ્બ્ડ્સમેન એ સિસ્ટમે આજે સાકાર રૂપ લીધું છે. તેનાથી બેંક ગ્રાહકોની દરેક ફરિયાદ, દરેક સમસ્યાનું સમાધાન સમય પર, કોઈપણ મુશ્કેલી વિના થઈ શકશે. અને મારો એવો સ્પષ્ટ મત છે કે લોકશાહીની સૌથી મોટી તાકાત તમે ફરિયાદ નિવારણ વ્યવસ્થામાં કેટલા મજબૂત છો કેટલા સંવેદનશીલ છો, કેટલા સક્રિય છે, તે જ તો લોકશાહીની સૌથી મોટી કસોટી છે.
સાથીઓ,
અર્થવ્યવસ્થામાં તમામની ભાગીદારીને પ્રોત્સાહન આપવાની જે ભાવના છે, તેને રિટેલ ડાયરેક્ટ યોજના નવી ઊંચાઈ આપનાર છે. દેશના વિકાસમાં સરકારી સુરક્ષા બજારની મહત્વપૂર્ણ ભૂમિકાથી સામાન્ય રીતે લોકો પરિચિત છે. ખાસ કરીને આજે જ્યારે દેશ પોતાના ભૌતિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચરને આધુનિક બનાવવામાં લાગેલો છે, અભૂતપૂર્વ રોકાણ કરી રહ્યો છે, ત્યારે નાનામાં નાના રોકાણકારનો પ્રયાસ અને સહયોગ, ભાગીદારી ખૂબ કામમાં આવવાની છે. અત્યાર સુધી સરકારી સુરક્ષા બજારમાં આપણાં મધ્યમ વર્ગ, આપણાં કર્મચારીઓ, આપણાં નાના વેપારીઓ, વરિષ્ઠ નાગરિકો એટલે કે જેમની નાની બચત છે તેમને સુરક્ષામાં રોકાણ માટે બેંક, વીમા અથવા મ્યુચ્યુઅલ ફંડ જેવા પ્રત્યક્ષ રસ્તા અપનાવવા પડતા હતા. હવે તેમને સુરક્ષિત રોકાણનો વધુ એક સર્વશ્રેષ્ઠ વિકલ્પ મળી રહ્યો છે. હવે દેશના એક બહુ મોટા વર્ગને, સરકારી સુરક્ષામાં, દેશની સંપત્તિના નિર્માણમાં સીધું રોકાણ કરવામાં વધુ સરળતા રહેશે. તમે એ પણ જાણો છો કે ભારતમાં તમામ સરકારી સુરક્ષામાં નિશ્ચિત સેટલમેન્ટની જોગવાઈ કરવામાં આવે છે. એવામાં નાના રોકાણકારોને સુરક્ષાનું એક આશ્વાસન મળે છે. એટલે કે નાના રોકાણકારોને સુરક્ષિત રોકાણ પર સારા રિટર્નનો ભરોસો મળશે અને સરકારને ઇન્ફ્રાસ્ટ્રકચરના વિકાસ માટે દેશના સામાન્ય માનવીની આશા આકાંક્ષાઓને અનુરૂપ નવું ભારત બનાવવા માટે જે જે વ્યવસ્થાઓ વિકસિત કરવી જોઈએ, તેની માટે જરૂરી સંસાધન મળશે. અને આ જ તો આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે નાગરિક અને સરકારની સામૂહિક શક્તિ છે, સામૂહિક પ્રયાસ છે.
