પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને કરેલા સંબોધનનો મૂળપાઠ

Posted On: 22 OCT 2021 11:49AM by PIB Ahmedabad

આજે હું મારી વાતની શરૂઆત એક વેદ વાક્યથી કરવા ઈચ્છુ છું.

કૃતમ મે દક્ષિણે હસ્તે,

જયો મે સવ્ય આહિત:

આ વાતને ભારતના સંદર્ભમાં જોઈએ તો ખૂબ સીધો સાદો અર્થ એ થાય છે કે આપણા દેશે એક તરફ કર્તવ્યનું પાલન કર્યું છે, તો બીજી તરફ તેને મોટી સફળતા પણ મળી છે. કાલે 21 ઓક્ટોબરના રોજ ભારતે 1 અબજ, 100 કરોડ રસીના ડોઝનું કઠીન, પરંતુ અસાધારણ લક્ષ્ય હાંસલ કર્યું છે. આ સિધ્ધિની પાછળ 130 કરોડ દેશવાસીઓની કર્તવ્યશક્તિ લાગેલી છે, એટલા માટે આ સફળતા એ ભારતની સફળતા છે, દરેક દેશવાસીની સફળતા છે. હું તેના માટે તમામ દેશવાસીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.

સાથીઓ,

100 કરોડ રસીને ડોઝ એ માત્ર એક આંકડો જ નથી, તે દેશના સામર્થ્યનું પ્રતિબિંબ છે. ઈતિહાસના નવા પ્રકરણની રચના છે. તે એવા નવા ભારતની તસવીર છે કે જે આકરાં લક્ષ્ય નિર્ધારિત કરીને તેને હાંસલ કરવાનું જાણે છે. આ એ નવા ભારતની તસવીર છે કે જે પોતાના સંકલ્પોની સિધ્ધિ માટે પરિશ્રમની પરાકાષ્ઠા સુધી પહોંચે છે.

સાથીઓ,

આજે ઘણાં લોકો ભારતના રસીકરણ કાર્યક્રમની તુલના દુનિયાના દેશ સાથે કરી રહ્યા છે. ભારતે જે ઝડપથી 100 કરોડ, 1 અબજનો આંકડો પાર કર્યો છે તેની પ્રશંસા પણ થઈ રહી છે, પરંતુ આ વિશ્લેષણમાં કદાચ એક બાબત રહી જાય છે કે આપણે શરૂઆત ક્યાંથી કરી હતી! દુનિયાના અન્ય મોટા દેશ માટે રસી અંગે સંશોધન કરવું, રસી શોધવી, તેમાં દાયકાઓની તેમની મહારથ એટલે કે નિપુણતા હતી. ભારતે મોટાભાગે આ દેશોની રસી પર આધાર  રાખવો પડતો હતો. આપણે બહારથી રસી મંગાવતા હોવાના કારણે જ્યારે 100 વર્ષની સૌથી મોટી મહામારી આવી ત્યારે ભારત અંગે સવાલ થવા માંડ્યા કે શું ભારત વિશ્વની આ મહામારી સામે લડત આપી શકશે? ભારત આટલી રસી ખરીદવા માટે પૈસા ક્યાંથી લાવશે? ભારતને રસી ક્યારે મળશે? ભારતના લોકોને રસી મળશે કે નહીં? શું ભારત આટલા બધા લોકોને રસી આપી શકશે અને મહામારી ફેલાતી રોકી શકશે? જાતજાતના સવાલો થતા હતા, પણ આજે આ 100 કરોડ રસીના ડોઝ દરેક સવાલનો જવાબ આપી રહ્યા છે. ભારતે પોતાના નાગરિકોને રસીના 100 કરોડ ડોઝ લગાવ્યા છે અને તે પણ મફત, પૈસા લીધા વગર.

સાથીઓ,

100 કરોડ રસીના ડોઝની અસર એ પડશે કે દુનિયા હવે ભારતને કોરાના સામે વધુ સુરક્ષિત માનશે. એક ફાર્મા હબ તરીકે ભારતને દુનિયામાં જે સ્વિકૃતિ મળેલી છે તે હવે વધુ મજબૂત થશે. સમગ્ર વિશ્વ આજે ભારતની આ તાકાતને જોઈ રહ્યું છે, અનુભવ કરી રહ્યું છે.