સાથીઓ,
સામાન્ય રીતે આર્થિક બાબતો જરા ટેકનિકલ હોય છે, સામાન્ય માનવી હેડલાઈન વાંચીને છોડી દેતો હોય છે, અને એટલા માટે સામાન્ય માનવીને વધુ સારી રીતે આ બાબતોને સમજાવવી અને તેમને સમજાવવું એ હું માનું છું કે આજના સમયની માંગ છે. કારણ કે નાણાકીય સમાવેશિતાની વાત જ્યારે આપણે કરીએ છીએ. ત્યારે આ દેશના છેલ્લા વ્યક્તિને પણ આ પ્રક્રિયાનો ભાગ આપણે બનાવવા માંગીએ છીએ. તમે નિષ્ણાતો આ બધી વાતોથી સુપેરે પરિચિત છો, પરંતુ દેશના સામાન્ય લોકો માટે પણ એ જાણવું, તેમની ખૂબ મદદ કરશે. જેમ કે તેમને ખબર હોવી જોઈએ કે આ યોજના અંતર્ગત ફંડ મેનેજર્સની જરૂર નહિ પડે, સીધું “રિટેલ ડાયરેક્ટ ગિલ્ટ આરડીજી એકાઉન્ટ” ખોલી શકાય તેમ છે. આ એકાઉન્ટ પણ ઓનલાઈન ખોલી શકાય છે અને સુરક્ષાની ખરીદી વેચાણ પણ ઓનલાઈન શક્ય છે. પગરધારકો અથવા પેન્શનર્સ માટે ઘરે બેઠા બેઠા સુરક્ષિત રોકાણ માટેનો આ એક બહુ મોટો વિકલ્પ છે. તેની માટે ક્યાંય પણ આવવા જવાની જરૂર નથી, ફોન અને ઈન્ટરનેટ વડે જ તમે મોબાઈલ ફોન પર ઈન્ટરનેટ કનેક્ટિવિટી, તમારું કામ થઈ જશે. આ આરડીજી એકાઉન્ટ, રોકાણકારના બચત ખાતા સાથે પણ જોડાયેલ હશે. જેથી ખરીદ વેચાણ ઓટોમેટિક – લેવા વેચવાનું જે કામ છે તે આપમેળે શક્ય બની શકશે. તમે કલ્પના કરી શકો છો, લોકોને આનાથી કેટલી સરળતા થશે.
સાથીઓ,
નાણાકીય સમાવેશિતા અને પહોંચની સરળતા જેટલી જરૂરી છે, રોકાણની સરળતા અને બેંકિંગ વ્યવસ્થા પર સામાન્ય માનવીનો ભરોસો પણ સામાન્ય જન માટે સુવિધા પણ સામાન્ય જન માટે સરળતા પણ તેટલી જ જરૂરી છે. એક મજબૂત બેંકિંગ સિસ્ટમ એ મજબૂત થઈ રહેલી અર્થવ્યવસ્થા માટે ખૂબ જરૂરી છે. 2014 પહેલા કેટલાક વર્ષોમાં દેશના બેંકિંગ સિસ્ટમને જે રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, આજે દરેકને ખબર છે, કે કેવી પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ ગઈ હતી, શું શું નહોતું થયું. વિતેલા 7 વર્ષોમાં NPAs ને પારદર્શકતા સાથે ઓળખી કાઢવામાં આવી હતી, રિઝોલ્યુશન અને રિકવરી પર ધ્યાન આપવામાં આવ્યું, જાહેર ક્ષેત્રની બેંકોને રી-કેપિટલાઇઝ કરવામાં આવી, નાણાકીય વ્યવસ્થા અને જાહેર ક્ષેત્રની બેંકોમાં એક પછી એક સુધારાઓ કરવામાં આવ્યા. જે જાણીજોઈને ડિફૉલ્ટર્સ પહેલા વ્યવસ્થા સાથે છેડછાડ કરતાં હતા, હવે તેમની માટે બજારમાંથી ભંડોળ એકઠું કરવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્રની બેંકો સાથે જોડાયેલ શાસનવ્યવસ્થામાં સુધારો થાય, નિર્ણય લેવાની પ્રક્રિયા, ટ્રાન્સફર પોસ્ટિંગ સાથે જોડાયેલ આઝાદી હોય, નાની બેંકોને મર્જ કરીને મોટી બેંકોનું નિર્માણ હોય કે પછી રાષ્ટ્રીય સંપત્તિ પુનઃનિર્માણ કંપની લિમિટેડની સ્થાપના હોય, આ બધા જ પગલાઓ વડે આજે બેંકિંગ ક્ષેત્રમાં નવો વિશ્વાસ, નવી ઊર્જા પાછી ફરી છે.