સાથીઓ,

ભારતનું આ રસીકરણ અભિયાન 'સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસ' નું સૌથી જીવંત ઉદાહરણ છે. કોરોના મહામારીની શરૂઆતમાં એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ભારત  જેવા લોકતંત્રમાં આ મહામારી સામે લડવાનું ખૂબ મુશ્કેલ બની રહેશે. ભારત માટે અને ભારતના લોકો માટે પણ કહેવામાં આવી રહ્યું હતું કે આટલો સંયમ, આટલી શિસ્ત ક્યાં સુધી ચાલશે? પરંતુ આપણાં લોકતંત્રનો અર્થ છે- 'સબ કા સાથ.'  બધાંને સાથે લઈને દેશે 'સૌને રસી, મફત રસી' નું અભિયાન શરૂ કર્યું. ગરીબ- અમીર, ગામ- શહેર, દૂર-સુદૂર, દેશનો એક જ મંત્ર રહ્યો કે જો બિમારી ભેદભાવ કરતી ના હોય તો રસીમાં પણ ભેદભાવ ના હોઈ શકે! એટલા માટે એ નિશ્ચિત કરવામાં આવ્યું કે રસીકરણ અભિયાન ઉપર વીઆઈપી કલ્ચર પ્રભાવી બની જાય નહીં. કોઈ ગમે તેટલા મોટા હોદ્દા  ઉપર જ કેમ ના હોય, ગમે તેટલો અમીર હોય તો પણ તેમને રસી સામાન્ય નાગરિકની જેમ જ મળશે.

સાથીઓ,

આપણાં દેશ માટે એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે મોટાભાગના લોકો રસી લેવા જ નહીં આવે. દુનિયાના અનેક મોટા વિકસીત દેશોમાં આજે પણ રસી લેવા માટે એક મોટો ખચકાટ જોવા મળે છે અને આ બાબત પડકારરૂપ બની છે, પરંતુ ભારતના લોકોએ 100 કરોડ રસીના ડોઝ લઈને આ લોકોને નિરૂત્તર કરી દીધા છે.

સાથીઓ,

કોઈપણ અભિયાનમાં જ્યારે 'સૌનો પ્રયાસ' જોડાઈ જાય છે ત્યારે અદ્દભૂત પરિણામ મળે છે. આપણે મહામારી સામે દેશની લડાઈમાં લોકભાગીદારીને પોતાની પહેલી તાકાત બનાવી. ફર્સ્ટ લાઈન ઓફ ડિફેન્સ બનાવી, દેશે પોતાની એકતાને ઉર્જા પૂરી પાડવા માટે તાળી અને થાળી પણ વગાડી, દીવા પ્રગટાવ્યા ત્યારે કેટલાક લોકોએ કહ્યું હતું કે શું આનાથી બિમારી ભાગી જશે? પરંતુ આપણને સૌને એમાં દેશની એકતા જોવા મળી. સામુહિક શક્તિનું જાગરણ દેખાયું. આ તાકાતે કોવિડ રસીકરણમાં આજે દેશને આટલા ઓછા સમયમાં 100 કરોડ સુધી પહોંચાડ્યો છે. ઘણી વખત આપણાં  દેશમાં એક દિવસમાં એક કરોડ લોકોને રસી આપવાનો આંકડો પાર કરી દેવાયો છે. આ ઘણું મોટું સામર્થ્ય છે. વ્યવસ્થાનું કૌશલ્ય છે, ટેકનોલોજીનો બહેતર ઉપયોગ છે, જે આજે મોટા મોટા દેશો પાસે પણ નથી.

સાથીઓ,

ભારતનો સમગ્ર રસીકરણ કાર્યક્રમ વિજ્ઞાનની કૂખમાંથી જન્મ્યો છે. વૈજ્ઞાનિક આધાર સાથે વિકસ્યો છે અને વૈજ્ઞાનિક પધ્ધતિઓથી ચારેય દિશામાં પહોંચ્યો છે. આપણાં સૌ માટે એ ગર્વ લેવા જેવી બાબત છે કે ભારતનો સમગ્ર રસીકરણ કાર્યક્રમ વિજ્ઞાનથી જન્મેલો, વિજ્ઞાન વડે આગળ ધપેલો અને વિજ્ઞાન આધારિત રહ્યો છે. રસી બનવાની શરૂઆત થઈ તે પહેલાથી શરૂ કરીને રસી લગાવવા સુધીના આ સમગ્ર અભિયાનમાં દરેક તબક્કે વિજ્ઞાન અને વૈજ્ઞાનિક અભિગમ સામેલ રહ્યો છે. આપણી સામે રસીના ઉત્પાદન અંગે પણ પડકાર હતો. આપણે ઉત્પાદનનો વ્યાપ વધારવો પણ હતો. આટલો મોટો દેશ, આટલી મોટી વસતિ! તે પછી અલગ અલગ રાજ્યોમાં, દૂર દૂરના વિસ્તારોમાં સમયસર રસી પહોંચાડવી! તે પણ કોઈ ભગીરથ કાર્યથી ઓછુ ન હતું, પરંતુ વૈજ્ઞાનિક પધ્ધતિઓ વડે અને નવા નવા ઈનોવેશન મારફતે દેશે આ પડકારોના ઉપાયો શોધ્યા. અસાધારણ ગતિથી સંસાધનો વધારવામાં આવ્યા. કયા રાજ્યને કેટલી રસી ક્યારે મળવી જોઈએ, કયા વિસ્તારોમાં કેટલી રસી પહોંચવી જોઈએ તે માટે પણ વૈજ્ઞાનિક ફોર્મ્યુલા હેઠળ કામ કરવામાં આવ્યું. આપણાં દેશે કોવિડ પ્લેટફોર્મ માટે જે વ્યવસ્થા ઉભી કરી છે તે વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર છે. ભારતના બનેલા કોવિડ પ્લેટફોર્મે સામાન્ય લોકોને સુવિધા તો પૂરી પાડી જ  છે, પણ સાથે સાથે તબીબી સ્ટાફનું કામ પણ આસાન બનાવ્યું છે.

સાથીઓ,

આજે ચારેય તરફ એક વિશ્વાસ છે, ઉત્સાહ છે, ઉમંગ છે. સમાજથી માંડીને અર્થતંત્ર સુધી આપણે દરેક વિભાગમાં જોઈએ તો આશાવાદ, આશાવાદ અને આશાવાદ જ નજરે પડે છે. નિષ્ણાતો અને દેશ- વિદેશની અનેક એજન્સીઓ ભારતની અર્થવ્યવસ્થા બાબતે ખૂબ જ સકારાત્મક છે. આજે ભારતીય કંપનીઓમાં વિક્રમ મૂડીરોકાણ તો આવી જ રહ્યું છે, પણ સાથે સાથે યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે. સ્ટાર્ટઅપમાં વિક્રમ મૂડીરોકાણની સાથે જ, વિક્રમ પ્રમાણમાં સ્ટાર્ટઅપ્સ યુનિકોર્ન બની રહ્યા છે. હાઉસિંગ સેક્ટરમાં પણ નવી ઊર્જા દેખાઈ રહી છે. વિતેલા મહિનાઓમાં જે કોઈ સુધારા કરવામાં આવ્યા, ઘણી બધી પહેલ હાથ ધરવામાં આવી, ગતિ શક્તિથી માંડીને નવી ડ્રોન પોલિસી સુધી તે ભારતની અર્થવ્યવસ્થાને ઝડપભેર આગળ ધપાવવામાં મોટી ભૂમિકા નિભાવશે. કોરોના કાળમાં કૃષિ ક્ષેત્રએ આપણી અર્થવ્યવસ્થાને મજબૂતીથી જાળવી રાખવાનું કામ કર્યું. આજે વિક્રમ સ્તરે અનાજની સરકારી ખરીદી થઈ રહી છે, ખેડૂતોના બેંક ખાતામાં સીધા પૈસા જમા થઈ રહ્યા છે. રસીના વધતા જતા વ્યાપની સાથે સાથે આર્થિક- સામાજીક ગતિવિધી હોય, ખેલ જગત હોય, પ્રવાસન પ્રવૃત્તિ હોય, મનોરંજન હોય, બધી બાજુએ સકારાત્મક ગતિવિધીઓ ઝડપી બની રહી છે. આવનારા તહેવારોની મોસમમાં તેને વધુ ગતિ મળશે અને શક્તિ મળશે.

સાથીઓ,

એક જમાનો હતો કે જ્યારે મેડ ઈન- આ દેશ, મેડ ઈન- તે દેશનો ઘણી ઘેલછા રહેતી હતી, પણ આજે દરેક દેશવાસી સાક્ષાત અનુભવ કરી રહ્યો છે કે મેડ ઈન ઈન્ડિયાની તાકાત ખૂબ મોટી છે અને આજે હું તમને ફરીથી કહીશ કે આપણે નાનામાં નાની દરેક વસ્તુ, જે મેડ ઈન ઈન્ડિયા હોય, જેને  બનાવવામાં કોઈ ભારતવાસીએ પસીનો વહાવ્યો હોય, તેને ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ અને આ બધું સૌના પ્રયાસથી જ શક્ય બની શકશે. જે રીતે સ્વચ્છ ભારત અભિયાન એ એક જન આંદોલન છે, તે જ રીતે ભારતમાં બનેલી ચીજ ખરીદીને, ભારતીયો દ્વારા બનાવેલી ચીજ ખરીદવી, વોકલ ફોર લોકલ થવું એ બધું આપણે વ્યવહારમાં લાવવું પડશે. અને મને વિશ્વાસ છે કે સૌના પ્રયાસથી આપણે આ બધું કરીને જ રહીશું. તમે યાદ કરો, ગઈ દિવાળીએ દરેક વ્યક્તિના દિલ અને દિમાગમાં એક તાણ હતી, પણ આ દિવાળીએ 100 કરોડ રસીના ડોઝના કારણે વિશ્વાસની એક ભાવન છે. જો મારા દેશની રસી મને સુરક્ષા આપી શકતી હોય તો, મારા દેશનું ઉત્પાદન, મારા દેશમાં બનેલો સામાન, મારી દિવાળી વધુ ભવ્ય બનાવી શકે તેમ છે. એક તરફ દિવાળી વખતની ખરીદી અને બીજી તરફ બાકીના વર્ષની ખરીદી હોય છે. આપણે ત્યાં દિવાળીના સમયમાં, તહેવારોના સમયમાં વેચાણ એકદમ વધી જતું હોય છે. 100 કરોડ રસીના ડોઝ- આપણાં નાના નાના દુકાનદારો, આપણાં નાના નાના ઉદ્યોગો, આપણાં લારી-ફેરીવાળા ભાઈ બહેનો તમામ માટે આશાનું કિરણ બનીને આવ્યા છે.

સાથીઓ,

આજે આપણી સામે અમૃત મહોત્સવનો સંકલ્પ છે તેવા સમયે આપણી આ સફળતા આપણને નવો આત્મવિશ્વાસ પૂરો પાડે છે. આજે આપણે કહી શકીએ તેમ છીએ કે દેશ મોટા લક્ષ્ય નક્કી કરવાનું અને તેને હાંસલ કરવાનું સારી રીતે જાણે છે, પરંતુ તેના માટે આપણે સતત સાવધાન રહેવાની પણ જરૂર છે. આપણે બેદરકારી દાખવવાની નથી. કવચ ગમે તેટલું ઉત્તમ હોય, કવચ ગમે તેટલું આધુનિક હોય, કવચથી સુરક્ષાની પૂરી ગેરન્ટી હોય તો પણ જ્યારે યુધ્ધ ચાલી રહ્યું હોય ત્યારે હથિયાર હેઠા મૂકવામાં આવતા નથી. મારો આગ્રહ છે કે આપણે આપણાં તહેવારો સંપૂર્ણ સતર્કતા સાથે જ ઉજવવાના છે અને જ્યાં સુધી માસ્કનો સવાલ છે, ક્યારેક ક્યારેક થોડી, પરંતુ હવે તો ડિઝાઈનની દુનિયા પણ માસ્કમાં પ્રવેશ કરી ચૂકી છે. મારે એટલું જ કહેવાનું છે કે આપણને જૂતા પહેરીને જ બહાર જવાની આદત પડી છે, બસ તેવી જ રીતે માસ્કને પણ એક સહજ અને સ્વાભાવિક બનાવવો જ પડશે. જેમને અત્યાર સુધી રસી નથી લાગી તે લોકો તેને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે. જેમને રસી લાગી ગઈ છે તે લોકો બીજા લોકોને પ્રેરણા આપે. મને પૂરો વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરીશું તો કોરોનાને વધુ જલ્દી હરાવી શકીશું. આપ સૌને આવનારા તહેવારો માટે ફરી એકવાર શુભેચ્છા પાઠવું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ!

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1765708) Visitor Counter : 398