સાથીઓ,
બેંકિંગ ક્ષેત્રને વધુ મજબૂત કરવા માટે સહકારી બેંકોને પણ આરબીઆઇની હદમાં લાવવામાં આવી છે. તેનાથી આ બેંકોના શાસનમાં પણ સુધારો આવી રહ્યો છે અને જે લાખો જમાકર્તાઓ છે, તેમની અંદર પણ આ વ્યવસ્થા તંત્ર પ્રત્યે વિશ્વાસ મજબૂત થઈ રહ્યો છે. વિતેલા કેટલાક સમયમાં જમાકર્તાઓના હિતોને ધ્યાનમાં રાખીને અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. એક રાષ્ટ્ર, એક ઓમ્બ્ડ્સમેન વ્યવસ્થા દ્વારા જમાકર્તાઓ અને રોકાણકારોની પ્રતિબદ્ધતાને બળ મળ્યું છે. આજે જે યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, તેનાથી બેંક, એનબીએફસી અને પ્રિ-પેઇડ ઇન્સ્ટ્રુમેન્ટમાં 44 કરોડ લોન ખાતાઓ અને 220 કરોડ જમા ખાતાઓ તેમના જે ગ્રાહકો છે તે ગ્રાહકોને સીધી રાહત મળશે. હવે આરબીઆઇ દ્વારા નિયામક તમામ સંસ્થાઓ માટે ખાતા ધારકોણી ફરિયાદોને નોંધવા, દેખરેખ રાખવા અને નિયંત્રણ કરવાનું એક જ મંચ હશે. એટલે કે ફરિયાદ નિવારણ માટે ખાતા ધારકને હવે એક વધુ સરળ વિકલ્પ મળી ગયો છે. જેમ કે જો કોઈનું બેંક ખાતું લખનઉમાં છે અને તે દિલ્હીમાં કામ કરી રહ્યો છે તો પહેલા એવું થતું હતું કે તેને લખનઉના ઓમ્બ્ડ્સમેનને જ ફરિયાદ કરવી પડતી હતી. પરંતુ હવે તેને ભારતમાં ગમે ત્યાંથી પણ પોતાની ફરિયાદ નોંધાવાની સુવિધા મળી ગઈ છે. મને એ પણ જણાવવામાં આવ્યું છે કે ઓનલાઈન છેતરપિંડી, સાયબર છેતરપિંડી સાથે જોડાયેલ કિસ્સાઓને પહોંચી વળવા માટે આરબીઆઇએ આ યોજનામાં કૃત્રિમ બુદ્ધિમત્તાના વ્યાપક ઉપયોગની જોગવાઈ કરી છે. તેનાથી બેંક અને તપાસ કરનારી સંસ્થાઓની વચ્ચે ઓછામાં ઓછા સમયમાં વધુ સારા તાલમેલની ખાતરી થઈ શકશે. જેટલી ઝડપથી પગલાં ભરવામાં આવશે, છેતરપિંડી દ્વારા કાઢવામાં આવેલ રકમની રિકવરીની સંભાવના પણ તેટલી જ વધારે હશે. આવા પગલાઓ વડે ડિજિટલ પેનીટ્રેશન અને ગ્રાહક સમાવેશિતાની સીમા પણ ખૂબ વિશ્વાસ સાથે વિસ્તૃત થશે, ગ્રાહકનો ભરોસો હજી વધારે વધશે.
સાથીઓ,
વિતેલા વર્ષોમાં દેશના બેંકિંગ ક્ષેત્રમાં, નાણાકીય ક્ષેત્રમાં સમાવેશિતાથી લઈને ટેક્નોલોજિકલ સંકલન અને અન્ય સુધારાઓ કરવામાં આવ્યા છે, તેમની શક્તિ આપણે કોવિડના આ મુશ્કેલ સમયમાં પણ જોઈ છે. અને તેના કારણે સામાન્ય માનવીની સેવા કરવાનો એક સંતોષ પણ ઉત્પન્ન થાય છે. સરકાર જે મોટા મોટા નિર્ણયો લઈ રહી હતી, તેની અસર વધારવામાં આરબીઆઇના નિર્ણયોએ પણ ખૂબ મોટી મદદ કરી છે. અને હું આરબીઆઇ રાજ્યપાલ અને તેમની આખી ટીમને સાર્વજનિક રૂપે આ સંકટકાળમાં જે રીતે તેમણે બાબતોને હિંમતપૂર્વક જે નિર્ણયો લીધા છે તેની માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સરકાર દ્વારા જે ક્રેડિટ બાહેંધરી યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, તે અંતર્ગત લગભગ 2 લાખ 90 હજાર કરોડ રૂપિયા કરતાં વધુની લોનને મંજૂરી આપી દેવામાં આવી છે. તેની મદદથી સવા કરોડ કરતાં વધુ લાભાર્થીઓએ પોતાના ઉદ્યોગો વધારે મજબૂત કર્યા છે. તેમાંથી મોટાભાગના MSMEs છે, આપણાં મધ્યમ વર્ગના નાના ઉદ્યોગકારો છે.
સાથીઓ,
કોવિડ કાળમાં જ સરકાર દ્વારા નાના ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેનાથી અઢી કરોડ કરતાં વધુ ખેડૂતોને કેસીસી કાર્ડ્સ પણ મળ્યા અને લગભગ પોણા 3 લાખ કરોડનું કૃષિ ધિરાણ પણ તેમને મળી ગયું. પીએમ સ્વનિધિ વડે આશરે 26 લાખ શેરીના ફેરિયાઓને કે જેઓ લારીઓ ચલાવે છે, શાકભાજી વેચે છે, તેવા 26 લાખ લોકોને ધિરાણ મળી ચૂક્યું છે, અને તમે કલ્પના કરી શકો છો. કોવિડકાળ, આ સંકટ સમય હોવા છતાં પણ 26 લાખ કરતાં વધુ આપણાં શેરીના ફેરિયાઓને મદદ મળી જાય, કેટલું મોટું તેમની માટે બળ થઈ ગયું આ. આ યોજનાએ તેમને બેંકિંગ વ્યવસ્થા સાથે પણ જોડી દીધી છે. આવા અનેક હસ્તક્ષેપોથી ગામડા અને શહેરોમાં આર્થિક ગતિવિધિઓને ફરી શરૂ કરવામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
સાથીઓ,
6-7 વર્ષ પહેલા સુધી ભારતમાં બેંકિંગ, પેન્શન, વીમા, આ બધુ એક અલગ જ ક્લબ જેવુ ચાલ્યા કરતું હતું. દેશનો સામાન્ય નાગરિક, ગરીબ પરિવાર, ખેડૂત, નાના વેપારી, કારોબારી, મહિલાઓ, દલિત, વંચિત, પછાત, આ બધા માટે આ બધી સુવિધાઓ બહુ દૂર હતી. જે લોકો ઉપર આ સુવિધાઓને ગરીબ સુધી પહોંચાડવાની જવાબદારી હતી, તેમણે પણ આની ઉપર ક્યારેય ધ્યાન નહોતું આપ્યું. ઉપરથી ફેરફાર ના થાય, કોઈ પરિવર્તન ના આવે, ગરીબ સુધી જવાનો રસ્તો બંધ કરવા માટે જે કઈં પણ તર્ક આપી શકે છે. ખૂબ સારી રીતે બહાના આ જ એક પરંપરા થઈ ગઈ હતી. અને શું શું નહોતું કહેવામાં આવતું, સાવ ખુલ્લી રીતે બેશરમી સાથે કહેવામાં આવતું હતું. અરે, બેંકની શાખા નથી, સ્ટાફ નથી, ઈન્ટરનેટ નથી, લોકોમાં જાગૃતિ નથી, ખબર નહિ કેવા કેવા તર્ક આપવામાં આવતા હતા. બિનઉત્પાદક બચત અને અનૌપચારિક ધિરાણ, તેના વડે સામાન્ય નાગરિકની સ્થિતિ પણ ખરાબ થઈ રહી હતી અને દેશના વિકાસમાં તેની ભાગીદારી પણ ના બરાબર હતી. પેન્શન અને વીમા વિષે તો એવું જ માનવામાં આવતું હતું કે આ બધુ સમૃદ્ધ પરિવારોના નસીબમાં જ છે. પરંતુ આજે સ્થિતિ બદલાઈ રહી છે. આજે નાણાકીય સમાવેશન જ નહિ, બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રમાં પહોંચની સરળતા એ ભારતની ઓળખ બની રહી છે. આજે જુદી જુદી પેન્શન યોજનાઓ અંતર્ગત સમાજનો દરેક વ્યક્તિ 60 વર્ષની ઉંમર પછી મળનારા પેન્શનની સુવિધા સાથે જોડાઈ શકે છે. પીએમ જીવન જ્યોતિ વીમા યોજના અને પીએમ સુરક્ષા વીમા યોજના અંતર્ગત લગભગ 38 કરોડ દેશવાસી, 2-2 લાખ રૂપિયાની વીમા સુરક્ષા સાથે જોડાયેલા છે. દેશના લગભગ દરેક ગામમાં 5 કિલોમીટરની હદમાં બેંકની શાખા અથવા બેંકિંગ સંપર્કની સુવિધા પહોંચી રહી છે. સંપૂર્ણ દેશમાં આજે લગભગ સાડા 8 લાખ બેંકિંગ ટચ પોઇન્ટ્સ છે, જે દેશના દરેક નાગરિકની બેંકિંગ સુવિધા સાથેની પહોંચ વધારી રહ્યા છે. જનધન યોજના અંતર્ગત 42 કરોડથી વધુ ઝીરો બેલેન્સ બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા છે, જેમાં આજે ગરીબના હજારો કરોડ રૂપિયા જમા છે. મુદ્રા યોજના વડે મહિલાઓ, દલિત, પછાતો આદિવાસીઓમાં વેપારીઓ કારોબારીઓની એક નવી પેઢી સામે આવી છે, અને સ્વનિધિ યોજના વડે લારી, ગલ્લા, ફેરિયાઓ વગેરે લોકો પણ સંસ્થાગત ધિરાણ સાથે જોડાઈ શક્યા છે.
સાથીઓ,
છેક છેવાડાની નાણાકીય સમાવેશિતા સાથે જ્યારે ડિજિટલ સશક્તિકરણ જોડવામાં આવ્યું, તો તેણે દેશના લોકોને એક નવી તાકાત આપી છે. 31 કરોડથી વધુ રૂપિયાના કાર્ડ, આશરે 50 લાખ PoS/ m-PoS મશીનોએ આજે દેશના ખૂણે ખૂણામાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને શક્ય બનાવ્યું છે. યુપીઆઈએ તો ખૂબ ઓછા સમયમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનના કેસમાં ભારતને દુનિયાનો અગ્રણી દેશ બનાવી દીધો છે. માત્ર 7 વર્ષોમાં ભારતે ડિજિટલ ટ્રાન્ઝેક્શનની બાબતમાં 19 ગણી છલાંગ લગાવી છે. આજે 24 કલાક, સાતેય દિવસ અને 12 મહિના દેશમાં ગમે ત્યારે, ગમે ત્યાં આપણી બેંકિંગ વ્યવસ્થા ચાલુ રહે છે. તેનો લાભ પણ આપણને કોરોનાના આ કાળમાં જોવા મળ્યો છે.
સાથીઓ,
આરબીઆઇનું એક સંવેદનશીલ નિયામક હોવું અને બદલાતી પરિસ્થિતિઓ માટે પોતાની જાતને તૈયાર રાખવી, એ દેશની એક બહુ મોટી તાકાત છે. આજકાલ તમે જોઈ રહ્યા છો કે ફિનટેક જેવા ક્ષેત્રમાં આપણાં ભારતીય સ્ટાર્ટ અપ્સ કઈ રીતે વૈશ્વિક વિજેતાઓ બની રહ્યા છે. આ ક્ષેત્રમાં ટેકનોલોજી ઝડપથી બદલાઈ રહી છે. આપણાં દેશના યુવાનોએ ભારતને ઇનોવેશનનું વૈશ્વિક ઊર્જા કેન્દ્ર બનાવી દીધું છે. એવા સમયમાં એ જરૂરી છે કે આપણી નિયામક વ્યવસ્થાઓ, આ પરિવર્તનો વિષે જાગૃત રહે અને આપણી નાણાકીય વ્યવસ્થાને વિશ્વ સ્તરીય બનાવેલી રાખવા માટે સુયોગ્ય ઇકોસિસ્ટમનું નિર્માણ કરવામાં આવે, તેને સશક્ત બનાવવામાં આવે.
સાથીઓ,
આપણે દેશની, દેશના નાગરિકોની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખવી જ પડશે, રોકાણકારોના ભરોસાને સતત મજબૂત કરતો રહેવો પડશે. મને પૂરો વિશ્વાસ છે કે એક સંવેદનશીલ અને રોકાણકારને અનુકૂળ ગંતવ્ય સ્થાનના રૂપમાં ભારતની નવી ઓળખને આરબીઆઇ સતત સશક્ત કરી રહ્યું છે અને મને વિશ્વાસ છે કે સશક્ત કરતું રહેશે. એક વાર ફરી આ મોટા સુધારાઓ માટે હું આપ સૌને, તમામ હિતધારકોને, પહેલ લાવનારા સૌને, ટેકનોલોજીની છલાંગ લગાવવા બદલ આપ સૌને ખૂબ શુભકામનાઓ આપું છું. ખૂબ ખૂબ આભાર!
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad &nbs…
(Release ID: 1771290)
Visitor Counter : 312
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada